Gujarat’s Health card – 2015-2016

NFHS-4 (2015-2016) (રાષ્ટ્રીય કૌટુંબિક આરોગ્ય સર્વે – ૪) રિપોર્ટ હાલમાં જ પ્રકાશિત થયો છે. એમાંથી જોતાં લાગે છે કે ગુજરાતમાં અને આખા દેશમાં આરોગ્ય ક્ષેત્રે ઘણું કરવાનું રહે છે, પરંતુ એક સાધનસંપન્ન, વિકસિત અને ઔદ્યોગિક રાજ્ય તરીકે આપણી સજ્જતા આરોગ્યની બાબતમાં બહુ ઝળકતી નથી, એ માત્ર ચિંતાજનક નહીં શરમજનક વાત પણ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મુંબઈની ઇંટરનૅશનલ ઇંસ્ટીટ્યૂટ ઑફ પૉપ્યુલેશન સાયન્સીઝને આ જવાબદારી સોંપી હતી. સંસ્થાએ ગુજરાતમાં ૩૦મી જાન્યુઆરીથી ૩૦મી જૂન ૨૦૧૬ વચ્ચે જુદા જુદા જિલ્લાઓમાં ૨૦,૫૨૪ કુટુંબો, ૨૨,૯૩૨ સ્ત્રીઓ અને ૫,૫૭૪ પુરુષોની સૅમ્પલ સર્વે કરીને પોતાનાં તારણો આપ્યાં છે. સર્વે ટીમે ઘરની સામાજિક-આર્થિક સ્થિતિ, પાણી અને સ્વચ્છતાની સ્થિતિ, લગ્ન, બાળકોની સંખ્યા, જન્મનિરોધનાં સાધનોનો ઉપયોગ, બાળકોનું રસીકરણ, પોષણનો દરજ્જો, સ્ત્રી ઘરમાં હિંસાનો ભોગ બને છે કે કેમ, ઊંચાઈ, વજન, ડાયાબિટીસ, હીમોગ્લૉબિનનું સ્તર – વગેરે ઘણી બાબતો વિશે માહિતી મેળવી. આના માટે એમણે ૧૫-૪૯ વર્ષની સ્ત્રીઓ અને ૧૫-૫૪ વર્ષના પુરુષોનો સર્વેમાં સમાવેશ કર્યો.

શિક્ષણનો પ્રભાવ આરોગ્ય પર પડે છે. એટલે પહેલાં શિક્ષણની સ્થિતિ જોઈએ. ક્યારેક પણ શાળાનું શિક્ષણ લેવાની તક મળી હોય તેવી, ૬ વર્ષ અને તેનાથી વધારે ઉંમરની સ્ત્રીઓની સંખ્યા જોઈએ તો શહેરોમાં ૮૨.૬ ટકા સ્ત્રીઓ અને ગ્રામીણ વિસ્તારોમાં ૬૪ ટકા સ્ત્રીઓ છે. આખા રાજ્યમાં ૭૨ ટકા સ્ત્રીઓ અક્ષરજ્ઞાન ધરાવે છે. દસ વર્ષ પહેલાં કરાયેલી સર્વેમાં આ ટકાવારી ૬૫ ટકા નોંધાઈ હતી. પરંતુ દસ વર્ષ કરતાં વધારે શિક્ષણ લીધું હોય તેવી સ્ત્રીઓ શહેરમાં માત્ર ૪૫.૩ ટકા અને ગામડાંઓમાં ૨૩.૧ ટકા છે. ગુજરાતમાં દર એક હજાર પુરુષ સામે શહેરોમાં ૯૦૭ અને ગામડાંઓમાં ૯૮૪ સ્ત્રીઓ છે. આમ સ્રી-પુરુષ ગુણોત્તરમાં ગામડાં શહેરો કરતાં વધારે પ્રગતિશીલ છે.

સ્વચ્છતાની સુવિધા

રાજ્યમાં ૯૬ ટકાને વીજળી મળે છે અને ૯૦.૯ ટકા પાસે પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા છે, પરંતુ ઘરમાં જ સ્વચ્છતાની સુવિધા (શૌચાલય વગેરે) ન હોય તેવાં ઘરો શહેરોમાં ૧૪.૭ ટકા છે, જ્યારે ગામડાંમાં ૫૩ ટકા પાસે હજી આ સગવડ નથી. આમ આખા રાજ્યમાં ૩૫.૭ ટકા લોકોને આ સુવિધા મળે એવાં પગલાં જરૂરી છે.

વહેલાં લગ્ન અને કુમળી વયની માતાઓ

આજે પણ ગુજરાતમાં ૧૮ વર્ષની ઉંમર પહેલાં પરણાવી દેવાનું વલણ દેખાય છે. શહેરોમાં ૨૦થી ૨૪ વર્ષની સ્ત્રીઓમાંથી ૧૭.૨ ટકાનાં લગ્ન ૧૮ વર્ષ પહેલાં થયાં છે. ગામડાંઓમાં તો આ વયજૂથમાં ૩૦.૭ ટકા છોકરીઓ એવી હતી કે જેમને ૧૮ વર્ષની ઉંમર પહેલાં પરણાવી દેવાઈ છે. ૧૫-૧૯ વર્ષની છોકરીઓમાંથી કેટલી માતા છે તે તપાસતાં જાણવા મળ્યું કે શહેરોમાં ૪.૨ ટકા અને ગામડાંઓમાં ૭.૯ ટકા છોકરીઓ કુમળી વયે જ માતા બની છે.

બાળકોનો મૃત્યુદર શરમજનક

આની સીધી અસર બાળકોના મૃત્યુદરમાં દેખાય છે. આજે પણ ગુજરાતનાં શહેરોમાં દર એક હજાર નવાં જન્મતાં બાળકોમાંથી ૨૭ અને ગ્રામીણ વિસ્તારોમાં ૩૯ બાળકો મૃત્યુ પામે છે. જે બચી જાય છે તેમાંથી ૩૨ શહેરી બાળકો અને ૫૧ ગ્રામીણ બાળકો પાંચ વર્ષની ઉંમરે પહોંચતાં પહેલાં મૃત્યુ પામે છે. એકવીસમી સદીના દોઢ દાયકા પછી આવી સ્થિતિ હોય તે અફસોસની વાત છે.

પુરુષો નસબંધી કરાવતા નથી?

બીજી બાજુ, કુટુંબ નિયોજનાની રીતોના ઉપયોગમાં શહેરો અને ગામડાં વચ્ચે બહુ ફેર નથી દેખાયો. શહેરોમાં ૪૭.૧ ટકા સ્ત્રીઓ અને ગામડાંઓમાં ૪૬.૭ ટકા સ્ત્રીઓ કુટુંબનિયોજનની કોઈ પણ રીતનો ઉપયોગ કરે છે. દુઃખની વાત એ છે કે ૨૦૦૫-૨૦૦૬માં ૬૬.૬ ટકા સ્ત્રીઓ કુટુંબ નિયોજનનાં સાધનો વાપરતી. પરંતુ એમ નથી કે સામે પક્ષે પુરુષો કુટુંબ નિયોજન માટે પોતાની જવાબદારી વધારે સમજતા થયા છે. પુરુષ નસબંધીની વાત કરીએ તો સર્વે નોંધે છે કે શહેરોમાં શૂન્ય ટકા પુરુષો અને ગામડાંમાં દરેક હજારમાં માત્ર ૨ જણ છે, જેમણે નસબંધી કરાવી હોય. આનો અર્થ એ કે પુરુષો પોતાની નસબંધીની વાત છુપાવે છે, અથવા તો કરાવતા જ નથી.

બાળકોની ખરાબ હાલત

બાળકોને બધી રસી અપાવવામાં પણ હજી ઘણું કામ કરવું પડે એમ છે. માત્ર ૧૨થી ૨૩ મહિનાનાં બાળકોમાંથી માત્ર ૫૦.૪ ટકાને બધી રસી મળે છે. શહેરોમાં ૭૮.૨ ટકા બાળકોને સરકારી હૉસ્પિટલોમાં અને ૨૧.૨ ટકાને પ્રાઇવેટ ક્લિનિકોમાં રસી અપાય છે, જ્યારે ગામડાંમાં ૯૩.૯ ટકા બાળકો સરકારી હૉસ્પિટલોમાં આ સેવાનો લાભ લે છે.

બાળક છ મહિનાનું થાય તે પછી એને માત્ર ધાવણ પર ન રખાય. પૂરક આહાર પણ આપવો જોઈએ. પરંતુ હજી આપણાં શહેરોમાં ૪૮.૭ ટકા બાળકો અને ગામડાંમાં ૬૦ ટકા બાળકો માત્ર ધાવણ પર નભે છે. પાંચ વર્ષથી નાની વયનાં ૩૧.૭ શહેરી બાળકો અને ગામડાંમાં ૪૨.૯ ટકા બાળકોની ઉંમરના પ્રમાણમાં ઊંચાઈ ઓછી છે,૨૩.૪ ટકા શહેરી બાળકો અને ૨૮.૫ ટકા ગ્રામીણ બાળકોનું વજન ઊંચાઈ પ્રમાણે જેટલું હોવું જોઈએ તેના કરતાં ઓછું છે. શહેરોમાં ૩૨ ટકા અને ગામડાંઓમાં ૪૪.૨ ટકા પાંચ વર્ષની ઉંમર કરતાં નાનાં બાળકો ‘અંડરવેઇટ’ શ્રેણીમાં આવે છે.

BMI કેટલો છે?

શહેરોમાં ૧૮.૧ ટકા સ્ત્રીઓનો અને ગામડાંમાં ૩૪.૩ ટકા સ્ત્રીઓનો BMI (Body Mass Index = 18.5kg/m2 સ્ટાંડર્ડ) ઓછો છે. એટલે કે એ દૂબળી છે. બીજી બાજુ, શહેરોમાં BMI ઉપર જણાવ્યા કરતાં ઓછો હોય હોય તેવા ૧૯ ટકા પુરુષો છે ગામડાં માં આવા પુરુષો ૨૯.૬ ટકા છે. આનો અર્થ એ કે એમને પૂરતું પોષણ નથી મળતું. બીજી બાજુ 25kg/m2 કરતાં વધારે BMI હોય તેવાં સ્ત્રી-પુરુષ શહેરમાં અનુક્રમે ૩૪.૫ ટકા અને ૨૫.૯ ટકા છે. આનો અર્થ એ કે શહેરી જનતાની ખાવાપીવાની ટેવો સારી નથી. આની સામે ગામડાંમાં બહુ જાડી સ્ત્રીઓની ટકાવારી માત્ર ૧૫.૪ ટકા અને પુરુષોની ટકાવારી ૧૪.૪ ટકા છે. આનો અર્થ એ કે ગામડાંમાં સ્ત્રી-પુરુષો ચરબી ચડે એવો ખોરાક નથી લેતાં.

ખરી શરમની વાતઃ ઍનીમિયા

ગુજરાતમાં ૬થી ૫૯ મહિનાનાં ૬૨.૬ ટકા બાળકો (૫૯.૫ ટકા શહેરોમાં અને ૬૪.૬ ટકા ગામડાંમાં)ના લોહીમાં હીમોગ્લૉબિનનું પ્રમાણ ૧૧.૦ ગ્રામ/ડેસીલીટર કરતાં ઓછું છે. ૧૫થી ૪૯ વર્ષની વયની ૫૧.૬ ટકા શહેરી સ્ત્રીઓ અને ૫૭.૫ ટકા ગ્રામીણ સ્ત્રીઓ ઍનીમિક છે. એકંદર રાજ્યમાં ૫૪.૯ ટકા સ્ત્રીઓ ઍનીમિક છે. ૨૦૦૫-૨૦૦૬માં ૫૫.૩ ટકા સ્ત્રીઓ ઍનીમિયાનો શિકાર હતી. આમ દસ વર્ષમાં ૦.૪ ટકા જેટલો બહુ નજીવો સુધારો થયો છે.

આમાં દુઃખની વાત એ છે કે ૧૫થી ૪૯ વર્ષની અને ગર્ભવતી ન હોય તેવી સ્ત્રીઓમાંથી ૫૧.૮ ટકા શહેરોમાં અને ૫૭.૬ ટકા ગામડાંમાં છે. એમનાં લોહીમાં હીમોગ્લોબિન ૧૨.૦ ગ્રામ/ડેસીલીટર કરતાં ઓછું હોય છે. આ જ ઉંમરની સગર્ભા સ્રીઓમાંથી ૫૧.૩ ટકા (૪૭.૨ ટકા શહેરોમાં અને ૫૪.૨ ટકા ગામડાંમાં) ઍનીમિક છે. એમનું હીમોગ્લોબિન ૧૧ ગ્રામ/ડેસીલીટર કરતાં ઓછું છે.

ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર

રાજ્યમાં ૫.૮ ટકા સ્ત્રીઓમાં લોહીમાં સાકરનું પ્રમાણ વધારે (૧૪૦ mg/dl) જોવા મળ્યું છે અને ૨.૫ ટકા સ્ત્રીઓને તો ૧૬૦ mg/dl કરતાં પણ વધારે સાકર લોહીમાં રહે છે. પુરુષોમાં ૭.૬ ટકા વધારે સાકરવાળા અને ૩.૭ ટકા અતિ વધારે સાકરવાળા છે. એ જ રીતે, લગભગ ૧૦ ટકા સ્ત્રીઓ અને ૧૨ ટકા પુરુષો બ્લડપ્રેશરના દરદી છે.

આપણી ખાવાપીવાની ટેવો

ઍનીમિયા નાબૂદી માટે તો ઝુંબેશ ચલાવવી પડે એમ લાગે છે. BMIની સમતુલા પણ જાળવવી પડશે. કરવું શું? ખાવાની પરંપરાગત રીતોમાં ફેરફાર કરવાની જરૂર છે. એટલે દાળને પીવાની નહીં, ખાવાની વસ્તુ માનો. દાળ બનાવો ત્યારે એક મુઠ્ઠી દાળ વધારે લો અને એક ગ્લાસ પાણી ઓછું નાખો. રોજ પાતળી લચકો દાળ બનાવો; વઘારમાં જરૂર પૂરતું જ તેલ વાપરો, બટાટા કે રીંગણાંને તેલમાં તરતાં શીખવાડવાની જરૂર નથી. ફાફડા-જલેબી સામે હોય ત્યારે મનને કાબુમાં રાખો. ચા ભલે કડક પીઓ, પણ ‘કડક અને મીઠી’ શા માટે? ખાંડ ઓછી કરો. આ બધું તો આપણે પોતે જ કરી શકીએ. કારણ કે ગુજરાતમાં શહેરોમાં ૮૬.૯ ટકા અને ગામડાંમાં ૮૪.૨ ટકા સ્ત્રીઓ ઘર કેમ ચલાવવું તેના નિર્ણયમાં ભાગીદાર બને છે. એમની ભાગીદારી અર્થપૂર્ણ હોય તો ઍનીમિયા, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના ઉપાય તો હાથમાં જ ગણાય.

સંદર્ભઃ

NFHS-4 (2015-2016)

Click to access GJ_FactSheet.pdf

%d bloggers like this: