A Short Story from Pakistan

વેબગુર્જરી પર પ્રસ્તુત એક પાકિસ્તાની વાર્તાઃ

પાકિસ્તાન કી સર્વશ્રેષ્ઠ ઉર્દૂ કહાનિયાં: મૈનૂ લૈ ચલે બાવલા લૈ ચલે વે…

-ખદીજા મસ્તૂર

લેખકનો પરિચયખદીજા મસ્તૂરનો જન્મ ૧૯૨૭માં લખનઉમાં થયો. પહેલી વાર્તા એમણે ૧૫ વર્ષની વયે ૧૯૪૨માં લખી. પાકિસ્તાનના સાહિત્ય ક્ષેત્રમાં એમણે પાંચ વાર્તાસંગ્રહ અને બે નવલકથાઓનો ફાળો આપ્યો છે. ૧૯૮૨માં એમનું અવસાન થયું.

આભારઃ

આ વાર્તાનો અનુવાદ કરવાની સહર્ષ પરવાનગી આપવા બદલ પ્રકાશક – સાક્ષી પ્રકાશન,એસ. ૧૬. નવીન શાહદરા, દિલ્હી, ૧૧૦૦૯૫ -નો આભાર.

પ્રકાશકનો સંપર્કઃ

ઑફિસઃ ૦૧૧-૨૨૩૨-૪૮૩૩.
મોબાઇલઃ ૦૯૮૧૦૪૬૧૪૧૨.
ઇ-મેઇલઃ goelbooks@rediffmail.com .

પુસ્તક સંબંધી વિવરણઃ

‘પાકિસ્તાન કી સર્વશ્રેષ્ઠ ઉર્દૂ કહાનિયાં’

(ભાગ ૧) ISBN-81-86265-23-6 (કિંમતઃ રૂ. ૧૨૫)
(ભાગ ૨) ISBN-8186265-42-2 ((કિંમતઃ રૂ. ૧૨૫)

સંપાદકઃ નંદકિશોર વિક્રમ

પ્રકાશનઃ ૨૦૦૯ (c) પ્રકાશક


મૈનૂ લૈ ચલે બાવલા લૈ ચલે વે…

-ખદીજા મસ્તૂર

પાતળી મોરીમાં પાણીની ધાર કમને વહેતી હતી. એની ઉપર સાબુનાં ફીણ ઓશીકાની ખોળ જેમ ચડી ગયાં હતાં. એ હજી અંધારા બાથરૂમમાંથી નહાઇને નીકળ્યો હતો અને વાળ પર ટુવાલ ઘસતો તડકામાં આરામખુરશી પર બેઠો જ હતો કે એનું ધ્યાન પાણીની પરાણે વહેતી ધાર પર ગયું. આવી જ ધાર એણે પહેલાં પણ જોઈ હતી અને એના દિલોદિમાગ પર એ છવાઈ ગઈ હતી. શરૂઆતમાં તો એ બીજું કંઈ વિચારી જ ન શકતો, પછી ધીમે ધીમે એ ભુલાવા લાગ્યું હતું. આજે ફરી પાણીની ધાર પર સાબુનાં ફીણ જોઈને બધું તાજું થઈ ગયું. એના મનમાંથી અગણિત ‘આહ’ નીકળતી રહી. એવું નથી કે એણે એના કરતાં પણ વધારે ખોફનાક ઘટનાઓ જોઈ નહોતી. એવી ઘટનાઓ કે પથ્થર પણ પીગળી જાય. પરંતુ પેલાં સાબુનાં ફીણવાળી ધાર જેટલી અસર કદી નહોતી થઈ.

શહેરના ચહેકાટને મોતના રાક્ષસે ગળી લીધો હતો. જીવન ખૂણેખાંચરે ભરાઈને ડૂસકાં ભરતું હતું. ઉજ્જડ, વેરાન શહેર ફરી કદી વસી શકશે એમ લાગતું નહોતું. મોત કહેતું હતું કે મારી ચુંગાલમાંથી હવે કોઈ બચી જાય એ વાતમાં માલ નથી. પરંતુ રાહત સમિતિના સાથીઓને લાગતું હતું કે જિંદગી એટલી સસ્તી તો નથી કે એને કીડા-મંકોડાની જેમ મોતને હવાલે કરી દેવાય. જ્યાં પણ શ્વાસ ચાલતા હોય ત્યાં પહોંચીને જિંદગીને જીવતી રાખવાના પ્રયાસ ચાલુ હતા.

એ દિવસે પણ આખા શહેરમાં ઠેરઠેર ભટકીને એ પચાસેક જણને કૅમ્પમાં પહોંચાડી આવ્યો હતો. પોલીસ ચોકી પર ટ્રકમાંથી ઊતરીને તૂટતા શરીરને ખેંચતો ઘરે પાછો ફરતો હતો. સાંજના પાંચેકનો સુમાર. રસ્તાના કિનારે દસ-બારનું ટોળું ગંદા પાણીની નીકમાં કંઈક જોતું હતું. એ પણ જોવા ઊભો રહ્યો. બિલ્ડિંગના તોતીંગ દરવાજે તાળું જડ્યું હતું અને લોકો તાળું તોડી નાખવાની વાત કરતા હતા.

“આપણે ત્રણ દિવસમાં આ ઘરમાં બધાંને સાફ કરી નાખ્યાં હતાં, તો આ વળી કોણ બચી ગયું?” એક માણસ બોલ્યો. લાલલાલ આંખો, ભયાનક ચહેરો અને હાથમાં છરો.

“ તો તોડી નાખો ને તાળું.” પાયજામાના લાંબા લટકતા નાડામાં પગ અટવાતો હતો એ બીજો જણ બોલ્યો. “પણ જરા વિચારો, બહાર તાળું હોય તો અંદર કોઈ હોય જ કેમ?”

ત્રીજો લાલ આંખોવાળો શખ્સ તાડૂક્યો. નીકમાં ઘરની અંદરથી આવતું સાબુના ફીણવાળું પાણી દેખાડતાં બોલ્યોઃ “તો આ શું જાદુ થાય છે?”

હવે ચોથાનો વારો હતો. એ ખમીસની ચાળથી છરો સાફ કરતાં બોલ્યોઃ “લાગે છે કે કોઈ હમણાં જ નહાયું છે.”

એ વિચારવા લાગ્યો કે હવે કરવું શું? હજી તો હમણાં જ એ ચોકી પર પોલીસોને મૂકીને આવ્યો છે. ચોકી પણ દૂર છે અને આજુબાજુમાં પોલીસનો ભણકારો પણ નહોતો પડતો.

“ તાળું તોડો, ભાઈ, તાળું” કેટલાયે અવાજ એકીસાથે આવ્યા.

એણે પ્રયત્ન કર્યોઃ “ પણ ઇન્સાનિયતનો તકાદો તો એ છે કે…” એ બદલાની ભાવનાથી છેડાયેલા જખમો પર ઇન્સાનિયતના છાંટા મારવા મથ્યો. એની વાત વચ્ચેથી જ કપાઈ ગઈ. કેટલાયે અવાજોએ સાથે મળીને પૂછ્યું: “આપણી મા-બહેનો અને ભાઈઓનાં ગળાં રહેંસાતાં હતાં ત્યારે ઇન્સાનિયત ક્યાં છુપાઈ ગઈ હતી અને તું ક્યાં હતો?”

“સૂતો હશે ઇન્સાનિયતને બાઝીને…” ભયાનક ચહેરાવાળો જોરથી હસ્યો.

“ તાળું તો તોડશું. તારે શું છે?”

એ લાચાર થઈ ગયો. તાળું આગળિયા સહિત બહાર આવી ગયું. એક જીવને બચાવવા માટે હવે થોડો જ સમય એના હાથમાં હતો. એણે મરણિયો પ્રયાસ કરી જોયો. “અરે. એમ આંખો મીંચીને શું ધસ્યા જાઓ છો? અંદરવાળા પાસે બંદૂક હશે તો? મારી પાસે રાઇફલ છે. હું આગળ જાઉં છું, તમે બધા છાનામાના મારી પાછળ આવો.” એણે ધીમા અવાજે કહ્યું. બધા શાંત થઈ ગયા અને સીડી ચડવા લાગ્યા.

એક…બે…ત્રણ… પગથિયાં અસંખ્ય હોય એમ લાગ્યું. જીવન બચાવવાના જોશમાં આખા દિવસનો થાક ભુલાઈ ગયો હતો. એ વિચારતો હતો કે સૌની આગળ પહોંચીને એ અંદર જશે અને જે કોઈ હશે તેને સરકી જવાનો ઇશારો કરી દેશે. ઘરમાં એવી તો કોઈ જગ્યા હશે જ ને, જ્યાં છુપાઈને એ પહેલાં પણ બચી ગયો હતો. ફરી ત્યાં જ છુપાઈ જાય, બસ.

પહેલો માળ…બીજો માળ…ત્રીજો માળ… કોઈ નહોતું. વગડા જેવી વેરાની ભાંભરતી હતી. એને થયું કે અહીં તો ઘૂવડોનું રાજ છે. હવે ચોથા માળે જવાનું હતું. એ કેટલાંયે પગથિયાં એકીસાથે ચડી ગયો. બીજા બધા પાછળ રહી ગયા હતા. એ મનમાં ને મનમાં દુઆ માગવા લાગ્યો કે ચોથા માળે પણ ઘૂવડોનું જ રાજ હોય ! ઇન્સાની કાપાકાપીના એવા નમૂના એ જોઈ ચૂક્યો હતો કે હવે વધારે કંઈ જોવાની એનામાં શક્તિ નહોતી.

છેલ્લે પગથિયે પહોંચીને એ દરવાજામાં દાખલ થયો અને સ્તબ્ધ થઈને જોતો જ રહી ગયો. એક બેઠી દડીની સુંદર છોકરી જમીન પર બેઠી હતી. આસમાની રંગનાં કપડાં, નાક લાલ, આંખનાં પોપચાં સૂઝેલાં, આંખો અર્ધી બંધ, શરીર થાકેલું, છૂટા વાળ. હાથમાં કાંસકો લઈને એ સામે રાખેલા અરીસામાં અર્ધી બિડાયેલી આંખે તાકતી હતી. એની પાસે જમીન પર સાબુદાની ટુવાલ, ક્લિપ અને વાળમાં ભરાવવાની પિનો પડી હતી. એને પોતાની આંખો પર વિશ્વાસ ન બેઠો. આ તે જીવતી જાગતી સ્ત્રી છે કે કોઈ આત્મા? કોઈ પરી? પણ છોકરીએ પોપચાં ઊંચકીને એની સામે જોયું અને એના હાથમાંથી કાંસકો પડી ગયો ત્યારે એને અહેસાસ થયો કે ખરેખર સામે કોઈ મનુષ્ય છે. પછી એને બચાવવા માટે એનો આત્મા તરફડ્યો. એણે છોકરીને ક્યાંક છુપાઈ જવા ઇશારો કર્યો. ધીમે અવાજે કહ્યું કે પાછળ ઘણા લોકો આવે છે. પરંતુ છોકરી પોતાની જ્ગ્યાએ જડ બની ગઈ હતી. એના શરીરમાં જરા પણ હલચલ ન થઈ. છોકરીની એક લાચાર નજર એના પર પડી અને ઢળી ગઈ. પાછળના લોકો હવે અંદર આવી ગયા હતા. બધાના તકાયેલા છરા નીચા થઈ ગયા.

“ લે ભાઈ, ખોદ્‍યો ડૂંગર ને નીકળી એક ઉંદરડી !” લાલ આંખોવાળો છોકરી તરફ આગળ વધ્યો. એને લાગ્યું કે ધરતીકંપ આવ્યો છે. છોકરીના ચહેરા પરથી લોહી ઊડી ગયું.

“ દયા કરો. એને હાથ ન લગાડો.” એ છોકરી અને લાલ આંખોવાળા વચ્ચે આવીને પાગલની જેમ ચીસ પાડી ઊઠ્યો.

“અરે હટ. હાથ લગાડવાથી મેલી થઈ જશે? આંધળી દળે ને કૂતરાં ખાય. હટ, મહેનત અમારી, માલ અમારો”. બે જણ હસવા લાગ્યા. એને ધક્કો મારીને છોકરીથી દૂર કરી દીધો.

“ન કરો, ન કરો.” એ ફરી છોકરી અને લાલ આંખોવાળાની વચ્ચે આવવા મથ્યો. લાલ આંખવાળાએ એની છાતી પર છરો ધરી દીધો. એક શખ્સે છોકરીને ઘેટાની જેમ ખભે ઉપાડી લીધી. છોકરીએ લટકતા હાથ એના તરફ લંબાવીને બચાવી લેવા આજીજી કરી. એને થયું કે છરો છાતીમાં ઘુસી ગયો હોત તો વાંધો શો હતો? એણે ફરી એક વાર પેલા રાક્ષસને રોકવાની કોશિશ કરી, પણ એણે ધક્કો મારીને દૂર હડસેલી દીધો.

હવે રૂમ ખાલી હતો. વેરાનીનું ભાંભરવું પહેલાં કરતાં પણ વધારે બુલંદ થઈ ગયું હતું. એ ત્યાં જ ફસડાઈ પડ્યો અને હૈયાફાટ રોવા લાગ્યો. રુદન મંદ પડતાં એનું ધ્યાન ગયું. પગ નીચે પિનો અને ક્લિપો ચગદાતી હતી. એણે સંભાળીને એ ઊઠાવી લીધી. ભીનો ટુવાલ છાતીસરસો ચાંપ્યો. પલંગ પર નજર પડી. જાણે કોઈ કેટલાયે દિવસ સુધી પલંગમાં પડ્યે પડ્યે પડખાં ફેરવતું રહ્યું હોય, પગ ઘસતું રહ્યું હોય એમ ચાદરો ચોળાયેલી હતી. એણે ચાદરોના સળ કાઢ્યા. ઓશીકું ભીનું હતું ત્રણ ત્રણ દિવસ રોઈ હશે. પછી થાકીને મોઢું ધોયું હશે અને ફરી રોવા માટે નવી તાજગી મેળવી હશે. અન્હીં. એણે તો સાબુથી મોઢું ધોયું હતું. શૃંગાર કરતી હતી. ચારેય બાજુ મોતના કાળા ઓળા નાચતા હતા, ભેંકારનું સામ્રાજ્ય હતું ત્યારે એ શણગારતી હતી ! ઓશીકું હટાવ્યું તો એક પત્ર હાથમાં આવ્યો. મેલો, ભીનો થઈ ગયેલો પત્ર. એણે ખોલીને એક નજરે આખો પત્ર વાંચી લીધો. “મેરી જાન… તને મળવા હું અધીરો થઈ ગયો છું. જલદી આવું છું. હવે તારા સુધી પહોંચવામાં મને દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે. હું સીધો જ તારી પાસે આવીશ. તું સજીધજીને મારી રાહ જોજે… બસ, પછી તું અને હું…” એના હાથ ધ્રૂજ્યા. પત્ર નીચે પડી ગયો.

નીચે ગરી અવાજો શરૂ થઈ ગયા હતા, એણે જોયું તો ભીડ એક દુકાન લૂંટતી હતી. એણે પિનો અને ક્લિપ ખિસ્સામાં નાખી દીધાં. લથડતે ડગએ નીચે ઊતર્યો. બહાર નીકળીને એણે ફરી એક વાર નીક પર નજર નાખી. પાણી વહી ગયું હતું અને સાબુનાં ફીણ ઓસરી ગયાં હતાં.

૦-૦-૦-૦

(સંક્ષિપ્ત ભાવાનુવાદઃ દીપક ધોળકિયા)

%d bloggers like this: