India: Slavery and struggle for freedom : Part 1: Slavery Chapter 12

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૧: ગુલામી

પ્રકરણ ૧૨: ઔરંગઝેબ, કંપની અને બંગાળ

(ઔરંગઝેબનો જન્મ ૧૬૧૮ની ૨૪મી ઑક્ટોબરે ગુજરાતના દાહોદમાં થયો હતો અને ૪૦ વર્ષની વયે ૧૬૫૮ના મે મહિનાની ૨૩મીએ એ ગાદીએ બેઠો. ૧૭૦૭માં એનું મૃત્યુ થયું.)

જહાંગીર અને શાહજહાંના સમયથી જ બ્રિટિશ ઈસ્ટ ઇંડિયા કંપની હિંદુસ્તાનમાં જામવા લાગી હતી. સત્તરમી સદીમાં કંપની હિંદુસ્તાન આવી ત્યારે જહાંગીરનું શાસન હતું. ૧૬૩૩માં મચિલિપટ્ટનમના ફૅક્ટરે ઓડિશાના મોગલ સુબેદારની પરવાનગીથી બાલાસોર અને હરિહરપુરામાં ફૅક્ટરીઓ બનાવી. તે પછી ૧૬૪૦માં મદ્રાસમાં એમણે સેંટ જ્યૉર્જ ફોર્ટ ઊભો કર્યો. પરંતુ બંગાળમાં ઔરંગઝેબે એમને ઘણીબધી છૂટ આપી.

મદ્રાસમાં કંપનીનું કામકાજ ઢીલું પડ્યું હતું. એ જ હાલત હુગલીની ફૅક્ટરીની હતી, એટલે કંપનીને બંગાળમાં બીજું કોઈ સ્થાન જોઈતું હતું. બંગાળમાં કંપનીને સોના અને ચાંદીના બદલામાં મોંમાગ્યો માલ મળતો હતો. ગાદી માટે ઔરંગઝેબની ખૂનામરકી વખતે એનો સાથી, બંગાળનો હાકેમ શાઇસ્તા ખાન લડાઈઓમાં વ્યસ્ત હતો અને વહીવટ કથળ્યો હતો. અંગ્રેજોને વેપારમાં બધી છૂટ હોવા છતાં સ્થાનિકના અધિકારીઓ એમની પાસેથી પૈસા પડાવતા હતા.

આથી, ૧૬૮૨ સુધીમાં કંપની અને મોગલોના સંબંધો બહુ જ બગડી ગયા. કંપની ટૅક્સ આપવા તૈયાર નહોતી અને મોગલ શાસકો એમનો માલ જવા દેતા નહોતા. એટલે કંપનીએ પોતાનાં હિતોના રક્ષણ માટે બળનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું.

ઔરંગઝેબના કરવેરામાં પણ ભેદભાવ હતો. મુસ્લિમ વેપારીઓ પર અઢી ટકા, જ્યારે બીજા પર પાંચ ટકાનો વેરો હતો. એણે બિનમુસ્લિમો પર જઝિયા વેરો પણ લાગુ કરી દીધો હતો. કંપની આના માટે તૈયાર નહોતી.

દરમિયાન હુગલીની ફૅક્ટરીના પ્રેસીડેન્ટ જૉબ ચાર્નોક સામે એના ભારતીય એજન્ટો અને વેપારીઓએ ૪૩ હજાર રૂપિયાનો દાવો માંડ્યો. હિંદુસ્તાની જજનો ચુકાદો ચાર્નૉકની વિરુદ્ધ આવ્યો પણ એ દંડ ચુકવવા તૈયાર નહોતો.

૧૬૮૬ના ઑક્ટોબરમાં કંપનીએ હુગલીની ફૅક્ટરીમાં ૪૦૦ની ફોજ ઊભી કરી લીધી. બીજી બાજુ શાઇસ્તા ખાન પણ તૈયાર હતો. એણે ૩૦૦ ઘોડેસવારો અને ૩,૦૦૦ સૈનિકો હુગલીમાં ગોઠવી દીધા. શહેરના ફોજદારે કંપની સાથે લેવડદેવડ બંધ કરાવી દીધી. ૨૮મી તારીખે કંપનીના ત્રણ સૈનિકોએ બજારમાં ઘૂસવાની કોશિશ કરી પણ ઝપાઝપીમાં એ ઘાયલ થયા અને કેદ પકડાયા. કંપનીની ફોજના માણસો એમને છોડાવવા ગયા પણ મોગલ ફોજે એમને મારી ભગાડ્યા અને કંપનીનાં જહાજો પર તોપમારો કર્યો. સામેથી કંપનીએ વધારે કુમક મોકલી, એના હુમલામાં ફોજદારના ઘરને આગ લાગી ગઈ. અંગ્રેજી ફોજે એક મોગલ જહાજને પણ કબજામાં લઈ લીધું. ફોજદારની ટુકડીના છ માણસ મરાયા અને ચારસો-પાંચસો ઘરો બળી ગયાં. ફોજદાર પોતે ભાગી છૂટ્યો.

શાઇસ્તા ખાનને આ સમાચાર મળતાં એણે મોટું ઘોડેસવાર દળ મોકલ્યું. અંગ્રેજો ડિસેમ્બરની ૨૦મીએ હુગલીથી બધું વીંટીને ભાગ્યા અને સૂતાનટી ટાપુ (આજનું કોલકાતા) પર પહોંચ્યા. હવે એમનું કંઈ ચાલે એમ નહોતું એટલે એમણે સમાધાનનો માર્ગ લીધો અને સૂતાનટીમાંથી વેપારની પરવાનગી માગી. શાઇસ્તા ખાન પણ વાતચીત કરતો રહ્યો પણ એનો હેતુ અંગ્રેજોને અંધારામાં રાખીને ફોજ ઊભી કરવાનો હતો.

૧૯૮૭ના ફેબ્રુઆરીમાં ફરી લડાઈ ફાટી નીકળી. મટિયા બુર્જ, થાણા (આજનું ગાર્ડન રીચ) અને હિજલી પર અંગ્રેજોનો કબજો થઈ ગયો.

હિજલી એક નાની જાગીર હતી. ચાર્નૉકે હિજલીનું રાજ્ય જીતી લીધું. કૅપ્ટન નિકૉલસને આ પહેલાં જ હિજલીના બંદર પર કબજો કરી લીધો હતો. (Hijli_Kingdom). હિજલીનો મોગલ સરદાર લડાઈ વિના જ ભાગી છૂટ્યો હતો. હિજલીમાં અંગ્રેજોએ પોતાનો બધો નૌકા કાફલો એકઠો કરી લીધો. હિજલી ફળફળાદિમાં સમૃદ્ધ હતું અને સમુદ્ર કાંઠે મીઠું પણ પાકતું હતું. પરંતુ મેલેરિયાનો ભારે પ્રકોપ હતો.

તે પછી માર્ચમાં અંગ્રેજોએ ઓડિશાના બાલાસોર પર કબજો જમાવ્યો. અને ઔરંગઝેબના શાહઝાદા આઝમ અને શાઇસ્તા ખાનનાં બે જહાજ કબજે કરી લીધાં. આમ વાત વધી ગઈ.

હવે મોગલોની ૧૨,૦૦૦ની ફોજે હિજલી પર ચડાઈ કરી. અંગ્રેજો આ વખતે ઊંઘતાં ઝડપાયા. એમના ૨૦૦ સૈનિકો માર્યા ગયા. બીજા સોએક મૅલેરિયામાં સપડાયા હતા. તેમ છતાં એમણે ચાર દિવસ સુધી લડાઈ કરી અને મોગલોને હંફાવ્યા.

છેવટે જૂનની ચોથી તારીખે મોગલ સરદારે શાંતિ માટે દરખાસ્ત મોકલી. અંગ્રેજોએ કબૂલ કરી અને ધૂમધડાકા સાથે હિજલી છોડ્યું. શાઇસ્તા ખાને એમને ઉલૂબેડિયામાં પોતાનું કામકાજ કરવાની છૂટ આપી. આમ જૉબ ચાર્નૉક ૧૬૮૭ના સપ્ટેમ્બરમા સૂતાનટી પાછો આવ્યો.

પરંતુ, આ બાજુ મુંબઈ પાસે પણ અંગ્રેજોએ મોગલોના નૌકા કાફલા પર હુમલા કર્યા હતા. ઔરંઅગઝેબ આ કારણે ગુસ્સામાં હતો. આથી શાઇસ્તા ખાનને અંગ્રેજો સાથેનો કરાર તોડવાનું જરૂરી લાગ્યું. એણે કંપનીને સૂતાનટી ખાલી કરીને હુગલી પાછા જવા ફરમાન કર્યું. પણ ચાર્નૉકે હવે ઢાકાના સુબેદાર સમક્ષ સૂતાનટીમાં જમીન ખરીદવાની અરજી કરી. આ વાટાઘાટો તો એક વરસ ચાલી.

મોગલ હાકેમો આ બધા સમાચાર ઔરંગઝેબ સુધી પહોંચાડતા હતા. એ ગોલકોંડા સામે લડાઈમાં પડ્યો હતો. એણે તરત જ બધા જ અંગ્રેજોને પકડી લઈને મોગલ સલ્તનતમાં જ્યાં પણ એમની ફેક્ટરી હોય તે કબજે કરી લેવાનો હુકમ આપ્યો અને રૈયતને પણ અંગ્રેજો સાથે વેપાર ન કરવાનું ફરમાન કર્યું. પરંતુ કંપની નૌકા યુદ્ધમાં મોગલો કરતાં વધારે શક્તિશાળી હતી. એટલે હજ માટે મક્કા જતાં જહાજોને એ આંતરવા લાગ્યા.

પરંતુ શાઇસ્તા ખાન પછી ઇબ્રાહિમ ખાન આવ્યો. એ અંગ્રેજોનો મિત્ર હતો. એણે એમને ફરી બંગાળ આવવાનું આમંત્રણ આપ્યું. નવા કરાર થયા અને ઔરંગઝેબે ૨૨મી ફેબ્રુઆરી ૧૬૯૦ના દિવસે ફરમાન બહાર પાડ્યું અને એમને ૧,૫૦,૦૦૦ રૂપિયાનો દંડ કર્યો અને એમના બધા વાંકગુના માફ કરીને ફરી પહેલાંની જેમ બધી છૂટછાટો સાથે વેપાર કરવાની પરવાનગી આપી.

૨૪મી ઑગસ્ટે જૉબ ચાર્નૉક પાછો આવ્યો અને ઇબ્રાહિમ ખાને વરસના ૩,૦૦૦ રૂપિયા ચુકવવાની શરતે બંગાળમાં વેપાર કરવાની કંપનીને છૂટ આપી.

અંગ્રેજોના અધિકારો દરેક સ્થળે જુદા જુદા હતા. મુંબઈમાં એ સાર્વભૌમ હતા, મદ્રાસમાં અંગ્રેજ નાગરિકો પર ઇંગ્લિશ ચાર્ટર પ્રમાણે એમની હકુમત હતી, પણ બંગાળમાં અંગ્રેજો પર તો એમનું શાસન ઇંગ્લિશ ચાર્ટર પ્રમાણે હતું પણ હિંદુસ્તાની નાગરિકો માટે હવે કંપની એક જમીનદાર હતી!

 મુખ્ય સંદર્ભઃ

1. An Advanced History of India, R. C. Mazumdar, H. C. Raychaudhuri, Kalikinkar Datta 3rd Edition, 1973, Macmillan India (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

2. History of Aurangzib by Jadu Nath Sarkar, Vol 5, 1952 M. C. Sarkar & Sons, Calcutta, (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

ઇંટરનેટ પરથી બીજીયે પૂરક સામગ્રી અને ફોટા લીધા છે જેના સંદર્ભ યોગ્ય સ્થાને મૂળ લેખમાં જ આપેલા છે. આ લેખ વ્યાવસાયિક હેતુ માટે નથી અને સંદર્ભમાં દર્શાવેલાં પુસ્તકો અથવા ઇંટરનેટ પરથી લીધેલી માહિતીનો ઉપયોગ પણ વ્યાવસાયિક હેતુઓ માટે નથી કર્યો.

India: Slavery and struggle for freedom : Part 1: Slavery Chapter 11

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૧: ગુલામી

પ્રકરણ ૧૧: કંપની સામે બળવો; મુંબઈ સ્વતંત્ર

ઑન્જિયરે હવે મુંબઈ શહેર બાંધવાનું શરૂ કર્યું. સાતેસાત ટાપુઓને પુલોથી જોડવાના હતા, હિંદુસ્તાનમાં જુદાં જુદાં ચલણો હતાઃ શાહી, અશરફી (પોર્ચૂગીઝ – ઝેરાફિન), રૂપિયો વગેરે – એની બરાબર મૂલ્યનું કંપનીનું ચલણ બનાવવા ટંકશાળ બનાવવાની હતી, હૉસ્પિટલ પણ જરૂરી હતી. ચર્ચ તો હોય જ. ૧૬૭૩ સુધીમાં તો કંપનીએ પોતાનો અડ્ડો એવો જમાવી લીધો કે ડચ કંપની એની સામે કંઈ કરતાં પહેલાં બે વાર વિચાર કરે.

ઑન્જિયર આ બધું કરતો હતો ત્યારે લંડનમાં કંપનીના માલિકો ધૂંઆફૂંઆ થતા હતા – “આપણે હિંદુસ્તાનમાં વેપાર કરવા ગયા છીએ, સરકાર બનાવીને વહીવટ કરવા નહીં. આટલો ખર્ચ કરીને વળવાનું કંઈ નથી. જે કોઈ સરકાર હોય તેનું કામ આપણા વેપારને સધ્ધર બનાવવાનું છે!” પરંતુ મુંબઈમાં વેપાર તો હતો જ નહીં, એ તો પેદા કરવાનો હતો! ઑન્જિયરે જોયું કે ખેડૂતો પોતાની ચોથા ભાગની પેદાશ પહેલાં પોર્ટુગલની કંપનીએ આપી દેતા હતા. એણે કહ્યું કે કિલ્લેબંધીને કારણે હવે ખેડૂતોને રક્ષણ મળે છે. આમ કહીને એણે જમીન વેરો દાખલ કર્યો.

હવે એના તાબામાં પંદરેકસોની ફોજ પણ હતી. પરંતુ એમને આપવા માટે પૈસા જ નહોતા!

ફોજનો બળવો

આ સ્થિતિમાં મુંબઈમાં ગોઠવાયેલી ફોજે કંપની સામે બળવો કર્યો. સૈનિકો પોતાનાં શસ્ત્રો સાથે મઝગાંવના એક કિલ્લામાં ભરાઈ ગયા અને ચારે બાજુ રક્ષણની હરોળ ગોઠવી દીધી. ઑન્જિયર બધી માંગો માનવા તૈયાર હતો. ફોજીઓ પોતાનો પગાર રૂપિયામાં માગતા હતા. એમનું કહેવું હતું કે વિનિમયના દરો એવા હતા કે એમનો આખો એક મહિનાનો પગાર મળવો જોઈએ. હિંદુસ્તાનમાં જુદાં જુદાં ચલણો હતાં અને બધાં ચલણ ચાલતાં હતાં, એટલે કોઈ માલ ખરીદવો હોય ત્યારે વેપારી જે ચલણમાં એને ફાયદો હોય તે પ્રમાણે ભાવ લેતો. આમ ફોજીઓને નુકસાન થતું. ઑન્જિયરે એમની માગણી તો માની પણ સૈનિકો બળવો કરે તે કેમ સાંખી લેવાય એટલે બળવામાં જોડાયેલા બધા સામે ‘કોર્ટ માર્શલ’ની કાર્યવાહી પણ થઈ અને એકને મોતની સજા થઈ.

બીજો બળવો અને મુંબઈ કંપનીના હાથમાંથી આઝાદ

પરંતુ, ખરેખર મામલો ઠંડો નહોતો પડ્યો. અંદરખાને ધૂંધવાટ હતો. ૧૬૭૬માં મુંબઈમાં ઇંગ્લૅન્ડના સૈન્યમાંથી રિચર્ડ કૅગ્વિન આવ્યો. એ માત્ર પ્લાંટર તરીકે આવ્યો હતો પણ એ લશ્કરનો માણસ હતો એટલે એને ૧૬૮૧માં ગવર્નિંગ કાઉંસિલમાં લઈ લેવાયો.

આ બાજુ ૧૬૮૨માં જ્‍હૉન ચાઇલ્ડ સૂરતનો પ્રેસીડેન્ટ બન્યો અને તે સાથે મુંબઈને એની નીચે મૂકવામાં આવ્યું, ચાઇલ્ડ હવે મુંબઈનો પણ ગવર્નર બન્યો. એ વેપારીઓનો પ્રતિનિધિ હતો એટલે એવી વાતો વહેતી થઈ કે એ હવે લશ્કરમાં કાપ મૂકશે. લશ્કરની સૈનિક ફરી ઉશ્કેરાયા. એમણે ડેપ્યૂટી ગવર્નરને કેદ કરી લીધો અને કૅગ્વિનના હાથમાં બધી સત્તા આવી ગઈ. કૅગ્વિને બારામાં લાંગરેલા એક જહાજમાંથી ૫૦ કરોડનું સોનું કબજે કરી લીધું અને કંપનીની હકુમતના અંતની જાહેરાત કરી દીધી!

એક વર્ષ સુધી એ શાસન ચલાવતો રહ્યો. કંપની સામે બળવો કર્યા પછી સૂરતથી એને ખાધાખોરાકીનો સામાન પણ મળે એવી આશા નહોતી, એટલે એણે મુંબઈની પાડોશમાં હતા તે હાકેમો, શંભાજી અને સીદીઓ સાથે સારા સંબંધ સ્થાપ્યા. હવે મુંબઈમાં કંપની જેને શત્રુ માનતી તે બધા વેપારીઓ છૂટથી વેપાર કરતા થઈ ગયા. કૅગ્વિન આ બધું રાજાને નામે કરતો રહ્યો.

છેક ૧૬૮૪માં ઇંગ્લૅન્ડમાં રાજા જેમ્સને બળવાની જાણ થઈ! એને કંપની પસંદ નહોતી પણ પાછો એ કંપનીનો કરજદાર પણ હતો! એણે તરત થૉમસ ગ્રૅન્થામની સરદારી હેઠળનાં બે જહાજ કૅગ્વિનને પરાસ્ત કરવા મોકલ્યાં. કૅગ્વિન રાજાની સામે થવા નહોતો માગતો એટલે એણે રાજાના દૂત સમક્ષ હથિયાર હેઠાં મૂક્યાં પણ શરત એ રાખી કે એને અથવા એના કોઈ સાથીને સજા ન થવી જોઈએ. એની શરત મંજૂર રહી, કંપનીને મુંબઈ પાછું મળ્યું. જ્‍હૉન ચાઇલ્ડે નિરાંતનો શ્વાસ લીધો કે કૅગ્વિનને સજા ન થઈ તેનો એને વસવસો રહ્યો, ઇતિહાસ એની નોંધ નથી લેતો.

૧૬૮૭માં સૂરતની જગ્યાએ મુંબઈને પ્રેસીડેન્સી બનાવી દેવાયું. કંપનીની બધી ફૅક્ટરીઓ મુંબઈના તાબામાં મુકાઈ. સૂરતનો દરજ્જો કંપનીની બીજી ફૅક્ટરીઓ જેવી એક સામાન્ય ફૅક્ટરીનો રહી ગયો અને મુંબઈ એના કરતાં આગળ નીકળી ગયું.

પહેલો સામ્રાજ્યવાદી

થોમસ રો એવી સલાહ આપી ગયો હતો કે કંપનીએ માત્ર સમુદ્રમાં જ વેપાર કરવો જોઈએ, જમીન પર આવવું જ ન જોઈએ. પણ લંડનમાં કંપનીનો વડો જોશિઆ ચાઇલ્ડ (મુંબઈના પ્રેસીડેન્ટ જ્‍હૉન ચાઇલ્ડ સાથે એનો કશો સંબંધ નથી). કંપનીને તદ્દન નવી દિશામાં લઈ ગયો. એના પહેલાં લંડનમાં ઈસ્ટ ઇંડિયા કંપનીના ગવર્નરો માત્ર હિંદુસ્તાનથી મળતા રિપોર્ટોથી સંતુષ્ટ થઈ જતા હતા પણ જોશિઆ ચાઇલ્ડે હિંદુસ્તાનમાં પોતાના નોકરોને હુકમો મોકલવાનું શરૂ કર્યું. એણે કહ્યું કે આપણું કામ માત્ર વેપાર અને માલની સલામતીનું છે પણ આપણે કિલ્લેબંધી વિના આપણે આપણો માલ સુરક્ષિત ન રાખી શકીએ. એણે લશ્કરી તાકાત વધારવા અને જમીન પર વિસ્તાર કરવાની હિમાયત કરી. એણે મદ્રાસ પ્રેસીડેન્સી માટે પણ લખ્યું કે ત્યાંના આપણા સાર્વભૌમત્વનું આપણે કોઈ પણ રીતે રક્ષણ કરશુંઅને કોઈ રાજાબાજાની આણ માન્યા વિના આપણા જ કાયદાઓ પ્રમાણે ચાલશું. એણે બંગાળમાં પણ મજબૂત કિલ્લેબંધી માટે લખ્યું. આમ જોશિઆ ચાઇલ્ડને અંગ્રેજ સામ્રાજ્યવાદનો પ્રથમ પ્રહરી માનવો જોઈએ.

દરમિયાન ફ્રેન્ચ કંપની પોંડીચેરીમાં પોતાનો પગદંડો જમાવવા લાગી હતી. લંડનની કંપનીએ નવા હરીફનો મુકાબલો કરવાનો હતો. જો કે હજી એમનું ધ્યાન ડચ કંપની પરથી હટ્યું નહોતું. દુશ્મનને હરાવવાના પ્રયાસોમાં અમુક અંશે દુશ્મન પાસેથી કંપની નવું શીખી પણ ખરી. જોશિઆ ચાઇલ્ડે મદ્રાસ પ્રેસીડેન્સીને ડચ જેવી મ્યુનિસિપલ વ્યવસ્થા કરવાનો પણ આદેશ આપ્યો. શીખાઉ ફૅક્ટરો માટે ડચ લોકો જે નામ વાપરતા હતા તે જ નામનું અંગ્રેજી કરીને હવે લંડનથી આવતા નવા ફૅક્ટરો માટે વાપરવાનું શરૂ થયું હવે એ ‘રાઇટર’ તરીકે ઓળખાવા લાગ્યા.

પરંતુ સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં આટલું જ નહીં, ઘણુંબધું બન્યું હતું! થોડા પાછળ જઈએ?


મુખ્ય સંદર્ભઃ

1. The Honourable Company: A History of the English East India Company by John Keay Harper Collins Publishers EPub Edition © JUNE 2010 ISBN: 978-0-007-39554-5 Copyright © John Keay 1991. (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

2. Keigwin’s Rebellion: Oxford Historical and Literary Stidies, Vol. VI -1916. (ઇંટરનેટ પર ઉપલબ્ધ)


ઇંટરનેટ પરથી બીજીયે પૂરક સામગ્રી અને ફોટા લીધા છે જેના સંદર્ભ યોગ્ય સ્થાને મૂળ લેખમાં જ આપેલા છે. આ લેખ વ્યાવસાયિક હેતુ માટે નથી અને સંદર્ભમાં દર્શાવેલાં પુસ્તકો અથવા ઇંટરનેટ પરથી લીધેલી માહિતીનો ઉપયોગ પણ વ્યાવસાયિક હેતુઓ માટે નથી કર્યો.

India: Slavery and struggle for freedom : Part 1: Slavery Chapter 3

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૧: ગુલામી

પ્રકરણ ૩ભારત પહોંચતાં પહેલાં

પરંતુ ઈસ્ટ ઇંડિયા કંપનીની શરૂઆતના એ દિવસો હતા.  ભારત એની મહત્ત્વાકાંક્ષાઓમાં હતું પણ કંપનીએ હજી તો પહેલા પડાવે પહોંચવાનું હતું. હજી તો ફેબ્રુઆરી ૧૬૦૧ છે અને લૅંકેસ્ટર એના ‘રેડ ડ્રૅગન’ જહાજમાં વૂલવિચથી ઈસ્ટ ઇંડીઝ તરફ જવા નીકળી પડ્યો છે. ૬૦૦ ટનનું આ માલવાહક જહાજ યુદ્ધ જહાજ જેવું સજ્જ હતું. ૨૦૦ માણસો એમાં સહેલાઈથી સમાઈ શકતા અને ૩૮ તો તોપો હતી. એની સાથે બીજાં ત્રણ નાનાં જહાજો છેઃ હેક્ટર (Hector), સૂઝન (Susan) અને ઍસેન્સન (Ascension). ચારેય જહાજો પર ૪૮૦ ખલાસીઓ અને મજૂરો છે.

દક્ષિણ ઍટલાન્ટિક પ્રદેશ એ વખતે જીવલેણ સ્કર્વીના રોગના પ્રદેશ તરીકે નામચીન હતો. ૧૫૯૧માં લૅંકેસ્ટરને એનો ખરાબ અનુભવ હતો અને એ વખતે એણે લીંબુના રસનો અખતરો કર્યો હતો. દક્ષિણ ઍટલાન્ટિકમાં પ્રવેશતાં જ એણે પોતાના બધા માણસોને દરરોજ ત્રણ ચમચી લીંબુનો રસ આપવાનું શરૂ કરી દીધું હતું. (૨૦૦ વર્ષ પછી એ જાણી શકાયું કે વિટામિન ‘સી’ની ઉણપથી સ્કર્વી થાય છે). પરિણામે, રેડ ડ્રૅગન પર તો બીમારી ન ફેલાઈ પણ સાથી જહાજોમાં હાલત ખરાબ હતી. કુલ ૧૦૫નો સ્કર્વીએ ભોગ લીધો. આમ પાંચમા ભાગનો કાફલો તો ક્યાંય પહોંચ્યા વિના જ સાફ થઈ ગયો.

આરામ માટે ક્યાંક રોકાવાની જરૂર હતી. આખરે છ મહિનાની હાલાકી પછી જહાજો કેપ ઑફ ગૂડ હોપની દક્ષિણે દક્ષિણ આફ્રિકામાં કેપ ટાઉન પાસે‘ટેબલ બે’ (Table Bay)(આફ્રિકાન ભાષામાં નામઃ ‘તાફેલબાઈ’) પહોંચ્યાં. ખાધાખોરાકીનો સામાન પણ ખૂટી ગયો હતો. આફ્રિકનો યુરોપિયનોથી દૂર જ રહેતા અને એમની ભાષા આવડે નહીં. લૅંકેસ્ટરે ઘેટાંબકરાંની જેમ ‘બેં…”, અને ગાય-બળદ માટે “અમ્ભાં…” કર્યું ત્યારે લોકો સમજ્યા અને પોતાનાં ઘેટાંબકરાં, ગાય-બળદ વેચવા એમની પાસે ગયા. ગરીબ અને અણસમજ એટલા કે લોખંડના બે જૂના સળિયામાં લૅંકેસ્ટરે મોટો બળદ ખરીદી લીધો! હજારેક ઘેટાં અને ચાળીસેક બળદ અને એક પોર્ચુગીઝ નૌકા પર છાપો મારીને લૂંટેલાં વાઇન, ઑલિવ તેલ વગેરે બધો સામાન લઈને લૅંકેસ્ટરનું જહાજ આગળ વધ્યું પણ મુસીબત કેડો મૂકતી નહોતી. હવે એક પછી એકને ઝાડા થઈ ગયા અને મરવા લાગ્યા. લૅંકેસ્ટરની ડાયરી લખનાર લખે છે કે એક પાદરી, એક ડૉક્ટર અને ‘tenne [ten] other common men’ મૃત્યુ પામ્યા. (એ વખતની અંગ્રેજી ધ્યાન આપવા જેવી છે). આમ લૅંકેસ્ટર માડાગાસ્કર અને સુમાત્રા થઈને લંડનથી નીકળ્યા પછી ૧૬ મહિને આસેહ (ઇંડોનેશિયા) પહોંચ્યો. ત્યાં પહોંચ્યા ત્યારની નોંધ ગુજરાતીઓને રસ પડે તેવી છેઃ “Here we found sixteen or eighteen sail of shippes [ships] of diverse nations – Gujeratis, some of Bengal, some of Calicut called Malibaris, some of Pegu [Burma] and some of Patani [Thailand] which came to trade here.”

આસેહના સુલતાન અલ્લાઉદ્દીન રિઆયત શાહે લંડનના વેપારી જહાજનું સ્વાગત કર્યું. અને લૅંકેસ્ટરના શબ્દોમાં ‘sixe [six] greate [great] ellifants [elephants] with many trumpets, drums and streamers’ એમને દરબારમાં લઈ ગયા.

લૅંકેસ્ટરે રાણીનો પત્ર શાહને આપ્યો અને શાહે બદલામાં વેપારની સમજૂતી સ્વીકારી, એમને રહેવાની જગ્યા આપી અને એમના સંરક્ષણની પણ વ્યવસ્થા પણ કરી. હવે બસ, કંપનીના જહાજોએ સુમાત્રાનાં મરીનો બહુ મોટો જથ્થો ભરીને ઇંગ્લૅન્ડ પાછા ફરવાનું હતું, પણ એક મોટી સમસ્યા આવી. મરીનો પાક નિષ્ફળ ગયો હતો. હવે શું કરવું? લૅંકેસ્ટર બે જહાજ સાથે મલાકાના અખાત તરફ ગયો અને પોર્ટુગલનું એક જહાજ હિંદુસ્તાનથી કાપડ, ‘બાટિક’ વગેરે સામાન ભરીને આવતું હતું તેને લૂંટી લીધું. ખાલી હાથે તો લંડન પાછા જવાય એવું નહોતું. અલ્લાઉદ્દીન શાહ એનાથી એટલો પ્રસન્ન હતો કે એણે આ લૂંટ તરફ આંખ આડા કાન કર્યા. હિંદુસ્તાની કાપડની માંગ હજી યુરોપમાં નહોતી. પરંતુ એશિયામાં એની લોકપ્રિયતા બહુ હતી અને નાણાને બદલે એનો ઉપયોગ સાટા તરીકે થતો. લૅંકેસ્ટર પાસે માલ ખરીદવા ૨૦,૦૦૦ પૌંડનું સોનું અને છ હજાર પૌંડ જેટલી લંડનના માલના બદલામાં મળેલી રકમ હતી. ભારતનું કાપડ લંડન લઈ જાય તો બહુ કમાણી થવાની નહોતી એટલે એણે પૈસા બચાવી લીધા અને અમુક પ્રમાણમાં ભારતીય કાપડ સાટામાં કિંમત તરીકે ચૂકવ્યું.

લૅંકેસ્ટર આસેહનું મહત્ત્વ સમજ્યો અને એણે ત્યાં ઈસ્ટ ઇંડિયા કંપનીની પહેલી ‘ફૅક્ટરી” સ્થાપી. તે પછી એ બૅન્ટમ થઈને જાયફળના ટાપુ પુલાઉ રુનમાં સ્થાપિત થયો.

જો કે લંડનમાં પહેલી સફરની કોઈ ખાસ અસર નહોતી. તેજાનાનો પુરવઠો મોટા વેપારને લાયક નહોતો.તે પછી કંપનીએ બે ખેપ કરી ત્યારે મરીનો બહુ મોટો જથ્થો હતો. તેમ છતાં, પરંતુ લંડન પહોંચ્યા પછી બહુ મોટો નફો કરવાની કંપનીની મુરાદ મનમાં જ રહી ગઈ.

આ બાજુ ૧૬૦૩ના અંતમાં રાજા જેમ્સે પણ કોઈ જહાજ પર હુમલો કરીને એનો બધો માલ લૂંટી લીધો હતો! એની પાસે મરીનો પુરવઠો એટલો બધો હતો કે એણે જ્યાંસુધી પોતાનો માલ વેચાય નહીં ત્યાં સુધી કંપનીના માલને બજારમાં ન મૂકવાનો હુકમ કર્યો. કંપનીએ એ હુકમ માનવાનો જ હતો. ડાયરેક્ટરોએ વાંધો લીધો અને શેરહોલ્ડરોને ડિવિડન્ડ તરીકે મરી આપ્યાં. આમ મરીનો મોટો સ્ટૉક બહાર આવી જતાં એના ભાવ અડધા થઈ ગયા! શેરહોલ્ડરો માટે મુસીબત ઊભી થઈ. આમ પણ નવી કંપનીમાં હજી નાણાં રોકતાં લોકો ગભરાતા હતા એટલે એક સફર માટે લોકો નાણાં રોકતા. જે મૂળ ૨૧૮ જણે કંપની શરૂ કરવા અરજી કરી હતી તે લોકોએ પણ માત્ર એક સફર માટે રોકાણ કર્યું હતું. દર વખતે નવી સફર માટે કંપનીએ ફરી ભંડોળ ઊભું કરવું પડતું. કંપનીનું માળખું પણ બરાબર નહોતું. એક ગવર્નર, એક ડૅપ્યુટી ગવર્નર અને ૨૪ ‘કમિટી’ (એટલે કે કમિટીના સભ્યો જે ‘કમિટી”ના નામે જ ઓળખાતા)થી કામ ચાલતું. કંપનીના નોકર તો માત્ર પાંચ હતા – એક સેક્રેટરી, એક કૅશિયર, એક સંદેશવાહક, એક સોલિસિટર અને એક જહાજની જરૂરિયાતોનો મૅનેજર!

૦-૦-૦

મુખ્ય સંદર્ભઃ

The Honourable Company: A History of the English East India Company by John Keay
Harper Collins Publishers EPub Edition © JUNE 2010 ISBN: 978-0-007-39554-5
Copyright © John Keay 1991.(ઇંટરનેટ પર ઉપલબ્ધ)


ઇંટરનેટ પરથી બીજીયે પૂરક સામગ્રી અને ફોટા લીધા છે જેના સંદર્ભ યોગ્ય સ્થાને મૂળ લેખમાં જ આપેલા છે. આ લેખ વ્યવસાયિક હેતુ માટે નથી અને સંદર્ભમાં દર્શાવેલાં પુસ્તકો અથવા ઇંટરનેટ પરથી લીધેલી માહિતીનો ઉપયોગ પણ વ્યાવસાયિક હેતુઓ માટે નથી કર્યો.


%d bloggers like this: