India: Slavery and struggle for freedom ::: Part 1: Slavery – Chapter : 1૩

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૧: ગુલામી

પ્રકરણ ૧૩શિવાજી અને કંપની ()

ઔરંગઝેબે હિંદુસ્તાનના ઘણા વિસ્તારો પર કબ્જો કરી લીધો હતો, પણ અંદરથી એનું સામ્રાજ્ય ખવાવા લાગ્યું હતું. આમાં છત્રપતિ શિવાજી મોગલ સામ્રાજ્ય માટે મોટા પડકાર રૂપ હતા. એમનો જન્મ ૧૬૩૦માં થયો. એમના પિતા પાસે છ કિલ્લા હતા પણ ઔરંગઝેબ સામે એ હારી ગયા અને બીજાપુરમાં આદિલ શાહને ત્યાં નોકરીએ રહી ગયા. ધીમે ધીમે શિવાજી આપબળે ઊભા થયા અને મરાઠા સામ્રાજ્ય બનાવ્યું. મોગલો અને બીજાપુરના આદિલશાહી વંશ સાથે એમના સંબંધો મિત્રતા અને શત્રુતાના હતા. શિવાજી સાથે પણ કંપનીના સંબંધો મિત્રતા કે શત્રુતા અથવા પરસ્પર ઉપેક્ષાના જ હતા.

કંપનીને બીજાપુરના આદિલશાહી રાજ્ય સાથે વેપાર કરવામાં રસ વધ્યો હતો. સૌથી પહેલાં તો પોર્ચુગીઝોના કબજામાં મુંબઈ હતું ત્યારે એમણે પણ પ્રયાસ કર્યો હતો પણ આદિલશાહ સાથે એમના સંબંધો ખરાબ જ રહ્યા, બીજી બાજુ ઈસ્ટ ઇંડિયા કંપનીને સીદી રુસ્તમ ઝમાનના કબજા હેઠળના રાજપુરીમાં ફૅક્ટરી બનાવવામાં સફળતા મળી હતી.

આ દરમિયાન, મહંમદ આદિલશાહનું મૃત્યુ થયું. એ નિઃસંતાન હતો એટલે એના ભત્રીજા અલી

આદિલ શાહને ગાદીએ બેસાડીને વિધવા બેગમ ચાંદ બીબીએ કારભાર સંભાળી લીધો. પરંતુ ઔરંગઝેબને એ પસંદ ન આવ્યું અને એણે બીજાપુરને ધમકીઓ આપવાનું શરૂ કર્યું. શિવાજીના પિતા શાહજી ભોંસલે બીજાપુરની નોકરીમાં હતા પણ આ અસ્થિરતાનો લાભ લઈને એ સ્વતંત્ર થઈ ગયા. બીજી બાજુથી શિવાજીએ પણ દાંડા રાજાપુરીના કિલ્લા પર હુમલો કરી દીધો. પરંતુ દિલ્હીમાં મોગલોમાં સત્તા સંઘર્ષ ચાલ્યો તે કારણે ઔરંગઝેબનું ધ્યાન બીજાપુર પરથી એ વખતે તો હટી ગયું.

પરંતુ, ઑક્ટોબર ૧૬૫૯માં કંપની શિવાજીના મિત્ર (અને દુશ્મન) સીદી રુસ્તમ ઝમાન સાથે પણ વેપારી સંપર્કમાં હતી અને બીજાપુરમાં ચલણ તરીકે કામ આવે એવા સિક્કા બનાવવાની ટંકશાળ બનાવવા માટે વાતચીત કરતી હતી.. રુસ્તમ ઝમાન તો ખરેખર શિવાજી પર હુમલો કરવાની તૈયારી કરતો હતો. પરંતુ, એ જ અરસામાં શિવાજીએ અફઝલ ખાનને ચીરી નાખ્યો એવા સમાચાર મળ્યા. કંપની આનાથી બહુ પ્રભાવિત થઈ હોવાનું જણાય છે. કંપનીનો આ વિશેનો પત્ર વિગતવાર છે. શિવાજીએ રાજપુરી શહેરનો કબજો કરી લીધો હતો. પણ કિલ્લાનો નહીં. અંગ્રેજોને આશા છે કે શિવાજી એમને મદદ કરશે. “Rustum Jemah, (રુસ્તમ ઝમાન) who is a freind of Sevagies (Shivaji’s) and is now upon his march toward him, and within feiw dayes wee shall heare of his joyning with him, and then wee shall (according to H[enry] R[evingtons] promise unto him at his coming downe) send him all the granadoes which last yeare hee desired, and advised us to spare Sevagy (Shivaji) some, promising that, if wee would lye with our shipps before Danda Rajapore Gastie, that Sevagyes (Shivaji’s) men should assist us ashoare, hee having already taken the town of Danda Rajapore, but not the castle, wherein there is a great treasure, part of which wee may have and the castle to, give him but the rest. (નીચે સંદર્ભના પુસ્તકનું પૃષ્ઠ ૨૫૦). મિત્રતા અને શત્રુતાનાં ધોરણો માત્ર નફાનુકસાન પ્રમાણે નક્કી થયેલાં હતાં: Sevagy, (શિવાજી) a great Rashpoote (રાજપૂત) and as great an enemy to the Queenc, hath taken the great castle of Panella,(પન્હાળા) within six courses (કોસ-ગાઉ) of Collapore (કોલ્હાપુર) ; which must needs startle the King and Queene at Vizapore(બીજાપુર). Wee wish his good success heartyly, because it workes all for the Companies good, hee and Rustum Jemah being close f [r]einds. …(પૃષ્ઠ ૨૫૧).

કંપનીને આશા હતી કે રુસ્તમ ઝમાનના હાથમાં બીજાપુર રાજ્ય વતી રાજપુરીની આસપાસના બધા વિસ્તારો છે અને શિવાજી જંજિરા (મુરુદ જંજિરા –હબસીઓનો ટાપુ) લેવા માગે છે, તેમાં રુસ્તમ મદદ કરશે. અંગ્રેજ કંપનીનો પ્રેસીડેન્ટ રેવિંગ્ટન શિવાજી વિશે પણ એમ જ ધારતો હતો કે એમને તો અંગ્રેજો સાથે સારા સંબંધો રાખવામાં રસ હશે જ. અંગ્રેજો એમને જંજિરા પર કબજો કરવામાં મદદ કરે તો શિવાજી એમને એ કિલ્લાનો ઉપયોગ કરવા દેવા તૈયાર થઈ જશે. પરંતુ શિવાજીને એ કિલ્લા કરતાં બીજાપુરથી સ્વતંત્ર થવામાં વધારે રસ હતો. એટલે એ બીજાપુર તરફ કૂચ કરી ગયા અને રસ્તામાં કેટલાંય શહેરો અને બંદરો પર કબજો કરી લીધો. જો કે આ કિલ્લો સીદી રુસ્તમ ઝમાને એવી કપરી જગ્યાએ બનાવ્યો છે કે શિવાજી એને કદી સર ન કરી શક્યા. એમણે રાજપુરી તરફ સૈનિકોની માત્ર એક નાની ટુકડી મોકલી દીધી હતી, જેણે ત્યાં અંગ્રેજોને નાણાં ધીરનારા શરાફને પકડી લીધો! કંપનીએ શિવાજીને પત્ર લખ્યો:

To Sevagy, Generali of the Hendoo Forces,

“દંડરાજપુરી કિલ્લો જીતવા માટે અમે તો કેટલી બધી મિત્રતાનું વચન આપ્યું; તમારા માટે દારુજી વગેરે સાથીઓએ તમને કહ્યું જ હશે પણ અમને એ કહેતાં શરમ આવે છે કે તમે અમને કેટલું નુકસાન કર્યું છે. બસ, એટલું જ સમજો કે જે અમારા મિત્રો છે તેમના દુશ્મનો અમને એમનાં વહાણો લઈ લેવાનું કહે અને અમે ન લઈએ તો તેના બદલામાં તમે અમારા બ્રોકર અને એક નોકરને પકડી લીધા છે અને ૨૫ દિવસથી જેલમાં રાખ્યા છે…” (પૃષ્ઠઃ૩૫૮-૨૫૯).

જો કે કંપનીના નોકરને નવી જેલમાં લઈ જતા હતા ત્યારે એ ભાગી છૂટ્યો હતો! પરંતુ શિવાજી પર અંગ્રેજોના આ પત્રનો બહુ સારો કે નરસો પ્રભાવ પડ્યાનું જાણવા નથી મળતું.

શિવાજી કે સિદી ઝમાન સાથે કંપનીના સંબંધોમાં એટલા ગૂંચવાડા છે કે એ કઈ ઘડીએ કોની સાથે છે તે કહી શકાય એમ નથી કારણ કે કંપનીને માત્ર પોતાનો માલ ખરીદવામાં અને શસ્ત્રો વેચવામાં જ રસ હતો.

શિવાજી અને કંપની વિશે આપણે હવે પછીના પ્રકરણમાં પણ વાત કરશું.

૦-૦-૦

સંદર્ભઃ THE ENGLISH FACTORIES IN INDIA: 1655-1660 BY WILLIAM FOSTER, C.I.E.: PUBLISHED UNDER THE PATRONAGE OF HIS MAJESTY’S SECRETARY OF STATE FOR INDIA IN COUNCIL. -OXFORD, AT THE CLARENDON PRESS. 1921 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)


ઇંટરનેટ પરથી બીજીયે પૂરક સામગ્રી અને ફોટા લીધા છે જેના સંદર્ભ યોગ્ય સ્થાને મૂળ લેખમાં જ આપેલા છે. આ લેખ વ્યાવસાયિક હેતુ માટે નથી અને સંદર્ભમાં દર્શાવેલાં પુસ્તકો અથવા ઇંટરનેટ પરથી લીધેલી માહિતીનો ઉપયોગ પણ વ્યાવસાયિક હેતુઓ માટે નથી કર્યો.


India: Slavery and struggle for freedom : :Part 1: Slavery :: Chapter 10

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૧: ગુલામી

પ્રકરણ ૧૦: મુંબઈમાં ઈસ્ટ ઇંડિયા કંપની

પ્રકરણ ૬માં આપણે જોયું કે મિડલટન ૧૬૧૨માં સૂરત આવ્યો ત્યારે ત્યાં કંપનીની ફેક્ટરી પર મોગલ હાકેમે તાળાં મારી દીધાં હતાં. મિડલટન ત્યાંથી નીકળ્યો પણ રાતા સમુદ્રમાં એણે હિન્દુસ્તાની જહાજો લૂંટી લીધાં.તે પછી એ દાભોળ અને બીજાપુર ગયો. નજીકમાં ‘બોન બાઇયા’ (બોન એટલે ટાપુ)ની પોર્ચુગીઝ વસાહત પણ હતી. એ કોઈને આકર્ષે એવું સ્થાન તો નહોતું પણ આ ટાપુ ઇતિહાસમાં દાભોળ અને બીજાપુર કરતાં વધારે મહત્વનો બની ગયો. પોર્ચુગીઝો એને ‘બોમ્બાઇમ’ કહેતા. આ બોન બાઇયા ટાપુ એ જ આપણું જાણીતું ‘બૉમ્બે’!

૧૫૩૪થી ૧૬૬૧ સુધી સાત ટાપુઓનો સમૂહ, બોન બાઇયા, પોર્ચુગીઝોના હાથમાં હતો. ચૌદમી સદીથીએ એ ગુજરાતના મુસ્લિમ શાસકો પાસે ૧૫૩૪ સુધી રહ્યો. પરંતુ મોગલ બાદશાહ હુમાયુંનું જોર વધતું હોવાથી સુલતાન બહાદુર શાહે ડરના માર્યા વસાઈની સંધિ કરીને આ ટાપુસમૂહ અને વસાઈ પોર્ચુગીઝોને આપી દીધાં.  History_Bombay_Portuguese). પોર્ચુગીઝો ત્યાં ૧૬૬૧ સુધી રહ્યા.

૧૬૬૨માં ઇંગ્લૅંડના રાજા ચાર્લ્સ બીજાએ પોર્ટુગલની રાજકુમારી કૅથેરાઇન (કૅથેરાઇન ઑફ બ્રૅગાન્ઝા) સાથે લગ્ન કર્યાં ત્યારે પોર્ટુગલના રાજા જ્‍હોન ચોથાએ મુંબઈ (બોન બાઇયા) ટાપુ ચાર્લ્સને દાયજામાં આપી દીધો.

રાજામહારાજાઓના વિવાહ સંબંધોમાં રાજકારણ પણ હોય જ છે. ઇંગ્લૅંડ અને પોર્ટુગલ બન્ને રોમન કૅથોલિક દેશો હતા. આજે પણ મુંબઈમાં પોર્ચુગીઝોએ બનાવેલાં રોમન કૅથોલિક ચર્ચો જોવા મળે છે. હિંદુસ્તાનના તેજાના અને મસાલાઓ અને કાપડના વેપારમાં ઇંગ્લૅંડ, પોર્ટુગલ અને ડચ (નૉર્વેની) ઈસ્ટ ઇંડિયા કંપનીઓ હતી. ડચ રોમન કૅથોલિક નહોતા એટલે ઇંગ્લૅંડ અને પોર્ટુગલે સંતલસ કરીને ડચ કંપનીને દૂર રાખવાની સમજૂતી પણ કરી. પોર્ટુગલે મુંબઈ સોંપ્યું ત્યારે ‘વ્હાઇટહૉલબોમ્બે સંધિ થઈ એમાં એક ગુપ્ત શરત એ પણ હતી કે બ્રિટન ભારતમાં પોર્ટુગલની વસાહતોનું પણ રક્ષણ કરશે.

આમ, ભારતમાં મુંબઈ સૌથી પહેલો બ્રિટિશ પ્રદેશ બન્યું. પરંતુ સંધિ પ્રમાણે જ્યારે રાજાના પ્રતિનિધિઓ મુંબઈનો કબજો લેવા ગયા ત્યારે માથાફોડ થઈ. પોર્ટુગલનો વાઇસરોય પણ એમની સાથે હોવા છતાં મુંબઈના પોર્ચુગીઝ ગવર્નરે ગોવામાં એના ઉપરી અધિકારીઓને પૂછ્યા વિના મુંબઈ સોંપવાની ના પાડી દીધી. બીજી બાજુ પોર્ચુગીઝ વાઇસરૉયે પણ સવાલ ઊભો કર્યો કે માત્ર મુંબઈ જ આપવાનું હતું કે સમુદ્ર પૂરીને બનાવેલી જમીન પણ? બ્રિટને પોર્ટુગલની વસાહતોનું રક્ષણ પણ કરવાનું હતું એટલે બ્રિટિશ સૈનિકો પણ રાખવાના હતા. કબજો લેવા જનારા સાથે ૪૦૦ સૈનિકો હતા. પણ મુંબઈનું કંઈ ઠેકાણું પડતું નહોતું એટલે એમણે સૂરત પાસે સુવાલી ગામે જહાજ લાંગર્યું, પણ મોગલોએ એમને ત્યાંથી ભગાડ્યા. ગોવાની પાસે અંજેદિવા નામના વેરાન ટાપુ પર એમણે ધામા નાખ્યા પણ ત્યાં સ્કર્વી ફેલાયો અને ૪૦૦માંથી માત્ર ૯૭ સૈનિકો જીવતા બચ્યા. આમ, ચાર્લ્સ બીજાને મુંબઈ મળ્યું તો ખરું પણ એને સાચવવું એ ઘરમાં સફેદ હાથી બાંધ્યા જેવું હતું. વીસેક માઇલના આ વિસ્તારમાં જમીન કરતાં પાણી વધારે હતું.

મુંબઈ લીલામમાં

૧૬૬૮માં ચાર્લ્સે મુંબઈથી પીછો છોડાવવાનું નક્કી કરતાં એની જાહેર ચડાખડી થઈ. બોલી બોલનારામાં કંઈક સધ્ધર અને ખરેખર રસ હોય તેવા લોકો તો ભાગ્યે જ હતા, પરંતુ ઈસ્ટ ઇંડિયા કંપની આગળ આવી. મુંબઈ એને પટ્ટેથી મળ્યું. દર વર્ષે ૩૦મી સપ્ટેમ્બરે કંપનીએ રાજાની તિજોરીમાં ૧૦ પૌંડની કિંમતનું સોનું પટ્ટાના ભાડા તરીકે ચુકવવાનું હતું. આ કાયમી પટ્ટો હતો. હવે, કંપની ભવિષ્યના ‘બ્રિટિશ ઇંડિયા’ની આદિ કસ્ટોડિયન – સંરક્ષક – બની. બધી કાનૂની કાર્યવાહી કરનારા કંપનીના એક નોકર જેરલ્ડ ઑન્જિયરને મુંબઈનો સ્થાપક માનવામાં આવે છે. એ સૂરતની ફૅક્ટરીનો પ્રેસીડેન્ટ હતો અને એ દાવે મુંબઈનો ગવર્નર પણ બન્યો.

જો કે, આટલું કર્યા પછી પણ કંપનીને લાગતું હતું કે વેપાર કરવો અને એક પ્રદેશનો વહીવટ કરવો, એ બે એક વાત નહોતી. મુંબઈ લઈને માથાનો દુખાવો વહોરી લીધો હતો. સૂરતમાં તો ફૅક્ટરી હતી. ભરચક્ક ગોડાઉનો હતાં, શહેરના બગીચાઓમાં પિકનિક પણ કરી શકાતી. વેપાર માટે પણ મુંબઈ અનુકૂળ નહોતું. આબોહવા એવી ખરાબ કે ક્યારે માણસ બીમાર પડી જાય અને રામશરણ થઈ જાય તે જ નક્કી નહોતું. યુરોપિયનોની બચવાની શક્યતા બે-ત્રણ ચોમાસાથી વધારે નહોતી. કંપનીના ડૉક્ટર ફ્રાયરે કહ્યું કે કંપનીના માણસો પોર્ચુગીઝોએ જેલીફિશમાંથી બનાવેલો દારૂ પીને અને એમની ઊતરતી કક્ષાની સ્ત્રીઓની સંગત કરીને મરી જાય છે! એટલે ઇંગ્લૅંડથી સ્ત્રીઓ મોકલવાનું શરૂ થયું. એમને બે જોડી કપડાં અને મફત ખાવાપીવાનું અપાતું. જો કે એની બહુ જરૂર ન પડી કારણ કે ત્યાં રહેનારા એમને પરણી જવા લાગ્યા હતા!

મુંબઈનો વિકાસ

મુંબઈનો એક મોટો લાભ હતો. અહીં બ્રિટનના કબજામાં જમીન હતી, જ્યારે સૂરતની ફૅક્ટરીનું ભાડું ચુકવવું પડતું. સૂરતમાં તો મોગલો નારાજ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું પડતું. એટલે બ્રિટનથી આવીને મુંબઈમાં વસતા લોકો અહીં ઘર બાંધવા લાગ્યા. ઘર સાથે નાળિયેરીની વાડીઓ પણ બની. આમ મને-કમને મુંબઈનો વિકાસ થવા લાગ્યો. ૧૬૬૮માં કંપનીએ કબજો સંભાળ્યો ત્યારે આ ટાપુની વસ્તી દસેક હજારની હતી. એમાં મુખ્યત્વે તો માછીમારી પર ગુજરાન ચલાવનારા કોળીઓ હતા (આજે પણ છે). પરંતુ ૧૬૮૮માં, એટલે કે વીસ જ વર્ષમાં, વસ્તી વધીને સાઠ હજાર પર પહોંચી ગઈ અને એમાં અંગ્રેજોની મોટી સંખ્યા હતી.

જેરલ્ડ ઑન્જિયર ૧૬૬૯થી ૧૬૭૭ સુધી સૂરતનો પ્રેસીડન્ટ અને મુંબઈનો ગવર્નર રહ્યો. તે પછી મુંબઈ સૂરતની ફૅક્ટરીના પ્રેસીડન્ટ જ્‍હૉન ચાઇલ્ડને અધીન હતું. ચાઇલ્ડ મુંબઈમાં કંપનીનો ગવર્નર પણ હતો.એણે મુંબઈમાં નાગરિક સરકાર જેવી વ્યવસ્થા પણ કરી. સૌ પહેલાં તો એણે મૅજિસ્ટ્રેટ કોર્ટો પર પોતાનું નિયંત્રણ સ્થાપ્યું અને એમના ઉપર એક ‘સુપ્રીમ કોર્ટ’ બનાવી અને પહેલી વાર ભારતમાં જ્યૂરી પદ્ધતિ અમલમાં આવી. ચાઇલ્ડે સુપ્રીમ કોર્ટના જજને આદેશ આપ્યો એ પોતાના પદનું ગૌરવ જાળવી રાખે અને પક્ષપાત ન કરે; તેમ જ લેભાગુ વકીલોને દૂર રાખે. આ સાથે ન્યાયતંત્ર અને વહીવટીતંત્ર, બન્ને પાંખોને અલગ પાડવાનું જરૂરી બની ગયું. મોગલો હસ્તકના પ્રદેશો કરતાં આ સાવ જુદું હતું.

મુખ્ય સંદર્ભઃ

1. The Honourable Company: A History of the English East India Company by John Keay Harper Collins Publishers EPub Edition © JUNE 2010 ISBN: 978-0-007-39554-5 Copyright © John Keay 1991.(ઇંટરનેટ પર ઉપલબ્ધ)

ઇંટરનેટ પરથી બીજીયે પૂરક સામગ્રી અને ફોટા લીધા છે જેના સંદર્ભ યોગ્ય સ્થાને મૂળ લેખમાં જ આપેલા છે. આ લેખ વ્યવસાયિક હેતુ માટે નથી અને સંદર્ભમાં દર્શાવેલાં પુસ્તકો અથવા ઇંટરનેટ પરથી લીધેલી માહિતીનો ઉપયોગ પણ વ્યાવસાયિક હેતુઓ માટે નથી કર્યો.


India: Slavery and struggle for freedom :: Part 1: Slavery :: Chapter – 9

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૧: ગુલામી

પ્રકરણ ૯ : કંપની ફડચામાં અને નવી કંપનીની રચના

રાજાની સંડોવણી સાથે ચાંચિયાગીરી!

પોર્ટુગલ સાથેની સમજૂતીથી લાભ તો થયો જ હતો અને મૅથવૉલ્ડનો વિશ્વાસ સાચો પડે એમ લાગતું હતું. ૧૬૩૬ના ઍપ્રિલ મહિનાની છઠ્ઠી તારીખે મૅથવૉલ્ડ સુવાલી ગયો ત્યાં પાંચસો ટનનું જહાજ ફારસ, સિંધ અને મચિલીપટનમથી ગળી અને કાપડ ભરીને લંડન જવા રવાના થવાની તૈયારીમાં હતું. એ પાછો સૂરત આવ્યો ત્યારે ઊડતી ખબર મળી કે એક અંગ્રેજ જહાજે સૂરતના ‘તૌફિકી’ અને દીવના ‘મહેમૂદી’ જહાજોમાં ભરેલો ૧૦,૦૦૦ પૌંડનો માલ લૂંટી લીધો હતો. ઘટના તો આગલા વર્ષના સપ્ટેમ્બરમાં બની હતી પણ સૂરત સુધી ખબર પહોંચતાં છ મહિના લાગી ગયા હતા. મૅથવૉલ્ડને ખાતરી હતી કે કોઈ અંગ્રેજ જહાજ આવું કરે જ નહીં; કોઈ ડચ જહાજે અથવા ફ્રાન્સના કોઈ ખાનગી ચાંચિયાએ આ કામ કર્યું હશે. એટલે એ જાતે જ હાકેમ પાસે ગયો. એણે મેથવૉલ્ડને કેદમાં નાખવામાં આવ્યો પણ એ અંગ્રેજી જહાજનું કામ હશે એમ માનવા તૈયાર નહોતો. પરંતુ તૌફિકીનો કપ્તાન નૂર મહંમદ હાજર થયો અને એણે જુબાની આપી કે લૂંટ કરનારા અંગ્રેજ હતા. એણે કોઈ સોલોમન નામના માણસનું નામ આપ્યું તોય મૅથવૉલ્ડ માનવા તૈયાર નહોતો. અંતે નૂર મહંમદે ચાંચિયાએ આપેલો પત્ર એને દેખાડ્યો: ચાંચિયાએ લખ્યું હતું કે અમે આ જહાજ લૂંટ્યું છે એટલે હવે બીજા કોઈ એને કનડે નહીં! (સંદર્ભ, પૃષ્ઠ ૨૩૬૨૩૯).

આ ચાંચિયાગીરી તો ઇંગ્લૅંડના રાજા ચાર્લ્સ પહેલાની મહેરબાનીથી જ થઈ હતી! હિંદુસ્તાની જહાજોને લૂંટનારાં બ્રિટિશ જહાજ ‘રીબક’ ને ‘સમરીતાન’ રાજા ચાર્લ્સ પહેલાની પરવાનગીથી જ આવ્યાં હતાં. જો કે વેપાર પર ઈસ્ટ ઇંડિયા કંપનીનો ઇજારો હતો એટલે બીજો કોઈ વેપાર ન કરી શકે એટલે ચાર્લ્સે આ જહાજોના માલિક એક આગળપડતા વેપારી વિલિયમ કોર્ટીનને દુનિયામાંથી માલસામાન લાવવાની છૂટ આપી, પણ વેપારની તો વાત જ નહીં. આનો ચોખ્ખો અર્થ એ જ થયો કે એમને ચાંચિયાગીરીની છૂટ હતી! એટલે જ એના કપ્તાને બેફિકર થઈને તૌફિકીના નાખુદાને પત્ર આપ્યો હતો! મૅથવૉલ્ડ આઠ અઠવાડિયાં કારાવાસમાં રહ્યો તે દરમિયાન કોર્ટીન ચાંચિયાગીરી માટે બીજું મોટું જહાજ મોકલવાની તૈયારી કરતો હતો!

અધૂરામાં પૂરું, કંપનીના વેપાર અંગે પણ ચણભણ શરૂ થઈ ગઈ હતી. કંપની લંડનમાં બનેલો માલ તો વેચી શકતી નહોતી, માત્ર વિલાસી માલસામાનની આયાત કરતી હતી. એ દેશનું બધું ધન હિંદુસ્તાન અને બીજા એશિયાઈ દેશોમાં વેડફી નાખે છે, એવી છાપ હતી. હિંદુસ્તાનનું કાપડ બ્રિટનમાં આવે તેની ખરાબ અસર તો દેશના ધંધારોજગાર પર પડતી જ હતી. થોમસ રો હજી પાછો જ ગયો હતો. એના રિપોર્ટ પણ કંપનીના સૂરતના વેપારની વિરુદ્ધ જતા હતા.

ગોવામાં લંડન અને પોર્ટુગલ વચ્ચે સમજૂતી થઈ એ જાણીને મોગલ બાદશાહ તો રાજી થયો જ, પણ ચાર્લ્સ પહેલો વધારે રાજી થયો. એના આશીર્વાદથી હવે કોર્ટીને કંપનીને અપાયેલા પરવાનાની તદ્દન અવગણના કરીને ૧૯૩૬માં એક અનુભવી સાગરખેડૂ વેપારી પીટર વેડલને જહાજો સાથે મોકલ્યો. કંપનીએ આની સામે સખત વાંધો લીધો અને બીજાં વીસ વર્ષ વાંધો લેતી રહી! કોર્ટીન સાથેના કરારમાં કારણ એ અપાયું કે ઈસ્ટ ઇંડિયા કંપનીએ હિંદુસ્તાનમાં પાકી કિલ્લેબંધી કરીને પોતાની ફૅક્ટરીઓ નથી બનાવી; આથી ઇંગ્લૅન્ડના માણસોની સલામતી નથી રહેતી. આમ કંપનીએ લાઇસન્સનો ભંગ કર્યો છે અને પોતાનો ઈજારો ખોઈ દીધો છે વેડલની હરીફાઇ જોરદાર હતી પણ કંપનીનાં સદ્‌ભાગ્યે વેડલનાં બધાં જહાજો તોફાનમાં સપડાઈને ડૂબી ગયાં.

ઈસ્ટ ઇંડિયા કંપનીનું લીલામ

કોર્ટીને જો કે, મલબાર કાંઠેથી મરી મોકલવામાં ઠીક કામ કર્યું પણ તેય ઈસ્ટ ઇંડિયા કંપનીની સૂરતની ફૅક્ટરીની મદદ લઈને જ થઈ શક્યું. એ જ રીતે, હુગલીને કિનારે પણ વેપાર વધવાના અણસાર હતા. આથી બન્ને જૂથોએ ભારતમાં જ રહીને સાથે મળીને કામ કરવા માટે સહિયારી કંપની બનાવી.

આ બાજુ ઇંગ્લૅન્ડમાં રાજાના તરફદારો અને પાર્લમેન્ટવાદીઓ વચ્ચે ગૃહ યુદ્ધ છેડાઈ પડ્યું. ચાર્લ્સ પહેલાનો શિરચ્છેદ થયો અને ક્રોમવેલે સત્તા સંભાળી લીધી. કંપનીમાં બન્ને પક્ષના માણસો હતા. એકંદરે વેપારને નામે મોટું મીંડું હતું ત્યાં આ નવી આફત આવી પડી હતી.

આથી કંપનીએ નફો દેખાડવા હિંદુસ્તાનમાં જ રહીને આંતરિક બજારમાં માલની લે-વેચ શરૂ કરી. આમ પહેલી વાર કંપની દેશના આંતરિક વેપારમાં આવી. હજી માલ લંડન જતો હતો પણ હવે લંડનના કોઈ માણસને નહીં પણ કોઈ રઝળતો ભટકતો અંગ્રેજ હિંદુસ્તાનમાં જ મળે તેને નોકરીએ લઈ લેવાનું વલણ વધ્યું કારણ કે હવે એમના માટે સવાલ વેપારનો નહોતો પણ કોઈ રીતે હિંદુસ્તાનમાં પોતાની હાજરી ટકાવી રાખવાનો હતો!

લંડનમાં કંપની તૂટવાને આરે હતી. એના નોકરોના પગારોમાં કાપ મુકાયો, ધનના અભાવે જહાજો બાંધવાનું બંધ કરીને ભાડે રાખવાનું શરૂ થયું. હજી વેપાર ચાલતો હતો પણ એ વ્યક્તિગત હતો. કંપનીની કોઈ પરવા નહોતું કરતું.

છેવટે ૧૬૫૭ની ૧૪મી જાન્યુઆરીએ કંપનીએ દેવાળું ફૂંક્યું. માત્ર ૧૪૦૦૦ પૌંડમાં કંપની વેચી નાખવાની જાહેરાત કરી દેવાઈ. લીલામના નિયમ મુજબ એક ઇંચની મીણબત્તી આખી બળી જાય ત્યારે જે છેલ્લી બોલી બોલાય તે ભાવ મળે. પણ બોલી જ ન આવી! આમ પણ લીલામ તો સરકારનું નાક દબાવવા માટે હતું એમ સૌ માનતા જ હતા. ખરેખર. કંપનીમાં નવું ચેતન રેડાયું અને છઠ્ઠી ફેબ્રુઆરીએ કંપનીએ જૉઇંટ સ્ટૉક કંપની તરીકે ફરીથી કામ કરવાનું નક્કી કર્યું. ૧૯મી ઑક્ટોબર ૧૬૫૭ના રોજ નવી કંપની અસ્તિત્વમાં આવી. થોડા જ વખતમાં ૭,૮૬,૦૦૦ પૌંડની મૂડી એકઠી થઈ ગઈ અને માત્ર છ મહિનામાં ૧૩ જહાજો વેપાર માટે નીકળ્યાં પુલાઉ રુન અને સેન્ટ હેલેના ટાપુ ફરી કંપનીના હાથમાં આવ્યા, પરંતુ કંપનીને ખરો રસ તો હવે આ ટાપુઓમાં નહીં પણ સૂરત અને મુંબઈમાં અડ્ડો જમાવવામાં હતો!

આ નવી ઈસ્ટ ઇંડિયા કંપનીએ જ ભારત પર રાજકીય અંકુશ જમાવીને ૧૮૫૮ સુધી રાજ કર્યું. પરંતુ ૧૮૫૮ તો હજી બસ્સો વર્ષ દૂર છે!

મુખ્ય સંદર્ભઃ

1. The Honourable Company: A History of the English East India Company by John Keay Harper Collins Publishers EPub Edition © JUNE 2010 ISBN: 978-0-007-39554-5 Copyright © John Keay 1991.(ઇંટરનેટ પર ઉપલબ્ધ)

2. The English Factories in India – 1634-1636 by Wiliam Foster, Oxford, 1911(ઇંટરનેટ પર ઉપલબ્ધ)


ઇંટરનેટ પરથી બીજીયે પૂરક સામગ્રી અને ફોટા લીધા છે જેના સંદર્ભ યોગ્ય સ્થાને મૂળ લેખમાં જ આપેલા છે. આ લેખ વ્યવસાયિક હેતુ માટે નથી અને સંદર્ભમાં દર્શાવેલાં પુસ્તકો અથવા ઇંટરનેટ પરથી લીધેલી માહિતીનો ઉપયોગ પણ વ્યાવસાયિક હેતુઓ માટે નથી કર્યો.


 

India: Slavery and struggle for freedom :: Part – 1: Slavery ::Chapter – 8

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૧: ગુલામી

પ્રકરણ ૮: દુકાળનાં વર્ષો

૧૬૨૦માં કંપનીનો વેપાર ધમધોકાર ચાલી નીકળ્યો હતો. સૂરત એનું મુખ્ય કેન્દ્દ્ર હતું. સૂરતની ફૅક્ટરીના મુખ્ય અધિકારીને ‘પ્રેસિડન્ટ’નું પદ અપાયું હતું અને સૂરત પ્રેસીડન્સી હેઠળ મલબારથી માંડીને રાતા સમુદ્રનાં બધાં વેપારી કેન્દ્રોને મૂકવામાં આવ્યાં હતાં. એક પ્રેસીડન્ટ હેઠળ બસ્સો ફૅક્ટર હતા. ૧૬૨૦ સુધીમાં કંપનીએ ૩૦-૪૦ જહાજ મેળવી લીધાં હતાં, લંડનમાં એના પ્રમુખના ઘરમાંથી એનું કામકાજ ચાલતું હતું તેની જગ્યાએ નવી જગ્યા ખરીદી લીધી હતી. જો કે હજી એનું કામકાજ દરેક ખેપ માટે અલગથી શેરો વેચીને ચાલતું હતું પણ એમાં ભારે વધારો થયો હતો. ૧૬૧૩માં કંપની ૪,૧૮,૦૦૦ પૌંડ એકઠા કરી શકી હતી, તો ૧૬૧૭માં એ ૧૬ લાખ પૌંડના શેરો વેચી શકી હતી. લંડનની ઑફિસમાં કંપનીના સ્ટાફમાં પણ હવે પાંચને બદલે અઢાર માણસો કામ કરતા હતા!

જહાંગીરનું મૃત્યુ અને શાહજહાં ગાદીનશીન

૧૬૨૭ની ૨૮મી ઑક્ટોબરે શહેનશાહ જહાંગીરનું ૫૮ વર્ષની ઉંમરે મૃત્યુ થઈ ગયું. શાહજાદા શહરયારને સૌ ‘નકામા’ તરીકે ઓળખતા હતા અને શાહજાદા ખુર્રમ (પછી શાહજહાં) પર સૌની નજર હતી. પણ એ ગુજરાતમાં હતો. એ પહોંચે તે પહેલાં જહાંગીરની એક બેગમ નૂર મહલ સત્તા કબજે કરી લેવા માગતી હતી. ખુર્રમના ત્રણ પુત્રો, દારા, શૂજા અને ઔરંગઝેબ પણ એની પાસે હતા. જહાંગીરના ત્રણ ખાસ માણસોએ શહેરમાં અંધાધૂંધી ન ફેલાય તે માટે જહાંગીરના બીજા એક પુત્ર ખુશરોના પુત્ર બુલાકીને વચગાળા માટે સત્તા સોંપી. નૂર મહલની શાહી મહેલમાંથી હકાલપટ્ટી કરી અને ખુર્રમના ત્રણ પુત્રોને સંભાળી લીધા. ૧૬૨૮ની ૬ઠ્ઠી ફેબ્રુઆરીએ ખુર્રમ શાહજહાં નામ ધારણ કરીને ગાદીએ બેઠો.

૧૬૩૦નો ભયંકર દુકાળ

શાહજહાંનાં પહેલાં બે વર્ષમાં જુદા જુદા પ્રદેશો કબજે કરવાનું અને રાજ્યના વિદ્રોહીઓને દબાવવાનું ચાલુ રહ્યું. પણ ૧૬૨૯માં વરસાદ ન પડ્યો. ૧૬૩૦નું વર્ષ પણ કોરું રહ્યું. ગુજરાત ને દખ્ખણ ગોઝારા દુકાળમાં સપડાયાં. લોકો ભૂખથી ટળવળતાં હતાં પણ અનાજનો એક દાણો પણ નહોતો. ‘બાદશાહ નામા’નો લેખક અબ્દુલ હમીદ લાહોરી કહે છે કે લોકો રોટી માટે જાન લેવા કે દેવા તૈયાર હતા. (“જાને બા નાને– એટલે કે જાનના બદલામાં નાન). સ્થિતિ એટલી વણસી કે માણસ બીજાને મારીને એનું માંસ ખાવા લાગ્યો. બાળક હોય તો એને જોઈને માણસને પ્રેમ ન જાગતો પણ એના માંસ માટે લાલસા જાગતી. જ્યાં હરિયાળાં ખેતરો ઝૂમતાં હતાં ત્યાં ધૂળની ડમરીઓ ઊડતી હતી. બાદશાહે બુરહાનપુર, અમદાવાદ, સૂરત અને ઘણી જગ્યાએ લંગરો શરૂ કર્યાં. દુકાળની સૌથી ખરાબ અસર અમદાવાદમાં દેખાતી હતી. સલ્તનતે ૮૦ કરોડ રૂપિયા, એટલે કે બધી મહેસૂલી આવકમાંથી ૧૧મો ભાગ રાહત માટે ખર્ચ્યો. (સંદર્ભ૨ પૃષ્ઠ ૨૬૨૭).

તાજ મહેલ

આ દુકાળની આફત વચ્ચે શાહજહાંની આલિયા બેગમ (પટરાણી) મુમતાજ મહેલ (અર્ઝમંદ બાનુ બેગમ)નું ૧૪મા સંતાનને જન્મ આપતાં મૃત્યુ થયું. એણે બાદશાહને આઠ પુત્રો અને છ પુત્રીઓ આપી, તેમાં ત્રીજું સંતાન અને સૌથી મોટો પુત્ર દારા શિકોહ. ચોથો મહંમદ શુજા, છઠ્ઠો ઔરંગઝેબ અને દસમો મુરાદ બખ્શ હતો. બાદશાહને એ વહાલી હતી. (સંદર્ભ, પૃષ્ઠ ૨૯). શાહજાહાંને લાગ્યું કે આ દુકાળ અપશુકનિયાળ હતો અને એ જ કારણે એની બેગમનું મૃત્યુ થયું.એની યાદમાં એણે તાજમહેલ બનાવવાની શરૂઆત કરી અને લોકોની હાલત એ હતી કે કોઈ એમને પેટ ભરીને ખાવાનું આપે તો તાજ મહેલ તો શું જે માગો તે આપવા તૈયાર હતા!

આ બધાં કારણોની અસર કંપનીના વેપાર પર પણ પડી. ૧૬૧૧થી ૧૬૨૦ દરમિયાન કંપનીએ ૫૫ જહાજો મોકલ્યાં પણ તે પછીના દસકામાં ૧૬૩૦ સુધી ૪૬ અને તે પછી ૩૫ જહાજો મોકલી શકાયાં. નફો પણ પહેલા દાયકામાં ૧૫૫ ટકા હતો તે ઘટીને ૮૭ ટકા પર આવી ગયો. ૧૬૪૦ પછી માત્ર ૨૦ જહાજ આવ્યાં અને નફો ઘટીને ૧૨ ટકા જ રહ્યો. લંડનમાં કંપનીની અંદર ઘમસાણ પણ ચાલ્યું.

સૂરતમાં કંપનીના પ્રેસીડેન્ટ રાસ્ટેલ માટે પણ આ કપરો સમય હતો. એણે પારસ અને બીજાં સ્થળોએથી અનાજ, ચોખા વગેરે મંગાવવાનું શરૂ કર્યું.

નવેમ્બરમાં એક ફૅક્ટર પીટર મંડી સૂરતથી બુરહાનપુર જવા નીકળ્યો. એણે લખ્યું કે એક ગામની હાલત જોઈને આગળ વધો અને બીજે ગામ પહોંચો તો ત્યાં વધારે ખરાબ હાલત જોવા મળે. આખા રસ્તે સડતી લાશોની ગંધ ફેલાયેલી હતી. એ દોઢસો વણકરો અને કસબીઓને લઈને નીકળ્યો હતો પણ રસ્તામાં ગામો ખાલી થતાં હતાં અને જેટલા વણકર મળ્યા તે જોડાઈ જતા. આખી વણઝાર બુરહાનપુર પહોંચી ત્યારે પેટનો ખાડો પૂરવાની આશાએ સંખ્યા ૧૭૦૦ પર પહોંચી હતી. સૂરત પાસેના સુવાલીમાં અઢીસોથી વધારે કુટુંબો હતાં તેમાંથી માત્ર દસ-બાર મરવા વાંકે જીવતાં હતાં.

સૂરતમાંથી દરરોજ ૧૫ ગાંસડી કાપડ મળતું તેને બદલે મહિનામાં ૩ ગાંસડી રહી ગયું અમદાવાદ મહિને ૩૦૦૦ ગાંસડી ગળી આપતું તે ઘટીને માત્ર ૩૦૦ ગાંસડી જ રહ્યું. એકલા સૂરતમાં ૩૦ હજાર મોત થયાં. કંપનીની ફૅક્ટરીમાં ૨૧માંથી ૧૪ ફૅક્ટર મોત ભેગા થઈ ગયા હતા અને ખુદ પ્રેસીડેન્ટ રાસ્ટેલ પણ એમાં જ મરાયો. પીટર મંડી ૧૬૩૩માં સૂરત પાછો આવ્યો ત્યારે એણે લખ્યું કે સૂરતને બેઠા થતાં વીસ વર્ષ લાગી જશે.

સૂરતનો પડતીનો લાભ કંપનીની કોરોમંડલ અને મલબારને કાંઠે આવેલી ફૅક્ટરીઓને મળ્યો અને એમણે પહેલી વાર બંગાળમાં પ્રવેશ કર્યો. સિંધના લાહિરીબંદરમાં પણ એક ફૅક્ટરી શરૂ થઈ ગઈ. આ બાજુ રાસ્ટેલના મૃત્યુ પછી મૅથવૉલ્ડ સૂરતના પ્રેસીડેન્ટ તરીકે આવ્યો. પરંતુ સ્થિતિ એવી હતી કે સૂરતની ફૅક્ટરીને અધીન ચાલતી ભરૂચ, વડોદરા, ખંભાત અને અમદાવાદની ફૅક્ટરીઓ બંધ કરવી પડી. આ સંયોગોમાં કંપનીએ પોર્ટુગલની કંપની સાથે સમજૂતી કરવામાં શાણપણ માન્યું. ૧૬૩૫માં બન્ને વચ્ચે ગોવામાં કરાર થયા ત્યારે તો સ્થિતિ બહુ સુધરવા લાગી હતી. ૩૦ વર્ષ પછી લંડનની કંપનીના એજન્ટો સૂરતમાં પોર્ચુગીઝોના ડર વિના વેપાર કરી શક્યા.

૦-૦-૦

મુખ્ય સંદર્ભઃ

1. The Honourable Company: A History of the English East India Company by John Keay Harper Collins Publishers EPub Edition © JUNE 2010 ISBN: 978-0-007-39554-5 Copyright © John Keay 1991.(ઇંટરનેટ પર ઉપલબ્ધ)

2. BADSHAH-NAMA OF ABDU-L HAMID LAHORI “SHAH JAHAN” The original of this book is in the Cornell University Library. (ઇંટરનેટ પર ઉપલબ્ધ)


ઇંટરનેટ પરથી બીજીયે પૂરક સામગ્રી અને ફોટા લીધા છે જેના સંદર્ભ યોગ્ય સ્થાને મૂળ લેખમાં જ આપેલા છે. આ લેખ વ્યવસાયિક હેતુ માટે નથી અને સંદર્ભમાં દર્શાવેલાં પુસ્તકો અથવા ઇંટરનેટ પરથી લીધેલી માહિતીનો ઉપયોગ પણ વ્યાવસાયિક હેતુઓ માટે નથી કર્યો.


 

India: Slavery and struggle for freedom :: Part – 1: Slavery :: Chapter – 7

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૧: ગુલામી

પ્રકરણ ૭: થોમસ રો

૧૬૧૫માં રાજા જેમ્સે સર થોમસ રોને રાજદૂત તરીકે કંપનીને ખર્ચે મોકલ્યો. રોને વેપાર સાથે કંઈ સંબંધ નહોતો. એ ડિપ્લોમૅટ હતો, પાર્લમેન્ટનો પણ સભ્ય હતો. એ પોતાની યોગ્યતા વિશે બહુ સજાગ હતો. કંપનીએ એનો વાર્ષિક પગાર ૬૦૦ પૌંડ નક્કી કર્યો હતો. રોએ આ નીમણૂક સ્વીકારી તેનું કારણ એ હતું કે એ નાણાકીય ભીડમાં હતો અને ખાનગી રીતે એણે લગ્ન પણ કરી લીધાં હતાં. આ મુત્સદીગીરીનું કામ મળ્યું તે એના માટે એ ઈશ્વરકૃપા જેવું હતું. વળી રાજપુરુષ તરીકે કંઈક કરી દેખાડવાની એની મહેચ્છા પણ હતી. કંપની એના માણસોના ખાધાખોરાકીનો ખર્ચ પણ ભોગવવા તૈયાર હતી પણ શરત એક જ હતી કે એ પોતાનો વેપાર નહીં કરે અને કંપનીના વેપારમાં ફૅક્ટરોના કામકાજમાં માથું નહીં મારે. એ તૈયાર થઈ ગયો. એને વેપારમાં રસ પણ નહોતો અને પોતાને વિચક્ષણ રાજપુરુષ જ માનતો હતો.

હૉકિન્સ સાથે છેલ્લે જે વ્યવહાર થયો તે પછી મુકર્રબ ખાનને તો બદલી નાખ્યો હતો અને સૂરત હવે શાહજાદા ખુર્રમના વહીવટમાં હતું. એ બાદશાહને વહાલો હતો અને જહાંગીરના ઉત્તરાધિકારી તરીકે એ જ શાહજહાં નામ ધારણ કરીને ગાદીએ બેઠો.

હૉકિન્સ પછી જેટલા અંગ્રેજ પ્રતિનિધિઓ આવ્યા એમણે પોતાને રાજાના પ્રતિનિધિ ગણાવ્યા હતા અને પોતાનું માન જાળવ્યું નહોતું. એમાં એક ઍડવર્ડને તો મારીને કાઢી મૂક્યો હતો આમ બદલાયેલા સંયોગોમાં, મહત્ત્વાકાંક્ષાઓથી ભરેલો ૩૪ વર્ષનો યુવાન સર થોમસ રો જ્યારે સૂરતને કાંઠે ઊતર્યો ત્યારે મોગલ હાકેમને મન તો એ કશી વિસાતમાં નહોતો. રો મળવા ગયો ત્યારે હાકેમ બેઠો જ રહ્યો અને એને કસ્ટમની તપાસ, એની અંગતપાસ માટે કહ્યું. ત્યારે રો પોતાના બીજા કર્મચારીઓ સાથે તરત જહાજમાં જ પાછો પહોંચી જવા તૈયાર થઈ ગયો.

(એ વખતની અંગ્રેજી ભાષા વાંચવા માટે કેટલીક બાબતો જાણવી જરૂરી છે. જ્યાં શબ્દની વચ્ચે u જોવા મળે તેને v માનવો પણ જે શબ્દ u થી શરૂ થતો હશે ત્યાં u ને બદલે v હશે. બીજા શબ્દોના સ્પેલિંગ જુદા હશે પણ એ જ પ્રકારે ઉચ્ચાર કરવાથી આજે એ કેમ લખાય છે તે સમજી શકાશે).

એણે પાછળથી લખ્યું કે “હિન્દુસ્તાનીઓ મારી કદર કરવાનું જાણતા નથી (not sufficiently understand the rights belonging to my qualitye) અને મારા રાજાનું અપમાન કર્યું છે.”

થોમસ રોને પોતાના માટે બહુ ઘમંડ હતો. કંપની આમ તો ‘પોતાના જેવા’ માણસોને મોકલતી હતી પણ રો ‘એમનાથી’ જુદો હતો. એ વેપારીઓ કે એવા બીજા વર્ગના લોકોને કંઈ સમજતો નહોતો. હિંદુસ્તાનને પણ એ નીચી નજરે જોતો હતો.

એ પોતે જો કે જહાંગીરે આપેલા સન્માનથી બહુ પ્રભાવિત થયો હતો. એણે રાજદૂત તરીકે પોતાના અધિકારપત્રો રજૂ કર્યા ત્યારે જહાંગીરે એના પ્રત્યે અંગત ભાવ દેખાડ્યો. એના જ શબ્દોમાં વાંચીએઃ

અહીં એ કહે છે કે બાદશાહે તુર્કી, ફારસ કે બીજા કોઈ દેશના રાજદૂતને ન આપ્યું હોય એટલું એને માન આપ્યું. જહાંગીરે એની તબીયતના સમાચાર પણ પૂછ્યા અને પોતાનો Phisition (Physician) પણ મોકલવાની તૈયારી દેખાડી. બીજી જગ્યાએ પણ એ લખે છે કે જહાંગીરે એને જોતાંવેંત જ બોલાવી લીધો અને કહ્યું કે એણે નજીક આવવા માટે પરવાનગી લેવાની જરૂર નથી! (સંદર્ભ ૨- પૃષ્ઠ ૧૧૫).

એ જ નોંધમાં એ આગળ કહે છે કે, એ જહાંગીરને મળવા આવ્યો તે પહેલાં Amadauas/Amdavaz (અમદાવાદ)માં એણે કેટલાક અંગ્રેજોને કેદ પકડાયેલા જોયા હતા. એ બાદશાહ પાસે ફરિયાદ કરે છે. બાદશાહ ઘટતું કરવાની ખાતરી આપે છે.

સૂરત શહેરની બાંધણીથી એ પ્રભાવિત છેઃ

૧૭મી જાન્યુઆરી ૧૬૧૫ના લૉર્ડ કેરી (Lord Carew) પરના પત્રમાં એની તુમાખી દેખાઈ આવે છે.એને લંડન પાછા જવું છે. એ લખે છે કે

હિંદુસ્તાન મેં જોયેલાં સ્થાનોમાં સૌથી વધારે નિર્જીવ અને અધમાધમ સ્થાન છે, જેના વિશે બોલતાં પણ મને કંટાળો આવે છે.” જો કે, ખરેખર છોડવાનું આવ્યું ત્યારે એણે કંપનીને લખ્યું કે “મારી qualityeને કારણે કાં તો તમારા દુશ્મનો પેદાથાય છે અથવા તમને વેઠવું પડે છે. તમારું કામ તો વરસના એક હજાર રૂપિયામાં કોઈ વકીલ રાખશો તે દસ રાજદૂતો વધારે સારી પેઠે કરી લેશે.”

મોગલ સત્તાના અધિકારીઓ માટે એનો અભિપ્રાય હતો કે જે લોકો નમતું જોખે એમના પર ફતેહ કરે પણ એમની સામે થાઓ તો નરમ ઘેંસ જેવા બની જાય. આવાં ઉચ્ચારણોમાંથી ભવિષ્યમાં અંગ્રેજી શાસકો કેવા ઉદ્દંડ અને ઘમંડી હોઈ શકે તેનો પહેલો અણસાર મળે છે.

પરંતુ એના ઘમંડના છાંટા માત્ર ભારતને જ નથી ઊડ્યા. એ અંગ્રેજી વેપારીઓ, એજન્ટો અને જહાજોના કાફલાના માણસોને પણ તુચ્છકારથી જોતો હતો. એ જ્યારે જહાંગીરને મળ્યો ત્યારે હિંદુસ્તાનમાં કામ કરતા કંપનીના માણસોની ઢગલાબંધ ફરિયાદો લઈને ગયો. પરંતુ એને એમાં ફૅક્ટરોનો વાંક દેખાતો હતો.

એણે જે વેપાર કરારનો દસ્તાવેજ જહાંગીર સમક્ષ રજૂ કર્યો તે માત્ર ઇંગ્લૅંડના પક્ષમાં એકતરફી હતો. જહાંગીર એની રીતભાતથી પ્રભાવિત થયો પણ એણે કરાર કરવા અંગે જરાયે ગંભીરતા ન દેખાડી.

થોમસ રો ત્રણ વર્ષ જહાંગીરના દરબારમાં રહ્યો પણ હૉકિન્સ વગેરે એના પહેલાં આવી ગયેલા કંપનીના કહેવાતા દૂતો જહાંગીરના મિત્ર અને અંગત વિશ્વાસુ બની ગયા હતા એવું એણે કંઈ ન કર્યું. એણે બાદશાહથી અંતર રાખ્યું અને એની કારકિર્દીનાં ત્રણ વર્ષ દરમિયાન એ રાજદુત તરીકે જ વર્તન કરતો રહ્યો. પરંતુ વેપારની વાત હોય તો જહાંગીરે એને જરાયે કોઠું ન આપ્યું. એ ખાલી હાથે જ પાછો ફર્યો.

રાજદૂત મોકલવાનો નિર્ણય સફળ ન રહ્યો, અને તે એટલે સુધી કે થોમસ રો પાછો ગયો તે પછી ઈસ્ટ ઇંડિયા કંપનીએ કે રાજાએ, અથવા બીજી બાજુ મોગલ બાદશાહે પણ બીજા રાજદૂત માટે પેરવી ન કરી.

એની કારકિર્દીને મૂલવવી હોય તો આ પૂરતું છે.

 

મુખ્ય સંદર્ભઃ

1. The Honourable Company: A History of the English East India Company by John Keay Harper Collins Publishers EPub Edition © JUNE 2010 ISBN: 978-0-007-39554-5 Copyright © John Keay 1991.(ઇંટરનેટ પર ઉપલબ્ધ)
2. The Embassy of Sir Thomas Roe to the Court of the Great Mogul 1615-1619 as narrated in his journal and correspondence. Edited from contemporary Records by William Foster. (ઇંટરનેટ પર ઉપલબ્ધ)


ઇંટરનેટ પરથી બીજીયે પૂરક સામગ્રી અને ફોટા લીધા છે જેના સંદર્ભ યોગ્ય સ્થાને મૂળ લેખમાં જ આપેલા છે. આ લેખ વ્યવસાયિક હેતુ માટે નથી અને સંદર્ભમાં દર્શાવેલાં પુસ્તકો અથવા ઇંટરનેટ પરથી લીધેલી માહિતીનો ઉપયોગ પણ વ્યાવસાયિક હેતુઓ માટે નથી કર્યો.


 

India: Slavery and struggle for freedom : Part 1: Slavery Chapter 5

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

:: ભાગ ૧: ગુલામી ::

પ્રકરણ ૫: દક્ષિણમાં કોરોમંડલ કાંઠે અને મદ્રાસમાં

૧૬૧૧માં કોરોમંડલ કાંઠે એટલે કે આંધ્રપ્રદેશ, તમિળનાડુ અને પોંડીચેરી (હવે પુદુચ્ચરિ)ના કાંઠે એમનું પહેલું જહાજ લાગર્યું. અને કોરોમંડલ નામ મૂળ તો ચોલવંશના રાજાઓને કારણે ‘ચોલમંડલ’ પરથી અથવા પળાવેરકાડુ (ડચ ઉચ્ચાર ‘પુલિકેટ’) સરોવરની ઉત્તરે શ્રીહરિકોટા ટાપુ પરના ગામ ‘કારિમનાલ’ પરથી પડ્યું હોવું જોઈએ, કારણ કે ત્યાં ડચ ઈસ્ટ ઇંડિયા કંપનીનું વેપાર મથક હતું. ડચ લોકો આ મથકને ‘પુલિકેટ મથક’ તરીકે ઓળખતા. (વિકીપીડિયા). અહીં એમણે એક ફૅક્ટર (અધિકારી કે એજન્ટ) પણ નીમ્યો.

કોરોમંડલમાં પણ વેપાર કરવાનું સહેલું નહોતું. પરંતુ એમના ફૅક્ટરો કામ કરતા હતા. એ ગોલકોંડા (પછી એ હૈદરાબાદ બન્યું) રાજ્યમાં ઈસ્ટ ઇંડિયા કંપનીએ ચીન અને સિયામમાં ખરીદેલો માલ વેચીને એના બદલામાં ભારતીય કાપડ ભરતા જતા હતા. આમાંથી કંપનીને લંડનમાં સારો એવો નફો થયો. બીજી બાજુ જાપાનમાં શોગૂને વેપારનો પરવાનો તાજો કરવાનો ઇનકાર કરી દીધો અને ઇંડીઝમાં બૅન્ટમના રાજાએ કંપનીનો હિસાબ તપાસવાનું શરૂ કરી દીધું હતું, આ બાજુ, ભારતમાં એમનો રસ વધતો જતો હતો. આથી એમણે ગોલકોંડામાં મસૂલીપટ્ટનમ (મચિલિપટનમ) અને પેટાપોલી (પેડ્ડપળ્ળી અને પછી નિઝામપટનમ)માં ઑફિસો બનાવી. જો કે, એમની નજરે મચિલિપટનમમાં બનાવેલી ઑફિસની સલામતીની સ્થિતિ સારી નહોતી. ઊંચી દીવાલો પણ નહોતી. એની સરખામણીમાં એમને પુલિકેટનું મથક પસંદ હતું કારણ કે ત્યાં પાકા કોટમાં વસવાની તક હતી. પણ ત્યાં ગયા પછી એમને સમજાયું કે એમને હજી કિલ્લાની અંદર રહેવાની પરવાનગી નહોતી મળી અને કિલ્લો તો ડચ કંપની માટે બંધાતો હતો. એમાં રહીને વેપાર કરવો હોય તો કિલ્લો બનાવવાનો અમુક ખર્ચ પણ એમણે ભોગવવાનો હતો!

અંતે એમણે ૧૬૨૬માં ફરી જગ્યા બદલી અને આ વખતે ‘આર્માગોન’ ગામ પસંદ કર્યું (મૂળ નામ હતું દુર્ગરાજપટનમ – દુગારાજપટમ – દુરાસપટમ). અહીં પહેલી વાર કંપનીની તોપો જહાજ છોડીને જમીન પર ઊતરી અને ફૅક્ટરીની કિલ્લેબંધી કરવામાં આવી. આ પછીનાં એમનાં વર્ષો મચિલિપટનમ પાછા ફરવામાં દુકાળો, ડચ કંપનીની હરીફાઈ અને ગોલકોંડા રાજ્ય અને એના પાડોશીઓ વચ્ચેની લડાઈઓમાં જ વીત્યો.

૧૬૩૩-૩૪માં કંપનીએ એમના ફૅક્ટરોને ઑડિશા મોકલ્યા. એમનું કામ હરિહરપુરા અને બાલાસોરમાં એજન્સીઓ શરૂ કરવા માટે ત્યાંના મોગલ હાકેમની પરવાનગી માગવાની હતી. બાલાસોર હુગલીની પશ્ચિમે છે. ત્યાંથી એમણે બંગાળમાંથી કોરોમંડલ કાંઠાનીની ફૅક્ટરીઓ માટે ચોખા, ખાંડ અને બીજી વસ્તુઓ ખરીદવાનું શરૂ કર્યું.

કંપનીના કારોબારનો વિસ્તાર આમ ફેલાવા લાગ્યો હતો ત્યારે આર્માગોનની ફૅક્ટરીનો એજન્ટ ફ્રાન્સિસ ડે ૧૬૩૯માં કોરોમંડલ કાંઠેથી દક્ષિણમાં ગયો અને ત્યાં એક ટાપુ પર ઊતર્યો. ટાપુ ત્રણેક માઇલનો હતો. ત્યાં એણે સ્થાનિકના નાયક સાથે ત્યાં કંપની માટે કિલ્લો બનાવવા માટે જમીનનો સોદો કર્યો. એને આ ટાપુનું નામ શું તે ખબર નહોતી. પણ નાયકે નામ કહ્યું – મદ્રાસપટનમ!

આ જગ્યા એણે કેમ પસંદ કરી તે એ વખતમાં પણ વિસ્મયનો વિષય હતો કારણ કે એ ખુલ્લો ટાપુ હતો અને હિંદુસ્તાનના પૂર્વી કાંઠે વહાણવટા માટે જરાય યોગ્ય નહોતો. વળી પોર્ચુગીઝોનો કિલ્લો માત્ર પાંચ-દસ મિનિટ દૂર હતો. પરંતુ એક વાયકા એવી હતી કે ફ્રાન્સિસ ડે માટે આ જગ્યા અનુકૂળ હતી કારણ કે એની ‘mistris’ નજીકના ટાપુ ‘સાન થોમ’ પર જ રહેતી હતી! એને મળવાનું આ ટાપુ પરથી સહેલું બનતું હતું! કિલ્લાના બાંધકામ માટે ત્રણ હજાર પૌંડનો ખર્ચ થયો અને બંધાતાં ચૌદ વર્ષ લાગ્યાં. તે દરમિયાન, લંડનમાં કંપનીના ડાયરેક્ટરો એક એક પૌંડ મંજૂર કરવામાં જબ્બર કંજૂસાઈ કરતા હતા. પરંતુ, એક નોંધવા જેવી એ વાત બની કે કિલ્લો બનવાનું શરૂ થતાં જ કિલ્લાની દીવાલની બહાર વણકરો, દરજીઓ, માળીઓ, વેશ્યાઓ, શરાફોનાં ૩૦૦-૪૦૦ કુટુંબોએ ‘સાન થોમ’થી આવીને વસવાની શરૂઆત કરી દીધી હતી.

બહુ જલદી ‘મદ્રાસપટનમ’ નામ ટૂંકું થઈ ગયું અને કંપનીના માણસો એને ‘મદ્રાસ’ કહેવા લાગ્યા. કિલ્લાને નામ આપ્યું ફૉર્ટ સેન્ટ જ્યૉર્જ. ૧૬૪૦માં આર્માગોનની ફૅક્ટરી ફૉર્ટ સેન્ટ જ્યૉર્જમાં આવી ગઈ. આમ મદ્રાસ પ્રેસિડન્સીનો જન્મ થયો.

૧૭મી સદીમાં ‘ઇંડિયા’ અને ઇંડીઝ’ વચ્ચે કંપની કંઈ અંતર જોતી નહોતી. એની નજરે મસાલાના ટાપુઓ ‘ઇંડિયા’માં હોય કે ગોવા ‘ઇંડીઝ’માં હોય, ‘ઇંડિયા’ની કોઈ રાજકીય એકીકૃત ઓળખ નહોતી. કંપનીનાં જહાજો માત્ર સાગરકાંઠો જોતાં હતાં. એ બધા વેપારના વિસ્તારો હતા – ભારતની પૂર્વમાં કોરોમંડલનો કાંઠો, (આંધ્ર પ્રદેશ, તમિળનાડુ અને પોંડીચેરી) પશ્ચિમમાં મલબારનો કાંઠો, (કેરળ) બંગાળના ઉપસાગરમાં કલકતા (અને આખું બંગાળ), ખંભાતનો અખાત (સૂરત), અરબી સમુદ્ર (મુંબઈ). બધા પ્રદેશો એકબીજાથી વેપારની જણસમાં અને બોલચાલ અને વ્યવહારમાં પણ જુદા પડતા હતા. સ્થાનિકના રાજાઓની એ પ્રદેશમાં મરજી ચાલતી. કોરોમંડલના કાંઠેથી જાકાર્તા સાથે સંપર્ક થઈ શકતો. કંપનીએ ઍડન જવું કે સૂરત, એ વિચાર્યા પછી. સૂરત પસંદ કર્યું કારણ કેએમણે ગુજરાતી જહાજોને જાવા અને સુમાત્રામાં કાપડ લઈને આવતાં જોયાં હતાં. આ જહાજો વળતી ખેપમાં તેજાના લાદીને જતાં. કંપનીના ડાયરેક્ટરોમાં મોટા ભાગના પહેલાં લેવાન્ત (સીરિયા,તુર્કી, ગ્રીસ વગેરે)ની કંપનીમાં હતા. એમણે રાતા સમુદ્રનાં બંદરોએ આવેલાં સૂરતનાં જહાજોનો માલ લઈ જતી ઊંટોની વણઝાર દમાસ્કસમાં પણ જોઈ હતી.

આ વર્ષોમાં કંપનીના માણસોને દેશની અંદર તરફ જોવાની ફુરસદ નહોતી. બધું ધ્યાન સમુદ્ર ઉપર કઈ દિશામાં પવન વાય છે અને ક્યાં જવા માટે સારું હવામાન છે તેના પર જ રહેતું. કંપનીનાં જહાજો પર શસ્ત્રસરંજામ રહેતો તે પણ ચાંચિયાઓ કે ડચ અને પોર્ચુગીઝો સાથે અથડામણ થાય ત્યારે કામમાં લેવા માટે હતાં. જમીન પર તો પહેલી વાર એમનો શસ્ત્રસરંજામ આર્માગોનમાં ઊતર્યો. સ્થાનિકના લોકોમાં માત્ર વેપારીઓ સાથે એમનો સંપર્ક હતો, શસ્ત્રોનું કામ નહોતું. પરંતુ, ભારતના નક્શા પર આપણે એમનાં વેપારી સંસ્થાનોની જગ્યાઓ જોઈએ તો સમજાય કે ઈસ્ટ ઇંડિયા કંપનીનો ઉદ્દેશ ન હોય તો પણ આ કેન્દ્રોએ બ્રિટિશ રાજ સ્થાપવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. પણ હજી આપણે સર થોમસ રોને મળવાનું છે અને ત્યાંથી ફરી સૂરત જવાનું છે, વર્ષ હશે : ૧૬૧૫.

0-0-0

મુખ્ય સંદર્ભઃ

The Honourable Company: A History of the English East India Company by John Keay /Harper Collins Publishers EPub Edition © JUNE 2010 /
ISBN: 978-0-007-39554-5 /Copyright © John Keay 1991.

(ઇંટરનેટ પર ઉપલબ્ધ)


ઇંટરનેટ પરથી બીજીયે પૂરક સામગ્રી અને ફોટા લીધા છે જેના સંદર્ભ યોગ્ય સ્થાને મૂળ લેખમાં જ આપેલા છે. આ લેખ વ્યવસાયિક હેતુ માટે નથી અને સંદર્ભમાં દર્શાવેલાં પુસ્તકો અથવા ઇંટરનેટ પરથી લીધેલી માહિતીનો ઉપયોગ પણ વ્યાવસાયિક હેતુઓ માટે નથી કર્યો.


India: Slavery and struggle for freedom : Part 1: Slavery Chapter 4

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

:: ભાગ ૧: ગુલામી ::

પ્રકરણ ૪:  કંપની સૂરતમાં – વિલિયમ હૉકિન્સ

૧૬૦૩ પછી ૧૬૦૭ સુધી સાત ખેપ થઈ પરંતુ તે પછી, સદીનાં બાકીનાં વર્ષો લંડનની ઈસ્ટ ઇંડિયા કંપની માટે ઇંડોનેશિયામાં લગભગ ખરાબ રહ્યાં. આ દરમિયાન ડચ કંપની સાથે લડાઈઓ થઈ. જો કે, ઇંગ્લૅન્ડના રાજા અને હૉલૅન્ડ વચ્ચે સંધિ થઈ ગઈ હતી પરંતુ બાંદાના ટાપુઓ પર આ સમાચાર પહોંચ્યા નહીં એટલે લડાઈઓ ચાલુ રહી; મોટા ભાગની લડાઈઓ તો સંધિ થયા પછી જ થઈ અને એમાં ડચ કંપનીએ લંડનની કંપનીના કેદ પકડાયેલા માણસો પર ગોઝારા અત્યાચારો કરીને મોતની સજાઓ પણ કરી. આમ આખી સત્તરમી સદી દરમિયાન પણ લંડનની કંપની તેજાનાના વેપારમાં પોતાનું વર્ચસ્વ જમાવી ન શકી, એટલું જ નહીં, છેક ૧૬૬૫માં પુલાઉ રુન પર ફરી કબજો કરવાનું કંપનીએ નક્કી કર્યું ત્યારે ટાપુ નિર્જન બની ગયો હતો અને જાયફળનાં ઝાડોનું નામ નહોતું રહ્યું.

બીજી સમસ્યા એ હતી કે ઈસ્ટ ઇંડિયા કંપની આયાત કરતી હતી, જ્યારે મૉસ્કો અને લેવાન્તની કંપનીઓ નિકાસ કરતી હતી. આથી, કંપનીએ સોનાનું રોકાણ મોટે પાયે કરવું પડતું હતું. શેરહોલ્ડરોની  માગણી હતી કે કંપનીનાં જહાજોએ સફરનો ખર્ચ કાઢવા ઇંગ્લૅન્ડમાં બનતું ગરમ કાપડ પણ વેચવા લઈ જવું જોઈએ. લૅંકેસ્ટરે પણ આ પહેલાં જ સાટાના વેપારમાં જોયું હતું કે એશિયામાં ભારતીય કાપડની બહુ માંગ હતી અને ભારતીય કાપડ રૂપે કિંમત ચૂકવી શકાય એમ હતું. આથી કંપનીએ વિચાર્યું કે સૂરત જવું જોઈએ કે જેથી સોનું બચાવી શકાય અને જાપાન કે સિયામ (થાઈલૅન્ડ)માં સોનાને બદલે ભારતીય કાપડથી કામ ચાલી જાય. જાપાનમાં ગરમ કપડાંની બહુ માંગ હોવાથી કંપનીને લાગ્યું કે જાપાનમાં ગરમ કાપડ વેચીએ, ત્યાંથી ચાંદી મળે તે જાવા અને મસાલાના બીજા ટાપુઓમાં ખર્ચીએ અને ત્યાંથી મસાલા લઈ આવીએ.

૧૬૧૧માં કંપનીએ જ્‍હૉન સારિસને જાપાનની સફરે મોકલ્યો. સારિસે જાપાન પહોંચવા માટે ગોવાના આર્ચબિશપે ગુપ્ત રીતે બનાવેલા નક્શાઓનો ઉપયોગ કર્યો. કંપનીના મસાલાના વેપારમાં આ નક્શાઓની ભૂમિકા બહુ મહત્ત્વની રહી. જાપાનમાં જહાજ પહોંચતાં જ એના પર એવી ભીડ જામી કે પગ મૂકવાની જગ્યા ન મળે. દરેક જણ કંઈક વેચવા માગતો હતો. કંપનીને તો દલ્લો હાથ લાગી ગયો અઢળક સામાન ભેગો થઈ ગયો. પરંતુ ઇંગ્લૅન્ડનું ગરમ કાપડ ખરીદવા માટે બહુ માંગ નહોતી. સારિસે પોતાના રિપોર્ટમાં લખ્યું કે લોકો ગરમ કપડાં ખરીદવા તૈયાર ન થયા, કારણ કે જહાજના માણસો પોતે તો એ કપડાં પહેરતા નહોતા! પરંતુ હૉલૅન્ડની કંપનીએ પોતાનો માલ પાણીના ભાવે બજારમાં ભરી દેતાં ત્યાં પણ લંડનની કંપનીનો ગજ બહુ વાગ્યો નહીં. સિયામ (થાઈલૅન્ડ)માં પણ ઈસ્ટ ઇંડિયા કંપનીએ પોતાની બે ઑફિસો શરૂ કરી હતી. ત્યાં પણ શરૂઆતમાં સિયામના રાજાને ચીન સામે હરીફાઈ કરે તેવા લોકો જોતા હતા, પણ એવું માત્ર શરૂઆતમાં જ રહ્યું પછી બધું ઠંડું પડી ગયું.

૧૬૦૮ની ૨૮મી ઑગસ્ટે હૅક્ટર જહાજ સૂરતને કાંઠે લાંગર્યું અને એનો કપ્તાન વિલિયમ હૉકિન્સ પોતાના સાથી અને ઉપકપ્તાન વિલિયમ ફિન્ચ

By Walters Art Museum:

સાથે કાંઠે ઊતર્યો ત્યારે ઈસ્ટ ઇંડિયા કંપનીનો ભાર (ફિન્ચની ડાયરીમાં – Mocareb Chan) માત્ર એમનાં જહાજની નહીં, એમની અંગત ઝડતી પણ લેતો અને ખિસ્સાં ખાલી કરાવી લેતો. જહાજમાં જે માલ હોય તેને પોતાનો ગણીને ઉપાડી જતો અને એમને દંડની બીક દેખાડીને ઉપરથી પૈસા પણ પડાવતો. ફિન્ચ એની ડાયરીમાં આ નામોશીનું વર્ણન કરતાં મકર્રબ ખાન માટે Dogge (Dog) શબ્દ વાપરે છે! વળી હૉકિન્સ કંઈ અરજી કે ફરિયાદ કરવા માગતો હોય તો એનો જવાબ પોતે આપવાને બદલે હજાર કિલોમીટર દૂર આગરા મોકલાવી આપતો!

પોર્ચુગીઝો સૂરતમાં સોએક વર્ષથી વેપાર કરતા હતા અને કોઈને ઘૂસવા દેતા નહોતા. આ બે દુશ્મનો સામે ઝઝૂમતો હૉકિન્સ ૧૬૦૯માં આગરા જવા નીકળ્યો ત્યારે પોર્ચુગીઝોના હુમલામાંથી માંડ માંડ બચ્યો. પરંતુ, આગરા પહોંચ્યો અને બાદશાહને મળ્યો તે સાથે જ ચિત્ર તદ્દન પલટાઈ ગયું, જહાંગીરે એને ઇંગ્લૅન્ડના રાજા જેમ્સના ‘Embassador’ (જૂનો સ્પેલિંગ) તરીકે સન્માન્યો. કંપનીને સૂરતમાં વેપાર માટેની ઑફિસ બનાવવાની પરવાનગી મળી એટલું જ નહીં, જહાંગીરે એને ‘ખાન’નું બિરુદ આપ્યું અને વાર્ષિક ૩૨૦૦ પૌંડનો પગાર બાંધી આપ્યો. જહાંગીર અને હૉકિન્સ વચ્ચે અંગત મિત્રતા પણ બની, તે એટલે સુધી કે જહાંગીરે પોતાની બાંદીઓમાંથી એક આર્મેનિયન ખ્રિસ્તી છોકરીને હૉકિન્સ વેરે પરણાવી દીધી.

પરંતુ મધ્ય આકાશે ચડેલા સૂર્યને નીચે તો ઢળવું જ પડે છે! સમાચાર મળ્યા કે કંપનીનું બીજું જહાજ ‘ઍસેન્સન’ ( Ascension) પણ સૂરત આવતું હતું પણ તોફાનમાં એ તૂટી પડ્યું હતું. જહાંગીરે હૉકિન્સ ખાતર એના સમારકામ માટે સગવડ આપી. પરંતુ બાદશાહ એક ખ્રિસ્તીની આટલી કાળજી લેતો હતો તે બીજાઓને ખૂંચ્યું. બાદશાહે મકર્રબ ખાનને  હૉકિન્સનો માલ પચાવી પાડવાની સજા તરીકે નીચી પાયરીએ ઉતારી મૂક્યો હતો અને એને માલ પાછો આપવાની ફરજ પાડી હતી. પણ મકર્રબ ખાને એક ચાલ ચાલી. એણે માલની કિંમત ઓછી આંકી. હૉકિન્સ એ સ્વીકારવા તૈયાર ન થયો એટલે બાદશાહના હુકમનો અનાદર કરવાનું એના પર આળ આવ્યું. બીજી બાજુ તૂટી પડેલા ‘ઍસેન્સન’ જહાજના એક નાવિકે તાડી અને દ્રાક્ષનો દારુ પીને એક વાછરડાની કતલ કરી. આથી સૂરતના બ્રાહ્મણો છંછેડાયા અને મારવા માટે એકઠા થયા. પણ એના સાથીઓએ જ એ માણસને મારીને અધમૂઓ કરી નાખ્યો અને સ્થિતિ સંભાળી લીધી. ફિન્ચ લખે છે કે અહીં માણસને મારવા કરતાં ગાયને મારવી એ મોટો અપરાધ છે.

આવી ઘટનાઓને કારણે આગરામાં વિલિયમ હૉકિન્સે જ્યારે પાછા જવાની વાત કરી ત્યારે જહાંગીરે એને રોકવાનો કોઈ પ્રયત્ન ન કર્યો. ૧૬૧૧માં કંપનીની આબરુને ધક્કો લાગી ચૂક્યો હતો. સ્થિતિ સુધરવામાં બીજાં ચાર વર્ષ લાગવાનાં હતાં.

 

 મુખ્ય સંદર્ભઃ

The Honourable Company: A History of the English East India Company by John Keay
Harper Collins Publishers / EPub Edition © JUNE 2010 / ISBN: 978-0-007-39554-5 /
Copyright © John Keay 1991.(ઇંટરનેટ પર ઉપલબ્ધ)


ઇંટરનેટ પરથી બીજીયે પૂરક સામગ્રી અને ફોટા લીધા છે જેના સંદર્ભ યોગ્ય સ્થાને મૂળ લેખમાં જ આપેલા છે. આ લેખ વ્યવસાયિક હેતુ માટે નથી અને સંદર્ભમાં દર્શાવેલાં પુસ્તકો અથવા ઇંટરનેટ પરથી લીધેલી માહિતીનો ઉપયોગ પણ વ્યાવસાયિક હેતુઓ માટે નથી કર્યો.


India: Slavery and struggle for freedom : Part 1: Slavery Chapter 2

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

:: ભાગ ૧: ગુલામી ::

પ્રકરણ ૨:  વેપારનું આકર્ષણ

ઈસ્ટ ઇંડિયા કંપનીની સ્થાપના પણ વેપારમાં આંતરરાષ્ટ્રીય હરીફાઈને કારણે જ થઈ. એનો મૂળ હેતુ સંસ્થાનો બનાવવાનો નહોતો. મૂળ તો પૂર્વના દેશોમાંથી મસાલા ખરીદીને ખૂબ ઊંચા ભાવે યુરોપમાં વેચવાનો હતો. ઈસ્ટ ઇંડિયા કંપની પણ માત્ર ઇંગ્લૅન્ડની નહોતી; હૉલૅન્ડ અને પોર્ટુગલની કંપનીઓ પણ એ જ નામે ઓળખાતી હતી. બધી કંપનીઓ ખરેખર તો ‘ઈસ્ટ ઇંડીઝ’ (ઇંડોનેશિયા)માં વેપાર કરવા માગતી હતી. દુનિયામાં ફરીને વેપાર કરવા માટે એમની પાસે મોટાં જહાજો હતાં.

ઇંગ્લૅન્ડની ઈસ્ટ ઇંડિયા કંપની ૧૬૦૩માં ઇંડોનેશિયાના બાંદા ટાપુ પર પહોંચી અને પુલાઉ રુનમાં સ્થાયી થવા લાગી હતી ત્યારે હૉલૅન્ડની કંપની સામે હરીફાઈનો ભય ઊભો થયો. એ નીરા ટાપુ પરથી વેપાર કરતી હતી. ડચ કંપનીનો લગભગ ઈજારો હતો એટલે લંડનના વેપારીઓના આગમન સામે એણે વાંધો લીધો.

ખરેખર તો ડચ (હૉલૅન્ડની) કંપનીએ જે જબ્બરદસ્ત કમાણી કરી હતી એનાથી જ લંડનના વેપારીઓ પણ આકર્ષાયા હતા એટલે એમણે સંગઠિત થઈને વેપારી જૂથ બનાવ્યું. ઇંગ્લૅન્ડની રાણી ઍલિઝાબેથ પ્રથમ તરફથી એમને પરવાનો મળ્યો ત્યારે કંપનીનું નામ ‘The Company of Merchants of London trading into the East Indies’ હતું. પણ સામાન્ય વાતચીતમાં એનું નામ ‘ઈસ્ટ ઇંડિયા કંપની’ થઈ ગયું હતું.

પૂર્વના દેશો તો અનેક સદીઓથી રોમનો સાથે મસાલાનો વેપાર કરતા જ હતા. અંગ્રેજોથી બે વર્ષ પહેલાં જ ડચ વેપારીઓ ત્યાં પહોંચી ગયા હતા પરંતુ એમનાથીયે પહેલાં એક સદીથી પોર્ટુગલના વેપારીઓ ત્યાંથી મસાલા લાવતા હતા. વાસ્કો દ’ ગામા પણ લિસ્બનથી Cape of Good Hope થઈને કોચીન આવ્યો તે પણ વેપાર માટે ઝામોરિનની પરવાનગી મેળવવા માટે જ.

એશિયામાં જે મસાલા ઘેરઘેર વપરાતા તે પશ્ચિમના દેશોમાં ધનાઢ્યોના વિલાસી શોખ ગણાતા હતા અને એના મોંમાગ્યા ભાવ મળતા હતા. ધીમે ધીમે આ વેપારમાં ઘણા વેપારીઓ આવવા લાગ્યા. આમ થતાં ભાવ પણ નીચા આવે તેમ છતાં નફો એટલો હતો કે જેટલો માલ એશિયામાંથી ઉપાડ્યો હોય તેનો માત્ર છઠ્ઠો ભાગ જ સમુદ્રી તોફાનો અને ચાંચિયાઓથી બચીને સહીસલામત પહોંચે તો પણ વેપારી તરી જતો. એવું નથી કે ભારત અને એશિયાના વેપારીઓ આ વેપારમાં નહોતા. પરંતુ, ડચ, પોર્ચુગીઝ અને લંડનના વેપારીઓ પાસે બહુ મોટાં સારાં જહાજો હતાં અને એ લોકો કાફલાના રક્ષણ માટે સૈનિકો અને શસ્ત્રસરંજામની પણ બહુ સારી જોગવાઈ સાથે નીકળતા.

જેમ્સ લૅંકેસ્ટર

ઈ. સ. ૧૫૭૮માં પોર્ટુગલના યુવાન રાજાનું એક લડાઈમાં મૃત્યુ થયું. કોઈ વારસ નહોતો. ગાદી ખાલી પડતાં બહુ ખટપટો ચાલી પણ ૧૫૮૦માં સ્પેનના રાજા ફિલિપ બીજાએ એના પર કબજો કરીને આઇબેરિયન યુનિયન બનાવ્યું (અહીં). એ વખતે લંડનનો ૨૬ વર્ષનો યુવાન વેપારી જેમ્સ લૅંકેસ્ટર લિસ્બનમાં જ હતો. અહીં એ ધંધાના પહેલા પાઠ શીખ્યો અને જહાજના કપ્તાન તરીકે પણ કુશળતા મેળવી. પરંતુ પોર્ટુગલ હવે સ્પેનના કબજામાં હતું અને સ્પેન અને ઇંગ્લૅન્ડ વચ્ચે વેર હતું એટલે લૅંકેસ્ટરને પણ ત્યાં પોતાની સંપત્તિ છોડીને લંડન ભાગી આવવું પડ્યું. પોર્ટુગલ ઇંગ્લૅન્ડને મસાલા-તેજાના આપતું પણ એ રસ્તો હવે બંધ થયો. અંગ્રેજી જહાજોના લિસ્બન આવવા પર પણ પ્રતિબંધ મુકાઈ ગયો. પોર્ચુગીઝ માલસામાન બંધ થયો એ એક રીતે તો ઇંગ્લૅન્ડ માટે આશીર્વાદ રૂપ જ ગણવું જોઈએ. કારણ કે એ પોર્ટુગલ સાથેના વેપારી સંબંધોમાંથી મુક્ત થયું અને જાતે જ કંઈ કરવાનો રસ્તો એણે શોધવાનો હતો. હવે મસાલા માટે એમણે જાતે જ દુનિયા ખેડવાની હતી. આના માટે ચાંચિયાગીરી પણ એક ઉપાય હતો.

ફ્રાન્સિસ ડ્રેક આવો જ એક ચાંચિયો હતો અને કદાચ એ જ કારણે એ કુશળ સાગરખેડૂ પણ હતો. રાણી એલિઝબેથના એના પર ચાર હાથ હતા. રાણી પોતે જ ચાંચિયાગીરી કરાવતી હતી. ડ્રેક સ્પેનના જહાજી કાફલાને લૂંટીને લઈ આવતો. માત્ર મસાલા નહીં પણ એક વાર એને સોના ચાંદીથી ભરેલું જહાજ હાથ લાગ્યું. એનાં પરાક્રમો પર રાણી વારી જતી હતી અને એને ‘સર’ના ખિતાબથી પણ નવાજ્યો. પરંતુ રાણી એલિઝાબેથ સ્પેન સાથે સંધિ કરવાના પણ પ્રયાસ કરતી હતી. એ ડ્રેકને ફાવે તેમ નહોતું. એ લંડનથી ચાલ્યો ગયો અને સ્પેન વિરુદ્ધ ચાંચિયાગીરી ચાલુ રાખી. રાણીને ઉલટું આ વધારે ફાવે તેમ હતું. તમામ વિવાદો છતાં ડ્રેક પર રાણીનો વિશ્વાસ અતૂટ રહ્યો. જેમ્સ લૅંકેસ્ટર ડ્રેકની કંપનીમાં જોડાયો (BBC) અને એના એક જહાજના કપ્તાન તરીકે ૧૫૮૮માં એણે સ્પેનના નૌકા કાફલાને લૂંટી લીધો. તે પછી એ ૧૫૯૨માં ઇન્ડોનેશિયા પહોંચ્યો. ત્યાં એક નાના ટાપુ પર રહ્યો અને ત્રણ ચાર મહિના પછી પાછો ઇંગ્લૅન્ડ ગયો. એ વખતે લંડનમાં રશિયાના ઝાર અને તુર્કીના ઑટોમન સામ્રાજ્ય સાથે વેપાર માટે બે કંપનીઓ હતી. એક મસ્કોવી (મૉસ્કોની) અને બીજી લેવાન્ત (નક્શો જૂઓ). જેમ્સ લૅંકેસ્ટર લેવાન્ત કંપનીમાં જોડાયો.

ઈસ્ટ ઇંડીઝની એની સફળતાએ બન્ને કંપનીઓના લંડનના વેપારીઓને આકર્ષ્યા હતા. અને એમણે સાથે મળીને ઈસ્ટ ઇંડીઝમાં વેપાર કરવા માટે ‘The Company of Merchants of London trading into the East Indies’ કંપની બનાવી. ૧૫૯૯માં તો સ્પેન સાથે સમાધાનની વાતો ચાલતી હતી એટલે રાણીએ મંજૂરી ન આપી કારણ કે સ્પેન એને કદાચ શત્રુતાનું કૃત્ય માની લે. વેપારીઓએ ફરીથી અરજી કરી તેમાં સહી કરનારાઓમાં લૅંકેસ્ટર પણ હતો. ૩૧મી ડિસેમ્બર ૧૬૦૦ના દિવસે રાણી તરફથી લાયસન્સ મળી ગયું. આ કંપની એટલે જ ઈસ્ટ ઇંડિયા કંપની. ૧૬૦૩માં એ જ જેમ્સ લૅંકેસ્ટર એનું પહેલું જહાજ લઈને ઇંડોનેશિયાના બાંદાના સમુદ્ર પાસેના નાના ટાપુ પુલાઉ રુન ઊતર્યો.

ભારતની ગુલામીનાં બીજ પુલાઉ રુનમાં વવાયાં અને માળી હતો જેમ્સ લૅંકેસ્ટર.

૦-૦-૦

મુખ્ય સંદર્ભઃ

The Honourable Company: A History of the English East India Company by John Keay

Harper Collins Publishers

EPub Edition © JUNE 2010 ISBN: 978-0-007-39554-5

Copyright © John Keay 1991.


ઇંટરનેટ પરથી પણ પૂરક સામગ્રી અને ફોટા લીધા છે જેના સંદર્ભ યોગ્ય સ્થાને મૂળ લેખમાં જ આપેલા છે. આ લેખ વ્યવસાયિક હેતુ માટે નથી અને સંદર્ભમાં દર્શાવેલાં પુસ્તકો અથવા ઇંટરનેટ પરથી લીધેલી માહિતીનો ઉપયોગ પણ વ્યાવસાયિક હેતુઓ માટે નથી કર્યો.


India – Slavery and Struggle for Freedom :: Part 1: Slavery :: Chapter 1

આજથી હું આ નવી લેખમાળા શરૂ કરું છું.

એના બે ભાગ છેઃ પહેલો ભાગ ‘ગુલામી’ – એમાં આપણે કઈ રીતે પરતંત્ર બન્યા તેનું વિવરણ હશે. બીજો ભાગ છે, ‘આઝાદી માટેનો સંઘર્ષ’ – એમાં આઝાદ થવા માટે દેશવાસીઓએ અંગ્રેજ શાસનનાં ૧૯૦ વર્ષ દરમિયાન કેવા સંઘર્ષ કર્યા તેની વાત કરશું. આ શ્રેણીમાં આપણે દર ગુરૂવારે મળશું.

દીપક ધોળકિયા

૦-૦-૦

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ 

ભાગ ૧: ગુલામી 

પ્રકરણ ૧ : પરતંત્રતાનાં બીજ

ભારતની પરતંત્રતાનાં બીજ તો વવાયાં ઇંડોનેશિયાના એક નાના ટાપુ ‘પુલાઉ રુન’ પર (પુલો રુન અથવા પુલોરૂન પણ કહે છે). ટાપુ બહુ નાનો છે; ૫.૨ કિલોમીટર લાંબો અને ૮૦ મીટર પહોળો! સાંજના ફરવા નીકળ્યા હો તો એક કલાકમાં ઘરે પાછા આવી જાઓ. નક્શામાં દેખાડો તો દેખાય નહીં. દસ-બાર ફૂટ લાંબોપહોળો નક્શો હોય તો ઇંડોનેશિયાના બાંદાના સમુદ્રના ટાપુઓમાં પુલાઉ રુન કદાચ દેખાય. (ઈંડોનેશિયા અસંખ્ય ટાપુઓનો દેશ છે).

Chapter 1.1

૧૬૦૩માં ઇંગ્લૅન્ડના કેટલાક પ્રવાસીઓ ત્યાં ઊતર્યા. એ વખતે આ પુલાઉ રુન પર રહેવાની જગ્યા પણ નહોતી, પીવાનું પાણી પણ નહોતું, માત્ર વૃક્ષો હતાં. પરંતુ એમનો એક ખાસ ઉદ્દેશ હતો. એ લોકો ‘ઈસ્ટ ઇંડિયા કંપની’ના માણસો હતા. આ ટાપુ પર જાયફળ મોટા પ્રમાણમાં થતાં હતાં અને એમનો વિચાર જાયફળનો વેપાર કરવાનો હતો. જાયફળ માટે તો પાતાળલોકમાં જવું પડે તો પણ એમની તૈયારી હતી. પુલાઉ રુન પર આજના ભારતીય ચલણમાં જોઈએ તો એક પૈસાના ખર્ચ સામે ૩૨૦ રૂપિયા મળતા. એટલે કે ૩૨,૦૦૦ ટકા નફો!

આથી જ બ્રિટનના રાજા જેમ્સ પહેલાનું ટાઇટલ ‘કિંગ ઑફ ઇંગ્લૅન્ડ, સ્કૉટલૅન્ડ, આયર્લૅન્ડ, ફ્રાન્સ, પુલો-વે (પુલો આઈ કે પુલાઉ આઈ) પુલો રુન (પુલાઉ રુન) હતું. પુલાઉ રુનના પ્રવાસીઓને મન એનું મહત્ત્વ સ્કૉટલૅન્ડ કરતાં જરાય ઓછું નહોતું!

બાંદા ટાપુઓના નિવાસીઓની ખાસિયત એ હતી કે એ કોઈને પોતાનો રાજા નહોતા માનતા. એમની પંચાયત સર્વોપરિ હતી. ઓરાંગ કેયા, એટલે કે પંચાયતના મુખીનો પડતો બોલ ઝીલવા એ તત્પર રહેતા. એશિયામાં તો ગ્રામ સમાજનું મહત્ત્વ બહુ જ હોય છે. અગ્નિ એશિયામાં બધા નિર્ણયો પંચાયત આદત(સર્વસંમતિ)થી લેતી. પાડોશના ટાપુઓ, નીરા અને લોન્થોર પર તો ડચ (હૉલૅન્ડ)નું દબાણ એટલું હતું કે એ પોતાની મરજીથી કંઈ ન કરી શકતા. ડચ લોકો અંગ્રેજી ઈસ્ટ ઇંડિયા કંપનીથી બે વર્ષ પહેલાં જ આવીને સ્થાયી થઈ ગયા હતા. પરંતુ હજી પુલાઉ આઈ અને પુલાઉ રુનમાં પંચાયતોના હાથમાં બધું હતું.

Chapter 1.3અહીં ઈસ્ટ ઇંડિયા કંપનીના માણસો અને બાંદાવાસીઓના સંબંધો સારા રહ્યા. ૧૬૧૬માં ડચ કંપનીના માણસોએ પુલાઉ રુન પર હુમલો કરવાની કોશિશ કરી ત્યારે રુનવાસીઓએ અંગ્રેજો પ્રત્યે પોતાની વફાદારી જાહેર કરી. એમણે વફાદારીના સોગંદ લીધા, એટલું જ નહીં, એમણે નવા સત્તાધીશોને રુનની પીળી માટીના દડામાં વિકસાવેલો જાયફળનો નાનો રોપો ભેટ આપ્યો. આ બહુ મોટી વાત હતી કારણ કે રુનવાસીઓ કદી આવા રોપા કોઈને આપતા નહીં અને જાયફળનાં બીજનું જીવના જોખમે રક્ષણ કરતા. જાયફળના ઉત્પાદન પરનો એમનો ઇજારો તૂટી ન જાય એટલે આવો વિશ્વાસ એ કોઈ પર નહોતા કરતા.

ઈસ્ટ ઇંડિયા કંપનીના માણસોએ રુન પર પ્રેમપૂર્વક પોતાનું આધિપત્ય તો સ્થાપ્યું પણ એમાંથી એક નવી સમસ્યા ઊભી થઈ. ઇંગ્લૅન્ડના રાજાએ એમને કોઈ પ્રદેશ પર વર્ચસ્વ સ્થાપવાની છૂટ નહોતી આપી. એમણે માત્ર વ્યાપાર કરવાનો હતો. આથી ઈસ્ટ ઇંડિયા કંપની માત્ર બ્રિટિશ તાજ વતી રુનવાસીઓની વફાદારી સ્વીકારી શકતી હતી. તાજને ઈસ્ટ ઇંડિયા કંપનીનું આધિપત્ય આ સ્વીકાર્ય નહોતું અને એણે પુલાઉ રુન ટાપુ પર નાકાબંધી કરી દીધી. ચાર વર્ષની નાકાબંધી પછી ઈસ્ટ ઇંડિયા કંપનીએ ટાપુ ઇંગ્લૅન્ડના રાજાને સોંપી દીધો. રાજા રુન પર કબજો મળતાં બહુ ખુશ થયો.

આ દરમિયાન, ઇંગ્લૅન્ડમાં રાજકીય ઉથલપાથલનો એક આખો ગાળો આવી ગયો. ચાર્લ્સ પહેલાએ ૧૬૨૯માં પાર્લમેન્ટનું વિસર્જન કરી નાખ્યું અને ૧૬૪૦ સુધી પાર્લમેન્ટ વિના જ શાસન ચલાવ્યું. ૧૬૪૦માં રાજાના સમર્થકો અને પાર્લમેન્ટના સમર્થકો વચ્ચે ગૃહ યુદ્ધ ફાટી નીકળ્યું. એનો બીજો દોર ફરી ૧૬૪૭માં શરૂ થયો અને ચાર્લ્સ પહેલાને મૃત્યુદંડ અપાયો. રાજાશાહીનો અંત આવ્યો, પાર્લમેન્ટ ફરી સ્થપાઈ, ૧૬૫૩માં ઑલિવર ક્રોમવેલે (Oliver Cromwell) રાજાને સ્થાને ‘લૉર્ડ પ્રોટેક્ટર’ તરીકે સાર્વભૌમ સત્તા પ્રાપ્ત કરી. આમ છતાં, પુલાઉ રુન માટે ઇંગ્લેન્ડને હંમેશાં કૂણી લાગણી રહી. ક્રોમવેલે તો એમાં વધારે ઉમેરો કર્યો. એણે ત્યાં પોતાના પ્રેસ્બિટેરિયન સંપ્રદાયના લોકોને  વસવા મોકલ્યા. લંડન નામનું જહાજ ભરીને બકરાં, મરઘાં, કોદાળી, પાવડા, ખ્રિસ્તી પ્રાર્થનાઓ (Psalms)નાં પુસ્તકો મોકલીને કાયમી વસાહત ઊભી કરવાનાં પગલાં લીધાં. પરંતુ ડચ સેના સાથે ઝપાઝપી થતાં આ જહાજને સેન્ટ હેલેના ટાપુ તરફ વાળવું પડ્યું.

પરંતુ ક્રોમવેલે બીજું એક પગલું પણ લીધું જે માત્ર રુન માટે નહીં ઈસ્ટ ઇંડિયા કંપની માટે બહુ મહત્વનું હતું. એણે કંપનીને બીજા પ્રદેશોમાં જઈને પોતાની વસાહતો સ્થાપવાનો અધિકાર આપ્યો! જો કે રુન માટે ડચ હકુમત સાથે સાઠ વર્ષથી ચાલતી લડાઈમાં તો ઇંગ્લૅન્ડે સમાધાનનો માર્ગ લીધો. ક્રોમવેલ પછી ઇંગ્લૅન્ડમાં રાજાશાહી ફરી સ્થપાઈ હતી. નવા રાજા ચાર્લ્સ બીજાએ પુલાઉ રુન સહિત બાંદાના ટાપુઓ હૉલૅન્ડને સોંપી દીધા અને બદલામાં હૉલૅન્ડે એને ઉત્તર અમેરિકામાં ન્યૂ ઍમ્સ્ટર્ડૅમ અને મૅનહટન આપી દીધાં. ‘લંડન’ જહાજને સેન્ટ હેલેના તરફ વાળવું પડ્યું એટલે ટાપુ તો કંપનીના કબજામાં આવી ગયો, પરંતુ ચાર્લ્સ બીજાએ જે વર્ષે આ સમજૂતી કરી એ જ વર્ષે ઈસ્ટ ઇંડિયા કંપનીએ ‘બોમ્બે’ (હવે મુંબઈ)માં પોતાની ફૅક્ટરી* સ્થાપી દીધી હતી!

Chapter 1.4

ફૅક્ટરી એટલે કારખાનું નહીં, પણ કંપનીનું મુખ્ય કાર્યાલય સ્થાનિક એજન્ટોની ઑફિસો, અને વેપારનો માલ રાખવાની જગ્યા). 

ઉપર ડાબી બાજુની તસવીર ઈસ્ટ ઇંડિયા હાઉસના મૂળ મકાનની છે. ઈ.સ. ૧૬૦૦માં કંપનીની સ્થાપના થયા પછી એ આ મકાનમાંથી કારોબાર કરતી. તે પછી છેક ૧૬૪૮માં જમણી બાજુએ દર્શાવેલી જગ્યાએ એણે એક મકાન લીધું અને ૧૭૨૯માં એ પાડીને સંપૂર્ણ સુધારા કરીને નવી ઇમારત ખડી કરી. રાણીએ ભારતના શાસનનો સીધો કબજો ૧૮૫૮માં લઈ લીધો ત્યાં સુધી ‘બ્રિટિશ ઇંડિયા’ પરની હકુમત આ જ મકાનમાંથી કંપનીના હોદ્દેદારો કરતા હતા. ૧૮૬૦માં કંપનીને સંકેલી લેવાઈ અને એની અસ્ક્યામતો સરકારના હાથમાં આવતાં આ મકાન થોડા વખત માટે ‘ઇંડિયા ઑફિસ તરીકે વપરાતું રહ્યું.

૦-૦-૦

મુખ્ય સંદર્ભઃ

The Honourable Company: A History of the English East India Company by John Keay: Harper Collins Publishers EPub Edition © JUNE 2010 | ISBN: 978-0-007-39554-5 :: Copyright © John Keay 1991.

ઇંટરનેટ પરથી પણ પૂરક સામગ્રી અને ફોટા લીધા છે જેના સંદર્ભ યોગ્ય સ્થાને મૂળ લેખમાં જ આપેલા છે. આ લેખ વ્યવસાયિક હેતુ માટે નથી અને સંદર્ભમાં દર્શાવેલાં પુસ્તકો અથવા ઇંટરનેટ પરથી લીધેલી માહિતીનો ઉપયોગ પણ વ્યાવસાયિક હેતુઓ માટે નથી કર્યો.


%d bloggers like this: