India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-32

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૩૨: ભારત છોડો (૩)

ગાંધીજી અને લિન્લિથગોનો પત્રવ્યવહાર અને ગાંધીજીના ઉપવાસ

ગાંધીજીએ યરવડા જેલમાં પહોંચ્યા પછી તરત ૧૪મી ઑગસ્ટે વાઇસરૉય લૉર્ડ લિન્લિથગોને પત્ર લખીને કોંગ્રેસના નેતાઓની ધરપકડનો વિરોધ કર્યો અને સરકારી જાહેરાતનું આગવું વિશ્લેષણ કરીને દેખાડ્યું કે કોંગ્રેસને ધીમે ચાલવામાં રસ હતો પણ સરકાર એવું થવા દેવા નહોતી માગતી.

ગાંધીજીએ કહ્યું કે હું આંદોલનનો આરંભ કરું ત્યાં સુધી સરકારે રાહ જોવી જોઈતી હતી કારણ કે મેં બહુ પહેલાં જ કહી દીધું હતું કે આંદોલન શરૂ કરતી વખતે સૌથી પહેલાં તો હું તમને પત્ર લખીને કોંગ્રેસની માગણી પર ફરી વિચાર કરવાની અપીલ કરીશ. મેં તમારી મુલાકાત પણ માગી હતી પણ તમે મુલાકાત ન આપી. કોંગ્રેસની માગણીઓમાં જે કંઈ ખામીઓ જણાઈ તે અમે દૂર કરી છે અને તમે એવા બીજા કોઈ દોષ દેખાડ્યા હોત તો તે પણ અમે દૂર કર્યા હોત. કોંગ્રેસ બહુ જ સંભાળીને ધીમે ધીમે ‘ડાયરેક્ટ ઍક્શન’ તરફ જતી હતી, કદાચ તમને એનો જ ડર લાગ્યો કે આવી ધીમી ગતિએ તો કોંગ્રેસ વિશ્વનો અભિપ્રાય ધીમે ધીમે પોતાની તરફ વાળી લેશે; એટલે જ આકરાં પગલાં લીધાં.

ગાંધીજીએ ધ્યાન દોર્યું કે સરકારી જાહેરનામું કહે છે કે “હિંદ સરકાર ધીરજથી રાહ જોતી રહી કે ક્યારેક શાણપણની જીત થશે, પણ એની આશા નિરાશામાં પરિણમી.” એમણે પૃથક્કરણ કરતાં કહ્યું કે “શાણપણની જીત” કહો છો તેનો અર્થ એ કે કોંગ્રેસ પોતાની માગણી પડતી મૂકશે એવી સરકારને આશા હતી, પણ નિરાશા સાંપડી. જે સરકાર હિંદુસ્તાનને આઝાદી આપવાનાં વચનો આપ્યા કરતી હોય તે આ હંમેશની વાજબી માગણી પડતી મુકાવાની આશા શા માટે રાખતી હતી? આ માંગ માની લેવાથી હિંદુસ્તાન ગુંચવાડામાં અટવાઈ જશે એવું કહેવું એ માનવજાત બધું સ્વીકારી લેતી હોવાના ખ્યાલ પર બહુ મોટો મદાર બાંધવા જેવું છે. એમણે કોંગ્રેસ હિંસક આંદોલનની તૈયારી કરતી હોવાના આક્ષેપને નકારી કાઢતાં કહ્યું કે અહિંસક જન-આંદોલનને આ ઘડીએ કચડી નાખવામાં કયું ડહાપણ હતું?

કોંગ્રેસ આપખુદશાહી દેખાડીને સત્તા કબજે કરવા માગતી હોવાના આક્ષેપનો પણ એમણે જવાબ આપ્યો કે જે સરકાર ભારતની સ્વાધીનતામાં આડશો ઊભી કરતી રહી છે તેના મોઢે આ વાત શોભતી નથી. તમારે કોંગ્રેસના હાથમાં રાષ્ટ્રીય સરકારનું સુકાન ન સોંપવું હોય તો મુસ્લિમ લીગને બોલાવો. લીગ જે સરકાર બનાવશે તેમાં કોંગ્રેસ સાથ આપશે. આ ઑફર ઊભી જ છે, અને એ જોતાં આપખુદશાહીનો આરોપ ટકતો નથી.

ગાંધીજી જાહેરનામાના પૃથક્કરણમાં આગળ વધે છે અને કહે છે કે હવે સરકારની ઑફર શી છે તે જોઈએ. સરકાર કહે છે કે યુદ્ધ સમાપ્ત થયા પછી બધા પક્ષો ભેગા મળીને – કોઈ એક પક્ષ નહીં – નક્કી કરશે કે એમને કયા પ્રકારની સરકાર જોઈએ, અને તે નક્કી કરવાની પૂરી આઝાદી મળશે. આ દલીલમાં કેટલું વજન છે? યુદ્ધ પછી આવું કેમ બની શકશે? આઝાદી હાથમાં આવ્યા પહેલાં તો સરકાર આજ સુધી જે કરતી રહી છે તે જ યુદ્ધ પછી પણ કરશે; એટલે કે, જે પક્ષો બિલાડીના ટોપ જેમ ફૂટી નીકળેલા હોય અને મોઢેથી આઝાદીની વાત કરતા હોય પરંતુ ખરેખર કોંગ્રેસનો વિરોધ કરતા હોય તે બધાને સરકાર આવકારશે, ભલે ને એ પક્ષની પાછળ જનતા હોય કે ન હોય. આમ આઝાદી પહેલાં મળે તો જ ભવિષ્યનું રાજતંત્ર કેવું હોય તે નક્કી કરી શકાય.

તે પછી, ભારતના સંરક્ષણની જવાબદારી હોવાના સરકારના દાવાને ગાંધીજીએ ધૂળ ચાટતો કરી દીધો. એમણે કહ્યું કે ભારતને આઝાદી ન આપવાના બહાના તરીકે સરકાર એના સંરક્ષણની વાત કરે છે, પણ મલાયા, સિંગાપુર અને બર્મામાં શું થયું, તે જાણ્યા પછી આ દાવો માત્ર સત્યની ઠેકડી ઉડાડવા જેવો છે. (બ્રિટિશ ફોજ આ વસાહતોમાં સામ્રાજ્યવાદી જાપાન સામે મોરચા છોડીને ભાગી છૂટી હતી). ગાંધીજી આગળ કહે છે કે ચીન અને રશિયાની આઝાદીને બચાવવી એ બ્રિટિશ સરકાર અને કોંગ્રેસ બન્નેનું લક્ષ્ય છે. પરંતુ ભારતને આઝાદી આપવા બ્રિટન તૈયાર નથી! આમ ગાંધીજીએ મૂલ્યનો સવાલ ઊભો કર્યો. કોઈની આઝાદીને બચાવવા માટે બીજા કોઈને પરતંત્ર રાખવા જોઈએ? ગાંધીજી કહે છે કે બ્રિટન ખરેખર તો પોતાના સામ્રાજ્યવાદી હેતુઓ માટે જ બધું કરે છે.

લિન્લિથગોએ આના જવાબમાં એટલું જ કહ્યું કે ભારત સરકાર ગાંધીજીની દલીલો સ્વીકારીને પોતાની નીતિમાં ફેરફાર કરી શકે તેમ નથી.

“કોંગ્રેસની ભૂલ દેખાડો”

૧૯૪૩ના વર્ષની પૂર્વસંધ્યાએ ગાંધીજીએ લિન્લિથગોને ‘અંગત’ પત્ર લખ્યો. એમણે લિન્લિથગોને મિત્ર ગણાવતાં કહ્યું કે આ પહેલાં કોઈ પણ વાઇસરૉય સાથે એમને આટલી આત્મીયતાનો અનુભવ નહોતો થયો. આમ કહ્યા પછી એમણે સરકારે લીધેલાં જલદ પગલાંની ટીકા કરી અને વાઇસરૉયને કહ્યું કે એમને કોંગ્રેસની કંઈ ભૂલ દેખાઈ હોય તો ધ્યાન દોરવું જોઈતું હતું. એના માટે પોતે ઉપવાસ કરવા તૈયાર હોવાનો સંકેત આપ્યો.

લિન્લિથગોએ આ પત્રનો એવો અર્થ કર્યો કે ગાંધીજી હવે પોતાની “ભૂલ” સુધારવા માગે છે. એણે ભૂલ દેખાડી કે કોંગ્રેસે જે રસ્તો લીધો તેને કારણે હિંસા થઈ અને ગાંધીજીએ અથવા કોંગ્રેસ વર્કિંગ કમિટીએ એની નિંદા પણ ન કરી. ગાંધીજીએ એનો જવાબ આપ્યો તેમાંથી ૧૯૨૦ના ગાંધી અને ૧૯૪૨ના ગાંધી વચ્ચેનો તફાવત પ્રગટ થાય છે. એમણે લખ્યું કે તમારો પત્ર મળતાં મને રાહત થઈ કે હજી હું તમારી નજરમાંથી ઊતરી નથી ગયો. ૩૧મી ડિસેમ્બરના મારા પત્રમાં મેં તમારી સામે ઘુરકિયાં કર્યાં હતાં, હવે તમે વળતું ઘુરકિયું કર્યું છે. એનો અર્થ એ કે તમે મારી ધરપકડને વાજબી માનો છો. તમે મારા શબ્દોનું જે અર્થઘટન કર્યું છે તે વાંચ્યા પછી મેં મારો પત્ર ફરી વાંચ્યો, અને મને લાગે છે કે તમે કહો છો એવો કોઈ અર્થ એમાંથી નીકળતો નથી. કોંગ્રેસના કાર્યકરો કદાચ પૂરી અહિંસા રાખી ન શક્યા હોય તો એની મેં ટીકા કરી જ છે, પણ મેં આ હિંસા માટે સરકારને જવાબદાર ઠરાવી છે.

લિન્લિથગોએ જવાબમાં લખ્યું કે હિંસા માટે સરકાર જવાબદાર છે એવું તમારું મંતવ્ય હું સ્વીકારી શકું તેમ નથી. એણે કહ્યું કે મારો સ્પષ્ટ મત છે કે નવમી ઑગસ્ટ વિશેનો કોંગ્રેસનો ઠરાવ પાછો ખેંચી લેવાય અને ગાંધીજી માને કે આ ઠરાવને કારણે આજની સ્થિતિ ઊભી થઈ છે, તો વાતચીત માટે રસ્તો નીકળે.

વળી ગાંધીજીએ એનો જવાબ આપ્યોઃ કોંગ્રેસના ઠરાવને કારણે હિંસા ફેલાઈ છે એ તમારો અભિપ્રાય છે અને તમે કહો છો કે એ બાબતમાં તમે બહુ સ્પષ્ટ છો. પરંતુ એક અભિપ્રાય હોવો એ સ્પષ્ટતા નથી. હું ખોટો છું કે મારી ભૂલ છે તે તમારે દેખાડવું જોઈએ. નવમી ઑગસ્ટે હિંસાચાર થયો, અને એવું કોંગ્રેસ નેતાઓની ધરપકડ થયા પછી બન્યું. એ સાચું હોવા છતાં કોંગ્રેસની પોતાની નીતિ અહિંસાની જ રહી છે. કોંગ્રેસની જવાબદારી વિશે મારો જવાબ છે કે સરકારે લોકોને ઉન્માદની હદ સુધી ધકેલ્યા છે. કોંગ્રેસના અગ્રગણ્ય નેતાઓની ધરપકડ શરૂ થઈ તે સાથે હિંસા શરૂ થઈ પરંતુ બદલામાં સર્વ-શક્તિમાન સરકારે દમનનાં પગલાં ભર્યાં તે મોઝિસના “દાંતને બદલે દાંત”ના સિદ્ધાંતને પણ પાછળ મૂકી દે છે.

મને આ વેદનાના શમન માટે બામ ન મળે તો સત્યાગ્રહીએ જે કરવું જોઈએ તે મારે કરવું પડે. આથી હું નવમી ફેબ્રુઆરીના સવારના નાસ્તા પછીથી શરૂ કરીને બીજી માર્ચની સવાર સુધી એકવીસ દિવસના ઉપવાસ કરીશ. પહેલાં હું ઉપવાસ દરમિયાન મીઠું નાખીને પાણી લેતો પણ હવે મારા શરીરને એ પાણી ફાવતું નથી એટલે હું ખાટાં ફળ (લીંબુ)નો રસ ભેળવીશ. મારી ઇચ્છા આમરણ ઉપવાસની નથી, અને ઈશ્વર ઇચ્છતો હોય તો હું આ કસોટીમાંથી પાર ઊતરવા માગું છું. પરંતુ સરકાર ધારે તો બધી રાહતો જાહેર કરીને મારા ઉપવાસનો જલદી અંત આણી શકે છે.

લિન્લિથગોએ આનો લાંબો જવાબ આપ્યો અને કહ્યું કે તમે ઉપવાસ કરવાનો નિર્ણય લીધો છે તેનાં પરિણામોની જવાબદારી તમારી રહેશે.

આના પછી સરકારે એક નિવેદન તૈયાર કરીને ગાંધીજીને મોકલ્યું. ઉપવાસ શરૂ થાય તો આ નિવેદન બહાર પાડવાનું હતું. એમાં ગાંધીજીને થોડા વખત માટે છોડવાની ઑફર હતી, પણ ગાંધીજીએ એનો અસ્વીકાર કર્યો. આ ઑફર એટલા માટે હતી કે સરકાર જેલમાં ગાંધીજીને કંઈ થાય તેની જવાબદારી લેવા તૈયાર નહોતી. ગાંધીજીએ કહ્યું કે એક કેદી તરીકે જેલના સત્તાવાળાઓને હેરાનગતી ન થાય તેનું હું ધ્યાન રાખીશ અને આઝાદ નાગરિક તરીકે મને જેલની બહાર ઉપવાસ કરવાનો અવસર મળી જ જશે.

નવમી ફેબ્રુઆરીથી ગાંધીજીએ ઉપવાસ શરૂ કરી દીધા.

000

સંદર્ભઃ

Gandhiji’s Correspondence with the Government -1942-44 (Navajivan Publishing House, Ahmedabad) ઇંટરનેટ પર ઉપલબ્ધ.

India: Slavery and struggle for freedom : Part 1: Slavery Chapter 3

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૧: ગુલામી

પ્રકરણ ૩ભારત પહોંચતાં પહેલાં

પરંતુ ઈસ્ટ ઇંડિયા કંપનીની શરૂઆતના એ દિવસો હતા.  ભારત એની મહત્ત્વાકાંક્ષાઓમાં હતું પણ કંપનીએ હજી તો પહેલા પડાવે પહોંચવાનું હતું. હજી તો ફેબ્રુઆરી ૧૬૦૧ છે અને લૅંકેસ્ટર એના ‘રેડ ડ્રૅગન’ જહાજમાં વૂલવિચથી ઈસ્ટ ઇંડીઝ તરફ જવા નીકળી પડ્યો છે. ૬૦૦ ટનનું આ માલવાહક જહાજ યુદ્ધ જહાજ જેવું સજ્જ હતું. ૨૦૦ માણસો એમાં સહેલાઈથી સમાઈ શકતા અને ૩૮ તો તોપો હતી. એની સાથે બીજાં ત્રણ નાનાં જહાજો છેઃ હેક્ટર (Hector), સૂઝન (Susan) અને ઍસેન્સન (Ascension). ચારેય જહાજો પર ૪૮૦ ખલાસીઓ અને મજૂરો છે.

દક્ષિણ ઍટલાન્ટિક પ્રદેશ એ વખતે જીવલેણ સ્કર્વીના રોગના પ્રદેશ તરીકે નામચીન હતો. ૧૫૯૧માં લૅંકેસ્ટરને એનો ખરાબ અનુભવ હતો અને એ વખતે એણે લીંબુના રસનો અખતરો કર્યો હતો. દક્ષિણ ઍટલાન્ટિકમાં પ્રવેશતાં જ એણે પોતાના બધા માણસોને દરરોજ ત્રણ ચમચી લીંબુનો રસ આપવાનું શરૂ કરી દીધું હતું. (૨૦૦ વર્ષ પછી એ જાણી શકાયું કે વિટામિન ‘સી’ની ઉણપથી સ્કર્વી થાય છે). પરિણામે, રેડ ડ્રૅગન પર તો બીમારી ન ફેલાઈ પણ સાથી જહાજોમાં હાલત ખરાબ હતી. કુલ ૧૦૫નો સ્કર્વીએ ભોગ લીધો. આમ પાંચમા ભાગનો કાફલો તો ક્યાંય પહોંચ્યા વિના જ સાફ થઈ ગયો.

આરામ માટે ક્યાંક રોકાવાની જરૂર હતી. આખરે છ મહિનાની હાલાકી પછી જહાજો કેપ ઑફ ગૂડ હોપની દક્ષિણે દક્ષિણ આફ્રિકામાં કેપ ટાઉન પાસે‘ટેબલ બે’ (Table Bay)(આફ્રિકાન ભાષામાં નામઃ ‘તાફેલબાઈ’) પહોંચ્યાં. ખાધાખોરાકીનો સામાન પણ ખૂટી ગયો હતો. આફ્રિકનો યુરોપિયનોથી દૂર જ રહેતા અને એમની ભાષા આવડે નહીં. લૅંકેસ્ટરે ઘેટાંબકરાંની જેમ ‘બેં…”, અને ગાય-બળદ માટે “અમ્ભાં…” કર્યું ત્યારે લોકો સમજ્યા અને પોતાનાં ઘેટાંબકરાં, ગાય-બળદ વેચવા એમની પાસે ગયા. ગરીબ અને અણસમજ એટલા કે લોખંડના બે જૂના સળિયામાં લૅંકેસ્ટરે મોટો બળદ ખરીદી લીધો! હજારેક ઘેટાં અને ચાળીસેક બળદ અને એક પોર્ચુગીઝ નૌકા પર છાપો મારીને લૂંટેલાં વાઇન, ઑલિવ તેલ વગેરે બધો સામાન લઈને લૅંકેસ્ટરનું જહાજ આગળ વધ્યું પણ મુસીબત કેડો મૂકતી નહોતી. હવે એક પછી એકને ઝાડા થઈ ગયા અને મરવા લાગ્યા. લૅંકેસ્ટરની ડાયરી લખનાર લખે છે કે એક પાદરી, એક ડૉક્ટર અને ‘tenne [ten] other common men’ મૃત્યુ પામ્યા. (એ વખતની અંગ્રેજી ધ્યાન આપવા જેવી છે). આમ લૅંકેસ્ટર માડાગાસ્કર અને સુમાત્રા થઈને લંડનથી નીકળ્યા પછી ૧૬ મહિને આસેહ (ઇંડોનેશિયા) પહોંચ્યો. ત્યાં પહોંચ્યા ત્યારની નોંધ ગુજરાતીઓને રસ પડે તેવી છેઃ “Here we found sixteen or eighteen sail of shippes [ships] of diverse nations – Gujeratis, some of Bengal, some of Calicut called Malibaris, some of Pegu [Burma] and some of Patani [Thailand] which came to trade here.”

આસેહના સુલતાન અલ્લાઉદ્દીન રિઆયત શાહે લંડનના વેપારી જહાજનું સ્વાગત કર્યું. અને લૅંકેસ્ટરના શબ્દોમાં ‘sixe [six] greate [great] ellifants [elephants] with many trumpets, drums and streamers’ એમને દરબારમાં લઈ ગયા.

લૅંકેસ્ટરે રાણીનો પત્ર શાહને આપ્યો અને શાહે બદલામાં વેપારની સમજૂતી સ્વીકારી, એમને રહેવાની જગ્યા આપી અને એમના સંરક્ષણની પણ વ્યવસ્થા પણ કરી. હવે બસ, કંપનીના જહાજોએ સુમાત્રાનાં મરીનો બહુ મોટો જથ્થો ભરીને ઇંગ્લૅન્ડ પાછા ફરવાનું હતું, પણ એક મોટી સમસ્યા આવી. મરીનો પાક નિષ્ફળ ગયો હતો. હવે શું કરવું? લૅંકેસ્ટર બે જહાજ સાથે મલાકાના અખાત તરફ ગયો અને પોર્ટુગલનું એક જહાજ હિંદુસ્તાનથી કાપડ, ‘બાટિક’ વગેરે સામાન ભરીને આવતું હતું તેને લૂંટી લીધું. ખાલી હાથે તો લંડન પાછા જવાય એવું નહોતું. અલ્લાઉદ્દીન શાહ એનાથી એટલો પ્રસન્ન હતો કે એણે આ લૂંટ તરફ આંખ આડા કાન કર્યા. હિંદુસ્તાની કાપડની માંગ હજી યુરોપમાં નહોતી. પરંતુ એશિયામાં એની લોકપ્રિયતા બહુ હતી અને નાણાને બદલે એનો ઉપયોગ સાટા તરીકે થતો. લૅંકેસ્ટર પાસે માલ ખરીદવા ૨૦,૦૦૦ પૌંડનું સોનું અને છ હજાર પૌંડ જેટલી લંડનના માલના બદલામાં મળેલી રકમ હતી. ભારતનું કાપડ લંડન લઈ જાય તો બહુ કમાણી થવાની નહોતી એટલે એણે પૈસા બચાવી લીધા અને અમુક પ્રમાણમાં ભારતીય કાપડ સાટામાં કિંમત તરીકે ચૂકવ્યું.

લૅંકેસ્ટર આસેહનું મહત્ત્વ સમજ્યો અને એણે ત્યાં ઈસ્ટ ઇંડિયા કંપનીની પહેલી ‘ફૅક્ટરી” સ્થાપી. તે પછી એ બૅન્ટમ થઈને જાયફળના ટાપુ પુલાઉ રુનમાં સ્થાપિત થયો.

જો કે લંડનમાં પહેલી સફરની કોઈ ખાસ અસર નહોતી. તેજાનાનો પુરવઠો મોટા વેપારને લાયક નહોતો.તે પછી કંપનીએ બે ખેપ કરી ત્યારે મરીનો બહુ મોટો જથ્થો હતો. તેમ છતાં, પરંતુ લંડન પહોંચ્યા પછી બહુ મોટો નફો કરવાની કંપનીની મુરાદ મનમાં જ રહી ગઈ.

આ બાજુ ૧૬૦૩ના અંતમાં રાજા જેમ્સે પણ કોઈ જહાજ પર હુમલો કરીને એનો બધો માલ લૂંટી લીધો હતો! એની પાસે મરીનો પુરવઠો એટલો બધો હતો કે એણે જ્યાંસુધી પોતાનો માલ વેચાય નહીં ત્યાં સુધી કંપનીના માલને બજારમાં ન મૂકવાનો હુકમ કર્યો. કંપનીએ એ હુકમ માનવાનો જ હતો. ડાયરેક્ટરોએ વાંધો લીધો અને શેરહોલ્ડરોને ડિવિડન્ડ તરીકે મરી આપ્યાં. આમ મરીનો મોટો સ્ટૉક બહાર આવી જતાં એના ભાવ અડધા થઈ ગયા! શેરહોલ્ડરો માટે મુસીબત ઊભી થઈ. આમ પણ નવી કંપનીમાં હજી નાણાં રોકતાં લોકો ગભરાતા હતા એટલે એક સફર માટે લોકો નાણાં રોકતા. જે મૂળ ૨૧૮ જણે કંપની શરૂ કરવા અરજી કરી હતી તે લોકોએ પણ માત્ર એક સફર માટે રોકાણ કર્યું હતું. દર વખતે નવી સફર માટે કંપનીએ ફરી ભંડોળ ઊભું કરવું પડતું. કંપનીનું માળખું પણ બરાબર નહોતું. એક ગવર્નર, એક ડૅપ્યુટી ગવર્નર અને ૨૪ ‘કમિટી’ (એટલે કે કમિટીના સભ્યો જે ‘કમિટી”ના નામે જ ઓળખાતા)થી કામ ચાલતું. કંપનીના નોકર તો માત્ર પાંચ હતા – એક સેક્રેટરી, એક કૅશિયર, એક સંદેશવાહક, એક સોલિસિટર અને એક જહાજની જરૂરિયાતોનો મૅનેજર!

૦-૦-૦

મુખ્ય સંદર્ભઃ

The Honourable Company: A History of the English East India Company by John Keay
Harper Collins Publishers EPub Edition © JUNE 2010 ISBN: 978-0-007-39554-5
Copyright © John Keay 1991.(ઇંટરનેટ પર ઉપલબ્ધ)


ઇંટરનેટ પરથી બીજીયે પૂરક સામગ્રી અને ફોટા લીધા છે જેના સંદર્ભ યોગ્ય સ્થાને મૂળ લેખમાં જ આપેલા છે. આ લેખ વ્યવસાયિક હેતુ માટે નથી અને સંદર્ભમાં દર્શાવેલાં પુસ્તકો અથવા ઇંટરનેટ પરથી લીધેલી માહિતીનો ઉપયોગ પણ વ્યાવસાયિક હેતુઓ માટે નથી કર્યો.


%d bloggers like this: