Birthday of Charles Darwin

 

clip_image001દુનિયામાં Creationism એટલે કે સર્જનવાદ શબ્દ હજી જન્મ્યો નહોતો પણ સર્જનવાદ નામ વિના જ પ્રચલિત હતો ત્યારે સૃષ્ટિની રચના અને ઉદ્વિકાસ વિશે ધરખમ ક્રાન્તિકારી વિચાર આપ્યો ચાર્લ્સ ડાર્વિને. વર્ષો સુધીનાં સતત સંશોધનો, અધ્યયન અને તાર્કિક તારણો દ્વારા આજે ઉત્ક્રાન્તિવાદ અનોખું સ્થાન જમાવી ચૂક્યો છે. ૧૨મી ફેબ્રુઆરીએ ડાર્વિનનનો જન્મ દિવસ હતો. આપણા જાણિતા ચિંતક શ્રી બિપિન શ્રોફનો એક ઈ-મેઇલ મળતાં આ ઘટના તરફ આંખ ખૂલી. લખવાનું વિચાર્યું, પણ મનમાં થયું કે મને જે લેખ મળ્યો છે તેને જ થોડાક શાબ્દિક ફેરફાર કરીને પ્રગટ કરાવી દઉં એમાં પ્રામાણિકતા નથી એટલે. એમનો ઈ-મેઇલ મળ્યા પછી આ લેખનો ઉપયોગ કરવાની મેં પરવાનગી માગી અને એમણે વળતા ઈ-મેઇલે રાજીખુશીથી પરવાનગી આપી. બિપિનભાઈનો અહીં એમનો લેખ આજે પ્રકાશિત કર્યો છે. બિપિનભાઈ રૅશનાલિસ્ટ સામયિક ‘વૈશ્વીક માનવવાદ’ના તંત્રી અને ગુજરાત મુંબઈ રૅશનાલિસ્ટ એસિસિયેશનના પ્રમુખ છે.


 

ચાર્લ્સ ડાર્વિનનો ઉત્ક્રાન્તિવાદ

બિપિન શ્રોફ

Image result for charles darwinઉત્ક્રાન્તિવાદના આદ્ય સ્થાપક ચાર્લ્સ ડાર્વિનનો જન્મ સને ૧૮૦૯ના ૧૨મી ફેબ્રુઆરીના રોજ થયેલો હતો. તે દિવસ આકસ્મિક રીતે અમેરિકામાં ગુલામી નાબુદ કરનાર કાન્તિકારી રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનનો પણ જન્મદિવસ છે.

ઉત્ક્રાન્તિવાદ શું છે? તે સમજાવે છે કે કોઈ પણ પ્રાણી વર્ગ, જાતિ વિશેષ, માનવજાત સમેતનું કોઈ ખાસ સર્જનના ફળસ્વરૂપે અસ્તિત્વમાં આવેલ નથી. કિંતુ તે કોઈને કોઈ પ્રકારના આગોતરા–પ્રાથમિક કે સાદા સ્વરૂપમાં થયેલ ક્રમિક વિકાસને પરિણામે આજની વર્તમાન સ્થિતિએ પહોંચી શક્યો છે– એવો સિદ્ધાંત કે વાદ એટલે ઉત્ક્રાન્તિવાદ. ઉપરનાં વાક્યો એમ સૂચવે છે કે સમગ્ર સજીવ સૃષ્ટિનું સર્જન કોઇ ઇશ્વરી પરિબળની ખાસ ઇચ્છા કે હેતુનું પરિણામ નથી. દરેક સજીવનું અસ્તિત્વ અને વિકાસ ક્રમશઃ, તબક્કાવાર થયેલ છે. ડાર્વિન વિશ્વનો એવો પ્રથમ જીવવૈજ્ઞાનિક હતો કે જેણે જૈવિક ઉત્ક્રાન્તિના નિયમો શોધી કાઢીને આ ક્રમિક વિકાસ સમજાવ્યો છે. આ નિયમોને કુદરતી પસંદગીના નિયમો(Laws of Natural selection) તરીકે ઓળખવામાં આવે છે.

કુદરતી પસંદગીના નિયમો એટલે શું?

ડાર્વિનના મત મુજબ આ નિયમો પાંચ છે.

(૧) સજીવ ઉત્ક્રાન્તિ એ હકીકત છે. દરેક જૈવિક સજીવોનો જન્મ અને વિકાસ કોઇ ગણિતના ચતુષ્કોણ,વર્તુળ, કાટખુણો કે ત્રિકોણની માફક બીબાઢાળ થયો નથી. પણ તે એક સજીવ જાતિમાંથી બીજી જાતિમાં ફેરફાર થઈને થયેલ છે.

(૨) સજીવ જાતિઓમાં ગાણિતિક વૃદ્ધિ: માતૃ સજાતિમાંથી વિભાજન ફૂલની કળી કે મા-દીકરીની માફક વારસાગત લક્ષણો ચાલુ રાખીને થાય છે.

(૩) કુદરતી પસંદગી: દરેક માદા જૈવિક અસ્તિત્વના સંઘર્ષમાં ટકી શકે તેના કરતાં ઘણાં વધારે પોતાનાં બચ્ચાં પેદા કરે છે. તેથી દરેક પેઢીમાં ખૂબ જ ઓછા સજીવો, જે વારસાગત આનુવંશિક લક્ષણો સાથે બહારના વાતાવરણમાં ટકી શકે તેવા ફેરફારો કરીને બીજી પેઢીને જન્મ આપે છે. નવિ પેઢીનાં વિશિષ્ટ લક્ષણો પોતાની જૂની પેઢીનાં સામાન્ય લક્ષણોથી જુદાં હોય છે.

(૪) જૈવિક ઉત્ક્રાન્તિમાં સજીવ જાતિઓ – પ્રજાતિઓમાં ફેરફારો ક્રમશઃ આપણે વિચારી પણ ન શકીએ તેટલા લાંબા સમય બાદ થતા હોય છે. જૈવિક ફેરફારો ક્યારેય એકાએક, આકસ્મિક કે પ્રાસંગિક બનતા નથી.

(૫) સમાન વારસો(Common descent) –તેથી દરેક વર્તમાન સજીવોનો વારસો એક જ છે. તે બધા જ સજીવો એક જ પૂર્વજ કે વડવાઓમાંથી ઊતરી આવેલા છે.

ચાર્લ્સ ડાર્વિને જૈવિક ઉત્ક્રાન્તિના જુદા જુદા ફાંટાઓ– વિભાગો શોધી કાઢ્યા. એટલું જ નહીં, પણ દરેક સજીવ જાતિને બીજી સજીવ જાતિની ઉત્ક્રાન્તિના સિદ્ધાંત મુજબ શું સંબંધ તે શોધી કાઢયું છે. આ વિભાગીય સજીવ જૈવિક જાતિઓના દરેક ફાંટા એક બીજાની સાથે કેવિ રીતે જોડાયેલા છે તે પણ શોધી કાઢયું. છેલ્લે તેણે આ પૃથ્વી પરની દરેક સજીવ જાતિનું મૂળ એકકોષી જીવમાં હતું તે શોધી કાઢ્યું. આમ ડાર્વિને જીવ વિજ્ઞાનમાં જૈવિક ઉત્ક્રાન્તિ નામની નવિ જ્ઞાનશાખાની શોધ કરી. આ જ્ઞાનની નવિ શાખાની શોધની વ્યાપક અસરો જીવવિજ્ઞાનના ક્ષેત્રની બહાર પણ ઘણી જ અસરકારક પેદા થઈ છે.

ડાર્વિનને વિજ્ઞાનમાં ઐતિહાસિક સંશોધનોને આધારે ભૌતિકશાસ્ર કે રસાયણશાસ્રની પ્રયોગશાળાની બહાર પણ વૈજ્ઞાનિક સત્ય શોધી શકાય છે તેવા નવા જ્ઞાનનો વિષય શોધી કાઢ્યો છે. ઉત્ક્રાન્તિવાદે જે પ્રસંગો, બનાવો, હકીકતો કે પ્રક્રિયાઓ હજારોલાખો વર્ષો પહેલાં બની ગયાં છે તે સમજાવવાની કોશિશ વૈજ્ઞાનિક પ્રયોગશાળાની બહાર પણ આધારભૂત જૈવિક પણ ભૌતિક નમૂના એકત્ર કરીને સાબીત કરી.

આ કુદરતી પસંદગીના સિદ્ધાંતની ક્ષમતા (પોટેન્શ્યાલિટી) એટલી બધી છે કે જો કુદરતી વાતાવરણમાં ફેરફારો થાય ( દા.ત. ઠંડા પ્રદેશોના સજીવોને ગરમ પ્રદેશોમાં જીવવું પડે તેવા સંજોગો પેદા થાય) તો એક પેઢીની જાત તેની બીજી નવિ આવનારી પેઢીથી પણ જુદી પડે અથવા તો તે નવિ પેઢી નવા વાતાવરણને અનુકુળ આનુવંશિક (જેનેટિકલ) જરૂરી નવા ફેરફારો સાથે જ જન્મે. પૃથ્વી પર જે જૈવિક જાતિઓમાં ફેરફારો થયા છે તે કોઇ પૂર્વ-આયોજિત નથી. પરંતુ તે બધા ફેરફારો આડાઅવળા(રેન્ડમ), કે જૈવિક જરૂરિયાતમાંથી અથવા બંનેના સંમિશ્રણની સંયુક્ત પેદાશ છે. આ બધી હકીકતો ડાર્વિને સને ૧૮૫૯માં પ્રકાશિત કરેલા પુસ્તક ‘ઓરીજન ઓફ સ્પીસીસ’ માં વિગતે રજૂ કરી છે. સદર સિદ્ધાંતની સત્યતાને આધારે આશરે ૮૦ વર્ષ પછી સને ૧૯૪૦માં આપણે ડી એન એ શોધી શક્યા છીએ. ઉત્ક્રાન્તિવાદના નિયમોનું કોઇ હ્રદય હોય તો તે ડી એન એ છે.

ડાર્વિનના જીવ ઉત્પત્તિના આ ધર્મનિરપેક્ષ ખ્યાલે (સિક્યુલર વે ઓફ લાઇફ) બધા જ ધર્મોએ પોતાના ધર્મપુસ્તકોમાં લખેલા જીવોત્પત્તિના અને માનવીય સર્જનના દાવાઓને બિલકુલ ખોટા, વાહીયાત અને પોકળ એટલે કે વાસ્તવિક પુરાવા વિનાના સાબીત કરી દીધા. તેના ઉત્ક્રાન્તિવાદે પૃથ્વી પરની સમગ્ર સજીવ ઉત્પત્તિને વૈજ્ઞાનિક આધાર આપ્યો. ટૂંકમાં એક જૈવિક વંશમાંથી સમગ્ર જગત પેદા થયું છે તેવો ધર્મના આધાર સિવાયનો સિદ્ધાંત શોધનાર ડાર્વિન પ્રથમ વૈજ્ઞાનિક હતો. આ ઉત્ક્રાન્તિ પ્રક્રિયાનો વિકાસ ક્રમશ; હજારો નહી પણ લાખો વરસથી થતો આવ્યો છે. આ જીવવિકાસની સાંકળ કોઇ જગ્યાએથી તુટેલી કે વેરણછેરણ થયેલી નથી. આ ઉત્ક્રાન્તિનું કારણ ઉપર ચર્ચા કર્યા મુજબનો ડાર્વિનનો કુદરતી પસંદગીનો સિદ્ધાંત છે.

વૈજ્ઞાનિક તત્ત્વજ્ઞાનની મૂડીમાં ઉત્ક્રાન્તિવાદનું ક્રાન્તિકારી અપરિવર્તનશીલ પ્રદાન

ડાર્વિનના આ કુદરતી પસંદગીના સિદ્ધાંતની શોધ પહેલાં આશરે ૨૦૦૦ વર્ષ સુધી ગ્રીક, ભારતીય તત્વજ્ઞાન અને ૧૮મી સદીના સ્કોટલેંડના ફીલોસોફર ડેવિડ હ્યુમ(૧૭૧૧–૧૭૭૬) સુધી માનવજાત તમામ જૈવિક સર્નનોને ઇશ્વરી દેન સમજીને દરેક કુદરતી ઘટનાઓનું મૂલ્યાંકન કરતી હતી. આવા તત્ત્વજ્ઞાનમાં સત્યના બે ભાગ પાડવામાં આવતા હતા. એક ભૌતિક પદાર્થ (Matter)અને બીજું આત્મા(Spirit). ડાર્વિને પોતાના ઉત્ક્રાન્તિવાદનાં તારણોમાં સાબીત કર્યું કે બધા જ સજીવો ફક્ત એક જ ભૌતિક પદાર્થમાંથી બનેલા છે. ભૌતિકતામાં કશું આધ્યાત્મિક કે અશરીરી હોતું નથી. માનવ શરીર અને તેના મગજમાં રહેલું મન પણ ભૌતિક શરીરનો એક ભાગ જ છે.(The mind is a part of body because it does not exist without body). શરીરનાં બીજાં અંગો જેવાં કે હૃદય, ફેફસાં, મૂત્રપિંડ,અને જઠરની જેમ માનવ મગજ પણ સજીવ ઉત્ક્રાન્તિની માફક ક્રમશ વિકસેલું છે. તેમાં કશું બહારથી (ઇશ્વ્રર દ્રારા) કે કોઈ બાહ્ય અશરીરી પરિબળ દાખલ કરવામાં આવતું નથી. તે જમાનાની દૃષ્ટિએ ડાર્વિનનું આ તારણ ખૂબ જ ધાર્મીક અને સામાજીક રીતે ઘણું જ સ્ફોટક હતું. તેના પરીણામોની શું અસર થશે તેની ગંભીરતાની ડાર્વિનને પુરી માહીતી હતી. તેથી ડાર્વિને પોતાનું પુસ્તક ‘ ઑરિજીન ઓફ સ્પીસીસ’ સને ૧૮૩૯માં સુંપુર્ણ પ્રકાશિત કરીને બહાર પાડી શકાય તેમ હતું તેમ છતાં તેણે ઘણા મનોમંથન પછી વિસ વર્ષ પછી સને ૧૮૫૯માં બહાર પાડ્યું.

આ વિશ્વની માનવજીવન સાથેની દરેક ઘટનાઓ પૂર્વનિર્ણીત (Predetermined) છે તે સત્યને ચાર્લ્સ ડાર્વિને પોતાના ઉત્ક્રાન્તિવાદના નિયમોના આધારે પડકાર્યું. ડાર્વિનનાં સંશોધનોએ સાબીત કર્યુ કે હવે આ પૃથ્વી પર કોઇ સર્જનહાર કે ઇશ્વરની જરૂર નથી. ખરેખર તો તે પહેલાં પણ ન હતી. સમગ્ર સજીવ સૃષ્ટીનું સર્જન ઇશ્વરી શક્તિનું પરિણામ છે તેવા ખ્યાલની બાદબાકી થતાં જ જ્ઞાન–વિજ્ઞાનના દરેક ક્ષેત્રમાં હકારાત્મક રીતે કુદરતી પરિબળોને સમજવાનું અને તે જ્ઞાન આધારિત સમજાવવાનું -એ સંશોધનાત્મક પ્રવૃત્તિઓ દુનિયાના ખૂણે ખૂણે વિસ્તરતી ગઈ. ડાર્વિનના ભૌતીક્વાદી તત્ત્વજ્ઞાને વિશ્વના સર્જનમાંથી ઇશ્વરની બાદબાકી કરીને માનવીને તેના કેન્દ્રમાં મૂકી દીધો.

આધુનિક સમય પર ડાર્વિનના વિચારોની અસર

૧૮મી અને ૧૯મી સદીના માનવીની આ વિશ્વને સમજવાની દૃષ્ટિ કરતાં ૨૧મી સદીના માનવીની જગતને સમજવાની દૃષ્ટિ બિલકુલ જુદી છે. સામાન્ય રીતે તેનું કારણ ટેકનોલોજી અને ડિજિટલ શોધો છે. પરંતુ આ ફેરફારો ડાર્વિનના વિચારો અને વૈજ્ઞાનિક તારણોનું પરિણામ છે તેની બહુ ઓછા માણસોને ખબર છે. ડાર્વિનના ઉત્ક્રાન્તિવાદના વિચારોની અસરે માનવીને જ પોતાના ભાગ્યનો વિધાતા બનાવી દીધો છે. માનવ માત્ર એક જાતિ(સ્પીસીસ) છે. કોઇ આફ્રિકન, અમેરિકન, યુરોપિયન,એશિયન વંશીય રીતે જુદા જુદા છે તે માન્યતાને આધારવિહીન સાબીત કરી દીધી. કાળા, ગોરા, ઊંચાઈમાં લાંબા કે ટૂંકા, સ્રી કે પુરુષ બધા જ જૈવિક રીતે બિલકુલ જુદા નથી. તેથી એક છે તે સત્યને બહાર લાવવાનું કામ ડાર્વિનના ઉત્ક્રાન્તિવાદે કર્યું છે. માનવીય વંશિતા તે એક જૈવિક ઉત્ક્રાન્તિની સામાન્ય વંશિતાનો એક ભાગ છે તેવું સાબીત થતાં જ ધર્મોએ માનવીને બીજાં પ્રાણીઓની સરખામણીમાં આપેલા વિશિષ્ટ સ્થાનની અપ્રસ્તુતતા સાબિત થઈ ગઈ.

ડાર્વિને તેનું બીજું જગવિખ્યાત પુસ્તક ‘ડિસેન્ટ ઓફ મૅ ( Descent of Man)1 સને ૧૮૭૧માં પ્રકાશિત કરેલું. તેમાં ડાર્વિને માનવ ઉત્ક્રાન્તિ કેવી રીતે અન્ય સજીવ પ્રાણીઓની સરખામણીમાં સમાન હોવા છતાં કેવી રીતે વિશિષ્ટ છે તે સમજાવ્યું છે. તેમાં કશું દૈવી કે અલૌકિક નથી, પણ જૈવિક જગતના અન્ય પ્રાણીઓની સરખામણીમાં માનવીની બુદ્ધિમત્તા ( ઇન્ટેલિજન્સ) સર્વશ્રેષ્ઠ છે તે સાબીત કર્યુ છે. માનવી ફક્ત એક એવું જૈવિક એકમ છે જે ભાષા, વ્યાકરણ અને વાક્યરચના બનાવવાની કળા લાંબા ઉત્ક્રન્તિવાદના સંઘર્ષ પછી ક્રમશ: રીતે વિકસાવી શક્યું છે. ઊંચી બુદ્ધિશક્તિ, ભાષા અને લાંબા સમય સુધી પોતાના બાળકોની મા–બાપ તરીકે સારસંભાળ લેવાનાં જૈવિક લક્ષણોને કારણે માનવજાતે તેની સમગ્ર સંસ્કૃતિ પેદા કરી છે. તેને કારણે માનવજાતે સમગ્ર વિશ્વ પર બીજા અન્ય શારીરિક રીતે શક્તિશાળી સજીવો કરતાં પોતાનું પ્રભુત્વ મેળવેલું છે અને ટકાવી રાખ્યું છે.

ડાર્વિને જેમ શરીરમાંથી ચેતના, આધ્યાત્મિકતા, કે આત્મા વગેરેના અસ્તિત્વને ફગાવી દીધાં તેવી જ રીતે માનવ માનવ વચ્ચેના એકબીજાના નૈતિક વ્યવહાર માટે પૂર્વજન્મ. પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક, જન્નત, દોજખ, મોક્ષ, મુક્તિ વ. ધાર્મિક ખ્યાલોને તરંગી અને કાલ્પનિક સાબીત કરી દીધા. માનવીય નૈતિકતાના ખ્યાલને તેણે ઐહિક, દુન્યવી, આ જીવન માટે સુખ મેળવવાનો બનાવી દીધો. માનવીય નૈતિકતાના આધારને ધર્મનિરપેક્ષ કે નિરીશ્વરવાદી બનાવી દીધો. જો માનવ ઉત્ક્રાન્તિવાદ પ્રમાણે ઇશ્વરી સર્જન ન હોય તો સમાજમાં એકબીજા સાથે માનવીય સંબંધો વિકસાવવા કે ટકાવવા માટેની નૈતિકતા કેવી રીતે ઈશ્વરી કે ધાર્મિક હોઇ શકે? અન્ય સજીવોની માફક માનવીએ પોતાના માટે સારું શું કે ખોટું શું (વિવેકબુદ્ધિ, રેશનાલિટી) તે અસ્તિત્વ ટકાવી રાખવાના સંઘર્ષમાંથી (સ્ટ્રગલ ફોર એક્સીસ્ટન્સ) શીખ્યો છે. તેના જેવા બીજા અન્ય માનવીઓના સહકારથી તે વિઘાતક કુદરતી પરિબળો તેમ જ તેના કરતાં બાહુબળમાં વધુ શક્તિશાળી પ્રાણીઓ સામે કેવી રીતે જીવવું તે પણ શીખી ગયો હતો. કુટુંબ, ટોળી, કબીલો, સમાજ અને રાજ્ય– રાષ્ટ્ર માનવીના અસ્તીત્વ ટકાવી રાખવા માટેનાં નૈતિક વલણો કે નિર્ણયોનું જ સર્જન છે. ( આજે વાસ્તવિક્તા એ છે કે આ બધા સામૂહિક એકમોએ પોતાના સ્વાર્થ માટે માનવીને તે બધાનો ગુલામ બનાવી દીધો છે). અસ્તીત્વ ટકાવી રાખવાની જિજીવિષા (અર્જ ટુ એક્સીસ્ટ) એ તેને પોતાના સ્વાર્થનું ઉર્ધ્વગમન (ઉચ્ચ સામાજિજક સ્વાર્થમાં રૂપાંતર) કરીને બીજા સાથી માનવો સાથે સહકારભર્યું વર્તન કરવા મજબૂર કર્યો. આવાં કુટુંબોની રચના અન્ય સજીવો જેવા કે હાથી, સિંહ, કીડી, મધમાખી વગેરે પણ પેઢી દર પેઢી કરતાં આવ્યાં જ છે. તે ફક્ત ઉત્ક્રાન્તિની માનવી માટેની દેન નથી. ડાર્વિને આવા માનવીના નૈતિક વલણ માટે શબ્દ વાપર્યો છે: ‘પ્રબુદ્ધ સ્વાર્થ’ (એનલાઇટન્ડ સેલ્ફ ઇન્ટરેસ્ટ).

અંતમાં આપણે કહી શકીએ કે ડાર્વિનના ઉત્ક્રાન્તિવાદે બધા જ સજીવોનો સામાન્ય જૈવિક વારસો, ક્રમશ: ઉત્ક્રાન્તિ, કુદરતી પસંદગીનો સિદ્ધાંત જગત સમક્ષ મૂકી, નવી રીતે વિચારવા આપણને સક્ષમ કર્યા છે. તેણે ઉત્ક્રાન્તિનો સિદ્ધાંત આપી, જગતના સર્જનને ઈશ્વરની મદદ વિના આપણને સમજાવ્યું છે. સમગ્ર વિશ્વ અને તેમાં વસતી માનવજાત કાયમ માટે ચાર્લ્સ ડાર્વિનની જ ૠણી રહેશે.

1. Descent of Man, and Selection in Relation to Sex  (1874)  by Charles Darwin

૦૦૦૦

%d bloggers like this: