ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ
ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭
પ્રકરણ : ૪૦: જિન્ના ૧૯૪૧થી ૧૯૪૪ (૧)
ભલે ને, લઘુમતી પ્રાંતોના બે કરોડ મુસલમાનોનો કચ્ચરઘાણ નીકળી જાયઃ જિન્ના
આ શીર્ષક ચોંકાવનારું છે, પણ સત્ય છે. એટલે આપણે હવે ‘ભારત છોડો’ આંદોલનથી પણ થોડા પાછળ, ૧૯૪૧માં જઈને કાયદે આઝમ જિન્ના ૧૯૪૪ સુધી શું કરતા હતા તે જોઈએ.
૧૯૪૧ની ૩૦મી માર્ચે જિન્નાએ કાનપુરમાં મુસ્લિમ સ્ટૂડન્ટ્સ ફેડરેશન તરફથી યોજાયેલી સભાને સંબોધી. એના વિશે ૪ ઍપ્રિલે પોલીસે પોતાના સાપ્તાહિક રિપોર્ટમાં લખ્યું કેઃ
“શ્રી એમ.એ. જિન્નાએ એમની મુલાકાત દરમિયાન…. મુસ્લિમ સ્ટૂડન્ટ્સ ફેડરેશનની મીટિંગને સંબોધન કર્યું. જિન્ના એમની વિચારસરણી પ્રમાણે જ બોલ્યા અને કહ્યું કે બહુમતી પ્રાંતોમાં સાત કરોડ મુસલમાનોની મુક્તિ માટે પાકિસ્તાન યોજના હેઠળ લઘુમતી પ્રાંતોના બે કરોડ મુસલમાનોનો કચ્ચરઘાણ નીકળી જતો હોય તો એના માટે તેઓ તૈયાર છે.”*
જિન્નાને મુસલમાનો માટે પાકિસ્તાન જોઈતું હતું અને તે માટે પંજાબ અને બંગાળની બહાર, મુખ્યત્વે યુક્ત પ્રાંત અને બિહારમાં વસતા લગભગ બે કરોડ, એટલે કે દેશના મુસલમાનોની ચોથા ભાગની વસ્તીની કુરબાની આપતાં એમનું હૈયું કાંપતું નહોતું. પાકિસ્તાન આંદોલનને તન-મન-ધનથી ટેકો આપનારા આ જ પ્રાંતોના મુસલમાનો હતા. પંજાબ અને બંગાળમાં તો મુસ્લિમ લીગનો ગજ વાગતો નહોતો, જ્યાં જિન્ના ‘પાકિસ્તાન’ બનાવવા માગતા હતા.
૨૩મી માર્ચે લીગે મંજૂર કરેલા લાહોર ઠરાવ (પાકિસ્તાન ઠરાવ) વિશે આપણે વાંચી લીધું છે; હવે એના વિશે જિન્નાના વિચારો જાણવાની જરૂર છે, એટલે તે પછીના સમયમાં પાકિસ્તાન માટે ઘટનાચક્ર કેમ ફરતું રહ્યું તે સમજી શકીએ.
લીગના મદ્રાસ અધિવેશનમાં જિન્નાનું ભાષણ
૧૯૪૧ના ઍપ્રિલમાં મદ્રાસમાં મુસ્લિમ લીગનું ૨૮મું અધિવેશન મળ્યું. લાહોર ઠરાવ પછી એ પહેલું અધિવેશન હતું. પ્રમુખપદેથી બોલતાં જિન્નાએ ‘પાકિસ્તાન’ની જુદી જુદી વ્યાખ્યાઓ થતી હતી તેનો સ્પષ્ટ શબ્દોમાં ખુલાસો આપી દીધો. લાહોર ઠરાવ થયો તે પછીના એક વર્ષમાં જિન્નાનો વ્યૂહ એ હતો કે પાકિસ્તાન વિશે એમના સાથીઓ અને મુસ્લિમ લીગના સમર્થકો પણ જેવો અર્થ કરવા માગતા હોય તેવો કરતા રહે. એટલે કોઈ માનતા હતા કે જિન્ના નવું મદીના (જ્યાં પયગંબર મહંમદે પહેલું રાજ્ય સ્થાપ્યું) બનાવે છે અને એ ઇસ્લામના વિસ્તારનું કેન્દ્ર બનશે. બીજા કેટલાક એવા હતા કે પાકિસ્તાનને ઇસ્લામી રાષ્ટ્ર નહીં પણ મુસલમાનોની સંપૂર્ણ સત્તા હોય એવું આધુનિક રાજ્ય માનતા હતા. એવી ધારણા પણ હતી કે ભારતનું ફેડરેશન બનાવાશે અને એમાં મુસ્લિમ બહુમતીવાળાં સ્વાધીન રાજ્યોને પાકિસ્તાન નામ અપાશે, કેન્દ્રમાં ફેડરેશનની સરકાર હશે. કેટલાયે પત્રકારો અને વિવેચકો માનતા હતા કે પાકિસ્તાન ટકી ન શકે.
જિન્નાએ મદ્રાસ અધિવેશનમાં જાહેર કર્યું કે મુસલમાનો ‘પાકિસ્તાન’થી ઓછું કંઈ પણ સ્વીકારશે નહીં. એમણે કહ્યું –
“અમે ભારતના ઉત્તર-પશ્ચિમ અને ઉત્તરના ઝોનમાં સંપૂર્ણ સ્વાધીન રાજ્ય બનાવવા માગીએ છીએ અન નાણાં, સંરક્ષણ, વિદેશી બાબતો, સંપર્કવ્યવહાર,, કસ્ટમ, ચલણ, એક્સચેન્જ વગેરે બધું અમારા હાથમાં હોવું જોઈએ, અમને કોઈ પણ સંજોગોમાં અખિલ ભારતીય સ્વરૂપનું બંધારણ નથી જોઈતું, જેમાં કેન્દ્રમાં એક સરકાર હોય.”
જિન્નાએ ઉમેર્યું કે –
લોકશાહી એટલે એક રાષ્ટ્રમાં અને એક સમાજમાં બહુમતીનું શાસન હોય તે સમજાય તેવું છે પણ આવી વ્યવસ્થા બે અલગ રાષ્ટ્રો હોય, બે અલગ સમાજો – મુસ્લિમ અને હિન્દુ- હોય ત્યાં, અને ખાસ કરીને આપણા દેશમાં જ્યાં દ્રવિડિસ્તાન પણ છે, ત્યાં ન ચાલી શકે. એમણે કહ્યું કે મુસ્લિમ લીગનો સૈદ્ધાંતિક આધાર જ એ છે કે મુસલમાનો સ્વતંત્ર રાષ્ટ્ર છે. (ઉર્દુમાં ‘કોમ’ એટલે રાષ્ટ્ર. આપણે જે અર્થમાં ‘કોમ’ શબ્દ વાપરીએ છીએ તેના માટે ‘બિરાદરી’ અથવા ‘મિલ્લત’ શબ્દ છે. હિન્દુ અને મુસલમાન બે કોમ છે એમ કહેવાનો અર્થ એ કે બે રાષ્ટ્ર છે).
તે પછી બ્રિટનના ભારત માટેના પ્રધાન લૉર્ડ ઍમરીએ એક એવું નિવેદન કર્યું કે મુસ્લિમ લીગમાં ખળભળાટ થઈ ગયો. લૉર્ડ ઍમરીએ કહ્યું કે હિન્દુસ્તાનમાં અકબર જેવું શાસન જ ચાલી શકે. કદાચ આને ૧૯૪૨ના આંદોલનની તીવ્રતાની અસર કહી શકાય. જો કે સત્તાવાર રીતે તો બ્રિટનનું વલણ એ જ હતું કે આંદોલન દબાઈ ગયું છે અને સ્થિતિ સરકારના નિયંત્રણમાં છે.
૧૯૪૩ની ૧લી ફેબ્રુઆરીમાં જિન્નાએ મુંબઈમાં ઇસ્માઈલ કૉલેજના મુસ્લિમ વિદ્યાર્થીઓની સભામાં ઍમરીના ભાષણની ચર્ચા કરતાં કહ્યું કે લૉર્ડ એમરી હવે ઇતિહાસ વાંચવા માંડ્યા છે. અકબરે પોતાના વહીવટમાં હિન્દુ અને મુસલમાન પ્રધાનો અને અફસરો રાખ્યા હતા કારણ કે એને પોતાની આખી રૈયત પર એટલે કે બધા હિન્દુઓ અને બધા મુસલમાનો પર રાજ કરવું હતું. એ ક્યારેક હિન્દુઓને ખુશ કરતો અને ક્યારેક મુસલમાનોને. એ જ રીતે, બન્ને કોમો વચ્ચે ક્યારેક વિવાદ ઊભો થાય તો જરૂર પ્રમાણે એ હિન્દુ કે મુસલમાન પ્રધાનોનો ઉપયોગ કરતો. વાઇસરૉયની કાઉંસિલમાં પણ બધી કોમોના માણસોને લેવાયા છે, અને એ સૌ વાઇસરૉયની પસંદગીના જ છે.
લૉર્ડ લિન્લિથગોની પણ જિન્નાએ ટીકા કરી કે એક બાજુથી લૉર્ડ ઍમરી ઇતિહાસના સંશોધનમાં પડ્યા છે તો બીજી બાજુથી અહીં સાત વર્ષ રહ્યા પછી છેક હવે વાઇસરૉય લિન્લિથગોને સમજાયું છે કે હિન્દુસ્તાન ભૌગોલિક દૃષ્ટિએ એક છે. કોઈ અક્કલવાળો માણસ આનો અર્થ શું કરશે? એ જ, કે હિન્દુ મહાસભાએ ‘અખંડ હિન્દુસ્તાન’નો ઠરાવ કર્યો તે બ્રિટનના કટ્ટરપંથીઓને નવા વરસની ભેટ છે.
જિન્નાએ કહ્યું કે આજની મડાગાંઠ ઉકેલવાની ચાવી મિ.ગાંધી અને કોંગ્રેસના હાથમાં છે. એ લોકો ધારે તો સમસ્યાનું નિરાકરણ લાવી શકાય. એમણે પૂછ્યું કે હિન્દુઓમાં કોંગ્રેસ અને હિન્દુ મહાસભા સિવાય એવા કોઈ નથી કે જેમને લોકોનું પીઠબળ હોય અને એ મુસ્લિમ હિન્દુસ્તાન કે મુસ્લિમ લીગ સાથે વાતચીત કરવા તૈયાર થાય? ગાંધીજી હિન્દુ-મુસ્લિમ એકતાને આઝાદી માટે જરૂરી માનતા હતા. જિન્નાએ એનો ઉલ્લેખ કરીને કહ્યું કે ‘ભારત છોડો’ ઠરાવમાં તો આઝાદીની માગણી પહેલી છે અને હિન્દુ-મુસ્લિમ એકતા તે પછી આવે છે.
‘પાકિસ્તાન સ્કીમ’ના લેખકનું જિન્નાની વિરુદ્ધ નિવેદન
પાકિસ્તાન કેવું હોવું જોઈએ તેની જુદી જુદી નવ યોજનાઓ હતી. એમાંથી ડૉ. અબ્દુલ લતીફને મુસ્લિમ લીગ પાકિસ્તાનની રચના વિશેનો દસ્તાવેજ તૈયાર કરવા નીમ્યા હતા. (જૂઓઃ ડો. હરિ દેસાઈનો લેખ- સંદર્ભ લેખના અંતે)
ડૉ. લતીફે ૩જી ફેબ્રુઆરીએ જ અખબારોમાં નિવેદન બહાર પાડીને જિન્નાની ટીકા કરી. એમણે કહ્યું કે, હમણાં સુધી મુસ્લિમ લીગ ભારતના રાજકારણમાં મુખ્ય સ્થાને હતી અને ગઈકાલ સુધી ચાવી તો મુસ્લિમ લીગના હાથમાં હતી, તો એ હવે એ બીજાના હાથમાં છે એમ જિન્ના કહે છે, તો એના માટે કોણ જવાબદાર છે? ગયા વર્ષે ઘણી તકો હાથમાં આવી પણ એ નરી ઉદ્ધતાઈથી એળે જવા દેવાઈ. ઑગસ્ટ ૧૯૪૨માં કોંગ્રેસે મુસ્લિમ લીગને મનાવવા ઘણી કોશિશ કરી. એકમોને વધારે સત્તા આપવા અને કોઈ એકમને છૂટા પડવું હોય તો એના માટે પણ કોંગ્રેસ તૈયાર હતી. કોંગ્રેસ લીગ સાથે રીતસરની વાતચીત કરવા આતુર હતી અને પોતાના દૃષ્ટિકોણ વિશે ખુલાસો પણ કરત. પણ જિન્નાને આ પસંદ ન આવ્યું. ઉલ્ટું, એમનું અડિયલ વલણ વધારે સખત બન્યું. જે પાકિસ્તાનની વ્યાખ્યા પણ નહોતી તેની બાંહેધરી એમને સૌ પહેલાં જોઈતી હતી. જવાબ શું હતો? હવે કોંગ્રેસના નેતાઓ જેલમાં છે અને બોલી શકે તેમ નથી. મહાસભાએ પણ પહેલાં તો જિન્નાને ખુશ કરવાની કોશિશ કરી પણ એને પછી સમજાયું કે જિન્નાની હઠનો જવાબ માત્ર હઠથી જ આપી શકાશે. ડૉ. આંબેડકરે વચ્ચે પડવાની ના પાડી દીધી અને કહ્યું કે આ ગાંધી અને જિન્ના, બે વ્યક્તિઓ વચ્ચેનો સવાલ છે. રાજગોપાલાચારીએ પણ જિન્નાને પડતા મૂક્યા અને હવે લીગની જે હાલત છે તેને ડહોળવા માટે એમણે નવી યોજના રજૂ કરી છે. ખરેખર તો રાજગોપાલાચારી જિન્નાને કહે છે કે “લો, તમારું એક પૌંડ માંસ. એક ટુકડો લાહોરની પશ્ચિમે અને બીજો ઢાકા અને મૈમનસિંઘની આસપાસ. તમારો પાકિસ્તાન ઠરાવ કહે છે તે પ્રમાણ તો તમને આટલું જ મળવું જોઈએ. લઈ જાઓ. અમે તો છૂટશું. કારણ કે અમે હિન્દુઓ તે પછી મજબૂત કેન્દ્ર સરકાર બનાવશું, એક જ પક્ષની સરકાર હશે અને તમારી મુસ્લિમ લઘુમતીએ એની હેઠળ રહેવું પડશે. જિન્નાસાહેબાને આ બધું કેમ લાગે છે? એમન એક પળ માટે પણ સમજાશે કે તેઓ અર્થહીન અહંભાવમાં, આંધળી અનિશ્ચિતતામાં જ અથડાય છે? એમના જ કારણે મુસ્લિમ લીગ આજે પણ આરામ પસંદ કરનારાની, બીજાએ મેળવેલો ખજાનો છટકું ગોઠવીને લૂંટનારી પેઢી છે.
૦-૦-૦
દરમિયાન, ગાંધીજીએ જેલમાં એકવીસ દિવસના ઉપવાસ શરૂ કરી દીધા હતા. આખા દેશમાંથી ગાંધીજીને છોડી મૂકવાની માંગ થઈ. બધા નેતાઓએ જિન્નાને પણ અપીલ કરી કે મુસ્લિમ લીગ પણ આવી જ માંગ કરે, પણ જિન્ના ન જ માન્યા. તે પછી ૨૪મી એપ્રિલે દિલ્હીમાં લીગનું ખુલ્લું અધિવેશન મળ્યું તેમાં જિન્નાએ ઘણી નવી વાતો કરી, પણ એ વિષય આજે લંબાણના ભયે આગળ ઉપર મુલતવી રાખીએ.
0000
સંદર્ભઃ
1. The Indian Annual Register, July-December, 1941 Vol.2
2. https://dspace.gipe.ac.in/xmlui/bitstream/handle/10973/38119/GIPE-013167-03.pdf
3. *Quoted from ‘Creating a new Medina; by Venkat Dhulipala, Chapter 5, page 279, 2015 Cambridge University Press.
4. www.asian-voice.com/Hari-Desai/Nine-Schemes-to-Carve-out-Pakistan