Half way with Gandhiji

બીજી ઑક્ટોબરે ગાંધી જયંતી નિમિત્તે દિલ્હીના ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાં ગુજરાતના ગાંધીવાદી ચિંતક અને નિરીક્ષકના તંત્રી પ્રકાશભાઈ શાહે વ્યાખ્યાન આપ્યું. વ્યાખ્યાનમાળાનો આ વર્ષનો વિષય હતોઃ “ગાંધી આજ સે આગે”. એમનું ભાષણ તો બહુ મનનીય રહ્યું; અહીં એના પર નુકતેચીની કરવાનો વિચાર નથી. પરંતુ ભાષણ ચાલતું હતું ત્યારે, અને તે પછી મગજમાં એના પડઘા રૂપે જે વિચારો પેદા થયા તેની જ નોંધ લેવી છે.

ગાંધીજીના જવા પછી એક સવાલ અવારનવાર પુછાતો રહ્યો છેઃ “આજે ગાંધીજી હોત તો?” ગાંધીજીના જીવનકાર્યની સાર્થકતા આ સવાલમાં છે. સત્ય એ છે કે આ બીજી ઑક્ટોબરે ગાંધીજીની ૧૪૮મી જન્મ જયંતી હતી. એટલે એ જ ગાંધીજી આજે ન જ હોય. એમણે ૧૨૫ વર્ષ જીવવાની ઇચ્છા જાહેર કરી હતી એટલે એ ઇચ્છા ફળીભૂત થઈ હોત તો પણ આજથી ૨૩ વર્ષ પહેલાં ૧૯૯૪માં એમણે વિદાય લઈ લીધી હોત. એવું કયું કામ અધૂરું રહી ગયું કે જે ગાંધીજીએ જીવતા રહીને પૂરું કરવાનું હતું? અથવા તો એમણે આપણી વચ્ચે હોવું જ જોઈએ, એમ માનવાનો આપણો અધિકાર કેટલો?

અહીં મને ઇસ્લામના સ્થાપક પયગંબર મહંમદ યાદ આવે છે. એમનો જવાનો સમય થયો ત્યારે એમણે જાહેર કરી દીધું કે મેં તમારા માટે ધર્મને પરિપૂર્ણ બનાવી દીધો છે; હવે બીજો કોઈ પયગંબર નહીં આવે. એટલે કે મહંમદ છેલ્લા પયગંબર હતા. જો કે આજે પણ એ વિવાદનો વિષય છે કે “છેલ્લા”નો અર્થ શો? એમના સમય સુધી થઈ ગયેલા બધા પયગંબરોમાં છેલ્લા કે એમના સાથે પયગંબર પરંપરાનો જ અંત આવે છે? આ ધાર્મિક વાદવિવાદમાં મારે નથી પડવું; હું અહીં એટલા માટે યાદ કરું છું કે એમનો સંદેશ સ્પષ્ટ હતો કે હવે એમના બધા અનુયાયીઓએ પોતાની રીતે ધર્મનું પાલન કરવાનું છે. આ રીતે મહંમદ સાહેબ દરેક અનુયાયીને સારી રીતે જીવવાની જવાબદારી સોંપતા ગયા કે એમણે કોઈ દૈવી મદદની કે નવા માર્ગદર્શનની આશા રાખવાની નથી, જાતે જ જીવવાનું છે.

આપણે શા માટે ઇચ્છતા હોઈએ છીએ કે કોઈ એક માણસ આવે અને આપણને સતત દોરતો રહે? ગાંધીજીએ જેટલું કર્યું તે ઘણું છે, તે પછી પણ એ રસ્તે ગાંધીજી હોય તો જ આપણે ચાલીએ, એ વળી કેવું?

એક સામાન્ય માણસની જેમ ગાંધીજીનું જીવન શરૂ થયું હતું. “પુત્રનાં લક્ષણ પારણાંમાંથી” જેવું તો એમના જીવનમાં કંઈ જ નહોતું. લંડન ભણવા ગયા તો ત્યાં પણ બહુ ઓછાબોલા, શરમાળ જ રહ્યા. વેજીટેરિયન સોસાઇટીમાં બોલવાના હતા. શરૂઆત એક રમૂજથી કરવી એમ નક્કી કર્યું હતું પણ ઊભા થયા અને લખેલું ભાષણ વાંચવાનું શરૂ કર્યું ત્યારે એવા નર્વસ થઈ ગયા કે લખેલું વંચાય જ નહીં! અંતે બીજા કોઈએ એમનું ભાષણ વાંચી સંભળાવ્યું.

આવો જુવાનિયો દક્ષિણ આફ્રિકા પહોંચે છે, ત્યાં ટ્રેનની મુસાફરી દરમિયાન એને સામાન સહિત બહાર ધક્કો મારી દે છે. આપણી સાથે આવું બન્યું હોય તો આખી રાત પ્લેટફૉર્મ પર ટાઢે થરથરતાં આપણા મનમાં શું વિચારો આવે? એ બધા જ વિચાર એમને પણ આવ્યા, પરંતુ છેલ્લે જે વિચાર આવ્યો તે ટકી ગયોઃ પાછા તો જવાય જ નહીં અને આ માત્ર એમનું અપમાન નહોતું, દક્ષિણ આફ્રિકાના શાસકોની નીતિનું પરિણામ હતું. પોતાના વ્યક્તિગત અપમાનને એમણે સાર્વત્રિક બનાવી દીધું.પછી જે સંઘર્ષ શરૂ થયો તે, આમ તો માત્ર મધ્યમવર્ગીય હિન્દીઓ માટે હતો પણ સંઘર્ષ દરમિયાન જ એમને ગિરમીટિયાઓનો પરિચય થયો અને એમનો સંઘર્ષ વિસ્તર્યો, એટલું જ નહીં પણ એમનો દૃષ્ટિકોણ પણ વિસ્તર્યો. આ પહેલાં આફ્રિકાના મૂળ વતનીઓ માટે એમને કંઈ બહુ આદર નહોતો પણ સંઘર્ષ દરમિયાન દૃષ્ટિકોણનો વિસ્તાર થતાં આફ્રિકાની કાળી પ્રજા માટે પણ એમના મનમાં જગ્યા બની. આમ ગાંધી સતત વિકસતા રહ્યા. બ્રિટીશ સામ્રાજ્યના વફાદાર નાગરિકમાંથી એ ‘રાજદ્રોહી’ બની ગયા અને જ્યારે રાજદ્રોહનો કેસ ચાલ્યો ત્યારે કબૂલ્યું કે એ પોતે સામ્રાજ્ય પ્રત્યે ભક્તિભાવથી જોતા હતા પણ વર્ષોના નિરીક્ષણ પછી એમને એ શાસન આસુરી શાસન લાગવા માંડ્યું હતું. આ શાસનના પતન માટે કામ કરવું તે સત્તાની નજરે ભલે રાજદ્રોહ હોય, એમની નજરે ધર્મકાર્ય હતું. કેટલું મોટું પરિવર્તન?

સત્ય અને અહિંસા તો વ્યક્તિગત રીતે સ્વાભાવિક મનાય પણ રાજકીય ક્ષેત્રે તો એનો ઉપયોગ કોઈએ કર્યો નહોતો. પરંતુ શું અહિંસા એમનો મુખ્ય સંદેશ છે? મને લાગે છે કે, અહિંસા એમનો મુખ્ય સંદેશ નથી. ગાંધીજીનો મૂળ સંદેશ જનતાને સંગઠિત કરીને અન્યાય સામે લડવાનો છે. જનતાની શક્તિ જાગે તો શસ્ત્રોની જરૂર પણ ન પડે. ફિલિપીન્સમાં રાષ્ટ્રપતિ ફર્ડીનાંડ માર્કોસ અને એમની પત્ની ઇમેલ્ડા માર્કોસના અત્યાચારી આપખુદ શાસન સામે જનતાના રોષનું નેતૃત્વ બેનિન્યો અકીનો ‘નિનોય’ સંભાળતા હતા. એમને મોતની સજા કરવામાં આવી હતી પરંતુ તબીયત લથડતાં સરકારે એમને દેશ છોડી જવાની છૂટ આપી. તે પછી એ ગાંધીજી પ્રભાવમાં આવ્યા. રિચર્ડ ઍટનબરોની ‘ગાંધી; ફિલ્મ જોઈને એમણે નક્કી કર્યું કે દેશ માટે શ્રેષ્ઠ ત્યાગ તો પોતાનું બલિદાન આપવાનો છે. એ ફિલિપીન્સ પાછા ફર્યા. વિમાનમાંથી નીકળ્યા કે માર્કોસના સૈનિકોએ એમને ગોળીએ દઈ દીધા.પરંતુ એનાથી તો જનતામાં અદમ્ય વિરોધ જાગ્યો. ફિલિપીન્સના રસ્તા લોકોથી ઊભરાવા લાગ્યા. માર્કોસે એમને દબાવી દેવા માટે ટેંકો મોકલી, પણ લોકો ટેંકોની સામે સૂઈ ગયા. જનતાના આ અહિંસક આંદોલન સામે મહા અત્યાચારી શાસકે નમવું પડ્યું. અને કોરાઝોન અકીનો રાષ્ટ્રપતિ બન્યાં.

ઈજિપ્તના તહેરીર સ્ક્વેર આંદોલનમાં લોકો ગાંધીને યાદ કરતા હતા. બ્રિટનના ઑક્યૂપાય વૉલ સ્ટ્રીટ આંદોલનમાં લોકો ગાંધીજીના ફોટાઓ સાથે બેઠા હતા.

સવાલ એ છે કે બધી જગ્યાએ, જ્યાં પણ જનઆંદોલન હોય છે ત્યાં ગાંધી હાજર હોય છે.

એમણે જનઆંદોલનનો અહિંસક માર્ગ દેખાડીને આપણને અડધે રસ્તે લાવી મૂક્યા. બાકીનો અડધો રસ્તો તો આપણે પોતે જ પાર કરવાનો રહે છે. ગાંધીજી આજે પણ હયાત છે. આપણે જોઈ શકતા નથી એ એમનો વાંક નથી. ગાંધી આજ સે આગે છે કે નહીં તે પ્રશ્ન અસ્થાને છે. ખરો પ્રશ્ન એ છે કે આપણે ગાંધીને ‘આજ સે આગે’ જવા દેવા માગીએ છીએ કે કેમ.

૦-૦-૦

Gandhiji, Secularism and State

http://webgurjari.in/2015/01/30/maari-baari_33/
Mahatma_Gandhi_rainbow stamp

ગાંધીજી, ધર્મનિરપેક્ષતા અને રાજ્યસત્તા

૩૦મી જાન્યુઆરી એ મહાત્મા ગાંધીનો શહીદી દિન છે. હાલમાં ગાંધીજીના હત્યારા ગોડસેની પુનઃપ્રતિષ્ઠા માટે એની પ્રતિમાઓ સ્થાપવાની હિલચાલ ચાલે છે તે સંદર્ભમાં આ ૩૦મી જાન્યુઆરી મહત્ત્વની બની રહે છે. નાથુરામ ગોડસેનો આક્ષેપ એ હતો કે ગાંધીજીને કારણે દેશના ભાગલા પડ્યા, ગાંધીજી હિન્દુઓની વિરુદ્ધ મુસલમાનોનું સમર્થન કરતા હતા. કમ્યુનિસ્ટોનો ગાંધીજી પર આક્ષેપ એ હતો કે એમણે પોતાની જાહેર પ્રવૃત્તિઓ માટે હિન્દુ ધર્મનાં પ્રતીકોનો ઉપયોગ કર્યો, જેમ કે રામરાજ્યની સંકલ્પના, ગીતાનો આધાર લેવો વગેરે. આમ મહાત્મા ગાંધીને બન્ને અંતિમ છેડા પર ટીકાકારો મળે છે. આજે દેશમાં સ્વાતંત્ર્ય સંગ્રામ વખતના કોઈ પણ નેતાનું નામ લેશો તો એનો બચાવ કરનાર મળી આવશે. આંદામાનની જેલમાંથી માફી માગીને બહાર આવ્યા પછી સ્વાતંત્ર્ય સંઘર્ષથી છેડો ફાડી નાખનારા સાવરકર અને એમના અનુયાયી નાથુરામ ગોડસે સુદ્ધાંનો બચાવ કરનાર કોઈ ને કોઈ મળી આવશે, પણ મહાત્મા ગાંધીના નામ પર જેને જે લાંછન લગાડવું હોય તેને સંપૂર્ણ આઝાદી છે.

હકીકતમાં ગાંધીજી શું હતા? હિન્દુવિરોધી? મુસલમાનોના હિમાયતી? ઢીલાઢફ હિન્દુ? નાસ્તિક હતા કે આસ્તિક? ખરું પૂછો તો ગાંધીજી એક આધુનિક વિચારો ધરાવનારા, દેશના અને પશ્ચિમના કોઈ પણ નેતાથી વધારે પ્રબુદ્ધ અને સમર્થ નેતા હતા. આટલું મોટું જનસમર્થન કદીયે કોઈ નેતાને મળ્યું નથી. આજે પણ એમના પર પુસ્તકો લખાય છે. કોઈ એમને સંત, તો કોઈ રાજકારણી-સંત અને કોઈ ખંધા રાજકારણી માને છે, પણ ઇતિહાસ એમને આટલાં વર્ષો પછી પણ હાંસિયામાં ધકેલી શક્યો નથી. ઉલટું, રાજ્યસત્તા્ની શક્તિ અને એની ફરજો, નાગરિકોની જવાબદારીઓ, વિકેન્દ્રીકરણની આવશ્યકતા, પર્યાવરણનું રક્ષણ વગેરે અનેક વિષયોમાં એમણે જે કંઈ કહ્યું છે તે આજે પણ સાચું પડતું જણાય છે.
gandhiji -2

પરંતુ આજે એમના ધર્મનિરપેક્ષ વિચારો જાણીએ. જાણીતા ગાંધીવાદી વિદ્વાન અનિલ નૌરિયા કહે છે કે ઓગણીસમી સદીના મધ્ય સુધી Secularism શબ્દ બહુ પ્રચલિત નહોતો. ધર્મગુરુઓ મોટા ભાગે અજ્ઞાનીઓ અને ધર્મદીક્ષા વિનાના લોકો માટે વાપરતા. ઓગણીસમી સદીના મધ્યમાં ચાર્લ્સ બ્રૅડલૉ અને હોલ્યોક આ શબ્દને રાજકારણના ક્ષેત્રમાં લાવ્યા. પરંતુ, એ શબ્દ બહુ પ્રચલિત ન થયો. અબ્રાહમ લિંકને એક જ વાર આ શબ્દ વાપર્યો છે.

ભારતમાં પણ ૧૯૩૧ સુધી Secularism શબ્દ પ્રચલિત નહોતો. ૧૯૨૮માં મોતીલાલ નહેરુ કમિટીએ ભારતીય બંધારણના સિદ્ધાંતો વિશેનો રિપોર્ટ આપ્યો તેમાં ધર્મનિરપેક્ષતાની ભાવના તો છે, પણ આ શબ્દ નથી વપરાયો. પણ ૧૯૩૧માં કોંગ્રેસના કરાંચી અધિવેશનના ઠરાવમાં પણ એનો ઉપયોગ નથી થયો.

૧૯૩૩ પછી ગાંધીજીનાં ઘણાં લખાણોમાં આ શબ્દનો ઉપયોગ જોવા મળે છે. એ વખતે મધ્યસ્થ ધારાસભા સમક્ષ બે બિલ હતાં, જેમાંથી એક અસ્પૃશ્યતા વિરુદ્ધ હતો. ગાંધીજીએ ૧૯૩૩ની છઠ્ઠી મેના રોજ એના સમર્થનમાં લખ્યું કે “આવી પ્રથાને સેક્યૂલર રાજ્યના કાયદાનું સમર્થન ન મળવું જોઈએ.”. ફરી એ જ વર્ષના નવેમ્બરમાં એમણે આ બિલનો બચાવ કર્યો. બિલની ટીકા એવી હતી કે રાજ્ય ધર્મની બાબતમાં અણખપતો (Undue) હસ્તક્ષેપ કરે છે.ગાંધીજીએ લખ્યું કે ઘણી વાર એવી સ્થિતિ પેદા થતી હોય છે કે ધર્મમાં પણ હસ્તક્ષેપ કરવાનું રાજ્ય માટે જરૂરી બની જાય છે; માત્ર એ Undue હસ્તક્ષેપ ન હોવો જોઈએ.

અનિલ નૌરિયા The Collected works of Mahatma Gandhiમાંથી ટાંકતાં લખે છે કે, જાન્યુઆરી ૨૭, ૧૯૩૫ના રોજ ગાંધીજીએ મધ્યસ્થ ધારાસભાના કેટલાક સભ્યોને સંબોધન કરતાં કહ્યું કે “સમગ્ર હિન્દુ સમાજ અસ્પૃશ્યતાને નાબૂદ કરવાનો વિરોધ કરતો હોય તો પણ મારી સલાહ છે કે ઍસેમ્બ્લી જેવા સેક્યૂલર ધારાગૃહે આ વલણને સાંખી ન લેવું જોઈએ.”

૧૯૪૨ની ૨૦મી જાન્યુઆરીએ પાકિસ્તાન સ્કીમની ચર્ચા કરતાં ગાંધીજીએ લખ્યું: “રેવન્યુ, સ્વચ્છતા, પોલીસ, ન્યાય અથવા તો સાર્વજનિક સુવિધાઓ જેવી બાબતોમાં હિન્દુઓ અને મુસલમાનોનાં હિતો વચ્ચે ટકરાવ શી રીતે હોઈ શકે? એમના વચ્ચે ફેર હોય તો ધર્મના પાલન અને ઉપયોગમાં જ, અને એની સાથે એક સેક્યૂલર સ્ટેટને કશી લેવાદેવા હોતી નથી.”

સપ્ટેમ્બર ૧૯૪૬માં ગાંધીજીએ એક ખ્રિસ્તી મિશનરીને કહ્યું: “હું સરમુખત્યાર બનું તો ધર્મ અને રાજ્ય જુદાં રાખીશ. મારા ધર્મમાં મારી નિષ્ઠા અચળ છે. એના માટે હું મરી જઈશ, પણ એ મારી અંગત બાબત છે. રાજ્યને એની સાથે કશો સંબંધ નથી. રાજ્ય સેક્યૂલર બાબતોમાં, આરોગ્ય, સંપર્ક અને અવરજવર, વિદેશો સાથેના સંબંધો, ચલણ વગેરે બાબતોની કાળજી લેશે, પણ તમારા કે મારા ધર્મની નહીં. એ સૌનો અંગત વિષય છે !”

ગાંધીજીએ આઝાદીના એક જ દિવસ પછી, ૧૬મી ઑગસ્ટે કોલકાતાની સ્કૉટિશ ચર્ચ કૉલેજના રેવરંડ કેલાસ સાથેની વાતચીત કરી તેમાં પણ આ મુદ્દો ચર્ચાયો. એનો રિપોર્ટ ૨૪મી ઑગસ્ટે ‘હરિજન’માં છપાયોઃ ” ગાંધીજીએ એવો અભિપ્રાય આપ્યો કે રાજ્ય તો સેક્યૂલર જ હોવું જોઈએ. એ કોઈ ધાર્મિક શિક્ષણને જનતાના પૈસામાંથી ટેકો ન આપી શકે. રાજ્યમાં રહેતા દરેક જણ, દેશના સર્વસમાન કાયદાનું પાલન કરતો હોય ત્યાં સુધી એને પોતાનો ધર્મ વિના અવરોધે પાળવાનો અધિકાર હોવો જોઈએ. કોઈ મિશનરીઓના કામમાં પણ દરમિયાનગીરી ન કરવી જોઈએ, પરંતુ વિદેશી હકુમતમાં જેમ મિશનને રાજ્યનું સંરક્ષણ મળતું હતું તે હવે ન મળી શકે.” એમના આ અભિપ્રાયનો પડઘો બંધારણની ૨૫, ૨૬, ૨૭મી કલમમાં ઝિલાયો છે.

બીજા જ દિવસે, ૧૭મી ઑગસ્ટે ગાંધીજીએ નારકેલડાંગામાં ભાષણ કર્યું. ‘હરિજન’માં એનો રિપોર્ટ છપાયો છે તે પ્રમાણે ગાંધીજીએ કહ્યું કે રાજ્યે તો સંપૂર્ણપણે ધર્મનિરપેક્ષ રહેવું પડશે. રાજ્યની કોઈ પણ ધાર્મિક સંસ્થાને રાજ્યનો પ્રશ્રય ન મળી શકે. “આમ બધા નાગરિકો કાયદાની નજરમાં સમાન હશે.” તે પછી ૨૨મી ઑગસ્ટે કલકત્તાના દેશબંધુ પાર્કમાં સભામાં બોલતાં ગાંધીજીએ ફરી એ જ વાત કરીઃ “ ધર્મ અંગત બાબત છે અને આપણે એને અંગત બાબત જ રહેવા દઈશું તો આપણું રાજકીય જીવન બહુ સરળ થઈ જશે…. સરકારી અધિકારીઓ અને સામાન્ય લોકો સેક્યૂલર રાજ્ય બનાવવાની જવાબદારી લે અને એના માટે ખરા દિલથી કામ કરે તો દુનિયાની શાન વધે એવા ભારતનું આપણી નિર્માણ કરી શકશું.”

૧૯૪૭ની ૨૮મી નવેમ્બરે ગુરુ નાનક જયંતી નિમિત્તે બોલતાં એમણે સોમનાથના મંદિરના જીર્ણોદ્ધાર માટી સરકાર નાણાં ખર્ચે એવી શક્યતાનો વિરોધ કર્યો. એમણે કારણ આપ્યું, “છેવટે, આપણે સરકાર બધા માટે બનાવી છે. એ ‘સેક્યૂલર’ સરકાર છે, એટલે ધર્મના આધાર પર બનેલી સરકાર નથી., અથવા તો એમ કહો કે એ કોઈ એક ધર્મની સરકાર નથી. એટલે એ કોમના ધોરણે નાણાં ન ખર્ચી શકે.”

ધર્મનિરપેક્ષ રાજ્યની હિમાયત કરતી વખતે પણ ગાંધીજી જાણતા હતા કે આવા રાજ્યને સમાજનો ટેકો મળવો જોઈએ. એમને સેક્યૂલર રાજ્ય અને સમાજમાં રહેલા માનવતાવાદી ગુણો વચ્ચે ઐતિહાસિક અને સામાજિક સંબંધ દેખાતો હતો.

મૃત્યુથી છ દિવસ પહેલાં એમણે લખ્યું: “રચનાત્મક કાર્યકરોના સુવ્યવસ્થિત સંગઠનની જરૂર પડશે. લોકોની સેવા એ એમનું કામ રહેશે અને ઉત્કૃષ્ટ કામ એમનું બંધારણ હશે. પ્રધાનો આવી સંસ્થા પાસેથી પ્રેરણા મેળવશે. આ સંગઠન સેક્યૂલર સરકારને સલાહ અને માર્ગદર્શન આપશે”.

આજે આપણે જોવાનું છે કે ગાંધીચીંધી ધર્મનિરપેક્ષતા ફરી સજીવન થાય અને દેશમાં ફેલાયેલા ધર્મ આધારિત દ્વેષના વાતાવરણનો અંત આવે.

૦-૦-૦

શ્રી અનિલ નૌરિયાનો આભાર. એમનો મૂળ લેખ અહીં વાંચી શકાશે.

Satyagraha of Gandhian variety

મુન્નાભાઇ છાપ કેમિકલ લોચા

ધારો કે તમે નેતા છો. એક આંદોલન ચલાવો છો. એય…ને, સરઘસ કાઢ્યું છે. શરૂઆતમાં જ તમે ભાષણ કરો છો…”આપણું આંદોલન અહિંસક છે. સૌએ શાંતિ રાખવાની છે”… લોકો સરઘસમાં ચાલવા લાગે છે. સૂત્રો પોકારે છે. હવે જવાનું છે ડાબી બાજુ, સરઘસ વળે છે, જમણી બાજુ. “અરે, આ બાજુ…આ બાજુ!” હાકલાપડકારા થાય છે, કોઈ સાંભળતું નથી. પછી રોકનારા પોતે જ સરઘસની સાથે જમણી બા્જુ વળી જાય છે. હવે સરઘસમાં સૌ નેતા છે. શરૂ થાય છે તોડફોડ…પોલીસ તૂટી પડે છે. લોકો ભાગે છે. પોલીસ ગામમાં આવે છે. પંદર જણને પકડવા માગે છે…

તમે ધાર્યું જ છે કે તમે નેતા છો. હવે કહો શું કરશો? તમારા સાથીઓને પકડવામાં પોલીસને મદદ કરશો? તો તમે નેતા ન રહી શકો.

પણ વિક્રમસિંહ ચૌહાણ, વીનુભાઈ અમીન, ઊષાબેન પંડિત અને સાગર રબારી  જેવા નેતાઓ હોય તો એમના સાથીઓનો તો મરો જ થાય ને! લો, પંદર જણને પકડાવી દીધા! “ના. આપણાથી એમ ન કરાય…” અરે ભાઈ, આવું કરશો તો તમારો ભરોસો કોણ કરશે?

આ નેતાઓનાં મગજની તપાસ કરાવતાં નિદાન થયું કે એમના મગજમાં કૅમિકલ લોચા છે. યાદ છે ને, ‘લગે રહો મુન્નાભાઈ’ પણ આ ફિલ્મ બની તે પહેલાં જ એમના મગજમાં લોચા હતા, માત્ર નામ પછી મળ્યું આ બીમારીને. કાન પાકી જાય એટલી વાર આ દેશમાં સાંભળવા મળે છે કે “અમે બાપુચીંધ્યા માર્ગે આંદોલન કરીએ છીએ.”  બોલો ભલે… પણ ખરેખર તે કઈં એમ કરાતું હશે? ગાંડા તો નથી થયા ને? ક્યારેક તો એમ લાગવા માંડે કે બાપુ પણ આમ જ કરતા હશે. આપણે શું જાણીએ? નેતાઓ બધું જાણે…એમને ખબર, બાપુ શું કરતા તે.

એટલે, ધારો કે તમે નેતા ન હો અને માત્ર કોઈ સરઘસમાં હાથ ઉલાળતા, ગળું ફાડીને નારા પોકારતા ચાલતા હો તો સૌ પહેલાં ખાતરી કરી લેજો કે તમારા નેતાનો દાક્તરી રિપોર્ટ શું કહે છે…એના મગજમાં કૅમિકલ લોચા તો નથી ને?

૦-૦-૦-૦

ગુજરાતના પાટનગર ગાંધીનગરથી પચાસેક કિલોમીટર દૂર દહેગામ તાલુકાનું ગામ લવાડ. વસ્તી – માણસ પાંચ હજાર; ઢોરઢાંખર પાંચ હજાર. મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન. માણસના ભરોસે પશુ નભે, પશુના ભરોસે માણસ. ગામમાં ગોચરની જમીન ઢોરઢાંખર અને માણસનો સહારો. સૌ સંતોષથી જીવે છે.

કલાપિની પેલી કવિતા-કથા યાદ છે ને? એક રાજા મારતે ઘોડે જાય છે. રસ્તામાં થાકનો માર્યો એક ખેતરમાં જાય છે અને પાણી માગે છે. ખેડૂત પાણીને બદલે કળશિયો ભરીને તાજી શેરડી પીલીને રસ આપે છે. એ જાણતો નથી કે આ તો રાજા છે. આ બાજુ રાજા વિચારે છેઃ એક જ સાંઠામાંથી આટલો રસ? આવી સારી જમીન તો મારી પાસે હોવી જોઈએ. એ બીજી વાર રસ માગે છે. ખેડૂત બીજો સાંઠો પીલે છે. પણ રસ નીકળતો નથી! રાજા વિમાસણમાં. આમ કેમ? એણે ખેડૂતને પૂછ્યું. ખેડૂત બોલ્યોઃ “દયાહીન થયો નૃપ…” રાજાના મનમાં મેલ પેઠો છે એટલે રસ સુકાઈ ગયો. રાજાની નજર બગડે ત્યારે સૌ પહેલાં તો રાજ બગડે.

૧૯૭૬માં સરકારની નજર લવાડના ગોચર પર બગડી અને જમીનમાં ઝાડ નથી વાવ્યાં, કહીને એને પડતર જાહેર કરી. “દયાહીન થયો નૃપ…” ગામવાસીઓને કોણ પૂછે? એ તો ગામડિયા. ગમાર. શું જાણે કાગળપત્તર, શું જાણે રાજકાજ?

કોઈનેય પૂછ્યાગાછ્યા વિના સરકારે ૨૩૫ એકર જમીન રક્ષાશક્તિ યુનિવર્સિટી માટે ફાળવી દીધી. યુનિવર્સિટીએ પોતાની જમીન ફરતે તારની વાડ ઊભી કરી દીધી. દરવાજો બનાવી દીધો. કામચલાઉ ઑફિસ પણ શરૂ કરી દીધી. અબોલ જીવ મોં વકાસીને ગામવાસીઓને જુએઃ અમારે ખાવું શું? અબોલનો બોલ કાને પડતાં ગામવાસીઓનાં મોઢાં સિવાઈ ગયાં. શું કરવું? ચણભણાટ શરૂ થયો. સરપંચની ચૂંટણી આવી. ચણભણાટ ખળભળાટ બની ગયો હતો, ચૂંટણી આવતાં તો એ સળવળાટ બની ગયો. ગોચર જમીન ચૂંટણીનો મુખ્ય મુદ્દો બની ગઈ.

મહિલા અનામત બેઠક પર ઊષાબેન જીતી ગયાં. અને ગોચર જમીનને બચાવવાની હિલચાલે જોર પકડ્યું. મે મહિનામાં આસપાસનાં ગામોના લોકોની અને બીજા કાર્યકરોની મોટી મીટિંગ મળી. જઈફ નેતા ચૂનીકાકાના આશીર્વાદ, સહકાર મળ્યાં. ગામવાસીઓએ ગોચર જમીન પાછી મેળવવા માટે આંદોલન કરવાનું નક્કી કર્યું અને ગ્રામસ્વરાજ સમિતિ બનાવી.

૧૯૪૨ની નવમી ઑગસ્ટે ગાંધીજીએ ‘ભારત છોડો’નું એલાન આપ્યું હતું, એટલે ફરી સિત્તેર વર્ષે લવાડવાસીઓએ ૨૦૧૨ની નવમી ઑગસ્ટે ગોચર જમીન પાછી કબજામાં લેવા માટે સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું. ગામનાં પશુઓને ચરિયાણ જમીનમાં છૂટાં મેલી દેવાનો કાર્યક્રમ હતો. તંત્ર ગમે તે કરે. અહિંસક રહેવાનું હતું.  બપોરે બાર વાગ્યે કાર્યક્રમ શરૂ કરવાનો હતો પણ ઉત્સાહી ગામલોકો અગિયાર વાગ્યે જ એકઠા થઈ ગયા. આગેવાનો આગળ અને પાછળ ગામવાસીઓ. સરઘસ નીકળ્યું આગલી રાતે ભારે વરસાદ થવાથી કાદવ કીચડથી રસ્તો ખદબદતો હતો, પણ ઉત્સાહને કીચડની શી પરવા? સૌએ સભાસ્થળે પહોંચવાનું હતું. એ જગ્યા રસ્તાની ડાબી બાજુએ અને યુનિવર્સિટીનો ઝાંપો જમણી બાજુ. બૈરાં છોકરાં તો ડાબી બાજુ વળ્યાં પણ લબરમૂંછિયા જુવાનો ઝાલ્યા ઝલાય નહીં. એ વળ્યા ઝાંપા ભણી. વળ્યા શું સીધા દરવાજા પર તૂટી પડ્યા. ઝાંપો થયો ભોંયભેગો. પછી ખુરશીઓ ઝાપટે ચડી. તોફાનનો નશો હવે મગજમાં પહોંચી ગયો હતો.. ફૂલોનાં કૂંડાં, તાજા ઊગેલા છોડવા જુવાનોને હાથે ચડી ગયા. જ્યાં જૂઓ ત્યાં ખેદાનમેદાન. નેતાઓ એમને વારવા માટે પહોંચે તે પહેલાં તો ખેલ ખલાસ થઈ ગયો હતો.

ત્યાં તો દૂરથી ધુમાડાના ગોટેગોટા દેખાયા. હશે, ખેતરમાં કોઇએ ખડ બાળ્યું હશે. ના, એ તો યુનિવર્સિટીનું ગોડાઉન ભડકે બળતું હતું.

ચૂનીકાકાએ નિવેદન કર્યું કે જે થયું તે ખોટું થયું. પણ છાપાં માટે તો તોડફોડ એ જ મોટા સમાચાર. “ખોટું થયું” એમ કહીને બેસી રહે એ ચૂનીકાકા નહીં.

બીજી બાજુ પોલીસ કહે મારૂં કામ. પોલીસનું ધાડું આવી પહોચ્યું. ગ્રામસ્વરાજ સમિતિના સભ્યોને કહ્યું કે આ તોફાન માટે અમારી સૌની સામૂહિક જવાબદારી છે. એટલે અમે સૌ આવીએ છીએ. પોલીસ કહે, ના, અમે તો ખરા તોફાનીઓને પકડશું. બીજા દિવસે પણ એ જ હાલ. નેતાઓ તોફાનની જવાબદારીમાંથી છટકવાનાં બહાનાં નથી શોધતા, કહે છે કે આખું ગામ જવાબદાર છે. બધાંને પકડો. અંતે પોલીસે ગ્રામસ્વરાજ સમિતિના નેતાઓને પકડ્યા. સાંજે કોર્ટમાં જામીન આપીને એ બહાર આવ્યા.

પોલીસે હઠ પકડી રાખી હતી. બસ, તોફાનમાં હતા, એમને જ પકડવા છે. પોલીસે વીડિયો ફિલ્મ બનાવીને તોફાન કરનારાને ઓળખી લીધા હતા. હવે શું કરવું?

નેતાઓએ નક્કી કર્યું કે જેમણે તોડફોડ કરી હોય એમણે પોલીસ સમક્ષ હાજર થઈ જવું. એમણે પોલીસને મદદ કરી. તોડફોડ કરનારા જુવાનોને સમજાવ્યા. ભાઈ, આંદોલનમાં તોડફોડ થાય તો આપણે ખોટે રસ્તે ચડી જઈએ. એનાથી આંદોલનને બળ ન મળે, ઉલ્ટું નબળું પડે. જુવાનિયા પોલીસથી ડરતા હતા પણ અંતે સમજ્યા અને પોલીસ સમક્ષ હાજર થઈ ગયા અને જેલભેગા થયા…

()()()()

આ દુનિયાની જ આ કથા છે. ન્યાય માગવો છે તો ન્યાયના રસ્તે, અહિંસક તાકાતના રસ્તે. આંદોલનના ઉદ્દેશ અને સ્ટ્રૅટેજી વિશે આટલી સ્પષ્ટતાથી વિચારીને આંદોલનને ભટકવા ન દેનારા નેતા કેટલા? કેટલા નેતા કબૂલ કરશે કે સાથીઓએ ભૂલ કરી એટલે સજા ભોગવવી જોઇએ. કોઈ પણ સારો સેનાપતિ પોતાના સૈનિકોને હુકમનો ભંગ કરવા ન દઈ શકે. અને તેમ છતાં પોલીસ સમક્ષ હાજર થયેલા જુવાનો નવા નેતાને શરણે ગયાના સમાચાર નથી! લવાડવાસીઓ સત્યાગ્રહનો સાચો પાઠ શીખ્યા છે અને જનતાને પણ શીખવાડ્યો છે. ગોચર જમીન હજી ગામને પાછી નથી મળી. પણ મળશે, જરૂર મળશે. કારણ કે લવાડવાસીઓને બલિદાનનો નવો રસ્તો મળી ગયો છે. તેઓ સત્યાગ્રહ શબ્દને અને સત્યાગ્રહના શસ્ત્રને ગટરમાંથી બહાર લાવ્યા છે અને ધોઈ કરીને દેશને ચરણે ધરી દીધું છે.  તલાશ છે, કેમિકલ લોચાવાળા માણસોની.

૦૦૦૦

હજી ગાંધીની લાશ અહીં જ પડી છે. એની છાતી પર કાન ધરીને શ્વાસ સાંભળવાની કોશિશ કરી. લાગ્યું કે હજી બહુ જ ઊંડે એનો અતિ મંદ શ્વાસ ચાલે છે. એના લયમાં સંભળાય છે…”લવાડ…લવાડ”.

આ શ્વાસ મગજમાં ઝંઝાવાત બનીને કૅમિકલ લોચા પેદા કરતો રહે છે અને સાગર રબારી જેવા મિત્રો એનો શિકાર બનતા રહે છે. ઊષાબેન, વીનુભાઈ, વિક્રમસિંહ અને સાગર, તમને સૌને સલામ. 

(ગુજરાત લોક સમિતિના મુખપત્ર ‘લોકસ્વરાજ’ના સપ્ટેમ્બર ૨૦૧૨ના અંકમાં સાગર રબારીનો રિપોર્ટ છપાયો છે તેના આધારે આ લેખ લખ્યો છે. એમાં કઈં ત્રુટિ રહી ગઈ હોય તો એની જવાબદારી મારી છે. ભાઈ સાગરને આના પ્રતિભાવ રૂપે આવી ત્રુટિઓ તરફ ધ્યાન દોરવા સાદર આમંત્રણ આપું છું અને કઈં  અપમાનજનક લાગે તો એને માત્ર મારી સમજ અને રજુઆતની ઉણપ માનીને દરગુજર કરવા વિનંતિ કરૂં છું).

 

 

                                                                                                                              

Gandhi_142

આજે ગાંધી જયંતી છે. ગાંધીજીની ૧૪૨મી વર્ષગાંઠ. આ દિવસ આત્મમંથનનો છે. આ નિમિત્તે અહીં કવિ શ્રી કરસનદાસ માણેકનું એક કાવ્ય અહીં આપું છું.

આ કાવ્ય મેં શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી સંપાદિત ‘ગાંધી-ગંગા’ ભાગ-૧માંથી લીધું છે (ફેબ્રુઆરી ૨૦૦૭ બીજું પુનર્મુદ્રણ પાનું ૧૮૮-૧૮૯). પ્રકાશકઃ ગોપાલ મેઘાણી, લોકમિલાપ ટ્રસ્ટ, પો.બો. ૨૩ (સરદારનગર), ભાવનગર, ૩૬૪૦૦૧.

આ સાથે સંપાદક શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી અને પ્રકાશક શ્રી ગોપાલભાઈ મેઘાણીનો આભાર માનું છું – એવી આશા સાથે કે એમની અનુમતી માની લેવાની મારી ધૄષ્ટતાને તેઓ સાંખી લેશે.

શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ કાવ્યની પશ્ચાદ્‍ભૂમિકા સમજાવી છે તે પ્રમાણે ૧૯૬૯માં ગાંધીજીની શતાબ્દીના વર્ષમાં કવિ અમદાવાદ ગયા હતા પરંતુ શહેરમાં રમખાણો ફાટી નીકળતાં એમને બે દિવસ સ્ટેશન પર જ રોકાઈ જવું પડ્યું. આ કાવ્ય અમદાવાદ સ્ટેશને જ લખાયેલું છે.

શતાબ્દીનો જલસો

શતાબ્દીનો જલસો જુવો ઝગઝગે છેઃ
ઉરે વૈરવૃત્તિ, કરોમાં છરા છે,
પૈશાચી પગની ગતિમાં ત્વરા છે
અહિંસાના યોગીનું આસન હતું જ્યાં
અરે તે જ આ રક્તછલતી ધરા છે.
રે સંતોની યે શ્રદ્ધા જ્યાં ડગડગે છે!
શતાબ્દીનો જલસો જૂવો ઝગઝગે છે!

સરે-આમ સળગે છે માનવ્ય-માળા,
ઊભાઊભા અનાથો જો ભરતા ઉચાળાઃ
પ્રભુસૂના આકાશે ફરિયાદ કરતા
ધસે સ્થળેસ્થળે ઓશિયાળા ધુમાડાઃ
ગુનેગારને બે-ગુનાહ રગરગે છે!
શતાબ્દીનો જલસો જૂવો ઝગઝગે છે!

હજુ કાલ જ્યાં ઊડતી પ્રીતિ-છોળો
ગવાતાં જ્યાં ભક્તિભર્યે કંઠ ધોળૉ,
તે ‘મારો!’ને ‘કાપો!’ના ગોઝારા નાદે
રહી ગાજી આજે બેબાકળી પોળોઃ
ચુંથાયે છે ચકલાં: ફણી ફગફગે છે!
શતાબ્દીનો જલસો જૂવો ઝગઝગે છે!

હરિ-ઉર ભોંકાય છે આજ ભાલાઃ
છે ગમગીન લાચાર અલ્લાહતાલા;
આ આદમની ઓલાદ? બ્રહ્માની સૄષ્ટિ?
કે શેતાને પકવ્યા કો’ નિષ્ટુર નિંભાડા? –
જેની તિરછી દૃગમાં ઝનૂન તગતગે છે!
શતાબ્દીનો જલસો જૂવો ઝગઝગે છે!

છે મહતાજ મસ્જિદ ને મંદિર રડે છેઃ
જગન્નાથ ના ક્યાંય ગોત્યા જડે છેઃ
રે આઝાન દઈ દઈને બે-જાન નાહક
થયેલો તે મુલ્લાં લૂલો લડથડે છે.
રે ઝાંખ છે આંખે, પસીનો પગે છે!
શતાબ્દીનો જલસો જૂવો ઝગઝગે છે!

પડ્યાં બંધને બાપુનાં પુણ્ય-ખ્વાબોઃ
થયાં મુક્ત શેતાનરંગી શરાબો.
ને સૂરતી ને સુસ્તી ને સત્તાપરસ્તીની
મસ્તીમાં અવળા પડ્યા ઇન્કિલાબો!
ઇમારત જુઓ પાયાથી ડગડગે છે!
શતાબ્દીનો જલસો જૂવો ઝગઝગે છે!

નવાઈ નથી કંઈ સદા આવું ચાલે!
મવાલી જ મુફલિસી પે ફૂલેફાલેઃ
પરંતુ ઉઠાવી છે ગાંધીના નામે
આવી ઘોર આમ્ધી, તે આત્માને સાલે!
કવિ-ઉર રોષે, તેથી ધગધગે છે!
શતાબ્દીનો જલસો જૂવો ઝગઝગે છે!

નથી બળતાં મંદિર, નથી બળતી મસ્જિદઃ
નથી રડતો મુલ્લાં, નથી રડતો પંડિતઃ
બધે એક ઇન્સાનિયત રડતી, સૂરત
અરે, એક કિરતારની થાતી ખંડિત.
ધસે લાવા જલતો જેની રગરગે છે!
શતાબ્દીનો જલસો જૂવો ઝગઝગે છે!

%d bloggers like this: