Who I am? (or What “I” is?)

“હું” કોણ છે?

મારો દૌહિત્ર બે વર્ષ અગિયાર મહિના અને ત્રણ દિવસનો છે. એને સૌ કકુ કહે છે.જન્માષ્ટમીના દિવસે એનાં મમ્મી-પપ્પાએ એને કૃષ્ણ ભગવાન બનાવી દીધો હતો. મેં એને “કૃષ્ણ ભગવાન…” કહીને સંબોધ્યો, તો એનો જવાબ હતોઃ “નઈં, કકુ, કકુ હૈ..!” કૃષ્ણ ભગવાન હશે ભગવાન; પણ તો કકુ પણ કઈં ઓછો નથી!

હવે એની વાતોમાં ‘કકુ’ની જગ્યાએ ‘મૈં’ આવતો થયો છે, પરંતુ હજી અનિયમિત છે. વધારે કામ તો ‘કકુ ખાયેગા, જાયેગા’થી જ ચાલે છે. આ એકલા મારો અનુભવ નહીં હોય, આપ સૌને પણ આવો અનુભવ થયો હશે.

‘હું’ સ્વતંત્ર છે? કે સામાજિક સમજ વધવાની સાથે ‘હું’નો વિકાસ થાય છે? આપણી એક પ્રજાતિ છે. આપણે વ્યક્તિ તરીકે એ પ્રજાતિના સભ્ય અને એક એકમ છીએ. સમૂહના એક ભાગ હોવા છતાં એકમ તરીકે અલગ છીએ એવી અસ્મિતાની અનુભૂતિ આપણને છે.

પરંતુ, આપણી આ અનુભૂતિ માટે ‘અન્ય’ની જરૂર છે. કઈં નહીં તો એક નાના બાળકના વિકસતા ભાષા પ્રયોગને જોતાં મને તો એવું જ લાગ્યું. બાળકને પોતાની અસ્મિતાની અનુભૂતિ તો ભાષાથી પહેલાં જ હશે. એની દુનિયાના કેન્દ્રમાં જેને તમે ‘દીકરી’ કહો તે ‘મા’ છે. ‘મારો દીકરો’ની ભાવનાનો અનુવાદ બાળક ‘જ્યાંથી ભોજન મળે છે તેવું એકમ’ એવી ભાવના રૂપે કરતું હશે. તે પછી એને આપણે જે નામ આપીએ તે નામને એ પોતાની ઓળખાણ માનવા લાગે. ‘હું’ તો બહુ પાછળથી આવે!

આમ છતાં, જ્ઞાનીઓ માણસના ‘અહં’ની ચર્ચા કરતા હોય છે. ‘અહં’નો નાશ કરો. તમારી મુક્તિમાં ‘અહં’ આડો આવે છે. અરે, એ ‘અહં’ મારો છે જ ક્યાં? બીજા કોઈ નહોત તો ‘હું’ પણ નહોત. એક નિર્જન ટાપુ પર હું કયા સંદર્ભમાં ‘હું’નો ઉપયોગ કરી શકું? ‘હું’ એ તો વ્યવહારમાં અલગ અસ્મિતાની અભિવ્યક્તિ માટે સર્વને મળેલું સર્વનામ માત્ર છે! ભાષા ન હોત તો પણ અલગ અસ્મિતાની અનુભૂતિ તો રહેત જ. ગાયને છે, હરણને છે, કીડાને છે. આમ. ‘હું’ને બહુ હેરાન કરવાનું કારણ જણાતું તો નથી.

આમ છતાં, ‘હું’ હેરાન તો કરે જ છે! ‘હું’ શું છે, કોણ છે? ધર્મોમાં આ ચર્ચા થઈ છે. એ કોણ છે, જે પોતાને ‘હું’ કહે છે? બહુ ઊંડી ચર્ચામાં જતાં પહેલાં એક વાત કહું: એક તત્વચિંતકનું આ કથન છે, નામ શોધવાનો પ્રયત્ન કર્યો પણ હમણાં તો મળ્યું નથી. એમણે એક ખેડૂતને પૂછ્યું: “આ દાતરડું કેટલા વખતથી વાપરે છે?”. ખેડૂતે કહ્યું: “દસ વર્ષથી”. તત્વચિંતકે ફરી પૂછ્યું: “એને સમારવાની પણ જરૂર નથી પડી?” ખેડૂતે જવાબ આપ્યોઃ “એમ તો નહીં એનો હાથો બે વાર બદલવો પડ્યો છે અને એનું ફળું તો બે-ત્રણ વાર બદલાવ્યું.”

મુદ્દો એ છે કે એ હાથો અને ફળું બન્ને બદલ્યા પછી પણ ખેડૂતને એ પોતાનું મૂળ દાતરડું જ લાગતું હતું! એ ખરેખર તો મૂળ દાતરડાની ખરીદી, ઉપયોગ, રિપેર બધાં કામોમાં સીધી રીતે સંકળાયેલો હતો અને બધું બદલી ગયા પછી પણ એની મૂળ દાતરડાની અવધારણા એ સતત નવા ઓજાર પર આરોપતો રહ્યો. આમ એ નવું દાતરડું વાપરતો હોવા છતાં, એક અવધારણા જ વાપરતો હતો, એટલે એક જાતની નિરંતરતા પણ અનુભવતો હતો.

કદાચ ‘હું’ પણ આવો જ છે. મનુષ્ય જાતિના એક એકમ તરીકે આપણી અલગ અસ્મિતા બની અને એને આપણે સામાજિક વ્યવહારમાં જ્યારથી ‘હું’ તરીકે ઓળખતા થયા ત્યારથી એક અવધારણા બની છે તે આપણે બાલ્યાવસ્થા, યૌવનાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં પણ સતત વાપરતા રહીએ છીએ. વાસ્તવમાં એ સર્વસામાન્ય અને પ્રાણી માત્રના અનુભવમાં આવતું અલગ એકમ હોવાનું ભાન જ છે.

સહેલું પણ છે, જૂનું નામ વાપર્યા કરવાનું. પેઢીઓથી એક સાથે રહેતા હોઇએ અને ધીમે ધીમે એક એક સભ્ય દુનિયામાંથી વિદાય લેતો જાય અને તે સાથે લગ્ન કે જન્મના માર્ગે નવા સભ્યોનું ઘરમાં આગમાન પણ થાય. એક સમયે આખું ઘર જ બદલાઈ ગયું હોય. પણ ‘ઘર’, ‘કુટુંબ’ની અવધારણા ચાલુ જ રહે છે. ‘હું’નો ‘મામલો પણ કઈંક એવો જ નથી લાગતો? એનું સાતત્ય એક અવધારણા છે. એ સ્વાયત્ત હોવાનું પણ લાગવા માંડ્યું છે. આ સ્વાયત્તતાનો ભ્રામક ખ્યાલ જ આપણને ઘણા વિવાદાસ્પદ ખ્યાલો તરફ લઈ જાય છે.

તમને કઈં સૂઝે તો કહેજો ને!
XXX

%d bloggers like this: