Krishna’s Dwarka (4)

કૃષ્ણની દ્વારકા (૪)

 બેટ દ્વારકા

૨૦૦૧-૦૨માં બેટ દ્વારકામાં મોટે પાયે પુરાતત્વીય ખોજકાર્ય હાથ ધરાયું. પુરાતત્વ વિજ્ઞાનીઓએ આના માટે છ જગ્યા પસંદ કરી. પરિણામોએ સૌને આશ્ચર્યમાં નાખી દીધા. મૂળ દ્વારકાથી માત્ર ત્રણેક કિલોમીટર દૂર આવેલું બેટ દ્વારકા આપણી જગપ્રસિદ્ધ દ્વારકા નગરી કરતાં વધારે પ્રાચીન હોવાના પુરાવા મળ્યા અને એવું નક્કી થયું કે બેટ દ્વારકા હડપ્પા કાળમાં પણ સમૃદ્ધ શહેર હતું. અહીંથી ઢગલાબંધ શંખો, છીપલાં વગેરે સમુદ્રી પેદાશો મળી છે. તે ઉપરાંત, બંગડીઓ કે બંગડીના ટુકડા, માળાના મણકા, મુદ્રાઓ, બાળકને ખવડાવવાનું સહેલું બને એવા કપ વગેરે પણ મળ્યાં છે.

ભારતીય ઉપખંડમાં કેટલાંય પુરાતત્વીય સ્થાનોમાંથી શંખો અને છીપલાં મળ્યાં છે. મધ્યવર્તી હડપ્પા કાળમાં, અને તે પછી પણ, ઘણા વખત સુધી શંખ ઉદ્યોગનું અને છીપલાંની માળા કે મણકાનું અગત્યનું સ્થાન રહ્યું છે.

મહાભારતના યુદ્ધમાં દરેક અગ્રણી યોદ્ધા પાસે શંખ હતો. અર્જુનનો પૌંડ્ર, કૃષ્ણનો દેવદત્ત વગેરે. ગીતાના પહેલા અધ્યાયમાં યુદ્ધ માટે તત્પર સેનાઓના વર્ણન દ્વારા પણ બધા અગ્રગણ્ય યોદ્ધાઓ પોતપોતાના શંખો વગાડતા હોવાનું જાણવા મળે છે.  બેટ દ્વારકામાંથી આવા ફૂંક મારીને અવાજ પેદા કરી શકાય એવા શંખો (Turbinella pyrum) મોટા પ્રમાણમાં મળ્યા છે. વળી આ શંખને જીવાતે કોરી ખાધો હોય એવાં છિદ્રો પણ છે. આ જીવ સમુદ્રમાં જ થતો હોવાથી એ પણ નક્કી થયું  કે એ શંખ નદીનો નહીં, સમુદ્રનો જ છે.

દુનિયાના મોટા ભાગના પ્રાચીન વેપારી માર્ગોનાં સ્થળોનાં પુરાતત્વીય ખોદકામોમાં બેટ દ્વારકાના, અથવા એની નકલ જેવા શંખો મળ્યા છે. મેસૅપોટેમિયાના ઉર શહેરનો આપણે પહેલાં ઉલ્લેખ કર્યો છે. ત્યાં એક કબરમાંથી મોટા પ્રમાણમાં શંખો મળ્યા, જે દેખાડે છે કે ભારતીય શંખો ઠેર ઠેર પહોંચતા હતા, આ શંખો મોહેં-જો-દડો અને ચાન્હુ-દડોમાંથી મળેલા શંખોની પ્રતિકૃતિ જેવા છે.

સમુદ્રી પુરાતત્વમાં કાળ નક્કી કરવામાં સમુદ્રી શંખોનું બહુ મહત્વ રહ્યું છે. એમના કાર્બન ડેટિંગ દ્વારા એ આજથી ૩૯૦૦ વર્ષ પહેલાંના હોવાનું નક્કી થયું છે, જ્યારે સૌથી પાછળના સમયના અવશેષો મળ્યા છે તે ૨૫૦૦ વર્ષ જેટલા જૂના હોય એમ લાગે છે.

હડપ્પા સંસ્કૃતિમાં હાથીદાંતનાં ઘરેણાં કે ઘરની વસ્તુઓ પણ મળે છે, પરંતુ શંખો અને છીપલાંનો બહુ જ વ્યાપક ઉપયોગ જોવા મળે છે. લોથલ, નાગેશ્વર, સુરકોટડા, રંગપુર વગેરે હડપ્પીય શહેરો આની સાક્ષી પૂરે છે. મણકા કે આભૂષણ તરીકે કામ આવે તેવી છીપો પર કરવતનાં નિશાન પણ છે. આનો અર્થ એ થાય કે બેટ દ્વારકામાં આ ઉદ્યોગ વ્યવસ્થિતપણે ચાલતો હશે. આજે પણ કચ્છના અખાતમાં અને જામનગર પાસે શંખોનો વ્યવસાય બરાબર ચાલે છે.

બેટ દ્વારકાનો સમય નક્કી કરવામાં ખાસ ઉપયોગી એવી હડપ્પા કાળની એક મુદ્રા પણ મળી. આ મુદ્રા બીજાં સ્થળોએથી પણ મળી છે. આ ઉપરાંત અહીથી માછલાં પકડવાનો કાંટો પણ મળ્યો. આનો આગળનો ભાગ કાંટા સાથેની દોરીને બરાબર દબાવી શકાય એ માટે ચીપિયાના આકારમાં દબાવેલો છે. મઝાની વાત એ છે કે આ પ્રકારના કાંટા આજે પણ નવાઇની વાત નથી.  નીચેના ચિત્રમાં હડપ્પાની મુદ્રા અને માછલી પકડવાનો કાંટો છે.

 ખાસ નોંધ

અહીં એક ખાસ નોંધ લેવાની રહે છે. દ્વારકાધીશ મંદિરની વેબસાઇટ (http://www.dwarkadhish.org/submerged-dwarka.aspx  પર દ્વારકાના સંશોધનો વિશે બહુ જ અગત્યનો વૈજ્ઞાનિક લેખ છે. સામાન્ય રીતે મંદિરો અને મઠો જૂની પરંપરા અને લોકવાયકાઓનું સમર્થન કરતાં હોય છે, પણ આ વેબસાઇટે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અભિગમ રાખીને વિવરણ આપ્યું છે, જેના માટે મંદિરના પ્રબંધકોને આપણે અભિનંદન આપવાં જોઈએ. એ વેબસાઇટની બહુમૂલ્ય માહિતીનો મેં સમજી વિચારીને ઉપયોગ નથી કર્યો, કારણ કે એ લેખ પણ બધાં સંશોધનના સાર રૂપ છે અને કોઈ પણ વાચક એનો સીધો જ લાભ લઈ શકે છે. એ લેખનું એક વાક્ય અહીં આપું છું: The excavation in 1979-80 pushed back the antiquity of Dwarka from 15th century AD to 15th century ‘BC and suggested the destruction of a coastal settlement by sea about 3500 years ago.(૧૯૭૯-૮૦ના ખોદકામ સાથે દ્વારકાની પ્રાચીનતા ઇસુની ૧૫મી સદીમાંથી ઇસુ પહેલાંની ૧૫મી સદી સુધી પાછળ ગઈ અને એવો સંકેત મળ્યો કે લગભગ ૩૫૦૦ વર્ષ પહેલાં સમુદ્રકાંઠા પરની એક વસાહતનો નાશ થયો).  

યૂ-ટ્યૂબ પર કૃષ્ણની ૧૨૦૦૦ વર્ષ જૂની નગરી વિશેની ફિલ્મ પણ છે અને એકાદ સાઇટ કહે છે કે ૨૩૦૦૦ વર્ષ જૂની દ્વારકા મળી. આ લેખનાં તથ્યો એની સાથે મેળમાં નથી. એટલે એ ફિલ્મો કે સાઇટના અભિપ્રાય વિશે તો એ લોકો જ  સ્પષ્તતા કરી શકે. હું તો એટલું જ કહી શકું કે મેં જે વાંચ્યું છે તે અધિકૃત છે, અને આ કાર્ય સાથે સંકળાયેલા નિષ્ણાતોએ જ લખ્યું છે. આમ છતાં. લેખ તૈયાર કરવામાં કઈ કચાશ રહી ગઈ હોય એ બનવાજોગ છે. આની જવાબદારી મારી જ હોય, મૂળ લેખકોની નહીં એટલે કઈં શંકા જણાય તો મૂળ સંદર્ભો જોવા વિનંતિ છે.

 માધવ ક્યાંય નથી?

કૃષ્ણની દ્વારકાની આ શબ્દયાત્રા પછી આપણી સમક્ષ પહેલાં કરતાં પણ વધારે સવાલ ઊભા થયા છે. દ્વારકા અને કૃષ્ણ અભિન્ન છે. એકનો સમય તે જ બીજાનો સમય અને એકનું સ્થળ તે જ બીજાનું સ્થળ.  ૧૯૬૩માં જમીન પર થયેલા સંશોધન પછી ૧૯૭૯માં થયેલાં સમુદ્રી સંશોધન વચ્ચે એક સળંગસૂત્રતા છે, એના દ્વારા સમય વધારે પાછળ લઈ જવાનું શક્ય બન્યું અને દ્વારકા ૩૫૦૦ વર્ષ પહેલાં હતી અને બેટ દ્વારકા એનાથી જૂની હોવાનું નક્કી થયું છે.

દ્વારકાને કૃષ્ણની નગરી માનીએ તો એમનો કાળ પણ તે જ મનાય. કૃષ્ણને એનાથી પણ જૂના કાળમાં મૂકીશું તો દ્વારકાને એમની નગરી માની નહીં શકાય. દ્વારકાથી જૂનો સમય એટલે ઉત્તરવર્તી હડપ્પા સંસ્કૃતિનો સમય. એટલે આપણે એમ માનવું પડશે કે કૃષ્ણ હડપ્પાકાલીન હીરો છે અને એમની શોધ દ્વારકામાં નહીં, બેટ દ્વારકામાં કરવી જોઇએ. પરંતુ મહાભારતમાં લોહના ઉલ્લેખો છે તેને મૌલિક માનીએ (પાછળથી થયેલા ઉમેરા ન માનીએ) તો મહાભારતને ઈ.પૂ. ૧૫૦૦થી પહેલાં માની શકાય એમ નથી. એ જ દ્વારકાનો સમય છે. આપણે એ યાદ રાખવું જોઇએ કે પુરાતત્વવેત્તાઓ મહાભારતમા દ્વારકા ડૂબી જવાના ઉલ્લેખથી પ્રેરાઈને એની શોધ માટે આવ્યા હતા. સભાનપણે કૃષ્ણને શોધવાનો એમનો પ્રયાસ નહોતો, પરંતુ એમને ખબર હતી કે દ્વારકાની ડૂબવાની કથાની ઐતિહાસિકતા સાબીત થશે તો કૃષ્ણનો સમય પણ એ સાથે જ નક્કી થઈ જશે. આ ઐતિહાસિકતા સાબિત થઈ છે.

આમ માધવ મધુવન અને ગોપીઓને વ્રજમાં છોડીને મથુરા ગયા અને ત્યાંથી પણ જરાસંધના ત્રાસથી કંટાળીને એક સન્માનનીય ચાણાક્ય રાજપુરુષની ભૂમિકા નિભાવવા દ્વારકા તો આવી ગયા હતા – અને દ્વારકામાં જ છે, એટલું જ નહીં કાલમાન પર, સમયના ફલક પર, આપણી લોકવાયકાઓ કહે છે એટલા દૂર પણ નથી. આપણે ધારીએ છીએ તેના કરતાં આપણા ભગવાન, આપણા આદર્શ પુરુષ અને આપણી સંસ્કૃતિના સ્તંભ જેવા કૃષ્ણ આપણી વધારે નજીક છે. અત્યારે તો આટલું જ અનુમાન કરી શકાય છે.

(સંદર્ભ ત્રીજા લેખમાં આપ્યા છે તે જ છે).

 

 

%d bloggers like this: