Golf, Water and China

ચીને ૧૧૧ ગોલ્ફ કોર્સ બંધ કરી દીધા છે. ચીનના સત્તાવાળા કહે છે કે ગોલ્ફ કોર્સની જાળવણી માટે પાણીનો વપરાશ બહુ થાય છે અને જમીનને પણ બચાવવાની જરૂર છે. તે ઉપરાંત બીજા ૬૫ ગોલ્ફ કોર્સ પર પણ અમુક નિયંત્રણો લાદ્‍યાં છે. ૨૦૦૪માં ચીનમાં લગભગ ૨૦૦ જેટલા ગોલ્ફ કોર્સ હતા ત્યારે જ નવા ગોલ્ફ કોર્સ બનાવવા પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. માઓ ઝેદોંગે ગોલ્ફને ‘લખપતિઓનો ખેલ’ નામ આપ્યું હતું પણ દેંગ શ્યાઓ બિંગના સમયમાં ચીનમાં આર્થિક નીતિઓ બદલાઈ ગઈ તેમાં ખાનગી મૂડીનું જોર વધી ગયું. હવે સામ્યવાદી પક્ષના સભ્યોને પણ ગોલ્ફ સાથે ન સંકળાવાનો આદેશ અપાયો છે.

Golfયુરોપની ગોલ્ફ ક્લબોને ચાઇનીઝ સુપર લીગમાં બહુ રસ રહ્યો છે. આથી ચીન ગોલ્ફ માટે દુનિયામાં એક માનીતું સ્થાન હતું. ચીનમાં ૧૦,૦૦૦ યુવાન ગોલ્ફરો છે અને દર વર્ષે ૩૦૦ ઇંટરનૅશનલ સ્પર્ધાઓ થતી હોય છે.

ગોલ્ફનાં મેદાનો બનાવવામાં ભ્રષ્ટાચાર પણ બહુ થતો હતો. કૉન્ટ્રૅક્ટરો દેખીતી રીતે તો પાર્ક બનાવતા અને શહેરના સ્થાનિક સત્તાવાળા એના તરફ આંખ આડા કાન કરતા હતા. આમાં બહુ ઘણી જમીન પર કૉન્ટ્રૅક્ટરો કબજો કરી લેતા હતા. આમ ખરેખર તો આ જમીન પરનું દબાણ હટાવવા અને પાણીના ઉપયોગ પર અંકુશ મેળવવાનું પગલું છે.

આપણા દેશમાં પણ આ ‘કરોડપતિઓના ખેલ’ માટે સરકારો ઉદારતાથી જમીન અને પાણી ફાળવે છે. ર પરંતુ એમાં પાણીનો જે વપરાશ થાય છે તે એટલો બધો છે કે પાણીની અછત અને અસમાન વહેંચણીથી પિડાતા દેશમાં અવો વૈભવી શોખ પાલવે કે કેમ એ ચર્ચાનો વિષય રહ્યો છે.

એક નાના ગોલ્ફ કોર્સને પણ લીલોતરીવાળો રાખવા માટે દરરોજ ચાર લાખ ક્યૂસેક પાણીની જરૂર પડે છે. મોટા ભાગે તો આમાં પીવાનું પાણી વપરાય છે.

ભારતમાં પાણીની ભારે અછત કેવી ગંભીર છે તેનો ખ્યાલ એ વાત પરથી આવશે કે ૧૯૫૧માં માથાદીઠ ૫,૧૭૭ m3 પાણી ઉપલબ્ધ હતું, પણ ૨૦૧૧માં માત્ર ૧,૫૪૫ m3 પાણી ઉપલબ્ધ થતું હતું.(સંદર્ભઃ Water Resources Division, TERI) આ સંયોગોમાં પાણીનો ઉપયોગ ખેલ માટે થાય તે તો ઇચ્છવાયોગ્ય ન જ ગણાય. આમ છતાં હૈદરાબાદમાં ૧૦ ગોલ્ફ કોર્સ બનાવવાની દરખાસ્ત ઊભી જ છે. આપણા દેશમાં ગોલ્ફ બહુ લોકપ્રિય નથી તેમ છતાં આટલી બધી જમીન અને પાણીનો બગાડ કરવાની વિચારણા ચાલતી હોય તે જ ચિંતાની વાત છે. દેશમાં એવું પણ બન્યું છે કે હાઈ-વે ગોલ્ફ કોર્સમાંથી જવાનો હોય તો એને ટાળીને, વળાંક આપીને બનાવાય છે, બીજી બાજુ, એ જ હાઈ-વેને નાના ખેડૂતની એક-દોઢ એકર જમીન પચાવી જવામાં જરા પણ તકલીફ નથી થતી.

એ જ રીતે, આપણી દૈનિક જરૂરિયાત જોઈએ તો પાંચ વ્યક્તિના કુટુંબમાં પીવા અને રસોઈ માટેની જરૂરિયાત વધુમાં વધુ પંદર લીટર હોય છે, પણ બાથરૂમ અને શૌચમાં આપણે ૩૦૦-૪૦૦ લીટર જેટલું પાણી વાપરીએ છીએ અને આ બધો જથ્થો ‘ટ્રીટ’ કરેલો હોય છે. એટલે કે પાણી સાથે બધો ખર્ચ પણ ગટરમાં જાય છે. આ પાણીનો ગોલ્ફ માટે ફરી ઉપયોગ કરી શકાય. પરંતુ હજી એ માનસિકતા પ્રબળ બની નથી.

Jaichamrajendra Wadiar Golf Courseતસવીરમાં દર્શાવેલો મૈસૂરનો જયચામરાજેન્દ્ર વૉડેયર ગોલ્ફ કોર્સ ૧૧૦ એકરમાં ફેલાયેલો છે, એને આટલો હરિયાળો રાખવા માટે કેટલું પાણી જોઈતું હશે? એટલું જ નહીં, દેશમાં સૌથી વધારે ગોલ્ફ કોર્સ હોય તેવાં શહેરો (અને એની આસપાસના વિસ્તારો) જોઈએ તો અમદાવાદમાં ૧૪, બેંગલોરમાં ૧૪, દિલ્હી (ગુડગાંવ અને નોએડા સહિત), ૨૯, ચેન્નઇમાં ૧૦, હૈદરાબાદમાં ૯, ચંડીગઢમાં ૭, કોલકાતામાં ૬, મુંબઈમાં ૮, તેમ જ પુણે અને લોનાવલામાં ૮ ગોલ્ફ કોર્સ છે. આ ઉપરાંત આનાથી ઓછી સંખ્યા હોય તેવાં તો ઘણાંય શહેરો છે. બીજી બાજુ ગોલ્ફર કેટલા છે? પ્રોફેશનલ ગોલ્ફ ટૂરિસ્ટ ઇંડિયાની વેબસાઇટ પર માત્ર ૧૫૦ ગોલ્ફરનાં નામ મળે છે. જણદીઠ કેટલા ફૂટ જમીન એમના શોખ માટે છે અને કેટલું પાણી વપરાય છે, તેના આંકડા નથી મળતા.

આ મોંઘો શોખ આપણા જેવા દેશને પાલવે કે નહીં તે ખબર નથી, પણ એક વાત નક્કી છેઃ ભારત એ ચીન નથી.

૦-૦-૦

%d bloggers like this: