Part three of ‘Futility of Common Sense’ by Dilip Simeon in Gujarati

તા. ૧૫-૬-૨૦૧૫ અને ૧૬-૬-૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ, અનુક્રમે, ભાગ (૧) અને ભાગ (૨)થી આગળ

Dr. Dilip Simeon

મંડેલાની સ્વાતંત્ર્ય ભણી લાંબી કૂચ

આજની દુનિયામાં એક પણ રાજદ્વારી એવો નથી જે નેલ્સન મંડેલાની તોલે આવે અને મંડેલાએ રંગભેદી શાસનના અસ્તમાં જે ભૂમિકા ભજવી છે એના જેવી રોચક બીજી કોઈ જીવનકથા પણ નથી. આખી દુનિયામાં, બધી જ જાતિઓના લોકો એમના પર ખરા હૃદયથી સ્નેહ વરસાવતા હોય છે તેમાંથી આ દેખાઈ આવે છે. જાતિવાદી શાસન સામેનો સંઘર્ષ અને એના પરિણામે એ વ્યવસ્થા તૂટી પડી તેનેના જોખમી પરિપાક રૂપે જે ઉથલપાથલ મચી અને હિંસા ભડકી ઊઠી તે જો મંડેલા ન હોત તો માઝા મૂકી જાત. આ અર્થમાં મંડેલાએ વિસ્ફોટક સ્થિતિનો પ્રમાણમાં અહિંસક ગણાય એવો ઉકેલ આપવામાં પ્રદાન કર્યું છે. એટલે, એમના આ બાબતના વિચારોનું મહત્ત્વ ઓછું નથી. એમની બહુપ્રશંસિત આત્મકથા Long Walk to Freedomમાં મંડેલા વારંવાર એક વાત કહે છે કે એમના માટે અહિંસા નૈતિક નહીં પણ વ્યાવહારિક સિદ્ધાંત હતો. મેં અહિંસાને એક નૈતિક સિદ્ધાંત નહીં પણ એક વ્યૂહ માની; બિનઅસરકારક હથિયારવાપરવામાં નૈતિક દૃષ્ટિએ કંઈ સારું નથી.” એમનું આ દૃષ્ટિબિંદુ એમના સંયોગો પ્રમાણે ઘડાયું, પરંતુ વૈચારિક સ્તરે આ દૃષ્ટિબિંદુને ઉપયોગિતાવાદી કહી શકાય – અને ઉપયોગિતાના આધારે સારાપણાની વ્યાખ્યા ન કરી શકાય. વળી, મંડેલાએ આફ્રિકી પ્રજાને બધા જ રાજકીય અધિકારોથી વંચિત રાખનાર શ્વેત વર્ચસ્વવાદી હકુમત અને બ્રિટિશ રાજ વચ્ચે ભેદરેખા પણ દોરી. એમણે જોયું કે બ્રિટિશ રાજ શાંતિપૂર્ણ વિરોધ સામે હિંસા નહોતી આચરતી. પરંતુ મંડેલા અહીં ભૂલ કરે છે. જલિયાંવાલા બાગથી માંડીને ૧૯૩૦ના દશકના નાગરિક અસહકાર આંદોલન સુધી અંગ્રેજી હકુમતે પણ એ જ કર્યું હોવાનાં ઢગલાબંધ ઉદાહરણો છે. આમ છતાં એમ દલીલ કરી શકાય કે રંગભેદી હકુમતે શ્વેત અને શ્યામ પ્રજા માટે અલગ કાનૂની વ્યવસ્થા કરી હતી અને તમામ આફ્રિકનોને ખાસ અલાયદા વિસ્તારોમાં જ રાખવાની નીતિ લાગુ કરી હતી, અને એ અવશ્ય બ્રિટિશ હકુમત કરતાં વધારે ખરાબ હતું.

પરંતુ મારો હેતુ અહીં દક્ષિણ આફ્રિકાના રંગભેદી શાસન અને બ્રિટિશ રાજની તુલના કરવાનો નથી. મને તો નેલસન મંડેલાએ અન્યાયી વ્યવસ્થા સામે લડવાનાં સાધનોનો શી રીતે ઉપયોગ કર્યો તેની સાથે લેવાદેવા છે. એમણે કહ્યું તો છે કે આ મુદ્દા પર એમનું દૃષ્ટિબિંદુ સૈદ્ધાંતિક કરતાં તો વધારે વ્યૂહાત્મક હતું. પરંતુ દક્ષિણ આફ્રિકામાં જાતિગત ગૃહયુદ્ધ ન જ થવાં જોઈએ એમ એ દૃઢતાથી માનતા હતા. ઉપરાંત, આફ્રિકન નૅશનલ કોંગ્રેસની સશસ્ત્ર પાંખ ‘ઉમ્કોન્તો વે સીઝ્વે(સંક્ષેપમાં MK)ના કમાંડર તરીકે પણ એમણે ધ્યાનમાં રાખ્યું કે સશસ્ત્ર હુમલા માત્ર ઑફિસો, કારખાનાંઓ પર થવા જોઈએ, લોકોમાં આતંક ફેલાવવા માટે નહીં. આ દેખાડે છે કે હિંસાના ઉપયોગ વિશે એમના મનમાં ઊંડે ઊંડે સંશય હતો.

મંડેલા આત્મકથામાં એક પ્રસંગ આલેખે છે. એ જ્યાં છુપાયા હતા ત્યાં એમણે એરગનથી એક પક્ષીને વીંધી નાખ્યું આ જોઈને મકાનમાલિકનો પાંચ વર્ષનો દીકરો વ્યાકુળ થઈ ગયો. એણે આંખમાં આંસુ સાથે મરેલા પક્ષીને જોયું અને પછી મંડેલાને પૂછ્યું કે એને શા માટે મારી નાખ્યું? બાળકે કહ્યું, એની મા બહુ દુઃખી થઈ જશે.” એ વખતની પોતાની લાગણી વર્ણવતાં મંડેલા કહે છે કે મારો મૂડ તરત બદલી ગયો. પહેલાં ગર્વની લાગણી હતી તેની જગ્યા શરમે લઈ લીધી. મનેલાગ્યું કે નાના બાળકમાં મારા કરતાં તો બહુ ઘણી માનવતા ભરી છે. દેશના નવા બનેલા ગૅરિલા આર્મીના વડા માટે વિચિત્ર ક્ષણ હતી.” પરંતુ જે રાજદ્વારીના અંતરતમમાં આવી ગાઢ શાંતિપ્રિયતા ભરી હોય (અને યાદ રાખશો કે મંડેલા પોતાને શાંતિવાદી નહોતા માનતા) તો જ એ એક પક્ષીને મારી નાખવાની ઘટનામાંથી દાર્શનિક બોધપાઠ તારવી શકે.

મંડેલાની આત્મકથામાં ઘણી જગ્યાએ એમની દ્વિધા વ્યક્ત થાય છે, પરંતુ એને કારણે એમનો મોભો નીચે જવાને બદલે ઉપર જાય છે. એનું કારણ એ કે, ગાંધીજીની જેમ એમનું કામ શબ્દો અને થિયરીઓ કરતાં વધારે બુલંદ અવાજે બોલે છે. આમ કેમ છે? મંડેલા જે રાજ્ય સામે જીવનભર લડતા રહ્યા તેના જ સર્વોચ્ચ નેતા બન્યા, પરંતુ એમણે આખી જિંદગી સત્તા માટે ગાળી એમ કહેવામાં એમને અન્યાય નથી થતો? દુષ્ટતાપૂર્ણ પોલીસ રાજના હાકેમોએ એમને લગભગ ત્રણ દાયકા જેલમાં ગોંધી રાખ્યા અને એમની માતાના અંતિમ સંસ્કાર માટે પણ જવા ન દીધા. પરંતુ એ લોકો સામે પણ એમના મનમાં લેશમાત્ર કિન્નાખોરીની ભાવના નહોતી. આ કારણે મંડેલા આપણી સમક્ષ એક એવી વ્યક્તિ તરીકે ઉપસ્થિત થાય છે, જેની ગરિમા હંમેશાં અક્ષુણ્ણ રહેતી હોય. મને લાગે છે કે એમના આ જ ગુણને લીધે બદલાની ભાવના એમને સ્પર્શી ન શકી જે હિંસાનું મૂળ છે. એટલે જ, ફાવે તે તારણ કાઢો, દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરોધી સંઘર્ષ ક્રાન્તિકારી હિંસા અને ત્રાસવાદને કારણે નહીં પણ વિશ્વવ્યાપી અણગમા અને વિરોધની સામે એની સંસ્થાઓના રાજકીય અને નૈતિક હ્રાસને કારણે સફળ રહ્યો.

મુક્તિ પછી પણ મંડેલાની સરકારે એ જ ભાવનાથી કામ ચાલુ રાખ્યું અને સત્ય અને સમાધાન કમિશન’ની રચના કરી. આ અનોખા પ્રકારના કાનૂનમાન્ય સંગઠનનું કામ હતું, માનવ અધિકારોનું ક્રૂરતમ દમન કરનાર અપરાધી પોતાનો ગુનો કબૂલ કરે તો એને માફી આપવાનું. એના કામમાં ઘણી અડચણો આવી, જે સ્વાભાવિક જ છે. અત્યાચારી અને અત્યાચારના વિક્ટિમની વચ્ચે મધ્યસ્થી કરવા માગતું તંત્ર ઘણી સમસ્યાઓનો સામનો કરે જ, વળી, બન્ને પક્ષોને એ અળખામણું લાગે, એ ઓછું મહત્ત્વનું કારણ નથી. આમ છતાં, આ કમિશનનું કામ માનવીય સંવેદનાઓને આધારે જૂના જખમો રુઝાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ હતો. મને આ તબક્કે પકાયાનિયે (પસ્તાવો) નામની એક રશિયન ફિલ્મ યાદ આવે છે. ગર્બાચ્યોવના જમાનાની આ ફિલ્મમાં સ્તાલિનવાદની ટીકા કરવામાં આવી છે. ફિલ્મનું મુખ્ય પાત્ર ભૂલ, અપરાધ અને પાપ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરે છે. એ કહે છે કે ભૂલો સુધારી શકાય, અને અપરાધની સજા થઈ શકે પણ પાપનો ઉપાય તો એક જ છે – પસ્તાવો. આ શક્ય છે અને વેરની વસુલાત કે કિન્નાખોરી કરતાં વધારે સંતોષકારક રીત છે, એ જાન્યુઆરી ૧૯૯૪માં ગુજરાતમાં બનેલી એક ઘટના સિદ્ધ કરી આપે છે. બાબરી મસ્જિદ ધ્વસ્ત થઈ તે પછી મહેસાણા જિલ્લાના સિદ્ધપુરમાં ફાટી નીકળેલાં રમખાણોનો ભોગ બનેલા હજારો લોકો એકઠા થયા અને શાંતિ માટે સોગંદ લીધા, ખૂનીઓએ પોતાનાં પાપ કબૂલ્યાં અને વિક્ટિમોનાં કુટુંબીજનોએ એમને માફ કર્યા. સિદ્ધપુરના નાગરિકોએ જબ્બરદસ્ત પરિપક્વતાનો પરિચય કરાવ્યો. આ જ જાતની સ્થિતિમાં સપડાયેલા લોકો માટે એ એક અનુકરણીય દૃષ્ટાંત છે. ઉપયોગમાં લીધેલાં સાધનો અને સિદ્ધ થયેલા ઉદ્દેશો વચ્ચે, સજાની જરૂર અને સુધારની જરૂર વચ્ચે, વ્યક્તિના અંતરાત્મા અને સામાજિક હિત વચ્ચે ન્યાય અને સામાજિક વ્યવસ્થા સંતુલન માગે છે. ક્યારેક આ બધું પરસ્પર ટકરાય પણ ખરું, પરંતુ એમનો સમન્વય તો માત્ર સામાજિક નૈતિકતાથી જ આવી શકે. અલબત્ત, દરેક સમાજમાં સ્વીકારવામાં આવેલાં નૈતિક ધોરણો અને સ્વીકાર્ય બનેલાં સમાધાન એક જ પ્રકારનાં નહીં હોય. આનાં બે બહુ જાણીતાં ઉદાહરણ છે, પૅલેસ્ટાઇનીઓ અને આયરિશ રાષ્ટ્રવાદીઓ. બન્ને અત્યારે હિંસક સંઘર્ષમાં છે અને કદાચ એમના લક્ષ્યને પ્રાપ્ત પણ કરી લેશે, પરંતુ અંતે જો એમનામાં સમાધાન કરવાની હિંમત હશે અને અહિંસાના આધારે વિકસેલાં સાધનો વાપરશે તો જ એ શક્ય બનશે.

વાવશો તેવું

આજની સ્થિતિનું સત્ય શું છે? આજે સામાન્ય સમજ તો એમ કહે છે કે પૈસા ખરચતાં બધું થઈ શકે. આજે મૂળ વસ્તુ કરતાં એની આકૃતિની કિંમત વધારે છે. ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું અપહરણ થઈ ગયું છે અને સત્તાની સ્પર્ધામાં એનો ઓજાર તરીકે ઉપયોગ થાય છે. સત્યનો ખ્યાલ, આ સંયોગોમાં નકામો બની ગયો હોય એમ લાગે છે. દાખલા તરીકે સિગરેટની જાહેરખબરમાં સિગરેટ પીનારો બહુ આનંદ લેતો હોય, અતિ તંદુરસ્ત હોય એમ દેખાડતા હોય છે, પણ વાસ્તવમાં સિગરેટ પીવાથી કૅન્સર અને હૃદયની બીમારીઓ થાય છે. બીજો દાખલો લઈએ. મે ૧૯૯૨માં દૂરદર્શને કટ્ટર હિન્દુ રાષ્ટ્રવાદી વી. ડી. સાવરકરની પ્રશસ્તિ કરતો કાર્યક્રમ રજૂ કર્યો. એમાં એ પણ ન કહ્યું કે સાવરકર મહાત્મા ગાંધીની હત્યાના મુખ્ય આરોપી અને હત્યાનું કાવતરું ઘડનારાના મુખિયા હતા. આપણે એ પણ નોંધ લેવી જોઈએ કે બાબરી મસ્જિદ વિશે પણ ભાષા કેવી બદલાતી રહી છે. એ પહેલાં મસ્જિદ હતી, પછી વિવાદિત ઇમારત બની ગઈ. બહુ સારી જાહેરખબરો (અને પ્રચાર ઝુંબેશો) પણ તથ્ય અને કલ્પના, સંદેશ અને ગેરમાહિતીનું મિશ્રણ હોય છે. આ બધામાં સત્યની ફિકર ક્યાં જોવા મળે છે? બસ, ‘ઇમેજ’ વિશ્વાસપાત્ર છે કે નહીં, ભલે ને એ સત્ય ન હોય. આમ છતાં સમાજ સત્યની વિભાવનાને કોરાણે મૂકી ન શકે. ભૌતિકશાસ્ત્રના નિયમોનો નાપાક હેતુઓ માટે ઉપયોગ ભલે થતો રહે, પણ એ રાજકીય કાવાદાવાને અધીન નથી જ નથી. એ જ રીતે સામાજિક ક્ષેત્રમાં પણ દમન અને શોષણ જેવાં વરવાં સત્યોને દાયકાઓ પછી ફરી પ્રગટ થવાની ટેવ હોય છે. સત્યની વિભાવનાના સામાજિક મૂલ્યની અન્ય બાંહેધરીઓ જનતાની પ્રજાતાંત્રિક આકાંક્ષાઓ અને પારદર્શક સંસ્થાઓ છે.

સત્ય એક એવો શબ્દ છે કે જેના ઘણા અર્થ થાય છે. એનો સૌથી સાદો અર્થ વાસ્તવિકતા કે આદર્શ સ્થિતિ થાય છે. બન્ને દૃષ્ટિએ એમાં ખોજનો અર્થ નિહિત છે. એ એક આદર્શ અને માપદંડ છે. એ કદાચ કદીયે પૂરું સિદ્ધ ન થાય, તેમ છતાં એને સિદ્ધ કરવાના પ્રયાસ નકામા નથી. પરંતુ અમુક પ્રકારનાં માનસ માટે સત્ય એક ખોજ નથી, એ અવતરિત જ્ઞાન, એટલે કે, માન્યતા છે. આ રીતે પ્રગટ થયેલું એક સત્ય જો એના જેવાં જ બીજાં પ્રગટ થયેલાં સત્યોથી જુદું ન પડતું હોય તો કંઈ ટક્કર નથી થતી. પરંતુ વાસ્તવિક જીવનમાં બે જુદી જુદી માન્યતાઓના અનુયાયીઓ સહઅસ્તિત્વના વિચાર માત્રને સાંખી લેવા તૈયાર નથી હોતા; એ પોતાની માન્યતાને અકાટ્ય સત્યમાં ફેરવી નાખે છે અને શસ્ત્રોથી સજ્જ થવા લાગે છે. પરિપૂર્ણતાવાદની ખાસિયત જ છે કે એ મતભેદનો જવાબ માત્ર હિંસાથી આપશે.

ગાંધીજીની હિંસા વિરુદ્ધની દલીલની છણાવટ કરતાં પારેખ લખે છેઃ જે કૃત્યોમાં પાછા વળવાનો રસ્તો હોય તેમનેવાજબી ઠરાવવા માટે અકાટ્ય જ્ઞાનની જરૂર પડે છે.” એમાં હું ઉમેરવા માગું છું કે અકાટ્ય જ્ઞાન ધરાવનારા વહેલામોડા અવશ્ય એવાં કૃત્યો કરશે કે જેમાંથી પાછા ફરી ન શકાય. આનું આપણે ઝીણવટભર્યું અવલોકન કરશું તો સમજી શકાશે કે હિંસક રીતો અસરકારક હોવાનું ખુલ્લી કે છૂપી રીતે માનતી, ડાબેરી કે જમણેરી વિચારધારાઓ સામાન્ય રીતે અધિકારવાદી આપખુદ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને પાંગરી હોય છે. આથી જ ગાંધીજીએ હંમેશાં સત્યના ‘પ્રયોગોની વાત કરી અને ભારપૂર્વક કહ્યું કે સત્યની ખોજ અહિંસામાં અડગ વિશ્વાસ સાથે જ કરવી જોઈએ. ૧૯૧૯નાં આંદોલનોને પગલે, ગાંધીજી અમદાવાદમાં લૉર્ડ હંટરના વડપણ હેઠળની ડિઝૉર્ડર ઇંક્વાયરી કમિટી સમક્ષ ઉપસ્થિત થયા. લૉર્ડ હંટરે એમને પૂછ્યું કે ગવર્નરોનું કામ કાયદાનું પાલન થાય તે જોવાનું છે અને જે લોકો કાયદાનો ભંગ કરવાનો પોતાનો ઇરાદો જાહેર કરતા હોય તેમને સજા કરવાનું છે; આ બાબતમાં એમનો વિચાર શું છે? ગાંધીજીએ જવાબ આપ્યો કે અન્યાયી કાયદાઓનો વિરોધ કરતા અહિંસક સત્યાગ્રહીઓ ખરેખરા સર્વશ્રેષ્ઠ બંધારણવાદીઓ છે. હંટરે કહ્યું કે કાયદો ન્યાયી છે કે અન્યાયી, તે વિશે મતભેદ પણ હોઈ શકે. ગાંધીજીએ જવાબ આપ્યો કે એ જ કારણે તેઓ અહિંસા પર ભાર મૂકે છે. એમણે કહ્યું કે સત્યાગ્રહી પોતાના વિરોધીને સ્વતંત્ર નિર્ણયનો અધિકાર આપે છે. ગાંધીજી પોતાનું લક્ષ્ય સત્યની ખોજનું હોવાનું કહેતા, તેને લઈને કમિટીના બીજા એક સભ્ય સર ચિમનલાલ સેતલવાડે એમને સાણસામાં લેવાની કોશિશ કરીઃ માણસ ગમે તેટલોપ્રામાણિકતાથી સત્યની ખોજ કરે સત્ય વિશેના એના ખ્યાલ બીજાના ખ્યાલ કરતાં જુદા હોઈ શકે છે. તો સત્ય શું છે તે કોણનક્કી કરશે?” રીથી ગાંધીજીએ એક જ વાત પકડી રાખી. સત્યનાં અર્થઘટનો જુદાં હોય છે, તે જ કારણસર એમના સંઘર્ષમાં અહિંસા એક અનિવાર્ય અંગ છે.

મારો તો ખ્યાલ છે કે આમાં આપણા સમયની સૌથી વધારે ચકચારભરી દાર્શનિક ચર્ચામાં ગાંધીનું સાદું પણ ગહન ગંભીર પ્રદાન રહેલું છે. એમાં એક કરતાં વધારે અસ્મિતાઓનો, અર્થનાં અનેક પાસાંઓનો સ્વીકાર અને સાર્વત્રિકતાના દાવાઓનો નકાર છે. ગાંધીજી દાર્શનિક નહોતા, પરંતુ આજની (ઉત્તર-આધુનિક) ‘સાપેક્ષતાવાદી’ ચિંતનધારાને અનુસરીને આપણે અર્થના બહુત્વનો સ્વીકાર કરીએ તો નીરક્ષીરન્યાયનાં ધોરણો પડી ભાંગે છે. આવી અનિર્ણયની સ્થિતિમાં ગાંધીજીનો અભિગમ એક મૂલ્યની સ્થાપના કરે છે. ગાંધીજી અર્થ-બહુત્વનો સ્વીકાર કરે છે પણ તે સાથે એમનો એવો પણ આગ્રહ છે કે એક એવું નૈતિક ધોરણ અવશ્ય છે જેની સામે બધાં સાપેક્ષ સત્યોની ચકાસણી થઈ શકે – એટલે કે અહિંસાના માર્ગે લાધેલું સત્ય જ આપણું સત્ય બની શકે. આ દૃષ્ટિએ જોતાં ગાંધીજી એક પ્રખર સર્વકલ્યાણવાદી માનવતાવાદી તરીકે આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. મનુષ્યને મનુષ્યત્વથી નીચેની શ્રેણીમાં મૂકીને એને ભેદભાવ, અન્યાય અને હિંસાનો ભોગ બનવાને લાયક ઠરાવવા માટે એમણે સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય તફાવતોનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો. આનો અર્થ એ નથી કે એમણે પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ પણ મુલતવી રાખી દીધો હતો અથવા ધાર્મિક વ્યવહારો, સંસ્કૃતિઓ અને વિચારધારાઓ વિશે પોતાના અભિપ્રાય બાંધવાનું જ બંધ કરી દીધું હતું.. એમના પોતાના વિચારો હતા, સારાસારનો નિર્ણય પણ જાતે જ લેતા હતા. એમનું કહેવાનું માત્ર એટલું જ હતું કે વિખવાદોનો નીવેડો લાવવાના રસ્તા શોધો, ચર્ચાઓ આને દલીલોનો માર્ગ પકડી રાખો, માનવીય ગરિમા સાથે મતભેદો દૂર કરવાના અથવા તો મતભેદો છતાં, સાથે મળીને જીવવાના ઉપાય શોધો.
આપણા સમાજે પોતાનો જ કેટલો વિનાશ કર્યો છે અને હજી કેટલો વિનાશ કરવા સજ્જ થાય છે તેનો જરાક પણ વિચાર કરતાં અહિંસક સંસ્કૃતિની આવશ્યકતા આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. એક અંદાજ પ્રમાણે આપણા દેશમં ૨૫૦ લડાઈઓ થઈ છે અને લડાઈઓ અને જાતિગત સંઘર્ષોમાં ૧૧ કરોડથી વધારે જાન ગયા છે. છેલ્લા કેટલાયે દાયકાઓથી નાગરિકોનાં મોતનો આંકડો વધતો જાય છે. આજના પરમાણુ શસ્ત્રોના ભંડારની મારક ક્ષમતા ઘટી હોવા છતાં એ હજી પણ ૮૦૦ મેગાટન (એટલે કે ૮૦૦ કરોડ ટન) TNT છે. બીજા વિશ્વયુદ્ધ, કોરિયન યુદ્ધ અને વિયેતનામ યુદ્ધમાં જેટલી કુલ વિસ્ફોટક ક્ષમતાનો ઉપયોગ થયો તેના કરતાં આ આંકડો ૨૨૭ ગણો મોટો છે. ૧૯૬૦ અને ૧૯૯૪ વચ્ચે વિકાસશીલ દેશોએ શસ્ત્રો ખરીદવા પાછળ ૭૭૫ અબજ ડૉલર ખર્ચ્યા. દુનિયામાં શસ્ત્રોની ખરીદી પર જેટલો કુલ ખર્ચ થયો તેના ૬૯ ટકા તો વિકાસશીલ દેશોએ ખર્ચ્યા. ૧૯૯૫માં ૨ કરોડ ૨૪ લાખ સ્ત્રી-પુરુષો દુનિયાનાં લશ્કરોમાં યુદ્ધસેવાઓ માટે હતાં, જેમાંથી ૬૫ ટકા વિકાસશીલ દેશોમાં હતાં. વિકાસશીલ દેશોના શાસકોના વિકૃત સામાજિક દૃષ્ટિકોણની કિંમત એમની જનતા ભોગવે છે. અંશમાત્ર ડહાપણનો ઉપયોગ કરીએ તો એ વાત સમજાઈ જશે કે માનવજાત મૃત્યુની ઇચ્છાના સંમોહનમાં ઝકડાઈ ગઈ છે.

અહિંસા તો સંયમનું બીજું નામ માત્ર છે. અહિંસામાં ગાંધીજીની નિષ્ઠાએ આપણા સમાજ પર ઘેરી અસર કરી છે. જો કે, એ ખરું કે આપણા દેશમાં લોકશાહીની મજલ હજી બહુ લાંબી છે. ભારતીય પ્રજાસત્તાકના ભવિષ્યની ચિંતા કરવાની આજકાલ ફૅશન ચાલી નીકળી છે. એની બધી ઉણપો માટે પ્રજાસત્તાક ભારતના સ્થાપકોને જવાબદાર ઠેરવવામાં આવે છે. મહાસતાઓના સ્વાર્થના દબાણ, દાવાનળી વૈશ્વિક મૂડીવાદની અસરો અને આપણા શાસક વર્ગની સ્વાર્થ લોલુપતા પણ આપણી સમસ્યાઓ માટે વધારે જવાબદાર હોઈ શકે છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે ભારત હજી કોમવાદી રાજકારણના આપખુદ દર્શન સામે ઘૂંટણિયે નથી પડ્યું કે મિલિટરીના બૂટની એડી તળે નથી ચંપાયું. આનું એક કારણ રાષ્ટ્રીય મુક્તિ માટેના આપણા જન આંદોલનમાં રહેલું છે. આ આંદોલને, એની તમામ ત્રુટિઓ છતાં અહિંસક રાજકીય કાર્યક્રમના આધારે સાર્વભૌમત્વ હાંસલ કર્યું છે.

દિલ્હીમાં જ્યાં ગાંધીજીની હત્યા થઈ હતી તે સ્થાન – ગાંધી સ્મૃતિ – ની મુલાકાતે દરરોજ હજારો લોકો આવે છે. આમાંથી મોટા ભાગના ગ્રામજનો હોય છે, તેઓ મહાત્માજીને ભક્તિભાવપૂર્વક યાદ કરે છે. કદાચ કુલીન વર્ગે એમને એક ‘આઇકન’ બનાવી દીધા હશે કે ઉચ્ચ મધ્યમ વર્ગ ગાંધીજી પ્રત્યે અજ્ઞાન અને તુચ્છકારથી જોતો હશે પણ અદના ભારતીય જનો હજી ગાંધીને ભૂલ્યા નથી. ગાંધીએ દરેક હૈયાને સ્પર્શ કરીને માનવજાતના સંવાદમાં કાયમી સ્થાન જમાવી લીધું છે. માનવજાતને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હશે તો સંયમ અને કરુણા વિના ચાલશે નહીં. વધારે માનવીયતાપૂર્ણ, ઓછા પાશવી અને વધારે સભ્યતાપૂર્ણ અસ્તિત્વની આપણી ઝંખના હોય તો એને મૂર્ત રૂપ આપવા માટે જે જોશ અને આશાવાદ જોઈએ તે પેદા કરવામાં મોહનદાસ કરમચંદ ગાંધીના જીવન અને એમના અહિંસાના સંદેશની ભૂમિકા નાનીસૂની નહીં જ હોય.

સંદર્ભ સૂચી

  • Bhikhu Parekh, Colonialism, Tradition and Reform: An Analysis of Gandhi’s Political Discourse; Nelson Mandela, Long Walk To Freedom;
  • Dennis Dalton, Gandhi During Partition: A Case Study in the Nature of Satyagraha (an article in the volume: The Partition of India: Policies and Perspectives 1935-1947 C..H. Philips and M. D. Wainwright);
  • D.G. Tendulkar, Mahatma: Life of Mohandas Karamchand Gandhi;
  • Joan Bondurant, Conquest of Violence;
  • Steven Runciman, A History of the Crusades,
  • Friedrich Heer, The Medieval World,
  • Mahadev Desai, The Gita According to Gandhi;
  • M.K. Gandhi, The Bhagvadgita and
  • Ruth Leger Sivard, World Military and Social Expenditures – 1996.
  • The Futility of Common Sense: An Essay on Ahimsa was published in Eye Magazine, Vol 5, no.1, October-December 1997, and in Rukmini Sekhar (ed), Making a Difference – a Collection of Essays,Spic-Macay, New Delhi, 1998.

Gandhiji, Secularism and State

http://webgurjari.in/2015/01/30/maari-baari_33/
Mahatma_Gandhi_rainbow stamp

ગાંધીજી, ધર્મનિરપેક્ષતા અને રાજ્યસત્તા

૩૦મી જાન્યુઆરી એ મહાત્મા ગાંધીનો શહીદી દિન છે. હાલમાં ગાંધીજીના હત્યારા ગોડસેની પુનઃપ્રતિષ્ઠા માટે એની પ્રતિમાઓ સ્થાપવાની હિલચાલ ચાલે છે તે સંદર્ભમાં આ ૩૦મી જાન્યુઆરી મહત્ત્વની બની રહે છે. નાથુરામ ગોડસેનો આક્ષેપ એ હતો કે ગાંધીજીને કારણે દેશના ભાગલા પડ્યા, ગાંધીજી હિન્દુઓની વિરુદ્ધ મુસલમાનોનું સમર્થન કરતા હતા. કમ્યુનિસ્ટોનો ગાંધીજી પર આક્ષેપ એ હતો કે એમણે પોતાની જાહેર પ્રવૃત્તિઓ માટે હિન્દુ ધર્મનાં પ્રતીકોનો ઉપયોગ કર્યો, જેમ કે રામરાજ્યની સંકલ્પના, ગીતાનો આધાર લેવો વગેરે. આમ મહાત્મા ગાંધીને બન્ને અંતિમ છેડા પર ટીકાકારો મળે છે. આજે દેશમાં સ્વાતંત્ર્ય સંગ્રામ વખતના કોઈ પણ નેતાનું નામ લેશો તો એનો બચાવ કરનાર મળી આવશે. આંદામાનની જેલમાંથી માફી માગીને બહાર આવ્યા પછી સ્વાતંત્ર્ય સંઘર્ષથી છેડો ફાડી નાખનારા સાવરકર અને એમના અનુયાયી નાથુરામ ગોડસે સુદ્ધાંનો બચાવ કરનાર કોઈ ને કોઈ મળી આવશે, પણ મહાત્મા ગાંધીના નામ પર જેને જે લાંછન લગાડવું હોય તેને સંપૂર્ણ આઝાદી છે.

હકીકતમાં ગાંધીજી શું હતા? હિન્દુવિરોધી? મુસલમાનોના હિમાયતી? ઢીલાઢફ હિન્દુ? નાસ્તિક હતા કે આસ્તિક? ખરું પૂછો તો ગાંધીજી એક આધુનિક વિચારો ધરાવનારા, દેશના અને પશ્ચિમના કોઈ પણ નેતાથી વધારે પ્રબુદ્ધ અને સમર્થ નેતા હતા. આટલું મોટું જનસમર્થન કદીયે કોઈ નેતાને મળ્યું નથી. આજે પણ એમના પર પુસ્તકો લખાય છે. કોઈ એમને સંત, તો કોઈ રાજકારણી-સંત અને કોઈ ખંધા રાજકારણી માને છે, પણ ઇતિહાસ એમને આટલાં વર્ષો પછી પણ હાંસિયામાં ધકેલી શક્યો નથી. ઉલટું, રાજ્યસત્તા્ની શક્તિ અને એની ફરજો, નાગરિકોની જવાબદારીઓ, વિકેન્દ્રીકરણની આવશ્યકતા, પર્યાવરણનું રક્ષણ વગેરે અનેક વિષયોમાં એમણે જે કંઈ કહ્યું છે તે આજે પણ સાચું પડતું જણાય છે.
gandhiji -2

પરંતુ આજે એમના ધર્મનિરપેક્ષ વિચારો જાણીએ. જાણીતા ગાંધીવાદી વિદ્વાન અનિલ નૌરિયા કહે છે કે ઓગણીસમી સદીના મધ્ય સુધી Secularism શબ્દ બહુ પ્રચલિત નહોતો. ધર્મગુરુઓ મોટા ભાગે અજ્ઞાનીઓ અને ધર્મદીક્ષા વિનાના લોકો માટે વાપરતા. ઓગણીસમી સદીના મધ્યમાં ચાર્લ્સ બ્રૅડલૉ અને હોલ્યોક આ શબ્દને રાજકારણના ક્ષેત્રમાં લાવ્યા. પરંતુ, એ શબ્દ બહુ પ્રચલિત ન થયો. અબ્રાહમ લિંકને એક જ વાર આ શબ્દ વાપર્યો છે.

ભારતમાં પણ ૧૯૩૧ સુધી Secularism શબ્દ પ્રચલિત નહોતો. ૧૯૨૮માં મોતીલાલ નહેરુ કમિટીએ ભારતીય બંધારણના સિદ્ધાંતો વિશેનો રિપોર્ટ આપ્યો તેમાં ધર્મનિરપેક્ષતાની ભાવના તો છે, પણ આ શબ્દ નથી વપરાયો. પણ ૧૯૩૧માં કોંગ્રેસના કરાંચી અધિવેશનના ઠરાવમાં પણ એનો ઉપયોગ નથી થયો.

૧૯૩૩ પછી ગાંધીજીનાં ઘણાં લખાણોમાં આ શબ્દનો ઉપયોગ જોવા મળે છે. એ વખતે મધ્યસ્થ ધારાસભા સમક્ષ બે બિલ હતાં, જેમાંથી એક અસ્પૃશ્યતા વિરુદ્ધ હતો. ગાંધીજીએ ૧૯૩૩ની છઠ્ઠી મેના રોજ એના સમર્થનમાં લખ્યું કે “આવી પ્રથાને સેક્યૂલર રાજ્યના કાયદાનું સમર્થન ન મળવું જોઈએ.”. ફરી એ જ વર્ષના નવેમ્બરમાં એમણે આ બિલનો બચાવ કર્યો. બિલની ટીકા એવી હતી કે રાજ્ય ધર્મની બાબતમાં અણખપતો (Undue) હસ્તક્ષેપ કરે છે.ગાંધીજીએ લખ્યું કે ઘણી વાર એવી સ્થિતિ પેદા થતી હોય છે કે ધર્મમાં પણ હસ્તક્ષેપ કરવાનું રાજ્ય માટે જરૂરી બની જાય છે; માત્ર એ Undue હસ્તક્ષેપ ન હોવો જોઈએ.

અનિલ નૌરિયા The Collected works of Mahatma Gandhiમાંથી ટાંકતાં લખે છે કે, જાન્યુઆરી ૨૭, ૧૯૩૫ના રોજ ગાંધીજીએ મધ્યસ્થ ધારાસભાના કેટલાક સભ્યોને સંબોધન કરતાં કહ્યું કે “સમગ્ર હિન્દુ સમાજ અસ્પૃશ્યતાને નાબૂદ કરવાનો વિરોધ કરતો હોય તો પણ મારી સલાહ છે કે ઍસેમ્બ્લી જેવા સેક્યૂલર ધારાગૃહે આ વલણને સાંખી ન લેવું જોઈએ.”

૧૯૪૨ની ૨૦મી જાન્યુઆરીએ પાકિસ્તાન સ્કીમની ચર્ચા કરતાં ગાંધીજીએ લખ્યું: “રેવન્યુ, સ્વચ્છતા, પોલીસ, ન્યાય અથવા તો સાર્વજનિક સુવિધાઓ જેવી બાબતોમાં હિન્દુઓ અને મુસલમાનોનાં હિતો વચ્ચે ટકરાવ શી રીતે હોઈ શકે? એમના વચ્ચે ફેર હોય તો ધર્મના પાલન અને ઉપયોગમાં જ, અને એની સાથે એક સેક્યૂલર સ્ટેટને કશી લેવાદેવા હોતી નથી.”

સપ્ટેમ્બર ૧૯૪૬માં ગાંધીજીએ એક ખ્રિસ્તી મિશનરીને કહ્યું: “હું સરમુખત્યાર બનું તો ધર્મ અને રાજ્ય જુદાં રાખીશ. મારા ધર્મમાં મારી નિષ્ઠા અચળ છે. એના માટે હું મરી જઈશ, પણ એ મારી અંગત બાબત છે. રાજ્યને એની સાથે કશો સંબંધ નથી. રાજ્ય સેક્યૂલર બાબતોમાં, આરોગ્ય, સંપર્ક અને અવરજવર, વિદેશો સાથેના સંબંધો, ચલણ વગેરે બાબતોની કાળજી લેશે, પણ તમારા કે મારા ધર્મની નહીં. એ સૌનો અંગત વિષય છે !”

ગાંધીજીએ આઝાદીના એક જ દિવસ પછી, ૧૬મી ઑગસ્ટે કોલકાતાની સ્કૉટિશ ચર્ચ કૉલેજના રેવરંડ કેલાસ સાથેની વાતચીત કરી તેમાં પણ આ મુદ્દો ચર્ચાયો. એનો રિપોર્ટ ૨૪મી ઑગસ્ટે ‘હરિજન’માં છપાયોઃ ” ગાંધીજીએ એવો અભિપ્રાય આપ્યો કે રાજ્ય તો સેક્યૂલર જ હોવું જોઈએ. એ કોઈ ધાર્મિક શિક્ષણને જનતાના પૈસામાંથી ટેકો ન આપી શકે. રાજ્યમાં રહેતા દરેક જણ, દેશના સર્વસમાન કાયદાનું પાલન કરતો હોય ત્યાં સુધી એને પોતાનો ધર્મ વિના અવરોધે પાળવાનો અધિકાર હોવો જોઈએ. કોઈ મિશનરીઓના કામમાં પણ દરમિયાનગીરી ન કરવી જોઈએ, પરંતુ વિદેશી હકુમતમાં જેમ મિશનને રાજ્યનું સંરક્ષણ મળતું હતું તે હવે ન મળી શકે.” એમના આ અભિપ્રાયનો પડઘો બંધારણની ૨૫, ૨૬, ૨૭મી કલમમાં ઝિલાયો છે.

બીજા જ દિવસે, ૧૭મી ઑગસ્ટે ગાંધીજીએ નારકેલડાંગામાં ભાષણ કર્યું. ‘હરિજન’માં એનો રિપોર્ટ છપાયો છે તે પ્રમાણે ગાંધીજીએ કહ્યું કે રાજ્યે તો સંપૂર્ણપણે ધર્મનિરપેક્ષ રહેવું પડશે. રાજ્યની કોઈ પણ ધાર્મિક સંસ્થાને રાજ્યનો પ્રશ્રય ન મળી શકે. “આમ બધા નાગરિકો કાયદાની નજરમાં સમાન હશે.” તે પછી ૨૨મી ઑગસ્ટે કલકત્તાના દેશબંધુ પાર્કમાં સભામાં બોલતાં ગાંધીજીએ ફરી એ જ વાત કરીઃ “ ધર્મ અંગત બાબત છે અને આપણે એને અંગત બાબત જ રહેવા દઈશું તો આપણું રાજકીય જીવન બહુ સરળ થઈ જશે…. સરકારી અધિકારીઓ અને સામાન્ય લોકો સેક્યૂલર રાજ્ય બનાવવાની જવાબદારી લે અને એના માટે ખરા દિલથી કામ કરે તો દુનિયાની શાન વધે એવા ભારતનું આપણી નિર્માણ કરી શકશું.”

૧૯૪૭ની ૨૮મી નવેમ્બરે ગુરુ નાનક જયંતી નિમિત્તે બોલતાં એમણે સોમનાથના મંદિરના જીર્ણોદ્ધાર માટી સરકાર નાણાં ખર્ચે એવી શક્યતાનો વિરોધ કર્યો. એમણે કારણ આપ્યું, “છેવટે, આપણે સરકાર બધા માટે બનાવી છે. એ ‘સેક્યૂલર’ સરકાર છે, એટલે ધર્મના આધાર પર બનેલી સરકાર નથી., અથવા તો એમ કહો કે એ કોઈ એક ધર્મની સરકાર નથી. એટલે એ કોમના ધોરણે નાણાં ન ખર્ચી શકે.”

ધર્મનિરપેક્ષ રાજ્યની હિમાયત કરતી વખતે પણ ગાંધીજી જાણતા હતા કે આવા રાજ્યને સમાજનો ટેકો મળવો જોઈએ. એમને સેક્યૂલર રાજ્ય અને સમાજમાં રહેલા માનવતાવાદી ગુણો વચ્ચે ઐતિહાસિક અને સામાજિક સંબંધ દેખાતો હતો.

મૃત્યુથી છ દિવસ પહેલાં એમણે લખ્યું: “રચનાત્મક કાર્યકરોના સુવ્યવસ્થિત સંગઠનની જરૂર પડશે. લોકોની સેવા એ એમનું કામ રહેશે અને ઉત્કૃષ્ટ કામ એમનું બંધારણ હશે. પ્રધાનો આવી સંસ્થા પાસેથી પ્રેરણા મેળવશે. આ સંગઠન સેક્યૂલર સરકારને સલાહ અને માર્ગદર્શન આપશે”.

આજે આપણે જોવાનું છે કે ગાંધીચીંધી ધર્મનિરપેક્ષતા ફરી સજીવન થાય અને દેશમાં ફેલાયેલા ધર્મ આધારિત દ્વેષના વાતાવરણનો અંત આવે.

૦-૦-૦

શ્રી અનિલ નૌરિયાનો આભાર. એમનો મૂળ લેખ અહીં વાંચી શકાશે.

Gandhi lives on

ગાંધી મરશે નહીં

 આજના દિવસને ‘ગાંધીનિર્વાણ’ દિન તરીકે ઓળખવામાં આવે છે પણ મને લાગે છે કે ‘નિર્વાણ’ શબ્દ કડવી વાસ્તવિકતાને છુપાવી દે છે. ખરેખર આ ગાંધીની હત્યાનો, એમની શહીદીનો દિવસ છે. ગાંધીજીની પચાસમી પુણ્યતિથિના અરસામાં શ્રી નારાયણભાઈ દેસાઈએ લખેલો એક લેખ આજે પણ તાજો જ છે એટલે એનો મુક્તાનુવાદ પ્રકાશિત કરૂં છું

આ લેખ http://www.mkgandhi.org/articles/gandhi_liveon.htm પર અંગ્રેજીમાં ઉપલબ્ધ છે અને અહીં mkgandhi.orgના આભાર સાથે રજુ કરવાની તક લઉં છું. ( નોંધઃ શ્રી નારાયણભાઈ દેસાઈની ૧૦૮મી અને કદાચ અંતિમ ગાંધીકથાની આજે સાદરા મુકામે આજે ગાંધીની પૂર્ણાહુતિ થશે. -સંદર્ભઃ નિરીક્ષક ૧ફેબ્રુઆરીથી ૧૫મી ફેબ્રુઆરી ૨૦૧૩નો અંક).

xxx

ગાંધીજીની સામાન્ય ‘મોહન’માંથી ‘મહાત્મા’ બનવાની જીવનયાત્રામાં ઘણા વળાંક આવ્યા, પરંતુ આમ જુઓ તો, એમનું જીવન સીધી રેખા જેવું હતું. આ સીધી રેખાની શરૂઆત રામનામમાં એમની અવિચળ શ્રદ્ધાથી થાય છે. ઘરની નોકરાણી રંભાએ એમનામાં રામનિષ્ઠા આરોપી. તે પછી દક્ષિણ આફ્રિકામાં આધેડ વયે મીર આલમની લાઠી માથામાં ઝિંકાઈ ત્યારે પણ એમના હોઠે રામનામનો ઉચ્ચાર કર્યો અને તે પછી પચાસ વર્ષે એમની છાતી ગોળીથી વીંધાઈ ત્યારે પણ એમના મોઢામાંથી ‘હે રામ’ ઉદ્‍ગાર નીકળ્યો. આમ એમના  જીવનના ત્રણ મુખ્ય પડાવ –આરંભ, મધ્ય અને અંત – વખતે રામ અને રામાયણ એમની સાથે જ રહ્યાં. આ દેખાડે છે કે એમનું જીવન સીધી રેખા જેવું હતું અને એમની શ્રદ્ધા દોરા પર સરકતા મણકા જેમ સરકતી આગળ વધી.

ગાંધીજી દક્ષિણ આરિકાથી ભારત પાછા આવ્યા ત્યારે દેશના રાજકારણીઓ માટે ‘જહાલ ( ઉગ્રપંથી) અને મવાળ (નરમપંથી) એવા બે શબ્દો પ્રચલિત હતા.  કેટલાક બંદુક અને બોંબથી સ્વરાજ મેળવવા મથતા હતા. બીજો એક વર્ગ એવો હતો કે જેના માટે સ્વરાજની લડત માત્ર રાજકીય નહોતી, બલ્કે એનું     આધ્યાત્મિક પાસું પણ હતું. ગાંધીએ એમના સત્યાગ્રહમાં આ ચાર જુદાં જુદાં વલણોનો સમન્વય કર્યો. એમણે મવાળોની વિનમ્રતા લીધી અને જહાલોની તીવ્રતા લીધી. વળી ભગત સિંહ અને ખુદીરામ બોઝ જેવાની દેશ માટે સહર્ષ મરી ફીટવાની તૈયારી અને મહર્ષિ અરવિંદની ઉદાત્ત વિચારધારાનો એમાં ઉમેરો કર્યો અને દેશપ્રેમને ઊંચા સ્તરે પહોંચાડ્યો. એમના સત્યાગ્રહમાં પ્રેમનું તત્વ હતું, એટલે જ ગાંધીજી એમના વિરોધી અંગ્રેજોને પણ કહી શક્યા કે તેઓ ભારતને આઝાદ કરે તે એમના માટે પણ સારૂં હતું. એમના સત્યાગ્રહમાં હસતે મોઢે, હોઠે રામનામ સાથે મોતને ભેટવાની તૈયારીનું તત્વ હતું, એમાં સદીઓના ઘોર તમસના અંધકારમાંથી ઊઠીને  સક્રિયતાના રાજસી સ્તરે આવેલી ભારતની જનતાને સાત્વિકતાનું તેજ આપી શકે એવી આધ્યાત્મિક શક્તિ હતી. આપણા દેશના આ ચાર પાયાના સિદ્ધાંતોનો ગાંધીજીએ સમન્વય કર્યો. ગાંધીએ આપણને ભરોસો બંધાવ્યો છે કે “ હું મર્યા પછી પણ મૂંગો નહીં રહું.”

હું દહેગામ તાલુકાના વટવા ગામે ગયો હતો. આ ગામના લોકોની જમીનો અન્યાયી રીતે એમની પાસેથી ઝુંટવી લેવાઈ હતી. આના સામે લોકો શાંતિથી, પણ પૂરા જોશ સાથે સત્યાગ્રહ કરતા હતા. જમીનો ઝુંટવી લેનારા પ્રત્યે પણ એમના મનમાં સદ્‍ભાવ હતો. આ સત્યાગ્રહે મને ગાંધીના કથનનું સત્ય સમજાવી દીધું.

થોડાં વર્ષો પહેલાં સર્વોદય કાર્યકરોએ દાંડીથી સાબરમતી સુધી કૂચ કરી. સરકારે આયોડીનયુક્ત મીઠાને બદલે સાદું મીઠું વાપરવા પર પ્રતિબંધ મૂક્યો તે કેવો ગેરવાજબી છે તે દેખાડવાનો એમનો પ્રયાસ હતો. ગાંધીજીએ ૧૯૩૦માં જે કર્યું તેમાંથી જ ગુજરાત સર્વોદય મંડળને પ્રેરણા મળે  એના પરથી જ સમજી શકાય છે કે ગાંધી હજી મરવા તૈયાર નથી!

અહીંથી ૧૩,૦૦૦ માઇલ દૂર બ્રાઝિલમાં સાઓ પૌલો શહેર છે. એની એક કરોડ સિત્તેર લાખની વસતીમાંથી સિત્તેર લાખ લોકો ઝૂંપડાવાસી છે. બ્રાઝિલના ઉત્તર-પશ્ચિમના પ્રાંતોમાં ભૂખમરાનું સામ્રાજ્ય છે. કેટલાયે ભૂખ્યા લોકો પોતાનો પ્રાંત છોડીને સાઓ પૌલોમાં વસી ગયા.  સુખસુવિધાથી છલકાતા આ શહેરના લોકો તો એવા ગભરાયા કે એમણે છાપાંઓના તંત્રીઓને પત્રો લખીને માગણી કરી કે અનાજના દુકાનદારોને બંદુકનાં લાયસન્સ મળવાં જોઇએ, કારણ કે આ ભૂખ્યા લોકો એમની દુકાનો લૂંટી લે એવી ધાસ્તી છે. આવી નરાતાળ અમાનવીયતાથી ફાધર કુન્સને ભારે માનસિક દુઃખ પહોંચ્યું, કુન્સ પોતે પણ ઝૂંપડામાં જ રહેતા હતા. તેઓ ત્યાંના મુખ્ય ચર્ચમાં ગયા અને ૨૧ દિવસના ઉપવાસ શરૂ કર્યા. પહેલાં તો મોટા ભાગના લોકોએ એમને હસી કાઢ્યા, પરંતુ પછી થોડા માણસો એમની પાસે આવ્યા અને એમની સાથે ઉપવાસમાં જોડાવાની રજા માગી. ફાધર કુન્સે કહ્યું કે કોઈએ મારી સહાનુભૂતિમાં એક દિવસથી વધારે ઉપવાસ ન કરવો. હું તો કહું છું કે જેમને ભૂખ્યા શરણાર્થીઓ માટે ખરી સહાનુભૂતિ હોય એમણે પોતાના ઘર પાસે એક બોર્ડ મૂકવું અને એમને ઘરે જમવા આવવા આમંત્રણ આપવું. એમને કહો કે અમારી પાસે અનાજ હશે ત્યાં સુધી પાંતી પાડીને ખાશું; ખાવાનું ખૂટી જશે ત્યારે અમે પણ તમારી સાથે પ્રાર્થનામાં જોડાઈ જશું. ફાધર કુન્સના ઉપવાસના છેલ્લા દિવસે સાઓ પૌલોનાં દસ હજાર કુટુંબો શરણાર્થીઓને ભોજનમાં ભાગ આપવા તૈયાર થઈ ગયાં હતાં. દુકાનદારોને બંદુકો આપવાનો વિચાર તો ક્યાંય હવામાં ઓગળી ગયો.

આપણને વિશ્વાસ થવો જોઇએ કે ફાધર કુન્સ જેવી વ્યક્તિઓ મારફત ગાંધી જીવે છે.

ઉત્તર ધ્રુવથી માત્ર ૩૦૦ માઇલ દૂર કૅનેડામાં આદિમ અમેરિકનોની એક  ઇન્નસ જાતિ વસે છે. હું ત્યાં ગયો તેનાથી થોડા વખત પહેલાં એક સ્થળે સત્યાગ્રહ થયો હતો. ઇન્નસનો જ એક પ્રતિનિધિ ચાર્લ્સ મને એની કારમાં આ સ્થળે લઈ ગયો. ત્યાં માછીમારોની વસતી છે. આખા વિસ્તારમાં બરફ છે. એ સ્થળે હવાઈ દળનાં વિમાનો કવાયત કરતાં. બહુ જ સ્પીડથી આવે, છેક નીચે ઊતરે, બસ, બોંબ ફેંકવાનું જ બાકી રહી જાય. પણ એના કાન ફાડી નાખે એવા અવાજને કારણે બરફની નીચે રહેતાં માછલાં મરી જતાં હતાં. આથી માણસોને ખાવાની તંગી પડવા માંડી. લોકો માનવશૄંખલા બનાવીને વિમાનઘરના એક માઇલના વિસ્તારની ફરતે ગોઠવાઈ ગયા. એમનો સત્યાગ્રહ સફળ થયો અને ત્યાં નૅટોનાં વિમાનોની કવાયત બંધ થઈ. ગાંધીજીનો પ્રાણ આ સત્યાગ્રહમાં ધબકતો હતો.

ચાર્લ્સ મને લઈને જતો હતો ત્યારે એણે મને મારા જીવન વિશે પૂછ્યું. દેખીતું છે કે મેં એને ગાંધીજીના સાબરમતી આશ્રમ ‘હૃદયકુંજ’માં વીતેલા મારા બાળપણની પણ વાત કરી. મેં કહ્યું કે અમે બધાં બાળકો ગાંધીજી સાથે ફરવા જતાં અને સાબરમતી જેલના  દરવાજાને અડકીને આશ્રમે પાછાં ફરતાં. ઓચિંતી જ ચાર્લ્સે કાર ધીમી કરી નાખી. મેં પૂછ્યું કે શું થયું? ચાર્લ્સે કહ્યુઃ “ચમત્કાર..બસ, ચમત્કાર જ થયો.” મને સમજાયું નહીં. ચાર્લ્સે કહ્યું કે “મને સપનેય ખ્યાલ નહોતો કે ગાંધી સાથે રહી હોય એવી વ્યક્તિને હું કદી પણ જીવનમાં મંળી શકીશ. ગાંધીએ જેના ખભે હાથ મૂક્યો હોય એવી કોઈ વ્યક્તિ મારી કારમાં?! આ ચમત્કાર નથી તો શું છે?”

આમ ગાંધી જીવ્યા જ કરે છે. માત્ર સર્વોદય કાર્યકરોમાં નહીં, દુનિયાના કોઈ પણ ખૂણામાં.

આજે ભારતની જેમ આખી દુનિયામાં સ્ત્રીઓ જાગૃત થઈ ગઈ છે અને સ્ત્રી હોવાના કારણસર એમને થતા અન્યાય સામે અહિંસક આંદોલનના માર્ગે લડત ચલાવે છે. દલિતો પણ અહિંસક અને શિસ્તબદ્ધ રીતે અન્યાયો સામે લડે છે. હું માનું છું કે આ બધામાં ક્યાંકને ક્યાંક ગાંધીનો શ્વાસ ચાલે છે.

આપણે એમ માનતા હોઇએ કે ગાંધીજીની હત્યાને આટલાં વર્ષો થઈ ગયાં એટલે હવે ગાંધીયુગ તો સમાપ્ત થઈ ગયો, તો એ આપણો ભ્રમ છે. એવું પણ બને કે ગાંધી યુગ કદાચ હવે જ શરૂ થતો હોય. આજે એનં પ્રાથમિક એંધાણૉ જોવા મળે છે. ગાંધીજી હયાત છે; જરૂર છે આપણે પોતે આ વાત ખાતરી પૂર્વક માનીએ.

સામાન્ય રીતે તો ‘સ્વરાજ’નો અર્થ એવો જ થાય કે પોતાનું શાસન. પરંતુ ગાંધીએ કહ્યું કે સ્વરાજ એટલે પોતાના ઉપરનું શાસન. આપણે સ્વરાજની વાત કરતા હોઇએ તો આપણે આપણી જાત પર સૌ પહેલાં કાબુ મેળવવો જોઇએ. પહેલા અર્થમાં સુખોપભોગ અને ઉપભોક્તાવાદી સંસ્કૃતિ છે, તો બીજા અર્થમાં ત્યાગ અને અંતરાત્માની સંસ્કૃતિની ઝલક છે.

ગાંધીજીએ તો છેક ૧૯૦૯માં સૌ પહેલી વાર આ વિચાર વહેતો કર્યો. આજે આ બે સંસ્કૃતિઓ વચ્ચેનો સંઘર્ષ આપણા જીવનમાં, આપણાં કુટુંબોમાં અને રોજબરોજના જીવનની ઘટનાઓમાં સ્પષ્ટપણે દેખાવા લાગ્યો છે. આ આત્મકેન્દ્રિત સંસ્કૃતિનું બારીકાઈથી વિશ્લેષણ કરવાની જરૂર છે. આજે માણસે બીજા વિશે ફિકર કરવાનું છોડી દીધું છે અને ઝેરી વાયુઓ પેદા કર્યા કરે છે. આવતીકાલનું તો એ વિચારતો જ નથી. માણસ પોતે જ માનવજાતને આત્મહત્યા ભણી લઈ જાય છે. આજે દુનિયાભરના ચિંતકો આ અનિવાર્ય ખતરા તરફ માણસને સજાગ કરવાના પ્રયાસ કરે છે અને મને લાગે છે કે આવતીકાલનો ગાંધી આપણે સાથે પર્યાવરણવાદીની ભાષામાં વાત કરશે.

 

%d bloggers like this: