The Sole Spokesman: Jinnah, the Islam and the Demand for Pakistan–Ayesha Jalal (12)

The Sole Spokesman_Jinnah, the Islam and the Demand for Pakistan 3 ebookAyesha Jalal 3

The Sole Spokesman: Jinnah, the Muslim League and the Demand for Pakistan

Author: Ayesha Jalal ǁ Publishers: Cambridge University Press

May 1985, Hardcover ǁ ISBN 0521244625 (ISBN13: 9780521244626)

પાકિસ્તાની ઇતિહાસકાર આયેશા જલાલે બહુ નાની ઉંમરે પોતાના ડૉક્ટરલ થિસિસ તરીકે આ પુસ્તક લખ્યું. આજે એ ભારત અને પાકિસ્તાનના ભાગલા વિશેનું મહત્ત્વનું પુસ્તક મનાય છે. પુસ્તકનું મૂળ વિષયવસ્તુ જિન્નાની ભૂમિકા છે. આમાં ગાંધીજી, નહેરુ, સરદાર પટેલ વગેરે નેતાઓની ગૌણ ભૂમિકા છે. એમનો ઉલ્લેખ માત્ર જિન્નાના સંદર્ભમાં જ છે. આમ આ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો પૂરો ઇતિહાસ નથી.

લેખિકાનું કહેવું છે કે જિન્ના ખરેખર કોંગ્રેસની જેમ જ મજબૂત કેન્દ્ર સરકાર ઇચ્છતા હતા. પાકિસ્તાન એમનું મૂળ લક્ષ્ય નહોતું. તેમ છતાં કોંગ્રેસના નેતાઓ સાથે પોતાની બરાબરી સ્થાપવા માટે એમણે પાકિસ્તાનનું ગતકડું ઊભું કર્યું હતું. એમાં પણ એમને મુશ્કેલીઓ નડતી હતી કારણ કે પંજાબ અને બંગાળમાં મુસ્લિમ વસ્તી બહુ મોટી હતી અને ત્યાં પ્રાંતિક સરકારોમાં એમનું વર્ચસ્વ હતું એટલે એમને દરમિયાનગીરી કરી શકે એવી કેન્દ્રીય સરકાર પસંદ નહોતી. જિન્નાને એ આડે આવતું હતું. જિન્નાએ એમને સમજાવ્યા કે કોઈ પણ વ્યવસ્થા હોય તેમાં કેન્દ્ર તો રહેશે જ એટલે ત્યાં પ્રાંત તરીકે નહીં, તો મુસલમાન તરીકે, જો પંજાબ અને બંગાળના નેતાઓ કેન્દ્રમાં જિન્નાને ટેકો આપે તો મુસ્લિમોની બહુમતી ન હોય તેવા પ્રાંતો – મદ્રાસ, મુંબઈ અને યુક્ત પ્રાંત – માં મુસલમાનોનાં હિતોનું રક્ષણ કરી શકાશે. આમ એમને મુસ્લિમ લઘુમતી પ્રાંતોના નામે પોતાની સશક્ત હાજરીવાળી કેન્દ્ર સરકારની જરૂર હતી, જે બહુમતી પ્રાંતોની મદદ વિના શક્ય નહોતું.

બીજી બાજુ, મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતો કંઈ બીજા પ્રાંતો વિશે વિચારતા નહોતા. એટલે એમની સ્વાયત્તતા ટકાવી રાખવાનું વચન મળે તો જ બદલામાં પંજાબ અને બંગાળ જિન્નાને કેન્દ્રમાં નેતા માનવા તૈયાર થાય. આવી અટપટી અને પરસ્પર વિરોધી માગણીઓ વચ્ચેથી વચલા માર્ગ તરીકે જિન્નાએ અલગ પ્રાંતોનાં ફેડરેશનો અને એમની ઉપર નબળું કેન્દ્ર – એવી ફૉર્મ્યૂલા ઘડી કાઢી. એમનો વ્યૂહ એ હતો કે એક વાર એમના સાથીઓ એ સ્વીકારી લે તે પછી ધીમે ધીમે એમને કેન્દ્ર તરફ વાળી શકાશે; ત્યાં સુધી કશો ફોડ ન પાડવો. લેખિકા કહે છે તેમ જિન્નાના આ બધા પ્રયત્નો એટલા માટે હતા કે તેઓ પોતાને મુસલમાનોના એકમાત્ર પ્રતિનિધિ તરીકે સ્થાપિત કરીને કોંગ્રેસ સાથે સત્તાનો સોદો કરે. આ તો વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા થઈ.

જિન્નાનો દૃષ્ટિકોણ એવો રહ્યો કે વધુમાં વધુ મોટી માગણી ટેબલ પર રાખો અને પછી બાંધછોડ કરો. ગાંધીજીની રીત એનાથી તદ્દન ઉલટી હતી. ઓછામાં ઓછું માગો અને એના પર અડગ રહો; સિદ્ધાંત સ્વીકારાઈ જાય તો તરત સમાધાન કરી લો.

શ્રીમતી જલાલનો પ્રયત્ન બે જુદી જુદી દિશામાં જાય છે. એક બાજુથી એમનું કહેવું છે કે જિન્ના ખરેખર પાકિસ્તાન નહોતા માગતા પણ અંતે સ્થિતિ એવી ઊભી થઈ કે એમને પાકિસ્તાન સ્વીકારવું પડ્યું; કોંગ્રેસ જો એમને બરાબર સમજી શકી હોત તો ભાગલા ન થયા હોત. એટલે કે, દેશના ભાગલા પડ્યા તેના માટે જિન્નાને સમજવામાં કોંગ્રેસની અસમર્થતા જવાબદાર છે. બીજી બાજુથી એવો સૂર પણ સંભળાય છે કે જિન્નાની બુદ્ધિશક્તિ ન હોત તો પાકિસ્તાન બન્યું જ ન હોત. એટલે પાકિસ્તાન બનવાનો બધો યશ જિન્નાને ફાળે જાય છે. આ બન્ને પરસ્પર વિરોધી સૂરો છે. પરંતુ જિન્ના ખરેખર પાકિસ્તાન માગતા નહોતા?

જિન્ના કફોડી સ્થિતિમાં આવી ભરાયા એવા દાવાને બીજા વિદ્વાનો નકારી કાઢે છે. જલાલ દેખાડે છે કે પાકિસ્તાનનો વિચાર ૧૯૪૦ પછી વિકસ્યો પરંતુ છેક ૧૯૩૨થી જિન્નાએ community-by-itself (કોમ પોતાના બળે) એવો વિચાર સ્વીકારી લીધો હતો એમ માનવાનાં આધારભૂત કારણો છે. ઇતિહાસકાર અનિલ નૌરિયા એમના નિબંધ Some Portrayals of Jinnah: A Critiqueમાં કહે છે કે આ જાતનો વિચાર જિન્નાના વલણમાં છેક સુધી રહ્યો. જિન્નાએ અબ્દુલ મતીન ચૌધરીને ૨ માર્ચ ૧૯૩૨ના રોજ પત્ર લખ્યો તેમાં આ વાત સ્પષ્ટ થાય છે. અનિલ નૌરિયાએ આ પત્રનો સંદર્ભ આપ્યો છે.(Syed Sharifuddin Pirzada (ed), Quaid-e-Azam Jinnah’s Correspondence, East and West Publishing Company, Karachi, 1977, p. 22).

જિન્ના લખે છેઃ “ બ્રિટિશરોને આપણો સહકાર અને ટેકો જોઈએ છે. આપણી સુરક્ષાની બાંયધરી હોય અને કેન્દ્રમાં જવાબદારી વિશે સમજૂતી થાય તો જ એ શક્ય બને. હિન્દુઓને આપણા સહકાર અને ટેકાની જરૂર હોય તો એ લોકો આપણને બાંયધરી આપે અને બ્રિટીશ કૉમનવેલ્થની અંદર આપણા સ્વશાસનની સમજૂતી માટે સંમત થાય તો જ શક્ય બને. આપણે આ શરતો સિવાય કોઈ એક કે બીજાને ટેકો ન આપી શકીએ. બન્નેમાંથી કોઈને આપણી જરૂર ન હોય તોએમને જે ફાવે તે કરે અને આપણે એમાં સંમત નહીં થઈએ. મને ખાતરી છે કે ૮ કરોડ (માણસો), ખાસ કરીને સંગઠિત થઈને ઊભા રહે તો તેઓ એમની અવગણના નહીં જ કરી શકે.

નૌરિયા કહે છે કે જિન્નાની ભાવિ વ્યૂહરચનાનાં બીજ આ સમયે જ વવાઈ ગયાં હતાં અને એ અમુક લેખકો દાવો કરે છે તેવું રાષ્ટ્રવાદી તો જણાતું નથી, બલ્કે, સદંતર જૂથવાદી અને ધર્મ-કોમ આધારિત છે. એમાં મુસ્લિમ કોમને દેશના સમગ્ર સમાજથી અલગ ગણવાનો પ્રયાસ છે અને જિન્ના જેને ‘બાંયધરી’ તરીકે ઓળખાવે છે તેના માટે અલગથી વાટાઘાટો ચલાવવાની વાત છે.

આમ, જિન્ના પાકિસ્તાન નહોતા માગતા એવા, આયેશા જલાલના દાવા સામે આ સ્વયં જિન્નાનો આ પત્ર જ મોટો પડકાર છે. પુસ્તક દેખાડે છે તેમ જિન્ના સાથે કોઈ નહોતું. આ પુસ્તક એ પણ દેખાડે છે કે યુક્ત પ્રાંતમાં પણ પાકિસ્તાનનું વિચારબીજ જિન્નાએ જ રોપ્યું અને તેઓ એમને તો કંઈ પણ આપી શકવાના નહોતા. એમની કોઈ પણ સ્કીમમાં મુસ્લિમોની લઘુમતી હોય એવા પ્રાંતોને તો સ્થાન જ નહોતું.

ઉપરાંત, પાકિસ્તાનનો વિચાર પણ બીજા કોઈને નહોતો આવ્યો. આ સંજોગોમાં એમની વકીલ તરીકેની કુશળતાને દાદ આપીએ તો પણ એટલું તો કહેવું જ પડશે કે પાકિસ્તાનનો વિચાર સૌથી પહેલાં એમને જ આવ્યો હતો અને એમણે પોતાના સાથીઓને પણ એ વિચારની આસપાસ એકઠા કર્યા. જો જિન્ના પાકિસ્તાન નહોતા ઇચ્છતા તો એમનું જીવન આજે પણ સૌ માટે એક પદાર્થપાઠ જેવું છે કે હાથનાં કર્યાં હૈયે વાગે જ છે. મુસ્લિમ લીગની જે નીતિઓ હતી તે જ નીતિઓ કોઈ પણ લાગુ કરે, પરિણામ તો એ જ રહેવાનું છે.

જિન્નાની બે રાષ્ટ્રોની નીતિ જોતાં એમ પણ કહી શકાય એમ નથી કે જિન્ના પોતે બિનસાંપ્રદાયિક હતા. જે જિન્ના ધર્મ અને કોમને નામે રાજકારણ ચલાવતા હોય તે જ, પાકિસ્તાન બન્યા પછી બધાને ધર્મની બાબતમાં સ્વતંત્રતા આપવાની વાત કરે તો સહેજે વિચાર આવે કે તમે જો પાકિસ્તાન બનાવ્યા પછી ધર્મની સ્વતંત્રતા આપી શકતા હો તો એક જ દેશ કે એક કેન્દ્ર નીચે મુસલમાનોને એ સ્વતંત્રતા નહીં મળે એમ દાવો કરી કેમ શક્યા? એ જ દાવાને કારણે તમે બીજાઓને સ્વતંત્રતા આપશો એવી ખાતરી પણ કેટલી વિશ્વસનીય ગણાય?

૦-૦-૦

હવે આવતી ૧૪મી તારીખ, સોમવારથી આપણે વેંકટ ધૂલિપાલાના પુસ્તકનો પરિચય મેળવશું. એમના અભ્યાસનો વિષય છે કે પાકિસ્તાન આંદોલનની યુક્ત પ્રાંત અને બિહારમાં કંઈ અસર હતી કે નહીં જલાલના પુસ્તકમાં તો એની ઝલક મળતી નથી, હવે આપણે ભારતના ભાગલા વિશેના બીજા પુસ્તકમાં આના વિશે જાણવા પ્રયત્ન કરશું.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : ૧૨ :

The Sole Spokesman: Jinnah, the Islam and the Demand for Pakistan–Ayesha Jalal (11)

The-Sole-Spokesman_Jinnah-the-Islam-and-the-Demand-for-Pakistan-1-Paperback.pngAyesha-Jalal-1_thumb.png

The Sole Spokesman: Jinnah, the Muslim League and the Demand for Pakistan

Author: Ayesha Jalal ǁ Publishers: Cambridge University Press

May 1994, Paperback, 336 pages ǁ ISBN: 9780521458504

બ્રિટિશ શાસનના છેલ્લા તેર મહિનામાં જિન્નાએ પોતાની વ્યૂહ રચનાને પડી ભાંગતી જોઈ. આયેશા જલાલ કહે છે કે જિન્ના એ પોતાને છીછરા કોમવાદથી ઉપર અને પોતાની દૄષ્ટિએ ભારતીય એકતા ટકાવી રાખવાના પ્રયત્નો કર્યા હતા. એમણે મુસ્લિમોને સંગઠિત કરવા અને એમના વચ્ચે એકમતી સ્થાપવા માટે ઘણા પ્રયાસ કર્યા, પરંતુ એમણે પોતાની આખી યોજના પોતાના જ સાથીઓથી છુપાવી રાખીને આ પ્રયાસ કર્યા. અંતે, કૅબિનેટ મિશને એમને પોતાનાં પત્તાં ખોલવા ફરજ પાડી. તે પછી ઓચિંતા જ મિશને નવી યોજના જાહેર કરી દીધી. વચગાળાની સરકારમાં સમાનતા મેળવવામાં પણ જિન્ના સફળ ન થયા. જિન્નાના એક સાથીએ એમને લખ્યું કે સંઘની કેન્દ્ર સરકાર જે રીતે બનતી હતી તેમાં લીગે માગેલી સમાનતા નહોતી અને “કુરાનના સોગંદ ખાઈને સાર્વભૌમ પાકિસ્તાન લેવાનો” નિર્ધાર જાહેર કર્યા પછી આવી સંઘ સરકારની તરફેણ કરવા લોકો સમક્ષ જઈ શકાય તેમ નહોતું. આ “કુરાનના સોગંદ” જેવું કંઈ જિન્નાના મનમાં નહોતું. સાચી જાણકારી વિનાનો મુસ્લિમ જનમત જાણે જિ્ન્નાનું વેર વાળતો હોય એવી સ્થિતિ ઊભી થઈ હતી. ‘નવા-એ-વક્ત’ અખબારે લખ્યું કે લીગે મિશનની ‘પાકિસ્તાન’ની દરખાત ૯૫ ટકા મતથી સ્વીકારી છે; હવે કૅબિનેટ મિશનની સુધારેલી લાંબા ગાળાની યોજના હેઠળ દસ વર્ષ પછી પાકિસ્તાન સ્વતંત્ર રાષ્ટ્ર બને એવો તબક્કો આવી ગયો છે.

કૅબિનેટ મિશનની યોજના પર કોંગ્રેસનો પ્રહાર

પરંતુ સમય દસ વર્ષ રાહ જોવાનો નહોતો. લીગ અને કોંગ્રેસ, બન્નેના નેતાઓ રેતાળ જમીન પર ઊભા હતા અને પગની નીચેથી રેતી સરકતી જતી હતી. દેશમાં કામદારોમાં અસંતોષ વધતો જતો હતો અને કોંગ્રે્સના ડાબેરી નેતાઓનું જોર વધતું જતું હતું, આથી જમણેરી નેતાઓ જલદી સત્તા હાથમાં લઈ લેવા તલપાપડ હતા. આથી કોંગ્રેસે લીગ પર હુમલો બોલવાની તૈયારી કરી લીધી. સ્વભાવે ડાબેરી,નવા કોંગ્રેસ પ્રમુખ જવાહરલાલ નહેરુ જમણેરી પાંખના પ્રવક્તા બન્યા. એમણે ૧૯૪૬ની ૧૦મી જુલાઈએ કૅબિનેટ મિશન પર આકરા પ્રહારો કરીને જે મુસલમાનો પોતાના જ નેતાનાં ઉદ્દંડ અને તીખાં નિવેદનોથી “પાકિસ્તાન તો હાથમાં આવી ગયું” એવી આશામાં રાચતા હતા તેમને આંચકો આપ્યો. નહેરુએ કહ્યું કે કૅબિનેટ મિશનની યોજનામાં કોંગ્રેસ પોતાની રીતે ફેરફાર કરવા સ્વતંત્ર છે…મિશને દસ વર્ષ પછી ભારતવાસીઓએ શું કરવું તે નક્કી કરવા માટે પોતાને પાત્ર માન્યું તે અકલ્પનીય છે. એમણે કહ્યું કે કોંગ્રેસ બધા પ્રાંતોના હિતોની ચિંતા કરે છે. ‘ગ્રુપિંગ’ની યોજના (જેમાં સિંધ, વાયવ્ય સરહદ પ્રાંત અને પંજાબ પશ્ચિમી ગ્રુપમાં હતાં)નો વિરોધ કરતાં નહેરુએ કહ્યું કે ગ્રુપિંગમાં તો સિંધીઓ અને પઠાણો્ને પંજાબ દબાવી દેશે. તે ઉપરાંત, કોંગ્રેસ આસામને તો પૂર્વના ગ્રુપમાં બંગાળ સાથે કદી જવા દેશે નહીં.

આ નિવેદન પછી પંજાબ અને બંગાળના મુસ્લિમ નેતાઓ પણ ભડક્યા કારણ કે એમને જે સ્વાયત્તતાની આશા હતી તેના પર પણ નહેરુએ પાણી ફેરવી દીધું. જિન્ના અલગતાવાદી હવા ફેલાવ્યા પછી હવે મજબૂત કેન્દ્રની કૅબિનેટ મિશનની યોજનાને મંજૂરી અપવાની દિશામાં ધીમે ડગલે આગળ વધતા હતા ત્યાં તો નહેરુએ કોંગ્રેસ વતી કૅબિનેટ મિશનની ટીકા કરી. આથી જિન્નાના અનુયાયીઓએ એમને એમના જૂના રસ્તે જ ઝકડી લીધા. પરંતુ પહેલાંનું હઠીલું વલણ તો માત્ર સોદાબાજી હતું. કોંગ્રેસે પોતાના કાર્યકરોની માંગને અનુરૂપ પોતાનું વલણ બદલ્યું પણ તે સાથે જિન્નાની પોતાનો વ્યૂહ લાગુ કરવાની આઝાદી ઝુંટવી લીધી.

બ્રિટને પણ સાથ છોડ્યો

બ્રિટને વચગાળાની સરકાર બનાવવાનું નક્કી કરી લીધું હતું એટલે હવે જિન્ના પર ત્રણ બાજુએથી દબાણ આવ્યું: એક બાજુથી કોંગ્રેસ, બીજી બાજુથી એમના સાથીઓ અને ત્રીજી બાજુએથી બ્રિટિશ હકુમત. બ્રિટને કહી દીધું કે વચગાળાની સરકારમાં બધા મુસ્લિમોને જિન્ના જ નીમે એવી શરત માનવા એ તૈયાર નથી. વાઇસરૉયે સરકારની રચના જાહેર કરી તેમાં કોંગ્રેસના ૬ સભ્યો હતા, જેમાં એક દલિતનો પણ સમાવેશ થતો હતો. મુસ્લિમ લીગને પાંચ સભ્યો મળ્યા. ત્રણ સભ્યોમાં લઘુમતીના પ્રતિનિધિઓને લેવાના હતા, જેમાં એક શીખને લેવાનો જ હતો. આમ કોંગ્રેસ પણ કોઈ મુસલમાનને નીમી શકે એવી સ્થિતિ ઊભી થઈ. જિન્ના માટે લીગને સરકારમાં લાવવાનું શક્ય પણ ન રહ્યું.

વાઇસરૉય વૅવલે કોંગ્રેસ અને લીગને સંદેશો મોકલ્યો કે ‘કાર્યમાં સ્વતંત્રતા’ અને ‘મજબૂત સરકાર’ એ એમના ઉદ્દેશ હતા. તે સાથે જ એણે લંડનને પણ પત્ર લખીને જણાવ્યું કે લઘુમતેઓને આપેલાં વચનો દોહરાવવાની અને કોંગ્રેસ જ દેશની એકમાત્ર પ્રતિનિધિ નહીં, એ કહેવાની જરૂર છે; પરંતુ લંડનમાં સરકાર એવું કશું જ કહેવા તૈયાર નહોતી.

જિન્ના બ્રિટન એમને બચાવી લેશે એવી આશામાં રહ્યા. હવે એ કોંગ્રેસ અને લીગની સમાનતાના દાવાને પડતો મૂકીને વચગાળાની સરકારમાં આવવા તૈયાર થઈ ગયા. એમણે મુંબઈમાં લીગની કાઉંસિલની બેઠક બોલાવી અને બ્રિટિશ હકુમત પર ‘કોંગ્રેસના હાથમાં રમી જવાનો” આક્ષેપ કર્યો. એમણે નહેરુના ‘બાલિશ નિવેદન”ની ટીકા કરી અને કહ્યું કે એના કારણે લીગને પાકિસ્તાન માટેની પોતાની મૂળ માગણી પર પાછા જવાની ફરજ પડે છે.

જિન્નાની નિરાશા

હજી પણ જિન્ના એ કહી શકે તેમ નહોતા કે ‘પાકિસ્તાન’ એટલે શું? હવે એમને પોતાનો પણ ભરોસો રહ્યો નહોતો. એમને આગળનો રસ્તો દેખાતો નહોતો. “તમે મારા ગળે કોઈ નિર્ણય ઠાંસી દો તે ભલે, તે સિવાયના ભવિષ્યના કોઈ પણ નિર્ણય”માંથી એમણે પોતાના હાથ પાછા ખેંચી લીધા. આ એક ‘કાયદ’ (નેતા)ના શબ્દો નહોતા, ખીણની ધારે ઊભેલા એક લાચાર માણસના શબ્દો હતા. પરંતુ સીંદરી બળે પણ વળ ન મૂકે તેમ એમણે એ પણ કહ્યું કે લીગે કૅબિનેટ મિશનની યોજના સ્વીકારી તેમાં કંઈ ખોટું નહોતું. દસ વર્ષ રાહ જોવા તૈયાર થયા તેમાં તો લીગની રાજકીય દૂરદર્શિતા હતી.

એમણે હજી પણ રસ્તો ખુલ્લો રાખવાનો પ્રયાસ કર્યો; લીગે જે ઠરાવ પસાર કર્યો તેમાં માત્ર વચગાળાની સરકારના સ્વરૂપને નામંજૂર કરવામાં આવ્યું જેથી કોઈ રસ્તો નીકળે તો સરકારમાં જઈ શકાય. જિન્ના્ની કુશળતાઓ માત્ર મંત્રણાઓ માટે હતી અને તેઓ એ રસ્તે પછા જવા માગતા હતા. લીગે ‘ડાયરેક્ટ ઍક્શનનો ઠરાવ પણ કર્યો હતો, પરંતુ વાટાઘાટોમાં પાવરધા જિન્ના માટે એ પ્રાથમિકતાનો વિષય નહોતો. જો કે, સિંધના મુખ્ય મંત્રીના મત મુજબ જિન્નાએ ડાયરેક્ટ ઍક્શન લેવું જ પડે તેમ હતું, ભલે ને એ બહુ જ હળવું હોય. જિન્ના એમ ન કરે તો આવેશ એવો હતો કે જિન્ના બાજુએ હડસેલાઈ જાય.

જિન્નાએ તે પછી વાઇસરૉયને કહી દીધું કે એમની વર્કિંગ કમિટી વચગાળાની સરકારમાં આવે તેવી શક્યતા નથી. સરકારની દરખાસ્તો કોંગ્રેસને ખુશ કરવા માટે ઘડેલી છે.

વૅવલ જિન્નાને બરાબર સમજતો હતો કે પાકિસ્તાનની માગણી માત્ર સોદાબાજી માટે હતી. તે ન માનો તો ડાયરેક્ટ ઍક્શનની ધમકી પણ હતી, જેની કોમી સ્થિતિ પર બહુ ખરાબ અસર પડે તેમ હતી. આમ છતાં વૅવલને જિન્ના પાસેથી એના વિશે ખુલાસો માગવાનું જરૂરી ન લાગ્યું. વૅવલને લાગ્યું કે કોંગ્રેસ થોડી ઉદારતા દેખાડશે, પણ એવું ન થયું.

દરમિયાન કલકત્તામાં કોમી તંગદિલી વધતી જતી હતી. યુક્ત પ્રાંત ઊકળતો હતો. વૅવલને લાગ્યું કે કોંગ્રેસનાં જલદ તત્ત્વોને દબાવવાની જવાબદારી કોંગ્રેસ પર નાખવી એ જ એક ઉપાય છે. કોંગ્રેસ વહીવટમાં વ્યસ્ત થઈ જશે તો એનું ધ્યાન રાજકારણ પરથી હટી જશે. ખાસ કરીને સરદાર પટેલને લાગતું હતું કે કોંગ્રેસની અંદરનાં જલદ તત્ત્વોને દબાવીને જમણેરીઓના હાથ મજ્બૂત બનાવવા હોય તો સત્તા સંભાળ્યા વિના ચાલે એમ જ નહોતું. નહેરુને સરકાર બનાવવામાં ખંચકાટ હતો પણ જમણેરીઓએ વર્કિંગ કમિટીમાંથી રાજીનામાં આપી દેવાની ધમકી આપતાં નહેરુ પણ સંમત થઈ ગયા.

વચગાળાની સરકાર

છઠ્ઠી ઑગસ્ટે વાઇસરૉયે કોંગ્રેસને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું વર્કિંગ કમિટીએ આમંત્રણ સ્વીકાર્યું પરંતુ તે પહેલાં વાઇસરૉયને વલ્લભભાઈની ઘણીખરી માગણીઓ સ્વીકારવી પડી. સવાલ એ હતો કે લીગ માટેની સીટો ખાલી રહેશે તેનું શું કરવું. સરદાર પટેલે કહ્યું કે એ પાંચ સીટો માટે જિન્નાને આમંત્રણ આપવું કે નહીં તે નિર્ણય કોંગ્રેસ પ્રમુખ પર છોડી દેવો. વાઇસરૉય પાસે એ સ્વીકાર્યા સિવાય કોઈ રસ્તો જ નહોતો.

૧૫મી ઑગસ્ટ ૧૯૪૬ના રોજ નહેરુ જિન્નાને મળ્યા અને સરકારમાં આવવાનું આમંત્રણ આપ્યું. એમણે ખાતરી આપી કે બન્ને પક્ષોની સંમતિ વિના કોઈ મોટા કોમી સવાલ પર નિર્ણય નહીં લેવાય અને ગ્રુપિંગ વગેરે મુદ્દા ફેડરલ કોર્ટને સોંપી દેવાશે. પરંતુ જિન્નાએ આ દરખાસ્તોનો અસ્વીકાર કર્યો.

ડાયરેક્ટ ઍક્શન

પછી જે થયું તેવું જિન્ના કદી પણ ન ઇચ્છે. એમના ડાયરેક્ટ ઍક્શને તે પછી ૧૬મીથી ૨૦મી ઑગસ્ટ વચ્ચે કલકત્તામાં કાળો કેર વર્તાવ્યો. બંધારણવાદી જિન્ના પાસે આ સ્થિતિને શી રીતે શાંત પાડવી તેનો ઉપાય નહોતો. એમણે મુસ્લિમોને શાંત રહેવા અપીલ કરી પરંતુ કલકત્તાના ગુંડાઓ પર એમનું કંઈ ચાલતું નહોતું. એમની સ્થિતિ કિંગ કેન્યૂટ જેવી હતી, ઉત્તરી સમુદ્રનાં મોજાંઓને કેન્યૂટે હુકમ આપ્યો પણ મોજાં એની વાત ક્યાં સાંભળવાનાં હતાં? જિન્નાની અપીલ પણ ધાર્મિક ઉન્માદે ચડેલાં ટોળાંઓ પર. પીરો અને મુલ્લાઓ પર કશી અસર ન કરી શકી.

કોંગ્રેસ હવે વાઇસરૉયને બાજુએ મૂકીને લંડન સાથે સીધો જ વ્યવહાર કરતી હતી. વાઇસરૉયે લંડનમાં ફરિયાદ કરી કે તમારી સરકારના અમુક સભ્યો મારી પીઠ પછવાડે કોંગ્રેસ સાથે કોઈ એજન્ટ મારફતે સંપર્ક રાખતા હોય તો ભારતમાં જે કંઈ બનતું હોય તેના માટે પોતે જવાબદાર નથી.

લંડનમાં વાઇસરૉય વૅવલને બરતરફ કરવાનાં ચક્રો ગતિમાન થયાં, જિન્નાની દુનિયા જમીનદોસ્ત થઈ ગઈ અને કોંગ્રેસે નવી વ્યવ્સ્થા સ્થાપવાની શરૂઆત કરી દ્દીધી. બીજી સપ્ટેમ્બરે કોંગ્રેસે સત્તા સંભાળી લીધી અને લીગ માટેની અનામત જગ્યાઓ કોંગ્રેસતરફી મુસ્લિમોથી ભરી દીધી.

ગાંધીજીના પ્રયાસ

આમ છતાં, જિન્નાને સરકારમાં લાવવાના પ્રયાસ ચાલુ રહ્યા. લેખિકા માને છે કે ગાંધી-જિન્ના વાટાઘાટો સફળ રહી હોત પરંતુ ગાંધીજીએ નહેરુ અને પટેલને સાથે લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે વાટાઘાટો તૂટી પડી.

ગાંધીજીએ સૂચવ્યું કે, કોંગ્રેસ એમ સ્વીકારે કે મુસ્લિમ લીગ બહુમતી મુસ્લિમોની પ્રતિનિધિ સંસ્થા છે; (એટલે કે બધા મુસ્લિમોની નહીં); એનો અર્થ એ પણ ખરો કે કોંગ્રેસ જેને ધારે તેને (મુસ્લિમને પણ) વચગાળાની સરકારમાં નીમી શકે. જિન્નાએ આ ફૉર્મ્યૂલા સ્વીકારી. પરંતુ નહેરુ અને પટેલે એનો અસ્વીકાર કર્યો. તે પછી ગાંધીજીએ નહેરુ અને પટેલને મનાવવા માટે એમાં ઉમેરો કર્યો કે બન્ને પક્ષો એક ટીમ તરીકે કામ કરે અને કોઈ પણ સંજોગોમાં વાઇસરૉય કે કોઈ બીજી સત્તાને વચ્ચે ન આવવા દે. જિન્નાને મન વાઇસરૉય જ એમનો બચાવ કરી શકે. એમણે વાઇસરૉયને દૂર રાખવાની આ શરત ન માની.

જો કે ૧૩મી ઑક્ટોબરે જિન્નાએ જાહેર કર્યું કે લીગ સરકારમાં આવશે કારણ કે લીગ ભાગ ન લે તો કેન્દ્ર સરકારનો સમગ્ર વહીવટ કોંગ્રેસના હાથમાં સોંપી દેવા જેવું થશે. ૨૬મી ઑક્ટોબરે લીગના પ્રધાનો “જેનો ઉલ્લેખ કરવાની ભાગ્યે જ જરૂર હોય તેવાં કેટલાંક કારણોસર” સરકારમાં જોડાયા.

જિન્નાએ જે કંઈ માગ્યું હતું તેમાંથી કશું ન મળ્યું. કોંગ્રેસ-લીગ સમાનતા, મુસ્લિમ પ્રતિનિધિત્વ પર ઇજારો, મુસ્લિમોને લગતી બાબતોમાં વીટોનો અધિકાર, પ્રધાનો માટે મનગમતાં ખાતાં –કંઈ જ ન મળ્યું. બસ, એક શિડ્યૂલ્ડ કાસ્ટના પ્રતિનિધિને લીગ વતી નીમવાની સ્વતંત્રતા મળી, તે સિવાય કંઈ જ નહીં.

નોઆખલી અને બિહારમાં મોતનું તાંડવ અને જિન્ના સામેની સમસ્યાઓ

એ જ ટાંકણે બંગાળમાં નોઆખલીમાં મુસલમાનોએ હિન્દુઓની કતલેઆમ શરૂ કરી દીધી હતી. બંગાળમાં સુહરાવર્દી માટે આ આગ ઓલવવાનું બહુ મુશ્કેલ થઈ ગયું. મુસલમાન ગુંડાઓએ હિન્દુઓના વેપારનો બહિષ્કાર કરાવ્યો, એમની દુકાનો બાળી નાખી અને ઠેર ઠેર મોતનું તાંડવ મચાવી દીધું.

કોંગ્રેસે આક્ષેપ કર્યો કે લીગે સરકારમાં આવતાંવેંત જ આ રમખા્ણો કરાવ્યાં. એ ઓછું હોય તેમ, એક લીગર પ્રધાને તો કહ્યું કે ડાયરેક્ટ ઍક્શનનું એક નિશાન કેન્દ્ર સરકાર જ છે. આના પરથી સરદાર પટેલે વૅવલને સીધો જ સવાલ પૂછ્યો કે ભાગલાને બદલે લાંબા ગાળાની યોજના (દસ વર્ષ સુધી ફેડરેશનમાં રહેવાની યોજના)ને સ્વીકાર્યા પછી શું હવે ફરી ભાગલા પડાવવા માટે વચગાળાની સ્રરકારનો ઉપયોગ રાજકીય દાવપેચના અખાડા તરીકે થવાનો છે? કોંગ્રેસે લીગ અને વાઇસરૉય પર બંધારણસભાની બેઠક બોલાવવાનું દબાણ કર્યું કે જેથી લીગને સત્તામાં આવવાની કિંમત ચુકવવી પડે – એટલે કે લીગ ભાગલાનો ઠરાવ રદ કરે અને બંધારણસભામાં જોડાય. વૅવલને આ વાત સાચી લાગી. એણે જિન્નાને કહ્યું કે લાંબા ગાળાની યોજનાનો સ્વીકાર કરવાથી જ લીગ સરકારમાં આવી શકી છે. જિન્ના લંડન ભણી મોઢું તાકતા રહ્યા. પહેલાં ગ્રુપિંગની યોજના પાકે પાયે સ્થાયી થઈ જાય તે પછી જ જિન્ના લીગને બંધારણસભામાં લાવવા માગતા હતા. જિન્નાનો તર્ક સ્વીકાર્યા છતાં વૅવલે એમને કહી દીધું કે ભારતની ઘટનાઓ કે બંધારણ સભાની કાર્યવાહી પર લંડન પ્રભાવ પાડી શકે તેમ નથી અને બંધારણ સભાનું કામકાજ નવમી ડિસેમ્બરે શરૂ થઈ જશે. જિન્નાએ જવાબ આપ્યો કે લંડનની સરકાર મદદ કરી શકે તેમ ન હોય તો અમને અમારા નસીબને ભરોસે છોડી દો.

લીગમાં પણ જિન્ના સામે હવે ઉઘાડેછોગ પ્રશ્નો પુછાતા હતા કે તેઓ કરવા શું માગે છે. લીગના સભ્યો કહેવા લાગ્યા કે “તમારા સાથીઓએ માત્ર પ્રધાનપદાં ભોગવવા માટે અમારો દુરુપયોગ કર્યો છે.” બીજી બાજુ, કોંગ્રેસમાં પણ નોઆખલીની ઘટનાઓ પછી લીગના સરકારમાં પ્રવેશ સામે ઉહાપોહ હતોઃ “નહેરુ અને પટેલ વચગાળાના સમયમાં પણ ૪૦ કરોડ માટેનું બંધારણ બનાવી શકતા નથી તો બીજા એકસો ને એક સવાલો આવશે ત્યારે શું કરશે?”

જયપ્રકાશ નારાયણે બિહારમાં લીગ સામે આંદોલન છેડી દીધું અને પોલીસને સરકારના હુકમો ન માનવા હાકલ કરી. હિન્દુ મહાસભાએ પણ બળતામાં ઘી હોમ્યું. બિહાર ભડકે બળી ઊઠ્યું. નોઆખલીમાં હિન્દુઓ મુસલમાનોના ઝનૂનનો ભોગ બન્યા તો બિહારમાં મુસલમાનો હિન્દુઓનું નિશાન બન્યા.

બીજી કેટલીક નાની વાતો પણ હતી. લિયાકત અલી ખાન નહેરુને નેતા માનવા તૈયાર નહોતા અને એમની ટી-પાર્ટીઓમાં જવા પણ તૈયાર નહોતા. માત્ર ૯૬ કલાક સાથે રહ્યા પછી કોંગ્રેસે કહી દ્દીધું કે આપણે સાથે કામ કરી શકીએ તેમ નથી. બીજી બાજુ પટેલે નોઆખલીની ઘટનાઓને કારણે બંગાળની લીગ મિનિસ્ટ્રીને બરખાસ્ત કરવાની માગણી કરી. જિન્નાને વૅવલ કંઈક કરશે એવી આશા હતી પણ હવે વૅવલની સ્થિતિ બહુ નબળી પડી ગઈ હતી. બ્રિટન સરકાર કોંગ્રેસને ટેકો આપવા માગતી હતી. બીજી બાજુ લીગે નક્કી કરી લીધું કે સરકારમાં એ નકારાત્મક કામ કરશે. સામે પક્ષે કોંગ્રેસે લીગને ચીમકી આપી દીધી કે કાં બંધારણસભામાં આવો, કાં તો વચગાળાની સરકાર છોડો. નહેરુએ કહ્યું કે લીગ બન્નેમાંથી કંઈ પણ નહીં કરે તો પોતે રાજીનામું આપી દેશે. લીગ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે એક મીટિંગ તો મળી, પણ અંતે નવમી ડિસેમ્બરે લીગ વિના જ બંધારણ્સભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ. જિન્ના એકલા પડી ગયા હતા.

કોંગ્રેસ દ્વારા ભાગલાનો સ્વીકાર

વૅવલ લંડનના કોંગ્રેસતરફી વલણથી નારાજ હતો. એ લંડનમાં જ હતો ત્યારે ૧૮મી ડિસેમ્બરે ઍટલીએ લૉર્ડ માઉંટબૅટનને વાઇસરૉય તરીકે ભારત મોકલવાની ઑફર કરી. ૨૦મી ફેબ્રુઆરીએ ઍટલીએ જાહેરાત કરી કે ભારતને ૨૦મી જૂન પહેલાં આઝાદ કરી દેવાશે. ૧૯૪૭ના માર્ચની આઠમી તારીખે કોંગ્રેસ વર્કિંગ કમિટીએ પંજાબના ભાગલાની માગણી કરી અને નહેરુએ સ્પષ્ટતા કરી કે જરૂરી બનશે તો બંગાળ માટે પણ એ જ સિદ્ધાંત લાગુ કરાશે. કોંગ્રેસે આમ ભાગલાનો સિદ્ધાંત સ્વીકાર્યા પછી જિન્ના માટે એક જ રસ્તો બચ્યો હતો. કાં તો ભાગલા સ્વીકારે અને કાં તો સંઘ સરકારમાં પાછા ફરે.

માઉંટબૅટનના આવ્યા પછીનું રાજકારણ બહુ જટિલ છે. એ તીવ્ર રાજકીય વિચાર વિનિમયનો સમય હતો. જિન્ના હજી પણ પંજાબ અને બંગાળના ભાગલા ન પડે તે માટે મથતા રહ્યા પરંતુ ભારતનું ભાવિ નક્કી થઈ ગયું હતું. દેશના બે ટુકડા થઈ ગયા. બન્ને બાજુથી શરણાર્થીઓનો પ્રવાહ શરૂ થઈ ગયો અને લાખોનાં રક્તથી રંગાયેલા ભારત અને પાકિસ્તાન એવા બે દેશો નક્શા પર અંકિત થઈ ગયા. જિન્ના ‘કપાયેલું’ પાકિસ્તાન લઈને છુટા પડ્યા.

૦-૦-૦

નોંધઃ

આયેશા જલાલના પુસ્તકનો પરિચય આજે અહીં સમાપ્ત કરીએ છીએ. આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે. મને અફસોસ છે કે The Sole Spokesmanમાં ઘણી સિલસિલાવાર હકીકતો છે જે આપી શકાઈ હોત પરંતુ મારે ઘણું છોડવું પડ્યું છે. વળી પુસ્તકનો પરિચય આપવાનો હેતુ જ એ છે કે આપણે આપણા ઇતિહાસનાં મહત્ત્વનાં સીમાચિહ્નોથી પરિચિત થઈએ અને કદાચ વધુ રસ પડે તો મૂળ પુસ્તક વાંચવાની ઇચ્છા પણ થાય. એવું થશે તો હું મારો પ્રયત્ન સાર્થક માનીશ.

આમ છતાં પુસ્તકનો મૂળ સૂર ફરી સાધવા માટે થોડું વિવેચન પણ જરૂરી છે. એ હવે પછીના પુસ્તકને પણ યોગ્ય સંદર્ભમાં મૂકવામાં ઉપયોગી થશે એમ લાગે છે, એટલે, પરમ દિવસે, બુધવારે નવમી તારીખે The Sole Spokesmanનાં લેખિકા આયેશા જલાલના દૃષ્ટિબિંદુની ચર્ચા કરીશું.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : ૧૧ :

The Sole Spokesman: Jinnah, the Islam and the Demand for Pakistan–Ayesha Jalal (10)

The-Sole-Spokesman_Jinnah-the-Islam-and-the-Demand-for-Pakistan-2_thumb.pngAyesha-Jalal-2_thumb.jpg
The Sole Spokesman: Jinnah, the Muslim League and the Demand for Pakistan
Author: Ayesha Jalal ǁ Publishers: Cambridge University Press
May 1985, Hardcover ǁ ISBN 0521244625 (ISBN13: 9780521244626)

જિન્નાના મનમાં શું હતું?

આમ જોઈએ તો બન્ને સ્કીમો એવી હતી કે જિન્નાને પસંદ આવવી જોઈતી હતી, જો કે બન્નેમાં જિન્નાને સંપૂર્ણ સંતોષ થાય એવું તો નહોતું, તેમ છતાં સ્કીમ B માં એમને જે પાકિસ્તાન મળતું હતું તેની સરખામણીએ સ્કીમ Aનું ફેડરેશન એમને વધારે અનુકૂળ હતું. પરંતુ જિન્ના પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપ્યા વિના જ વધારે સોદો કરવા માગતા હતા. બીજી બાજુ, કૅબિનેટ મિશને એમને જે પાકિસ્તાન આપ્યું હતું તે પણ એમના માટે તો “એક કદમ આગે” જેવું હતું, કારણ કે હવે એ પાકિસ્તાન અવાસ્તવિક નહોતું, જેના માટે રસ્તે ચાલતો મુલ્લા એમ વિચારે કે આ તો શેખચલ્લીના તુક્કા જેવું છે. હવે જિન્ના દેખાડી શકે તેમ હતા કે પાકિસ્તાન ખરેખર મળી શકે છે. પરંતુ એમની કલ્પનાના પાકિસ્તાનમાં પંજાબ અને બંગાળ અવિભાજિત રહે તેનો પણ લાભ લેવાનો સમાવેશ થતો હતો. વળી, હિન્દુસ્તાનમાં પાછળ રહી ગયેલા મુસલમાનોના રક્ષણની જવાબદારી પણ એ જ પાકિસ્તાને ઉપાડવાની હતી. જિન્નાએ મિશનની દરખાસ્તોનો પ્રત્યાઘાત આપવામાં ઉતાવળ ન કરી, તેમાંથી એમના મનમાં શું ચાલતું હતું તે સમજાય છે. એમને સ્કીમ A પસંદ હતી પણ હજી વધારે કંઈક મળે તેવી ઇચ્છા હતી કારણ કે એમનાં ધ્યેયો તો સ્કીમ Bમાં સૂચવેલા પાકિસ્તાન કરતાં સ્કીમ Aના ફેડરેશન દ્વારા વધારે સારી રીતે પૂરાં થતાં હતાં.

પૅથિક-લૉરેન્સ સમજી શક્યા કે ફેડરેશન દ્વારા લીગ અને કોંગ્રેસને સમકક્ષ ગણવાની સ્થિતિ ઊભી થાય છે તે કોંગ્રેસ સ્વીકારશે નહીં. બીજી બાજુ, જિન્ના પણ એ સમજતા હતા. તે ઉપરાંત તેઓ એ પણ સમજતા હતા કે સ્કીમ Bમાં સૂચવેલા ભાગલા માટે પણ કોંગ્રેસ તૈયાર નહીં થાય. એમની સોદાક્ષમતાનો એ જ તો આધાર હતો. એમના સાથીઓને એમણે પાકિસ્તાનનો પાનો ચડાવ્યો હતો એટલે સ્કીમ Aનું ફેડરેશન વધારે સારું છે એમ સમજાવવાનું પણ જરૂરી હતું, પરંતુ એવી છાપ પડી હોત કે જિન્નાએ પાકિસ્તાનની માંગ પડતી મૂકી. આ કારણસર જિન્ના પોતાની પસંદગી જાહેર કરવાનું ટાળતા રહ્યા.

હવે એમણે નવો પાસો ફેંક્યો. એમણે કહ્યું કે સમાનતા કાગળ પર તો દેખાય છે પણ વ્યવહારમાં ‘ખાદી’ની રીતરસમ જોતાં એ ચાલશે નહીં. (નોંધઃ અહીંખાદીશબ્દ ગાંધીજી પર વ્યંગ છે?) જિન્નાનું સૂચન એ હતું કે ફેડરેશન બને તે પહેલાં જ હમણાંનું કેન્દ્ર વીખેરી નાખવું અને ‘પાકિસ્તાન’ નામવાળા મુસ્લિમ પ્રાંતોનું ગઠન કરીને તેના આધારે નવું કેન્દ્ર બનાવવું. આમ જિન્નાની ઇચ્છા તો શક્તિશાળી પ્રાંતો અને નબળા કેન્દ્રવાળા ફેડરેશનને બદલે તાત્કાલિક સત્તા ધારણ કરે તેવા મજબૂત કેન્દ્રમાં સમાનતા સ્થાપિત કરવાની હતી, પાકિસ્તાનના સાર્વભૌમ રાજ્યની નહીં. આના માટે કોંગ્રેસ તૈયાર થાય તો જિન્ના બાંધછોડ કરવા અને એમણે પાકિસ્તાનમાં સમાવવા ધારેલા છ પ્રદેશો પણ છોડી દેવા તૈયાર હતા, પરંતુ જ્યાં સુધી કોંગ્રેસ ચોખ્ખી ‘હા’ ન કહે ત્યાં સુધી જિન્ના કંઈ વાયદા કરવા તૈયાર નહોતા. આગળ જોયું તેમ જિન્નાની ધારણા હતી કે કોંગ્રેસ ભાગલા નહીં સ્વીકારે એટલે ફેડરેશનનો સ્વીકાર કરવા સિવાય કોંગ્રેસ પાસે કંઈ વિકલ્પ નહોતો.

કોંગ્રેસ તરફથી નવી દરખાસ્ત

કોંગ્રેસમાં પણ ભારે મંથન ચાલ્યું. એની દૃષ્ટિએ નબળા કેન્દ્રવાળું ફેડરેશન હોય તેના કરતાં મુસ્લિમ બહુમતી અલગ થઈ જાય તે સારું હતું. બ્રિટન પણ મજબૂત કેન્દ્રની તરફેણમાં હતું. એટલે જિન્નાનું પાકિસ્તાન બની જાય તે પછી બાકીના પ્રદેશ માટે મજબૂત કેન્દ્રવાળી રાજ્યવ્યવસ્થા કરવામાં કોંગ્રેસને કોઈ આડે આવે તેમ નહોતું. નબળા કેન્દ્રમાં લીગની સામે લાચાર બનીને બેસવા કરતાં તો જિન્ના અલગ રહે તે સારું હતું.

૧૯૪૬ની ૧૫મી ઍપ્રિલે કોંગ્રેસની દરખાસ્ત એના મુસ્લિમ પ્રમુખ મૌલાના અબૂલ કલામ આઝાદે જાહેર કરી. એના મુખ્ય અંશો આ પ્રમાણે હતાઃ અવિભાજિત ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા; એકમાત્ર ફેડરેશન; એનાં ઘટકોને સંપૂર્ણ સ્વાયત્તતા, એમના ઉપર એક કેન્દ્ર; કેન્દ્ર પાસે અમુક સત્તાઓ, જે માત્ર કેન્દ્રની હોય અને અમુક સત્તાઓ જે વૈકલ્પિક હોય એટલે પ્રાંતોને પણ આપી શકાય. આઝાદનો ખ્યાલ હતો કે આ વ્યવસ્થા મુસ્લિમોની વાજબી ચિંતાઓનો પણ જવાબ આપતી હતી. પરંતુ શરૂઆતમાં જ આ દરખાસ્ત ખરાબે ચડી ગઈ. હિન્દુ પ્રાંતોને તો કદાચ સમજાવી શકાય કે તેઓ અમુક વૈકલ્પિક સત્તાઓ કેન્દ્ર પાસે રહેવા દે, પરંતુ મુસ્લિમ પ્રાંતો કેન્દ્રના હાથમાં આવી સત્તા આપવા તૈયાર નયે થાય. અમુક પ્રાંતોને વધારે સત્તાઓ હોય અને અમુકને ઓછી, એવું તો બંધારણીય રીતે પણ ટકી ન શકે. ફરજિયાત અને મરજિયાત વિષયોના અધિકારક્ષેત્ર વિશે વિચારવા માટે કાર્યકારી અને ધારાકીય વ્યવસ્થા પણ જરૂરી હતી.

કોંગ્રેસની દરખાસ્ત ઉપરાંત એક નવી દરખાસ્ત પણ રજૂ થઈ. પંજાબના લીગર નવાબ એમ. એ. ગુરમાનીની આ યોજના ક્રિપ્સે રજૂ કરી. એમાં ત્રણ સ્તર હતાં: સૌથી ઉપર કેન્દ્ર, એની નીચે હિન્દુસ્તાન અને પાકિસ્તાન, એમની અલગ ઍસેમ્બ્લીઓ સાથે; અને એમના હસ્તક પ્રાંતો કે રાજ્યો. મિશનની નજરે આ સૌથી સારી વ્યવસ્થા હતી, મિશનના સભ્ય ઍલેક્ઝાંડરે કહ્યું કે “આમાં મુસ્લિમોની માંગનો પણ ઉકેલ છે એનો અમને સંતોષ છે.”

૨૫મી ઍપ્રિલે જિન્નાએ સંકેત આપ્યો કે તેઓ કપાયેલા પાકિસ્તાન કરતાં ફેડરેશન વિશે વિચાર કરવા તૈયાર છે. બીજી બાજુ આ ત્રિસ્તરીય વ્યવસ્થાને કોંગ્રેસે નકારી કાઢી. કોંગ્રેસ માત્ર ભારતીય ફેડરેશન વિશે વિચારતી હતી.

શિમલામાં મંત્રણા

આમ છતાં આવી કોઈ દરખાસ્ત વિશે ચર્ચા કરવા માટે મળવા લીગ અને કોંગ્રેસે સંમતિ આપી. બન્ને પક્ષો શિમલામાં મે મહિનાની પાંચમીએ મળ્યા. વાતચીત કેવી રહેશે તેનો સંકેત તો પહેલી જ મિનિટે મળી ગયો. જિન્નાએ મૌલાના આઝાદની સાથે હાથ મિલાવવાની ના પાડી દીધી!

બન્ને પક્ષો વચ્ચે મતભેદોની મોટી ખાઈ હતી. જિન્ના ઇચ્છતા હતા કે સત્તા ખરેખર મધ્ય સ્તરે, એટલે કે ત્રણ સ્તરમાંથી વચ્ચેના – હિન્દુસ્તાન અને પાકિસ્તાનના – સ્તરે હોવી જોઈએ. કોંગ્રેસનું કહેવું હતું કે સત્તા ઉચ્ચ સ્તરે, કેન્દ્રમાં હોવી જોઈએ. કૅબિનેટ મિશન એવું સમાધાન શોધતું હતું, જેમાં જિન્નાને લાગે કે પાકિસ્તાનની માંગ માની લેવાઈ છે; બીજી બાજુ, કોંગ્રેસ એમ માને કે પાકિસ્તાનની માગણીને ઠુકરાવી દેવાઈ છે! નાણાંકીય સત્તાઓ પણ બન્ને વચ્ચે મોટી અડચણરૂપ હતી. કોંગ્રેસનો આગ્રહ હતો કે કેન્દ્ર નાણાકીય બાબતોમાં સ્વનિર્ભર હોવું જોઈએ, તો જિન્ના એને ઘટક ફેડરેશનો પર નિર્ભર બનાવવા માગતા હતા. કેન્દ્રને નાણાની જરૂર હોય તો એની માગણી મંજૂરી માટે ઘટક ફેડરેશનોની મંજૂરી માટે જવી જોઈએ. આમાંથી રસ્તો કાઢવા માટે કોઈ જાદુગર જોઈએ પણ શિમલામાં એ વખતે એવો કોઈ જાદુગર નહોતો. કોંગ્રેસે ત્રિ-સ્તરીય સ્કીમનો સખત વિરોધ કર્યો. આનો અર્થ એ થતો હતો કે ખરી સત્તા તો જુદાં જુદાં જૂથોના હાથમાં જ હોય. હવે વૅવલે પણ સ્વીકાર્યું કે આ વ્યવસ્થાને આદર્શ વ્યવસ્થા ગણી શકાય તેમ નહોતું.

તે ઉપરાંત, કોંગ્રેસે પોતે જે યોજના રજૂ કરી હતી તે વિશે નહેરુએ ખુલાસો કરીને કોંગ્રેસનો મૂળ હેતુ જાહેર કરી દીધો. એમણે કહ્યું કે કોંગ્રેસે રજૂ કરેલી યોજના અંતિમ રૂપની નહોતી. કોંગ્રેસ બીજું જ વિચારે છે. પ્રાંતોની સ્વાયત્તતા સંગઠિત ભારત માટે નુકસાનકારક હોવાનું કોંગ્રેસ માનતી હતી. કોંગ્રેસ ‘ગ્રુપિંગ’ પસંદ નહોતી કરતી, કારણ કે કેન્દ્રે પ્રાંતો પર નિર્ભર રહેવાનું હતું અને કેન્દ્રમાં લીગ સાથે સત્તામાં ભાગીદારી કરવી પડે તેમ હતું. પરંતુ જિન્ના એ જ કારણસર ‘ગ્રુપિંગ’ પસંદ કરતા હતા. એમણે તો આડા ફંટાતા સાથીઓને પણ કાબુમાં રાખવાના હતા. કોંગ્રેસ આ સમજતી હતી અને કહેતી હતી કે ગ્રુપિંગનો પ્રશ્ન અખિલ ભારતીય ઍસેમ્બ્લીમાં નક્કી થવો જોઈએ. કોંગ્રેસને બંધારણસભામાં જીત મેળવવાની ખાતરી હતી એટલે એ સમજતી હતી કે ગ્રુપિંગ ટકી નહી શકે. એક વાર સ્વતંત્રતા નજર સામે દેખાશે તે પછી પ્રાંતીય મુસ્લિમ નેતાઓ અને લીગરો પણ, “પક્ષપલટો કરવાની વિખ્યાત પ્રતિભા”નો પરિચય આપશે. આના પરથી સાબિત થશે કે મુસલમાનો પણ સામાન્ય ભારતીય જ છે અને કોંગ્રેસ બધાને આવકારનારો ધર્મનિરપેક્ષ પક્ષ છે. જિન્ના આ સ્થિતિ સ્વીકારી શકે એમ નહોતા. ગ્રુપિંગ મંજૂર ન રહે તો જિન્નાને પોતાના સાથીઓ પર વિશ્વાસ નહોતો એટલે શિમલામાં મંત્રણાઓ ચાલુ રાખવા એ રોકાય તેમ પણ નહોતા.

આયેશા જલાલ લખે છે કે જિન્ના વિશે જે ધારણાઓ છે તેવા એ હઠાગ્રહી નહોતા પણ એમને ખબર હતી કે એમની શક્તિ બહુ મર્યાદિત હતી અને લીગ બહુ જલદી તૂટી જાય એવી નબળી હતી. લીગને બચાવવા માટે આટલી સોદાબાજી જરૂરી હતી. એમની નજરે ગ્રુપિંગ એ જ “સંપૂર્ણ ભાગલા રોકવાનો ઉપાય” હતો. એમનો દૃષ્ટિકોણ એ હતો કે બંધારણ બનાવવાની વ્યવસ્થા ગ્રુપોને સોંપવી જોઈએ – એમ નહીં કે આ વ્યવસ્થા પોતે ગ્રુપો વિશે નિર્ણય કરે. બંધારણ બનાવવા માટેની વ્યવસ્થા પોતે સાર્વભૌમ નથી; એક વાર બંધારણ બને તેમાંથી સાર્વભૌમત્વ પ્રગટે છે. ગ્રુપિંગમાં પણ જિન્ના કોઈ પણ ગ્રુપને પાંચ વર્ષની અંદર છૂટા થવાનો અધિકાર આપવા માગતા હતા, જે કોંગ્રેસને સંઘનાં શરૂઆતનાં વર્ષોમાં નવા બનેલા મુસ્લિમ પ્રાંતો સાથે “સારો વર્તાવ” કરવાની સખત ચેતવણી હતી.

મિશનની અંતિમ દરખાસ્ત; જિન્ના બસ ચૂકી ગયા!

છ દિવસ દરમિયાન, ૧૨મી મે સુધી અનેક દરખાસ્તો રજૂ થઈ, પણ એનાથી એ છુપાવી શકાય તેમ નહોતું કે શિમલા મંત્રણાઓ નિષ્ફળ ગઈ છે. ૧૬મી તારીખે મિશને જિન્નાના ‘સાર્વભૌમ પાકિસ્તાન’ અને કોંગ્રેસના ‘મજબૂત અને સજીવ કેન્દ્ર’ની વચ્ચેથી રસ્તો કાઢીને નવી ત્રિ-સ્તરીય વ્યવસ્થા સૂચવીઃ ત્રણ સર્વસામાન્ય વિષયો કેન્દ્ર હસ્તક રહે; કેન્દ્રને નણાકીય સત્તા હોય અને એની કારોબારી (સરકાર) અને ધારાકીય પાંખ (પાર્લામેન્ટ) હોય અને એમાં બ્રિટિશ હકુમત અને રજવાડાંના પ્રતિનિધિ પણ હોય. કોંગ્રેસ અને મુસ્લિમ લીગને સમકક્ષ દરજ્જો ન મળે.

જિન્ના માટે આ આઘાત હતો. એ લીગને કોંગ્રેસ સમોવડી જોવા માગતા હતા; કેન્દ્રને પ્રાંતો પર નિર્ભર અને નબળું જોવા માગતા હતા. જિન્ના પ્રાંતોને સાર્વભૌમ બનાવવા માગતા હતા પરંતુ કેબિનેટ મિશને સાર્વભૌમત્વ કેન્દ્રમાં આરોપ્યું અને પ્રાંતોને બાકીની સતાઓ આપી. જિન્ના એક જ મુસ્લિમ ગ્રુપ બનાવવા માગતા હતા પણ મિશને બે ગ્રુપ સૂચવ્યાં – પંજાબ, વાયવ્ય સરહદ પ્રાંત, સિંધ અને બલૂચિસ્તાન (ગ્રુપ-બી); અને બંગાળ અને આસામ (ગ્રુપ-સી). વળી સંઘમાંથી છૂટા પડવાનો અધિકાર પણ નહોતો. મિશનના સ્ટેટમેન્ટમાં કોંગ્રેસ પ્રત્યે ઢળતું વલણ દેખાતું હતું; જાણે સંકેત હતો કે જિન્ના બસ ચૂકી ગયા છે!

હમણાં સુધી શાંત રહેલા લીગરો હવે જિન્નાને પડકારવા લાગ્યા. જિન્નાનો ઘટનાઓ પર અંકુશ નહોતો અને ખતરનાક ખેલ ખેલવામાં સફળ થવાશે કે કેમ તેની પણ એમને ખાતરી નહોતી. અધૂરામાં પૂરું, મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતો માટે મિશનની આ દરખાસ્ત સારી હતી. ખીઝરે તો કહ્યું પણ ખરું કે ધાર્મિક ઉન્માદ “થોડા વખત” માટે હતો. પંજાબના મુસ્લિમો “આ કબૂલ કરશે” અને મધ્યમ માર્ગ લેશે.

જિન્નાએ ચાર દિવસ પછી પોતાનો પ્રત્યાઘાત આપતાં કહ્યું કે મિશને પાકિસ્તાનની માગણીને નકારી તેથી મુસલમાનોની લાગણી ઘવાઈ છે. બીજી બાજુ કોંગ્રેસે સ્ટેટમેન્ટમાં હજી પણ “સુધારા”ની માગણી કરીને જિન્નાથી વધારે દૂર જવાનું વલણ અખત્યાર કરી લીધું. વૅવલને બીક લાગી કે કોંગ્રેસમાં વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળનું જૂથ મિશનની દરખાસ્તથી આગળ વધીને આખો રોટલો ખાવા માગે છે. વાઇસરૉયનું માનવું હતું કે નહેરુ મુસ્લિમોને સમાવી લેવા માટે બાંધછોડ કરવા તૈયાર હતા અને બંધારણ બને તે પછી ઍસેમ્બ્લીને સાર્વભૌમ સત્તા મળી શકે તેમ માનતા હતા, પણ વલ્લભભાઈ બંધારણથી પહેલાં જ ઍસેમ્બ્લીને સાર્વભૌમ માનવાના આગ્રહી હતા. વૅવલને ગાંધીજી (“King Chameleon”) વાડ પર બેઠા છે એમ લાગ્યું.

મિશનની દરખાસ્તોનું “હિન્દુ” અખબારોએ સ્વાગત કર્યું. આમ પણ લીગને ખુશ કરવાના કોઈ પણ પ્રયાસથી એ વિરુદ્ધ હતાં. પરંતુ એ જ અખબારોએ દરખાસ્તોની વિગતો આપી તેમાંથી પ્રાંતોના મુસ્લિમ નેતાઓ તો રાજી થયા, કારણ કે હવે એમને લીગની જરૂર નહોતી રહી. બંગાળના મુસ્લિમ નેતાઓ લીગ મિશનની દરખાસ્તોનો સ્વીકાર કરે તેની કાગડોળે રાહ જોતા હતા. સરકારી વર્તુળોમાં પણ બીક હતી કે જિન્ના આ દરખાસ્તનો અસ્વીકાર કરશે તો ‘જેહાદ’ શરૂ થશે અને બંગાળની મિનિસ્ટ્રીને રાજીનામું આપવાની ફરજ પડશે.

મુસ્લિમ લીગની કારોબારીની મીટિંગ

મિશનની દરખાસ્તો પર વિચાર કરવા માટે લીગની કારોબારી કમિટીની મીટિંગ મળી તેમાં જિન્ના ‘નર્વસ’ હતા. કોંગ્રેસની માંગ અને મિશનની દરખાસ્તો વચ્ચે જે સમાનતા હતી તેથી એ ચોંકી ઊઠ્યા હતા. વાઇસરૉય, કૅબિનેટ મિશન અને કોંગ્રેસને બધું જલદી સમેટી લેવાની આતુરતા હતી. નવું બંધારણ બનાવવા માટે તાત્કાલિક વચગાળાની સરકારની જરૂર હતી. આ બંધારણ કેવું બનશે તેની ખાતરી ન હોવાથી જિન્ના એમાં જેમ બને તેમ મોડું થાય એમ ઇચ્છતા હતા. એમણે કહ્યું કે પહેલાં ‘surgical operation’ની જરૂર હતી. આયેશા જલાલ કહે છે કે આનો અર્થ ભાગલા નથી થતો, માત્ર તદ્દન નવી રીતે વિચારવાનો અને ભારતનો નવો ખ્યાલ વિકસાવવા પૂરતું જ એમનું વલણ હતું. આ surgery માટે બ્રિ્ટિશરો સંરક્ષણ અને વિદેશ નીતિની બાબતો સંભાળીને કેન્દ્રમાં રહે એ એમને જરૂરી લાગતું હતું. વૂડ્રો વાયેટે એમને સલાહ આપી કે લીગે ઠરાવ પસાર કરવો જોઈએ કે બ્રિટન એમને પાકિસ્તાન આપી દે એવી તો આશા નહોતી પણ હવે “તેઓ પોતાના જમણા હાથની તાકાતથી” પાકિસ્તાન લેવા તૈયાર છે. આટલું કહીનેને લીગ મિશનના સ્ટેટમેન્ટનો “પાકિસ્તાન ભણી પહેલા કદમ” તરીકે સ્વીકાર કરે”. હંમેશાં પોતાના વિવેકબુદ્ધિ પર વિશ્વાસ રાખીને નિર્ણયો લેનાર જિન્નાને વાયેટની આ સલાહ શાંતિ આપનારી જણાઈ તે એમની નિરાશાની સીમા દેખાડે છે.

જિન્નાની નિરાશા

અંતે જિન્નાએ વચગાળાની સરકારમાં જોડાવાનો નિર્ણય કર્યો. લેખિકા કહે છે કે એમને આશા હતી કે વાઇસરૉયના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારમાં બધું ઠરીઠામ થઈ જશે અને તેઓ કોંગ્રેસ-લીગ સમાનતા સ્થાપી શકશે. વૅવલે એમને ખાતરી આપી કે એમની સરકારને કોઈ પક્ષ સાથે ભેદભાવ કરવામાં રસ નથી. હવે એમણે લીગને મિશનની યોજના સ્વીકારવાની સલાહ આપી. એમણે લીગને ઘણી રીતે આ વાત ગળે ઉતારી અને જાહેર કર્યું કે એમનું મૂળ ધ્યેય તો હિદુ-મુસ્લિમ સમાનતાનું જ રહે છે એટલે પોતે વચગાળાની સરકારમાં નહીં જોડાય. જો કે ઠરાવમાં ‘પાકિસ્તાન’ અંતિમ ધ્યેય હોવાનો પુનરુચ્ચાર કરવામાં આવ્યો. જિન્નાએ પહેલીવાર કબૂલ્યું કે પોતે “પોતાના પણ માલિક નહોતા.”

જિન્નાનાં સમાનતાનાં સપનાં પણ રોળાઇ ગયાં હતાં. વચગાળાની સરકારમાં પણ સભ્યોની પસંદગીમાં જિન્નાની દાળ ન ગળી. એમણે પૅથિક-લૉરેન્સ સમક્ષ ફરિયાદ કરી કે સમાનતાનું વચન સરકારે પાળ્યું નથી, તો એમને જવાબ મળ્યો કે સમાનતાની જોગવાઈ મિશનની દરખાસ્તમાં હતી જ નહીં એટલે વચગાળાની સરકારમાં જોડાવા માટે જિન્ના બંધાયેલા નહોતા. બીજા શબ્દોમાં પેથિક-લૉરેન્સે એમને સ્પષ્ટ કહી દીધું કે એમને આવવું હોય તો વિના શરતે આવે; ન આવવું હોય તો એમની મરજી!

વચગાળાની સરકારની રચનામાં પણ ઘણા ખેલ થયા પણ એની વિગતોમાં નહીં ઊતરીએ, પરંતુ, કોંગ્રેસ દ્વારા નિમાયેલા મુસ્લિમ સાથે બેસવાનો જિન્નાએ સખત ઇનકાર કર્યો. એમણે કહ્યું કે “આ મગતરાંઓ સાથે બેઠા પછી હું ક્યાંય મોઢું બતાવવાને લાયક નહીં રહું”.

આ સબળાની માગણી નહોતી, નબળાની કાકલૂદીઓ હતી!

હવે આપણે ૧૫મી ઑગસ્ટ ૧૯૪૭ની નજીક પહોંચ્યા છીએ. એ ઘટનાઓ હવે સોમવાર સાતમી તારીખે જોઈશું.


નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : ૧૦ :

The Sole Spokesman: Jinnah, the Islam and the Demand for Pakistan–Ayesha Jalal (9)

The-Sole-Spokesman_Jinnah-the-Islam-and-the-Demand-for-Pakistan-1-Paperback_thumb.pngAyesha-Jalal-1_thumb.png

The Sole Spokesman: Jinnah, the Muslim League and the Demand for Pakistan

Author: Ayesha Jalal ǁ Publishers: Cambridge University Press

May 2012, Adobe eBook Reader ǁ ISBN: 9781139239615

૧૯૪૫-૪૬ની ચૂંટણી પછી હવે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચેની શતરંજની બાજીમાં છેલ્લી ચાલોનો સમય હતો. ખરાખરીનો ખેલ હવે શરૂ થતો હતો. કોંગ્રેસ પોતાની નીતિમાં અડગ હતી કે પહેલાં આઝાદી મળે; અંગ્રેજો જાય, અને તે પછી જ કોમી સવાલ હાથ ધરવો જોઈએ. એટલે કે એક બંધારણ અને એક રાષ્ટ્ર અથવા એકકેન્દ્રી સરકાર – આઝાદી જે હેતુઓ માટે જોઈતી હોય તે હેતુઓ સિદ્ધ કરી શકે એવી મજબૂત અને તે સાથે પ્રાંતો અને લઘુમતીઓનાં હિતોની પણ રક્ષા કરી શકે એવી સરકાર.

જિન્નાની યોજના

તેની સામે જિન્ના અને મુસ્લિમ લીગે આગ્રહ રાખ્યો કે મુસ્લિમ મતદારોએ એની તરફેણમાં સ્પષ્ટ ચુકાદો આપ્યો હોવાથી પાકિસ્તાનનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવાનાં પગલાં સૌથી પહેલાં લેવાં જોઈએ. જિન્નાએ ૨૮મી જાન્યુઆરી ૧૯૪૬ના રોજ આર્થર મૂર સાથે વાત કરતાં કહ્યું કે કોંગ્રેસ આ વાત સ્વીકારી લેશે કે તરત “બધી ભાવનાઓ બદલાઈ જશે અને અમે ફરી મિત્ર બની જઈશું.” જો બ્રિટિશરો પાકિસ્તાનની તરફેણમાં નિર્ણય આપશે તો કંઈ તકલીફો ઊભી નહીં થાય” કારણ કે “હિન્દુઓ એનો તરત સ્વીકાર કરશે.”

આમ બ્રિટન નવી પહેલ કરે એવી સ્થિતિ ઊભી થઈ. કોંગ્રેસ પણ આ વાતોનો જલદી નીવેડો આવે એમ ઇચ્છતી હતી. આથી, જિન્નાએ પોતાનાં પત્તાં ખોલવાનું શરૂ કર્યું. એમણે કહ્યું કે પાકિસ્તાનનો સિદ્ધાંત એટલે બ્રિટિશ ભારતની સત્તાનું એક કેન્દ્ર હતું તે તોડી નાખવું અને તેની જગ્યાએ બે જુદાં રાજકીય એકમો અસ્તિત્વમાં આવે અથવા બે જુદાં ફેડરેશનો બને; બન્નેની અલગ લેજિસ્લેટિવ ઍસેમ્બ્લીઓ હોય – એક મુસ્લિમ પ્રાંતો (પાકિસ્તાન) માટે અને બીજી હિન્દુ પ્રાંતો (હિન્દુસ્તાન) માટે. આ બન્ને ઍસેમ્બ્લીઓ પોતાના પ્રતિનિધિઓ ત્રીજા, આ બન્નેથી ઉપર હોય એવા, એક કેન્દ્રમાં મોકલે. આ કેન્દ્રમાં તાત્કાલિક તો બ્રિટન જ રિંગમાસ્ટર અને અમ્પાયર તરીકે ચાલુ રહે. હિન્દુસ્તાન અને પાકિસ્તાનના પ્રતિનિધિઓને એકસમાન દરજ્જો મળવો જ જોઈએ અને બ્રિટિશ તાજ એનું રક્ષણ કરે. સંરક્ષણ અને વિદેશ નીતિ જેવી બાબતોમાં બન્ને ઍસેમ્બ્લીઓની સત્તાઓનું સંકલન કરવાની જવાબદારી પણ બ્રિટિશરોની જ હોય.

જિન્નાની કલ્પનાના આ કેન્દ્રને વહીવટી સત્તાઓ હતી પણ ધારાકીય સત્તાઓ નહોતી. આમ જૂઓ તો મુસ્લિમ પ્રાંતોમાં દેશની કુલ વસ્તીનો માત્ર ચોથો ભાગ હતો. કેન્દ્રને કાયદા બનાવવાની સત્તા હોય તો હિન્દુ-મુસ્લિમ સમાનતા માગવાનું શક્ય ન બને. આથી જિન્નાએ એનો રસ્તો એવો કાઢ્યો કે કેન્દ્રને આવી સત્તાઓ જ ન મળે. કેન્દ્રને માત્ર સંરક્ષણ અને વિદેશ નીતિમાં જ અધિકાર હોય તો સંખ્યાને લગતી વિચિત્ર સ્થિતિ આડે ન આવે. હિન્દુસ્તાન અને પકિસ્તાનની ઍસેમ્બ્લીઓને બધી સત્તાઓ હોય એટલે ઑલ ઇંડિયા ફેડરેશનને શી સત્તાઓ મળવી જોઈએ તેની ચર્ચાઓમાં જિન્નાને પણ કોંગ્રેસ જેટલા જ અધિકાર મળે.

જિન્નાની મૂંઝવણઃ કલકત્તા તો જોઈએ !

ઉપરટપકે જોતાં જિન્નાની આ યોજનામાં તર્ક દેખાશે પરંતુ એની આડે અવરોધો પણ હતા. પંજાબના અંબાલા ડિવીઝનમાં હિન્દુઓ અને શીખો, તેમ જ બંગાળમાં બર્દવાન (હવે વર્ધમાન) ડિવીઝનના હિન્દુઓ જિન્નાના લીગરોના ડગુમગુ વર્ચસ્વને છિન્નભિન્ન કરી શકે એમ હતા. જિન્ના એ જાણતા હતા. એમણે બ્રિટિશ પાર્લામેન્ટના એક ડેલિગેશન સાથે આવેલા વૂડ્રો વાયેટ (Woodrow Wyatt) સાથે વાત કરતાં કહ્યું કે અંબાલા અને બર્દવાન હિન્દુસ્તાનમાં જતાં હોય તો ભલે જાય, પરંતુ એમને કલકત્તા જોઈતું હતું’ ભલે ને, ગંભીર અફરાતફરી કે ગૃહયુદ્ધ થઈ જાય.

પરંતુ જિન્નાની ધારણાનો આધાર એક ભૂલભરેલો ખ્યાલ હતો કે આ રાજકીય ચેસની ‘એન્ડગેમ’ નિરાંતે, હળવે હળવે ચાલ્યા કરશે. એમણે વાયેટને એટલે સુધી કહ્યું કે બે વર્ષ કંઈ ન કરવું. આ દરમિયાન પોતે આગાખાન મહેલમાં આરામ કરશે! એમને કદી પણ વિચાર ન આવ્યો કે રાજ બધું સંકેલીને ભાગી છૂટવા ઉતાવળું થયું છે. છેક ફેબ્રુઅરી ૧૯૪૬ સુધી જિન્ના બ્રિટીશ સરકારને યુદ્ધના અરસામાં આપેલાં વચનો યાદ દેવડાવતા રહ્યા, પણ હવે બ્રિટનમાં સંદર્ભ બદલાઈ ગયો હતો. ઍટલીએ બ્રિટનની આમસભામાં કહ્યું કે “બહુમતી સામે લઘુમતીના હાથમાં વીટો પાવર (ના કહેવાનો અધિકાર) ન આપી શકાય, ભલે ને, લઘુમતી કેટલીયે મહત્ત્વપૂર્ણ કેમ ન હોય! ઍટલીએ કૅબિનેટ તરફથી એક મિશન મોકલવાની જાહેરાત કરી. એમણે સ્પષ્ટતા કરી કે હિંદવાસીઓ પોતે જ પોતાનો નિર્ણય લેશે, ડેલિગેશન માત્ર એમાં મદદ કરશે; બંધારણ સભાની રચના અંગે એમના જે મતભેદો છે તે દૂર કરવાની જવાબદારી કૅબિનેટ મિશનની હતી. ભારત બ્રિટિશ કૉમનવેલ્થમાં રહેશે કે નહીં તે પણ ભારતીયો જાતે જ નક્કી કરશે.

કૅબિનેટ મિશન

૧૯૪૬ની ૨૩મી માર્ચે કૅબિનેટ મિશન કરાંચી પહોંચી આવ્યું. એમાં ત્રણ સભ્ય હતાઃ વિદેશ મંત્રી પૅથિક-લૉરેન્સ, સર સ્ટેફર્ડ ક્રિપ્સ અને એ. વી. ઍલેક્ક્ઝાંડર. ક્રિપ્સ તો આ પહેલાં પણ આવી ગયા હતા. મિશને જાહેર કર્યું કે લીગને કોઈ વીટો નહીં મળે અને, તે સાથે, કોંગ્રેસને પણ મનફાવતું કરવાની છૂટ નહીં મળે. મિશન સાથેની મુલાકાતમાં વાઇસરૉયની ઍક્ઝીક્યૂટિવ કાઉંસિલે કહ્યું કે કૅબિનેટ મિશન હવે સફળ થવું જ જોઈએ,પરંતુ જે સવાલનો સામનો કરવાનું બ્રિટિશ હકુમત ટાળતી રહી હતી તેનો હવે જવાબ આપવો જ પડે એમ હતો. પ્રાંતોને વધારે સ્વાયત્તતા આપવી હોય તો એ પ્રાંતોની સીમાઓ નવેસ્રરથી બનાવવી પડશે. કાઉંસિલે કહ્યું કે હવે મિશન અસફળ ન જ રહેવું જોઈએ.

બ્રિટિશ સરકારને લાગતું હતું કે કાનૂન અને વ્યવસ્થાના તંત્ર પર હવે એનો કાબુ નથી રહ્યો અને કોમી આગ ફાટી નીકળે તો એને કાબુમાં લેવાની એની શક્તિ નહોતી. હિન્દુઓ અને મુસલમાનો એકબીજાનાં ગળાં રહેંસવા તૈયાર થઈ જશે એવી બ્રિટિશ હકુમતને ધાસ્તી હતી. “મોટાં શહેરો તો એના માટે તૈયાર જ હતાં”. કલકત્તામાં તો ખરેખર ખૂનની હોળી ખેલાઈ. કોંગ્રેસ અને લીગના નેતાઓને પણ આ શક્યતા દેખાવા લાગી હતી. બ્રિટિશ શાસકોને એ પણ ભય હતો કે પ્રાંતના મુસ્લિમ નેતાઓ કદાચ જિન્નાની આણ ન માને. અને થયું પણ એવું જ. પંજાબમાં સિકંદર હયાતના પુત્ર શૌકત હયાતે નિવૃત્ત સૈનિકોને ‘પાકિસ્તાન’ માટે જેહાદ છેડવા આહ્વાન કરી દીધું હતું, પરંતુ એનો મૂળ હેતુ ખીઝરની મિનિસ્ટ્રીને ઉથલાવી પાડવાનો હતો. બંગાળના ગવર્નરનો નિષ્કર્ષ હતો કે જિન્નાની કંઈ અસર જ નહોતી. જિન્ના ઇચ્છતા હતા કે બંગાળમાં લોકો ‘ખુલ્લો વિદ્રોહ’ કરે, પણ એવું થઈ ન શક્યું. ગવર્નરનો જિન્ના વિશેનો નિષ્કર્ષ સાચો હતો, પરંતુ તેનાથી વધારે, બંગાળના પ્રાંતીય નેતાઓ, સુહરાવર્દી અને અબ્દુલ હાશિમનો પણ કાબુ નહોતો. કલકત્તાના ગુંડાઓ બજારોમાં ત્રાટકે તો આ નેતાઓ એમને રોકી શકે તેમ નહોતા.

કૅબિનેટ મિશન સમક્ષ જિન્ના

જિન્ના કૅબિનેટ મિશનને મળ્યા ત્યારે આવી ભયજનક સ્થિતિની તસવીર મિશન પાસે હતી જ. જિન્ના પોતે પણ જાણતા હતા, એટલે એમણે પોતાની દલીલો રજૂ કરી ત્યારે બ્રિટને આપેલાં વચનોથી શરૂઆત કરી. પરંતુ હવે એમણે કહ્યું કે કોંગ્રેસ સાથે વાટાઘાટો કરવામાં લીગનો સમય જ બગડ્યો છે એટલે હવે બ્રિટને જ, પહેલાં ૧૯૩૨માં (લિન્લિથગો વિશે આ પહેલાં વિગતો આવી ગઈ છે તે વાંચો) કર્યું હતું તેમ, નિર્ણય જાહેર કરવો જોઈએ, અને પાકિસ્તાનના સિદ્ધાંતનો સ્વીકાર કરવો જોઈએ. એટલું થઈ જાય તે પછી બે નવાં રાજ્યો વચ્ચે સંરક્ષણ, વિદેશ નીતિ વગેરે બાબતો વિશે સમજૂતી થાય અને એનો અમલ કરવાની જવાબદારી એક કેન્દ્રીય વ્યવસ્થાને સોંપાય. આમ એક સંઘીય સરકારની વાત જિન્નાએ પહેલી જ વાર કરી.

પરંતુ જિન્નાને ‘ટકાઉ પાકિસ્તાન’ જોઈતું હતું, ‘કોતરી કાઢેલું કે ભાંગ્યુંતૂટ્યું’ નહીં. એટલે જિન્ના સમક્ષ પાકિસ્તાનની સરહદ શી હોય તે સવાલ હતો.

એમનો દાવો તો આસામને પણ ’પાકિસ્તાન’માં સમાવવાનો હતો, પણ હવે એ આસામને જતું કરવા તૈયાર હતા. આમ છતાં એમનું પાકિસ્તાન આર્થિક રીતે સધ્ધર રહે તે માટે એમને કલકત્તા પણ જોઈતું હતું. એમણે કહ્યું કે “કલકત્તા વિનાનું પાકિસ્તાન એટલે હૃદય વિના જીવતો માણસ.”

આમ જિન્નાએ આખા મુસ્લિમ ભારત વતી બોલવાનો અધિકાર લઈ લીધો અને પોતે જાતે જ બધા મુસલમાનોના The Sole Spokesman બની બેઠા. એમણે પ્રાંતીય નેતાઓનો અવાજ દબાવી દેવાની કોશિશ કરી, પણ પ્રાંતીય નેતાઓની વાત ન સાંભળવાનું કૅબિનેટ મિશન માટે શક્ય નહોતું.

પ્રાંતીય નેતાઓ

આયેશા જલાલ કહે છે કે મિશને પ્રાંતીય નેતાઓને સંભળવાનું શરૂ કર્યું તે સાથે જ “મુસ્લિમ ભારતના લાકડામાંથી ઊધઈઓ બહાર આવવા લાગી”. મુસ્લિમ બહુમતી પ્રાંતોએ પોતાની સ્વાયત્તતા ટકાવી રાખવા નબળા કેન્દ્રની હિમાયત કરી, પછી કેન્દ્રમાં બ્રિટિશ સત્તા હોય કે કોંગ્રેસ હોય. તેઓ મુસ્લિમ લીગની સરકાર કેન્દ્રમાં હોય તેને પણ સહન કરવા તૈયાર નહોતા. સુહરાવર્દીએ ‘પાકિસ્તાન’ની વાત કરતાં બંગાળની સમાન પરંપરા, એની વિલક્ષણ સંસ્કૃતિ વગેરે પર ભાર આપ્યો, ધર્મને બાજુએ મૂકી દીધો. બંગાળ બંગાળી હતું, મુસ્લિમ નહીં. સિંધના નેતા ગુલામ હુસેને રજૂઆત કરી કે અખિલ ભારતીય રાજકારણને દૂર રાખો તો પ્રાંતોમાં કામ બહુ સારું ચાલશે. જિન્નાના લીગરો પોતે જ જો ‘પાકિસ્તાન’નો કેસ આમ ધરાશાયી કરતા હોય તો લીગના હરીફોનું તો પૂછવું જ શું? વાયવ્ય સરહદ પ્રાંતમાં તો ડૉ. ખાનસાહેબે કૅબિનેટ મિશનને સ્પષ્ટ જણાવ્યું કે લીગ એમના પ્રાંતના મુસલમાનોનું પ્રતિનિધિત્વ જ નથી કરતી.

પંજાબના નેતા ખીઝરે કહ્યું કે આખું પંજાબ પાકિસ્તાન માટે સારું રહેશે પણ હિન્દુઓ અને શીખો એનો સ્વીકાર નહીં કરે; પંજાબના ભાગલા કરો તો પૂર્વ પંજાબમાં રહેતા મુસલમાનો એકલા પડી જશે. પંજાબના મુસ્લિમ નેતાઓએ હંમેશાં પાકિસ્તાનની માગણીને ઉત્સાહપૂર્વક ટેકો આપ્યો હતો પરંતુ જિન્નાએ પાકિસ્તાનનો ખ્યાલ કદી સ્પષ્ટ કર્યો હોત તો એમનો ઉત્સાહ મોળો રહ્યો હોત.

પ્રાંતીય મુસ્લિમ નેતાઓ સામે બીજી એક વિમાસણ હતી. પાકિસ્તાન એટલે પંજાબીઓ, સિંધીઓ, બલૂચીઓ અને પઠાણોનું ભેળસેળવાળું પોટલું. એ બધી પ્રજાઓનો ધર્મ એક હતો પણ ખીઝરે એવો સંકેત આપ્યો કે ધર્મ સિવાય આ કોમો વચ્ચે કંઈ સમાનતા નહોતી.ખીઝરે ત્રણ મુખ્ય પંજાબી કોમો – મુસલમાન, હિન્દુ અને શીખ વચ્ચે સત્તાની વહેંચણીનો આગ્રહ રાખ્યો.

જિન્ના અને ખીઝર વચ્ચે અંતર એ હતું કે કેન્દ્રમાં સત્તાની ભાગીદારી માટે ‘પાકિસ્તાન’ પર નિયંત્રણ રાખવાનું જિન્ના માટે જરૂરી હતું, પણ ખીઝરને પાકિસ્તાન નામનું કેન્દ્ર પણ નહોતું જોઈતું, એટલે એના માટે જિન્નાની કલ્પનાના અલગ નબળા કેન્દ્રને પસંદ કરવાની તો વાત જ નહોતી.

પાકિસ્તાનના સમર્થકો

આમ છતાં, ખલિક-ઉઝ-ઝમાન જેવા નેતાઓને લાગ્યું કે પાકિસ્તાનાનો ફાયદો કદાચ સીધી રીતે ન થાય તો પણ આડકતરી રીતે તો થશે જ. કોંગ્રેસના વર્ચસ્વ હેઠળના હિન્દુસ્તાનમાં પણ મુસલમાનો સાથે સારી વર્તણૂક કરવાની કોંગ્રેસને ફરજ પડશે કારણ કે પાકિસ્તાનમાં હિન્દુઓ અને શીખોને બચાવવા માટે પણ કોંગ્રેસે એ કરવું પડશે.

વળી, મુંબઈના મુસ્લિમ ઉદ્યોગપતિઓ પણ ટાટા-બિડલાની હરીફાઈ ન કરવી પડે તેવું બજાર મળવાની આશાથી પણ પાકિસ્તાનની તરફેણ કરતા હતા. સરકારી નોકરોમાં પણ પાકિસ્તાન માટે ઉત્સાહ હતો.

હવેસાર્વભૌમ પાકિસ્તાનઃ જિન્નાનો નવો પેંતરો

પ્રાંતોના વિરોધ છતાં જિન્ના પોતાની વાત પર મક્કમ રહ્યા. એમણે ઑલ ઇંડિયા મુસ્લિમ લીગના ધારાસભ્યોનું સંમેલન બોલાવીને એક ઠરાવ પસાર કરાવડાવ્યો. સંમેલનનો હેતુ એટલો જ હતોકે દેશના મુસલમાનો એમના એકમાત્ર સ્પોક્સ્મૅનની પાછળ છે એમ દેખાડી આપવું. ઠરાવમાં બે ‘સ્વતંત્ર રાજ્યો’ને બદલે હવે એક ‘સાર્વભૌમ સ્વતંત્ર રાજ્ય’ની માંગ કરવામાં આવી. આમ તો જિન્નાનો મુખ્ય ઉદ્દેશ પ્રાંતોના નેતાઓની માગણીથી આગળ નીકળી જઈને એમને એવી સ્થિતિમાં મૂકવાનો હતો કે તેઓ ઇનકાર ન કરી શકે.

કૅબિનેટ મિશનની બે ઑફર

હવે કૅબિનેટ મિશને પોતાની બે યોજના રજૂ કરી:

સ્કીમ A એક સંગઠિત ભારતનું લચીલું ફેડરેશન હોય અને એમાં કેન્દ્ર પાસે માત્ર સંરક્ષણ અને વિદેશ નીતિને લગતી સત્તા હોય;

સ્કીમ B: સાર્વભૌમ – પણ લીગની માગણી કરતાં ટૂંકું – પાકિસ્તાન બનાવવું, જેમાં મુસ્લિમ બહુમતીવાળા ઉત્તર-પશ્ચિમના પ્રાંતો (પશ્ચિમ પંજાબ, સિંધ, વાયવ્ય સરહદ પ્રાંત અને બલૂચિસ્તાન), ઉત્તર-પૂર્વના પ્રાંતો (પૂર્વ બંગાળ, પણ કલકતા વિના અને આસામના સિલ્હટ જિલ્લા સહિત)નો સમાવેશ થતો હોય. બન્ને રાજ્યોને સંરક્ષણ વિશે સમજૂતી કરે એવી પણ જોગવાઈ હતી.

સ્કીમ Aમાં કેન્દ્ર નબળું હતું, એટલે આ ઑફર કોંગ્રેસને મંજૂર નહોતી. સ્કીમ Bમાં જે પાકિસ્તાન હતું તે જિન્નાને પસંદ નહોતું. મોટું અને શક્તિશાળી પાકિસ્તાન હોય તો જ જિન્ના કોંગ્રેસ સાથે કેન્દ્રની રચના માટે સોદો કરી શકે તેમ હતા. સ્કીમ B દ્વારા એવી સ્થિતિ ઊભી નહોતી થતી.જિન્નાએ સ્કીમ Bનો સખત કડવાશ સાથે વિરોધ કર્યો.

બ્રિટિશ કૅબિનેટમાં મિશનની યોજનાઓની ચર્ચા

મિશને બ્રિટનમાં કૅબિનેટને બન્ને યોજનાઓની જાણ કરી. નાના સાર્વભૌમ પાકિસ્તાનની દરખાસ્તના આધારે આગળ વધવાની મિશને પરવાનગી માગી. મિશને કહ્યું કે એની પોતાની પસંદગી સ્કીમ A હતી પણ એના માટે સમજૂતી થાય એવી શક્યતા હોવાથી સ્કીમ B માટે પણ મંજૂરી જરૂરી બનતી હતી. મિશને કહ્યું કે કોંગ્રેસ અને લીગ વચ્ચે સમજૂતી નહીં થાય તો ભારતમાં જબ્બર અરાજકતા થશે અને તે પછી કોઈ પણ સંરક્ષણ સંધિ થશે તો એ અર્થ વગરની બની જશે.

૧૯૪૬ની ૧૧મી ઍપ્રિલે બ્રિટિશ કૅબિનેટમાં આ દરખાસ્તોની સત્તાવાર ચર્ચા થઈ. ભારતને એકછત્ર કરવામાં બ્રિટનની મહત્ત્વની ભૂમિકા રહી હતી. દક્ષિણ એશિયામાં બ્રિટિશ સંરક્ષણ નીતિમાં પણ ભારતની એકતનું મહત્ત્વ હતું હવે એ જ એકતાને છિન્નભિન્ન કરી નાખવાની ઘડી આવી ગઈ હતી. કૅબિનેટે પણ સ્કીમ Aની તરફેણ કરી પરંતુ એ ન જ સ્વીકારાય તો નાછૂટકે સ્કીમ B પ્રમાણે આગળ વધવા કૅબિનેટે મિશનને મંજૂરી આપી દીધી.

બ્રિટનનાં વ્યૂહાત્મક હિતો

ચીફ ઑફ સ્ટાફે એવો સ્પષ્ટ મત આપ્યો કે ભારત એક રહે તે જૂના સિદ્ધાંત કરતાં આ પ્રદેશમાં બ્રિટનનાં ભવિષ્યનાં વ્યૂહાત્મક હિતો વધારે મહત્ત્વનાં છે. બીજી બાજુ ઍટલીએ ભારતની આરપાર બે અલગ ભાગમાં વહેંચાયેલા પાકિસ્તાનને કારણે ઊભી થનારી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરીને આર્મીના વડાનો રિપોર્ટ મિશનને મોકલી આપ્યો.

બ્રિટનનાં વ્યૂહાત્મક હિતો વિશે આવી અસમંજસની સ્થિતિ વચ્ચે કેટલાક લશ્કરી અધિકારીઓને સાર્વભૌમ પાકિસ્તાનમાં લાભ દેખાયો, કારણ કે લડાયક જાતિઓ પાકિસ્તાનમાં જતી હતી!

જિન્ના, એમના જ શબ્દોમાં કહીએ તો Trunketed Pakistan સ્વીકારવા તૈયાર નહોતા અને કોંગ્રેસ નબળા કેન્દ્રવાળી સ્કીમ A સ્વીકારવા તૈયાર નહોતી. આમાંથી વચલા રસ્તા શોધવા મૌલાના આઝાદના પ્રમુખપદ હેઠળની કોંગ્રેસે નવી દરખાસ્તો રજૂ કરી. તે ઉપરાંત બીજા પણ વિચારો રજૂ થયા દરમિયાન હવે જિન્નાના મનના ગુપ્ત ખૂણાઓમાંથી પણ ધીમે ધીમે એમનો સંપૂર્ણ વ્યૂહ બહાર વહેવા લાગ્યો હતો.

આવી કેટલીક વાતો હવે બુધવાર, ૨ માર્ચના અંકમાં…દરમિયાન આપણે એટલું યાદ રાખીએ કે આઝાદી આવી ત્યારે કૅબિનેટ મિશનની સ્કીમ B જ અમલમાં મુકાઈ.


નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : :

The Sole Spokesman: Jinnah, the Islam and the Demand for Pakistan–Ayesha Jalal (8)

The-Sole-Spokesman_Jinnah-the-Islam-and-the-Demand-for-Pakistan-2.pngimage_thumb.png

The Sole Spokesman: Jinnah, the Muslim League and the Demand for Pakistan

Author: Ayesha Jalal ǁ Publishers: Cambridge University Press

May 1994, Paperback, 336 pages ǁ ISBN: 9780521458504

ક્રિપ્સ મિશનની નિષ્ફળતા પછી જિન્ના પાસે એક જ રસ્તો રહ્યો હતોઃ મુસ્લિમ બહુમતી પ્રાંતો એમનું નેતૃત્વ સ્વીકારે એ જ એમનું લક્ષ્ય હતું. આયેશા જલાલ પંજાબ, બંગાળ, સિંધ અને વાયવ્ય સરહદ પ્રાંતમાં ખેલાતા રાજકારણની વિગતવાર સમજ આપે છે. આ પ્રાંતોના રાજકારણની વિગતો પણ રસપ્રદ છે પણ એમાં બહુ ઘણાં પાત્રો છે એટલે એટલા ઊંડાણમાં જવાનું અહીં શક્ય નથી. એની જટિલતામાં ન પડતાં આપણે એટલું સમજી લઈએ કે જિન્નાએ તમામ પ્રતિકૂળતાઓ વચ્ચેથી રસ્તા કાઢ્યા અને ૧૯૪૪-૪૫નાં વર્ષો આવતાં તેઓ આ પ્રાંતોમાં પણ ખરેખર પોતાને મુસ્લિમોના Sole Spokesman તરીકે સ્થાપિત કરી ચૂક્યા હતા. આપણે હવે ૧૯૪૫ના વર્ષથી આગળ વધીએ. યાદ રાખીએ કે ૧૯૪૪માંવાઇસરૉય તરીકે લિન્લિથગોની જગ્યા લૉર્ડ વૅવલે લીધી હતી.

૧૯૪૫ સુધીમાં વાઇસરીગલ લૉજ અને કોંગ્રેસ વચ્ચે કેન્દ્રમાં વચગાળાની સરકાર બનાવવાની સમજૂતી થઈ ગઈ હતી. આને પગલે કોંગ્રેસ તરફથી ભૂલાભાઈ દેસાઈ અને મુસ્લિમ લીગ તરફથી લિયાકત અલી ખાન વચ્ચે નવી વ્યવસ્થાની ચર્ચા થઈ – વચગાળાની સરકારમાં કોંગ્રેસ અને લીગને, બન્નેને ચાળીસ ટકા સીટો મળવાની હતી. બંધારણ તો જે હતું તે જ અમલમાં રહે પણ કૅબિનેટમાં બધા ભારતીય હોય. વાઇસરૉય અને કમાન્ડર-ઇન-ચીફ બ્રિટનના હોય. બીજી વ્યવસ્થા એ હતી કે કોંગ્રેસ ફરી પ્રાંતોમાં સત્તા સંભાળે અને એક સમજૂતી દ્વારા લીગને પણ એમાં પ્રતિનિધિત્વ આપે. વૅવલને આશા હતી કે આ લાગુ થાય તો મડાગાંઠ ઊકલશે, પણ ભૂલાભાઈ દેસાઈને મળીને વૅવલને લાગ્યું કે કોંગ્રેસ કદાચ લીગને સમાન દરજ્જો આપવા તૈયાર નહોતી. વળી જિન્ના કે ગાંધીજી, બેમાંથી કોઈએ આ યોજનાનું સમર્થન નહોતું કર્યું. પાછળથી એ પણ બહાર આવ્યું કે ગાંધીજીએ ભૂલાભાઈને આવી મંત્રણાઓ માટે અખત્યાર નહોતો આપ્યો, અને જિન્નાએ તો ૨૨મી જાન્યુઆરી ૧૯૪૫ના રોજ એક પ્રેસ કૉન્ફરન્સમાં જાહેર કર્યું કે “મારું નામ નવાબઝાદા લિયાકત અલી ખાન અને શ્રી ભૂલાભાઈ દેસાઈ વચ્ચે જે કંઈ મંત્રણા થઈ હોય તેની સાથે જોડવાનો કોઈ આધાર જ નથી.”

વૅવલને બહુ આશા નહોતી પણ એને સમય જોઈતો હતો કે જેથી એ લંડનની પણ મંજૂરી મેળવી શકે. એણે લંડનને લખ્યું. ત્યાં ઇંડિયા કમિટીએ આ યોજનાની ચર્ચા કરી પણ એને એમાં કંઈ દેખાયું નહીં. ચર્ચિલને આ યોજનામાં સરકાર ભારતીયોના હાથમાં ચાલી જાય તે પસંદ નહોતું. એના વિચારો હજી જૂની ઘરેડ પર જ હતા. એના મગજમાં હજી પણ એક જ વિચાર ઘૂમતો હતોઃ “પાકિસ્તાન, હિન્દુસ્તાન, પ્રિન્સિસ્તાન એવા ભાગલા.”

ઇંડિયા કમિટીએ વૅવલની યોજનામાં સુધારો સૂચવ્યો કે પ્રાંતિક અને સેંટ્રલ ઍસેમ્બ્લીઓ ઍક્ઝીક્યૂટિવ કાઉંસિલમાં બેસવાના હોય તેવા હિન્દુસ્તાનીઓનાં નામ નક્કી કરે. તે સાથે કમિટીએ એવું પણ સૂચવ્યું કે પાર્લામેન્ટ વાઇસરૉયની સત્તાઓ વધારી દે. ઍટલીને લાગ્યું કે આ સૂચનો લોકશાહીના સિદ્ધાંત સાથે બંધબેસતાં નહોતાં. પરંતુ, ઇંડિયા કમિટીનો વિચાર હતો કે આ બન્ને સૂચનો લોકશાહીવાદી હતાં. એક તો, ઍક્ઝીક્યૂટિવ કાઉંસિલના સભ્યોનાં નામ પસંદ કરવામાં માત્ર બે પક્ષો, કોંગ્રેસ અને લીગનું જ વર્ચસ્વ હોય તો એમની વાત ઉથાપવાનું વાઇસરૉય માટે મુશ્કેલ બની જાય. એટલે વાઇસરૉયને વધારે સત્તાઓ આપવાનું જરૂરી હતું. બીજું એ કે કોંગ્રેસના ઘણાખરા નેતા, અને ઍસેમ્બ્લીના સભ્યો પણ જેલમાં હતા. વાટાઘાટો માટે એમને છોડો, અને પછી વાટાઘાટો પડી ભાંગે તો એમને ફરી જેલમાં ગોંધી દો એમ તો થઈ ન શકે. પરંતુ વાઇસરૉયની સત્તા વધારાવાનો કાયદો બ્રિટનની પાર્લામેન્ટ પસાર કરે તેમાં વખત લાગે અને એ જોઈને કોંગ્રેસ કંઈ વળતી માગણી કરે તો મુસ્લિમો અને બીજી લઘુમતીઓ ચોંકી જાય. લૉર્ડ વૅવલને આ બન્ને સૂચનો નાપસંદ હતાં. એને એમ હતું કે ભારતની સમસ્યા હલ કરવામાં આટલો વિલંબ સારો નથી.

૧૯૪૫ના મે મહિનામાં જર્મની સાથે ચાલતા યુદ્ધનો અંત આવ્યો, ૨૩મી મેના રોજ ચર્ચિલની મિશ્ર સરકારનું પતન થયું અને એની જગ્યાએ રખેવાળ સરકાર આવી. છેવટે ચર્ચિલ ૧૫મી જૂને પાર્લામેન્ટનું વિસર્જન થાય તે પહેલાં ભારત વિશે જાહેરાત કરવા સંમત થયો. ૩૦મી મેના રોજ કૅબિનેટે જા્હેરનામાની શરતો પર વિચાર કર્યો; ઇંડિયા કમિટીને જેના પર વિચાર કરવામાં આઠ અઠવાડિયાં લાગ્યાં હતાં તેના પર કૅબિનેટે માત્ર ચાળીસ મિનિટમાં નિર્ણય લઈ લીધો. સરકારમાં પક્ષના ધોરણે અભિપ્રાયો જુદા પડતા હતા. મજૂર પક્ષના ઍટલીએ ભારત માટે કંઈક પહેલ કરવાની તરફેણ કરી અને ચર્ચિલે વિરોધ કર્યો.

વાઇસરૉય વૅવલે કૅબિનેટને જણાવ્યું કે એની યોજના ઑગસ્ટ ૧૯૪૪માં મળેલી ગવર્નર કૉન્ફરન્સની ફળશ્રુતિ હતી અને ભારત સરકાર સંપૂર્ણપણે એને ટેકો આપે છે. ચૂંટણી માથા પર હતી એટલે ચર્ચિલને નમતું મૂકવું પડ્યું અને વૅવલ માત્ર ભારતીયોની બનેલી નવી ઍક્ઝીક્યૂટિવ કાઉંસિલમાં સામેલ થવા માટે વધારે ભારતીયોને આમંત્રણ આપવાના અધિકાર સાથે દિલ્હી પાછો આવ્યો. નવું બંધારણ ઘડવાની રચનાત્મક ખોજમાં આ પહેલું પગલું હતું. વૅવલે શુભેચ્છા દર્શાવવા માટે કોંગ્રેસના બધા નેતાઓને જેલમાંથી છોડી મૂક્યા.

આયેશા જલાલ કહે છે કે “જિન્ના અને ગાંધી, બન્ને, હવે રાહ જોવાની રમત રમ્યા.” જો કે એમણે ઉમેર્યું છે કે ગાંધીજીએ જે વલણ લીધું એમાં વજૂદ હતું. ગાંધીજીએ કહ્યું કે પોતે કોંગ્રેસ વતી ન બોલી શકે. ગાંધીજીનું કહેવું હતું કે યોજનાનું અંતિમ ધ્યેય સ્વતંત્રતા છે એવું સ્પષ્ટ જાહેર કરવું જોઈએ. પરંતુ વૅવલની યોજના બાબતમાં એમના અજંપાનું કારણ જુદું હતું. વૅવલની દરખાસ્તોમાં કાઉંસિલમાં પ્રતિનિધિત્વ એક બાજુ સવર્ણ હિન્દુઓ અને બીજી બાજુ મુસલમાનો, એવું કોમી સ્વરૂપનું હતું. કોંગ્રેસને આ સ્વીકાર્ય નહોતું. એ આડકતરી રીતે પણ એવું સ્વીકારવા તૈયાર નહોતી કે એ માત્ર સવર્ણ હિન્દુઓની પ્રતિનિધિ સંસ્થા છે. ગાંધીજીએ દલીલ કરી કે કોંગ્રેસમાં “હિન્દુઓ બહુ ભારે સંખ્યામાં” સભ્ય છે, એ સાચું, પરંતુ કોંગ્રેસે હંમેશાં “શુદ્ધ રીતે રાજકીય” રહેવાનો પ્રયત્ન કર્યો છે. કોંગ્રેસને સવર્ણ હિન્દુઓની સંસ્થા ગણવાથી દરવાજો ખૂલી જશે અને એમાંથી સવર્ણ સિવાયના હિન્દુઓ બહાર જશે અને એમના માટે અલગ પ્રતિનિધિત્વનો સવાલ ઊભો થશે. આથી ગાંધીજી કોંગ્રેસ અને લીગને તો સમકક્ષ ગણવા તૈયાર હતા પણ એક પક્ષ હિન્દુઓ્નો પ્રતિનિધિ અને બીજો મુસલમાનોનો – એ રીતે નહીં. કોંગ્રેસ માટે આ મોટો વિરોધાભાસ હતો. કોંગ્રેસ સામે, સમયનો તકાજો કહો, કે એની નબળાઈ કહો, વૅવલે જિન્નાને જેટલું આપવા ધાર્યું હતું તેનાથી વધારે આપવા એ તૈયાર થઈ ગઈ હતી.

વાઇસરૉયે આ બધા મુદ્દાઓની ચર્ચા કરવા શિમલામાં કૉન્ફરન્સ બોલાવી. જિન્નાને પોતાની વાત મંજૂર ન થાય એવી કોઈ કૉન્ફરન્સમાં રસ નહોતો પરંતુ કૉન્ફરન્સ તો મળવાની જ હતી એટલે એમણે અંદર જઈને તોડવાનું નક્કી કર્યું. ૨૫મી જૂને વાઇસરૉયે કૉન્ફરન્સનું ઉદ્‍ઘાટન કર્યું. એણે કહ્યું કે શિમલા કૉન્ફરન્સનો ઉદ્દેશ મુદ્દાઓનો ઉકેલ લાવવાનો નહીં પણ ઉકેલ માટેનો રસ્તો ખોલવાનો છે.

વૅવલને જિન્ના “ખિન્ન અને પોતાના વલણ અંગે અવઢવમાં” જણાયા. એ કહે છે, “કોંગ્રેસની પોતાના અનુયાયીઓ પર જેટલી પકડ છે એટલી જિન્નાની પોતાના અનુયાયીઓ પર પકડ નથી.” પંજાબના યુનિયનિસ્ટ મુખ્ય પ્રધાન ખીઝર અને ગવર્નરને પણ માત્ર કોંગ્રેસ અને લીગ વચ્ચે જ સીટો વહેંચાય તેની સામે વાંધો હતો. વૅવલે પણ એના વાંધાને જોતાં કહી દીધું કે બધા જ મુસ્લિમોને નીમવાનો અધિકાર માત્ર લીગને ન આપી શકાય. એટલે પંજાબમાંથી આવતા મુસ્લિમની નીમણૂક યુનિયનિસ્ટ પાર્ટી કરશે. જિન્ના તાડૂક્યા તો ખરા કે એ બધા દગાબાજો છે અને ”મિ. જિન્નાને કારણે જ તેઓ એમની મિશ્ર સરકાર ચલાવી શકે છે.” પરંતુ આથી વધારે એ કંઈ કરી ન શક્યા. એમણે વૉક-આઉટ પણ ન કર્યો.

ચર્ચાઓ થઈ તેમાં હિન્દુ-મુસ્લિમ સમાનતાના મુદ્દા પર તો જલદી સંમતિ થઈ ગઈ, પણ એ ‘મુસ્લિમ’ કોણ હશે તે નક્કી કરવા માટે કોંગ્રેસ અને લીગે સમય માગ્યો. જૂનમાં વૅવલે ચોખ્ખું કહી દીધું કે એ અખિલ ભારતીય પાર્ટીઓ અને પ્રાંતોને, ખાસ કરીને પંજાબને, પોતાનો મત રજૂ કરવાનો અધિકાર આપશે. જિન્નાના મુસલમાનોના એકમાત્ર પ્રવક્તા હોવાના દાવા પર આ મોટો ફટકો હતો. એ જ રીતે કોંગ્રેસે પણ બે મુસ્લિમોનાં નામ આપીને જિન્નાના દાવાને ધૂળચાટતો કરી દીધો. જિન્ના ઇચ્છતા હતા કે ચૌદ સભ્યોની કાઉંસિલના પાંચેપાંચ મુસ્લિમ સભ્યો લીગના જ હોવા જોઈએ. વૅવલે પણ સખત વલણ લીધું અને જિન્નાની માગણી નકારી કાઢી. એણે સાફ શબ્દોમાં પૂછ્યું કે આ વાત પર કૉન્ફરન્સને તોડી પાડવાનો જિન્નાનો ઇરાદો છે? જિન્નાએ નમતું જોખ્યું અને એના પર સાથીઓની સાથે ચર્ચા કરવા માટે વધારે સમય માગ્યો. જ્યારે પણ સપડાવાની સ્થિતિ આવે ત્યારે આ રસ્તો લેવાની જિન્નાની હંમેશાંની રીત હતી.

કોંગ્રેસ અને મુસ્લિમ લીગને વિચારવાનો સમય મળે તે માટે કૉન્ફરન્સ એક પખવાડિયું મુલતવી રાખવામાં આવી. તે પછી જિન્નાએ સૂચન કર્યું કે લીગના સભ્યો નિમાઈ જાય તે પછી વાઇસરૉય બીજા મુસ્લિમોની પોતે જ નીમણૂક કરે (કોંગ્રેસ કે યુનિયનિસ્ટ પાર્ટી નહીં) તો તેઓ વર્કિંગ કમિટી સમક્ષ એ વાત રજૂ કરવા તૈયાર છે. વૅવલે કહ્યું કે લીગ દસ-બાર નામ મૂકી શકે છે અને બિનમુસ્લિમનું નામ પણ આપી શકે છે. એક અઠવાડિયું એમ જ કાઢ્યા પછી એમણે વાઇસરૉયને પત્ર મોકલીને કહ્યું કે લીગની વર્કિંગ કમિટી નામો સૂચવવાને બદલે એમને એકલાને જ મળવા માગે છે. જિન્ના “બહુ જ નર્વસ” હતા અને એમણે કહ્યું કે હવે એમની અવસ્થા થઈ અને એમણે ‘લીગને છિન્નભિન્ન ન કરી નાખવા” વિનંતિ કરી. વૅવલને સમજાયું કે મુસલમાનોનું પ્રતિનિધિત્વ કોણ કરે એ મુદ્દાએ જિન્નાને “ભારે મુશ્કેલીમાં” નાખી દીધા હતા પણ “એ એમનું જ કર્યુંકારવ્યું” હતું. “કૉન્ફરન્સની નિષ્ફળતા માટે બલિનો બકરો” જિન્ના બનવાના હતા પણ એમણે આ જોખમને “બધા મુસલમાનોના પ્રતિનિધિ” હોવાના દાવાની સામે તોળવાનું હતું એમણે પસંદગી કરી લીધી. કાઉંસિલ માટે પ્રતિનિધિઓનાં નામો ન આપ્યાં અને શિમલા કૉન્ફરન્સ પડી ભાંગી.

શિમલા કૉન્ફરન્સની નિષ્ફળતા પછી પણ The Sole Spokesman બનવા માટે જિન્ના શતરંજની જે ચાલ છેક સુધી ચાલતા રહ્યા તેની રસપ્રદ વાતો હવે સોમવારે ૨૯મી તારીખે…


નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : :

The Sole Spokesman: Jinnah, the Islam and the Demand for Pakistan–Ayesh Jalal (7)

The-Sole-Spokesman_Jinnah-the-Islam-and-the-Demand-for-Pakistan-1-Paperback_thumb.pngAyesha-Jalal-2_thumb.jpg

The Sole Spokesman: Jinnah, the Muslim League and the Demand for Pakistan

Author: Ayesha Jalal ǁ Publishers: Cambridge University Press

May 1985, Hardcover ǁ ISBN 0521244625 (ISBN13: 9780521244626)

૧૯૪૧ આવતાં દુનિયાના બનાવો પણ ભારતની ઘટનાઓને પ્રભાવિત કરવા લાગ્યા. આયેશા જલાલનું કહેવું છે કે કોંગ્રેસના સત્યાગ્રહનો રકાસ થયો હતો અને કોંગ્રેસ નેતાઓ આ સ્થિતિમાંથી બહાર આવવા માગતા હતા પણ લિન્લિથગો તરફથી કંઈ સંકેત મળે તેની રાહ જોતા હતા, પણ વાઇસરૉયને એવી કોઈ ઉતાવળ નહોતી. કોંગ્રેસ તરફથી તેજ બહાદુર સપ્રુ મારફતે લંડનને સંદેશા પણ જતા હતા.પરંતુ ખરું દબાણ બ્રિટનના યુદ્ધસાથીઓ તરફથી પણ આવવા લાગ્યું હતું. જાપાને પર્લ હાર્બર પર હુમલો કરી દેતાં અમેરિકા પણ યુદ્ધમાં સીધી રીતે આવી ગયું હતું. જાપાને ફેબ્રુઆરીમાં સિંગાપોરને ધ્વસ્ત કરી દીધું હતું આથી અમેરિકાના પ્રેસીડન્ટ રૂઝવેલ્ટને લાગવા માંડ્યું હતું કે ભારતના દરવાજા જાપાન માટે બંધ કરવા હોય તો એને આઝાદી આપવાનું જરૂરી હતું. ચર્ચિલે આનો સખત વિરોધ કર્યો પણ ફેબ્રુઆરીમાં ચીનના રાજકીય અને લશ્કરી નેતા ચ્યાંગ કાઈ શેકે ભારતની ઊડતી મુલાકાત લીધી અને આઝાદીની હિમાયત કરી. એટલું જ નહીં ચર્ચિલની રાષ્ટ્રીય કૅબિનેટમાં પણ માત્ર મજૂર પક્ષ નહીં, રૂઢિચુસ્ત પક્ષના મંત્રીઓમાં પણ ભારતને આઝાદી આપવા માટે અવાજ પ્રબળ બનતો જતો હતો. ઍટલી, ક્રિપ્સ, બેવિન વગેરે અગત્યના નેતાઓ ભારતના ભવિષ્ય વિશે વધારે ખુલ્લી હિમાયત કરવા લાગ્યા હતા. એમનું કહેવું હતું કે ભારતીય નેતાઓને, ખાસ કરીને કેન્દ્રમાં, સત્તામાં ભાગીદાર બનાવવામાં લાભ કંઈ ન હોય તો પણ નુકસાન તો નથી જ. ઍટલી અને ક્રિપ્સે ભારત વિશે બ્રિટન શું કરવા માગે છે તે જાહેર કરવા માટે ખુલ્લો પડકાર કર્યો. એમણે કહ્યું કે આને કારણે વાઇસરૉયને રાજીનામું આપવું પડે તો ભલેઃ આમ પણ એમનો ખ્યાલ હતો કે લેન્લિથગો આ હોદ્દા માટે લાયક નહોતો.

ક્રિપ્સ મિશન

ભારે વાદવિવાદ પછી ભારતના ભવિષ્ય વિશે એક મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો, જેમાં એવી ખાતરી આપવામાં આવી કે યુદ્ધ પછી ડોમિનિયન સ્ટેટસ આપવામાં આવશે અને એ વખતે દેશમાં પરસ્પર વિરોધમાં ઊભા રહેલા પક્ષોની સમજૂતીને આધાર માનવામાં નહીં આવે. આનો અર્થ એ કે કોંગ્રેસ અને લીગ વચ્ચે સમજૂતી થાય કે નહીં, એકતા થાય કે નહીં ભારતને આઝાદી મળશે. તે ઉપરાંત પ્રાંતો પણ ઇચ્છે તો એમને પણ સીધું બ્રિટનની સર્વોપરિતા નીચે અલગ ડોમિનિયન સ્ટેટસ આપવામાં આવશે. આ મુસદ્દો તરત જાહેર કરવામાં આવ્યો હોત તો ચર્ચિલે જોરદાર વિરોધ કર્યો હોત, લિન્લિથગોએ રાજીનામું આપી દીધું હોત અને ભારે શોરબકોર થયો હોત. પરંતુ ક્રિપ્સે પોતે ભારત જશે એમ કહીને બ્રિટનમાં શાંતિ કરાવી દીધી.

ક્રિપ્સ મિશન આવ્યું, કોંગ્રેસ અને લીગના નેતાઓને મળ્યું અને પાછું ચાલ્યું ગયું. ચર્ચિલની ધારણા હતી જ કે મોટી આશાઓ સાથે ક્રિપ્સ મિશન જાય છે પણ ખાલી હાથે પાછું આવશે; પરંતુ એ દેખાડી શકાશે કે ભારતના નેતાઓ અંદરોઅંદર ઝઘડતા રહ્યા એટલે મિશન સફળ ન થયું અને ઘીને ઠામે ઘી રહી જશે.

લીગ પર ક્રિપ્સ મિશનની અસર

મુસ્લિમ લીગે ‘પાકિસ્તાન’ના નામે ફેડરેશન બનાવવાનો ઠરાવ લાહોરમાં મંજૂર કર્યો હતો. બંગાળ અને પંજાબ અલગ રહે અને સીધાં બ્રિટન હેઠળ રહે એવી માગણી પણ લીગે દલીલ ખાતર આગળ ધરી હતી. ક્રિપ્સની દરખાસ્તોએ લીગની પાકિસ્તાનની માગણીનો અમલ કરવાથી શું થાય તે દેખાડી આપ્યું.

ક્રિપ્સે જોયું કે પ્રાંતીય નેતાઓની માગણી કોમી નહોતી, પણ પ્રાંતીય વધારે હતી. કારણ કે પંજાબ અને બંગાળમાં મુસલમાનો બહુમતીમાં હોવા છતાં બીજી કોમોની વસ્તી પણ એટલી મોટી હતી કે મુસ્લિમ નેતાઓને એમને સાથે રાખ્યા વિના ચાલે એમ જ નહોતું. એમને મુસલમાનોની વસ્તી ઓછી હોય ત્યાં મુસલમાનોનું શું થશે તેની ચિંતા નહોતી. એમને ચિંતા એ હતી કે કેન્દ્ર સરકાર બહુ શક્તિશાળી ન હોવી જોઈએ. એમણે જિન્નાને કેન્દ્રમાં નેતા તો માન્યા હતા, પણ એનું એમને મન બહુ મૂલ્ય નહોતું. હવે ક્રિપ્સે પ્રાંતીય મુસ્લિમ નેતાઓને જિન્નાના નેતૃત્વ વિશે બોલવાની ફરજ પાડી.

લિન્લિથગોએ ટૂંકી નજરે વિચાર્યું હતું અને કોંગ્રેસને એકલી પાડી દેવા માટે જિન્નાને ચડાવ્યા પણ ક્રિપ્સે લાંબા ગાળાનો વિચાર કર્યો. યુદ્ધ ચાલે ત્યાં સુધી કોંગ્રેસને અળગી રાખવાનો વ્યૂહ બરાબર હતો, પણ તે પછી કોંગ્રેસને અવગણી શકાય એમ નહોતું. કોંગ્રેસ હોય અને કેન્દ્ર મજબૂત હોય એ સ્થિતિ ક્રિપ્સને પસંદ હતી. એટલે ક્રિપ્સ મિશનની દરખાસ્ત કોમોને નહીં (એટલે કે મુસલમાનોને નહીં) પણ કોમના ભેદભાવ વિના પ્રાંતોને ભારતીય સંઘમાં આવવું કે નહીં તે નક્કી કરવાનો અધિકાર આપવાની હતી. આ દરખાસ્તો મંજૂર રહે તો મુસ્લિમ લીગની પાકિસ્તાનની માગણી અતાર્કિક હતી અને મુસ્લિમ બહુમતી પ્રાંતો પર જિન્નાની પકડ નહોતી એવું પણ દેખાડી શકાય.

જિન્નાની સ્થિતિ નબળી પડતી હતી તે લિન્લિથગોને પસંદ ન આવ્યું. ક્રિપ્સની દરખાસ્તનો અર્થ એ થતો હતો કે ભારતનું ભવિષ્ય ભારતીય નેતાઓ જ નક્કી કરશે. લિન્લિથગોએ અંગ્રેજી હકુમત કોઈ રીતે ચાલુ રહે તે માટે જિન્નાને આગળ કરવાની તરકીબ કરી હતી તેના પર પાણી ફરી વળતું હતું. જિન્નાએ પોતાને કેન્દ્રમાં મુસલમાનોના સ્પોક્સમૅન તરીકે સ્થાપિત કરવા માટે જ પ્રાંતોની માગણી પણ સામેલ કરી હતી. ક્રિપ્સની યોજનામાં એ જ ‘લોકલ ઑપ્શન’ આપવામાં આવ્યું હતું. કોંગ્રેસ એ સ્વીકારી લે તો જિન્નાની સ્થિતિ તો શૂન્ય જેવી બની જાય. દરખાસ્તો જોઈને જિન્ના માટે સાપે છછુંદર ગળ્યા જેવું થયું. હમણાં સુધી તો જિન્નાએ લાહોર ઠરાવની ખરેખરી અસર વિશે કંઈ પણ ખુલાસો કરવાનું ટાળ્યું હતું. એમને એમ જ હતું કે પ્રાંતોને સત્તાઓ આપવા વિશે જે દલીલો એમણે કરી હતી તે બ્રિટન કદી સ્વીકારી શકશે નહીં, પણ ક્રિપ્સની દરખાસ્તમાં તો એ દલીલ સ્વીકારી લેવાઈ હતી!

લિન્લિથગો માટે પણ આ યોજના આંચકા જેવી હતી. એણે માત્ર કેન્દ્રને ધ્યાનમાં રાખીને જિન્નાને ઉત્તેજન આપ્યું હતું અને પ્રાંતોની સ્વાયત્તતાની માંગ ખરેખર સ્વીકારી નહોતી, પણ ખુલ્લું બોલીને ઇનકારેય નહોતો કર્યો. હવે એણે બોલવું પડે એવી સ્થિતિ આવી ગઈ. એણે લંડનને લખ્યું કે “જિન્નાની માંગ માનવા માટે આપણે બહુ આગળ વધશું તો આપણે શીખો સાથે (અને એની અસર નીચે પંજાબમાં મુસલમાનો સાથે પણ) અથવા હિન્દુઓ સાથે, અથવા બન્ને સાથે તકલીફમાં મુકાશું.” લિન્લિથગોએ કહ્યું કે “આપણે એવી યોજના રજૂ કરવી જોઈએ કે જેમાં પાકિસ્તાનની માગણીનો સમાવેશ તો થતો હોય પણ પ્રાંતોના ‘લોકલ ઑપ્શન’ની વાત ન હોય.” જિન્ના અને લિન્લિથગો બન્ને ઇચ્છતા હતા કે એ વખત સુધી જેમ ચોકસાઈ વિના જેમ ચાલતું રહ્યું તેમ જ ચાલવું જોઈએ. લિન્લિથગોએ કહ્યું કે ક્રિપ્સની યોજનાની મોટી ખામી એ છે કે લોકલ ઑપ્શન બહુ જ ચોક્સાઈથી દેખાડેલું છે. બ્રિટિશ શાસનના અંત પછી, જ્યાં મુસ્લિમો, હિન્દુઓ કે શીખોની તાકાત લગભગ સરખેસરખી છે તેવા પ્ર્રાંતોમાં, અને ખાસ કરીને પંજાબમાં એમના માટે જીવસટોસટની સત્તાની સાઠમારી થશે.

હવે જિન્ના શું કરે?

જિન્નાની યોજનામાં પણ પંજાબનું મહત્ત્વનું સ્થાન હતું. પરંતુ એમના સૌથી વધારે વફાદાર સમર્થકો પંજાબમાં, કે બંગાળમાં, નહોતા પરંતુ ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા પ્રાંતોમાં હતા, જ્યાં મુસ્લિમો લઘુમતીમાં હતા. ‘લોકલ ઑપ્શન’માં એમને કંઈ હાથ લાગતું નહોતું. આમ જોઈએ તો ક્રિપ્સની યોજનામાં જ નહીં, ખુદ લાહોર ઠરાવમાં પણ લઘુમતી પ્રાંતોને કશું જ મળે તેમ નહોતું.

કોંગ્રેસને ક્રિપ્સની યોજના જરાય પસંદ ન આવી. આ બાબતમાં લૉર્ડ ઍમરીનો ખ્યાલ હતો કે “પાકિસ્તાની કોયલે ભારતના માળામાં ઈંડાં મૂક્યાં છે”. આ યોજના માને તો કોંગ્રેસે મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતો સાથે લમણાઝીંક કરવી પડે તેમ હતું. બીજી બાજુ, મુસલમાનોએ પણ એ વાસ્તવિકતાનો સામનો કરવો પડે એમ હતું કે લઘુમતી પ્રાંતોના મુસલમાનોનું શું? પંજાબમાં શીખોનો સવાલ ઊભો થાય, બંગાળમાં સમૃદ્ધ અને બહુ મોટી લઘુમતી હિન્દુઓની હતી, અને આખું અર્થતંત્ર ખોરવાઈ જાય તેનું શું કરવું? જિન્ના કે લિન્લિથગો આ શક્યતાનો વિચાર કરવા તૈયાર નહોતા, પણ લીગના ઠરાવ મુજબ પાકિસ્તાનની માગણીનો સ્વીકાર થાય તો સ્થિતિ કેવી ખરાબ થાય તે મુસલમાનોને સમજાઈ ગયું હોત.

લીગની ઍક્ઝીક્યૂટિવ કાઉંસિલની બેઠકમાં ફિરોઝ ખાન નૂને નવો જ સવાલ ઊભો કર્યો. પંજાબ અને બંગાળમાં મુસલમાનોની બહુમતી તો હતી પણ બહુ જ પાતળી હતી એટલે ‘લોકલ ઑપ્શન’ માટે બધેબધા મુસલમાનો મત આપે તો જ એ સ્વીકારાય. મુસલમાનોમાં તડાં પડે તો? ક્રિપ્સે કહ્યું કે ૬૦ ટકા કરતાં ઓછા મત લોકલ ઑપ્શનને મળે તો લોકમત લેવાય. પણ લોકમતમાં પણ મુસલમાનો એક જ રીતે મતદાન કરે તો જ થાય.

જિન્નાએ એ વિચાર કર્યો કે પંજાબ અને બંગાળમાં આ યોજના લાગુ પડે તો શું થાય. આમાંથી એમણે જોયું કે ક્રિપ્સની યોજનામાં શું ખામી છે. બીજી બાજુ કોંગ્રેસે પ્રાંતોને અલગ કરવાની યોજનાનો ઇનકાર કર્યો અને એક કેન્દ્ર પર ભાર મૂક્યો. કોંગ્રેસે ક્રિપ્સની યોજના સ્વીકારી હોત તો? લેખિકા કહે છે કે એ સ્થિતિમાં જિન્નાનું અસ્તિત્વ જ અર્થહીન થઈ ગયું હોત. (નોંધઃ કારણ કે લાહોર ઠરાવમાં એમણે પણ આ માગણી કરી હતી, પરંતુ એમાં પ્રાંતોને સ્વાયત્તતા આપવાની દરખાસ્ત તો માત્ર દેખાવ પૂરતી હતી. એ જ સૂચનો ક્રિપ્સની યોજનામાં હોવાથી એમની સ્થિતિ ખરાબ હતી).

હવે જિન્નાએ તદ્દન નવો રસ્તો લીધો. પ્રાંતોએ અલગ થવું કે નહીં તે જો લોકમત દ્વારા નક્કી કરવાની સ્થિતિ ઊભી થાય તો લોકમતમાં માત્ર મુસલમાનો ભાગ લે! ક્રિપ્સે લાહોર ઠરાવનું કોમી તત્ત્વ કાઢી નાખ્યું હતું પણ, જિન્ના એમાં કોમી તત્ત્વ પાછું લાવ્યા, જે એમની નેતાગીરી ટકાવી રાખવા માટે જરૂરી હતું. પરંતુ લોકમતનું સૂચન મૂળ યોજનામાં નહોતું; ક્રિપ્સે એ સવાલ આવ્યો ત્યારે આ નિવેદન કર્યું હતું. આથી જિન્નાએ મૂળ યોજનાનો વિરોધ કરવાને બદલે ક્રિપ્સના આ નિવેદન પર ટિપ્પણી કરવાનું મુનાસિબ માન્યું અને લોકમતમાં માત્ર મુસલમાનો જ મતદાન કરે એવી નવી માગણી રજૂ કરી. આનો તો ક્રિપ્સ કેમ સ્વીકાર કરી શકે? આમ આડકતરી રીતે જિન્નાએ ક્રિપ્સની યોજનાનો અસ્વીકાર જ કર્યો, પણ જુદા શબ્દોમાં!

રાજગોપાલાચારીએ શું વિચાર્યું?

કોંગ્રેસમાં આ યોજના સામે ઊકળાટ હતો, જો કે કોંગ્રેસના એક નેતાને ક્રિપ્સ મિશનની દરખાસ્તો સ્વીકારી લેવા જેવી લાગી. એ હતા ચક્રવર્તી રાજગોપાલાચારી. બહુ થોડા નેતાઓને સમજાયું હતું કે ક્રિપ્સની યોજનામાંથી બહુમતી પ્રાંતોમાં બિનમુસ્લિમ વસ્તીનું શું થશે એવો અળખામણો સવાલ પણ ઊભો થતો હતો. વળીપ્રાંતીય સ્વાયત્તતાનો સ્વીકાર કર્યા પછી અખિલ ભારતીય ધોરણે કોઈ એક કોમી નેતાગીરી સ્વીકારવાનું અર્થહીન હતું. રાજાજીને આ સમજાયું હતું એમની દલીલ એ હતી કે મુસ્લિમ બહુમતી પ્રાંતોને જતા કરવા જોઈએ. આથી ભારતીય સંઘમાં એક મજબૂત કેન્દ્રીય સત્તા સ્થાપવાનો માર્ગ મોકળો થશે. એમનો ખ્યાલ હતો કે મુસ્લિમ પ્રાંતોને સાથે જોડવા કરતાં ‘ભાગલા’માં ઓછું અનિષ્ટ છે. લોકલ ઑપ્શન સ્વીકારીને કોંગ્રેસ અંતે કેન્દ્રમાં મજબૂત સરકાર બનાવી શકશે અને લીગ તદ્દન ભુલાઈ જશે. તે પછી પ્રાંતોના મુસ્લિમ નેતાઓ અને કેન્દ્રમાં લીગરો વચ્ચે કદાચ ફાટફૂટ પણ પડાવી શકાય કારણ કે લીગરો કોમને ધોરણે વાત કરશે, જ્યારે પ્રાંતોના નેતાઓને બિનમુસ્લિમોની મોટી હાજરીને કારણે પ્રાંતના ધોરણે વાત કરવી પડશે. રાજાજીએ ૧૯૪૨માં મદ્રાસ પ્રાંતની કોંગ્રેસ લેજિસ્લેટિવ પાર્ટીને સમજાવીને એક ઠરાવ પસાર કરાવડાવ્યો કે ‘ભારતની એકતા’નો વાંઝિયો પ્રયાસ કરવાને બદલે મુસ્લિમ પ્રાંતોને જવા દઈને કોંગ્રેસ કેન્દ્રમાં મજબૂત સરકાર બનાવી શકશે.

પંજાબ અને બંગાળ તો, માત્ર જિન્ના માટે નહીં, કોંગ્રેસ માટે પણ છેક ૧૯૨૦થી માથાના દુખાવા જેવાં હતાં. એટલે રાજાજીની સલાહ નકાર્યા પછી પણ પંજાબ અને બંગાળને મળતા ખાસ દરજ્જાનો અસ્વીકાર કર્યો અને સીધી જ કેન્દ્રમાં સત્તાની માગણી કરી. પરંતુ યુદ્ધ દરમિયાન વાઇસરૉયની સત્તાઓ પર લગામ ન મૂકવાનો બ્રિટિશ સરકારનો નિર્ણય હોવાથી ક્રિપ્સ એમાં કંઈ ઉપયોગી થઈ શકે તેમ નહોતું. કોંગ્રેસ સત્તા સંભાળે તો સંરક્ષણ ખાતું પણ એના જ હાથમાં આવે તે તો વાઇસરૉય સાંખી જ ન શકે. કોંગ્રેસે રાજાજીનું સૂચન ન માન્યું અને ૧૯૪૨માં ‘ક્વિટ ઇંડિયા’ આંદોલનનો માર્ગ લીધો.

કોંગ્રેસનો આ ઇનકાર જિન્નાની મદદે આવ્યો. એ ફરી પોતાના સલામત પણ નકારાત્મક માર્ગે પાછા ફર્યા. એમણે કોંગ્રેસની સરમુખત્યારીની ટીકા કરી અને ફરી પાકિસ્તાન બનાવવાની પોતાની અસ્પષ્ટ માગણી આગળ ધરી.

ક્રિપ્સ મિશન નિષ્ફળ

ક્રિપ્સે પોતાના પ્રયાસો નિષ્ફળ ગયા છે એવું કબૂલ્યું. આ સાથે જિન્નાને ટૂંકા રાખવાની તક કોંગ્રેસે ખોઈ.

(જો કે આ લેખિકાનો મત છે. ક્રિપ્સની દરખાસ્તોમાં ફેડરેશન હતું અને પંજાબ અને બંગાળ તો સીધાં જ બ્રિટનની સર્વોપરિતા નીચે રહી શકે એવી વ્યવસ્થા હતી. એટલે એ દેશના ભાગલા સ્વીકારવા જેવું જ હતું. દેશ નાનાં નાનાં રાજ્યોના નબળા સંઘ જેવો બની રહ્યો હોત, જેમાં કેન્દ્રીય સત્તા કરતાં પ્રાંતોના હાથમાં નિ્ર્ણાયક શક્તિ હોત).

જિન્નાએ કોંગ્રેસના ઇનકારનો પ્રચાર કર્યો કે ક્રિપ્સ મુસ્લિમ બહુમતી પ્રાંતોને જે આપવા માગતા હતા તેમાં કોંગ્રેસ આડે આવી. એમણે દલીલ કરી કે લોકલ ઑપ્શનથી મુસ્લિમોની સલામતીની પૂરેપૂરી ખાતરી મળે તેમ નહોતું, પરંતુ કોંગ્રેસ એના માટે પણ તૈયાર નથી. હવે એમણે મુસલમાનોને રસ્તો દેખાડ્યો કે આખા હિન્દુસ્તાનમાં મુસ્લિમ હિતોના રક્ષણ માટે પાકિસ્તાનના સિદ્ધાંતનો સ્વીકાર થવો જ જોઈએ. આ વાત સ્વીકારવાની બ્રિટિશ સરકાર અને કોંગ્રેસને ફરજ પડે તે માટે એમણે બધા મુસલમાનોને પોતાની નેતાગીરીમાં સંગઠિત થવા અપીલ કરી. ક્રિપ્સની યોજનાને તો જિન્નાએ પણ નકારી જ હતી પણ એનાં ખરાં કારણો તો જુદાં હતાં. કદાચ કોંગ્રેસ અને લઘુમતી પ્રાંતોના મુસ્લિમ નેતાઓને જિન્નાને સાથે લેવાની જરૂર ન સમજાઈ.

હવે બુધવારે આગળ વધશું.


નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : :

The Sole Spokesman: Jinnah, the Islam and the Demand for Pakistan–Ayesha Jalal (6)

The Sole Spokesman_Jinnah, the Islam and the Demand for Pakistan 3 ebookAyesha-Jalal-2_thumb.jpg

The Sole Spokesman: Jinnah, the Muslim League and the Demand for Pakistan
Author: Ayesha Jalal ǁ Publishers: Cambridge University Press
May 2012, Adobe eBook Reader ǁ ISBN: 9781139239615

૧૯૪૦માં ‘પાકિસ્તાન ઠરાવ’ (લાહોર ઠરાવ) પસાર કર્યા પછી ૧૯૪૬માં કૅબિનેટ મિશન આવ્યું ત્યાં સુધી લીગે આ ઠરાવનો અર્થ સ્પષ્ટ ન કર્યો. આના પરથી એટલું જ સમજાય છે કે જિન્નાએ પોતાનો વ્યૂહ બહુ જ ગુપ્ત રાખ્યો હતો. સ્થિતિ એ હતી કે તેઓ કંઈ પણ સ્પષ્ટતા કરે તો મુસ્લિમ બહુમતી પ્રાંતોમાં પોતાના સાથીઓના જ સવાલોના જવાબ આપી શકાય એમ નહોતું. મુસ્લિમ બહુમતી અને લઘુમતી પ્રાંતોનાં હિતો એકસમાન નહોતાં; એક બાજુ, સ્વાયત્ત મુસ્લિમ રાજ્યોની માંગ હતી તો બીજી બાજુ મજબૂત કેન્દ્રની માગણી હતી કે જેથી લઘુમતી પ્રાંતોમાં મુસલમાનોનાં હિતોનું કેન્દ્રની મદદથી રક્ષણ કરી શકાય. છેવટ સુધી જિન્નાએ આ બાબતમાં સ્પષ્ટતા કરવાનું ટાળ્યું.

લાહોર ઠરાવ બ્રિટનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઘડાયો હતો. કોંગ્રેસની સ્વાધીનતાની માગણીના જવાબમાં બ્રિટિશ હકુમતને એક ઢાલ જોઈતી હતી. લાહોર ઠરાવ પૂરેપૂરો તો અંગ્રેજોની નજરે સર્વાંશે અનુકૂળ નહોતો પણ તાત્કાલિક ઉપયોગી હતો. એમાં અલગ રાજ્યોની માંગ હતી તે એમને ફાવે તેમ નહોતી પરંતુ એ વખતે તો કોંગ્રેસને ખાળવા માટે એ કામ આવે તેવો હતો. એ ઠરાવે વાઇસરૉયને બંધારણીય સુધારા કરવાના તકાજામાંથી મુક્ત કરીને યુદ્ધની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની મોકળાશ આપી. દરમિયાન, પંજાબના ગવર્નરે પણ ટિપ્પણી કરી કે લીગના ઠરાવને પંજાબના ‘જવાબદાર મુસ્લિમો’ બહુ મહત્ત્વ નથી આપતા. સરકાર માટે પંજાબ પ્રાંત સૈનિકોની ભરતી માટે બહુ ઉપયોગી હતો અને ત્યાં જિન્નાનો પ્રભાવ નહોતો તે વાઇસરૉય માટે તો સારું જ હતું.

આ સાથે જિન્ના માટે એક નવો રસ્તો તો ખુલ્યો જ. હવે એમના પ્રયત્નો એ હતા કે સરકાર દેશના બધા મુસલમાનોના Sole Spokesman તરીકે એમને સ્વીકારી લે. બીજી બાજુ કોંગ્રેસ એમ કહી શકે તેમ નહોતી કે ભારતનો સવાલ માત્ર “બે પક્ષો” – કોંગ્રેસ અને બ્રિટિશ – વચ્ચે જ હતો કારણ કે બ્રિટિશ સરકાર જિન્નાને ત્રીજા પક્ષ તરીકે સાથે રાખીને આગળ વધતી હતી. ગાંધીજીએ તો જૂન ૧૯૪૦માં જ કહ્યું હતું કે દેશમાં લોકશાહી ઢબે એક જ સંગઠન ચુંટાયેલું હતું, અને તે હતી કોંગ્રેસ. એમણે કહ્યું કે બાકી બધાં રાજકીય સંગઠનો જાતે બની બેઠાં છે અને માત્ર કોમવાદી છે અને દેશને બે ભાગમાં વહેંચવા માગે છે.

પરંતુ કોંગ્રેસે પણ સંપૂર્ણ સ્વાધીનતાની પોતાની માંગ હળવી બનાવી અને જાહેર કર્યું કે અંગ્રેજ હકુમત ‘રાષ્ટ્રીય સરકાર’ બનાવવા તૈયાર થાય અને યુદ્ધ પછી સ્વાધીનતાની જાહેરાત કરવાનું વચન આપે તો એટલાથી સંતોષ માનવા ‘હમણાં’ કોંગ્રેસ તૈયાર છે. જિન્નાએ આની સામે નવી માંગ મૂકી. એમણે કહ્યું કે આ માંગ માનવા માટે સરકારે કેન્દ્રમાં અને પ્રાંતોમાં કોંગ્રેસ અને મુસ્લિમ નેતાગીરીને સમાન દરજ્જો આપવાનો રહેશે. જિન્નાને મન ‘મુસ્લિમ નેતાગીરી’ એટલે ‘મુસ્લિમ લીગની નેતાગીરી’. એમણે કહ્યું કે “લીગરો”ને સમાન દરજ્જો મળવો જોઈએ.

વાઇસરૉય દ્વારા કોંગ્રેસ અને લીગની માગણીનો ઇનકાર

ઑગસ્ટ ૧૯૪૦માં લિન્લિથગોએ કોંગ્રેસ અને લીગની માગણીઓનો પ્રત્યાઘાત આપ્યો અને ‘રાષ્ટ્રીય સરકાર’ની કોંગ્રેસની માગણી્ને ઠુકરાવી દીધી. એણે પ્રાંતોના ગવર્નરોને કોઈ પણ પ્રકારના આંદોલનને કચડી નાખવાનો પણ આદેશ આપ્યો. બીજી બાજુ લંડનથી બ્રિટન સરકારે “ભારતના ભવિષ્ય વિશે વિચાર કરવા પ્રાતિનિધિક સમિતિ” નીમવાની ખાતરી આપી. જો કે આ જાહેરાતમાં જિન્નાને સંતોષ થાય એવું પણ કંઈ નહોતું. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ, બન્નેએ વાઇસરૉયની જાહેરાતનો અસ્વીકાર કરી દીધો.

હવે જિન્નાએ માત્ર નવી તકની રાહ જોવાની હતી. કોંગ્રેસે અસહકારનું આંદોલન શરૂ કરી દીધું. ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહથી સરકાર ડરી નહીં. પ્રાંતોમાં કોંગ્રેસનાં પ્રતિનિધિમંડળોએ રાજીનામાં આપી દીધાં હતાં અને મોટા ભાગના કોંગ્રેસ મોવડીઓ જેલમાં હતા.

(નોંધઃ કથન વિવાદાસ્પદ છે. સરકાર ડરી નહીં પણ કોંગ્રેસના નેતાઓને જેલમાં પૂરી દીધા! આંતર્વિરોધ સ્પષ્ટ છે).

પંજાબ અને બંગાળઃ જિન્નાથી દૂર

પંજાબમાં સિકંદર હયાત ખાનનો વ્યૂહ

જિન્નાએ પોતાનું ધ્યાન કેન્દ્ર અને પ્રાંતોમાં લીગના બળાબળનું સંતુલન સાધવા તરફ વાળ્યું. પંજાબમાં તો એમનું ખાસ કશું ઊપજતું નહોતું. લીગે કહ્યું કે પંજાબમાં કોઈએ ‘વૉર કમિટી’માં ન જોડાવું પણ ત્યાં લીગરોએ આ સલાહ કાને ન ધરી. બંગાળમાં પણ ફઝલુલ હકના સમર્થકોએ આ અપીલને દાદ ન દીધો. હક સામે લીગ સાથે રહેવું કે પ્રાંતની પ્રાથમિકતાઓને અગ્રસ્થાન આપવું એવો સવાલ આવે તો એ શું પસંદ કરે તે દેખીતું હતું; જિન્ના તો એમનો વિકલ્પ ન જ હોત. સિંધ અને વાયવ્ય સરહદ પ્રાંતમાં તો લીગનું નામ લેનાર પણ કોઈ નહોતું.

પંજાબમાં હિન્દુઓ અને શીખોનો વિરોધ

૧૯૪૧માં, લાહોર ઠરાવના એક વર્ષ પછી પણ જિન્નાની દાળ ગળતી હોવાનાં એંધાણ નહોતાં. મૂળ કારણ એ કે લાહોર ઠરાવ સાકાર બને તેમાં પંજાબની ભૂમિકા મહત્ત્વની હતી અને જિન્ના ઘણી વખત પંજાબના નેતાઓને એ કહી પણ ચૂક્યા હતા. પરંતુ લાહોર ઠરાવનો હિન્દુઓ અને શીખો વિરોધ કરતા હતા. એમાં પણ ‘ખાલસા નૅશનાલિસ્ટ’ નામની બ્રિટિશતરફી નાની પાર્ટી તો સિકંદર હયાત ખાનની સરકારમાં હતી. પરંતુ પછી એમણે પૂર્વ પંજાબની અંગ્રેજવિરોધી લોકપ્રિય અકાલી દળ પાર્ટીના કેટલાક સભ્યો સાથે સમજૂતી કરી અને ‘ખાલસા ડિફેન્સ ઑફ ઇંડિયા લીગ’ની રચના કરી. આ નવા સંગઠને શીખોને યુદ્ધના સમર્થનમાં બ્રિટનને ટેકો આપવા એલાન કર્યું અને સિકંદર હયાતની યુનિયનિસ્ટ પાર્ટીની સરકારને ખુલ્લી ધમકી આપી કે જો એ ‘પાકિસ્તાન’નો ચોખ્ખો વિરોધ નહીં કરે તો ખાલસા નૅશનાલિસ્ટ સરકારમાંથી નીકળી જશે અને વિરોધ પક્ષમાં બેસશે. આથી ૧૯૪૧ની લીગની કૉન્ફરન્સમાં યુનિયનિસ્ટ પાર્ટીના મુસ્લિમ પ્રધાનો અને બીજા નેતાઓ હાજર ન રહ્યા અને સિકંદરે ઍસેમ્બ્લીમાં લાહોર ઠરાવને વખોડી કાઢ્યો. સિકંદરે એ પણ કહ્યું કે “અમે આખા ઇંડિયાને દેખાડવા માગીએ છીએ કે પંજાબમાં અમે બધા એકસંપ છીએ” કે જેથી બહારના ‘પંચાતિયાઓ’ માથું ન મારે.

નૅશનલ ડિફેન્સ કાઉંસિલ

વાત તૂટવાને આરે પહોંચી ગઈ હતી, પણ એક ઘટનાએ જિન્નાની તરફેણમાં કામ કર્યું. જો કે દેખીતી રીતે એવું કંઈ નહોતું કે જિન્નાને એનો લાભ મળી શકે. ૧૯૪૧ની ૨૧મી જુલાઈ લિન્લિથગોએ નૅશનલ ડિફેન્સ કાઉંસિલ બનાવવાની જાહેરાત કરી. એમાં આઠ ભારતીયો અને ચાર બ્રિટિશ ઑફિસરોને લેવાના હતા. એણે આઠ ભારતીયોમાં ફઝલુલ હક (બંગાળ), સિકંદર હયાત ખાન (પંજાબ) અને મુહંમદ સાદુલ્લાહ (આસામના મુખ્ય પ્રધાન)ને લીગના પ્રતિનિધિ તરીકે જિન્નાને પૂછ્યા વગર જ લઈ લીધા. લીગના પ્રમુખ જિન્નાને પૂછ્યા વિના જ લીગરોને કાઉંસિલમાં લઈને વાઇસરૉયે જિન્ના માટે કફોડી સ્થિતિ પેદા કરી દીધી. જિન્ના પોતાને કેન્દ્ર સરકારમાં મુસ્લિમોના એકમાત્ર સ્પોક્સમૅન તરીકે સ્થાપિત કરવા માગતા હતા, અને આ તો કેન્દ્રમાં જ વાઇસરૉયે એમની પરવા ન કરી. જિન્નાએ આનો વિરોધ કર્યો. એમણે ત્રણેય સભ્યોને કાઉંસિલમાંથી રાજીનામાં આપવા અથવા લીગમાં શિસ્તભંગની કાર્યવાહીનો સામનો કરવાની ધમકી આપી. એમણે હુકમનું પત્તું ખેલ્યું. એમણે કહ્યું કે આ ત્રણ લીગરોને મુખ્ય પ્રધાન હોવાને કારણે નહીં પણ મુસ્લિમોના પ્રતિનિધિ હોવાને કારણે લીધા છે. સિકંદર જિન્નાને મળવા ગયા કારણ કે જિન્નાની વાત ન માનવાનો અર્થ એ થાત કે સિકંદર મુસલમાનોનાં હિતોની ઉપરવટ જઈને કામ કરે છે. એમણે જિન્નાની શરત માની લીધી અને વચન આપ્યું કે પોતે જિન્ના સાથે ચર્ચા કર્યા વિના કોઈ પણ સરકારી ઠરાવ પર પોતાનો અભિપ્રાય નહીં આપે. અંતે સિકંદરે કાઉંસિલમાંથી રાજીનામું આપી દીધું.

ફઝલુલ હકનો વિદ્રોહ

પરંતુ બંગાળના ફઝલુલ હકે તો નમતું ન આપ્યું એમણે એક નિવેદનમાં કહ્યું કે હાલના બનાવો પછી એમને દેખાયું છે કે “લોકશાહી અને સ્વાયત્તતાના સિદ્ધાંતોને એક વ્યક્તિની આપખુદ ઇચ્છાઓ સામે ગૌણ બનાવી દેવાયા છે.” પરંતુ આને કારણે બંગાળમાં હકના વિરોધી જૂથને સત્તા માટેની હોડ સતેજ કરવાની તક મળી. સુહરાવર્દી અને નઝીમુદ્દીને હક સામેના બળવાની આગેવાની લીધી. હકે પક્ષમાં એમની સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી અને એમને કાઢવા પ્રધાનમંડળે રાજીનામું આપી દીધું. હકને ખાતરી હતી કે એમની બહુમતી હોવાથી ગવર્નર ફરી એમને જ સરકાર બનાવવાનું આમંત્રણ આપશે. હકે નવી સરકાર બનાવી. એમાં નાણા વિભાગ શ્યામાપ્રસાદ મુખરજીને સોંપ્યો.

(નોંધઃ શ્યામા પ્રસાદ મુખરજીએ સ્વતંત્રતા પછી ભારતીય જનસંઘની સ્થાપના કરી. ભારતીય જનતા પાર્ટી જનસંઘનું રૂપાંતર છે).

પાકિસ્તાનએટલે શું?

ક્રિપ્સ મિશન ભારત આવ્યું ત્યાં સુધી જિન્ના એક પણ મિનિસ્ટ્રી તોડી કે બનાવી નહોતા શક્યા. આથી સ્થાનિકના મુસલમાનો ‘પાકિસ્તાન’ વિશે શું માને છે તે જાણવાની લિન્લિથગોને જરૂર નહોતી જણાઈ. લિન્લિથગોએ ઍમરીને જણાવ્યું કે “આ મહાન શબ્દનો અર્થ શું તે સ્પષ્ટ કરવું ન પડે તે માટે જિન્ના સુવિધાપૂર્વક જબ્બર મહેનત કરે છે.” રિફૉર્મ્સ કમિશનર એચ. વી. હૉડસને મુસ્લિમ લઘુમતીવાળા પ્રાંતોમાં મુસ્લિમોને મળીને પોતાનું તારણ આપ્યું કે “જિન્નાથી માંડીને પાકિસ્તાનના છેક રૂઢિચુસ્ત સમર્થકો” એમ વિચારે છે કે બ્રિટિશરો અનિશ્ચિત સમય માટે અહીં રહે અને સંરક્ષણ એમના હાથમાં હોય. “દરેક મુસ્લિમ લીગર પાકિસ્તાનનો અર્થ એક મહાસંઘ કરે છે જેમાં સમાન હેતુઓનાં ખાતાં બ્રિટિશરોના હાથમાં રહે અને આ મહાસંઘની એક શરત એ હોય કે હિન્દુઓ અને મુસલમાનોને સમાન ગણવા.”

જિન્નાના મુંબઈના મિત્ર ઇબ્રાહિમ ઇસ્માઇલ ચુંદડીગરે (નોંધઃ મૂળ ગુજરાતના, જન્મસ્થાન અમદાવાદ. ૧૯૫૭માં માત્ર બે મહિના માટે પાકિસ્તાનના છઠ્ઠા વડાપ્રધાન બન્યા) લખ્યું છે કે લાહોર ઠરાવ એક ધરખમ નવી શરૂઆત જેવો લાગતો હતો પણ ખરેખર તો એ અવિભાજિત ભારતમાં સમાનતાના ધોરણે જોડાયેલાં બે રાષ્ટ્રોનો જ વિચાર હતો. જિન્નાએ પોતે પણ નવેમ્બર ૧૯૪૩માં દિલ્હીમાં મળેલી મુસ્લિમ લીગની મીટિંગમાં કહ્યું કે “પાકિસ્તાન એટલે “ભાગલા” એવો અર્થ તો લીગના મંતવ્યનું કાર્ટૂન છે. એમનું કહેવું હતું કે “હિન્દુ પ્રેસે આ શબ્દ આપણા પર ઠોકી બેસાડ્યો છે.” એમણે હૉડસનના અભિપ્રાય વિશે કહ્યું કે “ મને લાગે છે કે આખરે, મિ. હૉડસન આપણી માંગ શું છે તે સમજે છે”. પરંતુ ભારતીય ઉપખંડ માટે ખેદની વાત એ છે કે ક્રિપ્સ બ્રિટનથી જે મુસદ્દો લઈ આવ્યા એ તૈયાર કરનારાને રિફૉર્મ્સ કમિશનર હૉડસનના વિચારો સમજયા નહોતા.

આજે આટલું બસ, હવે મળશું ૨૨મીએ સાતમા હપ્તા સાથે.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : ૬ :

નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

The Sole Spokesman: Jinnah, the Islam and the Demand for Pakistan : Ayesha Jalal(4)

The-Sole-Spokesman_Jinnah-the-Islam-and-the-Demand-for-Pakistan-1-Paperback_thumb.pngimage_thumb.pngThe Sole Spokesman: Jinnah, the Muslim League and the Demand for Pakistan
Author: Ayesha Jalal ǁ Publishers: Cambridge University Press
May 1994, Paperback, 336 pages ǁ ISBN: 9780521458504

૧૯૩૭ની ચૂંટણીઓ પછી જિન્ના અને મુસ્લિમ લીગ માટે રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવાનો સવાલ હતો. આમ પણ રાજકારણની સાપસીડીમાં જિન્નાના નસીબે સીડીઓ ઓછી અને સાપ વધારે આવ્યા હતા. મુસ્લિમ બહુમતી કે લઘુમતી હોય, લીગની હાલત ખરાબ જ હતી. તેમાં પણ વાયવ્ય સરહદ પ્રાંત તો લગભગ આખો મુસ્લિમ પ્રાંત હતો; ત્યાં પણ કોંગ્રેસ સરકારમાં આવતાં લીગની તો ફજેતી જ થઈ. લઘુમતી પ્રાંતોમાં લીગનો દેખાવ સારો રહ્યો તો કોંગ્રેસનો ઘણો સારો. મુસ્લિમ પ્રાંતોએ લીગને થોડો ટેકો આપ્યો હોત તો કોંગ્રેસ સાથેની વાટાઘાટોમાં બરાબરી દેખાડી શકાઈ હોત. વળી મુસ્લિમ મતો એવી રીતે વિભાજિત થયા હતા કે કોંગ્રેસ દાવો કરી શકે એમ હતી કે એ મુસ્લિમો સહિત આખા દેશ માટે બોલે છે.

નવી સ્ટ્રૅટેજી

રાજકીય રીતે ટકી રહેવા માટે તદ્દન નવી સ્ટ્રૅટેજીની જરૂર હતી. ભલે, મુસ્લિમ બહુલ વિસ્તારોએ લીગના લીરા ઉડાવી દીધા હોય, પણ રાષ્ટ્રીય સ્તરે, માત્ર કહેવા પૂરતું જ, એમ માની લે કે જિન્ના એમનાં હિતોનું રક્ષણ કરશે, તો પણ ઘણું. આમ પણ સેંટ્રલ ઍસેમ્બ્લીમાં કોંગ્રેસનું વર્ચસ્વ હોવાથી પ્રાંતોને ઘર્ષણ થવાનું હોય તે કોંગ્રેસ સાથે જ થવાનું હતું. અહીં લીગ એમને કામ આવી શકે. પરંતુ જિન્નાની સ્થિતિ એવી નબળી હતી કે મુસ્લિમ પ્રાંતોના સેંટ્રલ ઍસેમ્બ્લીમાં ‘વકીલ’ બનવા માટે પોતાની શરતો લાદી શકે તેમ નહોતા. પરંતુ પંજાબના સિકંદર હયાત ખાન અને બંગાળના ફઝલુલ હકે એમને ઉગારી લીધા. પરંતુ બન્નેએ જિન્ના પર બહુ આકરી શરતો લાદી.

સિકંદર હયાત ખાને શરત મૂકી કે પંજાબની લીગમાં યૂનિયનિસ્ટ પાર્ટીના સભ્યોને પ્રવેશ આપવાનો રહેશે. આમ ખરેખર તો એ લીગનો વાવટો સંકેલી લેવા જેવું હતું. વળી, એ પણ શરત હતી કે પંજાબના મામલામાં લીગ માથું નહીં મારી શકે. એટલું જ નહીં, જિન્નાએ એમના ખરા સમર્થક, શહેરવાસી લીગરોને પણ કાઢી મૂકવાના હતા. લખનઉમાં જિન્ના-સિકંદર કરાર થયા તેના પર ઇકબાલે ટિપ્પણી કરી કે “લીગને સર સિકંદર અને એમના મિત્રોને હવાલે કરી દેવાઈ છે.” બીજા પણ વિરોધના સૂર ઊઠ્યા પણ પંજાબમાં લીગને તાળું માર્યા સિવાય જિન્નાને જે જોઈતું હતું તે મળે તેમ નહોતું.

બંગાળમાં તો એના કરતાંય ભારે કિંમત ચુકવવી પડી. આમ તો પંજાબ કરતાં બંગાળમાં લીગની સ્થિતિ બહુ સારી હતી અને પછી તો વધારે સારી સ્થિતિ ઊભી થઈ. પ્રાઇમ મિનિસ્ટર ફઝલુલ હકની કૃષક પ્રજા પાર્ટીમાંથી કેટલાક સભ્યો હટી ગયા અને હક સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી. જિન્નાના નજીકના સાથી નઝિમુદ્દીન લીગના નેતા તરીકે પ્રાઇમ મિનિસ્ટર બની શકે એમ હતા. પરંતુ હકે જબ્બરદસ્ત પત્તું ફેંક્યું. એમણે પોતાને લીગના અંગરૂપ ગણાવ્યા અને લખનઉમાં લીગનું સંમેલન ચાલતું હતું તેમાં પોતાની કૃષક પ્રજા પાર્ટીના સભ્યોને લઈને પહોંચી ગયા. જિન્ના એમને રોકી ન શક્યા. હકે પણ પંજાબમાં થયું તેમ લીગનો કબજો જ લઈ લીધો. હવે નઝિમુદ્દીન એમને હટાવવાની વાત કરી શકે એમ નહોતા. કેન્દ્રમાં જિન્નાને બંગાળ વતી બોલવાનો અધિકાર આપીને હકે બદલામાં એટલું જ વચન આપ્યું કે તેઓ સેંટ્રલ ઍસેમ્બ્લીમાં એમની પાર્ટીના મુસલમાન સભ્યોને લીગની નીતિને માનવા સમજાવશે. તે સિવાય બીજી બધી રીતે સભ્યોને જે કંઈ કરવું હોય તે કરવાની છૂટ હતી.

જો કે લીગે પોતાનું બંધારણ કોંગ્રેસના બંધારણને ઉદાહરણ તરીકે સામે રાખીને બનાવ્યું હતું, એ જોતાં જિન્ના કેન્દ્રીય નેતાગીરીના નિર્ણયો પ્રાંતનાં યુનિટો પર લાગુ કરવા તત્પર હતા એમ લાગે છે. પરંતુ વાસ્તવિકતા એ હતી કે પ્રાંતો પર કોઈ હુકમ ઠોકી બેસાડાય એમ હતું જ નહીં. એટલે ૧૯૩૮માં નવું બંધારણ બનાવવામાં આવ્યું તેમાં પ્રાંતિક નેતાઓને વધારે સત્તાઓ આપવામાં આવી. લીગની કાઉંસિલમાં પણ આ નવી સ્થિતિનું પ્રતિબિંબ પાડવા કાઉંસિલનો સભ્ય પ્રાંતોમાં છેક નીચેથી શરૂ કરીને ચુંટાય એવી વ્યવસ્થા પણ કરવામાં આવી. આમ જિન્નાએ કંઈ નહીં તો કાગળ ઉપર, લીગ રાષ્ટ્રવ્યાપી સંગઠન હોય એવું ચિત્ર તો બનાવી લીધું.

ઇકબાલની ફૉર્મ્યૂલા

આયેશા જલાલ અહીં એક ધ્યાન ખેંચાય એવી વાત કરે છેઃ ચૂંટણીનાં પરિણામો પછી ઇક્બાલે જિન્નાને “મુસ્લિમ લઘુમતીવાળા પ્રાંતોની અવગણના કરવા”ની સલાહ આપી હતી. જિન્ના માટે આ વિચિત્ર વાત હતી કારણ કે લીગને સફળતા તો માત્ર એ પ્રાંતોમાં જ મળી હતી. એમણે ૧૯૩૯માં આ સૂચન કર્યું અને તે પછી સાત વર્ષે એનો ફોડ પાડ્યોઃ “પણ ભારતનાં બીજાં રાષ્ટ્રો (બીજી કોમો)ને જેમ આત્મનિર્ણયનો અધિકાર છે તે જ રીતે વાયવ્ય ભારત અને બંગાળને પણ આત્મનિર્ણયનો અધિકાર ધરાવતાં અલગ રાષ્ટ્ર (Nations) શા માટે ન ગણી શકાય? અંગત રીતે મને લાગે છે કે આજે વાયવ્ય ભારત અને બંગાળના મુસલમાનોએ લઘુમતીવાળા પ્રાંતોની અવગણના કરવી જોઈએ. મુસ્લિમ બહુમતી અને લઘુમતી, બન્ને પ્રકારના પ્રાંતોના મુસ્લિમો માટે આ જ એક ઉત્તમ રસ્તો છે.”

ઇકબાલને પ્રતીતિ થઈ ગઈ હતી કે લીગે હવે નક્કી કરી લેવું જોઈએ કે એ ભારતના ઉચ્ચવર્ગીય મુસલમાનો સાથે રહેશે કે સામાન્ય મુસલમાનો સાથે? ઇકબાલની નજરે ખરો પ્રશ્ન તો મુસલમાનોની ગરીબાઈ દૂર કરવાનો હતો. ઇકબાલે કહ્યું કે મુસ્લિમ જનસમુદાય માટે ‘ઇસ્લામનો કાનૂન’ લાગુ કરવાથી સામાન્ય મુસલમાન, જે લીગમાં રસ નહોતો લેતો તે પણ એને ટેકો આપતો થઈ જશે. પણ લીગની પાછળ જમીનદારો અને રૂઢિવાદીઓ હતા એટલે ધરમૂળથી ફેરફાર થાય એવા આર્થિક કાર્યક્રમને તો લીગમાં સ્થાન પણ મળી શકે તેમ નહોતું. જિન્ના જેવા ચકોર અને ધર્મનિરપેક્ષ માણસને એ પણ સમજતાં વાર ન લાગી કે ઇસ્લામના કાનૂનનું અર્થઘટન ઉલેમાઓના હાથમાં હોય તો પોતે શું કરે? એમના જૂના મિત્ર મહેમૂદાબાદના રાજાનું કહેવું હતું કે જિન્ના આવા પરંપરાગત ઉપાયોને સંપૂર્ણપણે નકારતા હતા.

કોંગ્રેસ પર પ્રહારો

મુસલમાનોએ પોતાના નેતૃત્વ હેઠળ શા માટે સંગઠિત થવું જોઈએ તેની દલીલો જિન્નાએ વિચારી કાઢી. એ અરસામાં કોંગ્રેસે મુસલમાનો સાથે સંપર્ક વધારવાનું અભિયાન શરૂ કર્યું હતું. પ્રાંતોના મુસ્લિમ નેતાઓને સમાવવાના એના પ્રયાસ હતા. જિન્નાએ યુક્ત પ્રાંતની રાજકીય સ્થિતિનો દાખલો આપીને કોંગ્રેસ પર પ્રહાર કર્યા કે યુ. પી.માં કોંગ્રેસના પ્રધાનો છડેચોક પોતાના માણસોની તરફેણ કરે છે અને કોઈ મુસલમાન કોંગ્રેસનો ભરોસો ન કરી શકે. હિન્દુ મહાસભાની જોર પકડતી પ્રવૃત્તિ, કોંગ્રેસનો તિરંગો ફરકાવવાનો નિર્ણય, વંદે માતરમનું ગાન, વિદ્યા મંદિર યોજનાઓ અને ગાંધીજીની શિક્ષણ માટેની વર્ધા યોજના (નઈ તાલીમ) વગેરે બધું જ જિન્નાએ “કોંગ્રેસના અત્યાચાર” તરીકે રજૂ કર્યું. એમણે લીગ અને કોંગ્રેસ સમકક્ષ હોવાનો દાવો કર્યો અને કોંગ્રેસની કારોબારી સમિતિને આપખુદશાહી લાદવા માગતી ટોળકી તરીકે ઓળખાવી.

બીજી બાજુ કોંગ્રેસને લાગ્યું કે લીગની ટકી રહેવાની શક્તિનો એનો અંદાજ કાચો રહી ગયો. એણે મુસ્લિમોનો સંપર્ક કરવાનું બંધ કરીને જિન્ના સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસ વતી વાતચીત કરવાની જવાબદારી સુભાષ ચંદ્ર બોઝને સોંપાઈ. કોંગ્રેસનો ખ્યાલ હતો કે જિન્ના અને કોંગ્રેસ વચ્ચે સમાધાન થાય તેમાં સુભાષબાબુને અંગત રસ પણ હોઈ શકે, કારણ કે આ સમાધાન બંગાળ માટે પણ અનુકૂળ નીવડે તેમ હતું. પરંતુ જિન્ના આ તબક્કે વાત કરવા તૈયાર નહોતા. એમની શરત હતી કે કોંગ્રેસ એમને મુસ્લિમોના એકમાત્ર અધિકૃત પ્રવક્તા તરીકે સ્વીકારે. સામે પક્ષે એમણે કોંગ્રેસને હિન્દુઓનું એકમાત્ર સંગઠન માનવાની તૈયારી બતાવી, કોંગ્રેસ આ માનવા તૈયાર નહોતી.

અંગ્રેજો સાથે

હવે જે રાષ્ટ્રવાદી પોતાની આખી જિંદગી દરમિયાન અંગ્રેજો સામે લડ્યો તે હવે અંગ્રેજો તરફ જ વળ્યો. જિન્નાએ ઑગસ્ટ ૧૯૩૮માં એ વખતના કાર્યપાલક વાઇસરૉય લૉર્ડ બ્રેબૉર્નની મુલાકાત માગી. લૉર્ડ બ્રેબૉર્નના જણાવ્યા પ્રમાણે જિન્નાનો કહેવાનો અર્થ એ હતો કે બ્રિટિશરો “સેંટર પોતાના હસ્તક” જ રાખે, બ્રિટિશરોએ “મુસલમાનોને મિત્ર માનવા જોઈએ અને કોંગ્રેસના શાસન હેઠળના પ્રાંતોમાં મુસલમાનોનાં હિતોનું રક્ષણ કરવું જોઈએ” બદલામાં, “મુસ્લિમો સેંટરમાં બ્રિટિશ હિતોનું રક્ષણ” કરે. જિન્નાએ પોતે જ કહ્યું તેમ તેઓ લીગના ભલા માટે જરૂરી લાગે તો “શેતાન સાથે પણ હાથ મિલાવવા તૈયાર” હતા. એ વર્ષના ડિસેમ્બરમાં લીગની વાર્ષિક બેઠકમાં જિન્નાએ કહ્યું કે “સામ્રાજ્યવાદ માટે આપણને પ્રેમ છે એવું નથી, પણ પોલિટિક્સમાં આપણે ચેસબોર્ડની જેમ ચાલ ચાલવી જોઈએ.”

બીજી બાજુ, વાઇસરીગલ લૉજને જિન્નાની વાતમાં બહુ રસ ન પડ્યો. કારણ કે બ્રિટિશ હાકેમોને ફેડરેશનની યોજનાને સફળ બનાવવામાં રસ હતો, જેના જિન્ના આકરા ટીકાકાર હતા. એ જ વ્યક્તિની વાતને ગંભીરતાથી કેમ લેવાય? – અને તે પણ એવી વ્યક્તિ જે દુશ્મન તરીકે ક્ષુલ્લક હોય અને મિત્ર તરીકે હળવા વજનની.

પરંતુ વિશ્વયુદ્ધનાં નગારાં સંભળાવા લાગ્યાં હતા. અને ખરેખર યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે બ્રિટિશ સત્તાનાં કોંગ્રેસ અને લીગ સાથેનાં સમીકરણ બદલાઈ ગયાં.

આગળની રસપ્રદ ઘટનાઓ માટે ૧૫મી તારીખે મળશું.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય :

નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

The Sole Spokesman: Jinnah, the Islam and the Demand for Pakistan–Ayesha Jalal(3)

The Sole Spokesman_Jinnah, the Islam and the Demand for Pakistan 3 ebookAyesha Jalal 3

The Sole Spokesman: Jinnah, the Muslim League and the Demand for Pakistan
Author: Ayesha Jalal ǁ Publishers: Cambridge University Press
May 2012, Adobe eBook Reader ǁ ISBN: 9781139239615

૧૯૩૫ અને ૧૯૪૭ વચ્ચેના જિન્નાનું રાજકારણ

ગવર્નમેન્ટ ઑફ ઇંડિયા ઍક્ટ

૧૯૩૫માં બ્રિટનની સંસદે મૅકડૉનલ્ડના કોમી ઍવૉર્ડને મંજૂરી આપી અને ગવર્નમેન્ટ ઑફ ઇંડિયા ઍક્ટ પણ બનાવ્યો. આથી લગભગ સાડાત્રણ કરોડ નાગરિકોને મતાધિકાર મળ્યો અને પ્રાંતિક સરકારોને વધારે સત્તાઓ મળી. જો કે કેન્દ્રમાં હજી અંગ્રેજોની પકડ પહેલાં જેવી જ રહી. વળી, વહીવટી પાંખ, એટલે કે સરકાર, ધારાસભા પ્રત્યે જવાબદાર નહોતી.

ભારતના રાષ્ટ્રવાદી નેતાઓની ડોમિનિયન સ્ટેટસની માગણીનો ઍક્ટમાં ઉલ્લેખ સુદ્ધાં નહોતો. પ્રાંતિક સ્વાયત્તતા તો ચૂંટણી પછી તરત મળવાની હતી પણ અર્ધાં રાજ્યો જોડાવા સંમત થાય તે પછી જ ફેડરેશન બનવાનું હતું. બીજી બાજુ ફેડરલ સરકારમાં મહત્ત્વનાં ખાતાં ઍસેમ્બ્લીના કાર્યક્ષેત્રમાંથી બહાર, સીધાં જ વાઇસરૉય હસ્તક રાખવામાં આવ્યાં હતાં. વાઇસરૉયને સત્તા હતી કે યુદ્ધ જેવી તાકીદની સ્થિતિમાં, એ રાજ્યો માટે પણ કાયદા બનાવવાનો સેંટ્રલ ઍસેમ્બ્લીને આદેશ આપી શકે. પાર્લામેન્ટમાં બે ગૃહોની વ્યવસ્થા હતીઃ ફેડરલ કાઉંસિલ અને ફેડરલ ઍસેમ્બ્લી. (આજે રાજ્યસભા અને લોકસભા છે તેમ). કાઉંસિલમાં બ્રિટિશ ઇંડિયા અને દેશી રાજ્યોના ૧૫૬ અને ૧૦૪ રાજ્યોના પ્રતિનિધિ હતા, બીજી બાજુ, ઍસેમ્બ્લીમાં ૨૫૦ સભ્ય હતા. દેખીતું છે કે, ગવર્નમેન્ટ ઑફ ઇંડિયા ઍક્ટ દ્વારા લોકોના પ્રતિનિધિઓને બદલે વાઇસરૉયના જ હાથ મજબૂત બનતા હતા. બ્રિટિશ ઇંડિયાની ૧૫૬ સીટોમાંથી જુદીજુદી કોમો માટે અનામત બેઠકો હતી; મુસલમાનોની ૪૯ બેઠકો હતી. ઍસેમ્બ્લીમાં એમને ૮૨ સીટો મળી હતી.

મુસ્લિમો માટે એવી સ્થિતિ હતી કે તેઓ સૌ એક જ રીતે મતદાન કરે તો જ એમનો પ્રભાવ રહે. એ જ કારણથી, જિન્ના અને મુસ્લિમ લીગે કહ્યું કે મુસલમાનો કોઈ પણ રીતે ચુંટાયા હોય, એમણે એક જ નેતાના વ્હિપ હેઠળ એક જ રીતે મતદાન કરવું.

૧૯૩૪ અને ૧૯૩૭ વચ્ચે તો જિન્નાનું ધ્યાન કેન્દ્ર પર જ રહ્યું. કોંગ્રેસ પણ કેન્દ્રમાં જ સત્તા મળવી જોઈએ એમ માનતી હતી. ૧૯૩૫ના કાયદાથી કેન્દ્રમાં બ્રિટિશ સત્તા વધારે મજબૂત થતી હતી. ૧૯૩૭માં ચૂંટણીનાં પરિણામ ન આવ્યાં ત્યાં સુધી કોંગ્રેસની સ્થિતિ શી રહેશે તે કોઈ કહી શકતું નહોતું; એ પોતાના હરીફોને ચગદી નાખશે કે પોતાની અંદર સમાવી લેશે? લીગ પણ મુસ્લિમ લઘુમતીવાળા વિસ્તારોમાં મુસ્લિમોને પોતાની સાથે રાખી શકશે કે કેમ તેય સવાલ હતો. બીજું, મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતોમાં પણ લીગે સ્થાનિક મુસ્લિમ નેતાઓના ગઢમાં છીંડું પાડવાનું હતું. આવું થાય તો દેશના મુસલમાનોના એકમાત્ર સ્પોક્સમૅન હોવાનો જિન્નાનો દાવો પણ મજબૂત બને.

પરંતુ જિન્નાનો વ્યૂહ કેટલીયે ધારણાઓ પર રચાયેલો હતો. એમની ધારણા હતી કે પ્રાંતોમાં બેઠેલા નેતાઓ ધ્વસ્ત નહીં થાય અને કોંગ્રેસને સ્થાનિકના હિન્દુ નેતાઓ પર નિયંત્રણ રાખવા માટે લીગની મદદની જરૂર પડશે. બીજું, અખિલ ભારતીય રાજકારણનાં દબાણ એવાં હશે કે મુસ્લિમ પ્રાંતોમાં શાસન ચલાવનારા પર એની અસર પડ્યા વિના નહીં રહે. પરંતુ જિન્ના ૧૯૩૭ પહેલાંનું પ્રાંતોનું રાજકારણ સમજી શક્યા નહોતા, અને, ખરેખર તો એવું છે, કે કદી પણ સમજી શક્યા કે કેમ તે પણ શંકાનો વિષય છે.

અલગ મતદાર મંડળોની વ્યવસ્થા મુસ્લિમ રાજકારણ માટે બૂમરેંગ જેવી સાબિત થઈ હતી. આ વ્યવસ્થાને કારણે મુસ્લિમ નેતાઓને ખરા અર્થમાં પક્ષો બનાવવાની જરૂર ન રહી. એમને કોઈ પાર્ટીમાં જોડાવાની પણ જરૂર નહોતી. એ પોતાના કિલ્લામાં સલામત હતા. લઘુમતી પ્રાંતોમાં પણ એ જ સ્થિતિ હતી. આ પ્રાંતોમાં તો લીગની શરૂઆત પણ હમણાં જ થઈ હતી એટલે સ્થાનિક મુસલામાન નેતાઓને એ કશું આપી શકે એમ પણ નહોતી. બીજી બાજુ, લઘુમતી હિન્દુઓને કોઈ વ્યવસ્થિત પાર્ટીમાં – ખાસ કરીને કોંગ્રેસમાં – જોડાવાનું જરૂરી લાગ્યું. મુસલમાનોને તો આવી કોઈ ચિંતા નહોતી,

ઍપ્રિલ ૧૯૩૬માં મુંબઈમાં લીગનું સંમેલન મળ્યું તેમાં જિન્નાએ પંજાબના નેતા ફઝલ-એ-હુસૈનને પ્રમુખ બનવા આમંત્રણ આપ્યું પણ હુસૈન આ દાણા ચણવા તૈયાર ન થયા. આના પછી મુંબઈ સંમેલનમાં એકઠી થયેલી ભીડ પર છાપ પાડવા માટે જિન્ના એકલા જ હતા. સંમેલનમાં એમણે ફેડરેશનની યોજનાની સખત ટીકા કરી. ફઝલ-એ-હુસૈન આ વાત કેમ સ્વીકારી શકે? એ ઓછું હોય તેમ, જિન્નાના સેંટ્રલ પાર્લામેન્ટરી બોર્ડે આખા દેશમાં મુસલમાન ઉમેદવારો મૂકવાનો નિર્ણય લીધો અને જાહેર કર્યું કે મુસલમાને માત્ર કોમી ટિકિટ પર જ ચૂંટણી લડવી. ફઝલ-એ-હુસૈનની યૂનિયનિસ્ટ પાર્ટીને આ ખુલ્લો પડકાર હતો. એ જ રીતે બંગાળમાં પણ બધી કોમોની બનેલી પાર્ટી હતી. એ પણ લીગને ટેકો આપે તેમ નહોતી.

પંજાબમાં જિન્નાનો સખત વિરોધ થયો. એમને ખબર હતી કે પંજાબના મુસલમાનોમાં તડાં હતાં. એમણે એનો લાભ લેવા માટે મુસલમાન ઉમેદવારોને લીગનું રક્ષા છત્ર પૂરું પાડવાની પણ જાહેરાત કરી અને લીગની ટિકિટ પર જીતનારને ધારાસભામાં બિનમુસ્લિમ સભ્યો સાથે જોડાણ કરવાનીયે છૂટ આપી. આમ છતાં યૂનિયનિસ્ટ પાર્ટીમાંથી કોઈએ બહાર આવીને લીગની ટિકિટ લેવાની તૈયારી ન દેખાડી.

પંજાબમાં જિન્નાને ટેકો આપનારા ગણ્યાગાંઠ્યા શહેરીઓ જ હતા. ફઝલ-એ-હુસૈન અને સિકંદર હયાત ખાને જિન્નાને પંજાબની બાબતોમાં માથું ન મારવાની ચેતવણી આપી અને કહ્યું કે એમનો ખેલ તદ્દન નિષ્ફળ રહેશે. હુસૈન સમજી ગયા હતા કે જિન્ના એટલું જ ઇચ્છે છે કે લીગની ટોપી પહેરી લો, તે પછી જેમ કરો છો તેમ જ કરતા રહો. “હું હવે કદી પંજાબ નહીં આવું, સાવ નકામો પ્રદેશ છે” એમ કહીને જિન્નાએ પંજાબ છોડ્યું.

ચૂંટણીનાં પરિણામો આવ્યાં તે જિન્નાની ધારણા મુજબનાં નહોતાં. યૂનિયનિસ્ટ પાર્ટી ૭૫માંથી ૭૧ સીટ જીતી ગઈ. લીગને માત્ર એક સીટ મળી. સિકંદર હયાત ખાને સરકાર બનાવી તેમાં ત્રણ મુસ્લિમ, બે હિન્દુઓ (સર છોટુ રામ – ગ્રામીણ હિતો માટે અને મનોહરલાલ – શહેરી હિતો માટે) અને એક શીખને લીધા. આમ, કંઈ નહીં તો, પંજાબમાં, બધી કોમોની સરકાર બનતાં ૧૯૩૫ના કાયદાનું લક્ષ્ય ફળીભૂત થયું હતું.

બંગાળમાં જિન્નાની સ્થિતિ પંજાબ કરતાં વધારે સારી હતી. ત્યાં પશ્ચિમ અને પૂર્વના મુસલમાનોમાં જ કોમી ઍવૉર્ડને કારણે ભારે મતભેદ હતા. પૂર્વ બંગાળમાં મુસ્લિમોની બહુમતી હતી એટલે મતદાર મંડળ સંયુક્ત હોવા છતાં મુસલમાનોને કંઈ ફરક નહોતો પડતો, પણ પશ્ચિમ બંગાળના લઘુમતી મુસલમાનો માટે કોમી અનામત સીટો બહુ મહત્ત્વની હતી. બંગાળના બન્ને ભાગમાં હિન્દુઓની સ્થિતિ આનાથી તદ્દન વિપરીત હતી. પશ્ચિમ બંગાળમાં એમની બહુમતી હતી, પણ પૂર્વ બંગાળમાં એ લઘુમતીમાં હતા.

આ સ્થિતિનો લાભ લઈને બંગાળના નેતા ફઝલુલ હકે બંગાળની ‘નિખિલ બંગ પ્રજા પાર્ટી’નો કબજો લેવાનું નક્કી કર્યું. આથી બીજા મુસ્લિમ નેતાઓ નારાજ થઈ ગયા અને એમણે ‘યુનાઇટેડ મુસ્લિમ પાર્ટી’ બનાવી, જો કે આ નવી પાર્ટી બન્ને પાંખના મુસ્લિમોને કેમ સંતોષ આપી શકશે તેની કોઈ સ્પષ્ટતા નહોતી. ફઝલુલ હકે પણ પોતાની પાસે બચેલી પાર્ટીમાંથી નવી પાર્ટી ‘કૃષક પ્રજા પાર્ટી’ બનાવી. યુનાઇટેડ પાર્ટી જમીનદારોની હતી એટલે ફઝલુલ હકે જમીનદારી નાબૂદીને કૃષક પ્રજા પાર્ટીનો ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનાવ્યો.

આ દરમિયાન કલકત્તાના બે અગ્રણી વેપારીઓ લીગના લાહોર અધિવેશનમાં ભાગ લેવા ગયા. ત્યાં જિન્નાએ એમને બંગાળમાં લીગ બનાવવાનું કામ સોંપ્યું. જિન્ના પોતે પણ કલકત્તા ગયા. એમણે અહીં પણ પંજાબ જેમ જ મુસલમાનો કોમી ટિકિટ પર જ ચૂંટણી લડે એવી હિમાયત કરી. આના માટે યુનાઇટેડ મુસ્લિમ અને કૃષક પ્રજા, બન્ને પાર્ટીઓને એ લીગની નીચે મૂકવા માગતા હતા પણ ફઝલુલ હકે માગણી મૂકી કે લીગના પાર્લામેન્ટરી બોર્ડમાં કૃષક પ્રજા પાર્ટીના માણસો હોવા જોઈએ અને એમનો એજન્ડા પણ લીગે સ્વીકારવો જોઈએ. જિન્ના એના માટે તૈયાર નહોતા, પરિણામે એમને મુસલમાન જમીનદારોની યુનાઇટેડ મુસ્લિમ પાર્ટી સાથે રહેવું પડ્યું.

બીજી બાજુ, બંગાળના હિન્દુઓ મુસ્લિમ બહુમતીની શક્યતાથી સજાગ થઈ ગયા અને એમણે કોઈ મોટી પાર્ટી સાથે જોડાવાની કોશિશો કરી અને કોંગ્રેસે એમને આવકાર્યા. ફઝલુલ હકે પણ કોંગ્રેસ સાથે વણકહી સમજૂતી કરી એટલે બન્ને પક્ષોએ એકબીજાના મતો પર તરાપ ન મારવાનું નક્કી કર્યું. જિન્ના અકળાઈને કહેતા રહ્યા કે કૃષક પ્રજા પાર્ટી કોંગ્રેસના કહેવાથી અહીંતહીં ભાગતા કૂતરા જેવી છે.

પરંતુ ચૂંટણીનાં પરિણામોએ દેખાડ્યું કે બંગાળમાં મુસલમાનો કેટલી હદે વહેંચાયેલા હતા. બધા મુસલમાન ઉમેદવારોમાંથી બે-તૃતીયાંશ તો અપક્ષ હતા અને ૪૧ સીટો જીતી ગયા. મુસ્લિમ લીગે – ખરેખર તો યુનાઇટેડ મુસ્લિમ પાર્ટીએ – ૮૨ સીટો પર પોતાના ઉમેદવાર મૂક્યા હતા તેમાંથી ૩૯ પર જીત મેળવી, કૃષક પ્રજા પાર્ટીના ૭૫ ઉમેદવારમાંથી ૩૬ જીત્યા. કોંગ્રેસ ૫૪ સીટો સાથે સૌથી મોટા પક્ષ તરીકે મોખરે રહી.

પરિણામોનો અર્થ એ હતો કે ફઝલુલ હક ‘કિંગમેકર’ હતા. પરંતુ કોંગ્રેસ સરકાર રચવામાં ઢીલી રહી. હક સાથેની એની મંત્રણાઓ પડી ભાંગી અને હકે તરત મુસ્લિમ લીગ સાથે હાથ મિલાવ્યા. પણ એમને એની ભારે કિંમત ચુકવવી પડી. હકના બે જ મુસલમાન કૅબિનેટમાં આવ્યા, લીગના ચાર. કોંગ્રેસ સાથે ન જોડાયેલા ત્રણ હિન્દુઓને પણ કૅબિનેટમાં સ્થાન મળ્યું.

સિંધ પ્રાંતમાં ૭૨ ટકા વસ્તી મુસલમાનોની હોવા છતાં લીગને ચૂંટણી લડવા માટે એક પણ સાથી ન મળ્યો. વાયવ્ય સરહદ પ્રાંતમાં ખાન અબ્દુલ ગફ્ફારખાનના ખુદાઈ ખિદમતગારની સ્થિતિ એવી મજબૂત હતી કે લીગે ત્યાં બીજા મુસ્લિમ નેતાઓને એકઠા કરીને મોરચો માંડવાની હિંમત જ ન કરી અને ખાન અબ્દુલ ગફ્ફાર ખાનના મોટાભાઈ ડૉ. ખાન સાહેબના નેતૃત્વ હેઠળ ખુદાઈ ખિદમતગાર અને કોંગ્રેસે સંયુક્ત સરકાર બનાવી.

મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતોમાં આવો રકાસ થયા પછી લઘુમતી મુસ્લિમ પ્રાંતો પર જિન્નાની બધી આશા બંધાયેલી હતી. તેમાંયે યુક્ત પ્રાંત ખાસ હતો. અહીં હિન્દુ અને મુસ્લિમ જમીનદારોને કોંગ્રેસની સમાજવાદી પાંખની જમીનદારી નાબૂદીની નીતિનો ખતરો હતો એટલે એ કોમી સંગઠનોને આશરે ગયા. એમાંથી છત્તારીના નવાબ અને મહેમૂદાબાદના રાજા લીગ સાથે રહ્યા. જિન્નાની ધારણા એવી હતી કે કોંગ્રેસને સરકાર બનાવવામાં લીગની મદદની જરૂર પડશે, પણ કોંગ્રેસ ૧૪૦ સામાન્ય સીટોમાંથી ૧૩૬ જીતી ગઈ અને લીગને મુસ્લિમો માટેની અને બીજી, એમ કુલ માત્ર ૨૭ બેઠકો મળી. આમ કોંગ્રેસને કોઈ બીજા પક્ષની જરૂર ન રહેતાં એની સાથે જોડાઈને મુસ્લિમ લઘુમતી પ્રાંતોમાં મુસલમાનોના એકમાત્ર પ્રવક્તા બનવાની જિન્નાની આશા પર પાણી ફરી વળ્યું.

પ્રાંતોને સ્વાયત્ત શાસન આપીને રાષ્ટ્રવાદીઓને ખાળવાનો બ્રિટિશ વ્યૂહ પણ આ સાથે પડી ભાંગ્યો. જિન્નાની બધી ધારણાઓ ખોટી પડી હતી. એમને એમ હતું કે પ્રાંતોમાં વ્યૂહાત્મક જોડાણો દ્વારા રાષ્ટ્રીય સ્તરે સત્તા માટે દાવો કરી શકાશે, પણ ખરેખર એ સ્થિતિમાં કોંગ્રેસ હતી. ૧૯૩૦ના અસહકાર આંદોલનનો પ્રભાવ લોકો પર હતો અને એ સદ્ભાવનાનો કોંગ્રેસને લાભ મળ્યો. હવે કોંગ્રેસ એ દેખાડી શકી કે રાષ્ટ્રીય સ્તરે એને લીગની મદદની કોઈ જરૂર નહોતી.

કોઈ પણ માણસ હિંમત હારી જાય એવી સ્થિતિ હતી અને કોંગ્રેસે પણ જિન્નાને એ દેખાડવા માટે એમને કોંગ્રેસમાં પાછા ફરવા આમંત્રણ આપ્યું! પણ મુસલમાનોના Sole Spokesman બનવાની જિન્નાની ઇચ્છા હજી મરી પરવારી નહોતી.

મુસલમાનોના એકમાત્ર પ્રવક્તા બનવાની જિન્નાની આ યાત્રામાં હવે ૧૦મી તારીખે આગળ વધશું.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય :

નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

The Sole Spokesman: Jinnah, the Islam and the Demand for Pakistan–Ayesha Jalal (2)

The Sole Spokesman_Jinnah, the Islam and the Demand for Pakistan 2
Ayesha Jalal 2

The Sole Spokesman: Jinnah, the Muslim League and the Demand for Pakistan
Author: Ayesha Jalal ǁ Publishers: Cambridge University Press
May 1994, Paperback, 336 pages ǁ ISBN: 9780521458504

   બે વિશ્વયુદ્ધો વચ્ચેના સમયમાં જિન્નાનો રાજકીય અભિગમ

મહંમદ અલી જિન્નાએ પોતાની રાજકીય કારકિર્દી નરમપંથી રાષ્ટ્રવાદી પરંપરામાં દૃઢ વિશ્વાસ સાથે શરૂ કરી. હિન્દવાસીઓને કેન્દ્રીય સત્તામાં ભાગીદારી મળવી જોઈએ તેના એ જોરદાર હિમાયતી હતા. જિન્ના કોંગ્રેસમાં જોડાયા અને એનાં વાર્ષિક સંમેલનોમાં પણ ભાગ લેતા રહ્યા. ૧૯૦૯માં મૉર્લે-મિન્ટો સુધારા હેઠળ મુસલમાનો માટે અલગ મતદાર મંડળો બનાવવામાં આવ્યાં, પરંતુ જિન્નાને એમાં જરા પણ રસ નહોતો. મુસ્લિમ લીગની સ્થાપના ૧૯૦૬માં થઈ હતી પણ જિન્ના છેક ૧૯૧૩માં લીગના સભ્ય બન્યા. ૧૯૧૬માં તેઓ સુધારાની એકસમાન યોજના માટે સંમત થવા માટે લીગ અને કોંગ્રેસને સમજાવવામાં સફળ થયા. તે પછી લખનઉમાં લીગનું સંમેલન મળ્યું તેમાં જિન્ના પ્રમુખપદે હતા. એમણે ચોખ્ખા શબ્દોમાં પોતાને “ચુસ્ત કોંગ્રેસી” ગણાવ્યા અને સ્પષ્ટતા કરી કે એમને કોઈ “એકાદ વર્ગની બૂમરાણમાં રસ નથી”. જિન્નાએ કહ્યું કે મુસલમાનોમાં “અળગા રહેવાની લાગણી” વધારે હોવાનું કહેવાય છે પણ એ “વિચિત્ર અને તદ્દન અસ્થાને” છે. જિન્નાએ ઉમેર્યું કે “આ મહાન કોમી સંગઠન (લીગ), સંગઠિત ભારતના જન્મ માટેના શક્તિશાળી પરિબળ તરીકે ઝડપભેર વિકસવા લાગ્યું છે.”

કોંગ્રેસમાંથી વિદાય

પરંતુ ૧૯૧૭ અને ૧૯૨૦ વચ્ચે ભારતના રાજકીય તખ્તા પર થયેલા ફેરફારો જિન્નાની પ્રકૃતિને અનુકૂળ નહોતા. મોંટેગ્યૂ-ચેમ્સફૉર્ડ સુધારામાં પ્રાંતોને મહત્ત્વ આપવામાં આવ્યું હતું અને બીજી બાજુ, ગાંધીજીએ ખિલાફતના હિમાયતી મુસલમાનોની મદદથી કોંગ્રેસ પર પોતાનું વર્ચસ્વ સ્થાપી દીધું હતું. ખિલાફત આંદોલનને કારણે મુસ્લિમ ઉલેમાઓએ ગાંધીજીના અહિંસક અસહકાર આંદોલનને ટેકો આપ્યો. જિન્નાને ધર્મ અને રાજકીય પ્રવૃત્તિનું જોડાણ પસંદ નહોતું. એમણે ગાંધીજીની ટીકા કરી કે એમણે માત્ર હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે નહીં, પણ હિન્દુઓ અને હિન્દુઓ, તેમ મુસલમાનો અને મુસલમાનો વચ્ચે, પિતા અને પુત્ર વચ્ચે પણ, અને જ્યાં જ્યાં ગાંધીજીને કશી લેવાદેવા હોય તેવી સંસ્થાઓમાં પણ તડાં પાડ્યાં છે.”

૧૯૨૦માં નાગપુર અધિવેશનમાં કોંગ્રેસે ગાંધીજીના અસહકારના કાર્યક્રમને મંજૂરી આપી ત્યારે એકલા જિન્નાએ એનો વિરોધ કર્યો અને કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપી દીધું. આમ જિન્ના અને ગાંધીજીના નેતૃત્વ હેઠળની કોંગ્રેસના રસ્તા જુદા પડ્યા. જો કે જિન્નાને પોતાને એમ લાગતું હતું કે રસ્તા માત્ર થોડા વખત માટે જુદા પડ્યા છે. ગાંધીજીની રીતો સામેના એમના વાંધામાંથી, ગાંધીજી સાથે જોડાયેલા મુસલમાનોના ધાર્મિક ઉદ્દામવાદ પ્રત્યેની એમની નારાજી પણ દેખાઈ. આ ઉદ્દામવાદીઓને કારણે નરમપંથી રાષ્ટ્રવાદીઓ બાજુએ હડસેલાઈ ગયા હતા.

(લેખિકા આયેશા જલાલ કહે છે કે) આ ઘટનાઓમાંથી જિન્નાની રાજકીય પ્રાથમિકતાઓ દેખાય છે, જે એમની સમગ્ર રાજકીય કારકિર્દીમાં પણ ટકી રહી. એ રાષ્ટ્રવાદી હતા અને બંધારણીય રસ્તા પસંદ કરતા હતા. સિદ્ધાંતની બાબતમાં એ બાંધછોડ કરવા કદી તૈયાર નહોતા. એક વ્યવહાર ચતુર રાજકારણી તરીકે બ્રિટિશ સત્તાધીશો કેટલું આપી શકશે તેનો કયાસ કાઢીને એ તબક્કે જેટલું સિદ્ધ થઈ શકે તેટલું કરવા એ તૈયાર હતા. આમ એમણે કોમી પ્રતિનિધિત્વનો સ્વીકાર કર્યો તે પણ બાંધછોડ તરીકે જ, કારણ કે, એમના મતે મુસલમાન રાજકારણીઓ હજી એ છોડવા તૈયાર નહોતા.

મોંટેગ્યૂચેમ્સફૉર્ડ સુધારા

“હિન્દુ-મુસ્લિમ એકતા”ના દૂત, જિન્નાને મહાત્મા ગાંધી અને ખિલાફતવાદી મુસલમાનો વચ્ચેનું જોડાણ પસંદ ન આવ્યું. એમનું માનવું હતું કે આ દેશમાં વિચિત્રમાં વિચિત્ર સંયોજનો થઈ શકે છે, તેમાં પણ આ સંયોજન ખાસ નોંધપાત્ર હતું કારણ કે એ તે વખતે સ્થાપિત રાજકીય માળખા અને મધ્યમ અને રાષ્ટ્રવાદી માર્ગે વ્યવસ્થિત રીતે પ્રગતિ થતી હતી તેને ખોરવી નાખવાની એમાં ક્ષમતા હતી. ખિલાફત આંદોલન પછીનાં ત્રણ વર્ષમાં કોમી તંગદિલી વધી તે જિન્નાના અવલોકનને વાજબી ઠરાવે છે. ૧૯૧૯ પછી ખિલાફત આંદોલને લીગ પર પણ પકડ જમાવી લીધી. હિન્દુ-મુસ્લિમ એકતાની વાતો થતી રહી પણ કોંગ્રેસ અને લીગ વચ્ચેની સમજૂતી તૂટી પડી.

૧૯૨૦ના દાયકામાં જિન્ના મોટા ભાગે રાજકીય દૃષ્ટિએ એકલા અટૂલા પડી ગયા હતા. ૧૯૧૯ના સુધારા દ્વારા કેન્દ્રમાં તો જવાબદાર સરકાર મળવાની નહોતી. એનો હેતુ ભારતીય રાજકારણનું ધ્યાન કેન્દ્ર પરથી પ્રાંતો તરફ વાળવાનો હતો. આ દ્વિમુખી રાજ્યપદ્ધતિ હતી. પ્રાંતિક સરકારોને સ્વ-શાસન મળતું હતું પણ એમની હસ્તકના વિષયો હળવા હતા. વળી જે ‘રાજ’ના તરફદાર હતા એમને લાભ મળે એવી એમાં વ્યવસ્થા હતી, જ્યારે ટીકાકારો ની વાત કાને પણ ધરવામાં નહોતી આવી.

મોંટેગ્યૂ-ચેમ્સફૉર્ડ સુધારા એ પ્રકારના હતા કે અલગ મતદાર મંડળો મારફતે મુસલમાનોને કશો લાભ ન થાય. મુસ્લિમ પાર્ટીઓ પણ ગૌણ બની ગઈ. માત્ર મુસ્લિમો બીજા સાથે જોડાણ કરીને જ પ્રાંતિક સરકારોમાં આવી શકે. પરંતુ પ્રાંતિક નેતાઓને આ સુધારા લાગુ કરવામાં રસ હતો એટલે જે નેતાઓ કેન્દ્રમાં સત્તાનું હસ્તાંતરણ થાય એમ ઇચ્છતા હતા એમની સાથે રહેવામાં પ્રાંતિક નેતાઓનાં હિતો સચવાતાં નહોતાં. આમ, મજબૂત કેન્દ્રના સમર્થક નેતાઓના અખિલ ભારતીય પ્રભાવને નબળો પાડવામાં બ્રિટિશ સરકારને મહદ્‍ અંશે સફળતા મળી હતી.

મુસ્લિમ લીગ મરણાસન્ન હતી. મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતોના મુસ્લિમ નેતાઓએ મુસ્લિમ લીગને જાકારો આપ્યો હતો અને કોંગ્રેસ પણ છેક નીચે સુધી વેતરાઈ ગઈ હતી; એના ખિલાફતવાદી સમર્થકો પણ વેરવીખેર થઈ ગયા હતા.

જિન્નાના ૧૪ મુદ્દા

૧૯૨૭માં સાઇમન કમિશન સાથે નવા બંધારણીય સુધારાની તક ઊભી થઈ. આ સુધારા કેવા હોવા જોઈએ તેમાં અસરકારક દરમિયાનગીરી કરવા માટે પ્રાંતિક નેતાઓએ હવે અખિલ ભારતીય ફલક પર આવવું પડે એમ હતું.

જિન્ના પણ ફરીથી કેન્દ્રમાં દેશવાસીઓના પ્રતિનિધિઓને સત્તામાં ભાગીદારી મળે તે માટે લીગ અને કોંગ્રેસને નજીક લાવવાનો પ્રયાસ કરવા તૈયાર થઈ ગયા. પરંતુ એમની સામે બે અવરોધ હતા. કોંગ્રેસનાં બે જૂથોને મનાવવાં અને મુસ્લિમ પ્રાંતોને પણ સામેલ કરવા. કોંગ્રેસ મજબૂત કેન્દ્રની તરફેણમાં હતી પણ મુસ્લિમ પ્રાંતોના નેતા ઇચ્છતા હતા કે પ્રાંતોના હાથમાં સત્તા રહે અને ઢીલું સમવાય માળખું ઊભું કરવું જોઈએ. મજબૂત કેન્દ્રની બાબતમાં કોંગ્રેસ અને જિન્ના વચ્ચે સમાનતા હતી.

૧૯૨૮ના ડિસેમ્બરમાં ઑલ ઇંડિયા મુસ્લિમ કૉન્ફરન્સ મળી, એમાં પંજાબી મુસ્લિમ નેતાઓનો દબદબો હતો. જિન્નાએ ૧૪-મુદ્દાની દરખાસ્ત રજૂ કરી અને એના પર સાથે મળીને કામ કરવા કોંગ્રેસને આમંત્રણ આપ્યું. પરંતુ કોંગ્રેસે આ દરખાસ્તને નકારી કાઢી. કોંગ્રેસ તરફથી મોતીલાલ નહેરુએ રિપોર્ટ તૈયાર કર્યો (‘નહેરુ રિપોર્ટ’). મોતીલાલ નહેરુએ જિન્નાની દરખાસ્તને ”હાસ્યાસ્પદ” ગણાવતાં કહ્યું કે કોંગ્રેસે નચિંત થઈને “મિ. જિન્નાને અવગણવા” જોઈએ.

(વિશેષઃ લેખિકાએ દેખાડ્યું છે તેમ, જિન્ના મજબૂત કેન્દ્રના હિમાયતી હતા પણ એમની ૧૪ મુદ્દાની દરખાસ્તમાં પ્રાંતોને વધારે સત્તા આપવાની પંજાબી નેતાઓની માંગનો પડઘો ઝિલાયો છે. જિન્નાની દરખાસ્તમાં મહત્ત્વના મુદ્દા પ્રમાણે હતાઃ બધા પ્રાંતોને સ્વાયત્તતા આપવી, અલગ મતદાર મંડળો ચાલુ રાખવાં, બધા પ્રાંતોમાં લઘુમતીઓનું અસરકારક પ્રતિનિધિત્વ હોવું જોઈએ, કેન્દ્રીય ધારાસભામાં ત્રીજા ભાગની સીટો મુસલમાનો માટે હોવી જોઈએ, કેન્દ્રમાં કે પ્રાંતોમાં પ્રધાનમંડળમાં ત્રીજા ભાગના સભ્યો મુસલમાન હોવા જોઈએ, પ્રદેશોની પુનઃ ફાળવણી થાય તો પંજાબ, બંગાળ અને વાયવ્ય સરહદ પ્રાંતમાં મુસ્લિમ બહુમતી પાતળી પડવી જોઈએ, સિંધને મુંબઈ પ્રાંતથી અલગ કરી દેવું, કોઈ પ્રાંતિક ધારાસભા કોઈ એક કોમના પોણા ભાગના પ્રતિનિધિઓ વિરોધ કરે તો કોઈ કાયદો બનાવી શકે, બધી કોમોને ધાર્મિક સ્વતંત્રતા મળે; વગેરે. એની સામે નહેરુ રિપોર્ટમાં મજબૂત કેન્દ્ર્ર સરકાર, અલગ મતદાર મંડળોનો અંત વગેરે માગણી હતી).

૧૯૩૦ના દાયકાની શરૂઆતમાં થયેલી બંધારણીય વાટાઘાટોમાં મુસ્લિમ અવાજની પણ જરૂર હતી; પંજાબની યૂનિયનિસ્ટ પાર્ટીના નેતા ફઝલ-એ-હુસૈને આ કામ કર્યું. યૂનિયનિસ્ટ પાર્ટીમાં માત્ર મુસલમાન નહીં, હિન્દુઓ અને શીખો પણ હતા – બધા જમીનદારો હતા. ફઝલ-એ-હુસૈને જ ઑલ ઇંડિયા મુસ્લિમ કૉન્ફરન્સ બોલાવી હતી. લંડનમાં પહેલી ગોળમેજી પરિષદ મળી તેમાં પણ ફઝલ-એ-હુસૈને મુસલમાનોના સહકાર માટે સ્પષ્ટ શબ્દોમાં શરતો મૂકીઃ પંજાબ અને બંગાળના મુસલમાનોની સ્પષ્ટ બહુમતી, મુંબઈ પ્રાંતમાંથી સિંધને અલગ કરવું, વાયવ્ય સરહદ પ્રાંતને સંપૂર્ણ પ્રાંતનો દરજ્જો આપવો, બધા પ્રાંતોને સ્વાયત્તતા – આટલી શરતો મંજૂર હોય તો જ એ કેન્દ્રમાં જવાબદાર સરકાર માટે સહકાર આપવા તૈયાર હતા.

ગોળમેજી પરિષદો અને ઍસેમ્બ્લીમાં

પહેલી ગોળમેજી પરિષદમાં ફઝલ-એ-હુસૈનના વલણ સામે સૌથી મોટો ભય જિન્નાનો હતો, પણ એ બહુ અસર વગરનો હતો. પહેલી ગોળમેજી પરિષદ તો પડી ભાંગી, પણ ફઝલ-એ-હુસૈનનો મત સૌથી વધારે અસરકારક રહ્યો. આના પછી ગોળમેજી પરિષદે માત્ર એક પેટા સમિતિ બનાવી. જિન્ના એના સભ્ય હતા. સમિતિનું કામ અખિલ ભારતીય ફેડરેશનની રચના અને ભવિષ્યમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધોનું રૂપ નક્કી કરવાનું હતું. જિન્નાએ નબળું ફેડરેશન બનાવવાનો વિરોધ કર્યો. એમને “ખરેખરું ફેડરેશન” જોઈતું હતું, “સત્તાઓ વિનાનું કે નબળું” નહીં, કે જેથી વ્યવહારમાં ખરેખર કોઈ “ફેડરેશન જ ન હોય”. આથી જિન્નાનો વિચાર હતો કે કેન્દ્ર અને સ્વાયત્ત પ્રાંતો વચ્ચેના સંબંધોની ચર્ચા મુલતવી રાખવી જોઈએ.

બંધારણ વિશેની ચર્ચાઓ પર ફઝલ-એ-હુસૈનના અભિપ્રાયનું પ્રભુત્વ રહ્યું પણ તે ઉપરાંત બીજાયે વિચારો રજૂ થતા જ હતા. આમાં સૌથી મહત્ત્વનો વિચાર સર મહંમદ ઇકબાલનો હતો. ૧૯૩૦માં મુસ્લિમ લીગના અધિવેશનમાં પ્રમુખપદેથી બોલતાં એમણે ‘મુસ્લિમ ભારત’નો ખ્યાલ આપ્યો જે પાછળથી ‘પાકિસ્તાન’માં પરિણમ્યો. જો કે એ ભારતની અંદર જ બનાવવાનું હતું. એમણે પંજાબ, સિંધ, વાયવ્ય સરહદ પ્રાંત અને બલુચિસ્તાનના મુસ્લિમ બહુમતી પ્રદેશોને જોડીને ‘રાજ્ય’ બનાવવાનું સૂચવ્યું.

(મુસ્લિમ આગેવાનોએ એમના વિચારને ગણકાર્યો નહીં પણ કૅમ્બ્રિજના વિદ્યાર્થી ચૌધરી રહેમત અલીએ વિચાર પકડી લીધો અને ‘Pakistan’ નામ સૂચવ્યું જેમાં P એટલે પંજાબ A એટલે અફઘાનિસ્તાન, K એટલે કાશ્મીર, S એટલે સિંધ અને Tan એટલે બલુચિસ્તાનએવો એણે ખુલાસો કરીને ગોળમેજી પરિષદમાં ભાગ લેતા મુસ્લિમ પ્રતિનિધિઓ સમક્ષ રજૂઆત કરી, પણ એમાં વસ્તીના મોટા પાયે સ્થળાંતરની વ્યવસ્થા હતી એટલે મુસ્લિમ નેતાઓએ વિચારને હસી કાઢ્યો કે એકવિદ્યાર્થીની યોજનાછે અનેઅવ્યવહારુછે.)

હવે ફઝલ-એ-હુસૈને ઑલ ઇંડિયા મુસ્લિમ કૉન્ફરન્સ પર એનું વલણ સ્પષ્ટ કરવા માટે દબાણ શરૂ કર્યું. ૧૯૩૧ના ઍપ્રિલમાં કૉન્ફરન્સે લચીલું ફેડરેશન બનાવવાની માગણી કરી, જેમાં એમાં જોડાયેલા પ્રાંતોને સંપૂર્ણ સ્વાયત્તતા હોય. કૉન્ફરન્સનું કહેવું હતું કે દેશી રજવાડાંને જે સત્તાઓ મળી છે તે બધી સત્તાઓ આ પ્રાંતોને પણ આપવી જોઈએ. એક સૂચન એ પણ હતું કે ફેડરેશનમાંથી નીકળી જવાનો અધિકાર પણ ઘટકોને આપવો જોઈએ. આમ પંજાબી મુસલમાનો નબળા કેન્દ્રની સામે રાજ્યોના અધિકાર માટે દબાણ કરવા લાગ્યા. આમ છતાં એમની સામે પણ એક પ્રશ્ન તો હતો જઃ કેન્દ્રમાં પ્રાંતોનું પ્રતિનિધિત્વ કોણ કરે?

૧૯૩૧માં સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમિયાન બીજી ગોળમેજી પરિષદ મળી એમાં પણ કંઈ નિરાકરણ ન આવતાં બ્રિટનના એ વખતના વડા પ્રધાન રામસે મૅકડૉનલ્ડ અંતિમ વ્યવસ્થા જાહેર કરે એવો નિર્ણય લેવાયો. ઑગસ્ટ ૧૯૩૨માં મૅકડૉનલ્ડ ઍવૉર્ડ જાહેર થયો તેમાં વસ્તીને કારણે પંજાબ અને બંગાળના મુસ્લિમો માટે એ બહુ આવકારપાત્ર રહ્યો. વાયવ્ય સરહદ પ્રાંત અને સિંધને અલગ પ્રાંતનો દરજ્જો અપાતાં ત્યાં પણ મુસલમાનોએ એનું સ્વાગત કર્યું, પણ જ્યાં મુસલમાનો લઘુમતીમાં હતા એમને આ ઍવૉર્ડ માફક ન આવ્યો.

લીગ સજીવન થાય છે

આમાંથી જિન્નાને મુસ્લિમ લીગને ફરી સજીવન કરવાની નવી તક મળી. ફેડરેશન વિશે એમના મતભેદને કારણે ત્રીજી ગોળમેજી પરિષદ માટે જિન્નાને આમંત્રણ નહોતું. આથી લીગનો વિસ્તાર કરવા માટે એમણે યુક્ત પ્રાંત પર ધ્યાન આપ્યું.

૧૯૩૪માં એમણે ફરી લીગની કમાન સંભાળી લીધી. ઑક્ટોબર ૧૯૩૪માં એ સેંટ્રલ ઍસેમ્બ્લીમાં ચુંટાયા. અહીં એમણે કોંગ્રેસના સભ્યોને સમજાવવાના પ્રયાસ કર્યા કે પોતે મુસ્લિમ કૉન્ફરન્સ કરતાં રાષ્ટ્રીય સ્તરના મોટા નેતા છે અને દેશના મુસ્લિમોના એકમાત્ર પ્રવક્તા (Spokesman) છે.

જિન્નાનો વ્યૂહ એ હતો કે લીગનો આધાર વિસ્તારવો અને તે સાથે, કોંગ્રેસ સાથે સમજૂતી કરી લેવાની એમની જૂની રીત પણ અમલમાં મૂકવી. એમને આશા હતી કે કોંગ્રેસ પંજાબ અને બંગાળમાં મુસ્લિમ બહુમતી છે એ વાત સ્વીકારી લે, પણ તે સાથે મુસ્લિમ લઘુમતી વિસ્તારોના પ્રતિનિધિ તરીકે એમની વગ ઘટવી ન જોઈએ.

જિન્ના સાથે સમજૂતી કરવા માટે કોંગ્રેસે પણ શરત મૂકીઃ મુસલમાનો અલગ મતદાર મંડળોને બદલે સંયુક્ત મતદાર મંડળની વ્યવસ્થાનો સ્વીકાર કરે. આ સૂચન પૂર્વ બંગાળના મુસ્લિમ નેતાઓ તરફથી આવ્યું હતું એમ જિન્નાને લાગ્યું હોવું જોઈએ. પૂર્વ બંગાળના મુસ્લિમોની વળતી માગણી એટલી જ હતી કે પ્રાંતમાં એમની બહુમતી રહેવી જોઈએ.

આના પછી જિન્નાને પંજાબની લાઇનનો વિકલ્પ મળ્યો. એમણે હવે કોંગ્રેસને ટેકો આપવાનું નક્કી કર્યું અને લચીલા ફેડરેશનની બ્રિટિશ દરખાસ્ત પર જોરદાર હુમલો કરવા તૈયાર થઈ ગયા. ૧૯૩૫ના જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જિન્ના અને કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ વચ્ચે મંત્રણાઓ થઈ. ડૉ. રાજેન્દ્ર પ્રસાદે આશા દર્શાવી કે “ભવિષ્યમાં” કોંગ્રેસ અને લીગ વચ્ચે સાથે મળીને કામ કરવાની “જબ્બરદસ્ત તક” ઊભી થઈ છે.

લેખિકા કહે છે કે કેન્દ્રવાદી જિન્નાએ જોયું કે મુસ્લિમોની ખરી સુરક્ષા, ખાસ કરીને એમની લઘુમતી હોય એવા પ્રદેશોમાં અલગ મતદાર મંડળમાં નહીં પણ કોંગ્રેસ સાથે સમજૂતીમાં રહેલી છે. પરંતુ જિન્ના માટે જેમ પંજાબ માથાનો દુખાવો હતું તેમ કોંગ્રેસ માટે બંગાળની હિન્દુ મહાસભા હતી. કોમી ચુકાદા સામે એનો અણનમ વિરોધ કોંગ્રેસ માટે મોટી આડશ બની ગયો અને અંતે જિન્ના-પ્રસાદ વાટાઘાટો પડી ભાંગી.

તે પછી પણ, સેંટ્રલ ઍસેમ્બ્લીમાંય જિન્નાએ ફેડરેશનનો વિરોધ કર્યો, પણ તે સાથે એમણે કોમી ચુકાદાને માન્ય રાખવા અપીલ કરી. એમણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું કે એમને કોમી ચુકાદાથી સંતોષ નહોતો અને “મારું સ્વાભિમાન આપણે પોતે જ આપણી સ્કીમ રજૂ નહીં કરીએ ત્યાં સુધી સંતોષાશે નહીં”. એમનો ખ્યાલ હતો કે ભારતના રાજકારણમાં ધાર્મિક મતભેદો સૌથી વધારે મહત્ત્વના છે, એવા ખ્યાલને કોમી ઍવૉર્ડથી ટેકો નહોતો મળતો. એમણે કહ્યું કે “આ મુદ્દો લઘુમતીઓનો છે અને રાજકીય છે… લઘુમતી એટલે અમુક બાબતોનું સંયોજન. શક્ય છે કે દેશના બીજા નાગરિકો કરતાં લઘુમતીનો ધર્મ જુદો હોય…ધર્મ,સંસ્કૃતિ, જાતિ, ભાષા, કલા, સંગીત અને એવી ઘણી બાબતો લઘુમતીઓને અલગ પિછાણ આપે છે અને એ સુરક્ષાની માંગ કરે છે. આપણે આ પ્રશ્નનો રાજકીય પ્રશ્ન તરીકે ઉકેલ લાવવો જોઈએ, એને ટાળવો ન જોઈએ.

આમ જિન્ના કોમી મતભેદને અખિલ ભારતીય સ્તરે સમજૂતી કરવામાં અડચણરૂપ નહોતા માનતા. આમ છતાં એમણે કોમી ઍવૉર્ડનો સ્વીકાર કર્યો, કારણ કે મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતો એનો અમલ કરવા માગતા હતા. આમ જિન્ના પોતાના મજબૂત કેન્દ્રના વિચાર અને પ્રાંતોના નેતાઓના ફેડરેશન તરફી વિચારો વચ્ચે તડજોડ કરવામાં લાગ્યા હતા.

૦-૦-૦

૧૯૩૫ અને ૧૯૪૭ વચ્ચેના જિન્નાના રાજકારણ વિશે હવે ૮મી ફેબ્રુઆરીના લેખમાં જોઈશું.


નોંધઃ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો પ્રયાસ છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો રજૂઆત કરનારની છે.

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય :

%d bloggers like this: