The Last Nawab of Junagarh

જૂનાગઢના અંતિમ નવાબની કથાઃ

ડૉ. પ્રદ્યુમ્ન ખાચરની કલમે

૧૮મી જુલાઈ ૧૯૪૭ના રોજ ઇંગ્લૅન્ડના રાજવી અને ભારતના સમ્રાટ જ્યૉર્જ છઠ્ઠાએ ‘ઇંડિયન ઇન્ડીપેન્ડન્સ ઍક્ટ- ૧૯૪૭’ પર સહી કરી તે સાથે ૧૫મી ઑગસ્ટે બ્રિટિશ શાસન હેઠળના ભારતીય પ્રદેશને બે ભાગમાં વહેંચીને ભારત અને પાકિસ્તાન એમ બે સાંસ્થાનિક રાજ્યો બનાવવાનું નક્કી થઈ ગયું. એ વખતે દેશી રજવાડાં હતાં તે બધાં બ્રિટનની સર્વોપરિતા હેઠળ હતાં. એમને પોતાના રાજ્યનો વહીવટ બ્રિટિશ પ્રતિનિધિ, એટલે કે રેસીડન્ટની જાણકારીમાં (અને ક્યારેક એની દખલગીરી સહી લઈને) ચલાવવાનો અધિકાર હતો, પરંતુ, સંરક્ષણ, વિદેશો સાથેના સંબંધ વગેરે જેવી બાબતોમાં સ્વતંત્ર નિર્ણય લેવાનો અધિકાર નહોતો. બ્રિટને દેશ છોડવાનો નિર્ણય લીધો એટલે રજવાડાં સાથે થયેલી સર્વોપરિતાની સંધિ પણ રદ થઈ ગઈ અને બધાં રાજ્યો ઇંડિયન ઇન્ડીપેન્ડન્સ ઍક્ટ પ્રમાણે બ્રિટિશ ભારતની જેમ જ સ્વતંત્ર થઈ ગયાં. પરંતુ લૉર્ડ માઉંટબૅટને એમને સલાહ આપી કે તેઓ સ્વતંત્ર તો છે, પણ ભારત અથવા પાકિસ્તાનમાં જોડાઈ જાય તો સારું થશે. એમણે એ વખતે એમ પણ કહ્યું કે ભારતમાં કે પાકિસ્તાનમાં ભળવાનો નિર્ણય લેતી વખતે એમની સરહદ કયા સાંસ્થાનિક રાજ્યને સ્પર્શે છે અને લોકોની શી ભાવના છે તે પણ ધ્યાનમાં રાખવું.

આના પછી જૂનાગઢે પાકિસ્તાનમાં જોડાવાનો નિર્ણય કર્યો. જૂનાગઢના નવાબ મુસલમાન હતા પણ બહુમતી પ્રજા હિન્દુ હતી. તે ઉપરાંત જૂનાગઢ રાજ્ય એટલે કે સોરઠને એક બાજુ અરબી સમુદ્ર અને ત્રણ બાજુએ કાઠિયાવાડનાં નાનાં મોટાં રજવાડાં હતાં એટલે જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાનો નિર્ણય તર્કસંગત તો નહોતો જ. અંતે લોકોની ‘આરઝી હકુમત’ બની, વિદ્રોહ થયો, જેમાં કોંગ્રેસના નેતાઓ (અને ભારત સરકારની પણ) અને ભારતીય સૈન્યની મહત્વની ભૂમિકા રહી. અંતે નવાબ ભાગી છૂટ્યા અને જૂનાગઢ પર ભારતે કબજો કરી લીધો.

પરંતુ આપણે આ ઇતિહાસમાં નથી જવું, માત્ર આવું વિવાદાસ્પદ પગલું ભરનારા છેલ્લા નવાબ મહાબત ખાનજી વિશે વાત કરવી છે.

જૂનાગઢની ડૉ. સુભાષ મહિલા કૉલેજના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉ. પ્રદ્યુમ્ન ખાચરે ‘સોરઠ સરકાર’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. ડૉ. ખાચરની અંગત માહિતી આપવામાં આવી છે તે પ્રમાણે એમણે એકવીસ પુસ્તકો લખ્યાં છે. નવાબ મહાબત ખાનજી વિશે એમનું કહેવું છે કે :

“લેખકોએ વિજેતાઓને વ્હાલા થવા જૂનાગઢ રાજ્ય વિશે ઘણું બધું સાચું ખોટું કહ્યું અને લખ્યું અને જાણે કે જૂનાગઢ રાજ્યમાં બહુ ખરાબ પરિસ્થિતિ હતી અને ખરાબ શાસકો હતા તેમ આમ જનતામાં મનાવા લાગ્યું…આ વાંચ્યા પછી આજ સુધી નવાબ તરફની દ્વિધાઓ અને ખોટી માન્યતાઓ અને ખોટા ઇતિહાસને આપણે દફનાવીને એક ભલા ભોળા પ્રજાવત્સલ શાસકનો સાચો ઇતિહાસ જાણવા મળશે.”

ભારતમાં રજવાડાં તો ઘણાં હતાં પણ ‘સરકાર’ શબ્દ બ્રિટિશ સરકાર ઉપરાંત માત્ર નિઝામ, ગાયકવાડ અને સોરઠ રાજ્યો માટે વપરાતો. આમ જૂનાગઢ એ વખતે એક મહત્વનું રાજ્ય હતું.

અકબરે ગુજરાતને જીતી લીધું તે પછી જૂનાગઢમાં હકુમતનાં સૂત્રો એક ‘ફોજદાર’ નૌરંગ ખાનને સોંપ્યાં. આવા ૩૧મા સરદાર શેરખાન બાબીએ મોગલો નબળા પડ્યા તેનો લાભ લીધો અને આસપાસના પ્રદેશો જીતીને પોતાને નવાબ જાહેર કર્યો. સોરઠનો રાજવંશ મરાઠાઓને – વડોદરાના ગાયકવાડને ખંડણી ચૂકવતો, કારણ કે મોગલો વળતું આક્રમણ ન કરે તેમાં એમને ગાયકવાડની મદદ મળતી હતી. ઈ. સ. ૧૭૪૮થી માંડીને ૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યાં સુધી જૂનાગઢ પર બાબીઓનું રાજ્ય રહ્યું, જે નવમા બાબી મહાબત ખાનજી સાથે સમાપ્ત થયું.

ડૉ. ખાચર કહે છે કે નવાબ મહાબત ખાનજીએ કેટલાયે સુધારા કર્યા અને સામાન્ય લોકો સાથે એમનો સીધો સંપર્ક હતો. એ પાક મુસલમાન તરીકે જીવતા, પરંતુ એમને કૂતરાં પાળવાનો (બિનઇસ્લામી) શોખ પણ હતો. એમના મહેલમાં કોઈ પણ વ્યક્તિ મળી શકતી. જે જાય તેના નામની ચબરખી નવાબ પાસે મોકલવામાં આવે એટલે નવાબ એને બોલાવીને એની ફરિયાદ પૂછે. વ્યક્તિની ઊંચનીચ જોયા વગર જ નવાબ કદી કોઈને તુંકારો ન આપે; દરેકને પહેલાં ક્ષેમકુશળ પૂછે, તે પછી જ એની અરજી સાંભળે.

૧૧ વર્ષની વયે ૧૯૧૧માં એમણે પિતાની છત્રછાયા ખોઈ દીધી હતી અને અંગ્રેજોના દબદબાની એમના મન પર ભારે આસર પડી હતી, એમ ડૉ. ખાચર માને છે. આ કારણે બીજાઓની સલાહને એ બહુ મહત્વ આપતા. જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાના એમના નિર્ણયમાં પણ એમના દિવાન શાહનવાઝ ભુટ્ટોનો પ્રભાવ બહુ સ્પષ્ટ છે. જો કે, એક વાત દેખાય છે કે વ્યક્તિગત રીતે એમની ધાર્મિક માન્યતા જે હોય તે, વ્યવહારમાં અને રાજકાજનાં કાર્યોમાં ધર્મને કારણે મોટા ભાગે પક્ષપાત નહોતો થતો.

મહાબત ખાનજી ગાદીએ આવ્યા ત્યારે જૂનાગઢમાં મોટા પાયાના ઉદ્યોગો નહોતા, પરંતુ હાથવણાટ, જરીભરત, ચર્મોદ્યોગ, મત્સ્યોદ્યોગ, મીઠા ઉદ્યોગ, પોટરી વગેરે હતાં. આ યાદીમાં રેલવે ઉદ્યોગ પણ દેખાડેલો છે, પરંતુ એની વિગત નથી આપી એટલે આ રસપ્રદ પાસું ચૂકી જવાય છે. જો કે, રેલવેના વિકાસની બાબતમાં નોંધવા જેવી વાત એ છે કે ભારતમાં રેલવે આવ્યા પછી માત્ર પચીસ વર્ષમાં, ૧૮૮૮માં જૂનાગઢથી જેતલસર સુધીની ૧૬ માઇલ (૨૫-૨૬ કિ.મી.)ની અને ૧૮૮૯માં જૂનાગઢથી વેરાવળ સુધી ૫૧ માઇલ (૮૦-૮૧ કિ.મી.)ની લાઇન નંખાઈ હતી, તે દર્શાવે છે કે નવાબ મહાબત ખાનજીના પિતા પ્રગતિશીલ હતા. તે પછી ૧૯૩૭ સુધીમાં બીજા લગભગ ૨૫૦ કિલોમીટરની રેલવે લાઇનો શરૂ થઈ. આમ આઝાદી પહેલાં જૂનાગઢ રાજ્યમાં લગભગ સાડાત્રણસો કિલોમીટરની રેલવે લાઇનો હતી એ વાતની નોંધ લીધા વિના ન ચાલે.

ડૉ. ખાચર લખે છે તેમ સૌરાષ્ટ્રના રાજવીઓ પર પશ્ચિમના આધુનિક વિચારોની અસર પડવા માંડી હતી અને જૂનાગઢના નવાબ પણ એમાંથી બાકાત નહોતા. આથી એમણે કેટલાંયે સુધારાલક્ષી પગલાં લીધાં, જેમાં રેવેન્યુ પટેલોની નીમણૂંકને બદલે ચૂંટણી કરવાનું ફરમાન મહત્વનું છે. તે ઉપરાંત ખેડૂતોની જમીન લઈ લેવાની હોય તો નવાબ પોતે સુનાવણી કરે અને એમને એ વાજબી લાગે તો જ જમીન લઈ શકાય એ નિર્ણય પણ પ્રશંસાને પાત્ર હતો. આમ તો એમણે ૧૧ વર્ષની ઉંમરે ૧૯૧૧માં ગાદી સંભાળી, પણ વિધિવત્‍ રાજ્યાભિષેક ૧૯૨૦માં થયો તે સાથે જ આ બન્ને નિર્ણય એમણે જાહેર કર્યા તે ઉલ્લેખનીય છે. વળી, શીતળાની રસી ફરજિયાત બનાવી અને રસી ન મુકાવે તેને પચાસ રૂપિયાનો દંડ કરવાનું ફરમાન પણ એમના પ્રગતિશીલ વિચારોનું સૂચક છે. આજે પણ ઇસ્લામને નામે પાકિસ્તાનના બલૂચિસ્તાન જેવા ટ્રાઇબલ વિસ્તારોમાં રોગવિરોધી રસીઓનો વિરોધ થતો હોય છે અને પશ્ચિમના દેશોમાં જઈને વસેલા અમુક મુસ્લિમો પણ ધાર્મિક કારણોસર રસીઓનો વિરોધ કરતા હોવાના અહેવાલો અવારનવાર વાંચવા મળે છે તે જોતાં એક નવાબ શીતળાની રસી ફરજિયાત બનાવે એ મોટી વાત છે.

સિંહોના રક્ષણ માટે તો નવાબ રસૂલખાનજીએ ૧૮૯૬માં જ કાયદો બનાવ્યો હતો, પણ ૧૯૨૫માં સિંહ સિવાયનાં પ્રાણીઓના શિકાર માટેના બધા પરવાના નવાબ મહાબત ખાનજીએ રદ કર્યા અને કોઈ પ્રાણીનો શિકાર કરવા માટે નવાબની અંગત મંજૂરીને આવશ્યક બનાવી દીધી. આ ઉપરાંત એમણે ચિલ્ડ્રન વેલ્ફેર સેન્ટર, ટેકાનિકલ સ્કૂલ, બૅન્ક, રેડક્રોસ વગેરેની સ્થાપના પણ કરી.

નવાબે રાજ્યની આવક પણ વધારી. ૧૯૩૩માં રાજ્યની આવક ૮૬ લાખ રૂપિયા હતી તે ૧૯૪૫ની આસપાસ વધીને ૧૯૦ લાખ થઈ ગઈ. ૧૯૧૧થી ૧૯૪૭ સુધી એમણે રૂ. ૪.૫૭ કરોડ દાનમાં આપ્યા એમ ડૉ. ખાચરે આપેલી યાદી જણાવે છે. આમાં તુલસી શ્યામના રિપેરિંગનો અને એવાં બીજાં હિન્દુ ધાર્મિક સ્થાનોના વિકાસનો ખર્ચ પણ છે. જો કે એમણે અંગ્રેજો દ્વારા ચાલતી સંસ્થાઓ, જેમ કે, દિલ્હીની લૅડી હાર્ડિંગ મૅડિકલ કૉલેજને અથવા YMCAને આપેલી માતબર રકમના આંકડા જોતાં એમ કહી શકાય કે એમના પર દબાણ પણ હશે. વળી, પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં મદદ તરીકે આપેલી રકમને દાન ન ગણાવી શકાય. જૂની ફાઇલોમાં આ રકમને દાનના સદર તળે દર્શાવેલી હોય તો પણ એક તટસ્થ ઇતિહાસકાર તરીકે ડૉ. ખાચરની નજરમાંથી આ મુદ્દા છટકી ગયા હોય એમ લાગે છે. ખરેખર તો આ રકમો માટે એમના પર શું દબાણ આવ્યું તે જાણવું વધારે રસપ્રદ થયું હોત.

૧૮૯૪થી ૧૯૪૬ સુધી રાજ્યમાં નવ કોમવાદી ઘટનાઓ બની હોવાનું લેખકે નોંધ્યું છે. પ્રભાસ પાટણના દેહોત્સર્ગના મંદિરને સીલ કરવાના મામલામાં નવાબ તટસ્થ રહ્યા હતા, પણ એમણે ગિરનારના પ્રદેશમાં મસ્જિદ બાંધવાની મનાઈ કરીને મુસલમાનોની ખફગી પણ વહોરી લીધી હતી. એમની ટીકા થતી કે નવાબ હિન્દુવાદી બની ગયા છે. એક ઘટના પછી તો નવાબે દિવાન મહંમદ શેખને જ બરતરફ કર્યા, પરંતુ અંગ્રેજ સરકાર વધારે ઊંડે ઊતરી અને નવાબને જ જૂનાગઢ છોડી દેવાનો હુકમ કર્યો હતો. આ પછી નવાબ છ મહિના બાલાચડીમાં રહ્યા હતા. જો કે આ ઘટનાઓ શી હતી તેના પર લેખકે પ્રકાશ પાડ્યો હોત તો વધારે સારું થયું હોત.

અલબત્ત, એમણે નોંધ લીધી છે કે નવાબના રાજ્યમાં મુસલમાનોની વસ્તી માત્ર ૧૮ ટકા હતી પરંતુ એમના માટે કેટલીક સારી સુવિધાઓ હતી. બહાઉદ્દીન કૉલેજમાં મુસલમાનો મફત શિક્ષણ લઈ શકતા. મુસલમાનો પર પણ કેટલાક પ્રતિબંધો હતા, જેમ કે, રાજ્યનાં ખાલસા ગામોમાં રાજ્યે નક્કી કરેલી જગ્યા સિવાય ફાવે ત્યાં કબરો બનાવી ન શકાતી. વેરાવળમાં ૧૪ ફુટથી ઊંચા તાજિયા કાઢવા સામે પણ પ્રતિબંધ હતો.

ઇતિહાસ શું માત્ર ‘પરિવર્તનોની નોંધ’ છે કે એનું અર્થઘટન પણ કરી શકાય? આ સવાલ હંમેશાં રહેવાનો છે. પરિવર્તન પાછળનાં પરિબળોનો સંદર્ભ સ્પષ્ટ કરવા જેટલા ઊંડા ઊતરવાની તો ઇતિહાસકારની ફરજ છે જ. તે સિવાય ઇતિહાસ એક મોં-માથાના મેળ વિનાનો દસ્તાવેજ બની જાય. એક વાત નક્કી કે ઇતિહાસ માત્ર માહિતીનો ઢગલો નથી. નવાબની શાદીમાં કઈ નાત કઈ તારીખે જમી એ કદાચ માત્ર માહિતી છે જે ફાઇલોમાં જરૂરી હોય પણ ઇતિહાસનાં પાનાં પર જરૂરી ન પણ હોય. આશા રાખીએ કે ડૉ. પ્રદ્યુમ્ન ખાચર આ વિષય પર વધારે વિશદ છણાવટ સાથેની બીજી સઘન અને વિશ્લેષણાત્મક આવૃત્તિ રજૂ કરશે. ભાષા અને વ્યાકરણ અને સારા પ્રુફ રીડિંગ પર પણ ધ્યાન આપવાની જરૂર લાગે છે.

અંતમાં, એ પણ કહેવું જોઇશે કે આપણે કોઈને પણ વિલન બનાવી દઈએ છીએ અને માત્ર બે જ રંગમાં માણસને જોઇએ છીએ – કાળો અથવા ધોળો. ડૉ. પ્રદ્યુમ્ન ખાચરે ભારતીય આઝાદી અને એકીકરણના ઇતિહાસના એક મહત્ત્વના પાત્રને કાળા અને ધોળા વચ્ચેના કોઈ રંગમાં જોવા અને આપણી સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે; એના માટે તેઓ અવશ્ય અભિનંદનના અધિકારી છે. છેવટે તો, નવાબ મહાબત ખાનજી સ્વતંત્ર ભારત પહેલાંના કોઈ પણ શાસક જેવા જ શાસક હતા; એમનાથી ચડિયાતા પણ નહીં અને ઊતરતા પણ નહીં.

વેબગુર્જરી પર આ લેખ માટે અહીં ક્લિક કરશોઃ

http://webgurjari.in/2014/11/11/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AB%A8%E0%AB%AE-%E0%AA%9C%E0%AB%82%E0%AA%A8%E0%AA%BE%E0%AA%97%E0%AA%A2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%82%E0%AA%A4/

%d bloggers like this: