What is Nationalism?

આપણે સૌ આપણા દેશને બહુ ચાહીએ છીએ એમાં તો શંકા નથી. સરકારોનો જરૂર વિરોધ થયો છે, એક પણ વડા પ્રધાન એવા નથી રહ્યા જેની ટીકા ન થઈ હોય પણ સરકાર એ દેશ નથી, અને દેશ એ સરકાર નથી એવી આપણી સમજ રહી છે. પ્રજા તરીકે આપણું આ સારું લક્ષણ છે. દેશભક્તિની વ્યાખ્યા ઘણી છે તે જ રીતે એનાં પરિમાણો પણ ઘણાં છે; એના પર આપણું ધ્યાન નથી જતું. આજે આ બાબતમાં ડૉ. પરેશ વૈદ્યનો લેખ અહીં આપું છું. લેખક ભાભા પરમાણુ સંશોધન કેન્દ્રના ઈંધણ વિભાગના અધ્યક્ષપદેથી નિવૃત્ત થયા છે અને ખાસ કરીને વિજ્ઞાન સંબંધી વિષયો પર એમાના લેખો ‘નવનીત સમર્પણ’ ઉપરાંત બીજાં ગુજરાતી અને અંગ્રેજી સામયિકો અને અખબારોમાં પ્રકાશિત થતા રહે છે.

દેશભક્તિની વ્યાખ્યા શું?*

: પરેશ ર. વૈદ્ય

દેશભક્તિનો અર્થ શો થાય તેવો પ્રશ્ન આપણને કદી થયો જ નથી કારણકે ચોથા ધોરણના વિદ્યાર્થીથી માંડીને પ્રૌઢ વય સુધીના દરેકને ખાતરી છે કે તેઓને એનો અર્થ ખબર છે. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ બાબત શાળામાં ભણવા ઉપરાંત માધ્યમોમાં જે વાંચીએ છીએ કે જોઈએ છીએ તે પરથી દેશભક્તિ વિષે અમુક ધારણા આપણા મનમાં બનેલી છે. દેશભક્તિ એટલે દેશ માટે મરી ફીટવું, તેના માટે કષ્ટો ઉઠાવવાં, યાતના સહન કરવી, ઝંડાનું સન્માન કરવું અને કરાવવું વગેરે. કહો કે એવું બધું જ જે ગાંધીજી, સુભાષ બોઝ, ભગતસિંહ અને બીજા અનેક અનામી શહીદોએ કર્યું તે દેશભક્તિ. આ યાદી લંબાવો તો તેમાં સરહદે ઊભેલા આપણા સૈનિકો પણ આવી જાય.

સ્વાતંત્ર્ય સંગ્રામની વાતો જૂની થાય તે પહેલાં જ સન ૧૯૬૨માં ચીને અને ૧૯૬૫માં પાકિસ્તાને આક્રમણ કર્યું. તેના કારણે એક વધુ પેઢીના મનમાં દેશભક્તિ બાબત આ ખ્યાલો દૃઢ થયા. જેમ ગાંધીજીને ચરણે લોકો પોતાનાં ઘરેણાં મૂકી આવતા તેવી જ રીતે વિદેશી આક્રમણ પછી સંરક્ષણ ફાળામાં લોકોએ ઉદારતાથી ધન, સોનું અને રક્તનું દાન કર્યું. પરંતુ ૧૯૭૧ના યુદ્ધ ને ૪૬ વર્ષ થઈ ગયાં. લગભગ બે પેઢી તેના પછી ઉછરી છે, જેને એ જુવાળનો અનુભવ નથી. તેથી એ યુવાનો માટે તો દેશભક્તિની વ્યાખ્યા કરવી વધુ જરૂરી છે; કે પછી એ લોકો પણ પેલા ઐતિહાસિક અર્થને જ સાથે લઈને ચાલે છે?

દેશપ્રેમની ઇતિહાસ આધારિત સમજ બાબત એક સમસ્યા છે કે તે દુશ્મનની સાપેક્ષમાં છે – નિરપેક્ષ ભાવના નથી. તો જે દેશો પર ક્યારેય કોઈ વિદેશી સત્તાએ રાજ ના કર્યું હોય તે પ્રજાને દેશભક્તિનો ભાવ કેમ ઉત્પન્ન થતો હશે? અથવા એવા દેશો જેને સદીઓ પહેલા આઝાદી મળી ચૂકી છે અને શહીદોની વાતો જૂની થઈ ગઈ છે? ક્યારેક દુશ્મન સરહદની સામે પાર હોય તો પણ રાષ્ટ્રભાવ જાગે છે (અથવા જગાડવામાં આવે છે). કેટલાય દેશો ટાપુ સ્વરૂપે છે, જેને જમીનની સરહદો જ નથી, જેમ કે ફિલીપીન્સ, જાપાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ વગેરે). તો દુશ્મનો સામસામા આવી જવાનો કોઈ ઈતિહાસ નથી. તો એ લોકોની દેશભક્તિ નું શું?

મધ્ય યુગમાં અરાજકતા હતી. યુરોપે બીજ વિશ્વયુદ્ધમાં પણ ઘણી હિંસા જોઈ. તેમ છતાં યુરોપિયન યુનિયન બન્યા પછી એ દેશોની સીમાઓ લગભગ ઓગળી ગઈ છે. નવી પેઢી આખા યુરોપ ખંડમાં છૂટથી ફરતી દેખાય છે. આમ છતાં જર્મની જેવાં ઉદાહરણ છે જ્યાં રાષ્ટ્રવાદ પ્રખર છે. કદાચ તે માટે ભાષાકીય ઓળખાણ ( Identity ) કારણરૂપ હોઈ શકે. પણ પ્રશ્ન તો રહે જ છે કે જે અર્થમાં આપણે રાષ્ટ્રવાદને સમજીએ છીએ, શું તે જ રીતે યુરોપનાં લોકો સમજે છે?

દેશમાં શું આવે?

કોઈને પોતાના દેશ પ્રત્યે ભક્તિ છે તેમ કહીએ ત્યારે ‘દેશ’ શબ્દમાં માત્ર તેની જમીન અને સરહદો જ નહીં, પરંતુ તેના લોકો, સમાજવ્યવસ્થા, વહીવટીતંત્ર, સંસ્કૃતિ વગેરે પણ આવે. તેનું ગૌરવ મનમાં હોય તેથી એ વ્યવસ્થાતંત્રનો આદર કરવાની આદત હોય. જાપાન અને જર્મનીનાં ઉદાહરણોથી લાગે છે કે આ આત્મગૌરવ જ દેશભક્તિ છે. એ દેશોને દુશ્મન હતા પણ હવે નથી. ૧૯૪૫માં એ બંને તારાજ થઈ ગયા હતા. તે પછી માત્ર બે જ વર્ષે આપણે પણ લગભગ એવી જ હાલતમાં આઝાદ થયા. પરંતુ પછીનાં ૭૦ વર્ષોમાં એ દેશોએ જે હાંસલ કર્યું તેની પાછળ તેના નાગરિકોની દેશદાઝ કામ કરી ગઈ છે તેવી સામાન્ય સમજ છે. ‘જન મન ગણ’ ગવાતું હોય ત્યારે ઉભા રહીને પણ આપણે તેઓના અર્ધે રસ્તેય નથી પહોચ્યા.

જે દેશને ચાહતું હોય તે એવું કોઈ કામ ના કરે જેનાથી દેશની છબીને થોડુંય નુકસાન થાય. જો ‘દેશ’ શબ્દનો ઉપર કહેવા પ્રમાણેનો વિશાળ અર્થ હોય તો દેશપ્રેમી લાંચ આપે નહીં કે લે નહીં. લાંચ આપી કામ કરાવવામાં બીજાના અધિકાર ઉપર તરાપ મરાતી હોય છે. એ ‘બીજા’ પણ દેશના નાગરિકો જ હોય તો આમ કરવું અયોગ્ય ઠરે. તે જ મુજબ દેશપ્રેમી ટ્રેન કે બસમાં વિના ટિકિટ પ્રવાસ ન કરે, રેશનની દુકાને કે ટિકિટની લાઇનમાં શિસ્તથી ઊભા રહે. પોતાનું ઘર સાફ કરી કચરો રસ્તા પર ન ધકેલે. હડતાલ દરમ્યાન વાહનો કે દુકાનો બાળે નહીં, સરકારી મકાનો પર પથ્થરમારો ન કરે.

વાચક કહેશે કે આ બધાં લક્ષણો તો સારા નાગરિકના ગુણો જેવાં છે. ખરું છે. જો દુશ્મનોને પરાજિત કરી દીધા હોય તો તેવા દેશના લોકો માટે દેશભક્તિ એ સારું નાગરિકત્વ જ છે. તેમાં ધડાકાભેરનો રોમાંચ ભલે ન હોય પરંતુ દેશ અને તેના લોકોનું હિત સધ્ધર રૂપે જણાય. આથી ઉલટું, સરહદલક્ષી દેશભક્તિ તો બહુ સહેલું કામ છે. તેમાં નાગરિકે કશું કરવાનું નથી. પંદરમી ઓગસ્ટે ધ્વજવંદનમાં હાજરી આપવી, જવાનોનાં ગુણગાન ગાવાં અને પિનથી ટચુકડો ધ્વજ ખિસ્સા પર લગાડવાથી દેશભક્તિનો આભાસ થયા કરે. “વતનકી આબરુ ખતરે મેં હૈ..તૈયાર હો જાઓ ” અને એવાં બીજાં જુસ્સાદાર ગીતોથી નસોમાં લોહી તો દોડી આવે પરંતુ તેથી કઈં આપણે સરહદ પર દોડી જતા નથી. નથી આપણે રાંધણ ગેસની સબસિડી છોડી દેતા કે નથી ઓફિસમાં ગપ્પા મારવાનું. આવકનાં ખોટાં સર્ટિફીકેટ રજુ કરી ફી માફી લેવામાં કે ગરીબી રેખાની નીચે ચાલ્યા જવામાં આપણને દેશભક્તિ આડે નથી આવતી.

દેશદ્રોહ એટલે શું?

દેશભક્તિની સચોટ વ્યાખ્યા કરવી મુશ્કેલ લાગતી હોય તો ચાલો દેશદ્રોહની વ્યાખ્યા કરીએ. દેશદ્રોહ એટલે ભક્તિથી વિપરીત ભાવના. દેશના હિત કરતાં જાતનું હિત આગળ મૂકવું તે દેશદ્રોહ. આ સરળ વ્યાખ્યા સામે કોઈને વિવાદ ન હોઈ શકે. પરંતુ વ્યવહારમાં મૂકવા માટે તે બહુ કડક છે. બસમાં ટિકિટ ન લેવી કે ઓફિસમાં TA/DAનાં ખોટાં બિલ બનાવવાં કે તુવેરદાળનો સંગ્રહ કરી ભાવ ચડાવવા એ બધું દેશદ્રોહમાં આવે. અને જે દેશદ્રોહી છે તે બીજી ક્ષણે દેશભક્ત કેમ હોઇ શકે?

દેશની વાતને પોતાથી આગળ મૂકવાનું એક ઉદાહરણ ઓફિસના એક સાથીદારે દેખાડ્યું. ફોન વિનાના એ દિવસોમાં ટપાલ અને તાર ખાતા પર બોજ એટલો હતો કે ક્યારેક ટેલીગ્રામ (તાર) ત્રણ ચાર દિવસે પહોંચતા. તે જ વખતે એક સસ્તી સગવડ ગ્રીટિંગ ટેલીગ્રામની હતી, જે દ્વારા લગ્ન વગેરે પ્રસંગે અભિનંદન મોકલી શકાતાં. અમારા આ તમિલ મિત્ર ક્યારેય શુભેછાના તાર ન મોકલતા. કહેતા કે તાર વ્યવસ્થા પર આટલો બોજ છે ત્યાં ઓછા મહત્વના અભિનંદનના તારથી શું બોજ વધારવો? પડઘમના તાલે પ્રેરિત થતી ઘોંઘાટપૂર્ણ દેશભક્તિ કરતાં આવી મૂક દેશસેવા સમાજ માટે જરૂર વધારે ઉપયોગી છે. જાપાન અને જર્મનીના નાગરિકો કદાચ આવી દેશભક્તિ કરે છે.

દુશ્મન પ્રત્યે ધિક્કાર દર્શાવવો તે દેશભક્તિનું નકારાત્મક પાસું છે. તેના કરતાં પોતાના દેશની અંદર પ્રત્યેક નાગરિકનું જીવન સરળ અને તાણરહિત બને તેવાં કામ કરવાં એ દેશભક્તિનું સકારાત્મક પાસું બની રહે. એ અંદરથી આવે, બીજાના દબાણથી નહીં. આપણા શિક્ષણમાં એવા ફેરફાર કરવાની જરૂર છે કે જે નાગરિકતા અને દેશભક્તિને સાંકળી લે. જેથી યુવાન પેઢી આ નવા સંદર્ભમાં રાષ્ટ્રપ્રેમ કેળવી શકે અને વ્યક્ત કરી શકે. ચાલો આપણે એ દિશામાં જવાના માર્ગો વિચારતા રહીએ.

*( સાભાર નોંધઃ આ લેખ પહેલાં પ્રાર્થના સંઘ નામક સેવાભાવી સંસ્થાના માસિક પ્રાર્થનાના ડિસેમ્બર-૨૦૧૬ના અંકમાં પ્રકાશિત થયો હતો).

0-0-0

%d bloggers like this: