Truth in practice (4)

સત્યઃ વ્યવહારમાં (૪)
મનુષ્ય X મનુષ્ય

આ સંબંધો ખાસ પ્રકારના છે. પહેલા પ્રકારમાં બે વસ્તુઓની સમીપતાને આપણે સંલગ્નતા અને અભિન્નતા તરીકે જોઈ, કાર્યકારણનો પ્રભાવ પણ જોયો. બીજા પ્રકારમાં એક વસ્તુ વિશે મનુષ્યના સાપેક્ષ અભિપ્રાયની વાત જોઈ. પરંતુ, મનુષ્ય અને મનુષ્યના સંબંધોમાં એવું નથી. એમાં બન્ને પક્ષ એકબીજા માટે અભિપ્રાય આપી શકે છે. બીજાંઓ અને મનુષ્ય વચ્ચે આ ફેર છે. વળી, આ અભિપ્રાય પોતે પણ સંબંધોના વિકાસમાં ભાગ ભજવે છે. દાખલા તરીકે, આ તમે વામ્ચો છો તેને બદલે કલ્પના કરો કે હું તમારી સમક્ષ ભાષણ કરૂં છું. તમે તન્મય થઈને સાંભળો છો. મારો અભિપ્રાય એવો બંધાય છે કે તમે મારાથી પ્રભાવિત થાઓ છો. તમારો પણ એ જ અભિપ્રાય હોય એમ બને? કદાચ તમે કંટાળતા હો, માત્ર સૌજન્ય ખાતર ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરતા હો, પરંતુ, તમારી પાસે બેઠેલો તમારો મિત્ર તો બહુ જ કંટાળે છે અને મનમાં વિચારે છે કે “બહુ લપલપ કરે છે!” શ્રોતાઓમાં એકાદ જણને ખરેખર એવું લાગે કે હું ખરેખર સારૂં બોલું છું. આવું બનતું હોય છે ને? વળી, સમય જતાં આ દરેક અભિપ્રાયમાં ફેરફાર પણ થતો હોય છે એ પણ આપણે જાણીએ છીએ. હું તમારૂં મૂલ્યાંકન કરૂં છું, તો સામે પક્ષે તમે પણ મારૂં મૂલ્યાંકન કરો છો! આ બધા અભિપ્રાય વ્યક્તિગત છે, સમયાધીન છે અને એ કારણે સાપેક્ષ છે. આવા અભિપ્રાયોમાં પ્રતિપાદિત થઈ શકે એવું સત્ય નથી.

આપણા સંબંધો સતત આવા મૂલ્યાંકનને અધીન રહે છે. એટલે જ, આપણે જ્યારે યોગ્ય મૂલ્યાંકન કરવામાં મુશ્કેલી અનુભવીએ ત્યારે પૂછતા પણ હોઈએ છીએઃ “તમે શું કહેવા માગો છો?” ક્યારેક તો ગુસ્સામાં અને ક્યારેક વધારે સમજવા માટે આ સવાલ કરતા હોઈએ છીએ. આવો પણ આપણો અનુભવ છે જ ને? આમ, મૂલ્યાંકન અભિપ્રાયો બનાવવા માટે જરૂરી છે. અહીં કોઈ ‘ઈતર’ નથી! એટલે મૂલ્યાંકનનો અધિકાર બન્ને પક્ષ આપમેળે અને સ્વાભાવિક રીતે જ સ્થાપિત કરી લે છે. આ અધિકાર એમના મગજના વિકાસના સ્તરનું પરિણામ છે.

મૂલ્યાંકનનાં નિર્ણાયક પરિબળો
આપણી શારીરિક ઉંમર કઈં પણ હોય, માનસિક ઉંમર બહુ મોટી હોય છે. આપણે કહી શકીએ કે આપણી ઉંમર એક હજાર વર્ષ છે! હું કહેવા એ માગું છું કે મૂલ્યાંકનનો આધાર આપણી અંદર જ હોય છે. આપણું શરીર જેટલું વજન સહન કરી શકે તેના કરતાં મન અનેકગણું વજન સહન કરી શકે છે. મૂલ્યાંકનમાં મન જે રીતે ઘડાયું હોય તેની ભૂમિકા મહત્વની રહે છે. આ લેખમાળાના બીજા ભાગમાં આપણે કલ્પના, વ્યક્તિગત અને સામુદાયિક સ્મૃતિ માન્યતામાં શો ભાગ ભજવે છે તે જોયું. એની છાયા તરીકે ભાષામાં વિશેષણોના સ્થાનની પણ ચર્ચા કરી. ઇતિહાસ તો ખરો જ, પરંતુ ભૂગોળ પણ આપણા ઘડતરમાં ભાગ ભજવતી હોય છે. આપણે આ માન્યતાઓને આધારે મૂલ્યાંકન કરીએ છીએ. આપણે સામુદાયિક સ્મ્રુતિને આધારે જાતિઓ બનાવીએ છીએ અને ‘મારી જાતિ’, ‘તારી જાતિ’ એવા ભેદ કરીએ છીએ પણ એ માત્ર સાપેક્ષ છે. એને ટેકો આપે એવો આધાર આપણી પાસે નથી હોતો. આપણે વિચારવાની એક જાતની ટેવ વિકસાવી લઈએ છીએ અને એને વળગી રહીએ છીએ. આવતી દરેક વ્યક્તિને આપણે એ લાગુ કરવાની કોશિશ કરીએ છીએ. દાખલા તરીકે, એક જાતિ વિશે કહેવત છેઃ એક જ સ્થાને તમે xxxx અને સાપને એક સાથે જૂઓ તો પહેલાં xxxxને મારો! આ કહેવત દક્ષિણ ભારતમાં પણ જોવા મળી, જો કે એમાં xxxxને સ્થાને yyyyનું નામ લેવાય છે.

જ્યારે પણ તમે એ જાતિની કોઈ વ્યક્તિના સંપર્કમાં આવશો ત્યારે આ માન્યતા એ વ્યક્તિના મૂલ્યાંકનમાં ભાગ ભજવશે. આપણી પહેલી પ્રતિક્રિયા એ હશે કે આ માણસનો બહુ ભરોસો ન કરવો. કારણ? બસ, એક ટેવ; જાણે એક આદિમ ભયનો એ ભાગ હોય. એ જીવનને જોખમમાં મૂકે એવો ભય નથી. પરંતુ આપણી માન્યતાએ એને આદિમ ભયનો દરજ્જો આપ્યો હોય છે. વ્યક્તિગત રીતે આપને એ માન્યતાને ચકાસવા માટે એ જાતિની દરેક વ્યક્તિને મળીએ અને ફરીથી એ જ તારણ પર પહોંચીએ તો જુદી વાત છે, પરંતુ એવી ચકાસણીની જરૂર પણ નથી સમજતા. આપણે કલ્પેલા સંબંધોના સત્યને સમજવા માટે કશું જ નથી કરતા, આપણી માન્યતાઓને જ ‘પ્રતિપાદક’ માની લઈએ છીએ. સામાન્ય રીતે, આપણી માન્યતાઓને પડકારવાની આપણી તૈયારી નથી હોતી.

વિશેષણો વિનાની દુનિયા
એ જ રીતે આપણે ભાષામાં વિશેષણો લાવ્યા છીએ. એ આપણી માન્યતાઓનું જ પ્રતિબિંબ છે. વર્ણનાત્મક વિષેષણો ઉપરાંત અભિપ્રાયમૂલક વિશેષણો પણ હોય છે. આપણે પહેલાં જોયું છે તેમ ‘સારૂં’, ‘ખરાબ’ આવાં વિશેષણો છે. આપણે માનીએ છીએ કે વેશ્યા ખરાબ હોય. આ વ્યવસાય શી રીતે બન્યો તેના તરફ ધ્યાન આપ્યા વિના જ આપણે મૂલ્યાંકન કરી લઈએ છીએ, હવે અહીં વિશેષણ વિનાની ભાષાની દુનિયાનો એક દાખલો લઈએ.

આમાં ઓકૅમ નામના એક તર્કશાસ્ત્રી અને ચિંતકના ઓજારની મદદ લઈશું, એ છે, ઓકૅમની કાતર (Ocam’s Razor). એક વાક્ય પર એ ચલાવી જોઈએ. વાક્ય છેઃ “દીપક સારો માણસ છે.” – અહીં ચાર ઘટક છે. (૧) દીપક (૨) સારો (૩) માણસ (૪) છે. હવે ઓકૅમભાઇની કાતર ઉપાડો અને એક એક ઘટકને વારાફરતી તપાસી જાઓ. આવું કઈંક બનશેઃ

પહેલાં ત્રીજું ઘટક ‘માણસ’ લઈએ. આ શખ્સને તમે એક નજરે જોઈને કહી શકશો કે એ માણસ છે. આમ તમે પોતે જ એના પ્રતિપાદક બની જાઓ છો. તમે એનું નામ ન જાણતા હો તો પણ ચાલે. કોઈના માણસ હોવા બાબતમાં નામનું કામ નથી. એટલે જ આપણે કહી શકીએ છીએ કે “રસ્તામાં એક માણસ બબડતો જતો હતો”. નામ જાણ્યા વિના જ એ માણસ છે તે આપણે જાણી શકીએ છીએ.

હવે પહેલા ઘટક એટલે કે નામને તપાસીએ. નામ તો એક મા્ણસને એના સમરૂપથી અલગ પાડવાની એક રીત છે. તમે નામ પૂછ્યું અને એણે જવાબ આપ્યો. બધા એને એ જ રીતે ઓળખે છે. આ રીતે એ પોતે નામનો પ્રતિપાદક બની જાય છે. પોતાની સાથે નામને સાંકળીને એ નામને પણ પોતાના અસ્તિત્વ પૂરતી મર્યાદિત વાસ્તવિકતા આપે છે.

ચોથું ઘટક એટલે કે, ‘છે’ વ્યાકરણની વ્યવસ્થા છે, જે દીપક નામના માણસનું અસ્તિત્વ ટકે ત્યાં સુધી આ પ્રકારનાં અભિપ્રાયવાચી વાક્યમાં જરૂરી છે. એ માણસનું અસ્તિત્વ આ ‘છે’નું પ્રતિપાદક છે.

હવે ત્રીજું ઘટક ‘સારો’ શબ્દ રહે છે. આ સાપેક્ષ શબ્દ છે. એના સંપર્કમાં તમે આવ્યા અને તમને જે અનુભવ થયો તેને તમે આ વિશેષણ દ્વારા વર્ણવો છો. આ શબ્દની સત્યતાનો પુરાવો બહાર નહીં, તમારી અંદર છે અને એ તમારા સંસ્કાર, ટેવ અને માન્યતામાંથી જન્મે છે. ઓકૅમ આ શબ્દ પર કાતર ચલાવે છે! હવે વાકય રહી જાય છેઃ “દીપક માણસ છે”! અહીં ‘સારો’ને બદલે ‘ખરાબ’ વાપરો તો પણ ઓકૅમની કાતર ચલાવવી જ પડે! અભિપ્રાયો, વિશેષણો અને માન્યતાઓ વિનાની આ નક્કર દુનિયા છે. આ સત્ય પર આધારિત સંબંધો જ સાચા સંબંધો છે. વ્યક્તિને મળીએ ત્યારે માન્યતાઓ, સ્મૃતિઓ આપણી સાથે રહેશે જ. એનો ઇન્કાર ન થઈ શકે પરંતુ હું સજાગ રહી શકું તો એમનો હસ્તક્ષેપ ટાળી શકું અને સાચા સંબંધો સ્થાપી શકું. હું કઈ રીતે સામી વ્યક્તિનું મૂલ્યાંકન કરૂં છું, તે માત્ર સામી વ્યક્તિનું જ નહીં, આપણને પોતાને જાણવા માટેનું પણ બહુ મહત્વનું સાધન છે.

માન્યતાઓનું અસ્થાયી સ્વરૂપ
નજીકના ભૂતકાળમાંથી એક ઉદાહરણ લઈએઃ બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મની અને બ્રિટન સામસામે હતાં. આ સ્મૃતિ અને અનુભવ પરથી જે માન્યતા બને તે પ્રમાણે એમના સંબંધોનો અભ્યાસ કરીએ તો બન્ને વચ્ચે આજે પણ શત્રુતા હોવી જોઈએ. પરમ્તુ એવું નથી. જૂની માન્યતાઓને રદ કરવાથી જ આ મિત્રતા શક્ય બની હશે. બીજા ઘણા દેશોને આપણે સ્મૃતિ અને અનુભવના આધારે બનેલી માન્યતાઓની જાળમાંથી બહાર આવવાની સલાહ આપી શકીએ. માન્યતાનું સ્વરૂપ અસ્થાયી હોય છે અને એને સભાનપણે પણ બદલી શકાય છે.

આજે આપણી જે માન્યતાઓ હોય છે તેને આપણે અનાદિ અને શાશ્વત માનીએ છીએ. આ પોતે પણ એક માન્યતા છે અને એનો આધાર ભ્રાન્તિમૂલક છે. ઇતિહાસ જોઈને કહી શકીએ કે આપણો વિકાસ શી રીતે થયો છે. આ વિકાસ યાત્રા દરમિયાન માન્યતાઓમાં સૂક્ષ્મ ફેરફારો થતા રહે છે, પરંતુ આપણે માત્ર ભૌતિક પરિવર્તનો જોઈ શકીએ છીએ. વૈચારિક પરિવર્તનોની બાબતમાં આપણે ગુંચવાઇ જઇએ છીએ. આર્યો અહીં આવ્યા ત્યારે ગોપાલક હતા, સમય બદલાતો ગયો અને આજે આપણે આ સ્થિતિએ પહોંચ્યા છીએ. આ લાંબી યાત્રા દરમિયાન માત્ર ભૌતિક પરિસ્થિતિ બદલાઈ? કયાં નવાં પરિબળો જોડાયાં? આપણી માન્યતાઓમાં કઈં ફેરફાર નહીં થયા હોય? પરંતુ આપણી સ્મૃતિ એવો આભાસ આપે છે કે આપણી માન્યતાઓ અનાદિકાળથી બદલાઈ નથી. સ્મૃતિમાં અનાયાસ ખાડા પડતા હોય છે, તે તો આપણો રોજનો અનુભવ છે. આથી શાશ્વત પોતે જ એક ભ્રાન્તિમૂલક માન્યતા બનીને રહી જાય છે.

ભ્રાન્તિઓ
ફરી આપણા નજીકના ભૂતકાળમાંથી એક ઉદાહરણ લઇને ભ્રાન્તિઓને સમજવાની કોશિશ કરીએ. ભ્રાન્તિ શું છે?. સામાન્ય રીતે એમ મનાય કે આપણા સમાજમાં અનેક ધર્મો છે અને એને આધારે અનેક કોમો બની છે. કોમવાદને દૂર કરવો હોય તો ધર્મને દૂર કરવો જોઇએ. ધર્મ ન હોય તો કોમનો આધાર શું? સાચી વાત. પરંતુ, આપણા દેશના ઇતિહાસમાં બે એવા નેતા થઈ ગયા છે, જે ધાર્મિક નહોતા. એક નાસ્તિક હતા અને બીજા ઈશ્વર વિશે કઈં વિચારતા જ નહોતા. બન્ને ધાર્મિક ક્રિયાકાંડોને પસંદ કરતા નહોતા. પરંતુ બન્નેએ એમના ધર્મોને આધારે બનેલી કોમોને વાસ્તવિક માની! ધર્મ વાસ્તવિક ન હોય તો કોમ કેમ વાસ્તવિક હોય? આમ એ માન્યતા ખોટી પડે છે કે માણસ ધર્મમાં ન માનતો હોય તો કોમમાં પણ નહીં માનતો હોય! આ માન્યતા માત્ર એક ભ્રાન્તિ છે. દાખલો તો એમ દેખાડે છે કે આ નેતાઓ ધર્મને છોડી શક્યા, કોમને નહીં! આથી માત્ર ધર્મનો વિરોધ કરનારા ઉદારમતવાદી જ હોય, એમ માનવું એ ભ્રાન્તિ છે.

આપણે જોયું કે માન્યતાઓ સાચા સંબંધો બનાવવામાં હસ્તક્ષેપ કરતી હોય છે. આ માન્યતાઓ બનવાની પ્રક્રિયા શી છે? એનાં કારણો શાં? ઘણું તો આવી ગયું, પરંતુ આ વિષય પર આગળ હવે પછી. આજે નહી…

સત્ય: વ્યવહારમાં (૧)

ડૉ. પરેશ વૈદ્યને તો હવે આપ સૌ એમના લેખોને કારણે જાણો જ છો. પત્રો લખવાના જમાનામાં અમારા વચ્ચે વિવિધ વિષયો પર ઘણો પત્રવ્યવહાર થતો અને સ્થિતિ એ હતી કે મારે કઈં સ્વતંત્ર લખવું હોય તો પણ ઉપર પહેલાં “પ્રિય પરેશ” એમ ન લખું તો પેન જ ન ચાલે! આ વખતે પરેશ દિવાળીમાં દિલ્હી આવ્યા, ત્યારે છેક ૧૯૬૯થી એમને મેં લખેલા પત્રો પણ સાથે લાવ્યા! એટલે કે, અમે ‘શેવ’ કરવાની શરૂઆત કરી હોય તે તો નજીકનો ભૂતકાળ હતો એવા દિવસો. એમના પત્રો મેં પણ સાચવ્યા હતા પરંતુ ઉધઈ-ઇચ્છા બલિયસી.

મિત્રો, ‘સત્યવચન’ સીરીઝના લેખો આપ સૌ પહેલાં જ વાંચી ચૂક્યા છો, તે આ પત્રવ્યવહારના ઝાડની ડાળીઓ પર જ પારણાં ઝૂલ્યા છે. એ વખતના વિચારો અપરિપક્વ હોય અથવા બહુ સમજાયું ન હોય તેને પણ આપણે ‘બહુ સમજાયું’ માની લઈએ એ શક્ય છે. મારા જ ઘણા પત્રોમાં ઘણું એવું વાંચવા મળ્યું, જે બાલિશ લાગે છે; અથવા મારૂં લખેલું મને પોતાને જ સમજાતું નથી! કેટલુંક તો એવું છે કે હવે એને હું નકારતો થઈ ગયો છું. આમ છતાં, કેટલાક પત્રોની પરિપક્વતા (કે અપરિપક્વતા) આજે પણ મારી અંદર ટકી રહી છે – દાખલા તરીકે, એમાં, ‘માન્યતા’ વિશેના બર્ટ્રાન્ડ રસેલના વિચારો, અને તે પછી એમના આધારે, ‘માન્યતા’નું જ પૃથક્કરણ કરીને ‘સત્ય’ને સમજવાનો અથવા માન્યતાને ‘હકીકત’ તરીકે જોવાનો પ્રયાસ.

‘સત્યવચન’ ના લેખોમાં મેં લખ્યું હતું કે કોઈ વાક્ય કે કથનને સાચું પૂરવાર કરવા માટે નક્કર હકીકતોનો આધાર જોઈએ કારણ કે સત્ય પોતે વાક્યનો ગુણ નથી,વાક્ય માત્ર વ્યાકરણ પ્રમાણે સાચું હોઈ શકે, પરંતુ એ સાચી સ્થિતિને રજુ ન કરતું હોય. આપના પ્રતિભાવોને કારણે થોડી પ્રગતિ પણ થઈ અને સત્યની અભિવ્યક્તિથી આગળ વધીને સત્યને આપણે વ્યક્તિના સંદર્ભમાં પણ જોયું: (૧) સત્ય દરેકનું અલગ હોય છે એટલે માત્ર આપણે સાચા નથી હોતા; (૨) સમસંવેદન એટલે કે આપણે બીજાની સ્થિતિ સમજીએ અને પારદર્શી બનીએ; તે ઉપરાંત (૩) આપણે પોતે એવા બનીએ કે સૌ આપણી આરપાર જોઈ શકે વગેરે. આમ છતાં આપણા સામાજિક વ્યવહારની આમાં ક્યાંય વાત ન આવી, અમુક માપદંડો જરૂર ચર્ચાયા. આપણા પરસ્પર સામાજિક અને વ્યક્તિગત વ્યવહારમાં કે ઇચ્છાઓમાં સત્યને કેમ સમજવું? સામાજિક વ્યવહારમાં માન્યતાઓનું જોર વધારે હોય છે. માન્યતાઓ એટલે પરંપરાઓ, આપણે પ્રાપ્ત કરેલી ટેવો, વારસામાં મળેલા વિચારો.ઍન્થની ડિમેલોની વાર્તાઓ દ્વારા આપણે રૂઢ માન્યતાઓ સત્યને સમજવામાં કેમ આડે આવે છે તે પણ જોયું હતું. આમ માન્યતાઓનું ખરૂં રૂપ સમજ્યા વિના ‘સત્ય’ પણ ન સમજાય. આ બાબતમાં રસેલથી સંતોષ નહોતો થયો.

રસેલની ‘માન્યતા’
સાચું કહું તો, ૧૯૭૫માં રસેલનું My Philosophical Development વાંચ્યા પહેલાં ‘સત્ય’ને સમજવાનો પ્રયાસ કરવાનો પણ વિચાર નહોતો આવ્યો. રસેલ પહેલાં અદ્વૈતવાદી (Monist) હતા. બ્રિટનનો અદ્વૈતવાદ આપણા આધ્યાત્મિક અદ્વૈતવાદથી જુદો છે. બ્રિટિશ અદ્વૈતવાદીઓનું કહેવું છે કે બધાં સત્યો એકબીજાનાં પૂરક છે અને સમગ્ર રીતે જોતાં બધાં સત્યો આખા વિશ્વના એક સળંગ સત્યના ભાગ છે. ખરૂં જોતાં આ વ્યાખ્યા નથી, વર્ણન છે. બીજી બાજુ, બ્રિટનના વ્યવહારવાદીઓના મતે “જે માન્યતા અસરો પેદા કરે તે સાચી માન્યતા.” રસેલે અદ્વૈતવાદી વર્ણન તો નકારી કાઢ્યું, તે સાથે વ્યવહારવાદીઓની ‘સાચી માન્યતા’ની વ્યાખ્યાને પણ પડકારી. એમણે ઉદાહરણ તરીકે નાઝીવાદી જર્મનીને લીધું. નાઝીવાદી માન્યતાની તો કેવી ભયંકર અસરો થઈ!. માત્ર અસર થવાને કારણે કોઈ માન્યતાને સાચી ન માની શકાય. એમણે વ્યવહારવાદીઓના મતને “વિશ્વશાંતિ માટે ભયજનક” ગણાવ્યો.

હવે એમણે ભાષાનાં વાક્યો લઈને તપાસ શરૂ કરી કે જેથી વાસ્તવિક સ્થિતિના આધારે વ્યાખ્યા આપી શકાય. એમણે કહ્યું કે જ્યારે પણ સત્યને સમજવાની વાત આવે ત્યારે લોકો ઈશ્વર, બ્રહ્માંડ વગેરે મોટા વિષયોથી શરૂઆત કરે છે. ખરેખર સાદાં વાક્યો લેવાં જોઇએ. દાખલા તરીકે, “સોક્રેટિસ પ્લેટોને ચાહે છે” એ વાક્યમાં (૧) સોક્રેટિસ, (૨) પ્લેટો, અને (૩) ચાહવું – આ ત્રણ બાબતો છે. પરંતુ એ વખતે રસેલ Subject એટલે કે વ્યક્તિની ભૂમિકાને મહત્વ આપતા હતા એટલે એમણે કહ્યું કે ખરેખર તો આ વાક્ય આ પ્રમાણે છેઃ “હું માનું છું કે સોક્રેટિસ પ્લેટોને ચાહે છે” આમ ચોથું આત્મલક્ષી ઘટક “હું માનું છું” પણ એની અંદર ગર્ભિત રૂપે છે.

એમને પાછળથી લાગ્યું કે સોક્રેટિસ પ્લેટોને ચાહે એમાં ‘મારા માનવા’ સાથે કશો સંબંધ જરૂરી નથી. હું ગમે તે માનું, સોક્રેટિસના પ્લેટો માટેના સ્નેહનો આધાર મારી માન્યતા નથી. આ વાક્ય સાચું ઠરાવવા માટેનો આધાર મારી અંદર નહીં પણ બહાર હોવો જોઈએ.

હવે એમણે નવેસરથી પ્રયાસ શરૂ કર્યા. એમણે ત્રણ તબક્કામાં આ વ્યાખ્યા આપીઃ

(૧) વાક્યઃ દરેક સત્યો વાક્યમાં પ્રગટ થાય છે. જે બોલી શકે તે વાક્યનો પ્રયોગ કરે છે, પણ ન બોલી શકે તેય મનમાં એ વાક્ય અનુભવે છે.

૨) સૂચિતાર્થઃ વાક્ય કોઈ પણ ભાષામાં હોઈ શકે પરંતુ એનો સૂચિતાર્થ બદલાતો નથી – “Nehru is dead” અને “નહેરુ મૃત્યુ પામ્યા” એ બન્ને જુદી ભાષામાં બોલાયેલાં વાક્યો હોવા છતાં એમનો સૂચિતાર્થ “નહેરુનું મૃત્યુ” છે. આમ, રસેલે ભાષા વૈવિધ્યને કારણે ઊભી થઈ શકે એવી મુશ્કેલી દૂર કરી અને વાક્યની અંદર ગયા.

(૩) માન્યતાઃ રસેલનું કહેવું છે કે દરેક સૂચિતાર્થની પાછળ એક માન્યતા હોય છે. આવું માન્યતાવાળું વાક્ય એક કે તેથી વધારે તથ્યો સાથે સુસંગત હોય તો સાચું ગણાય. નહેરુનું મૃત્યુ થયું એવી માન્યતા “નહેરુનું મૃત્યુ” નક્કર હકીકત હોય તો જ સાચી ઠરે. આમ દરેક માન્યતાનો નક્કર પ્રતિપાદક (verifier) હોવો જોઈએ.

રસેલનું ચિંતન
રસેલે સત્યની વ્યાખ્યા ન આપી, પરંતુ, એમણે માત્ર કઈ માન્યતા સાચી અને કઈ ખોટી તે જ સમજાવ્યું – અને તે પણ ‘માન્યતા’ની વ્યાખ્યા કર્યા વિના જ! માન્યતા સાચી કે ખોટી એ એમણે પ્રતિપાદકને આધારે નક્કી કરવાની સલાહ આપી, પણ આ માન્યતા છે શું? માન્યતાઓ કયા આધારે બંધાય? કઈંક જુઓ, અનુભવો, અનુમાનો કરો તેના આધારે જ ને? રસેલ ફરીથી ‘માન્યતા’ની બાબતમાં એક એવી જગ્યાએ પહોંચે છે કે જ્યાં આત્મલક્ષી તત્વનો પ્રવેશ થાય અને તથ્ય ન હોય. જો કે એમણે જ્ઞાનના ‘ડેરિવેટિવ’ (તારવેલું) અને ‘ઇન્ટ્યૂટિવ’ (આત્મસ્ફુરણથી) મળતું જ્ઞાન એવા ભાગ પાડ્યા છે અને ઇન્ટ્યૂટિવ જ્ઞાન બાબતમાં શંકા પણ વ્યક્ત કરે છે. આમ છતાં એમણે માન્યતાઓને પણ હકીકતો (‘ફૅક્ટ્સ’)માં ફેરવી નાખી હોત તો કામ સહેલું થઈ ગયું હોત. કેમ એ કરવું?

સમસ્યાઓઃ કેટલાંક ઉદાહરણો

એમની સમક્ષ અમુક વાક્યોમાં શી સમસ્યા ઊભી થઈ તે જોઈએ. મને લાગ્યું કે આ સમસ્યાઓનું નિવારણ કરવા માટે રસેલે બહુ બૌદ્ધિક દંડબેઠક કર્યાં છે.

રસેલ કહે છે કે ‘સાચાપણું’ કે ‘ખોટાપણું’ માત્ર જેમાં માન્યતા હોય એવાં વાક્યોને લાગુ પડે છે, એટલે સત્યને સમજવા માટે આવી માન્યતાવાળાં વાક્યોનું જ પૃથક્કરણ કરવું જોઇએ. નક્કર હકીકત દ્વારા પ્રતિપાદન થતું હોય તો માન્યતા સાચી, નહીંતર ખોટી. વાક્યનો આધાર માન્યતા હોવાથી વાક્ય પણ માન્યતા પ્રમાણે સાચું કે ખોટું ઠરે.એમનાં જ કેટલાંક ઉદાહરણ જોઈએ.

“મારે ઘરે ચાલો, આપણે કૉફી પીશું”. આ વાક્ય સાચું પણ નથી અને ખોટું પણ નથી. આ વાક્યનો નક્કર આધાર શો? બનાવ તો બન્યો નથી એટલે એને સાચું સાબીત કરે એવો પ્રતિપાદક ન જ હોય. ભવિષ્યકાળનાં વાક્યોમાં આ મુશ્કેલી નડે છે. આમ છતાં, તમે મને ઘરે લઈ જાઓ ત્યારે ખબર પડે કે કૉફી તો ખલાસ થઈ ગઈ છે! રસેલ કહે છે કે તમારી માન્યતા હતી કે કૉફી ઘરમાં છે, પણ એ માન્યતા ખોટી પડી, ધારણા કે માન્યતા ખોટી પડે એ શક્ય છે. આમ વાક્યનો સૂચિતાર્થ સિદ્ધ ન થાય તો એ ખોટું ઠરે, પરંતુ વાક્ય બોલાયું ત્યારે એ માન્યતા ખોટી જ હતી એમ ધારવાનું શક્ય નથી. એ માત્ર પ્રતિપાદકની અપેક્ષા રાખતું હતું. પ્રતિપાદક મોડેથી પ્રવેશતો હોવાથી વાક્ય શરૂઆતથી, અને અંત સુધી, ખોટું સાબીત ન થઈ શકે. સવાલ એ છે કે વાક્ય અને હકીકત વચ્ચે ભવિષ્યની ઘટનામાં કેમ સંબંધ બની શકે? હજી ઘટના તો બની જ નથી! ઘરમાં કૉફી હશે એવી જ ધારણાથી આમંત્રણ આપેલું ને? આવી ધારણા કેમ બની એનો ખુલાસો જરૂરી છે.

ઉપરના ઉદાહરણમાં વાક્ય બોલાયું ત્યારે પ્રતિપાદક(કૉફી)ની હાજરી જ નહોતી. પરંતુ, ઘણી વાર એવું બને કે આપણી સમક્ષ નકારાત્મક વાક્ય હોયઃ “હું નહેરુને કદી મળ્યો નથી”. નહેરુને મળ્યો ન હોઉં તો આ વાક્યનો પ્રતિપાદક કોણ? આ વાકયને સાચું શી રીતે માનવું? નહેરુને મેં નજરે જોયા જ ન હોય તો એમને પ્રતિપાદક તરીકે કેમ રજુ કરૂં? જે ક્ષણે બોલતો હોઉં તે સમયે નહેરુને દેખાડી શકું તો એમની સાથે મારી મુલાકાત થઈ જાય! એટલે ‘કદી મળ્યો નથી” એ ખોટું પડે! રસેલ આને અંતર્વિરોધ તરીકે ઓળખાવે છે. પરંતુ અંતર્વિરોધ જેવું કઈં નથી. અહીં હકીકતમાં ‘હું’ આ વાક્યનો પ્રતિપાદક છે. આમ પ્રતિપાદકની પસંદગી પણ બરાબર હોવી જોઈએ.

ઉલ્ટું, આપણે ક્યારેક પ્રતિપાદકની હાજરીને કારણે છેતરાઈ જઈએ, એવું પણ બનતું હોય છે. ઉપરનાં બન્ને ઉદાહરણોમાં વાક્ય બોલાયું ત્યારે પ્રતિપાદક હતો જ નહીં, પરંતુ, પ્રતિપાદક જ ખોટો હોય એવું ન બને? તમે ઘડિયાળ જોઈને કહો કે “અત્યારે દસ વાગ્યા છે” પરંતુ એ વાત પર ધ્યાન ન આપો કે ઘડિયાળ બંધ પડી ગઈ છે. હવે, એ વખતે ખરેખર દસ વાગ્યા હોય તો “દસ વાગ્યા છે” એ વાક્ય ઘડિયાળ રૂપી પ્રતિપાદકને કારણે સાચી પડે. આમ છતાં, અર્ધા કલાક પછી તમને ખ્યાલ આવે કે ઘડિયાળ તો બંધ પડી ગઈ છે ત્યારે તમારો પ્રતિપાદક ખોટો હતો એમ સમજાય. પરંતુ, તમે ઘડિયાળ જોઈને કહ્યું તે શા માટે? આનું કઈં કારણ હશે?

જો કે, એટલું કહેવું પડશે કે રસેલે આ ત્રીજા ઉદાહરણમાંથી એક મહત્વનું તારણ આપ્યું છેઃ માન્યતાને જ્ઞાન સાથે સંબંધ નથી. માન્યતા સાચી હોય તો પણ એમાં જ્ઞાન પણ છે એમ ન કહી શકાય. આ ઉદાહરણ દેખાડે છે કે પહેલાં પ્રતિપાદકની હાજરીની કારણે માન્યતા તો સાચી પડી પરંતુ જ્ઞાન નહોતું. અર્ધા કલાક પછી ઘડિયાળ જૂઓ ત્યારે તમને જ્ઞાન થાય અને તમારી માન્યતાને જ્ઞાનનો પણ આધાર મળે. બીજું ઉદાહરણ લઈએ. “ઈશ્વર સર્વવ્યાપી છે” એમ કહેવામાં માત્ર માન્યતા વ્યક્ત થાય છે. આ વાક્યનો પ્રતિપાદક કોણ? એટલે આ માન્યતામાં જ્ઞાન નથી. ભલે એ બોલનારો જ્ઞાની લાગે. જ્ઞાન સિવાય તો બધું ‘લોલેલોલ’ હોય અથવા આંધળે બહેરૂં કૂટાતું હોય!

વળી, ભાષા વિના પણ માન્યતા બનતી હોય છે. રસેલે આનું ઉદાહરણ પણ આપ્યું છે. જોરથી આંધી આવે ત્યારે તમારી માન્યતા બને કે બારી બારણાં અફળાશે. તમે ઘરમાં એકલા હો તો આ માન્યતા શબ્દમાં તો વ્યક્ત ન જ કરો, તેમ છતાં માન્યતા પેદા તો થાય જ છે. રસેલે વાક્યની સત્યતાનો આધાર માન્યતાને બનાવી પણ અહીં તો માત્ર માન્યતા છે, વાક્ય નથી. તમે શાને સાચું કે ખોટું ઠરાવો? આ ઉદાહરણ તો એમ દેખાડે છે કે માન્યતા માટે ભાષાની જરૂર નથી.

આમ, ‘માન્યતા’ને સમજ્યા વિના વાક્યમાં સત્ય છે કે નહીં એ જ ન સમજાય. વ્યહવારમાં તો બહુમતીની માન્યતા જ સાચી તરીકે સ્થાપિત થતી હોય છે, જે ખરેખર સાચી ન હોય. માન્યતા સત્યનો આધાર બનતી નથી.

માન્યતાઓ, વિશેષણો અને સંબંધો વિશે હવે પછી…

Satyavachan (4)

Satyavachan (4)

સત્ય માન્યતાઓ, શબ્દો, ગ્રંથો, ફૉર્મ્યૂલાઓ, સ્લોગનો, પરંપરાઓમાં નથી હોતું. કદમતાલ કરતી કતારોમાં નથી હોતું. સત્ય મંદિરો, મસ્જિદો, ગિરજાઘરોમાં નથી હોતું.
સત્ય જંગલો અને પર્વતોમાં બોલતા પવનની સાથે સુસવાય છે; પહાડોની કંદરાઓમાં પડઘાય છે. સત્ય મજૂરના પરસેવા સાથે ટપકે છે. નિશાળેથી છૂટેલાં બાળકોના ચહેરા પર તરવરે છે. પાડોશીના ‘રામ-રામ’માં ગુંજે છે. સત્ય આપણી આસપાસ સળવળે છે… ટ્રાફિકના શોરમાં, મેળાના અવાજોમાં, અજાણ્યા ચહેરાઓમાં.
ટૉની ડિમેલોના પુસ્તક The Prayer of the Frogમાંથી બીજી થોડી વાર્તાઓનો ભાવાનુવાદ જોઇએઃ

૧. એક સંતપુરૂષ માટે કહેવાતું કે એ ચર્ચમાં જવા માટે ઘરેથી નીકળતા ત્યારે કહેતાઃ ” ભલે, પ્રભુ આવજે, પછી મળીશું, હમણાં તો હું ચર્ચમાં જાઉં છું!”

૨. એક સ્ત્રીને સપનું આવ્યું કે એ શહેરમાં નવી જ શરૂ થયેલી દુકાનમાં ગઈ છે. એણે ત્યાં આશ્ચર્ય સાથે જોયું કે કાઉંટર પર તો ભગવાન પોતે જ બેઠો છે.
એણે પૂછ્યું: “તમે?! અહીં શું વેચો છો?”
ભગવાને જવાબ આપ્યો કેઃ જે મનમાં ઇચ્છા હોય તે કહો, અહીં મળશે.”
સ્ત્રી ભલી હતી. એણે કહ્યું: ” બસ, મને મનની શાંતિ, અને પ્રેમ આપો.” પછી એને કઈંક વિચાર આવ્યો અને એણે ઉમેર્યું: “માત્ર મારા માટે નહીં પ્રૂથ્વીના દરેક જીવ માટે…”
ભગવાન હસ્યોઃ “બહેન, તમે ખોટી જગ્યાએ આવ્યાં છો. અમે અહીં ફળ નથી વેચતા, અહીં માત્ર બીજ મળશે.”

૩. એક માણસ ડૉક્ટર પાસે ગયો અને કહ્યું કે ” મને સતત માથાનો દુખાવો રહે છે. એક ઘડી માતે પણ ચેન નથી મળતું”
ડૉક્ટરે એને સવાલો પૂછવાનું શરૂ કર્યુઃ ” દારૂ પીઓ છો?’
દરદીઃ સવાલ જ નથી. આવી અપવિત્ર ચીજને હું હાથ પણ અડકાડું.
ડૉક્ટરઃ તો બીડી સિગારેટનું વ્યસન ખરૂં?
દરદીઃ અરે, મને તો એ ધુમાડાથી જ નફરત છે.
ડૉક્ટરઃ રાતે બહુ ઉજાગરા કરો છો?
દરદીઃ મારો સૂવાનો ટાઇમ પાક્કો. દસના ટકોરે પથારીમાં…
ડૉક્ટરે આવા બે-ચાર સવાલો પૂછ્યા પછી કહ્યું: “એવું છે કે તમે તમારા સિદ્ધાંતો એવા કચકચાવીને માથે બાંધી દીધા છે કે તમને માથું તો દુખે જ, અને તમારી સાથે જીવવાનું પણ દોહ્યલું થઈ જાય. જરા સિદ્ધાંતોની નાગચૂડ ઢીલી કરો, ઠીક થઈ જશે”

૪. આપણે વ્યક્તિને એના સંપૂર્ણ સત્ય સાથે જોઈ શકતા નથી હોતા. એની એક છબી મનમાં બનાવીને જોઈએ છીએ અને એ છબીને પસંદ-નાપસંદ કરીએ છીએ. હિન્દુઓના મનમાં મુસલમાનની એક ઇમેજ છે અને મુસલમાનના મનમાં પણ હિન્દુની એક ઇમેજ છે. આ ઇમેજ સત્યને અવરોધે છે. ટોની ડિમેલોની આ બે લાઇનની કથા વાંચોઃ
” અરે, તમારૂં બાળક તો એવું સુંદર છે કે જાણે રમકડું જ….”
“અરે, એ તો કઈં નથી, એના ફોટા જોશો તો દંગ રહી જશો!” એમ જ કહીએ કે ” इमेज प्रियाः मनुष्याः”

૫. આવી જ બીજી એક વાર્તાઃ હર્માન શહેરમાં કવિ ઔહદી પોતાના ઘરાના વરંદામાં બેઠા હતા. સામે પાણી ભરેલું વાસણ હતું ,એમામ એ તાકતા હતા. એવામાં સૂફી સંત શમ્સ-એ-તબરીઝી ત્યાંથી પસાર થયા. આ જોઇને એમને કુતુહલ થયું. એમણે પૂછ્યું: “આ શું કરો છો?”
કવિએ જવાબ આપ્યોઃ “ચન્દ્રને જોઉં છું.”
ઓલિયાને થયું કે કદાચ ગરદન ઝલાઇ ગઈ હશે. એમણે પૂછ્યું તો કવિએ કહ્યું કે ગરદનમાં તો કઈં નથી થયું.
ઓલિયાઃ અરે, તો પાણીમાં પ્રતિબિંબ શા માટે જુઓ છો? જૂઓ ને સીધું ઉપર આસમાન ભણી…”

૬. શબ્દો પણ સત્યને એના અસલી રૂપમાં રજૂ ન કરી શકે.
એક માણસે આરસના પથ્થર જોઈ લીધા. એને કોઇએ પૂછ્યું કે તમે તાજ મહેલ જોયો છે? એ્ણે આરસના પથ્થર દેખાડીને કહ્યું: હા, આ રહ્યો!

મ્યૂનિસિપાલિટીના નળમાં ગંગાનું પાણી આવતું હોય તેથી આપણે ગંગાસ્નાન કર્યું એમ કહી ન શકીએ!

૭. જ્ઞાન પણ સત્ય સામે ઊણું ઊતરે છે. આ બાળકની વાત સાંભળો.
એણે ભૂગોળમાં અક્ષાંશ-રેખાંશ શીખી લીધા. એનો ઉપયોગ શું, તે પૂછતાં એણે જવાબ આપ્યોઃ ” તમે ડૂબતા હો ત્યારે કહી શકો કે તમે કયા અક્ષાંશ-રેખાંશ પર છો, જેથી તમને બચાવવા આવનાર તરત તમારી પાસે પહોંચી આવે.”

ટૉની ડિમેલો કહે છેઃ “Because there is a word for wisdom people imagine they know what it is.” આપણને ‘જ્ઞાન’ શબ્દ લખતાં-વાંચતાં અને બોલતાં આવ્ડૅ જાય તો આપણે જાણે જ્ઞાની થઈ ગયા! અરે, ‘ખગોળશાસ્ત્ર’ શબ્દનો અર્થ સમજવા લાગીએ એનો અર્થ શું એવો થાય કે આપણે ખગોળશાસ્ત્ર પણ સમજીએ છીએ?

૮. એક સાહસિકે પૅરાશૂટ બાંધીને વિમાનમાંથી છલાંગ મારી. એ જ વખતે જોરદાર વાવઝોડું ફુંકાયું અને એને સોએક માઈલ દૂર ખેંચી ગયું. વાવાઝોડું થોડું નબળું પડતાં એ નીચે ઊતરવા લાગ્યો, પણ ઝાડમાં સપડાઈ ગયો. આસપાસ, ચોપાસ નજર ફેરવી પણ કોઈ માણસ નજરે ન ચડે. કલાકો સુધી એ ફસાયેલો રહ્યો. એવામાં એક માણસ ત્યાં આવ્યો. એણે ઉપર જોયું તો એક માણસ લટકે.
એણે બૂમ પાડીને પૂછ્યું: એલા એય…! ત્યાં શી રીતે ચડી ગયો?”
પૅરાશૂટવાળાએ બધી વાત કરી અને પૂછ્યું: “હું ક્યાં છું?”
પેલાએ નીચેથી જવાબ આપ્યોઃ ‘ઝાડ પર..”
પૅરાશૂટવાળો અકળાયો. એણે કહ્યું: ” તમે પાદરી છો કે શું?”
પેલો ખરેખર પાદરી હતો. એને નવાઈ લાગીઃ “છું તો પાદરી જ, પણ તને કેમ ખબર પડી?”
ઉપરથી જવાબ મળ્યોઃ “એમ કે, તમે જે કહ્યું તે સાવ સાચું કહ્યું, પણ એ એટલું જ નકામું છે.”

૯. આપણે હંમેશાં શિસ્ત અને વ્યવસ્થાનો આગ્રહ રાખીએ છીએ. પણ જીવન આપણા નિયમોમાં બંધાતું નથી. એનું સત્ય આપણા નિયમોના સત્ય કરતાં વધારે સબળ છેઃ
એક પ્રસૂતિગૃહમાં ચાર-પાંચ માણસો બેઠા હતા. બધાની પત્નીઓ અંદર લેબર રૂમમાં હતી. બધા ચિંતામાં હતા.
ત્યાં તો નર્સ બહાર આવી અને એક જણા તરફ જોઈને બોલીઃ ” વધામણી… તમે દીકરાના બાપ બન્યા છો!”
બીજો માણસ મૅગેઝિનમાં માથું ઘાલીને બેઠો હતો, એ ચમક્યો અને સફાળો ઊભો થયોઃ ” સિસ્ટર, આ કેમ ચાલે…? હું તો આ ભાઈ કરતાં બે કલાક વહેલો આવ્યો છું…!

૧૦. સત્ય નિયમોને માનતું નથી, એટલે જ ક્યારેક અસત્યમાંથી પણ ટપકી પડે છેઃ
યુદ્ધમોરચે એક સૈનિકને સમાચાર મળ્યા કે એના પિતાની હાલત બહુ ખરાબ છે અને એ હૉસ્પિટલમાં છેલ્લા શ્વાસ લે છે. એના કમાંડરે અપવાદ તરીકે એને જવાની રજા આપી, કારણ કે એ સૈનિક સિવાય એના પિતાનું કોઈ નહોતું. એ પોતાને શહેર જઈને સીધો જ હૉસ્પિટલ પહોંચ્યો. ડૉક્ટર એને ઇંટેન્સિવ કેર યુનિટમાં લઈ ગયો. એક વૃદ્ધ ત્યાં હતો. જાતજાતનાં મશીનો એના શરીરે લગાડેલાં હતાં. ડૉક્ટરે કહ્યું: તમે આવો એટલા માટે જ અમે એમને જીવતા ર્ખ્યા છે. હજી થોડું ભાન પણ છે, પણ માત્ર કલાકોની જ વાર છે.”
ડૉક્ટરે જરા જોરથી વૃદ્ધને કહ્યું: “લો, તમારો દીકરો આવી ગયો” વૃદ્ધે જરા આંખો ખોલી અને હાથ લંબાવ્યો. સૈનિક પાસે ગયો…અને તરત એ સમજી ગયો કે આ તો એના પિતા નથી! એ જરા અચકાયો. એના મનમાં ગડમથલ ચાલતી હતી કે શું કરવું. એક જ મિનિટમાં એ્ણે નિર્ણય લઈ લીધો અને વૃદ્ધના હાથમાં પોતાનો હાથ મૂકી દીધો. વૃદ્ધે એના ચહેરાને સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો પણ એટલીયે શક્તિ નહોતી. સૈનિકે એનો હાથ ફરી નીચે રાખી દીધો. વૃદ્ધના ચહેરા પર સંતોષ હતો.
માંડ બે કલાક ગયા હશે ત્યાં તો એણે શ્વાસ છોડ્યો.
ડોક્ટરે સૈનિકને આશ્વાસન આપ્યું. સૈનિકે આભાર માન્યો અને કહ્યું: ” આ મારા પિતા નહોતા. કઈંક ભૂલ થઈ લાગે છે, પણ એમનોય દીકરો ક્યાંક મોરચા પર લડતો હશે. એને તો પિતાની આ સ્થિતિ હોવાના સમાચાર પણ નહીં મળ્યા હોય! અને આ વૃદ્ધ આમ પણ ક્યાં ઓળખી શકે એમ હતા? એટલે મેં જ એમના દીકરાની ભૂમિકા ભજવી. દીધી. ચાલો, કઈં નહીં. એક પિતા તો સંતોષ સાથે વિદાય થયા!”
એ બહાર નીકળી ગયો.

૧૧ અને એટલે જ સત્ય શાશ્વત નથી હોતું, પરિવર્તનશીલ હોય છેઃ એક જૈફ વયની અભિનેત્રીને કોઈએ ઉંમર પૂછી. એણે જવાબ આપ્યોઃ “મને ખરેખર મારી ઉંમરની ખબર નથી. ‘હું’ તો સતત બદલાતો રહે છે!”
અસ્તુ,
(શ્રી બીરેનભાઈ કોઠારીના સૌજન્ય અને સહકારથી સાભાર. હા… એક વાત કહેવાની રહી જ ગઈ. શ્રી બીરેનભાઈના બ્લૉગ http://birenkothari.blogspot.com ની મુલાકાત લેવા જેવું છે. ત્યાં છત્રીસ જાતનાં ભોજન મળે છે. બુફે છે, જે ભાવે તે મળશે))
xxxxxxxxxxxxxx

Satyavachan(3)

આપણે સત્ય શું છે એની ચર્ચા કરીએ છીએ, પરંતુ આ ચર્ચા વાસ્તવમાં સત્ય શું નથી, એ તરફ લઈ જાય છે. પહેલા લેખનો પ્રતિભાવ આપતાં શ્રી બીરેનભાઇ કોઠારીએ ટૉની ડિમેલોની ટચૂકડી કથાઓનો ઉલ્લેખ કર્યો હતો. મેં જવાબમાં એમને આવી કોઈ વાર્તા અહીં જણાવવા આગ્રહ કર્યો. પણ, ખુદા દેતા હૈ તબ છપ્પર ફાડ કે દેતા હૈ. એમણે ઇંટરનેટ પરથી શોધીને આખું પુસ્તક The Prayer of Frog જ મને મોકલી આપ્યું! એમનો આભાર માનું છું અને તે સાથે લેખક ટૉની (ઍન્થની) ડિમેલો પ્રત્યે સાભાર આદર વ્યક્ત કરૂં છું. અહીં એમની કેટલીક વાર્તા રજુ કરૂં તે પહેલાં લેખકનો થોડો પરિચય આપી દઉં.

ટોની ડિમેલો ખ્રિસ્તી પાદરી તરીકે ભારતમાં રહ્યા અને ૧૯૮૭માં ન્યૂ યોર્ક ગયા કે બીજા જ દિવસે એમનું અવસાન થઈ ગયું. એ પહેલાં પરંપરાગત ધાર્મિક વ્યવહારો અને ઉપાસનાઓ પરથી એમનું મન હટી ગયું હતું. એમનું કહેવું હતું: ” આપણી હિંસક આધ્યાત્મિકતાએ આપણા માટે સમસ્યાઓ ખડી કરી છે” અને ‘જીસસ વિશે જે રીતે ચર્ચની વ્યાસપીઠ પરથી બોલાય છે એના કારણે એમનું નામ ખરાબ થયું છે”. આવા ધરમૂળથી અલગ પડતા વિચારકે વાર્તાઓનો રસ્તો લીધો. આ વાર્તાઓ ખરેખર તો રોજબરોજની ઘટનાઓ જેવી છે, અથવા પ્રતીકાત્મક છે. આ વાર્તાઓનો શુદ્ધ અનુવાદ આપવાને બદલે હું મારા શબ્દોમાં રજુ કરૂં છું:

૧. દેશમાં સત્તાધારીઓની ધર્મ પર તવાઇ ઊતરી. ધર્મનું નામ પડે અને દમનનો કોરડો વીંઝાતો. ધર્મના ત્રણ સ્તંભ એટલે શાસ્ત્રો, ઉપાસના પદ્ધતિ અને દાનધર્મ. એ ત્રણેય ભગવાન પાસે ગયા અને વિનંતિ કરી કે ધર્મનો નાશ થશે તો અમારો પણ નાશ થશે.”

ભગવાને કહ્યું કે “ચિંતા ન કરો, હું પૃથ્વી પર એક નવી જ શક્તિને મોકલીશ, જે તમારા ત્રણેય કરતાં વધારે પ્રબળ છે.”

એમણે આશ્ચર્યથી પૂછ્યું: “એવું તે વળી શું છે, જે અમારાથી પણ શક્તિશાળી હોય?”

ભગવાને ઠંડે કલેજે જવાબ આપ્યોઃ “આત્મજ્ઞાન”.

૨. એક દેશમાં ત્રણ શાણા માણસો રહેતા હતા. એવા નમ્ર કે નવું જાણવા હંમેશાં તૈયાર. નવા જ્ઞાનની શોધમાં એ પ્રવાસે નીકળ્યા. એ બીજા દેશમાં પહોંચ્યા, ત્યાં દૂરથી એમને એક ગગનચુંબી ઇમારત નજરે ચડી. એમણે આવું કઈં પોતાના દેશમાં તો જોયું નહોતું, એટલે દૂર જ ઊભા રહી ગયા અને વિચારવા લાગ્યા કે એ શું હશે? એમણે પોતાના પાછલા અનુભવો, સાંભળેલી વાતો યાદ કરી. “હા, આ તો એ જ; ના એ તો નથી લાગતું” વગેરે ચર્ચાઓ કરી. છેવટે પોતાના જ્ઞાનના આધારે એમણે નક્કી કર્યું કે આવી ઇમારત તો કોઇ આસુરી શક્તિ જ બાંધી શકે.
પરિણામે તેઓ એવા તારણ પર પહોંચ્યા કે આગળ ન જવું. પોતાના અનુભવના ભાથામાં એક નવા તીરનો ઉમેરો કરીને તેઓ દેશ પાછા આવ્યા.

xxx લેખક અહીં કહે છે કે જે વાસ્તવિકતા એમની સામે હતી, તેના માટે એમનું જૂનું જ્ઞાન નકામું હતું, જૂના અનુભવો અર્થહીન હતા. નવી સ્થિતિમાં એમણે ત્યાં જઈને ખાતરી કરવી જોઇતી હતી. પણ એવું કશું કર્યું નહીં; અમુક ધારણા બાંધી લીધી. આ ધારણાએ એમના અવલોકનને પ્રભાવિત કર્યું, કારણ કે પૂર્વધારણાની બહાર એ કઈં જોઈ ન શક્યા. આવા અવલોકન પરથી તેઓ એક દૃઢ અભિપ્રાય પર પહોંચ્યા. આ અભિપ્રાયે એમને એ જ પ્રકારનો અનુભવ આપ્યો. અનુભવને આધારે એમણે વર્તન કર્યું…અને આ વર્તને માત્ર એમની ધારણાને જ પુષ્ટ કરી, જેનો કોઈ વાસ્તવિક આધાર નહોતો.

સત્ય પ્રત્યક્ષ વાસ્તવિકતાથી દૂર, જૂના અનુભવો, જૂનાં શાસ્ત્રો કે જૂના ઉપદેશોમાં ન હોઈ શકે. એમાંથી તો માત્ર અમુક સત્યાભાસી ધારણાઓ મળે.

૩. શબ્દો અને અવધારણાઓ માત્ર Realityનો – યથાર્થનો – સંકેત આપી શકે, પરંતુ વાસ્તવિકતા શું છે તે પ્રતિબિંબિત ન કરી શકે. ગુરુ આંગળી ચીંધીને ચન્દ્ર દેખાડે તો મૂર્ખ શિષ્યનું ધ્યાન માત્ર ગુરુની આંગળી પર જ ચોંટી રહે! ગુરુની આંગળી આ શબ્દો જેવી છે. શબ્દો ઘણું છુપાવી દેતા હોય છેઃ

વિમાની સફર દરમિયાન ઓચિંતાં જ પાયલટે જાહેરાત કરી કે “વિમાનનું એન્જિન બગડ્યું છે અને સ્થિતિ એવી છે કે હવે માત્ર ભગવાન જ આપણને બચાવી શકશે.”
એક મુસાફર અર્ધુંપર્ધું સમજ્યો. એણે બાજુમાં બેઠેલા મુસાફરને પૂછ્યું: “પાયલટે શું કહ્યું?”
બીજાએ જવાબ આપ્યો:” એ કહે છે કે હવે આપણે બચવાના નથી!”

૪. બે મિત્રો હૉટેલમાં બેઠા ચા પીતા હતા. એક મિત્ર ચાના કપને તાકીને જોતો રહ્યો. બીજાએ પૂછ્યું: શું વિચારે છે?”
પેલાએ જવાબ આપ્યોઃ “આહ…! જિંદગી ચાના કપ જેવી છે!”
બીજો મિત્ર વિચારમાં પડી ગયો. એ પણ ચાના કપ સામે જોતો રહ્યો. થોડીવારે બોલ્યોઃ “કેમ જિંદગી ચાના કપ જેવી શી રીતે છે?”
પેલાએ જવાબ આપ્યુઃ “મને શું ખબર? હું કઈં ઇંટેલેક્ચ્યૂઅલ નથી!”
સત્ય ફૉર્મ્યૂલાઓમાં નથી હોતું.
૫. સત્ય સંખ્યામાં પણ નથી હોતું. એક જજે અપરાધીને સજા કરી. ૨૭૫ વર્ષનો કારાવાસ! અપરાધી બિચારો વૃદ્ધ હતો. એ રડી પડ્યો. જજને પણ દયા આવી. એણે કહ્યું: “સજા બહુ આકરી તો છે… પણ તારે આટલા લાંબા વખત સુધી જેલમાં રહેવું નહીં પડે.”
અપરાધીની આંખમાં આશા પ્રગટી. જજને પણ શાંતિ થઈ. એણે દિલાસાના સુરમાં કહ્યું: “હવે બરાબર…! તારાથી ભોગવાય એટલી ભોગવ ને!”

૬. એક વાર મુલ્લા નસિરુદ્દીનનો પાડોશી એમને મળવા આવ્યો અને બોલ્યોઃ “મારે આધ્યાત્મિક બનવું છે. મારે ઘરે આવીને મને ઉપદેશ આપો ને!”
મુલ્લા નસિરુદ્દીનને લાગ્યું કે માણસ છે તો બુદ્ધિશાળી, પણ આધ્યાત્મિકતા કેમ શીખવવી?
થોડા દિવસ પછી પેલો માણસ છાપરે ચડીને મુલ્લાને બોલાવવા લાગ્યો; “મુલ્લા, આવો ને, મારી ભઠ્ઠી ઠરવા લાગી છે, ફૂંકવામાં જરા મદદ કરો ને!”
મુલ્લા નસિરુદ્દીનને લાગ્યું કે આ તક છે. એમણે જવાબ આપ્યોઃ ” ભલે, આવો ને, મારા શ્વાસ તમારા જ છે, લઈ જાઓ, જેટલા જોઈએ તેટલા!”

આપણો ચૂલો કોઈ ફૂંકી આપે એ વાતમાં સત્ય નથી.

૭. અને સત્ય સ્થાયી નથી રહેતું. એ સતત બદલાતું રહે છે. ન બદલાય તે સત્ય નહીં:

ન્યાયાધીશઃ તને કેટલાં વર્ષ થયાં?
આરોપીઃ સાહેબ, બાવીસ.
ન્યાયાધીશઃ બાવીસ? છેલ્લાં દસ વર્ષમાં તું જ્યારે ઝડપાયો છે, ત્યારે આ જ ઉંમર કહેતો હોય છે! બાવીસથી વધતો નથી કે શું?
આરોપીઃ સાહેબ, આપણે એવા નથી કે આજે એક વાત અને કાલે બીજી. બંદા એવા નથી કે બોલે અને ફરી જાય!

૮. છેવટે, સત્ય તો તર્કમાં પણ નથી વસતું.

એક વૃદ્ધ સ્ત્રી ડૉક્ટર પાસે ગઈ. એને એક પગે વા હતો.
ડૉક્ટરે તપાસીને સ્ત્રીની ઉંમર પૂછી. “પાંસઠ વર્ષ” સ્ત્રીએ જવાબ આપ્યો.
ડૉક્ટરે કહ્યું: “ઉંમરને કારણે તકલીફ છે…”
સ્ત્રી ચોંકી. એણે કહ્યું: “શું વાત કરો છો, ડૉક્ટર! મારા બીજા પગની ઉંમર પણ એટલી જ છે!”
વાજબી તર્ક હંમેશાં સાચો પણ હોય જ, એવું નથી હોતું.

Satyavachan (2)

સત્ય અઘરૂં છે અને એને વ્યક્ત કરવા માટે ભાષા પૂરતી નથી. આપણે ગયા અઠવાડિયે આ દૃષ્ટિએ ચર્ચા કરી હતી. સત્યનો આધાર બાહ્ય જગતમાં હોય છે. સત્ય પોતે વાક્યનો ગુણ નથી. શ્રી જુગલકિશોરભાઇએ એના પર પોતાનો પ્રતિભાવ આપતાં એ વાતને સમર્થન આપ્યું કે વાક્ય વ્યાકરણના નિયમ પ્રમાણે બને છે અને અસત્ય પણ વ્યક્ત થઈ શકે. એમાં આગળ જતાં ફરી એ વાત પર ભાર મૂકીએ કે જે અશક્ય હોય તે પણ વાક્યમાં શક્ય જણાય. “પાંચ પગવાળી કાળી ગાય” અને “ઈશ્વર સૃષ્ટિનો સર્જનહાર છે” એ વાક્યો વ્યાકરણ પ્રમાણે સાચાં છે પરંતુ બાહ્ય જગતમાં આ બન્નેના પુરાવા નથી અને આપણા પૂર્વજો પણ એના પુરાવા નથી આપતા.

ઈશ્વરને બાહ્ય જગતમાંથી આધાર નથી મળતો અને આપણા પૂર્વજો ચોખ્ખા શબ્દોમાં કહે છે કે ઈશ્વરના પુરાવા નહીં મળે. પરંતુ, ગાંધીજી જેવા પણ ઈશ્વરમાં માનતા હતા! ગાંધીજી તો સત્યના પુજારી હતા, તેમ છતાં એક આધાર વિનાની વાતને સત્ય તરીકે રજુ કરતા હતા. બીજી બાજુ વ્યાકરણની નજરે “ગાંધીજી કહેતા કે, ઈશ્વર સૌના હૃદયમાં વાસ કરે છે” એ વાક્ય સાચું ઠરશે, કારણ કે આપણે અહીં ઈશ્વરની વાત નથી કરતા – ગાંધીજી શું કહેતા, એ કહીએ છીએ. આપણું વાક્ય સાચું હોવા છતાં પણ એ માત્ર ગાંધીજીના અભિપ્રાય પૂરતું સાચું રહે છે. ઈશ્વર માટે નહીં.

આ વાક્ય ઉચ્ચારીને આપણે શું કહેવા માગીએ છીએ? ગાંધીજી કહે છે, એટલે આપણે ઈશ્વરનું અસ્તિત્વ માની લેવું જોઈએ – એમ? આપણે ગાંધીજીના કથનને ઈશ્વરના અસ્તિત્વના પુરાવા તરીકે રજૂ કરીએ છીએ? અથવા આપણે શું એમ કહેવા માગીએ છીએ કે ગાંધીજી પણ અસત્ય બોલતા હતા?

સત્યની વ્યાખ્યા તો આપણે, બાહ્ય જગત અને ભાષાના સંદર્ભમાં આપી દીધી, પણ હવે આવી ભરાયા છીએ એમ લાગે છે. બીજા પણ પ્રશ્નો ઊભા થાય છે. દા. ત. “હું આવતીકાલે અગિયાર વાગ્યે આવીશ”. આ વાક્યને કઈ શ્રેણીમાં મૂકવું? એ સત્ય છે કે અસત્ય ? ખરેખર તો એ માત્ર ઇચ્છાની કે ઇરાદાની જાહેરાત લાગે છે. આમાં સત્ય શું અને અસત્ય શું? જ્યાં સુધી ‘આવતીકાલ’ ન આવે ત્યાં સુધી એનું ‘આજે’ તો મૂલ્યાંકન પણ ન કરી શકાય. ભાષા ભલે ને, સત્ય માટે અપૂરતી હોય પણ એ આવાં કામો પણ કરે છે ને? એટલે ભાષાને પણ એમ નકારી કાઢીએ એ પણ ન ચાલે.

બીજાં પણ એવાં વાક્યો કે વિધાનો હોય છે, જેનો બાહ્ય જગતમાં આધાર નથી, તેમ છતાં આપણે એનો સત્યવચન તરીકે સ્વીકાર કરીએ છીએ. ઉદાહરણ તરીકે, એક વાક્ય લઇએઃ ‘ચોરી કરવી એ પાપ છે”. આમાં કઈં અસત્ય નથી. આ સનાતન સત્ય છે. અહીં ‘સનાતન’ શબ્દ ધાર્મિક કે આધ્યાત્મિક અર્થમાં નથી વાપર્યો. કોઈ પણ સામાજિક પરિસ્થિતિમાં, કોઇ પણ રાજકીય વ્યવસ્થામાં ચોરીને અપરાધ જ માનવામાં આવી છે – પછી એ અમેરિકા જેવો મૂડીવાદી દેશ હોય કે ભૂતપૂર્વ સોવિયેત સંઘ જેવો સામ્યવાદી દેશ. આમ દુન્યવી અર્થમાં પણ ચોરીની પ્રવૃત્તિને વખોડવામાં આવી છે. પરંતુ બાહ્ય જગતમાં કઈ વસ્તુ પુરાવા તરીકે રજુ કરી શકાશે કે ચોરી કરવી એ પાપ છે?

આ બધાનો વિચાર કરતાં એમ લાગે છે કે સત્ય ખરેખર અઘરૂં છે. જેમ એ બોલવાનું અઘરૂં છે, તેમ એ સમજવાનું પણ અઘરૂં છે. એટલે આપણે માત્ર અખતરા કરીને જ સત્યને સમજવાનો પ્રયત્ન માત્ર કરી શકીએ. ‘અખતરા’ શબ્દ વાપરતાં એનો પર્યાય યાદ આવ્યો – ‘પ્રયોગો’. એના પરથી ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ અનાયાસે યાદ આવે. સત્ય શું તે કદાચ ન સમજીએ, પણ એક વાત સમજાય છે કે ગાંધીજીએ કદી પણ સત્ય જાણવાનો દાવો નથી કર્યો, એને જાણવાના પ્રયત્ન કર્યા છે. આવા પ્રયત્નો પોતાની અવધારણાઓને, વિભાવનાઓને વ્યવહારમાં મૂકીને જ થાય.

સત્યની શોધ કરવા પાછળ લાગ્યા હોઇએ અને ‘સત્યના પ્રયોગો’ વાંચીએ તો એમ જ થાય કે આને એમણે સત્યના પ્રયોગો ભલે નામ આપ્યું પણ એમાં તો એમના જીવનની કથા છે. કિશોરાવસ્થા, યુવાની, દક્ષિણ આફ્રિકા, ભારતની આઝાદીની લડત. આમાં સત્ય ક્યાં? એ બધા વળી સત્યના પ્રયોગો કેવી રીતે થયા? સમજાશે નહીં કે આવું શીર્ષક શા માટે?

કદાચ ‘સત્ય એટલે પારદર્શકતા’ એવી ગાંધીજીની વ્યાખ્યા હશે એમ લાગે છે, જો કે, પાકી ખબર નથી. પરંતુ એમનું આખું જીવન પારદર્શક હતું. એમણે જે કઈં કર્યું તેમાં કશું છુપાવ્યું નહીં. નક્કર તથ્યોને આધારે ઊભું રહેલું મંતવ્ય એટલે સત્ય, એ તો સાચું જ છે. પરંતુ સામાજિક વ્યવહારમાં તો સત્ય એટલે પારદર્શકતા. બીજા સાથેના વ્યવહારમાં આપણે જેટલા પારદર્શક હોઇએ એટલા સત્યની નજીક હોઇએ એમ લાગે છે. કથની અને કરણીમાં ફેર હોય તે પારદર્શકતા નથી.

આપણે એમ માની લઇએ કે ‘સત્ય એટલે પારદર્શકતા’. કોણ જાણે મને તો એમ જ લાગે છે… માત્ર લાગે છે, પાકી ખબર નથી.

%d bloggers like this: