Dr. Paresh Vaidya recalls emergency days

આપણા દેશના ઇતિહાસમાં કટોકટી લોકશાહી માટે એક ડાઘ જેવી બની રહી છે. જે મૂલ્યો માટે ગાંધીજીના નેતૃત્વ હેઠળ ભારતીય જનતાએ સંઘર્ષ છેડ્યો, તે મૂલ્યો જ સંકટમાં આવી ગયાં, અને તે પણ માત્ર એક વ્યક્તિની અસલામતીની ભાવનાને કારણે. કટોકટીએ સામાન્ય લોકોને પણ અંદરથી હચમચાવી દીધા હતા. આવી જ લાગણી મારા મિત્ર અને ભાભા પરમાણુ સંશોધાન કેન્દ્ર (BARC)ના નિવૃત્ત વૈજ્ઞાનિક ડૉ. પરેશ વૈદ્યે પણ એ વખતે અનુભવી અને આજે પણ એમની ભાવનાઓ એટલી જ ઉત્કટ રહી છે. આજે એમનાં સંસ્મરણો અહીં વાંચીએ.

૦-૦-૦

કટોકટીનાં ચાળીસ નિમિત્તે

ડૉ. પરેશ વૈદ્ય

૨૫ જૂન, ૧૯૭૫ના રોજ જાહેર કરાયેલ કટોકટીને ૪૦ વર્ષ પૂરાં થયાં. તે દરમ્યાન થયેલા જુલ્મોની વાતો તો કટોકટી ઊઠ્યા પછી બહાર આવી અને તેથી આજે તો બધાને તેનો તિરસ્કાર છે. પરંતુ એ ચાલુ હતી તે દરમ્યાન ઘણા લોકો એવા હતા જે તેના વખાણ કરતા. પણ તેમાં આ લખનારની પેઢી, જે અત્યારે ૬૦ થી ૭૦ વર્ષની વચ્ચે છે, તે સામેલ નથી, ખાસ કરીને ગુજરાતમાં. તેનું કારણ કે જયારે અમે તરુણાવસ્થામાંથી યુવાની તરફ જઈ રહ્યા હતા ત્યારે જ ‘ઇન્દિરા’ નામની ઘટના આકાર લઇ રહી હતી. તેનાં નાટકીય તત્ત્વોએ અમારા પર સારી છાપ નહોતી છોડી.

૧૯૬૬માં કોલેજના પહેલા વર્ષમાં હતા ત્યારે સિન્ડીકેટ અને મોરારજીભાઈ વચ્ચેની ખેંચતાણ એ રીસેસમાં અમારી ચર્ચાનો વિષય રહેતો. ભુજની લાલન કોલેજના પ્રાંગણમાં તડકો શેકતાં એ વીષય પર વાતો કરવામાં લખનારની સાથે વેબગુર્જરીના એક સંપાદક અને લેખક, કર્મશીલ દીપક ધોળકિયા પણ હતા. શાસ્ત્રીજી પછી વડાપ્રધાન તરીકે કોંગ્રેસે સીનિયર સભ્ય મોરારજીને છોડીને સૌથી જૂનિયર ઇન્દિરા ગાંધીને પસંદ કર્યાં. તે પછી યંગ ટર્કની ઘટના અને ૧૯૬૯માં કોંગ્રેસનું તૂટવું પણ એ સમયે આવ્યું જયારે અમારી પેઢી અભિપ્રાય બનાવતાં શીખી રહી હતી. બેન્કોના રાષ્ટ્રીયકરણ ટાણે મોરારજીભાઈ પાસેથી નાણા ખાતું લઈ લીધું ત્યારે દુઃખ એટલે નહોતું થયું કે મોરારજીભાઈ લોકલાડીલા હતા. પરંતુ આ બધામાં શ્રીમતી ગાંધીની ચાલાકી અને કાવાદાવામાં નિપુણતાની ગંધ આવતી હતી. આથી જ તેમાંના ઘણાને બાંગ્લાદેશ યુદ્ધના જ્વલંત વિજય છતાં ઇન્દિરા ગાંધી પ્રત્યે માન વધ્યું નહિ. તે પછી પ્રચંડ ભાવવધારો, સમાંતરે ગુજરાતનું નવનિર્માણ આંદોલન, એમની ચૂંટણી રદ થવી અને બિહાર / જયપ્રકાશનું આંદોલન – એ ઘટનાક્રમને છેડે આવી કટોકટી. મુખ્ય કારણ અલ્લાહાબાદ હાઇકોર્ટનો શ્રીમતી ગાંધીની ચૂંટણી રદ ગણતો ચુકાદો હતો એ વિષે હવે કોઈને શંકા નથી. કટોકટીની પૂર્વે અને પછી શ્રીમતી ગાંધીને ન્યાયતંત્ર જોડે ઝઘડો હતો જ.

પચીસમી જૂનના સાંજે સમાચાર આવ્યા ત્યારે આ લખનાર ભુજમાં હતો અને ૨૬મી એ સવારે મુંબઈ જવા નીકળવાનું હતું. મનમાં વિચિત્ર ધૂંધવાટ હતો. ૮-૧૦ કાગળો ઉપર કટોકટી વિરુદ્ધનાં સૂત્રો લખ્યાં. સ્ટેશને સ્ટેશને ઉતરીને જ્યાં જગા મળી – બેંચ, ટી સ્ટોલ, પાણીનો નળ – ત્યાં કાગળ મૂક્યા. અસર જે થઇ હોય તે, મનને શાંતિ થઈ. મુંબઈ આમ તો અમદાવાદ કે દિલ્હી જેવું રાજકીય રીતે ‘એક્ટિવ’ શહેર નથી. પરંતુ કાયદાના નિષ્ણાતોનું સ્રોત રહ્યું છે. ન્યાયતંત્ર અને બંધારણ સાથે ચેડાં થવા લાગ્યાં ત્યારે અહીં રહીને મહત્ત્વની સભાઓ અને મીટિંગોનો લ્હાવો મળ્યો. હિન્દુસ્તાની આંદોલન નામની સંસ્થા પૂર્વ સાંસદ શ્રી મધુ મહેતાએ સ્થાપેલી. તેના સંપર્કમાં રહ્યો. મુંબઈ સર્વોદય મંડળની તારદેવ ઓફિસમાં છાત્ર સંઘર્ષ વાહિનીની મીટિંગો થતી. શ્રી રંગા દેશપાંડેના સૂચનથી તેની બે –ચાર મીટિંગમાં હાજરી આપી. આ બધાથી સંતોષની લાગણી થતી કે લોકો તદ્દન ચુપ નથી, કશુંક ચાલી રહ્યું છે.

‘કમિટેડ ન્યાયતંત્ર’ના પ્રચાર વચ્ચે જસ્ટિસ એ. એન.રે ને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા ત્યારે બીજા ત્રણ ન્યાયાધીશોની સીનિયોરિટી અવગણવામાં આવી. આથી એ ત્રણેએ ૨૬ એપ્રિલ ૧૯૭૩ના રાજીનામાં આપ્યાં. તેમના ટેકામાં ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયાના ચોગાનમાં એક જાહેર સભા થઈ. સરકાર વિરુદ્ધ વાતાવરણ બનાવવામાં આવી સભાઓનો મોટો ફાળો રહ્યો હશે. સભામાં લૉ કમિશનના માજી ચેરમેન શ્રી મોતીલાલ સેતલવાડ ૮૮ વર્ષની જૈફ વયે પણ હાજર રહ્યા. સાથે જસ્ટિસ હિદાયતુલ્લા અને જે. સી. શાહ પણ બોલ્યા. હિદાયતુલ્લાએ વારંવાર યાદ દેવડાવ્યું કે સામ્યવાદીમાંથી કોંગ્રેસી બનેલા કુમારમંગલમ આ બધા માટે જવાબદાર હતા. જો સરકારની નીતિઓને ટેકો આપે તેને જ પ્રમોશન આપવામાં આવે તો forward looking જજો હવેથી looking forward થઇ જશે. જસ્ટીસ રે ને લાંબી ટર્મ મળી શકે તેથી વહેલા ચીફ જસ્ટિસ બનાવાયા છે તેવી દલીલને કાપતાં જસ્ટિસ શાહે કહ્યું કે હું તો માત્ર ૪૫ દિવસ માટે ચીફ જસ્ટિસ હતો; તો શું ફરક પડ્યો? પૂર્વ એટર્ની જનરલ શ્રી દફતરીએ ધ્યાન ખેચ્યું કે આ મુદ્દો માત્ર ન્યાયધીશો કે વકીલો માટેનો જ નથી તમારા સર્વનો છે કારણ કે હવેથી ન્યાયાધીશો જે ચુકાદો આપશે તે ન્યાયને જોઈને નહિ પણ પોતાની કૅરીઅર વિષે વિચારીને આપશે.

બંધારણસભાના સેક્રેટરી શ્રી HVR આયંગર પણ એક વક્તા હતા. ન્યાયતંત્ર શા માટે સ્વતંત્ર રાખવામાં આવ્યું છે તે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં તેમણે સમજાવ્યું. કહે કે રાજકારણીઓનો મોટો દોષ છે કે એ પોતાને કાયમી (permanent) માને છે. “Poor lady” ઇન્દિરા પણ આ ગ્રંથિથી પીડાય છે. તેમણે કરેલા ફેરફારોનો તેમના અનુગામીઓ દુરુપયોગ કરી શકે છે તે તેમને નથી સમજાતું! ( બિચારા આયંગર – ઇન્દિરા પોતે જ દુરુપયોગ કરશે તે તેઓને ન સમજાયું). ઇન્દિરાના ચુસ્ત સમર્થક ખુશવંત સિંહને પણ નિમંત્રણ હતું પરંતુ તેઓ બોલવા આવ્યા જ નહિ. છેલ્લે બોલ્યા, સ્ટેજ પર સૌથી યુવાન એવા શ્રી નાની પાલખીવાળા. કહે કે જો ન્યાયાધીશ સરકારની ફિલસુફીને વરેલો ( કમિટેડ) હોય તો તે ન્યાયાધીશ છે જ નહિ. જો ન્યાયતંત્ર ખરેખર સ્વતંત્ર હોય તો બંધારણમાંથી મૂળભૂત અધિકારોનું પ્રકરણ જ કાઢી નાખો તો ય ચાલે! તેમણે પણ એ વાત પર ભાર આપ્યો કે તમે માત્ર સાંભળવા નથી આવ્યા, પૂરો વિરોધ કરો.

આ પછી કટોકટી દરમિયાન તો શ્રીમતી ગાંધીએ બંધારણને તદ્દન ધમરોળી નાખ્યું. સૌથી સ્વાર્થી સુધારો હતો, ૩૯મો સુધારો જે દ્વારા એવું ઠરાવાયું કે વડા પ્રધાન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને સ્પીકરની ચુંટણીને દેશની કોઈ કોર્ટમાં પડકારી ન શકાય. આથી અલ્લાહાબાદ હાઇકોર્ટનો ચુકાદો અર્થહીન બની ગયો. લોકસભાની મુદ્દત ૬ વર્ષની કરી જેથી ૧૯૭૬ માં લોકોની સામે ન જવું પડે. અને કુખ્યાત ૪૨ મો સુધારો જે દ્વારા બંધારણમાં મોટા પાયે ફેરફાર કરાયા. ૪૨ આર્ટિકલમાં સુધારા અને ૧૪ નવા આર્ટિકલથી જાણે નવું જ બંધારણ ઘડાયું.

૪૨મા બંધારણ સુધારાના વિરોધમાં, કટોકટીની વચ્ચોવચ્ચ, એક બીજી રોમાંચકારી મીટિંગ હિન્દુસ્તાની આંદોલનના નેજા હેઠળ હિન્દુસ્તાની આંદોલનના નેજા હેઠળ ચર્ચગેટમાં ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના ઘીઆ હોલમાં છઠ્ઠી ડીસેમ્બર ૧૯૭૬ના રોજ મળી. તેને વિરોધ સભા કહેવાને બદલે ‘ મૂળભૂત અધિકારો અને ફરજોના સંદર્ભમાં સિમ્પોઝીઅમ’ એવું નામ આપ્યું. તેમ છતાં સિવિલ ડ્રેસમાં ઢગલાબંધ પોલીસ અને ઈન્ટેલીજન્સ બ્યુરોના માણસો ઑડિયન્સમાં ભળેલા હતા. ૨૦૦ -૨૫૦ લોકોની હાજરી એ વાતાવરણમાં સારી ગણાય. અધ્યક્ષસ્થાને શ્રી એમ.સી.ચાગલા હતા. પરંતુ ખાસ્સી ૪૦ મિનિટ એ પોતે જ બોલ્યા. મહારાષ્ટ્રના એડવોકેટ જનરલ શ્રી રામરાવ આદિક, ફ્રી પ્રેસ જર્નલના તંત્રી શ્રી સી.એસ.પંડિત, શ્રી મધુ મહેતા અને સુપ્રીમ કોર્ટમાં વકીલ શ્રી સોલી સોરાબજી વક્તાઓ હતા. શ્રી આદિકને લોકોએ ધારાશાસ્ત્રી કરતાં શાસક પક્ષના પ્રતિનિધિ તરીકે જોયા અને લગભગ હુરિયો બોલાવી, બોલવા જ ન દીધા.

જસ્ટિસ ચાગલાએ ૪૨મા સુધારાની એક એક કલમ લઈને તેમાં રહેલી વિસંવાદિતા દર્શાવી. શરુમાં કહે કે આજે સવારે મને પોલીસ કમીશનરે ફોન કરીને કહ્યું કે “કટોકટીની ટીકા ન કરતા”. આ જ બતાવે છે કે આપણા મૂળભૂત અધિકારો કેટલાક છે! કટોકટીનો પાયો એટલો નબળો (brittle) છે કે ટીકાનો ભાર ન ઝીલી શકે! બંધારણના નવમા શિડ્યુલમાં એવી બાબતોનું લિસ્ટ છે કે જેને કોર્ટમાં પડકારી ન શકાય; ૧૯૭૧માં આ યાદીમાં ૮૧ આઈટેમો હતી, આજે ૧૧૬ છે. આ ભારતના ન્યાયતંત્રની પહોંચની મર્યાદા બતાવે છે. બંધારણના આ સુધારામાં એમ પણ સૂચવ્યું છે કે હવેથી બંધારણને લગતી બાબતોમાં ચુકાદો ન્યાયાધીશોની ૨/૩ બહુમતીથી જ આવવો જોઈએ. જો ૭ જજમાંથી ૪ એક તરફ મત આપે તો પણ ચુકાદો પાસ ન થાય એટલે કે ત્રણ જજ કહે તે ચુકાદો બની જાય! શ્રી ચાગલાએ ગુસ્સાથી કહ્યું કે આવું ‘નૉનસેન્સ’ તો દુનિયામાં ક્યાંય સાંભળ્યું નથી.

શ્રી આદિક પર કટાક્ષ કરતાં કહે કે હું તો અદનો માણસ છું, મારી પાસે ટીવી, રેડિયો વગેરેનો ટેકો નથી એટલે પ્રોપગેન્ડાના આ દિવસોમાં અમારી વાત લોકો સુધી કેમ પહોંચશે? આથી આપ શ્રોતાઓનું કામ છે કે અહીં કહેવાય તે બહાર જઈને મિત્રોને કહેજો. ‘લોકશાહીમાં કશું કાયમી નથી અને સંજોગો બદલી શકે છે’. એમના ભાષણ પછી એટલા લાંબા સમય સુધી તાળીઓ ચાલતી રહી જેટલી અગાઉ ક્યારેય નહોતી સાંભળી. લોકોના મનમાં જે ધૂંધવાટ હતો તેને જાણે માર્ગ મળ્યો હોય. એમના સૂચનના અમલ તરીકે જ આ અહેવાલ તૈયાર કરી અમુક જણ / સંસ્થાઓને મોકલ્યો.

૪૨મા સુધારાની ઘણીખરી ખામીઓ જનતા સરકારે ૧૯૭૮માં ૪૪મો સુધારો લાવીને સુધારી લીધી. અને તેથી આજે આપણે એટલા જ આઝાદ છીએ જેટલા ૧૯૬૯માં હતા. પરંતુ આપણામાંના ઘણાને સત્તા સામે વગર જરૂરે ઝૂકવાની ટેવ છે – તેનો શો ઉપાય?

૦-૦-૦

હા, “તેનો શું ઉપાય?”

આ સવાલ આજે પણ આપણી સામે ઊભો જ છે. કહે છે કે સ્વાધીનતા, મુક્તિ, લોકશાહીને ટકાવી રાખવા માટે એની કિંમત ચુકવવી પડે છે અને એ કિંમત એટલે સતત તકેદારી – સતત જાગૃતિ. દર પાંચ વર્ષે ચૂંટણી થાય અને આપણે મત આપી આવીએ તે તો લોકશાહીનું ઔપચારિક સ્વરૂપ છે. એનોય ઉપયોગ છે અને ઇન્દિરા ગાંધીને એનો તરત અનુભવ થયો. પરંતુ લોકશાહી માટે એટલું પૂરતું નથી. નાગરિકો સતત જાગૃત રહે અને સવાલો પૂછતા રહે એ લોકશાહીનો અર્ક છે. સત્તા મૂળથી જ નબળી છે. એને ‘ના’ કહો એટલે એ જુલમો કરી શકે પણ એ જ તો એની નિશાની છે કે એની આજ્ઞાઓનું પાલન સ્વેચ્છાથી થતું નથી, માત્ર ડરથી થાય છે. એમ તો આપણે રસ્તે ચાલતાં ગાયથી પણ બચીને ચાલીએ છીએ કે ક્યાંક શિંગડું ન મારી દે. ગાય કોઈ શક્તિશાળી પ્રાણી તો નથી જ – અને આપણે એનાથી ડરતા પણ નથી. આપણી અસંમતિ સામે સત્તા પણ ગાય બની રહે છે.

૦-૦-૦

%d bloggers like this: