Four Boats at a River Crossing along Ganga–Nachiket Kelkar

હાલમાં જ ‘સાઉથ એશિયા નેટવર્ક ઑન ડૅમ્સ, રિવર્સ ઍન્ડ પીપલ’(SANDRP)ના બ્લૉગ પર નચિકેત કેળકરનો એક હળવી શૈલીમાં લખાયેલો અર્થગંભીર લેખ વાંચવા મળ્યોઃ Four Boats at a River Crossing along Ganga

લેખકની હળવીનચિકેત કેળકર શૈલી, એમનું ગંભીર વિષયવસ્તુ, રાષ્ટ્ર્રીય સ્તરે નદીઓ માટે એમની ચિંતા, સીધું જ મનમસ્તિષ્કને સ્પર્શી ગયું. તરત જ શ્રી નચિકેત અને SANDRPના શ્રી હિમાંશુ ઠક્કરનો સંપર્ક કરીને આ લેખનો અનુવાદ કરવાની પરવાનગી માગી અને એમણે માત્ર પરવાનગી જ નહીં, પ્રોત્સાહન પણ આપ્યું.

ભાઈ નચિકેત પહેલી વાર ગુજરાતી વાચકો સમક્ષ આવે છે. તેઓ બેંગાળૂરુમાં ‘અશોક ટ્રસ્ટ ફૉર રીસર્ચ ઇન ઈકોલૉજી એન્ડ ધી ઍન્વાયરનમેન્ટ (ATREE)ના ડૉક્ટરલ સ્ટૂડન્ટ છે. બિહારમાં ગંગાનાં મેદાનમાં નદીના જૈવિક વૈવિધ્ય અને મત્સ્યોદ્યોગ એમના અભ્યાસના વિષયો છે. એમને નદીઓ, સમુદ્રી અને ભૂમિસ્થિત જૈવિક પરિવેશોના રક્ષણને લગતી બાબતોમાં રસ છે.

શ્રી હિમાંશુ ઠક્કરના કાર્યક્ષેત્રનો પરિચય મેળવવા માટે આ લેખ વાંચશો. (મારી બારી (૪૧) – એવરેસ્ટ એક ઈંચ નમ્યો, ખીણ ઊંચકાઈ)

દીપક ધોળકિયા

ગંગાની સહેલગાહે એકબીજાનો માર્ગ આંતરતી ચાર નાવની ટક્કર

નચિકેત કેળકર /Nachiket Kelkar : rainmaker.nsk@gmail.com

એક માછીમાર પોતાની નાવમાં નદી પાર કરે છે. © Samir Kumar_VBREC
એક માછીમાર પોતાની નાવમાં નદી પાર કરે છે. © Samir Kumar_VBREC

નવેમ્બરની એક ઢળતી બપોરે, ખુશનુમા વાતાવરણમાં, અમે ગંગાના પ્રવાહની સાથે નાવ હંકારતા નદીમાંની ડૉલ્ફિનોની મોજણી કરતા જતા હતા.પૂર ઓસરવાના ગાળામાં બન્ને કાંઠે ઊંચું ઘાસ નીકળી આવ્યું હતું. પાણીની સપાટી તો બહુ નીચે ઊતરી જ ગઈ હતી. એક ખેતીવાડીની કૉલેજ અને બીજી એક ઔદ્યોગિક ઑફિસ, એમ કોંક્રીટની બે ભવ્ય ઇમારતો,કિનારાને લાગી રહેલા ઘસારાના માર સામે લાચાર બનીને ઝળુંબી રહી હતી. આ કાંઠાના વળાંકમાં ઓચિંતી જ ‘ગૅન્જિસ વૉયેજર’ નજરે ચડી. એમાં આછા લાલ રંગની ટેબલોની આસપાસ, બ્રિટિશ સહેલાણીઓ પોતાની ચમકતી ગોરી ચામડીઓને સૂરજના તડકામાં શેકતા હતા. ચામડી વધારે ઝળી ન જાય તે માટે ટેબલોની ઉપર મલમલની છત્રીઓ એમને રક્ષણ આપતી હતી. એમણે અમારી તરફ હાથ હલાવ્યા. જૂના રાજના દિવસોની યાદ આપતા યુનિફૉર્મધારી ઍટેન્ડન્ટોએ એમને ખાતરી આપી હશે કે અમે જોખમી માણસો નહોતા એટલે હાથ હલાવવામાં કંઈ ખોટું નહીં. વૉયેજરમાં પચાસ એરકંડીશન્ડ લક્ઝરી રૂમો છે, એમની બારીઓ પર આછા જાંબલી અને સફેદ રંગના શિફૉનના પરદા રેતીનાં ઘડિયાળવાળી કલાક-શીશીના આકારમાં બાંધેલા હતા.

ગૅન્જિસ વૉયેજર The Ganges Voyager (c) Subhsis Dey_VBREC
ગૅન્જિસ વૉયેજર The Ganges Voyager (c) Subhsis Dey_VBREC

ગૅન્જિસ વૉયેજર આરસના પ્રકાશમાન સ્થાપત્ય જેવી છે; ખરેખર સફેદ હાથી જ જોઈ લો! એની અકલ્પનીય શુભ્રતા અને ગંગાનાં પાણીનો રાખોડી રંગ – એ બન્ને વચ્ચે ઉભરતો વિરોધાભાસ તો જોવાલાયક છે. નદીના પટ અને દૂર ખેતરો પર મીટ માંડીને કાંઠા પર ઊભેલી પેલી બે ઇમારતોને એ મળતી આવે છે. કશુંક મોં-માથાના મેળ વિનાનું, ઇન્દ્રજાળ જેવું લાગતું હતું. સામેના કાંઠે છીછરા પાણીમાં આંતરિક જળમાર્ગ પર ચાલતું વહાણ લાંગરેલું છે. એની સરખામણીએ વૉયેજર કંઈ અસ્વાભાવિક, અમંગળનાં એંધાણ જેવી લાગતી હતી. એના ડ્રેજિંગ પિલર્સ (કાંપ હટાવવાના થાંભલા) એક મોટી ધરી પર વારાફરતી ઊંચાનીચા થતા હતા અને પાણીમાં ઊતરીને કેટલાયે કિલોગ્રામ કાંપ બહાર લાવતા હતા.

બીજી બાજુ, ડૉલ્ફિનના નિરીક્ષણ માટેની અમારી નાવ તો બિચારી કાળા રંગની, તળિયું ઊપસેલી, નદીની થાપટો ખાઈ ચૂકેલી…અમારો સુકાની પ્રમોદ જે કામળા પર લાંબો થઈને નિરીક્ષણ કરતો તે રાખ વેરતાં, ધણધણ્યા કરતાં ઍન્જિનની કાળી મેશ અને ગ્રીઝથી આખો કાળો થઈ ગયો હતો. અમે ડૉલ્ફિનને બરાબર જોવા માટે જરાક માથું હલાવીએ અને શરીર સળવળે કે તરત જ અમારી નાવ પર બાંધેલ વાંસનો માંચડો કરાંજવા લાગતો. ગૅન્જિસ વૉયેજરે પેદા કરેલા V-આકારના વમળે ખરેખર અમારી નાવને ડગમગાવી દીધી હતી. અમે મનમાં જ કલ્પના કરી કે વૉયેજર અને અમારી નાવ, આ બેયનાં ઍન્જિનોના અવાજથી પાણીની નીચે બાપડી ડૉલ્ફિનોના શા હાલ થતા હશે. અમે અમારી ખુરશીઓને બરાબર સંભાળી અને વૉયેજરની અસર મંદ પડે તેની રાહ જોતા રહ્યા. નદીમાં કેટલી ડૉલ્ફિનો છે તેનો સારામાં સારો અંદાજ બાંધવાનું અમારું આજનું લક્ષ્ય હતું. અમારી નાવના પાછળના ભાગમાં ડૉલ્ફિનોનો અવાજ રેકૉર્ડ કરવાનાં એક-બે અદ્યતન અને મોંઘાં ઉપકરણો પાણીની નીચે રહે તેમ બાંધેલાં હતાં. કાંપ ઊલેચતા ડ્રેજર, વૉયેજર અને જબ્બરદસ્ત વમળને કારણે રેકૉર્ડરો આમતેમ સરકી ગયાં હશે અને ઉલટાં પણ થઈ ગયાં હશે. વળી દૂર નાની હોડી હંકારી જતા ત્રણ માછીમારો માટે તો વૉયેજર બહુ કામ છોડી ગઈ હોવી જોઈએ, કારણ કે અમારાં પાણી નીચેનાં મશીનો એમની જાળમાં ન ફસાય તે માટે પ્રમોદે એમને દૂર પાછળ જવા સંકેત કર્યો ત્યારે એ ઉલટા જવા લાગ્યા પણ એક હલેસું વૉયેજરે બહાર કાઢેલી માટીના મોટા ઢેફા સાથે અથડાયું અને એમની નાવ એક બાજુથી પાણી તરફ નમી ગઈ; હલેસું એની ધારેથી તૂટી ગયું. આવડા મોટા આંચકા પછી નાવને બીજી તરફ દબાવીને સીધી રાખવા માટે એમને કેટલી મહેનત કરવી પડી હશે તેની અમારે તો માત્ર કલ્પના જ કરવાની હતી. પેટ ભરવાની ફિકર ન હોય તો માણસ આટલી મહેનત પછી ઘરે ચાલ્યો જાય. આ મહેનત બહુ હતી. સામાન્ય રીતે નવેમ્બરમાં નદીનાં શાંત જળ આટલી મહેનત કરાવતાં નથી હોતાં.

નદીમાં ડૉલ્ફિનોની મોજણી કરવા માટેની અમારી નાવ Our River Dolphin survey boat (c) Subhasis Dey_VBREC
નદીમાં ડૉલ્ફિનોની મોજણી કરવા માટેની અમારી નાવ Our River Dolphin survey boat (c) Subhasis Dey_VBREC

મોજાનું જોર હળવું પડ્યું તે ટાંકણે અમે મોટો ધડાકો સાંભળ્યો. અને નદીનાં ઠરેલાં જળમાંથી પાણી ઊછળ્યું. અમારા એક સાથીએ બૂમ પાડી, “ડૉ…લ્ફિ…ન”. પણ બાકીના અમે લોકોએ એમ જ વિચાર્યું કે કાંઠાના કોઈ ગામે લગનની જાન આવી હશે અને ફટાકડા-બટાકડા ફોડતા હશે. પણ નહોતી ત્યાં ડૉલ્ફિન કે નહોતો ફટાકડો. અમે જોયું કે એક ઊંચા શઢવાળી એક કાળી નૌકા અમારા તરફ આવતી હતી. એ અમારી મોજણીની નાવ અને માછીમારોની નાવ કરતાં મોટી હતી. કૂવાથંભ પર બેઠેલા માણસના હાથમાં કાળો વાવટો હતો. એણે અમારી સામે જોરથી વાવટો હલાવીને બૂમો પાડી. એ મોંએ ચડી તેવી ગાળો અમને દેતો હતો. એ નાવમાંથી બે માણસોએ અમારા તરફ રાઇફલો તાકી અને કમાંડરની ટૉર્ચથી અમારા પર રોશની ફેંકી. એ હથિયારબંધ ડાકુઓની ટોળકી હતી. અમે અમારી નાવનો મોરો ફેરવ્યો એટલામાં તો એમણે અમારા તરફ છ ગોળીઓ છોડી દીધી હતી. અમે તો પહેલાં જ, વિવેકબુદ્ધિયુક્ત કાયરતા દેખાડીને અમારી ખુરશીઓ નીચે ઘૂસી ગયા હતા. અમારું લૉજિક તો સાવ સાદું હતું – એમની પાસે બંદૂકો હતી, અમારી પાસે નહોતી. અમારી નાવે વળાંક લીધો ત્યારે એની એક બાજુએ “River Dolphin Survey” લખેલું હતું તે ડાકુઓની સામે આવ્યું. એમને અમારા સાથે કશી લેવાદેવા નહોતી. એમણે ફાયરિંગ બંધ કરી દીધું. એમનો સરદાર ગાળો ભાંડતો ગરજ્યો; “ભાગો…(****), નહીંતર મરશો. અમારે બીજા કોઈનો બદલો લેવો છે. તમારી જાન તો આ… ગઈ! ભાગો છો કે…?!

પ્રમોદે અમારી નાવ વાળી લીધી, પાછળ રેકૉર્ડિંગ મશીનો પણ ખેંચાતાં ચાલ્યાં અને અમે નદીના વહેણ સાથે આગળ વધી ગયા. પછી અમારા માછીમારોએ અમને કહ્યું કે પૂરની સીઝન વીત્યા પછી બે જૂથો વચ્ચે જમીનના મુદ્દા પર ઝઘડો થયો હતો અને એમાં હથિયારોનો પણ ઉપયોગ થયો હતો. અમે તો એમાં તદ્દન નકામા નિર્દોષ તમાશબીન હતા, જે નસીબજોગે બચી ગયા હતા. શૂટિંગના બનાવ પછી અમારી નાવમાં એક જાતની મુંઝવનારી શાંતિ હતી. મને ખાતરી છે કે અમે વિચારો અને લાગણીઓના ગુંચવાયેલા જાળામાં એવા ભેરવાયેલા હતા કે કેટલીક ડૉલ્ફિનો ગણતરીમાં લેવાનું ચૂકી જ ગયા હશું.

પણ ઇસ્માઇલપુરના વળાંક પાસે પહોંચ્યા ત્યારે ડૉલ્ફિનનાં બચ્ચાં તમામ શક્તિ અને ઉત્સાહથી ઊછળતાં, નદીની સપાટી પર ડોકાવા લાગ્યાં. અમે ફરી એમને ગણવાનું શરૂ કર્યું ત્યારે અમારી શાંતિ તૂટી, લાગણીઓનું જાળું ભેદાયું અને ફરી અજાયબીનો ભાવ જાગ્યો. નાની ડૉલ્ફિનોને નાવની પાસે ઊછળતી કૂદતી જોઈને ડાકુઓનો ભય, વૉયેજરનો રૂઆબ, સ્વાર્થ ને જીવન વીમાની અર્થહીનતા, બધું જ વિસારે પડ્યું. રાતે અમારી વાતચીતમાં આ બનાવ હવે એક હુંફાળી પણ મૃત્યુને સમર્પિત ગમ્મત તરીકે હળવેક્થી પ્રવેશી ગયો. બિહારમાં ફીલ્ડવર્ક આનાથી ક્યારે જુદું પડતું હતું?

મચ્છરદાનીથી ગેરકાનૂની રીતે માછલાં પકડતી ગૅંગો દ્વારા વપરાતી નાવ A boat used by gangs involved in illegal fishing with mosquito nets (c) T. Morisaka_VBREC
મચ્છરદાનીથી ગેરકાનૂની રીતે માછલાં પકડતી ગૅંગો દ્વારા વપરાતી નાવ A boat used by gangs involved in illegal fishing with mosquito nets (c) T. Morisaka_VBREC

નદીમાં એકબીજીના માર્ગ આંતરનારી ચાર નાવોની આ કથા આપણે કઈ દિશામાં જઈએ છીએ તેનું સચોટ રૂપક બની રહે છે. સૌથી મોટી નાવ – એક મોટું જહાજ – સર્વોચ્ચ સત્તાનું પ્રતીક છે અને એ જહાજે મોકલેલા જોરદાર મોજાનો માર સૌથી નાના હોડકાંઓએ સહન કરવાનો છે.

મોટાં જહાજો નદીમાંથી કાંપ ઉલેચી શકે છે, વેચી શકે છે અને – ન કરે નારાયણ – તમને ડુબાડી પણ શકે છે. હાલમાં ચર્ચા માટે જાહેરમાં મુકાયેલી રાષ્ટ્રીય જળ નીતિ (૨૦૧૫) આપણી નદીઓને વેપારીનો માલ બનાવી દેશે. આપણી નદીઓ માત્ર ‘માલવાહક માર્ગો’ કે ‘સહેલાણીઓના રૂટ’, એમની મોજમઝાનાં સ્થાન બની રહેશે. કારણ કે આ નીતિ પાછળ કામ કરતી કલ્પના બહુ સાંકડી અને ઊબકા આવે એવી છે. આ વિધેયક આપણા દેશની નદીઓ સાથે એકરૂપ થયેલા જૈવિક વૈવિધ્ય અને સામાજિક સંદર્ભની સંપૂર્ણ ઉપેક્ષા કરે છે. છેલ્લા પાંચ દાયકામાં ડૅમો બાંધવાના ઝનૂન પછી હવે આ નીતિનો નકરો વ્યાપ અને એમાંથી ડોકિયાં કરતી ઉદ્દંડ મહત્ત્વાકાંક્ષા નદીઓને મૂડીના દરવાજે પાણી ભરતી દાસીઓ બનાવી દેવાની સૌથી મોટી આસુરી જાળ છે.

કહે છે કે રાજકીય મહત્ત્વાકાંક્ષા એક એવું વહાણ છે જે પાણી વિના પણ ચાલી શકે છે. ગૅન્જિસ વૉયેજર આનું ભડભડતું ઉદાહરણ છે. એ નવ-વસાહતવાદી ગણાય તેવાં નિયંત્રણોને ફરી સજીવન કરશે. પૂરનાં મેદાનોનાં પાણિયાળા વિસ્તારો ઝડપથી વિલુપ્ત થતા જાય છે ત્યારે ત્યાં વૉયેજરની ઉપસ્થિતિ એક જડ અને વિચારહીન જી-હજૂરિયા વ્યવસ્થાનો જીવતો જાગતો પુરાવો છે.

નાની અને મોટી નાવો જ્યારે એકબીજાના માર્ગોને આંતરતી હતી ત્યારે આપણું સામુદાયિક ભવિષ્ય પરસ્પર વિરોધી ખંજરો – નદીનું રક્ષણ, વિકાસ, વિખવાદો, ગંગાના પટમાં નવઉદારવાદ વગેરેની ધારથી છેદાતું હતું. નદીની ડૉલ્ફિનો, માછલીઓ, માછીમારો, ખેડૂતો, ડાકુઓ, નદીઓના સંરક્ષણના હિમાયતીઓ, સહેલાણીઓ, જહાજો, બાર્જો, વહાણો, નૌકાઓ, માછલાં પકડવાની જાળો, કાંપના કણો બધું અનેકવાર એ સરકતી જતી ક્ષણોમાં એકમેકમાં ગુંચવાઈને ફંગોળાતું રહ્યું. ચાર નાવો – ચાર દૃષ્ટિકોણો, ચાર વાસ્તવિકતાઓ – ની એક બિંદુ પર ટક્કર થઈ…પણ જે કંઈ થયું અને જ્યાં થયું તે તો માત્ર એક અને એ જ નદી હતી, જે નથી અંતહીન, નથી અક્ષય.

SANDRP પર મૂળ લેખ ૨૮ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ પ્રસિદ્ધ થયો છે.

Everest sinks by an inch

એવરેસ્ટ એક ઈંચ નમ્યો. ખીણ ઊંચકાઈ

૨૫મી ઍપ્રિલે નેપાલમાં આવેલા ૭.૯ના ધરતીકંપે ગજબની તબાહી કરી છે. આની વિગતવાર માહિતી આપતો લેખ SANDRP (South Asia Network on Dams, Rivers & Peoples)ની વેબસાઇટ પર પ્રકાશિત થયો છે. આ લેખના કેટલાક અંશ અહીં આપ્યા છે.

હિમાંશુ ઠક્કર

લેખક હિમાંશુ ઠક્કર આ સંસ્થાના કો-ઑર્ડીનેટર છે. હિમાંશુ મૂળ અંજાર કચ્છના છે અને એમનું કાર્યક્ષેત્ર દિલ્હી છે.

SANDRP માત્ર ભારત જ નહીં, દક્ષિણ એશિયામાં મોટા ડૅમોને કારણે લોકો સમક્ષ ઊભી થતી સમસ્યાઓ વિશે કામ કરતી વ્યક્તિઓ અને સંસ્થાઓનું અવિધિસરનું સંગઠન છે. લેખક માને છે કે દક્ષિણ અને મધ્ય એશિયામાં આંતરસરહદી જળ સમસ્યાઓમાંથી આ પ્રદેશોના બધા દેશોએ શીખવાનું છે, કારણ કે પર્યાવરણમાં થતા માનવસર્જિત કે પ્રાકૃતિક ફેરફારોની અસર બધા પર એકસરખી પડવાની છે.

ગયા મહિનાની ૨૫મી તારીખે નેપાલ જબ્બરદસ્ત ધરતીકંપથી ધણધણી ઊઠ્યું. પાટનગર કાઠમંડૂથી ઉત્તર-પશ્ચિમે ૭૭ કિલોમીટર દૂર એનું ઍપિસેન્ટર હતું. રિખ્ટર સ્કેલ એનો આંક ૭.૯ નોંધાયો.હિમાલયના પ્રદેશમાં બનેલી આ બહુ મોટી ઘટના છે અને એમાં ભવિષ્યમાં શું થઈ શકે તેની ગંભીર ચેતવણી પણ છે. આ ભીષણ કુદરતી પ્રકોપે નેપાલના વીસથી પણ વધારે જિલ્લાઓમાં વિનાશ વેર્યો છે. આમાંથી ભયંકર તારાજીનો ભોગ બનેલા ૧૧ જિલ્લાઓની ૮૦ લાખની વસ્તી ત્રાહિ મામ પોકારે છે. તે ઉપરાંત ભારતમાં બિહાર, પાશ્ચિમ બંગાળ, સિક્કિમ અને આસામના ઘણા પ્રદેશો, બાંગ્લાદેશ અને તિબેટને પણ આ ધરતીકંપનો માર સહેવો પડ્યો છે. ધરતીકંપને હવે સત્તાવાર રીતે Gorkha Earthquake નામ આપવામાં આવ્યું છે.

આ ધરતીકંપને ૨૦૦૫માં પાકિસ્તાનમાં આવેલા ધરતીકંપ સાથે સરખાવી શકાય. એમાં ભારત અને પાકિસ્તાનમાં ૮૬,૦૦૦ લોકોના જાન ગયા હતા. ૧૯૩૪માં બિહાર-નેપાલનો ધરતીકંપ આવ્યો હતો તેનું ઍપિસેન્ટર એવરેસ્ટનીપાસે હતું અને એનો આંક ૮.૩નો હતો. એમાં ૧૦,૦૦૦નાં મોત થયાં હતાં. તે પછી આટલાં વર્ષે આવો જબ્બરદસ્ત ધરતીકંપ આવ્યો છે. ભારતીય વાયુશાસ્ત્રવિભાગના આંકડા પ્રમાણે ૨૫ ઍપ્રિલ અને ૪ મે વચ્ચે ૮૫ આંચકા આવી ગયા.

(વેબસાઇટ પર આ લેખ પ્રકાશિત થયો તે પછી ૧૩મી તારીખે પણ આંચકા આવ્યા. રિખ્ટર સ્કેલ પર એનું માપ ૭.૩ હતું આ ધરતીકંપે નેપાલમાં ૫૭ના અને બિહારમાં ૧૬ના ભોગ લીધા છે અને આજ સુધીમાં આફ્ટરશૉક્સની સંખ્યા ૧૩૦ પર પહોંચી ગઈ છે. –દી)

clip_image004_thumb.jpg

નેપાલમાં અસર

  • નેપાલ સરકારના જણાવ્યા પ્રમાણે ૭,૫૫૭નાં મોત થયાં છે, ૧૪,૫૩૬ ઘાયલ થયાં છે. ૧૦,૭૧૮ સરકારી બિલ્ડિંગો સદંતર પડી ભાંગી છે; બીજી ૧૪, ૭૪૧ બિલ્ડિંગોને સારુંએવું નુકસાન પહોંચ્યું છે. ૧,૯૧,૭૧૮ ખાનગી મકાનો નેસ્તનાબૂદ થઈ ગયાં છે અને ૧,૯૧,૦૫૮ મકાનોને નુકસાન થયું છે. અસર પામેલા લોકોની સંખ્યા ૨, ૬૪,૯૪,૫૦૪ છે. આ આંકડા ૪થી તારીખના છે, તે પછી એમાં ઉમેરો થતો રહ્યો છે.
  • કાઠમંડૂનો ખીણ પ્રદેશ એવરેસ્ટના ભોગે એક મીટર ઊંચો થઈ ગયો છે. યુરોપિયન સ્પેસ એજન્સીના વૈજ્ઞાનિકો કહે છે કે ધરતીકંપ પછી ખીણનો લગભગ ૧૨૦ કિલોમીટરનો પ્રદેશ એકાદ મીટર ઊંચો થઈ ગયો છે. ચોવીસે કલાકની GPS સર્વે દ્વારા જાણવા મળ્યું કે એની ઊંચાઈ ૧૩૩૮ મીટર હતી તેને બદલે હવે ૧૩૩૮.૮૦ મીટર છે. ટાઇમ્સ ઑફ ઇંડિયાના ૭મી મેના એક રિપોર્ટ પ્રમાણે માઉંટ એવરેસ્ટ એક ઈંચ નીચે ઘૂસી ગયો છે. કદાચ એની નીચેનું તળ ઢીલું પડીને દબાઈ ગયું છે. કદાચ આ જ કારણે એવરેસ્ટ તરફ જવાના બેઝ કૅમ્પ પર મોટા શિલાખંડો ત્રાટક્યા અને ૨૨નો ભોગ લેવાયો.
  • ધી હિન્દુ’ના એક રિપોર્ટ પ્રમાણે કાઠમંડૂ ખીણની સ્થિતિ જ એવી છે કે એને વધારે નુકસાન થાય. એની નીચે ૩૦૦ મીટર ઊંડું કાળી માટીનું કળણ છે, જે પ્રાગૈતિહાસિક કાળમાં સરોવર હોવું જોઈએ.
  • ઑક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર માઇકલ પી. સર્લે ‘ધી હિન્દુ’ને આપેલા ઇંટરવ્યુ (અહીં)માં કહ્યું છે કે ફૉલ્ટ પૂર્વ તરફ લગભગ ૧૨૦ કિલોમીટર સુધી તૂટી ગયો હોય એમ લાગે છે. ધરતીકંપમાં આવી ગયેલા પ્રદેશોમાં  ગોરખા-લામજુંગ, બુઢ્ઢી ગંડકી ખીણ અને ગણેશ હિમાલમાં સૌથી વધારે નુકસાન થયું છે, એનું કારણ એ કે આ વિસ્તાર કોઈ અતિ પ્રાચીન સરોવર પર વિકસ્યો છે. આ જ કારણે કાઠમંડૂને સૌથી વધારે ખરાબ અસર થઈ. આ નીચેનો અવશિષ્ટ ભાગ વધારે કાંપે એવી શક્યતા રહે જ. હિમાલય ઊંચો થવાની સાથે નદીઓ સામે માટીનો પહાડ ઊભો થઈ જતાં એ પાછળ તરફ રસ્તો કાપીને નીકળે છે. કોસીની સહાયક નદી અરુણ બહુ મોટી નદી છે, એણે હિમાલયની મુખ્ય ધરીથી બહુ દૂર નીકળીને ઉત્તર તરફ ફાંટો કાઢી લીધો છે. પરંતુ નદીનો માર્ગ એમ જલદી બદલાતો નથી. એમાં સમય લાગતો હોય છે એટલે તરત દેખાતું નથી કે નદી હવે બીજે વહેવા લાગશે. જે ફૉલ્ટ સક્રિય છે તે હિમાલયની આગળના ભાગની ઉત્તરે પાંચદસ ડિગ્રી નીચે નમેલો છે. આ તિરાડ પર ગોરખા પ્રદેશની નીચે ૧૫ કિલોમીટરની ઊંડાઈએ ધરતીકંપ થયો. ફૉલ્ટ વધુમાં વધુ ૪-૫ મીટર સરક્યો હશે પણ એ તૂટીને ઉપર સપાટી તરફ નથી આવ્યો.
  • નેપાલના આ ધરતીકંપની ખાસ વાત એ છે કે જેટલા આફ્ટરશૉક્સ આવ્યા છે, અથવા જેટલું પણ નુકસાન થયું છે તે બધું જ એપિસેન્ટરની પૂર્વ તરફ થયું છે, પશ્ચિમ તરફ બહુ ઓછી અસર દેખાઈ છે. આ કેમ સમજાવી શકાય તેની મને વિમાસણ છે અને હું કેટલાયે જાણકારોને પૂછતો રહું છું પણ હજી મને સંતોષકારક જવાબ નથી મળ્યો. એક નિષ્ણાત ડેવિડ પેટ્લીએ ૨૬મી ઍપ્રિલના પોતાના બ્લૉગમાં લખ્યું છે કે “એમ લાગે છે કે ધરતીકંપને કારણે ફૉલ્ટમાં જે તિરાડ પડી તે પૂર્વ તરફ ગઈ છે. આથી એપિસેન્ટર પોતે ધરતીકંપગ્રસ્ત વિસ્તારની પશ્ચિમે છેક છેડે રહી ગયું છે. અમેરિકાની જિઓલૉજિકલ સર્વે સંસ્થા USGS)ના shakemap પરથી પણ આ વાત સ્પષ્ટ થાય છે.”

આર્નિકો હાઇવે પર ધસી આવેલી ભેખડો. ઈસ્ટ કાન્તિપુરમાંથી લીધેલો ફોટો

ઉલ્લેખનીય સારી બાબતો

ધરતીકંપ પછી જે કામ થયું છે તેમાં ઘણું પ્રશંસાને પાત્ર છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સામાન્ય લોકો રાહત અને બચાવનાં કાર્યોમાં લાગી ગયા તે ખરેખર દાદ માગી લે તેવું છે. ભારત સરકાર, ભારતીય હવાઈ દળ, NDRF (નૅશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ) અને બીજી ઘણી એજન્સીઓએ નેપાલને તરત મદદ આપી તેની નોંધ નેપાલ સરકારે પણ લીધી છે. ભારતની રાજ્ય સરકારોએ પણ પીડિત લોકોને રાહત આપવા માટે બહુ ઉપયોગી કામ કર્યું છે. પ્રજાકીય સ્તરે પણ બહુ ઘણી સંસ્થાઓ આ માનવીય ફરજ બજાવવામાં પાછળ નથી રહી. ભારતીય અને આંતરરાષ્ટ્રીય મીડિયા પણ નેપાલની પરિસ્થિતિનું વાસ્તવિક ચિત્ર રજૂ કરવાના બધા જ પ્રયાસ કરે છે.

આપણી કેટલીક ખામીઓ પ્રકાશમાં આવી

પરંતુ આ ધરતીકંપે કુદરતી હોનારતોનો સામનો કરવા માટેના આપણા દેશના વ્યવસ્થાતંત્રની કેટલીક ખામીઓને પણ છતી કરી દીધી છે.

– લકવાગ્રસ્ત NDMA: નૅશનલ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી (NDMA) કેટલાયે મહિનાઓથી મૃતપ્રાયઃ સ્થિતિમાં છે. મોદી સરકારે સત્તા સંભાળી તે પછી તરત જ જૂન-૨૦૧૪માં જ એના એક સિવાયના બધા સભ્યોએ રાજીનામાં આપી દીધાં હતાં. તે પછી છેક આ વર્ષના જાન્યુઆરીમાં આઠ નવા સભ્યોમાંથી ત્રણની નીમણૂક કરાઈ છે. આપદા પ્રબંધ માટેની વાર્ષિક કવાયત પણ આ વર્ષે રદ કરી દેવાઈ છે. આ લેખક સાથેની વાતચીતમાં NDMAના એક ભૂતપૂર્વ સભ્ય અને NDRFના એક સીનિયર અધિકારીએ આ વાત કબૂલી છે. ભારતની આપદા પ્રબંધ માટેની એક અગ્રગણ્ય સંસ્થા માટે આ સારાં લક્ષણો નથી.

– ક્વેક મૉનિટરિંગ નેટવર્ક ‘કોમા’માં: ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ના એક રિપોર્ટ પ્રમાણે “ધરતીના પેટાળમાં આવતા આંચકાઓની દેખરેખ રાખવા માટેનું નેટવર્ક – ગ્રાઉંડ-મોશન ડિટેક્ટર્સ – અફસરશાહીનો ભોગ બનતાં છેલ્લા આઠ મહિનાથી એનું કામ બંધ પડ્યું છે, પરિણામે લાખ્ખો જિંદગીઓ સામે ખતરો ઊભો થયો છે.” ગ્રાઉંડ-મોશન (અથવા સ્ટ્રોંગ-મોશન) ડિટેક્ટરો ‘ઍક્સીલેરોગ્રાફ’ તરીકે પણ ઓળખાય છે. ભારતમાં ધરતીકંપના આગોતરા સંકેત આપવામાં એમની ભૂમિકા બહુ મહત્ત્વની છે. પરંતુ નેપાલમાં ધરતીકંપ આવ્યો ત્યારે એક્સીલેરોગ્રાફ કામ નહોતાં કરતાં.

દેશમાં ધરતીકંપની સૌથી વધારે શક્યતા હોય તેવા ઝોન-૫ અને ઝોન-૪માં અને ઓછી શક્યતાવાળા ઝોન-૩માં આવેલાં ગીચ વસ્તીવાળાં શહેરોમાં – દેશનાં ૧૪ રાજ્યોમાં ૩૦૦ ખતરાવાળાં સ્થળોએ – આવાં એક્સીલેરોગ્રાફ મૂકેલાં છે, પણ ચાલતાં નથી. આ ઉપકરણો બહારથી આયાત કરવાં પડે છે અને એક ઉપકરણ ઇન્સ્ટૉલ કરવામાં દસ કરોડ રૂપિયાનો અને એના મેન્ટેનન્સમાં વાર્ષિક એક કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. આ મશીનો ધરતીકંપના આંચકાનો આંક બતાવી શકે છે, એટલું જ નહીં, કયા વિસ્તારોમાં ધરતીકંપ આવી શકે છે તે પણ બતાવી શકે છે.

આ પ્રોજેક્ટ પહેલાં IIT-રૂડકી હસ્તક હતો, પણ પછી સરકારે ભારતીય વાયુમાનવિજ્ઞાન વિભાગ (Indian Meteorological Department)માંથી જ અલગ ‘ભૂકંપન સંસ્થા’ (Seismological organization) બનાવવાનો સપ્ટેમ્બર ૨૦૧૪માં નિર્ણય કર્યો. તે સાથે આ પ્રોજેક્ટ માટે નાણાં આપવાનું પણ બંધ કર્યું. આમ આજે કોઈ પણ વિકલ્પ ઊભો થાય તે પહેલાં જ આ પ્રોજેક્ટ ખાડે ગયો છે. આ લેખકે કેન્દ્ર સરકારના એક બહુ જ સીનિયર અધિકારીને આ બાબતમાં પૂછ્યું તો એમણે કહ્યું કે જિયોલૉજિકલ સોસાઇટી ઑફ ઇંડિયાને આ પ્રોજેક્ટનું હસ્તાંતરણ કરવામાં અમુક સમસ્યાઓ નડે છે. પરંતુ એમણે આશા દર્શાવી કે આ મશીનો રીડિંગ તો લેતાં જ રહે છે, અને ભવિષ્યમાં એ કામ આવશે.

– નેપાલ કરતાં ભારતમાં GPS સ્ટેશનો ઓછાં છેઃ ઇંડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ પ્રમાણે નેપાલે આખી ફૉલ્ટ લાઇન પર ૩૦૦-૪૦૦ GPS ઇન્સ્ટ્રૂમેન્ટ ગોઠવ્યાં છે, બીજી બાજુ, ભરતમાં કાયમી ધોરણે કામ કરતાં હોય તેવાં GPS ઇન્સ્ટ્રૂમેન્ટોની સંખ્યા ૨૫-૩૦ કરતાં વધારે નથી. ધરતીકંપ વિશેના નિષ્ણાત, અમેરિકાની કૉલોરાડો યુનિવર્સિટીના રોજર બિલ્હૅમ કહે છે કે જોરદાર ધરતીકંપને સહન કરવાની રીતે જોઇએ તો ભારત કરતાં નેપાળ વધારે સજ્જ છે, કારણ કે એણે એને લગતા ઉપાયો કરવાની શરૂઆત ભારત કરતાં બહુ વર્ષો પહેલાં કરી છે.

–  ઉપયોગી થાય એવા લૅન્ડસ્લાઇડ મૅપ્સ નથીઃ આપણી સરકાર અને બીજી એજન્સીઓ રિમોટ સેન્સિંગ દ્વારા તસવીરો લઈને માહિતી પૂરી પાડવાની પોતાની કાબેલિયતનાં ગુણગાન કરે છે, પણ ધરતીકંપને કારણે શિલાખંડો ધસી પડ્યા હોય એવી શક્ય જગ્યાઓ વિશે રિમોટ સેન્સિંગ દ્વારા માહિતી મળવી જોઈએ કે જેથી જરૂર પડે તો ત્યાં જઈને રાહત અને ઉગાર કામો શરૂ કરી શકાય. જાતે જઈને સંપર્ક ન થઈ શક્તો હોય કે સંદેશવ્યવહાર પણ ખોરવાઈ ગયો હોય ત્યારે જ્યાં આવી ઘટના બની શકે એવી જગ્યાઓના નક્શા કામ લાગે. પરંતુ માત્ર ભારત નહીં કોઈ બીજા દેશની રિમોટ સેન્સિંગ વ્યવસ્થા દ્વારા પણ આવી માહિતી મળી શકતી નથી.

– હોનારત પછી સર્વાંગી રિપોર્ટ બનાવતા નથીઃ ભવિષ્યની હોનારતો વખતે શું કરવું તે શીખવા માટેનો એક મુખ્ય રસ્તો જે દુર્ઘટના બની હોય તેનો સર્વાંગી રિપોર્ટ છે. આવો કોઈ રિપોર્ટ ભારતમાં બનતો જ નથી. ઉત્તરાખંડની જૂન ૨૦૧૩ની દુર્ઘટના પછી એનો પણ સર્વાંગી રિપોર્ટ બન્યો નથી જે ભવિષ્ય માટે માર્ગદર્શક બની શકે. ૨૫મી ઍપ્રિલના ધરતીકંપ પછી લોક સભા ટીવી પર એક ચર્ચામાં મારી સાથેNDRFના ડાયરેક્ટર જનરલ અને NDMAના એક ભૂતપૂર્વ સભ્ય પણ હતા. એમણે મારું મંતવ્ય સ્વીકાર્યું કે આવો રિપોર્ટ હોય તે જરૂરી છે.

એક સારી વાત એ છે કે કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે ધરતીકંપો વિશે વધારે સારી સમજણ કેળવવા માટે દેશની ભૂગોળની કોઈ એક સમયે યથાસ્થિતિ દર્શાવતું Topological Model બનાવવાનો નિર્ણય લીધો છે. સરકાર નેપાલમાં અને મ્યાંમારમાં દસ-દસ ભૂકંપન-માપક કેન્દ્રો (Seismological Stations) પણ બનાવશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સૅક્રેટરી ડૉ. શૈલેષ નાયકને એવી આશા છે કે એનાથી ધરતીકંપોનું ભૌતિકવિજ્ઞાન સમજવામાં મદદ મળશે, જે ધરતીકંપની આગાહી કરવાની દિશામાં પહેલું કદમ હશે.

ભારતમાં ભૂગર્ભમાં ૬૬ સક્રિય ફૉલ્ટ છે. આપણો હિમાલય વિસ્તાર ૧૫ મોટા અને સક્રિય ફૉલ્ટ્સ પર બનેલો છે. ભારતમાં અત્યારે ૮૪ ભૂકંપનમાપક સ્ટેશનો છે, અને બીજાં સ્ટેશનો વિદેશથી મંગાવીને એની સંખ્યા ૧૩૦ સુધી પહોંચાડી દેવાશે.

Rasuwagadhi HEP site Image from CCTV

જળવિદ્યુત પ્રોજેક્ટોને નુકસાન

નિષ્ણાતો હંમેશાં હિમાલય જેવા અસ્થિર પ્રદેશમાં ડેમો બનાવવાનો વિરોધ કરતા રહ્યા છે. આવાં સ્થાનોએ કોઈ મોટા ડેમ જેવું હોય તેને પણ ભારે નુકસાન થાય છે અને એ એકંદરે થયેલા નુકસાનની ગંભીરતાને વિકરાળ બનાવી દે છે. જૂન ૨૦૧૩માં ઉત્તરાખંડની હોનારત પછી સુપ્રીમ કોર્ટના આદેશથી કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલયે ડૉ. રવિ ચોપડાના અધ્યક્ષપદે નિષ્ણાત સમિતિ નીમી હતી. એ સમિતિએ પણ ઉત્તરાખંડની ત્રાસદી જળ વિદ્યુત પ્રોજેક્ટોને કારણે વધારે વિકરાળ બની હોવાનું તારણ આપ્યું છે. નેપાલમાં ચીનની મદદથી કેટલાયે પ્રોજેક્ટોનું કામ ચાલે છે. જળવિદ્યુત માટે ડેમ બનાવવો જરૂરી હોય છે. આવો ડેમ તૂટતાં જે વિનાશ વેરાય તેની તો માત્ર કલ્પના જ કરવી રહી. (મોરબીમાં ડેમ તૂટ્યો અને એને કારણે શહેર કેવું તારાજ થયું એ કંઈ બહુ જૂની વાત નથી. –દી)

clip_image010

બુઢ્ઢી ગંડકીના ઉપરવાસમાં હિમશિલાએ વૉર્ડ નં. ૫,, અને ગોરખા જિલ્લાના સમાગાંવ નં. ૫ અને ૮માં અવરોધ ઊભો કર્યો છે.

clip_image012

લૅન્ડસ્લાઇડ EWP મે, ૫, ૨૦૧૫

clip_image014

NRSCની તસવીર – નેપાલની ફૉલ્ટ લાઇનોઃ 0415

clip_image016

લાંગટંગ લૅન્ડસ્લાઇડની NASAની તસવીર ઍપ્રિલ ૩૦, ૨૦૧૫

clip_image018

લૅન્ડસ્લાઇડ દ્વારા બનેલો ડેમ. ઇસરોની તસવીર 30.04.15

હિમાલયમાં હજી મોટા ધરતીકંપો થઈ શકે છે

ખરેખરો મોટો ધરતીકંપ તો હજી આવવાનો બાકી છે. ૧૯૩૪ પછી મધ્ય હિમાલયમાં આ સૌથી મોટો ધરતીકંપ છે, પણ વૈજ્ઞાનિકોને જેની બીક છે તે આ નહોતો! હિમાલયમાં ઇંડિયન પ્લેટ ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ તરફ સરક્યા કરે છે અને યુરેઝિયન પ્લેટની નીચે આવી જાય છે. આ કારણે આ વિસ્તારમાં સૌથી વધારે ધરતીકંપો થાય છે. હૈદરાબાદની જિઓફિઝિકલ રીસર્ચ ઇન્સ્ટીટ્યૂટના ભૂતપૂર્વ ડાયરેક્ટર અને NDMAના ભૂતપૂર્વ સભ્ય ડૉ. હર્ષ ગુપ્તા કહે છે કે “આ વિસ્તારમાં જબ્બરદસ્ત ખેંચતાણની શક્તિ (strain) એકત્ર થયેલી છે તે આપણે જાણીએ છીએ. આથી અહીં મોટો ધરતીકંપ આવે તેમ છે. કદાચ અનેક ધરતીકંપોની હારમાળા પણ બને. આવો કોઈ ધરતીકં રિખ્ટર સ્કેલ પર ૮ કરતાં પણ મોટો હશે. હજી આવવાનો છે તે ધરતીકંp આ તો નહોતો જ. કેટલી ઊર્જા નીકળી ગઈ, તે રીતે જોઈએ તો અહીં જેટલી ઊર્જા છે તેમાંથી ચાર-પાંચ ટકા પણ માંડ નીકળી હશે.

આઈ. આઈ. ટી ખડગપુરના પ્રોફેસર શંકર કુમાર નાથ કહે છે કે “ઊર્જા નીકળવાની દૃષ્ટિએ આને મધ્યમ શક્તિનો ધરતીકંપ માનવો પડશે. હિન્દુકુશથી અરુનાચલ પ્રદેશના અંત સુધીનો અઢી હજાર કિલોમીટારનો વિસ્તાર આના કરતાં પણ મોટા ધરતીકંપો સર્જી શકે છે. કદાચ રિખ્ટર સ્કેલ પર એનો આંક ૯ પણ આવે. મુશ્કેલી એ છે કે ૭.૯ના ૪૦-૫૦ ધરતીકંપો આવે તો જ ૯ જેટલી શક્તિનો ધરતીકંપ ન આવે.” બીજા એક નિષ્ણાતનું કહેવું છે કે ધરતીકંપની આગાહી ન કરી શકાય એટલે અગમચેતી અને આયોજન, આ બે જ વસ્તુ આપણા હાથમાં છે.

હિમાલયની સ્થિતિ સમજીએ

હિમાલયને ચાર ભાગમાં વહેંચી નાખો અને દરેકમાં ધરતીકંપોનો ઇતિહાસ જૂઓ અને ભવિષ્યમાં શું થશે તેનો વિચાર કરો.

પશ્ચિમી હિમાલયઃ કાશ્મીરથી યમનોત્રી સુધીના આ વિસ્તારમાં કેટલાય ધરતીકંપ થયા છે. ૨૦૦૫માં ૭.૬નો ધરતીકંપ આવ્યો તેમાં પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરમાં અને ભારતમાં ૮૬,૦૦૦નાં મોત થયાં. તે પહેલાં ૧૯૦૫માં કાંગડામાં ૮નો આંક નોંધાયો હતો. આ ધરતીકંપે ૧૯,૦૦૦નો ભોગ લીધો. કેટલાક ભૂસ્તરશાસ્ત્રીઓ માને છે કે આ પ્રદેશમાં બહુ મોટા શક્તિશાળી ધરતીકંપો થાય તેમ છે.

પશ્ચિમી મધ્ય હિમાલયઃ યમનોત્રીથી પોખરા સુધીના આ પ્રદેશમાં ઉત્તરકાશી (૧૯૯૧ -૬.૬) અને ચમોલી (૧૯૯૯ – ૬.૮), આ બે ધરતીકંપો થયા છે, પરંતુ સીસ્મોલૉજિસ્ટો માને છે કે અહીં પણ ૮ની ઉપરનો ધરતીકંપ ગમે ત્યારે આવી શકે છે.

પૂર્વી મધ્ય હિમાલયઃ પોખરા અને સિક્કિમ વચ્ચેના આ પ્રદેશમાં ૧૯૩૪માં ૮.૩નો ધરતીકંપ આવ્યો અને ૧૦,૭૦૦ને ભરખી ગયો. તે પછી આ ૨૫મી ઍપ્રિલનો નેપાલનો ધરતીકંપ ૭.૯નો હતો.

ઈશાન ભારતઃ દેશના આ ભાગમાં કેટલાયે બહુ મોટા ધરતીકંપો થયા છેઃ શિલોંગ (૧૮૯૭/૮.૫), અરુણાચલ-ચીન સરહદ (૧૯૫૦-૮.૫). ૨૦૧૧માં સિક્કિમમાં ધરતીકંપ આવ્યો, પણ એ મત્ર ૬.૯નો હતો એટલે બહુ ઊર્જા છૂટી કરી હોય એ શક્ય નથી. ઇંડિયન એક્સપ્રેસમાં સંજય હઝારિકા લખે છે કે ઈશાન ભારતમાં દરેક શહેર અહીં હવે આવનારા ધરતીકંપમાં ભારે નુકસાન વેઠશે. કેલિફૉર્નિયાની ‘જિઓહૅઝર્ડ્સ ઇંટરનૅશનલ’ના અંદાજ પ્રમાણે અહીં ૭ના આંકનો ધરતીકંપ આવશે તો ૧૩,૦૦૦ મકાનો પડી જશે, ૧૦૦૦ શિલાઓ પડવાના બનાવ બનશે, ૨૫૦૦૦ના જાન જશે અને આમૂલ માળખાને બહુ મોટું નુકસાન થશે. આ જોખમો ઓછાં કરવાને બદલે દેશની અને રાજ્યોની સરકારોએ અહીં મોટા ડૅમો બનાવવાનો પ્રોગ્રામ પૂરજોશથી અમલમાં મૂક્યો છે. હઝારિકા લખે છેઃ “સરકારો અને કંપનીઓ માને છે કે વિકાસ તો એ જ, જેમાં કંઈક ‘મોટું’ હોય. આમ જ પશ્ચિમ બંગાળમાં તીસ્તા પર મોટો ડૅમ બન્યો છે અને સાહિત્ય અને ઇતિહાસની મદમસ્ત, અલ્લડ, જીવનથી ધબકતી તીસ્તા હવે શાંત, બીમાર તળાવ બની ગઈ છે. ધરતીકંપ કે વાદળ ફાટવાના બનાવો વખતે આ ડૅમો કેટલા સલામત રહેશે?

clip_image020

USGS દ્વારા દર્શાવાયેલાં ધરતીકંપનાં સ્થાનો

વિનાશની શૃંખલા

જાપાને ધરતીકંપો સામે કેમ કામ લેવું તેમાં તો પ્રવીનતા મેળવી લીધી છે, પણ ૧૧મી માર્ચ ૨૦૦૧૧ના ધરતીકંપમાં શું થયું? રિખ્ટર સ્કેલ પર ૯ના આંકનો ધરતીકંપ આવ્યો, તે સાથે ત્સુનામી આવી અને ત્રણ પરમાણુ રિએક્ટરો પીગળી ગયાં. આમ વિનાશની એક શૃંખલા બની. આજે પણ, માત્ર જાપાન નહીં, આખી દુનિયાનો પરમાણુ ઉદ્યોગ આ સંકટ અનુભવે છે.

ભારતમાં તો આવી શૃંખલા બને તેવી વધારે શક્યતા છે. નેપાલે ભેખડો ધસી પડવાનો અનુભવ કર્યો, જેમાં ઘણાં માણસ મરાયાં. ધારો કે કોઈ પૂરો ભરેલો ડૅમ તૂટે તો શું થાય? અને કોઈ પ્રચંડ ભેખડ નદીને રૂંધીને ડેમ બનાવી દે તો શું થાય?

અંતમાં

મારે એટલું જ કહેવાનું છે કે આપણે આવાં બધાં સાફ દેખાતાં જોખમો પ્રત્યે જાગૃત થવાનું છે. પરંતુ પર્યાવરણ અને વન મંત્રાલય પર્યાવરણના રક્ષણ અંગેનાં ધોરણો હળવાં બનાવવા તનતોડ મહેનત કરે છે. ૨૫મી એપ્રિલના ધરતીકંપથી બસ, એક જ દિવસ પહેલાં નદી ખીણ પ્રોજેક્ટોની ‘એક્સ્પર્ટ અપ્રાઇઝલ કમિટી’ (EAC)ની એક મીટિંગ મળી તેમાં નેપાલ-ઉત્તરાખંડની સરહદે મહાકાલી નદી પર ૬૦૦૦મેગાવૉટ વીજળી ઉત્પન્ન થઈ શકે તેવડો મોટો પંચેશ્વર ડૅમ બાંધવા વિશે વિચાર કરવાનો હતો. SNDRP, MATU, ટૉક્સિક્સ ઍલાયન્સ, હિમલ પ્રકૃતિ વગેરે અનેક સંસ્થાઓ અને ડૉ. ભરત ઝૂનઝૂનવાલા જેવા અગ્રગણ્ય નાગરિકોએ EACને પહેલાં જ લખીને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટને એના ‘નિયમો અને શરતો’ના પહેલવહેલા તબક્કે જ મંજૂરી ન આપવી જોઈએ. પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની નેપાલની મુલાકાત દરમિયાન એમની સાથે નેપાલ સરકારે કરેલી સમજૂતી જોતાં એમ લાગે છે કે શાણપણથી સૌ વિચારશે એવી આશા નકામી છે.

દૂરદર્શનના ન્યૂઝ પ્રોગ્રામમાં આ ધરતીકંપના પદાર્થપાઠ સમજવા માટેની ચર્ચામાં મને કેન્દ્ર સરકારના એક સૅક્રેટરી અને આપદા પ્રબંધના હાલના અને અગાઉના અધિકારીઓને મળવાની તક મળી ત્યારે મેં આ બધા મુદ્દા ઉઠાવ્યા.એમણે કહ્યું, હા, પર્યાવરણ પરના પ્રભાવ વિશે મૂલ્યાંકન (Environmental Impact Assessment –EIA) કરવાની વ્યવસ્થા છે જ. એ જોવાનું કામ એનું છે! જે આકલનો ખોટાં સાબીત થઈ ચૂક્યાં છે તેમાં એમની આટલી બધી શ્રદ્ધા ખરેખર હૃદયને સ્પર્શી ગઈ! પરંતુ આપણે જે દાવ પર લગાવીએ છીએ તે બહુ જ મહામૂલું છે, એટલે જ આપણે બહુ બુલંદ અવાજે બોલવું જોઈએ.

દરમિયાન નેપાલની જનતાનું જીવન પાછું જેમ બને તેમ જલદી પાટે ચડી જાય એવી મારી શુભેચ્છાઓ.

– હિમાંશુ ઠક્કર SANDRP (ht.sandrp@gmail.com)

૦-૦-૦-૦

(આ લેખનાં અવતરણો વગેરેના સંદર્ભો મૂળ લેખમાં મળશે, જેની લિંક ઉપર આપી છે. અહીં લેખ સંક્ષિપ્ત રૂપે રજૂ કર્યો છે. એમાં બીજી ઘણી વિગતો છે. જેમને રસ હોય તેમને લિંક પરથી મૂળ લેખ વાંચવા વિનંતિ છે. –દી.)

%d bloggers like this: