“How does the water feel?”

નદીમાં એક મોટી ઉંમરની માછલી તરતી જતી હતી. રસ્તામાં એને બે કિશોર વયની માછલીઓ મળી.

“નમસ્તે, માસી”

“નમસ્તે છોકરીઓ, કેમ છો? પાણી કેવું લાગે છે?”

બન્ને કંઈ સમજી ન શકી અને હસી નાખ્યું અને આગળ વધી ગઈ, માસીબા પણ પોતાને રસ્તે આગળ વધ્યાં. બન્ને છોકરીઓએ પાછળ વળીને જોયું. આ પાણી તે વળી શું? માસીની ડાગળી ચસકી ગઈ છે કે શું?

*****

આપણી આસપાસ જે વાતાવરણ હોય છે એનાથી આપણે એટલા ટેવાઈ જતા હોઈએ છીએ કે આપણને એ પણ ખબર નથી હોતી કે આપણે એમાં જ વહીએ છીએ. આપણને બધું સ્વાભાવિક લાગે છે. કોઈ એના વિશે પૂછે તો આપણે એને ઈડિયટ માની લઈએ. દાખલા તરીકે આપણા દેશમાં બેરોજગારીની વાત કરીએ. બેરોજગારી એટલી બધી સ્વાભાવિક લાગતી હોય છે કે આપણે બેરોજગારી શા માટે છે અને

એને ખરેખર દૂર કરી શકાય કે કેમ, એવો સવાલ પણ પૂછતા નથી હોતા. કદાચ દૂર કરી શકાતી હોય, પણ આપણે પોતે જ એ માનવા તૈયાર નથી થતા. રોજગારનો આધાર આર્થિક નીતિઓ પર હોય છે. આર્થિક નીતિઓ એવી હોય કે બેરોજગારીને ટાળી ન શકાય, તો આપણો સવાલ એવી આર્થિક નીતિ સામે હોવો જોઈએ, પણ આપણે એ સવાલ પૂછતા નથી. જેમ બે નાની વયની માછલીઓને એટલી હદ સુધી પાણી સ્વાભાવિક લાગ્યું કે એમને એના અસ્તિત્વની પણ પ્રતીતિ નહોતી થતી, તેમ આપણને પણ આર્થિક નીતિઓની પ્રતીતિ નથી થતી.

માત્ર બેરોજગારી નહીં, ગરીબાઈ પણ આપણને બહુ સ્વાભાવિક લાગે છે. આપણે માનીને ચાલીએ છીએ કે માણસ ગરીબ પણ હોય અને શ્રીમંત પણ હોય. આ સ્થિતિને આપણે સમસ્યા તરીકે નથી અનુભવતા. આપણી આસપાસના વિચારો, પરંપરામાંથી મળેલા વિચારો અને ટેવોએ ઊભી કરેલી માયાજળ એવી છે કે “અમુક માણસો જ ગરીબ કેમ છે?” એવો કોઈ સવાલ પૂછે તો આપણે પણ માની લઈએ કે માછલીમાસીની જેમ એની પણ ડાગળી ચસકી ગઈ હોવી જોઈએ.

ગરીબાઈની વાત કરીએ તો આપણો જવાબ એ જ હોય કે “જેનાં જેવાં નસીબ”. સાંભળનારને પણ કશું અસ્વાભાવિક ન લાગે. આપણે “નસીબ”ની વાતથી એટલા ટેવાયેલા છીએ કે એની વ્યાખ્યા પણ કદી પૂછતા નથી; તે એટલી હદે કે આપણે પોતે – બીજા નહીં, આપણે પોતે – અમુક વસ્તુ માટે યોગ્ય હોવા છતાં ન મેળવી શકીએ તો પણ નસીબને નામે ચડાવીને જાતને આશ્વાસન આપી દેતા હોઈએ છીએ. કોઈ પૂછે કે “એમાં નસીબ ક્યાં આવ્યું?” તો આપણે મનમાં જ બબડીએ. “નસીબ નહીં તો બીજું શું?ઈડિયટ સા…!”

દાનપુન પણ આપણા માટે એવું જ પાણી છે કે જેના વિશે આપણે ફરી વિચાર નથી કરતા. એ પણ બહુ સ્વાભાવિક લાગે છે. હવે આમ વિચારો તો દાન સામાજિક અને આર્થિક અસમાનતાની નિશાની છે, એટલું જ નહીં, આ અસમાનતાની વ્યવસ્થા ચાલુ રાખવા માટે આપણે શોધી કાઢેલો માર્ગ છે. એમાં દાન આપનાર અને લેનાર બન્ને સંડોવાયેલા છે. લેનાર માને છે કે આ વ્યવસ્થા સારી છે અને આપનાર માને છે કે દાન આપવું એ એનું ધાર્મિક કર્તવ્ય છે. એનાથી એને પુણ્યલાભ થાય છે. બસ, આ વ્યવસ્થા ચાલ્યા કરે છે. દાન લેનાર પણ એને આર્થિક અન્યાયી વ્યવસ્થા નથી માનતો. આમ બન્નેના દૃષ્ટિકોણ એક થઈ જાય છે. પાણી છે કે નહીં એ પણ વિચારવાની માછલીઓને પણ ક્યાં જરૂર પડે છે?

આપણી સામાજિક વ્યવસ્થા જોઈ લો. એક જ સમાજના, એક જ ધર્મના લોકોમાં ઊંચનીચ કેમ હોઈ શકે? આમ છતાં એવું છે. આપણે અમેરિકાની ગુલામીની વાત કરીએ પણ આપણી પોતાની વર્ણવ્યવસ્થામાં તો એક આખો વર્ગ બીજા આખા વર્ગનો ગુલામ છે! અમેરિકામાં વ્યક્તિગત માલિકનો વ્યક્તિગત ગુલામ હતો. માલિક ગુલામને વેચી નાખે તે પછી એના પર નવા માલિકનો અધિકાર સ્થપાતો. પણ આપણે ત્યાં શું છે? વેચસાટની વ્યવસ્થાને બદલે આપણે જન્મનો આધાર લીધો એટલે આજે એ સ્થિતિ છે કે એ વર્ગના માણસો મરેલી ગાય લઈ જતા હોય તો આપણે એમને છડેચોક મારીએ અને એ લોકો નક્કી કરે કે હવેથી મરેલાં જાનવર ન ઉપાડવાં, તો પણ આપણે એમને મારીએ. માર ખાનારના ટેકામાં કોઈ બોલે ત્યારે આપણી આસપાસનું પાણી ડહોળાઈ જાય; આપણને એમાં રાજકારણ દેખાય કે મત લેવા માટે કૂદ્‍યા છે. બસ, વ્યવસ્થામાં કંઈ ખામી છે કે નહીં, એ વિચાર ન આવે.

વિજ્ઞાનની જ વાત લો. આપણે માનીએ છીએ કે આપણા દેશમાં પહેલાં વિજ્ઞાનનો બહુ સારો વિકાસ થયો હતો. આપણે ત્યાં વિમાનો બનતાં, આપણે આઇન્સ્ટાઇનથી પહેલાં સાપેક્ષવાદ શોધ્યો. આપણે આયુર્વેદનો વિકાસ કર્યો. શલ્યચિકિત્સા પણ આપણે શોધી. ખગોળશાસ્ત્ર તો આપણી જ દેન. જેવું કંઇ નવું શોધાય, આપણે વેદ ખોલીને બેસીએ (તે પહેલાં નહીં). જૂઓ, આ તો અહીં છે… મંત્ર નંબર, પાનું નંબર…ઇતિ સિદ્ધમ્‍. સૌ આ મહાનુભાવોનાં નામ જાણતા હોય. પૂછી જૂઓ, સૌને ખબર હશે – આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય, વરાહમિહીર, ચરક, સુશ્રુત….હજી કોઈ નામ છે? યાદ નહીં આવે. ચરક અને સુશ્રુત ક્યારે થઈ ગયા? ખબર નહીં. આર્યભટ્ટ અને ભાસ્કરાચાર્ય ક્યારે થઈ ગયા? ખબર નહીં. એમના વચ્ચે કેટલાં વર્ષોનો ગાળો હતો? ખબર નહીં. એ બન્ને વચ્ચેનાં વર્ષોમાં આપણા ગણિતની સ્થિતિ શું હતી? ખબર નહીં. આવા સવાલો પૂછનારની ડાગળી ચસકી ગયેલી માનીએ.

આપણે રાજાશાહીમાં માનીએ. એટલે લોકશાહીમાં પણ રાજાઓનું સર્જન કરીએ. કુટુંબો સત્તા સંભાળે. વંશપરંપરા આપણને સ્વાભાવિક લાગે. એક જણ નેતા બને તો એના દરેક કુટુંબીને આપણે નેતા બનવાને લાયક માનીએ. ઇંદિરા પછી રાજીવ અને પછી રાહુલ. મુલાયમ સિંહ પછી અખિલેશ અને પછી ગૃહ યુદ્ધ – Palace coup. આપણે તાલ જોયા કરીએ. લંડનમાં વડા પ્રધાનના દીકરાને અતિ ઝડપે કાર ચલાવવા માટે દંડ થાય તો આપણે ત્યાં પણ એ ન્યૂઝ બને. તે પછી આપણે ત્યાં એવું કેમ નથી થતું એ વિચાર પણ લાંબો વખત ન ટકે. આમ કેમ? કારણ કે એ તો આપણા પાણીમાં નાનું વમળ માત્ર હોય છે. રાજાશાહીમાં રાજકુમારને કંઈ સજા થાય?

હવે ખરેખર રાજા ન હોય તો આપણે કોઈને હૃદયના રાજા બનાવી દઈએ. હૃદય સમ્રાટ કહી દે કે આપણા દેશમાં પણ અંગોને ટ્રાન્સપ્લાન્ટ કરવાની વિદ્યા હતી. બસ, એ કેમ ખોટું હોય? આપણે બસ, તાલ મિલાવ્યા કરીએ. સાચી વાત એ છે કે સમ્રાટો હતા ત્યારે પણ એ પોતે કદી વાંચતા નહીં. એમનું કામ તો લડાઈઓ કરવાનું અને નિર્દોષોનાં લોહી રેડવાનું રહેતું; વાંચવાનો સમય ક્યાંથી મળે? દારા શિકોહ વાંચતો અને ઔરંગઝેબ માનતો. દારા શહેનશાહ ન બન્યો. વાંચવાનું કામ કરનારો એક ખાસ વર્ગ હતો. આમાં આપણને કંઈ ખોટું પણ નથી લાગતું હોતું. આમ જ હોય ને! જે વ્યવસ્થા ચાલી આવે છે તે આપણા પૂર્વજોએ બનાવેલી છે. એમાં તો કંઇ ખોટું હોય જ નહીં.

ગીતામાં કૃષ્ણે કહ્યું: सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज…अहं त्वा सर्वपापेऽभ्यो मोक्षयिष्यामि…मा शुच. બધાં જ કર્તવ્યોનો ત્યાગ કર અને માત્ર મારા શરણમાં આવ. હું તને બધાં પાપોથી મુક્તિ અપાવીશ. તું વિચાર ન કર. मा शुच…

આખી ગીતા ભૂલી ગયા પણ આ मा शुच આપણને બહુ ફાવી ગયું છે. ઉત્ક્રાન્તિમાં જે અંગ નકામું જણાયું તે ખરી પડ્યું. મગજનું કામ વિચારવાનું છે. એ કામ કરવાની જ જરૂર ન હોય તો ઉત્ક્રાન્તિમાં આગળ જતાં શું થશે તે આપણે સમજી શકીએ છીએ.

૦-૦-૦

બે નાની માછલીઓએ પણ પછી વિચાર્યું. એમને લાગ્યું કે વાત સાચી. આપણે પાણીમાં જ છીએ. બીજા દિવસે માછલીમાસી ફરી મળ્યાં. બન્ને બહેનપણીઓએ કહ્યું, “માસી તમારી વાત સાચી. અમે પાણીમાં છીએ એ વાત મગજમાં સળવળતી પણ નહોતી. હવે તો સમજાય છે કે પાણીમાં પ્રદૂષણ પણ છે.”

-=-=-=-

%d bloggers like this: