The Morbi Disaster (5)

No one had a tongue to speak પુસ્તકનો પરિચય (5)

(લેખકો: ઉત્પલ સાંડેસરા અને ટૉમ વૂટન)

 ૧૧મી ઑગસ્ટે ડેમ પર શી સ્થિતિ હતી? નાયબ ઇજનેર મહેતા તો રાજકોટમાં સત્તાવાળાઓને જાણ કરવા માટે સવારે જ નીકળી ગયા હતા. બપોરે એક વાગ્યે મૅકેનિક લક્ષ્મણ અને એના સાથીઓને સમજાઈ ગયું હતું કે ડૅમ બચવાનો નથી. પરંતુ હોનારત થાય તે પહેલાં જાણ કરવા જેટલો સમય પણ એમની પાસે નહોતો. વાયરલેસ સહિત બધું જ બંધ હતું. બપોરે દોઢેક વાગ્યે એમને પોતાના જીવની ફિકર થઈ અને એમણે જોધપર તરફ ભાગી જવાનો નિર્ણય કર્યો. લક્ષ્મણે તે પછી લેખકોને કહ્યું કે “અમે ડૅમ પરથી સલામત જગ્યાએ તો આવી ગયા, પણ  માટી નરમ હતી. પગ અંદર ખૂંપતા જતા હતા. ચાલતા રહીએ તો વચ્ચે જ ફસાઈ જઈએ એવી હાલત હતી. બીજી બાજુ પણ જઈ શકાય એમ નહોતું, અમને લાગ્યું કે કોંક્રીટના ડૅમને તો કઈં થવાનું નથી એટલે અમે  પાછા આવ્યા અને કંટ્રોલ રૂમમાં ભરાઈ ગયા…”

આ જગ્યાએથી એમને ડૅમ–ઇજનેરીના ઇતિહાસની સંહારક નિષ્ફળતા નજરે જોવા મળી. લગભગ બે વાગ્યે દોઢ–બે ફુટ જેટલું પાણી બંધની ઊંચાઈની ઉપરવટ જઈને વહેવા લાગ્યું. આ પાણી એક બાજુએથી નદીનાં પાણીને જઈ મળ્યું. કર્મચારીઓનું સઘળું ધ્યાન લખધીરનગરવાળી દિવાલ પર હતું. જોધપર બાજુની દીવાલ તરફ એમણે જોયું પણ નહોતું. ઓચિંતા જ એમણે જોયું કે પાણી જમણી બાજુથી પણ નદીમાં ભળવા લાગ્યું હતું. એમને સમજાઈ ગયું કે જમણી બાજુ પણ ગાબડું પડી ગયું હતું. એમની નજર સામે જ કોંક્રીટના બંધની જમણી બાજુની દીવાલ આખી ને આખી તણાઈ ગઈ અને ગરજતા પાણીનો વિરાટ દાનવ નિરંકુશ બનીને મોરબીને ભરખી લેવા ધસવા લાગ્યો. તે સાથે જ જનરેટર રૂમ પણ ધસી પડ્યો. જનરેટર ઊછળતા સાગરમાં વહી ગયું. કોંક્રીટના ગરનાળાની ઉપરના કંટ્રોલ રૂમમાં મોતના ભયથી થરથરતા સાત જણ અતાગ મહાસાગરની વચ્ચે એકલા હતા અને ચારે બાજુથી પાણીએ એમને ઘેરી લીધા હતા.

જોધપરમાં માણસોએ મંદિરમાં આશરો લીધો, પણ બપોરે અઢી વાગ્યાના સુમારે જબ્બર ધડાકો થયો. લોકો સમજી ગયા કે ડૅમ ગયો. થોડી જ વારમાં એમનાં ખેતરો, ઘરબાર, બધું જ પાણીની નીચે હતું. લોકો જોતા રહ્યા અને એમની આંખ સામે એમનાં ગાય ભેંસ, બકરીઓ વગેરે બધા  અબોલ જીવને પાણી પોતાની સાથે ખેંચતું ગયું. લીલાપરમાં માંડ પચાસેક જણ પાછળ રહ્યા હતા. પાણીના હુમલાથી બચવા આ લોકો ઊંચાં મકાનોની છત પર ચડી ગયા. પહેલું મોજું ચારેક ફુટનું હતું. એમાં રસ્તા ડૂબી ગયા. પંદરેક મિનિટે બીજું મોજું આવ્યું,  પંદર ફુટનું  મોજું મકાનોના પહેલા માળને આંબી ગયું. તે પછી ત્રીજું મોજું વીસેક ફુટનું આવ્યું, એમાં મકાનોના બીજા માળનાં છાપરાં તોફાને ચડેલા મહાસાગરની વચ્ચે ટાપુ જેવાં બની ગયાં. જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી હતું…ઉછાળા મારતું, લોકોને ભરખી જતું પાણી. 

જલાસુર લીલાપરથી વજેપર પહોંચ્યો. લોકો ભાગીને મંદિરમાં ભરાયા. મંદિરમાં કીડિયારૂં ઊભરાયું હોય તેમ માણસો એકબીજા સાથે અથડાતા હતા. મોતનો રંગ બધા ચહેરાઓ પર અંકિત હતો. ૧૯૫૯માં ભયંકર પૂર આવ્યાં હતાં ત્યારે મંદિરનાં પગથિયાં સુધી જ પાણી પહોંચ્યું હતું. લોકોને વિશ્વાસ હતો કે પાણી એનાથી ઊંચે નહીં ચડે. પરંતુ, પાણી તો કોઈ રીતે છોડે તેમ નહોતાં. આશરા માટે હવે માત્ર છત બચી હતી. નસીબ એવાં ખરાબ કે છત પર જવા માટે એક જ લાકડાની સીડી હતી. ભારે ધક્કામુક્કીમાં સીડી તૂટી. કાળજાં કાંપી ઊઠે એવા ચિત્કારોથી મંદિર ગાજી ઊઠ્યું.

વજેપર ડૂબ્યું તેની થોડી જ મિનિટોમાં પાણી દક્ષિણ મોરબીમાં પહોંચી ગયું. હરિજનવાસ, કનુભાઈ કુબાવતની ટાઇગર કૉલોની અને ખતીજાબેન વગેરે રહેતાં હતાં તે બધા નીચાણવાળા વિસ્તારો જોતજોતામાં જળબંબાકાર થઈ ગયા.

સાંજના સાતેક વાગ્યે ધીમે ધીમે પાણી ઓસરવા લાગ્યાં. કોઈ સળવળ્યા અને ઘરની શોધમાં નીકળી પડ્યા. કોઈ તો બહાર નીકળવાની જ હિંમત ન કરી શક્યા. ચારે બાજુ વિનાશ હતો. અસંખ્ય ઘરો લુપ્ત થઈ ગયાં હતાં. જે ઘર બચી ગયાં હતાં તેમાં માટી ભરાઈ ગઈ હતી. પછી સૌ, કુટુંબમાં કોણ બચ્યું, એનો તાળો મેળવવા લાગ્યા અને કરુણ આર્તનાદો, ક્રંદનો અને કલ્પાંતો સિવાય એમની પાસે બચ્યું જ શું હતુ? કોણ કોનું રડે? સૌ પર મુસીબત ત્રાટકી હતી. ધીમે ધીમે મોરબી, લીલાપર, જોધપર, વજેપર અને માળિયા સુધી અંધારપટ છવાઈ ગયો. હાથ પણ દેખાય નહીં એવું કાળું ડિબાંગ અંધારૂં. મયુરધ્વજ રાજાની નગરી શ્મશાન બની ગઈ હતી અને લોકો ભેંકારમાં ભુતાવળનો વરવો નાચ લાચાર બનીને જોતા રહ્યા.

●—●—●—●

પરંતુ રાજકોટમાં, ૧૨મી ઑગસ્ટની વહેલી પરોડે સાડાત્રણે ગમબૂટ અને રેઈનકોટમાં સજ્જ કલેક્ટર બેનરજી કંટ્રોલ રૂમમાં પહોંચ્યા ત્યારે એમના મગજમાં મોરબીનો વિચાર પણ નહોતો. એમનું ધ્યાન તો સૌરાષ્ટ્રના બીજા ડૅમો પર હતું. એક ગામમાં સપડાયેલા લોકોને બચાવવામાં કલેક્ટરનો આખો દિવસ ગયો હતો.  ચોવીસ કલાકથી આંખે મટકું પણ નહોતું માર્યું. કંટ્રોલ રૂમમાં પણ કલેક્ટર આવ્યા ત્યારે કર્મચારીઓ અડધા ઊંઘમાં જ હતા. માત્ર વાયરલેસ ઓપરેટરોને આરામ નહોતો.

બેનરજી આવીને પોતાના શરીરને એક ખુરશીમાં ફંગોળે છે; પટાવાળો ચા લાવે છે. બેનરજી કંટાળા અને થાકથી ભરેલી નજરે કપ સામે જૂએ છે, કપ ઉપાડીને પહેલી ચુસ્કી લે છે, એક કર્મચારી અંદર આવે છે, એક કાગળ સાહેબના હાથમાં મૂકે છે, નજર પડતાં જ બેનરજી ચમકી ઉઠે છે…મોરબી?! કપ નીચે રાખી દે છે. થાકેલું મન ફરી ધમધમ કરવા લાગે છે….

૧૨મી ઓગસ્ટે સૌ પહેલાં મોરબી પહોંચનારી સરકારી ટુકડીને મોતના તાંડવનાં કમકમાટી છૂટી જાય એવાં પરિણામો પર નજર માંડવાની ફુરસદ નહોતી. રાજકોટથી આવેલા પોલીસ અને હોમગાર્ડ અધિકારીઓનું ધ્યાન સૌ પહેલાં તો આવી હાલતમાં લૂંટફાટ ન થાય, ઝઘડાઓ ન થાય તેના પર હતું. ગમે તે થાય, ચોરો   અને બદમાશોને તો નહીં જ ફાવવા દેવાય – “તમે કઈં બોલતા નહીં, જોયા કરો. સજા આપવાનું કામ હું કરીશ.” જિલ્લા હોમગાર્ડ્ઝના કમાન્ડન્ટ ઊષાકાન્ત માંકડે મૅયર રતિલાલ દેસાઈને ધરપત બંધાવી. માંકડે પછી પોતાના અનુભવ વર્ણવતાં કહ્યું: “ અમે સવારે છ વાગ્યે મોરબી પહોંચ્યા ત્યારે કેટલાયે લોકો દુકાનો લૂંટતા હતા. જો કે દુકાનોમાં તો પાણી ભરાયાં હતાં એટલે એમના હાથમાં બહુ તો નહોતું આવતું, પણ કોશિશ તો કરતા જ હતા. કેટલાક તો લાશોના નાક–કાન કાપીને સોનાના દાગીના લઈ જતા હતા, એવા સમાચાર મળ્યા…અમે એમને એવા ઠોક્યા કે નરક યાદ આવી જાય…”

કલેક્ટર બેનરજી મોરબી પહોંચ્યા અને જોયું કે ઠેરઠેર લાશો રઝળતી હતી. રોગચાળો ફેલાય એવો ભય હતો. શબોનો નિકાલ કરવાનો હતો. હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ માંકડે આ કામ સંભાળ્યું. લાશોની હાલત એ હતી કે હોમગાર્ડ એને હાથ કે પગથી ખેંચે તો ચામડી ફાટી જતી અને પાણીની સેર છૂટતી. લાશનો હાથ સીધો કરવા જાય તો છૂટો પડીને હાથમાં આવી જાય. મોટા ભાગનાં શબોને કેરોસીન છાંટીને જ્યાંથી મળ્યાં હોય ત્યાં જ બાળી નાખવાં પડ્યાં.

●—●—●—●

ગાંધીનગરને મોરબીના સમાચાર ૧૩ કલાક પછી મળ્યા. કલેક્ટર બેનરજીએ ખેતીવાડી પ્રધાન કેશુભાઈને સૌ પહેલાં જાણ કરી દીધી હતી. કેશુભાઈએ મુખ્ય પ્રધાન બાબુભાઈ જસભાઈ પટેલને જાણ કરી. ૬૮ વર્ષના મુખ્ય પ્રધાન સામે એમની બીજી મુદતની લગભગ અધવચાળે મોટી માનવીય હોનારત પડકાર બનીને આવી ઊભી હતી. એમણે મુખ્ય સચિવને તરત જાણ કરી અને પહોંચી ગયા, અમદાવાદમાં આકાશવાણી કેન્દ્ર પર. જલદી, આખા રાજ્યને એક સાથે સંદેશ આપવો હોય તો રેડિયો જ કારગત સાધન જેવો હતો. તે પછી મોડી રાત સુધી રાહતકામોની વ્યવસ્થામાં લાગી ગયા અને બીજા દિવસની સવારે ૧૩મી તારીખે મોરબી પહોંચી ગયા.

●—●—●—●

મુખ્ય પ્રધાનની ઓફિસથી થોડે જ દૂર, ખેતીવાડી વિભાગના સચિવ એચ. કે. ખાન  ૧૧ દિવસની પૂરરાહત કામગીરીમાંથી થોડી નવરાશ મળતાં પોતાની ઓફિસમાં ૧૨મી ઓગસ્ટની બપોરે જમીને સોફા પર આડે પડખે થયા હતા. પણ દરવાજા પર નજર પડતાં સફાળા બેઠા થઈ ગયા. મુખ્ય સચિવ એમના દરવાજે હતા! મુખ્ય સચિવે ખાનને મોરબીની હોનારતની વાત કરી અને જણાવ્યું કે કેશુભાઇ સાથે મસલત કરીને મુખ્ય પ્રધાને એમને ખાસ રાહત સચિવ બનાવ્યા છે. ખાને તરત એક ઉચ્ચ પોલીસ અધિકારીની મદદથી ઈજનેરો અને બીજા નિષ્ણાતોની એક નાની ટીમ બનાવી અને મોરબી પહોંચ્યા. ખાને ત્યાં જઈને જે રિપોર્ટ મુખ્ય પ્રધાનને આપ્યો તેમાં રાજ્યની સંપૂર્ણ સત્તાની માગણી કરી. બાબુભાઈએ એમને નાણાકીય સહિતની બધી સત્તા સોંપી દીધી.

રાજ્યમાં મોરબીની હોનારતના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા. ધર્માદા સંસ્થાઓએ તરત પોતાની ફરજ સમજીને રાહત સામગ્રી, ખાદ્ય પૅકેટો મોકલવાનું શરૂ કરી દીધું.

મુખ્ય પ્રધાને મોરબીને જ પોતાનું ઘર અને ઓફિસ બનાવી દીધું. તેઓ રાહત કૅમ્પમાં જ બીજા શરણાર્થીઓ કે સ્વયંસેવકો સાથે જ ખાતા અને રહેતા. મોરબીની સ્થિતિનો આંક કાઢવા રોજ મીણબત્તી અને ફાનસોના પ્રકાશમાં સાંજે સૌ ભેગા થાય. ચર્ચા કરે, બીજા દિવસનો કાર્યક્રમ નક્કી કરે. સૌ સૂઈ જાય તે પછી બાબુભાઈ બીજી ફાઈલોના અંબારમાં નજર નાખે.  સૂવામાં સૌથી છેલ્લા, ઊઠવામાં સૌથી પહેલા!

સવારે પણ રાહત છાવણીમાં ખાને બનાવેલી ઓફિસમાં મીટિંગ થાય. મુખ્ય પ્રધાન આવે. એક ખૂણામાં રાખેલા નાના ટેબલ સામે ગોઠવાઈ જાય. કોઈ એમની સલાહ માગે તો ખાન તરફ આંગળી ચીંધીને કહી દે કે હું અહીંનો ઇન્ચાર્જ નથી, હું પણ વોલંટીઅર જ છું!

મોરબીના અંધારપટ વિશે એક વાર રાતના ભોજન સમયે વાત થઈ. મુખ્ય પ્રધાને એક સીનિયર  ઇજનેરને જવાબદારી સોંપી. બીજા દિવસે એમણે કાર્યવાહીનો રિપોર્ટ માગ્યો. જવાબ મળ્યો કે એમણે બધા જિલ્લાને લખવું પડશે. બાબુભાઈએ કહ્યુ: “બેસી જાઓ અને જૂઓ.” એમણે બધા જિલ્લાઓમાં ફોન કર્યા અને આદેશ આપ્યો કે એમને ત્યાં જેટલી ચાલુ લાઇટો હોય તેમાંથી અમુક મોરબી મોકલાવે. આખું ગુજરાત ભલે અંધારામાં રહે, આવતી કાલે સાંજે પાંચ વાગ્યે મોરબીમાં સો ટકા પ્રકાશ હોવો જોઈએ. આ માટે એમણે ચોવીસ કલાકનો સમય આપ્યો. ચોવીસ કલાક પૂરા થયા ત્યારે મોરબી ઝગમગી ઉઠ્યું હતું!

●—●—●—●

પરંતુ, બધા વિનાશને ભૂલીને જીવન પાછું આવવા માગતું હતું. ૧૫મી ઓગસ્ટે પ્રતાપભાઈ અડરોજા પોતાની પાનની દુકાન ખોલવા ગયા તો અંદર માટી સિવાય કઈં નજરે જ ચડતું નહોતું. એમણે પાનનો ધંધો જ બંધ કરવાનો વિચાર કરી લીધો, પણ બીજાઓએ એમને હિંમત બંધાવી. બીજા દુકાનદારે પોતાનો બધો સામાન પ્રતાપભાઈને આપી દીધો. ૧૬મી તારીખે એમણે દુકાન ખોલી ત્યારે પાનના શોખીનોની લાઈન લાગી ગઈ. એમાં રાહત કાર્યકરો, લશ્કરી જવાનો અને શહેરીઓ પણ હતા. લાઈનમાં એક ગ્રાહક તરફ સૌનું ધ્યાન જતું હતું. એ હતા, ખેતીવાડી પ્રધાન કેશુભાઈ પટેલ!

દરમિયાન, મરણનો આંકડો વિવાદનો વિષય બની ગયો હતો. સરકારી રાહે જાહેર કરવામાં આવ્યું કે એક હજારનાં મોત થયાં છે. પણ બીજા આંકડા બહુ ભારે હતા. મ્યુનિસપાલિટીના રેકોર્ડમાં ૧૮૨૯નો આંક નોંધાયો, પણ હજી ઘણા અહેવાલ તો નોંધાયા જ નહોતા. મોરબીના ધારાસભ્ય ગોકળદાસ પરમારે વિધાનસભામાં કહ્યું કે ઓછામાં ઓછા ત્રણ હજાર જાન ગયા છે.

રાજ્યના વિરોધ પક્ષ, કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકીએ મોરબી ઘટનાની જવાબદારી નક્કી કરવા માટે ન્યાયિક તપાસની માગણી કરી. જનતા પક્ષના સભ્યોએ આનો વિરોધ કર્યો, પણ મુખ્ય પ્રધાને તરત એ માગણી સ્વીકારી લીધી. એમણે  પત્રકારોને કહ્યું કે ગુજરાત હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને એમણે ન્યાયિક તપાસ પંચના અધ્યક્ષ તરીકે એક જજનું નામ સૂચવવા વિનંતિ કરી છે.

ન્યાયમૂર્તિ બી. કે. મહેતાના તપાસ પંચને ત્રણ બાબત સોંપાઇ: (૧)બંધની પરિકલ્પના, નિર્માણ,ડિઝાઇનઅને મેન્ટેનન્સમાં કોઇ ખામી હતી કે કેમ: (૨) હોનારત અટકાવવા માટે સરકારી અધિકારીઓએ કરેલી કાર્યવાહી યોગ્ય હતી કે કેમ: અને (૩) ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તેના ઉપાય.

જો કે લોકોને આશા નહોતી કે આનાં કઈં પરિણામ આવશે!

અને થયું પણ એવું જ. નોકરશાહીને લાગ્યું કે આમાં એમનો જ કોઈ સાથી ફસાશે. પંચે આપેલી સમયમર્યાદામાં રિપોર્ટ ન આપવો, અધૂરી માહિતી આપવી વગેરે અનેક રસ્તા નોકરશાહીએ અખત્યાર કર્યા.

●—●—●—●

છેવટે  ૧૯૮૦ની ૩૧મી માર્ચે ગુજરાતના એડવોકેટ જનરલે ૧૮૧ પાનાનો રિપોર્ટ રજુ કર્યો, તેમાં કહ્યું કે બંધની પરિકલ્પના, બાંધકામ, ડિઝાઇન કે મેન્ટેનન્સમાં કઈં જ ખામી નહોતી:  દુર્ઘટના  કુદરતી કારણોસર સર્જાઈ કેમ કે  જેટલા  પૂરની કલ્પના કરવામાં  આવી હતી તેના કરતાં બમણું કે ત્રણગણું પાણી આવ્યું. પાણીની જાવક માટેનું ગરનાળું પણ બરાબર હતું, કારણ કે આવા પૂર તો “એક હજાર વર્ષમાં“ પણ ન આવે. વળી અધિકારીઓએ લોકોને ચેતવવા માટે કરેલી કાર્યવાહી પણ પૂરતી હતી. મચ્છુ ડેમની દુર્ઘટનાને રાજકારણીઓ અને નોકરશાહો સાથે મળીને ગળી ગયા, મોરબી માટે કોણ જવાબદાર? શું જવાબદાર? આના જવાબ મળવાના હજી બાકી છે. રિપોર્ટો સરકારના ભેદી ભંડકિયામાં કેદ છે.

●—●—●—●

મોરબીની યાતનાની ગાથા સમાપ્ત કરતાં ઉત્પલ અને ટૉમ એક મહત્વનો સવાલ આપણી સામે રજુ કરે છે:  “મોરબીની દુર્ઘટના આપણા ઇતિહાસનું એક અગત્યનું પાનું છે. એને ભૂલી જવાનું બરાબર ગણાય?”

જેઓ ઇતિહાસને ભૂલી જાય છે તેઓ ભવિષ્યમાં પણ ભૂલો કરવાના જ છે.

()()()()()()

આજે મોરબીની હોનારતની આ વ્યથાકથા સમાપ્ત કરૂં છું ત્યારે આનંદ થાય છે, એમ કહેવા જેવી કથા નથી જ, એની મને ખબર છે. એક જાતનો સંતોષ જરૂર છે કે ગુજરાતના ઇતિહાસની એક ઘટનાને ભુલાવી દેવાના બધા પ્રયત્નો સામે ઉત્પલ સાંડેસરા અને ટૉમ વૂટન નામના બે જુવાનિયાઓએ જે અવાજ ઉઠાવ્યો છે તેમાં મારો નબળો, વિલંબે પ્રગટેલો સ્વર પણ ભળે છે. એમનો વિરોધ આ ઘટનાને સરકારી અને નોકરશાહીના માર્ગે  ભુલાવી દેવાઈ છે તેની સામે તો છે જ, પણ ખરો વિરોધ એને આપણે પોતે જ આપણા સામુહિક માનસમાંથી પણ ભુલાવી દીધી છે તેની સામે છે. એક લોકશાહી દેશના નાગરિક તરીકે સરકારને મહત્વના પ્રશ્નો પૂછતા રહેવાની આપણી ફરજ છે. એક વાર ચૂક્યા તો આવી ભૂલ કરવી એ આપણી ટેવ બની જશે. અથવા તો બની ગઈ છે.

૪૦૦ પાનાના એક પુસ્તકને છ–સાત હજાર શબ્દોમાં મૂકવાનો પ્રયત્ન કરવો એ એક દુ:સાહસ જ છે. એ દુ:સાહસમાં મારે બહુ કઠોર પસંદગી કરવાની હતી. મેં જેટલું અહીં આપ્યું છે તેના કરતાં વધારે છોડ્યું હશે એ તો કોઈ પણ સમજી શકશે. એટલે બન્ને લેખકો, ભાઈ ઉત્પલ અને ભાઈ ટૉમની ક્ષમા યાચના સાથે આ પુસ્તક મૂળમાં વાંચવાની આપ સૌને ફરી ભલામણ કરૂં છું. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

The Morbi Disaster (4)

No one had a tongue to speak

પુસ્તકનો પરિચય (4)

(લેખકો: ઉત્પલ સાંડેસરા અને ટૉમ વૂટન)

૧૯૭૯નો દુકાળ ઑગસ્ટના પહેલા ત્રણ દિવસમાં જ ગઈગુજરી બની ગયો. ચોથી તારીખે તો બારે મેઘ ખાંગા થયા અને આસપાસનાં ખેતરો સરોવર બની ગયાં. શ્રાવણના વરસાદે આખા સૌરાષ્ટ્રમાં હાહાકાર બોલાવી દીધો હતો. લોકો ઘરોની બહાર નીકળી શકે એવી સ્થિતિ નહોતી. સતત આઠમા દિવસે પણ હાલત એ જ રહી. મેઘરાજા ખમૈયાં કરવાનું નામ જ નહોતા લેતા. વાદળાં ઉત્તર ભણી જવાને બદલે સૌરાષ્ટ્ર પર જ ગોળ ચકરડી ઘૂમતાં રહ્યાં.

સૌરાષ્ટ્રમાં ઘણાં કાચાં ઘરો ધસી પડ્યાં, અરબી સમુદ્રમાં મોજાં વીસ ફુટ ઊછળ્યાં અને કેટલાંયે બંદરો બંધ કરવાં પડ્યાં. વીજળીના થાંભલા અને ટેલીફોન લાઈનો ખોરવાઈ ગઈ. શહેરોના રસ્તા પાણીમાં હતા, સંડાસોમાં થઈને રસ્તાની ગટરોનાં પાણી ઘરોની અંદર પહોંચવા લાગ્યાં. કામધંધા બંધ પડી ગયા હતા. સંકટના સામના માટે સરકારે હોમગાર્ડને રાહતકામે લગાડી દીધા હતા. ઑગસ્ટની દસમી તારીખે તો કેટલીયે નદીઓ કાંઠો વટાવીને વહેવા લાગી હતી. જળાશયો અને બંધો છલકાવા લાગ્યાં હતાં. સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર ડૅમનું જળાશય ઊભરાવા લાગ્યું હતું અને એનાં નાકાં વધારાના પાણીને વહી જવા દેવા માટે ખોલી નાખવાં પડ્યાં હતાં.

આમ છતાં, મચ્છુ બંધ-બે સામે પણ જોખમ હોય એવાં એંધાણ તો દસમી તારીખે પણ નહોતાં. બંધના મૅકેનિક લક્ષ્મણભાઈ મોહનનો દિવસ તો રાબેતા મુજબ જ પસાર થયો હતો અને એમણે કઈં ખાસ કરવાપણું પણ નહોતું.

છેલ્લા ચાર મહિનાથી લક્ષ્મણ અને એના છ સાથીઓ ડૅમ પર જ રહેતા હતા. એમનું કામ બહુ સાદું પણ જરૂરી હતું. એમણે બંધનાં નાકાંના દરવાજા બરાબર કામ આપે છે કે નહીં તેની કાળજી લેવાની હતી અને જરૂર પડે તો દરવાજા ખોલી નાખવાના હતા. કામ તો આટલું જ હતું પણ મુશ્કેલી એ હતી કે એમને સિંચાઈ ખાતા તરફથી વરસાદ વિશે જે માહિતી મળતી તે બહુ જ મર્યાદિત હતી. મચ્છુ નદીના પટમાં વરસાદ માપવાના માત્ર બે ગેજ હતા અને તે પણ, એની માહિતી મળવામાં ચોવીસ કલાકનો સમય જતો. એમની પાસે તો માત્ર એક જ રસ્તો હતોઃ પોતાની સૂઝથી જળાશયના પાણીનો કયાસ કાઢીને વધારે પાણી હોય તો દરવાજા ખોલી નાખવા. વળી જળાશયની સંગ્રહ ક્ષમતા કરતાં ઓછું પાણી રાખી શકાય કે જેથી ઓચિંતાં જ બહુ ઘણું પાણી આવી જાય તો જોખમ ન રહે, પરંતુ ખર્ચની સામે લાભની ગણતરી કરતાં જળાશયને એની પૂરી ક્ષમતા સુધી ભરેલું રાખવાનું હતું.

આઠ દિવસથી જળાશયમાં સમાઈ શકે એટલું પાણી સતત રહેતું હતું. નાકાં તો વીસ ફુટ ખૂલી શકે એમ હતાં પરંતુ આ આઠ દિવસમાં લક્ષ્મણ અને એના સાથીઓને દરરોજ થોડા ઈંચથી વધારે ખોલવાની જરૂર પણ નહોતી પડી. ડેમ પરના કંટ્રોલ રૂમમાંથી એમણે  વીજળીક સાધનોથી દરવાજા ખોલવાના રહેતા. વીજળી ન હોય તો જનરેટર પણ હતું જ અને તે પણ કામ ન આવે તો હાથથી શાફ્ટ ફેરવીને દરવાજા ખોલવાના હતા.

૦-૦-૦

દસમી તારીખની સાંજે વરસાદે જરા પોરો ખાધો. ઝીણા મચ્છરિયા છાંટા જ રહી ગયા. પરંતુ એ તો થોડા જ કલાક માટે; વળી એવો જ મૂશળધાર વરસાદ શરૂ થઈ ગયો. પરંતુ, આખા સૌરાષ્ટ્રમાં વરસાદે જે ઉધમ મચાવ્યો હતો તે જોતાં મોરબી-માળિયાના જીવનમાં શાંતિ હતી. અહીં લોકોને ઘરબાર છોડીને બીજે ભાગવું નહોતું પડ્યું. ઉલ્ટું ઘરમાં જ ભરાઈ રહેવું પડ્યું હતું. લીલાપરવાળા ભગવાનજી પટેલનો આખો દિવસ ઘરમાં જ ગયો. ટાઇગર ક્વાર્ટરમાં કનુભાઈ કુબાવતનો શ્રાવણ બોળચોથના આગલા દિવસથી જ વણસ્યો હતો. આજે એ બહાર નીકળ્યા ત્યારે બૈરાં-છોકરાં વરસાદ બંધ થવાનો આનંદ માણતાં શણગારીને નીકળી પડ્યાં હતાં. મંદિર તરફ ટોળાં આગળ વધતાં હતાં અને કનુભાઈ ત્યાં પહોંચવાની તૈયારીમાં હતા. મોટેરાંઓ તો કપડાં સાચવીને ચાલતા હતા, પણ બાળકોને તો વહેતું પાણી મળ્યું એટલે એમની મોજનો તો પાર નહોતો. જો કે મોરબીની ઉત્તર-પૂર્વે જ્યાં પ્રતાપભાઈ અડરોજાનો ‘ભૂત પાનભંડાર’ હતો ત્યાં દુકાનોનાં શટરો બંધ હતાં. વરસાદ બંધ પડ્યો પણ મેઘાડંબર જામ્યો હતો એટલે અડરોજા અને બીજા બધા દુકાનદારો વહેલા જ ઘરભેગા થઈ ગયા હતા,

માળિયામાં સૂરજ ઢળતાં મિયાણાઓએ રમઝાનના રોઝા છોડ્યા, તો અહીં, મોરબીમાં ખતીજાબેન વાલેરાના ઘરમાં પણ ઇફતાર પછી બધા નિરાંતે બેઠા હતા.  રાજાનો જમાનો હોત તો વાલેરા પરિવારના ગવૈયાઓ દરબારમાં મલ્હાર ગાતા હોત.

૦-૦-૦

નદીની પેલે પાર રાજમહેલની કાચની બારીઓ પર વરસાદનાં ટીપાં જોરથી અફળાયાં. મુખ્ય દરવાજાની અંદર આવેલા વર્ષોથી શાંત રહેલા બાગમાં ઝરમર વરસાદ એકલો જ શાંતિનો ભંગ કરતો હતો. એ વખતે, મોરબીની આર્ટ્સ કૉલેજના પ્રિન્સિપાલ ટી. આર. શુક્લ એમનાં પત્ની સાથે રાતે સાડાઆઠના સુમારે રાજમહેલ પાસેથી થઈને ઘર તરફ જતા હતા. એમની ઉંમર હશે પચાસેકની. ઊંચી કદકાઠીને શોભે તેમ ટટ્ટાર ચાલતા હતા. આજે એમને લખધીરજી એન્જીનિયરિંગ કૉલેજના એક પ્રોફેસરે જમવા નોતર્યા હતા. પણ ઘરે જવા માટે પાર્ટી છોડીને વહેલા જ નીકળી આવ્યા હતા, કારણ કે એમનાં ચાર પુખ્ત વયનાં સંતાનો સાતમ-આઠમના તહેવારો માટે એકઠાં થયાં હતાં.

વરસાદ એમને પ્રિય હતો, પણ ઘરે પહોંચતાં જ એનું જુદું રૂપ જોવા મળ્યું. ઘરની કામવાળી ચણિયા-પોલકામાં ધ્રૂજતી એમની રાહ જોતી હતી. ચહેરા પર ભય તરવરતો હતો. બોલી, ઘરમાં નાગ ઘુસી આવ્યો છે. કામવાળીને શુક્લસાહેબ ઘરમાં લઈ આવ્યા.

૦-૦-૦

બહાર વરસાદને કારણે રસ્તો સૂનો હતો. થોડી વારે એક કાર પસાર થઈ. ધારાસભ્ય ગોકળદાસ પરમાર ગાંધીનગરમાં સરકારી તંત્ર સાથે લડીને ઘરે પાછા ફરતા હતા. મધ્યમ વર્ગની કૉલોની શક્તિ પ્લૉટમાં એમનું ઘર હતું. ડ્રાઇવર પાણીથી ઊભરાતા રસ્તાઓને ટાળીને કેમે કરીને મોરબી પહોંચ્યો હતો. ગોકળદાસ પરમારની કારને એલ. ઈ. કૉલેજ પાસે કઈંક ચોખ્ખો રસ્તો મળતાં બફેલો બ્રિજ વટાવીને શહેરમાં આવ્યા. એ વખતે નદી બંધની દીવાલો સાથે બથ્થંબથ્થા કરતી હતી. એના છાંટા કાંસાના આખલાઓ સુધી પહોંચતા હતા. પુલ પાર કરતાં મણીમંદિરના ચોગાનમાં પાણી ભરાયાં હતાં અને સૌરાષ્ટ્રના તાજ મહેલની લાલ દીવાલો પાસે કાંપ એકઠો થઈ ગયો હતો. મોડું બહુ થઈ ગયું હતું અને ઘરે પત્ની ઊચક મને વાટ જોતાં હતાં, તો પણ પરમારે ઘરની પાસેની ગલીઓમાં પાણીની સ્થિતિ જોવામાં થોડો વખત ગાળ્યો, પછી ઘરે ગયા, ભગવાનની પૂજા કરીને જમ્યા અને સૂવા ગયા. બહાર વરસાદ વણથંભ વરસતો રહ્યો.

૦-૦-૦

બંધ પર મૅકેનિક લક્ષ્મણભાઈ મોહને અંધારામાં જ જળાશય પર આંખો ચૂંચી કરીને પાણીનો કયાસ કાઢવાનો પ્રયાસ કર્યો. હજી પાણી સૌથી ઊંચી સપાટીથી બે ફુટ નીચે હતું. સામાન્ય દિવસ હોત તો સુપરવાઇઝાર પણ હોત, પણ આજે લક્ષ્મણ અને એના સાથીઓ જ સર્વંસર્વા હતા.  રાતના આઠ થયા હશે ત્યારે વાયરલેસ ટેલીગ્રાફ ઑપરેટર ગરનાળા પર લક્ષ્મણ પાસે હાંફળોફાંફળો પહોંચ્યો. એના હાથમાં નાયબ ઇજનેર એ. સી. મહેતાનો સંદેશ હતોઃ મચ્છુ ડૅમ-૧માંથી તરત જ પાણી છોડાવાનું હતું, ધસમસતાં પાણી થોડી જ વારમાં ત્રીસ માઇલનું અંતર કાપીને મચ્છુ ડેમ-૨ સુધી પહોંચી આવવાનાં હતાં. મહેતા સાહેબનો હુકમ હતો કે ફ્લડ ગેટ માત્ર અમુક ઈંચ ખોલેલાં હતાં તેને બદલે છ ફુટ સુધી ખોલી નાખવાં.

આખા દિવસની સુસ્તી પછી લક્ષ્મણ અને એના સાથીઓ માટે ભારે કામ આવી પડ્યું. તોફાનમાં બંધ પર વીજળી ખોરવાઈ ગઈ હતી અને માથે વરસાદ. સંદેશ મળતાં બધા સફાળા ચોંક્યા અને કામે લાગી ગયા. બે જણ જલદી જલદી જનરેટર ચાલુ કરવા દોડ્યા. વીજળી આવતાં લક્ષ્મણે કંટ્રોલ રૂમના કન્સોલ પર બટનો દબાવવા માંડ્યાં. એક પછી એક ગેટ ખૂલવા લાગ્યાં.  મૅકેનિકે પાણી એકીસાથે બહાર ન ધસે તે માટે પહેલાં તો ત્રણ ત્રણ નાકાં માત્ર બબ્બે ફુટ સુધી જ ખોલ્યાં. છેવટે અઢારમાંથી સોળ નાકાં તો પૂરા છ ફુટ ખૂલી ગયાં પણ પંદરમું અને સત્તરમું, એમ બે નાકાં, મચક આપતાં નહોતાં.

રાતે સાડાનવે મચ્છુ બંધ-૧ની કેદમાંથી છૂટેલા મહાસાગરના ફુત્કાર અહીં કામ કરતા કામદારોના કાન સુધી પહોંચ્યા અને હજી બે નાકાં સાથ આપતાં નહોતાં. એમના સુધી જનરેટરનો પાવર કેમ નથી પહોંચતો તે જોવા માટે ઇલેક્ટ્રીશિયન ગરનાળાના લપસણા માથા પર ચડ્યો. એક હાથે રેલિંગ પકડીને એણે બીજા હાથે નીચે ઇલેક્ટ્રિક મોટરોની હાર વચ્ચેથી પંદર અને સત્તર નંબરનાં નાકાંની મોટરોનાં ઢાંકણ ખોલીને ફ્યૂઝ તપાસ્યા. બન્ને ફ્યૂઝ ઊડી ગયા હતા! એને રિપેર તો કર્યા પણ જેવી સર્કિટ ચાલુ કરે તે સાથે જ ફ્યૂઝ ઊડી જાય. તે ઉપરાંત, સત્તરમા નાકાની તો વીજચુંબકીય બ્રેક પણ ખરાબ થઈ ગઈ હતી. એકાદ કલાકની મહેનત પછી પણ કઈં ન વળ્યું એટલે બે નાકાંને છોડીને ઇલેક્ટ્રીશિયન ઊતરી આવ્યો. આ દરમિયાન બીજા બે જણ પાણીની સપાટી માપતા હતા. ઊછળતા પાણીને કારણે પાકો અંદાજ તો મળી નહોતો શક્તો પણ એમણે જોયું કે પાણીની સપાટી સતત વધતી જતી હતી, હવે જેટલું પાણી જતું હતું તે લગભગ ૧,૯૬,૦૦૦ ક્યૂસેક કરતાં, એટલે કે બંધની સ્થાપિત ક્ષમતા કરતાં થોડું ઓછું હતું. એમ માનો કે આખો ડૅમ એકીસાથે ખાલી થતો હતો, તો પણ પાણી વધતું જ જતું હતું.

૦-૦-૦

સવારે આઠ વાગ્યે મોરબીના સબ ડિસ્ટ્ર્રિક્ટ મૅજિસ્ટ્રેટ ડેમ પર આવ્યા. એમને નાયબ ઇજનેર મહેતાએ મધરાતે જ સંદેશ મોકલી દીધો હતો કે બહુ જ ઘણું પાણી છોડવું પડશે અને નીચાણવાળા વિસ્તારો ડૂબી જશે એટલે ત્યાંના લોકોને સલામત સ્થળે ખસેડવા પડશે. સબડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટની સાથે મૅયર રતિલાલ દેસાઈ પણ હતા. નાયબ ઇજનેર મહેતા ડેમ પર જ હતા અને આખી રાત કામદારો નાકાં ખોલવાના નિષ્ફળ પ્રયાસો કરતા રહ્યા તેના સાક્ષી હતા. બન્નેએ પાણી છોડવાનું પ્રમાણ ઘટાડવા એમને સલાહ આપી, પણ મહેતાએ કહ્યું કે  એ તો શક્ય જ નથી કારણ કે પાણીનું દબાણ એટલું છે કે બંધ તો થઈ જ નહીં શકે. ઉલ્ટું  તેઓ તો જે નાકાં ખુલતાં નથી તેને પણ ખોલવા મથે છે. બંધનું પાણી દીવાલથી માત્ર છ ફુટ નીચે રહી ગયું હતું. જો કે મહેતાએ એ પણ કહેવું જોઈતું હતું કે અત્યારે જેટલો પ્રવાહ છે તે પણ બંધને નુકસાન કરે એમ છે; કદાચ એમને એવો ખ્યાલ પણ નહોતો આવ્યો.

૧૧મી ઑગસ્ટની સવારે તો જોધપર ગામમાં ભયની કોઈ શંકા નહોતી. નવ વાગ્યાની આસપાસ એક ટ્રક આવી અને ડેમનો સંદેશ લાવી.  ડેમનાં નાકાં ખુલતાં નથી અને કર્મચારીઓને ઘણા લોકોની મદદ જોઇએ છે. જુવાનિયાઓ તરત તૈયાર થઈ ગયા અને ટ્રકમાં ચડી ગયા, એમણે નાકાં ખોલવાના શાફ્ટ ફેરવવાની ભારે મથામણ કરી. નીચે ગરજતો ક્રોધિત મહેરામણ એમના પગોને પલાળતો હતો. કલાકેકની મહેનત પછી તો પાણી એમની પીઠ સાથે અફળાવા લાગ્યું ત્યારે એમણે કામ પડતું મૂક્યું. વર્ષો પછી લક્ષ્મણે પોતાના નિવેદનમાં કહ્યું કે ખોલવા માટે વધારે મહેનત કરવામાં કેબલ કે સાંકળ જ તૂટી જાય એવી બીક હતી એટલે એમણે ખોલવાની કોશિશ પડતી મૂકી – અને વર્ષો પછી પણ લોકો નાયબ ઇજનેર અને કર્મચારીઓને દોષ આપતા રહ્યા કે એમણે બંધ તૂટવાની શક્યતાની ચેતવણી ન આપી.

૦-૦-૦-૦

લીલાપરના લોકો લખધીરનગર તરફ ખસી જવાની તૈયારીમાં હતા. વર્ષો પછી ખતીજાબેને આ દિવસ યાદ કરતાં કહ્યું કે અમે સવારના કામમાંથી પરવારીને જોયું તો બહાર જળબંબાકાર થઈ ગયું હતું. જો કે આટલું પાણી જોયા પછી પણ ઊંચાણવાળા વિસ્તારો, મેઇન બજાર વગેરે જગ્યાએ રહેતા લોકોનાં પેટનું પાણી હલ્યું નહોતું. શહેરના દક્ષિણ ભાગમાં હરિજનવાસથી માંડીને કબીર ટીંબાના લોકોના જાન જોખમમાં હતા. વજેપરમાં નાસભાગ શરૂ થઈ ગઈ, બધા લીલાપર રોડ તરફ જવા ઉતાવળા હતા. જે કોઈ ટ્રક આવી એમાં ભીડ ચડી જતી હતી. જો કે નીચાણવાળા વિસ્તારોમાં પણ ઘણા લોકો જવા તૈયાર નહોતા. કનુભાઈ કુબાવતનું કુટુંબ ન ગયું. બીજી બાજુ ખતીજાબેનના કુટુંબની સ્ત્રીઓ સુદ્ધાંએ પણ ઘર ખાલી કરી દેવાનું નક્કી કર્યું.

૦-૦-૦-૦

આ જ સમયે રાજકોટમાં પણ હાલત વણસતી જતી હતી.  કલેક્ટર બેનરજીએ કર્મચારીઓને રજાઓ રદ કરીને બોલાવી લીધા હતા અને લોકોને સલામત સ્થળે ખસેડવાનું કામ શરૂ કરી દીધું હતું. આ કામની વચ્ચેથી એક નવાગંતુક તરફ એમનું ધ્યાન ગયું એમણે જઈને નવાગંતુક સાથે હાથ મેળવ્યા. એ હતા, ગુજરાતના ખેતીવાડીપ્રધાન કેશુભાઈ પટેલ. થોડા દિવસ પહેલાં જ તેઓ ભારે વરસાદને કારણે ઊભા થયેલા સંકટ સામે વહીવટીતંત્ર કેમ કામ કરે છે તેનું નિરીક્ષણ કરવા માટે ગાંધીનગરથી આવ્યા હતા. બેનરજીએ લોકોને ખસેડવાના કામ માટે અમદાવાદથી બે હેલીકૉપ્ટર મેળવી લીધાં હતાં. પણ વધારે ને વધારે ગામો સામે સંકટ ઊભું થવાના સમાચાર આવતા રહેતા હતા. કલેક્ટરે આખા સૌરાષ્ટ્રમાં લશ્કરનાં મથકોને નૌકાઓ આપવા વિનંતિઓ મોકલી.

 હજી કામ પાટે નહોતું ચડ્યું અને કલેક્ટર બીજી તજવીજમાં પડ્યા હતા. એવામાં કેશુભાઈ ગેસ્ટ હાઉસમાં આરામ કરતા હતા, ત્યાંથી ઓચિંતા જ કંટ્રોલ રૂમમાં આવી પહોંચ્યા. એમણે કલેક્ટરને કહ્યું કે મચ્છુ ડેમની હાલત ખરાબ છે એટલે પોતે ત્યાં જાય છે. એમની સલામતીની જવાબદારી કલેક્ટરની હતી. આ નવી જવાબદારી માટે વખત નહોતો. બેનરજીએ એમને કહ્યું કે ત્યાં જઈ શકાય એવી સ્થિતિ નથી. રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. ત્યાં જવું  સલામતીભર્યું નથી.પરંતુ કેશુભાઈ માન્યા નહીં એમણે કહ્યું કે એમનું વાહન મોટું છે એટલે વાંધો નહીં આવે. એમના ગયા પછી, બેનરજીએ ફરી કામમાં મન પરોવ્યું. એમને મોરબીના સબ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટનો સંદેશ મળ્યો હતો કે પૂરનાં પાણીએ હાહાકાર મચાવ્યો છે, પણ લોકોને ખસેડવાનું કામ બરાબર ચાલે છે. બેનરજીના ચહેરા પર સંતોષની આભા પ્રગટી.

૦-૦-૦-૦

સાંજે સાડાપાંચ થઈ ગયા હતા. કેશુભાઈ પટેલ સનાળા પહોંચી ગયા હતા પણ આગળ જવાનો રસ્તો જ નહોતો.  એમની સાથે અધીક્ષક ઇજનેર પણ વાહનમાં જ સપડાયેલા હતા. ત્યાં જ એમને મોરબીના કાર્યપાલક ઇજનેર મળી ગયા. એ પણ મચ્છુ ડેમ તરફ જવા નીકળ્યા હતા પણ સનાળામાં જ ત્રણ કલાકથી ફસાઈ ગયા હતા. આગળ જવાય એમ જ નહોતું.

વરસતા વરસાદમાં અધીક્ષક ઇજનેરે નજર નાખી તો એમની આંખો ફાટી ગઈ. એમની નજર સામે જ રસ્તા પર ઓચિંતું પાણી ફરી વળ્યું! એમને કુતૂહલ થયું કે કેટલું પાણી છે. એ પાણીમાં ગયા. કેશુભાઈ અને કાર્યપાલક ઇજનેર જોઈ રહ્યા. પહેલાં પાણી એમના પગની ઘૂંટી સુધી હતું તે જોતજોતામાં ઘૂંટણ સુધી ચડી આવ્યું અને પછી કમરે પહોંચી ગયું…એ માની ન શક્યા હોય એમ માથું ધુણાવતા પાણીમાંથી બહાર આવ્યા. સનાળા ઊંચાણમાં છે.  આટલું પાણી તો ત્યાં કદી આવ્યું જ નહોતું શું થવા બેઠું છે, તેની કલ્પના કરતા એ પાછા આવ્યા. સાતેક વાગ્યે કેશુભાઈ અધીક્ષક ઇજનેર અને કાર્યપાલક ઇજનેરને ત્યાં જ છોડીને પાછા ફર્યા. કેશુભાઈએ એમને ત્યાં કઈ જવાબદારી માટે છોડ્યા તે પ્રશ્ન અઠવાડિયાંઓ, મહિનાઓ અને દાયકાઓ પછી પણ પુછાતો રહ્યો.

૦-૦-૦-૦

ગાંડીતૂર મચ્છુ પાસે નાયબ ઇજનેર મહેતાને બેસવા માટે એક ખાલી ટ્રક મળી હતી. ટ્રક ચાલી શકે એમ જ નહોતી. ટેલીફોન લાઇનો ખોરવાયેલી હતી, મહેતા બહુ મહેનત પછી પણ રાજકોટમાં ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક સાધી નહોતા શક્યા. મચ્છુ ડૅમ છોડ્યાને નવ કલાક થઈ ગયા હતા પણ હજી સુધી તેઓ રિપોર્ટ નહોતા મોકલી શક્યા. ડેમ પરના કર્મચારીઓ સાથે પણ વાત નહોતી થઈ શકતી કે શું સ્થિતિ છે તે જાણી શકાય. મન હતાશાથી ભરાઈ ગયું હતું. પુલ પરથી પાણી ઊતરે તે પછી જ કઈં થઈ શકે એમ હતું.

બંધમાંથી પાણી એટલું નીકળી ગયું હતું કે હવે સાંજે સાડાચારે ટ્રક ડ્રાઇવરે પુલ પર હંકારવાની હિંમત કરી. વાંકાનેર પહોંચીને રાજકોટ ફોન કર્યો અને કલાકો જૂની માહિતી આપી. ફોન થઈ ગયો, એવો એમને સંતોષ થયો.

થોડો આરામ કરીને મહેતા અને ડ્રાઇવર ફરી ડૅમ તરફ આગળ વધ્યા. ટનબંધ માટીમાંથી ટ્રક નીકળી. માંડ માંડ રાતના સાડાનવે બન્ને બંધની ઉત્તર બાજુની માટીની દીવાલ સુધી પહોંચ્યા. મચ્છુ ડેમ તો હજી પણ અડધા માઇલ જેટલો દૂર હતો. મહેતાએ દીવાલના છેડેથી પશ્ચિમ તરફ દીવાલ લંબાઈ હતી તેના તરફ નજર નાખી. આ શું? એ જોતા જ રહી ગયા. ત્યાં દીવાલ તો હતી જ નહીં!  હતું માત્ર માટીથી લથપથ મેદાન. જ્યાં પશ્ચિમી દીવાલ હોવી જોઈતી હતી ત્યાં વિશાળ ગાબડું હતું. નદીએ બંધની લક્ષ્મણરેખાને જ તોડી નાખી હતી. મચ્છુ બંધ-૨ તૂટી ચૂક્યો હતો અને હવે પાણીને રોકવાનો કોઈ ઉપાય જ નહોતો. દાયકાઓ પછી પણ જોધપરના લોકો અવાજમાં તિરસ્કાર સાથે કહે છે, “મહેતા તો બંધ તૂટ્યા પછી આવ્યા…જોઈને જડ થઈ ગયા અને બેભાન થઈને ઢળી પડ્યા…” (ક્રમશઃ)

 

The Morbi disaster (3)

No one had a tongue to speak

પુસ્તકનો પરિચય (૩)

(લેખકો: ઉત્પલ સાંડેસરા અને ટૉમ વૂટન)

 અહીં ઉત્પલ અને ટૉમ ફરી કથાના રૂપમાં શરૂઆત કરે છે. આપણે સીધા જ મચ્છુ બંધના ઇજનેર બી. જે. વસોયાને લખધીરજી એન્જીનિયરિંગ કૉલેજના વિદ્યાર્થીઓના જૂથ સાથે મળીએ છીએ. એમની દેખરેખ હેઠળ આ બંધનું બાંધકામ  થાય છે. પરંતુ એમનું કામ લોકો સાથે સંપર્ક રાખવાનું પણ છે. લોકોનાં જૂથો બંધ જોવા આવે છે અને વસોયા એમને ગર્વભેર બંધની ઝીણી ઝીણી વિગતો સમજાવે છે. માત્ર એમની પાસે આવતા લોકોને બંધ વિશે વિશ્વાસ અપાવવાનું એમનું કામ નથી, એમણે લોકો પાસે જાતે પણ જવાનું છે અને એમણે આવા લોકસંપર્કો પણ કર્યા છે. એન્જીનિયરિંગ કૉલેજના વિદ્યાર્થીઓ તો જરૂર પ્રભાવિત થયા હશે, કારણ કે એમની આંખોનાં સપનાંમાં પણ આવા જ કોઈ મહાકાય બંધ તરતા હશે. વસોયાએ તો કોઈને પણ બંધ જોવા આવવાનું ખુલ્લું આમંત્રણ આપેલું છે.આના પારિણામે લોકોમાં વિશ્વાસ બંધાવા લાગ્યો છે કે ગુજરાત સરકાર જે કઈં કરે છે તેમાં લોકોની સલામતીનો પૂરો ખ્યાલ રાખ્યો છે.

૧૯૬૭થી બાંધકામ શરૂ થઇ ગયું છે. ટ્રૅક્ટરો અને બુલડોઝરોની ગરગરાટીઓથી આખો વિસ્તાર ધ્રૂજે છે. અઢી માઇલના પટ્ટાને સમતળ બનાવવાનું કામ પૂરજોશમાં ચાલે છે. ૧૯૬૮ની શરૂઆતમાં માટીની દીવાલોએ માથું ઊંચે કરવા માંડ્યું હતું.

પરંતુ વસોયા જાણે છે કે બંધનું બાંધકામ શરૂ થયે બે વર્ષ થયાં હોવા છતાં, એમાં વધારેમાં વધારે કેટલું પાણી સલામત રીતે રહી શકે તેનો ખરો અંદાજ એમની પાસે નથી. આમ છતાં, એમણે જે ગામોની જમીન ડૂબી જવાની હતી ત્યાં જઈને લોકો સાથે વાટાઘાટ કરીને એમને જગ્યા છોડવા માટે સમજાવ્યા હતા અને બદલામાં વળતરનાં વચનો પણ આપ્યાં હતાં. એમનું તો એ કામ જ હતું. જે સ્થિતિમાં એમને એ જવાબદારી સોંપાઈ હતી, તેનો સ્વીકાર કરીને એમણે પોતાની ફરજ બજાવવાની હતી.

વસોયાએ એમને સમજાવ્યું હતું કે એમને સિંચાઈ માટે બરાબર પાણી મળશે અને પીવાના પાણીની પણ ખેંચ નહીં રહે. લોકોના કાન સુધી તો આ સંદેશ પહોંચ્યો હતો, પણ હૈયા સુધી કદાચ નહોતો પહોંચ્યો. જો કે લોકોએ પડ્યું પાનું નિભાવી લેવાનું નક્કી કરી લીધું હતું એટલે કચવાતા મને પણ એમણે એક્ઝીક્યૂટિવ એન્જીનિયરની વાત માની લીધી હતી.

બસ, બાકી રહી ગયા ટીંબાવાળા જોગ બાપુ. એ કોઈ રીતે માનતા નહોતા. ઘણા લોકો એમને જોગ ટીંબાવાળા બાપુ પણ કહેતા. ટીંબો ડૂબી જશે એ જાણીને બાપુ બહુ ખિજાયા. ટીંબા પરની નાની ઝૂંપડી એ જ એમનું વરસોનું નિવાસસ્થાન હતું. એના પર ધજા ફરકતી. લોકો પણ એને પવિત્ર સ્થાનક માનીને આદર આપતા. આ ધજાવાળી કુટિર ડૂબમાં આવી જશે? કેટલાયે મહિનાઓથી આ વાત સાંભળતાં તરત એમની ભૃકુટિ ખેંચાઈને એક સીધી રેખા બનાવી દેતી અને સફેદ દાઢીમાંથી ઘુંટાયેલો ક્રોધ બહાર ધસતો. અંતે એમને પરાણે જવું પડ્યું ત્યારે તો એમના ક્રોધે માઝા મૂકી દીધી ; “ બંધ તૂટી પડશે, મોરબીનું નખ્ખોદ વળશે…”

૦-૦-૦૦-૦-૦

દસ-બાર વર્ષનાં વહાણાં વાઈ ગયાં હતાં. કટોકટી પછી ઇન્દિરા ગાંધીને કારમા પરાજયનું મોં જોવું પડ્યું હતું; મોરારજી દેસાઈ જનતા પાર્ટીના નેતા તરીકે દેશના પહેલા બિનકોંગ્રેસી વડા પ્રધાન બન્યા હતા, પણ ચરણ સિંહે એમની ખુરશી ઉથલાવી પાડી હતી. ગુજરાતમાં બાબુભાઈ પટેલે નવી સરકાર બનાવી હતી. મેયર દેસાઈ મોરબીના મેઇન બજારમાં ઘરમાં બેઠા છાપાનાં પાનાં ઉથલાવતા હતા. શું વિચારતા હશે? ૧૯૭૮નું વર્ષ દુકાળનું વર્ષ હતું. મચ્છુ બંધનાં નાકાં ખોલવાં પડે એટલું પાણી જ નહોતું. આ વખતે તો વરસાદ નહોતો પણ ૧૯૭૭માં વાવાઝોડું આવ્યું ત્યારે બંધની દીવાલમા તિરાડો પડી ગઈ હતી. સરકારે તરત રિપેર કરાવીને લોકોને ખાતરી આપી હતી કે ડેમ સંપૂર્ણ સુરક્ષિત છે. બંધના બાંધકામ વિશે દેસાઇને લાગતુ હતું કે મચ્છુ બંધ બને એમાં ધારાસભ્ય ગોકળદાસ પરમારે મોટો ભાગ ભજવ્યો છે. મુખ્ય પ્રધાન બાબુભાઈ પ્રામાણિક તો હતા જ, પણ મેયર દેસાઈના કાને એવી વાતો આવી હતી કે ડેમનું કામ જેને સોંપાયું તે મણીભાઈ ઍન્ડ બ્રધર્સ સાથે એમને કૌટુંબિક નાતો હતો. જે હોય તે. મેયરે છાપું બાજુએ મૂકી દીધું.

જુલાઈ કોરોધાકોર વીત્યો હતો. આજે ઑગસ્ટ શરૂ થયો હતો. ગુજરાતના દુકાળની ભાળ મેળવવા માટે દિલ્હી સરકારને પણ ચિંતા થઈ ગઈ હતી. અમદાવાદના વિમાનઘરે જાડા કાળા કાચનાં ચશ્માં પહેરીને, મધ્યમ કદના એક અધિકારી પહોંચ્યા. એ હતા એચ. કે. ખાન. ગુજરાતના ખેતીવાડી સચિવ. કદકાઠી તો મધ્યમ, પણ આઈ. એ એસ અધિકારીની ધાક જ એવી જબ્બર હોય કે ન પૂછો વાત. આજે ખાન રાજકોટ જવાના હતા. જૂનું ડાકોટા એમની રાહ જોતું હતું.

ખાન જાણતા હતા કે ખેડૂતો અને સામાન્ય જન નેજવાં કરીને આભ સામે મીટ માંડે છે, ક્યારે મેઘરાજાની મહેરબાની થાય. વાદળાં ઉમટે છે નીચે જોયા વગર ચાલ્યાં જાય છે. ખાન પોતાની સાથે સિલ્વર આયોડાઇડ ફ્લેર લઈને રાજકોટ પહોંચવાના છે…આજે તો વાદળાંને દોહી જ લેવાં છે. ખાનને રાજકોટ ઉતારીને એકાદ કલાકમાં તો વિમાન વાદળાં પર સિલ્વર આયોડાઇડનો છંટકાવ કરવા નીકલી પડ્યું છે. આખા દિવસના છંટાકાવ પછી પણ વાદળાંએ મચક નહોતી આપી. વિમાન રાજકોટ પાછું ફરે છે, ખાનને લે છે અને અમદાવાદ તરફ રવાના થાય છે. થાકેલા માણસોએ વિમાન ઊંચે ચડતું હતું ત્યારે જોયું પણ નહીં હોય કે એમની મહેનતની અસર દેખાય છે, વિમાનની બારીએ મોસમના પહેલા વરસાદનાં ટીપાં અથડાય છે. અને બીજી જ ક્ષણે એમ લાગ્યું કે વિમાન ફાટ્યું કે શું? વર્ષો પછી ખાને પોતાનો અનુભવ વર્ણવતાં કહ્યું કે અમે ઓચિંતા જ તોફાનમાં સપડાઈ ગયા હતા…”

૧૯૭૯નું ચોમાસું ઘડીનીયે રાહ જોયા વિના આવતાંની સાથે જ ઝમાઝમ મચી પડ્યું હતું. (ક્રમશઃ)

The Morbi disaster (2)

No one had a tongue to speak પુસ્તકનો પરિચય ((લેખકોઃ ઉત્પલ સાંડેસરા અને ટૉમ વૂટન)

૧૯૫૫માં સૌરાષ્ટ્ર સરકારે મચ્છુ ડેમ-૨ માટેની દરખાસ્ત સેન્ટ્રલ વૉટર ઍન્ડ પાવર કૉર્પોરેશન (CWPC) સમક્ષ રજુ કરી. ડેમ-૧ કરતાં બમણો, એટલે કે ૪૩૬ ચોરસ માઇલનો એનો જળગ્રાહી વિસ્તાર નિરધારવામાં આવ્યો હતો. એની લંબાઈ અઢી માઇલ (ચાર કિલોમીટર) રાખવાની દરખાસ્ત હતી. પરંતુ આટલો લાંબો કોંક્રીટનો બંધ બાંધવામાં ગંજાવર ખર્ચ થાય તેમ હોવાથી અમુક ભાગ કોંક્રીટનો અને અમુક ભાગ માટીનો રાખવાની યોજના હતી. એમાં વચ્ચે પાણીની જાવક માટે મોટું નાકાવાળું ગરનાળું બનાવવાનું હતું અને બાકી એની બન્ને તરફ માટીની દીવાલ મચ્છુના તળપ્રદેશમાંથી ઊભી થવાની હતી.

આમ આ આખો પ્રોજેક્ટ બહુ મહત્વાકાંક્ષી હતો, પણ નહેરુ યુગમાં આવા તો ઘણા ડૅમ બનતા હતા એટલે આમાં કોઈ ખાસ વાત નહોતી. બીજા બંધોની સરખામણીએ આ મધ્યમ કદનો અને ખાસ મહત્વની ન ગણાતી એવી નદી પરનો બંધ હતો. આમ છતાં, એના નિર્માણમાં બહુ જ કાળજી અને ખંતની જરૂર હતી, કારણ કે માણસજાત જેટલું વધારે પાણી રોકવા મથે, તેટલા જ પ્રમાણમાં, એ રોકાયેલા પાણીની એનો વિરોધ કરવાની ક્ષમતા પણ વધી જાય. મચ્છુ બંધ -૨ના નિર્માણમાં આ વાત બહુ ધ્યાનમાં રાખવાની હતી.

ચાર મુખ્ય જોખમો

મચ્છુ – ૨ના બાંધકામમાં ચાર મુખ્ય જોખમો સામે  બંધની બીજી બાજુની વસ્તીને બચાવવાની જવાબદારી સૌરાષ્ટ્ર સરકારની હતી અને ઇજનેરોએ પણ આ ચાર જોખમો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું: (૧) નાકાવાળું ગરનાળું ધસી પડે (૨) બંધની દીવાલોને ઘસારો પહોંચે (૩) પાણી જવાનો ઢોળાવ બરાબર કામ ન આપે અને (૪) બંધ છલકાઈ જાય અને દીવાલોની ઉપરથી પાણી વહેવા લાગે.

ગરનાળું ધસી પડે તો બંધમાં સંઘરી રાખેલું પાણી એકીસાથે ધસી જાય અને જાનમાલની પારાવાર ખુવારી કરે. આથી એ સખત જમીન પર અને મજબૂત કોંક્રીટથી બાંધવાનું હતું. તે ઉપરાંત. માટીની દીવાલોમાં ભંગાણ ન પડે તે માટે ત્રણ વાતો ધ્યાનમાં રાખવાની હતી. આ ત્રણ વાતો જ માટીના બંધની દુશ્મન બનતી હોય છે. (ક) દીવાલો અંદરથી કાચી રહી જાય તો ધસમસતું પાણી એને તાણી જાય. આને આંતરિક ઘસારો કહે છે (ખ) એ જ રીતે, દીવાલની બહારની સપાટી એકસરખી ન બની હોય તો ઢોળાવ ખરાબ થઈ જાય છે એટલે પાણીનો ધસમસતો પ્રવાહ જ્યાંથી દીવાલે ખૂણો બનાવ્યો હોય ત્યાં ગાબડું પાડી દે છે. આ ‘લૅન્ડ-સ્લાઇડ’ તરીકે ઓળખાતી ઘટના જેવું છે. ભારે વરસાદમાં પર્વતો પરથી ઘણી વાર ભેખડો ધસી પડતી હોય છે અને ત્યાં મોટું ગાબદું પડી જતું હોય છે. ઘણી વાર તો ભેખડો ફસકીને એવી રીતે ગોઠવાઇ જતી હોય છે કે એમની પાછળ મોટું સરોવર બની જતું હોય છે. (ગ) એ જ રીતે બંધ છલકાઈ જાય તો પાણી દીવાલોની ઉપરથી વહેવા માંડે. આ ત્રણેય બાબતોમાં બેદરકારી દેખાડવાનું પરિણામ ગરનાળું તૂટી પડવાથી જે નુકસાન થાય તેની બરાબર જ હોય. ગરનાળું બનાવવા માટે જમીન માફકસરની હતી. હવે એમાં પૂર આવે તો બંધનું શું થાય તેનો કયાસ કાઢવાનો હતો. આને ‘ડિઝાઇન ફ્લડ’ કહે છે. એમાં વધુમાં વધુ કેટલો વરસાદ પડી શકે અને ઓછામાં ઓછા સમયમાં પાણી કેટલું જમા થઈ શકે તેના આંકડા મેળવીને હિસાબ કરવાનો હોય છે. સૌરાષ્ટ્ર સરકારે એનો કયાસ તો કાઢ્યો. આ જ પ્રકારના બંધમાં કેટલું પાણી એકીવખતે ભરાયું તેનો પણ અંદાજ મદદે લેવાયો હતો. સૌરાષ્ટ્ર સરકારે આ બધી કવાયત કરીને જ પ્રોજેક્ટ્નો રિપોર્ટ CWPCને મોકલ્યો હતો.

 CWPCનો વાંધો

CWPC તરફથી એકાદ વર્ષ સુધી તો કઈં જવાબ ન આવ્યો. ૧૯૫૭માં CWPCએ બંધની યોજનાની સમીક્ષા કરીને જે જવાબ મોકલાવ્યો તેમાં નવો જ મુદ્દો હતો. એમાં સૌરાષ્ત્ર સરકારના ઇજ્નેરોની આકરી ટીકા કરવામાં આવી. CWPCએ કહ્યું કે ઇજનેરોનો અંદાજ જ ખોટો છે. ખાટલે મોટી ખોટ તો એ કે એમણે મચ્છુ બંધ-૧માંથી પાણી છોડાય અને એ આ બંધમાં આવે તો શું થાય તે ધ્યાનમાં જ નથી લીધું. આમ, ગરનાળામાંથી કેટલું પાણી વહી જાય તેનો એમનો આંકડો ખોટો હતો. શક્ય છે કે પાણીની જેટલી જાવક હોય તેના કરતાં આવક વધુ હોય. CPWCએ સૂચવ્યું કે સૌરાષ્ટ્ર સરકારના ઇજનેરો મચ્છુ નદીમાં જુદા જુદા સમયે કેટલું પાણી રહે છે તેનું માપ લેવાનું શરૂ કરે અને મચ્છુ બંધ-૧માંથી આવતા પાણીને પણ ધ્યાનમાં લે આ રીત ‘યુનિટ હાઇડ્રોગ્રાફ’ એટલે કે એક એકમમાં કેટલું પાણી હોય તેના માપ તરીકે ઓળખાય છે. તે ઉપરાંત CWPCના ઇજનેરોને ડૅમ માટેની જગ્યા પણ યોગ્ય ન લાગી.

 પહેલાં મુંબઈ દ્વિભાષી રાજ્ય અને પછી ગુજરાત

પરંતુ આપણે એ ન ભૂલવું જોઇએ કે ૧૯૫૭માં CWPCનો રિપોર્ટ આવ્યો ત્યારે સૌરાષ્ટ્ર રાજ્યનું અસ્તિત્વ નહોતું રહ્યું.  સૌરાષ્ટ્ર અને આખું આજનું ગુજરાત મુંબઈ દ્વિભાષી રાજ્યમાં સમાઈ ગયાં હતાં. આથી હવે મચ્છુ બંધ વિશે CWPCના રિપોર્ટ પર મુંબઈ સરકારે અમલ કરવાનો હતો. પરંતુ દ્વિભાષી મુંબઈ રાજ્ય્નું માત્ર ચાર વર્ષમાં જ  વિભાજન થયું અને ૧૯૬૦માં ગુજરાતનું અલગ રાજ્ય બની ગયું.આમ CWPCના રિપોર્ટ પર અમલ કરવાની જવાબદારી ગુજરાત સરકારની થઈ.

 ગુજરાત સરકારની બેકાળજી

CWPCના વાંધાનો જવાબ આપવા માટે ગુજરાત સરકારે મચ્છુ બંધમાં પાણીની આવકનો અંદાજ તાબડતોબ સુધાર્યો. પહેલાં ૧,૬૦,૦૦૦ ક્યૂસેક પાણીનો અંદાજ હતો; નવો અંદાજ ૧,૯૧,૦૦૦ ક્યૂસેકનો બનાવાયો. પરંતુ CWPCની મહત્વની ભલામણ યુનિટ હાઇડ્રોગ્રાફની હતી તેની સદંતર ઉપેક્ષા કરવામાં આવી. સૌરાષ્ટ્ર સરકારે તો એને જે સમજાયું તે રીતે, વરસાદના અનુભવ અને અટકળોનો આશરો લીધો હતો પરંતુ CWPCના વાંધા મળ્યા પછી પણ ગુજરાત સરકારે યુનિટ હાઇડ્રોગ્રાફ ન લીધો. CWPCએ ૧૯૬૧માં એક પત્ર લખીને ગુજરાત સરકારનો ઊધડો જ લીધો અને કહ્યું કે અમારી પહેલી ટિપ્પણીને પાંચ વર્ષ થઈ ગયાં તેમ છતાં હજી પણ માત્ર અનુભવજન્ય માહિતી પર આધાર રાખવામાં આવ્યો છે.

ગુજરાત સરકારે આ ચીમકીને પણ કાને ન ધરી અને ૧૯૬૦ના દાયકાના આરંભે કામ શરૂ કરી દીધું. ૧.૯૧.૦૦૦ ક્યૂસેકનો જે નવો અંદાજ કરવામાં આવ્યો હતો તેના જ આધારે રાજ્યના ઇજનેરોએ ગરનાળું બાંધવાનું શરૂ કર્યું. એમાં ૧૮ દરવાજા રાખવાના હતા. એની કુલ લંબાઈ ત્રીસ ફુટ અને ઊંચાઈ વીસ ફુટ નક્કી કરવામાં આવી.

એ જ રીતે, ડૅમની જગ્યા માટે CWPCએ જે વાંધો લીધો હતો તેની સામે પણ રાજ્યના ઇજનેરોએ દલીલો રજુ કરી અને એ વાંધાને ઠોકરે ચડાવ્યો. એમણે કહ્યું કે આ જગ્યાએ બંધ બનાવવાથી ત્રણમાંથી બે ગામ ડૂબી જશે એ ખરૂં પરંતુ જગ્યા બદલીને બંધને વધારે પાછળ લઈ જવાથી કેટલાયે રેલમાર્ગો ડૂબી જશે. એમણે કશાં જ પ્રમાણ આપ્યા વિના જ કહી દીધું કે નવા રેલમાર્ગો બનાવવાનો જે ખર્ચ થશે તેના કરતાં બે ગામ ફરી વસાવવાનો ખર્ચ ઓછો રહેશે.  ૧૯૬૩માં,  જો કે, સરકારને CWPCની ભલામણ પ્રમાણે બંધની બે સૂચિત જગ્યાઓ માટે ખર્ચનો અંદાજ કાઢવાની ફરજ પડી. પરંતુ જાણે “બંધ તો વહીં બનાયેંગે”નો નારો હોય તેમ જગ્યા બદલવાથી બીજાંયે બે ગામો ડૂબી જવાનું મનગમતું તારણ પણ એમણે શોધી કાઢ્યું.  એમણે કહ્યું કે આ જગ્યાએ બંધ બનાવવાથી એના જળાશયમાં ત્રણ ગામો ડૂબી જશે અને એમને  નવી જગ્યાએ ફરી વસાવવાં પડશે.

૧૯૬૦ના દાયકાની શરૂઆતમાં જોધપર. આડેપર અને લખધીરનગરના નિવાસીઓને ખબર નહોતી કે સરકારી ઑફિસોમાં એમનું ભાવિ ખર્ચ અને લાભને ત્રાજવે તોળાય છે. જો કે, સર્વે તો ૧૯૫૫થી શરૂ થઈ ગઈ હતી, પણ એક દાયકા પછીયે ગામવાસીઓને ગંધ પણ નહોતી આવી કે આ બધો ખેલ શા માટે ચાલે છે. આ ત્રણેય ગામોની બે હજારની વસ્તીએ બીજે જવું પડે એમ હતું. ચોથા લીલાપર ગામની મોટા ભાગની ખેતજમીન ડૂબમાં જવાની હતી. બધી વાતો તો સર્વે કર્મચારીઓના મોઢેથી ગામલોકોને જાણવા મળી. ઘણાની આંખમાં અનિશ્ચિત ભાવિના ઓળા ઊતરી આવ્યા. એમને પોતાનાં ઘરબારને જળસમાધિ લેતાં જોવાનાં હતાં. એમનું પેટ ભરતાં ખેતરો પર નદીનાં જળ રેલાવાનાં હતાં. નવી ખેતીની જગ્યાઓ, નવાં આજીવિકાનાં સાધનો માટે એમણે ફરી શોધ આદરવાની હતી. (ક્રમશઃ

%d bloggers like this: