Aandhli Bhakti, Aandhala Vicharo

વેબગુર્જરી પર મારો નવો લેખ ‘મારી બારી (૨૯) શીર્ષક હેઠળ પ્રકાશિત થયો છે. લેખનું શીર્ષક છેઃ આંધળી ભક્તિ, આંધળા વિચારો.

લિંકઃ http://webgurjari.in/2014/11/25/maari-baari-29/

હરિયાણાના હિસારમાં ‘સંત’ રામપાલ અંતે અદાલતની કસ્ટડીમાં પહોંચી ગયો છે. ૨૦૦૬ના એક ખૂન કેસમાં એની ધરપકડ કરવાની હતી અને રાજ્ય સરકાર ટાળતી રહી હતી. છેવટે, પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના કડક આદેશ પછી ભારે પોલીસ દળ મોકલવું પડ્યું. એના ભક્તો આશ્રમમાં અડ્ડો જમાવીને બેઠા હતા અને એની ધરપકડમાં આડે આવતા હતા. દરમિયાન આશ્રમમાંથી પાંચ સ્ત્રીઓ અને એક બાળક મૃત અવસ્થામાં મળી આવ્યાં છે.

ભક્તો તો રામપાલને ભગવાનનો અવતાર માને છે અને એની સામે થયેલી કાર્યવાહી પછી પણ એમની શ્રદ્ધા ઓછી થાય કે એમની આંખ ખૂલી જાય એવી શક્યતા નથી. આપણે જે મહાન દેશની છાસવારે પ્રશંસા કરતાં થાકતા નથી, એ દેશની પ્રજા આવી કેમ છે, કે જે સામે આવ્યો તેનાં ચરણ પખાળવા મંડી જાય? આપણે જ્યારે આપણા ભવ્ય ભૂતકાળની વાત કરીએ છીએ ત્યારે માત્ર આપણી આધ્યાત્મિક સિદ્ધિઓ વિશે જ નહીં, વૈજ્ઞાનિક સિદ્ધિઓના દાવા પણ કરીએ છીએ. વૈજ્ઞાનિક સફળતાઓ અંધ ભક્તિથી ન મળે. સવાલ એ છે કે આપણે હંમેશાં આવા જ અંધ ભક્ત અને મૂર્ખ હતા કે પાછળના કોઈ સમયમાં બની ગયા?

આજે આવા બધા બાબાઓના આશ્રમો ચાલે છે અને એમાં એમની સાર્વભૌમ સત્તા છે. આ દેશનો કોઈ પણ કાયદો ઉદ્દંડતાથી તોડતાં આ બાબાઓ અચકાતા પણ નથી હોતા. કોઈ સેક્સ સ્કૅન્ડલમાં સપડાયા છે, તો કોઈ હત્યાઓમાં. પરંતુ ભક્તોની સંખ્યા ઘટતી હોવાનું જણાતું નથી. આપણે હજી નવા જમાનામાં પ્રવેશ્યા નથી. હજી સામંતવાદી વલણોમાંથી બહાર નથી આવ્યા. રાજા બધું કરી શકે. રાજાના બધા ગુના માફ. હવે રાજા ન રહ્યા તો બાબાઓ આવ્યા છે. એમના માટે લોકો પોતાના પ્રાણની પણ કુરબાની દેવા તૈયાર હોય છે.

આ દેખાડે છે કે આપણી પ્રજામાં સાચું-ખોટું સમજવાની ક્ષમતા નથી. આનો અર્થ એ જ છે કે આપણે પોતાની જ કહેવાતી સિદ્ધિઓ માટે પોતાની જ પીઠ થાબડતા રહેવાનું પસંદ કરીએ છીએ. આનો અર્થ એ પણ કે આપણામાં તટસ્થ વિશ્લેષણ કરવાની વૃત્તિ પણ નથી. જેવી આપણી આંધળી ભક્તિ છે, તેવા જ આંધળા વિચાર છે.

રામપાલ જેવો જ બીજો એક સંપ્રદાય છે, સચખંડ. હાલમાં એનું એક મૅગેઝિન વાંચવા મળ્યું. એક ભક્તે લખ્યું હતું કે ૧૯૮૪માં ૩૧મી ઑક્ટોબરે દિલ્હીમાં શીખવિરોધી રમખાણો થયાં તેમાંથી ગુરુજીએ એને બચાવી લીધો. કઈ રીતે? ગુરુજીએ એને ઇંદિરા ગાંધીની હત્યાથી પણ પહેલાં કહી દીધું કે ૩૧મીની સવારે એણે દિલ્હી છોડી દેવાનું રહેશે.. આ ભક્તસાહેબ દિલ્હીથી ગયા તે પછી ઇંદિરા ગાંધીની હત્યા થઈ અને રમખાણો શરૂ થઈ ગયાં. ગુરુજીની આગમવાણીથી ભક્તસાહેબ બચી ગયા. ગુરુજીના ચમત્કારથી તેઓ બહુ પ્રભાવિત થયા. પરંતુ એમને એ વિચાર ન આવ્યો કે આ ગુરુજીએ ઇંદિરા ગાંધીની હત્યા કેમ ન રોકી? બીજા શીખો એમના દુશ્મન હતા કે એ સૌને મરવા દીધા? પણ બસ, હું બચી ગયો એટલે ગુરુજી મહાન.

જ્યાં સુધી આપણે આસ્થાને માર્ગે જ સમસ્યાઓનાં સમાધાન શોધતાં રહેશું ત્યાં સુધી બાબાઓની જમાત મોટી ને મોટી થતી રહેશે. પાકિસ્તાનમાં પણ આવા બનાવો બને છે. પાકિસ્તાનના ગુજરાતમાં શાહ દૌલાની મઝાર પર રોજ દુઃખોમાંથી મુક્તિ ઝંખતા લોકોની ભીડ જામે છે. સ્ત્રીઓ સંતાન પ્રાપ્તિ માટે આવે છે, પણ જ્યારે એમને ગર્ભ રહે ત્યારે પહેલું સંતાન ‘ઉંદર- બાળ’ હશે. એટલે કે એ વિકલાંગ હશે. આ બાળક એમણે મઝારને આપી દેવાનું હોય છે. ભક્તો પહેલું બાળક સ્વસ્થ હોય તો પણ એને ઉંદરબાળ માને છે અને મઝારને આપી દે છે. એને ત્યાં વિકલાંગ બનાવી દેવાય છે અને એનો જુદી જુદી રીતે પૈસા કમાવા માટે ઉપયોગ થાય છે. ઇસ્લામમાં ચમત્કારોનો ઇન્કાર હોવા છતાં આવું ચાલ્યા કરે છે. બીજી બાજુ, આપણે તો ચમત્કારને બહુ સામાન્ય વાત માનીને ચાલીએ છીએ.

આમાં એક નવો વળાંક આવ્યો છે. આપણી બડાઈખોરી એટલી હદે પહોંચી છે કે આપણે કથાઓને – માઇથોલૉજીને – ભારતમાં વૈજ્ઞાનિક વિકાસનું ઉદાહરણ માનીએ છીએ. માઇથોલૉજી આપણી પરંપરાનો એક બહુ મહત્ત્વનો ભાગ છે. એના વિના ધર્મની વાતો સૂકી બની જશે. પરંતુ માઇથોલૉજી પોતે ધર્મ પણ નથી અને વિજ્ઞાન પણ નથી. હાલમાં જ આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતમાં પ્લાસ્ટિક સર્જરી થતી હતી. સત્ય એ છે કે વડા પ્રધાન એમના જીવનમાં એટલા સક્રિય રહ્યા છે કે એમને આ વિષય પર અલગ વિચાર કરવાનો કદી સમય નહીં મળ્યો હોય એટલે એમનો અભિપ્રાય અહોભાવથી પીડિત સામાન્ય માણસના વિચારોના સ્તરે છે એ સ્પષ્ટ છે. ગણેશના માથાની જગ્યાએ હાથીનું માથું બેસાડવા માટે પ્લાસ્ટિક સર્જનો જોઈએ. આપણે વિજ્ઞાનની ભાષામાં બોલતાં એક મિથકમાંથી બીજા મિથકમાં કેવા સરકી પડીએ છીએ તેનું આ ઉદાહરણ છે. પહેલું મિથક તો માણસ પર હાથીનું માથું ગોઠવાયેલું હોય તે છે. બીજું મિથક એ છે કે આપણે ત્યાં પ્લાસ્ટિક સર્જનો હતા.પણ આવો તો કોઈ ઉલ્લેખ આપણાં પુરાણોમાં નથી મળતો. આ જ્યાં સુધી કથા હોય ત્યાં સુધી તો એનાં અર્થઘટનો કરી શકાય અને પ્રતીક તરીકે વાજબી પણ ઠેરવી શકાય. પણ એની સાથે ભક્તિભાવ જોડીને આપણે એને ધાર્મિક વાસ્તવિકતા આપીએ છીએ એટલું જ નહીં, પ્લાસ્ટિક સર્જરીની આખી પદ્ધતિ સમજ્યા વિના એનું અસ્તિત્વ પહેલાં હતું એમ કહેવું એ તો માઇથોલૉજીને વૈજ્ઞાનિક વાસ્તવિકતા આપવા જેવું છે.આમ છતાં ગુજરાતના રૅશનાલિસ્ટોએ વિનયપૂર્વક વડા પ્રધાનનું ધ્યાન ખેંચવાના પ્રયાસ પણ નથી કર્યા જણાતા.

વડા પ્રધાને ખરેખર વિજ્ઞાનની દિશામાં થયેલી પ્રગતિનો ઉલ્લેખ કર્યો હોત તો વાત સમજી શકાઈ હોત. ચરક અને સુશ્રુત, આર્યભટ્ટ, વરાહમિહિર, ભાસ્કર, બ્રહ્મગુપ્ત વગેરે આપણા વૈજ્ઞાનિકો હતા.શૂન્યની શોધ ભારતે કરી એ વાત આવી હોત તો બહુ સારું થાત. આ બધા વૈજ્ઞાનિકો વચ્ચે સદીઓ કેમ નીકળી ગઈ, દરેકની પાછળ એક પરંપરા કેમ ન બની, આ નામો માત્ર આપણી વિજ્ઞાનહીનતામાં અપવાદ તરીકે જ કેમ સામે આવે છે તે સમજવાનો તો આપણે પ્રયાસ પણ નથી કરતા. માઇથોલૉજીનો અર્થ બેસાડવાના પ્રયાસથી નવાં મિથકોનો જન્મ થાય છે. આપણી આસપાસ અનેક આવાં મિથકો બાબાઓના રૂપે ફેલાયેલાં છે. આપણે એમને સાચા અર્થમાં સમજી શકીએ તો એમના પ્રભાવોમાંથી મુક્ત પણ થઈ શકીએ. પરંતુ, અફસોસ, આપણને મિથકોને સત્ય માનવાની ટેવ છે.

આપણી ભક્તિ જેમ આપણા વિચારો પણ આંધળા છે. માઇથોલૉજીમાંથી આપણે એક નિરાધાર તારણ તો કાઢ્યું કે ભારતમાં પ્લાસ્ટિક સર્જરી હતી. પરંતુ એમાંથી સત્ય શોધવાનો પ્રયત્ન કર્યો? સત્ય એટલું જ છે કે ગણેશ અથવા ગણપતિ એક ગણના નેતા હતા. આવા કેટલાયે ગણ હતા અને કેટલાયે ગણપતિ હતા. આમાંથી એક ગણનું પ્રતીક હાથી હતું.

આવી જ એક કથા રામાયણમાં છે. રામ-રાવણના યુદ્ધમાં લક્ષ્મણ મેઘનાદના પ્રહારથી બેભાન થઈ ગયા છે અને મૃત્યુને આરે પહોંચી ગયા અથવા, કથા કહે છે તેમ મૃત્યુ પામ્યા છે. એક માત્ર સુષેણ વૈદ્ય આનો ઉપાય જાણતા હતા. એમણે લક્ષ્મણને સજીવન કરવા માટે એક પર્વત પરથી સંજીવની જડીબુટ્ટી લાવવા કહ્યું. હનુમાન આ કામ કરી શકતા હતા. એ ગયા પણ વનસ્પતિને ઓળખી ન શક્યા એટલે આખો પર્વત ઊંચકી લાવ્યા !

(ખરેખર તો વાલ્મીકિ રામાયણમાં આ કથા જ નથી. એટલે માઇથોલૉજીની અંદર પણ આપણે માઇથોલૉજી પેદા કરી છે ! વાલ્મીકિ રામાયણના યુદ્ધકાંડના ૪૫થી ૫૦ સર્ગ વાંચવા વિનંતિ છે. આમ છતાં આ કથા મૂળ કથા કરતાં પણ વધારે પ્રસિદ્ધ છે એટલે એનું મહત્ત્વ ઓછું નથી).

આ માત્ર કથા છે અને શ્રોતાઓ અને વાચકો પ્રભાવિત થઈ શકે છે. આમાં સત્ય શું? સત્ય એટલું જ છે કે આપણાં જંગલોમાં અને પહાડો પર ઊગતી વનસ્પતિઓમાં કદાચ જીવનદાન આપી શકે એવી કેટલી બધી ઔષધિઓ છે ! આપણે આ સત્યની પાછાળ ગયા હોત તો? બસ, હનુમાન પર્વત ઉપાડી લાવ્યા તે જાણીને પ્રસન્ન વદને “જય જય જય હનુમાન ગુંસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાંઈ” ગાવામાં મસ્ત થઈ જઈએ.

આદિવાસીઓ જંગલોમાં રહે છે. જડીબુટ્ટીઓ વિશે એમનું જ્ઞાન અગાધ છે. એક માત્ર જયકૃષ્ણ ઇન્દ્રજી એવા નીકળ્યા કે જેમણે બરડા ડૂંગરની દરેક વનસ્પતિનો અભ્યાસ કરીને એના ગુણધર્મો વિશે પુસ્તક લખ્યું. બાકી આપણે સૌ તો માઇથોલૉજીને સત્ય માનવામાંથી ઊંચા આવીએ ત્યારે સમજીએ ને કે આમાંથી તો આદિવાસીઓની જીવનશૈલીનું જતન કરવાનો, જંગલોનું જતન કરવાનો સંદેશ મળે છે. જંગલોનો નાશ થવાની સાથે આયુર્વેદનો પણ નાશ થશે. આપણી ભક્તિ પણ આંધળી છે અને વિચારો પણ આંધળા છે. સીધા માર્ગે જતા જ નથી.

ચિંતા ન કરશો. આપણે ત્યાં રામપાલો, આસારામો,અને…અને…અને…અનેક ધધૂપપૂઓ પેદા થયા જ કરશે.

 

From KaNada to Higgs

ડૉ. પરેશ વૈદ્યને મેં હિગ્સ બોસોન વિશે લખવા કહ્યું, પરંતુ એમનો જવાબ હતો કે આ વિશે બહુ લખાયું છે. મેં કહ્યું કે પ્રયોગ વિશે તો લખાયું છે પરંતુ સ્ટૅન્ડર્ડ મૉડેલ કેમ વિકસ્યું તેનો ઇતિહાસ તો રસપ્રદ છે. એમણે તૈયારી દેખાડી. આ નાનો લેખ એનું પરિણામ છે. એમનો આગ્રહ હતો કે કણાદ વિશે મેં થોડી વધારે જાણકારી આપી, એવો ઉલ્લેખ પણ ખાસ કરવો. બસ, તે સિવાય આ લેખ એમનો જ છે. મૂળ વાત એ છે કે લાર્જ હેડ્રોન કોલાઇડરમાં પદાર્થ અને બળ, એમ બેય બાબતોને સમજવાનો પ્રયાસ થયો છે. તો આવો, આપણે વિશ્વની રચના સમજવાના આપણા પ્રયાસોનાં સીમાચિહ્નો પર નજર નાખતા બિગ બૅંગની નજીક પહોંચીએ.

કણાદથી હિગ્સ સુધી

ડૉ. પરેશ વૈદ્ય

હિગ્સના બોસોન (કહેવાતા ’ગોડ પાર્ટિકલ’) વિશે પેપરોમાં અને બ્લોગ વિશ્વમાં બહુ ચર્ચા થઈ. ’ગુજરાતી વર્લ્ડ’માં શ્રી ઉર્વીશ કોઠારીએ પોતાના બ્લોગ પર જે લખ્યું તે ભાઈ દીપકે વાંચવા મોકલ્યું. બીજાં લખાણો કરતાં તે વધુ ગમ્યું કારણ કે એમાં આ શોધનો પૂર્વાપર સંબંધ બાધી આપેલો. તેમાં જ થોડું વધુ ઉમેરવાનો અહીં પ્રયત્ન કરીશું. 

 જે વાત આજ સુધી નથી કહેવાઈ તે એ કે આ શોધમાં કુદરતનાં બે પાસાં સમજવાનો પ્રયત્ન છે, અથવા કહો કે તક છે: એક તો, દ્રવ્યનું સ્વરૂપ અને બીજું, કુદરતી બળોનુ સ્વરૂપ.  આપણી આસપાસ જે કોઇ પદાર્થો છે તે શાના બનેલા છે તે વિશે તાત્વિક ચર્ચા તો જૂની છે. તે વિશે નક્કર વાત અહીં કણાદ ઋષિએ કરી. કણાદ આજથી લગભગ અઢી હજાર વર્ષ પહેલાં થઈ ગયા.મોટા ભાગના વિદ્વાનો એમને ગૌતમ બુદ્ધના સમકાલીન અથવા પુરોગામી માને છે. એ વખતમાં અધ્યાત્મ સિવાય પ્રકૃતિના સ્વરૂપને સમજવાના ઘણા પ્રયત્ન થતા હતા એ ખાસ ઉલ્લેખ માગી લે તેવી વાત છે. કણાદ ઋષિએ કહ્યું કે દરેક પદાર્થ અણુઓનો બનેલો છે અને અણુ અવિભાજ્ય હોય છે. એમણે દ્રવ્ય, ગુણ અને કર્મનું વિવેચન કર્યું અને દ્રવ્યના નવ પ્રકાર દેખાડ્યા. મન અને આત્માને પણ એમણે દ્રવ્યરૂપ માન્યાં છે! કણાદે કહ્યું કે કર્મનો દ્રવ્ય પર પ્રભાવ નથી. કર્મ માત્ર સંયોજન, વિભાજન, ગતિ માટે જવાબદાર છે. આમ એમણે દ્રવ્યને સ્વાધીન માન્યું. તે પછીના કાળમાં આપણે પ્રકૃતિ (matter) વિશે વિચારવાનું વલણ ઓછું થતું ગયું.

તે પછી આજથી બે હજાર વર્ષ પહેલાં ગ્રીક ચિંતક ડેમોક્રીટસે અણુની કલ્પના કરી. પરંતુ આજના અણુવિજ્ઞાનનો પાયો તો પશ્ચિમમાં ઘણા વખત પછી ડાલ્ટન (૧૭૬૬-૧૮૪૪)ના પરમાણુવાદ સાથે નંખાયો. ડાલ્ટન રસાયણશાસ્ત્રી હતા. એમણે કહ્યું કે દરેક પદાર્થ પરમાણુ નામના સૂક્ષ્મ કણોનો બનેલો છે અને એક તત્વના બધા પરમાણુ એકસમાન હોય છે. આ પરમાણુઓ નિયત પ્રમાણમાં જોડાય ત્યારે સંયોજન બને છે. રાસાયણિક પ્રક્રિયાથી અણુઓની નવી ગોઠવણી થાય છે, પણ મૂળ પરમાણુમાં કશો ફેરફાર થતો નથી. આમ ડાલ્ટન કણાદ કરતાં બહુ જુદા નથી પડતા, પરંતુ આપણે ત્યાં તો આ વિજ્ઞાન ઝરણું સદીઓ પહેલાં સુકાઈ ગયું હતું. પરમાણુના સ્વરૂપ બાબતમાં આ બધી ધૂંધળી કલ્પનાઓ હતી..

લાંબી યાત્રાનાં શરૂઆતનાં ડગલાં

૧૮૯૮માં બ્રિટિશ ભૌતિકવિજ્ઞાની જે. જે. થોમસન કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ‘કૅથોડ કિરણો’નો અભ્યાસ કરતા હતા ત્યારે એમને સ્ફૂર્યું કે આ કિરણ તો ખરેખર પરમાણુ કરતાં પણ નાના કણોનો પ્રવાહ છે. આ કણ એટલે ઇલેક્ટ્રોન. પ્રયોગો પરથી નક્કી થયું કે એનો ઋણ વીજભાર હતો.

૧૯૧૧માં રુધરફોર્ડે સાબીત કર્યું કે. પરમાણુનો બીજો હિસ્સો તે તેની નાભિ, તેનો ધન વીજભાર હોય. બીજી બાજુ ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર. આમ, પરમાણુનો કુલ વીજભાર શૂન્ય થાય. નાભિને ધન ભાર મળે એની અંદરના પ્રોટોન નામના કણોથી. હાઇડ્રોજનનો પરમાણુ એટલે સૌથી સાદો પરમાણુ: નાભિમાં એક પ્રોટોન હોય અને એની  બહાર ફરે એક ઇલેક્ટ્રોન.  મેન્દેલ્યેવે શીખવ્યું કે એક એક પ્રોટોન વધારતા જાઓ તેમ આગળના તત્વનો પરમાણુ મળતો આવે. હાઇડ્રોજન પછી હિલિયમ, પછી લિથિયમ વગેરે. પરંતુ પરમાણુની રચનામાં એક પ્રશ્ન આવ્યો. સમાન વીજભારવાળા બે પ્રોટોન નાભિની અંદર એક સાથે કેમ રહી શકે? બન્ને વચ્ચે ખૂબ અપાકર્ષણ થવું જોઇએ. કુલંબના નિયમ મુજબ જેમ અંતર ઓછું તેમ અપાકર્ષણ વધુ તીવ્ર. લગભગ અડકીને બેઠેલા બે પ્રોટોન તો દૂર ફેંકાઈ જવા જોઇએ. 

છેક ૧૯૩૨માં ન્યુટ્રોન આવ્યો. એ પણ નાભિની અંદર જ પ્રોટોન જોડે રહે. એને વીજભાર નહિ પણ વજન ખરૂં. એ તટસ્થ (Neutral) છે. એને વીજભાર નથી એટલે જ એનું નામ ન્યૂટ્રોન રાખવામાં આવ્યું.

આ તબક્કે દુનિયાની દૃષ્ટિએ તો પરમાણુની રચના પૂરી થઈ. ત્રણેય કણોના અસ્તિત્વની સાબિતીઓ પણ મળતી રહી. ન્યુટ્રોનના અસ્તિત્વની વ્યાવહારિક સાબિતી એટલે હિરોશિમાનો બોમ્બ. પરંતુ ભૌતિક્શાસ્ત્રીઓ માટે આ રચનામાં હજી પણ કેટલાક કોયડા હતા. તેની વાત કરવા કુદરતની એક બીજી રાશિ તરફ઼  જઈએ.

પ્રકૃતિમાં કણ ઉપરાંત બળ પણ છે

આ રાશિ તે બળ,  અંગ્રેજીમાં ’ફોર્સ’. માણસને યાંત્રિક બળનો તો અનુભવ હતો. ધક્કો મારો ને કોઇ પડી જાય તેવુ બળ. પણ એ વિશ્વની ચાલનાનું બળ નથી. બીજા બળોમાંથી ઉપજાવેલ બળ છે. વૈજ્ઞાનિક વિચાર શરૂ થયા બાદ માણસે પ્રકૃતિમાં ત્રણ બળને ઓળખ્યાં. વીજ બળ, ચુંબક બળ અને ગુરુત્વાકર્ષણનું બળ. છેક ઇ.સ.૧૬૬૬માં ન્યુટને ગુરુત્વબળની વાત કહી. કોઇ ધક્કો મારે તો નીચે પડીએ તે આને કારણે – અને પાણીના ધોધમાં શક્તિ છે તે પણ આને કારણે. કુદરતની ઘટનાઓમાં આમ તે મૂળભૂત (fundamental) બળ થયું. તે પછી દોઢસો વર્ષે ફેરેડેએ એવું દર્શાવ્યું કે વીજ બળ અને ચુંબકીય બળ એક જ સિક્કાની બે બાજુ છે. કોઇ તારમાંથી વીજળી વહે ત્યારે તેની બહાર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. વાસ્તવમાં એક વીજ-ચુંબકીય બળ (Electro-magnetic force) જ છે, જે  કુદરતનું બીજું પાયાનુ બળ છે.

 આપણે કુલંબનો નિયમ તો જોઈ લીધો. એના પ્રમાણે બે પ્રોટોન વચ્ચે અપાકર્ષણ થવું જોઈએ. આમ ન થવાના કારણરૂપ બીજાં બે બળો વૈજ્ઞાનિકોએ દાખલ કર્યાં. Strong force અને Weak force – મજબૂત બળ અને દુર્બળ બળ. એવાં જ એનાં નામ છે. સ્ટ્રોંગ ફોર્સ બે નાભિકણો વચ્ચેનું આકર્ષણ સમજાવે જ્યારે વીક ફોર્સનું કામ નાભિમાંથી નીકળતા કિરણોત્સર્ગની સમજ આપવામાં – મુખ્યત્વે બીટા કિરણોના ઉત્સર્જન બાબત કેટલીક ગૂંચો ઉકેલવામાં. તેને માટે ન્યુટ્રિનો નામના કણનું અસ્તિત્વ પણ ઉપજાવી કાઢવું પડ્યું.  

આમ બહારના વિશ્વને સમજાવવા બે બળો (ગુરુત્વ અને વીજચુંબકીય) તેમ જ અંદરના સુક્ષ્મ વિશ્વને સમજાવવા જુદાં બે બળો. વૈજ્ઞાનિકો આ ચાર બળોની ધારણા સાથે આજ સુધી તો ટકી રહ્યા છે. ચારેયને ગણિતની મદદથી કોઇ સામાન્ય સૂત્રમાં બાંધી લેવાની કલ્પના આઇન્સ્ટાઇને કરી હતી. તેને ’યુનિફાઇડ થિઅરી ઓફ ફીલ્ડ્સ’ કહે છે. પરંતુ તેમના જીવનકાળ દરમ્યાન તેમાં સફ઼ળતા ન મળી. ત્યાર પછી પાકિસ્તાની મૂળના ભૌતિક્શાસ્ત્રી અબ્દુસ સલામે આ ક્ષેત્રે મહત્વનું કાર્ય કરી નામ કાઢ્યું. આજની તારીખે ગુરુત્વાકર્ષણ સિવાયનાં ત્રણ બળોને એક તાંતણે બાંધી શકાયાં છે.

 કલ્પનાઓ સાકાર થઈ

નાભિકીય બળોના પ્રસ્તાવ પછી વિજ્ઞાનનાં આ ક્ષેત્રમાં કલ્પનાશક્તિનું તત્વ વધારે પ્રમાણમા દેખાવા લાગ્યું. કુદરતની ઘટનાઓને સમજાવવા વૈજ્ઞાનિકોએ નવા નવા નિયમો અને કન્સેપ્ટ બનાવવા માંડ્યા, કે પછી તેની પ્રાયોગિક સાબિતી શોધવા માંડી. પ્રોટોન અને ન્યુટ્રોનને જોડેલા રાખવા મેસોન નામના કણની કલ્પના કરી. પ્રોટોનમાંથી મેસોન બહાર જાય તો તે ન્યુટ્રોન બની જાય અને ન્યુટ્રોનને મેસોન મળે તો તે પ્રોટોન બની જાય. આમ તો આ નરી કલ્પના જ હતી. પરંતુ વિવિધ પ્રયોગોમાં આવા મેસોન કણો મળી પણ આવ્યા, તેથી કલ્પના સાચી હતી તેમ માનવું પડ્યું.

મેસોન એટલે મધ્યમ વજનના કણો. ઇલેક્ટ્રોન બહુ સૂક્ષ્મ. તેનાથી આશરે ૧૮૦૦ ગણા વજનના ન્યુટ્રોન અને પ્રોટોન. મેસોન ઘણા મળી આવ્યા જે ઇલેક્ટ્રોન કરતાં ૧૮૦ થી ૫૦૦ ગણા ભારે હતા. આ પરથી તેઓનું નામ પડ્યું. ત્યાર સુધી શોધાયેલા બધા કણોને ’એલિમેન્ટરી પાર્ટિકલ’ કહેવાયા. એ દ્રવ્યના છેલ્લા કણ, એ તૂટે નહિ. પણ પછી એવું થયું કે પ્રયોગો કરતે કરતે નવા નવા મેસોન મળતા ગયા અને ઢગલાબંધ એલિમેન્ટરી પાર્ટિકલોથી ચિત્ર ઘણું સંકુલ થઈ ગયું. અને તેમ છતાં અમુક તથ્યો સમજાવી ન શકાયાં, તેથી અસમંજસ ચાલુ હતી.

એટલે વળી એક નવી કલ્પના આવી. પ્રોટોન અને ન્યુટ્રોન જે પાયાના કણો મનાયા હતા તેય હવે કોઇ બીજા કણોની ગોઠવણથી બને છે તેવું નક્કી થયું. આ માટે ક્વાર્ક નામે નવા કણોની રચના (કે કલ્પના) થઈ. ક્વાર્ક આધારિત થિયરીને પૂરી વિકસતાં થોડો વખત ગયો અને જે આખી ગોઠવણ બહાર આવી તે સ્ટાન્ડર્ડ મોડલ, જેની વાત હમણાં થતી રહી છે. તે મુજબ ક્વાર્કના છ પ્રકાર – કહો કે એવા છ ગુણધર્મ –  ધારવામાં આવ્યા: અપ અને ડાઉન, ટૉપ અને બોટમ, ચાર્મ અને સ્ટ્રેન્જ ક્વાર્ક. સાચી અમેરિકન સ્ટાઇલમાં આ પ્રકારોને ક્વાર્કોની ’ફ્લેવર’ કહેવાઇ!

એક અપ અને બે ડાઉન ક્વાર્ક મળીને પ્રોટોન બને તથા બે અપ અને એક ડાઉન મળીને એક ન્યુટ્રોન બને. અગાઉ કણોને જોડવાનું જે કામ મેસોન કરતા હતા હવે તે ગ્લુઓન નામે કણો કરશે. નામ પ્રમાણે એ ત્રણ ક્વાર્કને ચોંટાડશે, જેનાથી ન્યુટ્રોન કે પ્રોટોન બને.

આટલી ગોઠવણ ભારે કણો માટે. હલકા કણો (ઇલેક્ટ્રોન, ‘મ્યુ’ મેસોન અને ‘ટો’ મેસોન)ને લેપ્ટોન કહેવાયા. એ ત્રણેયના  સંલગ્ન  ત્રણ ન્યુટ્રિનો. આમ આ છને પણ અવિભાજ્ય મૂળ કણો માની લેવાયા. છ ક્વાર્ક અને છ લેપ્ટોન મળી જે ગ્રૂપ થયુ તે ફર્મિઓન. આ ૧૨ કણો વડે નાભિની અંદરની  બધી વાત સમજાવી શકાશે તેમ મનાયું. તે પછી ચાર બળોનુ વહન કરતા ચાર કણો. એ ચાર બોસોન કણો છે.

ભૌતિક્શાસ્ત્રમાં અગાઉ બળનું ક્ષેત્ર રહેતું; જે તેમાં દાખલ થાય તેને બળ લાગે. પણ ક્વોન્ટમવાદ આવતાં બળ પણ ભાવવાચક અને સતત રાશિ ન રહેતાં ’ક્વોન્ટાઇઝ્ડ’ થયું. તેનાં પણ નાના પડીકાં – પેકેટ્સ – હોય. વીજચુંબકીય બળ એનું ઉદાહરણ. પ્રકાશ કે ‘ક્ષ’ કિરણોના વાહક ફોટોન છે. ક્વોન્ટમવાદે કણ અને કિરણ, બન્નેની હાજરી સ્વીકારી.  ૧૨ ફર્મિઓન અને ચાર બોસોનનાં સ્ટાન્ડર્ડ મોડલના બોસોનમાંથી એક બોસોન તે આ ફોટોન. વીજચુંબકીય બળનો વાહક. પછી ગ્લુઓન તે સ્ટ્રોંગ ફોર્સનો વાહક. અગાઉ જોયું તેમ એ પ્રોટોન- ન્યુટ્રોનને જોડે. છેલ્લા બે ’W ’ અને ’ Z’ બોસોન તે નબળાં બળના વાહક. પહેલા ત્રણની સીધી કે આડકતરી સાબિતી મળી હતી અને હિગ્સ બોસોનની બાકી હતી. તેના માટે LHC કોલાઇડર પર કામ ચાલ્યું.   

 શક્તિશાળી મશીનો શા માટે?

        પરમાણુ અને નાભિની અંદરની પ્રક્રિયાઓ જાણવા માટે છેલ્લાં ૬૦ વર્ષમાં વિવિધ પ્રકારનાં મશીનોનો ઉપયોગ થયો. વોન દ ગ્રાફ જનરેટર, લિનીઅર એક્સીલરેટર, સાઇક્લોટ્રોન, સિંક્રોટોન વગેરે. જીનિવા જેવા કોલાઇડર પણ બન્યા અથવા બનતે બનતે અધૂરા છોડી દેવાયા. દરેક્માં પ્રોટોન કણો કે આલ્ફા કણો કે પછી આખા પરમાણુઓને જ દોડાવીને અથડાવવામાં આવે. દરેક મશીનમાં ઊર્જા અગાઉ કરતાં વધારે. આવું શા માટે? અણુથી પરમાણુ, તે પછી નાભિ પછી પ્રોટોન અને ત્યાંથી ક્વાર્ક – એમ જેમ જેમ સૂક્ષ્મ સ્તરે જતા જઈએ તેમ તેમ ત્યાં રાશિઓ વધુને વધુ મજબૂત રીતે જકડાયેલી હોય છે.  આથી તેને છોડાવવા કે તોડવા માટે વધુ ઊર્જાની જરૂર પડે. નાભિને તો આપણે તોડી શકતા હતા, હવે પ્રોટોનને તોડીને અંદર ડોકિયું કરવાની વાત હતી. તેથી જ LHC જેવું મોટું યંત્ર જરૂરી બન્યું. પ્રોટોન અને એનાથી ભારે કણ હોય તે હેડ્રોન વર્ગના કણ ગણાય છે. હેડ્રોન વર્ગના કણ સ્ટ્રોંગ ફોર્સને કારણે જોડાયેલા ક્વાર્કોના બનેલા હોય છે.

આ વાતને એક બીજી રીતે પણ જોઇ શકાય.  આપણે બ્રહ્માંડની ઉત્પત્તિના વખતનું ચિત્ર ઉપસાવવા માગીએ છીએ. એ વખતે પ્રચંડ ઊર્જા અસ્તિત્વમાં હતી. સાથેનુ ચિત્ર જોશો તો જણાશે કે સમયની રેખા પર બિગ બૅંગના ધડાકાથી આગળ બ્રહ્માંડની રચના તરફ જતા જાઓ તેમ ઉષ્ણતામાન ઘટતું જાય છે. આપણે જે યાત્રા કરી તેમાં સ્થૂળથી સૂક્ષ્મ તરફ ગયા અને પરમાણુ સુધી પહોંચ્યા. તે પછી પરમાણુ પણ મૂળભૂત ઘટક નથી એ સમજાયું એટલે એની અંદર પણ કણો શોધી કાઢ્યા અને પરમાણુ કેમ બન્યો તે સમજ્યા. હવે કોઈ એક સમય તો એવો હશે જ ને કે જ્યારે પરમાણુ ન બન્યો હોય અને માત્ર આ કણો હોય!

ઉષ્ણતામાન એ વખતે ભટકી રહેલા કણોની ઉર્જા પણ બતાવે છે. ઊંચા ઉષ્ણતામાને કણો વધુ ગતિએ ફરતા હોય. હવે જે ઉષ્ણતામાનની ઘટનાનો અભ્યાસ કરવાનો હોય તેને સમકક્ષ ઉર્જાની જરૂર પડે. આથી જેમ જેમ ઉર્જા વધુ તેમ ટાઇમ લાઇન ઉપર બિગ બૅંગની વધુ નજીકની ઘટનાઓનો અભ્યાસ તમે કરી શકો.

(સૌજન્યઃ ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર (BARC)નો ન્યૂઝલેટર નં.૩૦૦, પૃષ્ઠ ૨૫, જાન્યુઆરી ૨૦૦૯)

 ઉપસંહાર

આટલી ઉર્જાનાં મશીનો બનાવવાં અને ચલાવવાં એટલાં ખર્ચાળ કે એ કામ સહિયારા પ્રયત્નોથી જ થાય. માત્ર ઉત્કંઠા સંતોષવા માટે થનારી આ રીસર્ચ મોંઘી છે.  આથી જ અમેરિકાએ પોતાના કોલાઇડર બનાવ્યા જ્યારે યુરોપે સામુહિક યંત્ર બનાવ્યું. તેના કાર્યનો કોઇ વ્યાવહારિક ઉપયોગ તો એકાદ સદી પછી જ આવે, એટલે તાત્કાલિક એવાં કોઇ સપનાં સેવવાં નહિ. આપણે જ્ઞાનની શોધમાં બિગ બૅંગની નજીક પહોંચી ગયા છીએ પરંતુ હજી બિગ બૅંગની પહેલી ક્ષણ પાસે તો નથી પહોંચ્યા, જ્યાંથી આપણા સમયની શરૂઆત થાય છે. પરંતુ વિજ્ઞાન પોતાનાં દ્વાર કદી બંધ કરતું નથી.  આપણે કણાદથી હિગ્સ સુધી તો પહોંચી આવ્યા છીએ પરંતુ હિગ્સ પણ માત્ર એક પડાવ જ છે. xxx

 

 

 

 

 

 

 

 

       

 

 

 

 

 

 

 

 

 

 

 

 

       

 

 

 

 

 

 

 

 

       

 

 

 

 

 

 

       

 

 

 

E-mails vs Environment

ઇ-મેઇલ નિર્દોષ નથી!
પાંચમી નવેમ્બરના The HInduમાં એક ઉપયોગી લેખ વાંચવા મળ્યો. Speaking of science – E-mails not all that ‘green’ (http://www.thehindu.com/sci-tech/energy-and-environment/article2612323.ece). લેખક શ્રી ડી. બાલસુબ્રામનિયન અને ‘ધી હિન્દુ’એ આ લેખ દ્વારા આપણી સેવા કરી છે. લેખકના વિચારોને ફેલાવવાના ઉદ્દેશથી અહીં એનું ગુજરાતી રૂપાંતર મારા શબ્દોમાં આપું છું. મૂળ લેખમાં રસ હોય તેઓ આ લિંક પર જઈ શકે છે.લેખકની ઇ-મેઇલ આઇડી છેઃ dbala@lvpei.org.

આપણે માનીએ છીએ કે ઇ-મેઇલને કારણે કાગળની બચત થાય છે અને કાગળની બચત એટલે ઝાડની બચત, જંગલનું રક્ષણ. પર્યાવરણનું જતન. ઓછો કાર્બન ડાયોક્સાઇડ. શ્રી બાલસુબ્રામનિયનજીનો પણ એવો જ ખ્યાલ હતો. પરંતુ તેઓ લખે છેઃ ” સામયિક ‘સાયન્સ’ના હાલના અંકમાં એક ન્યૂઝ આઇટેમ જણાવે છે કે E-mails are not so green. એટલે કે ઇ-મેઇલ આપણે ધારીએ છીએ એટલા પર્યાવરણના સંરક્ષક નથી. યુરોપની સૌથી મોટી આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની, કમ્પ્યૂસેંટરના શ્રી મૅથ્યૂ યેગરનું કહેવું છે કે એક ઇ-મેઇલમાં ૪.૭ એમબીની ફાઇલ ઍટેચમેન્ટ તરીકે મોકલો ત્યારે, ચાની કીટલીને ૧૭.૫ ગણી ઉકાળવાથી જેટલા ગ્રીનહાઉસ વાયુઓ પેદા થાય એટલા આ એક ઇ-મેઇલથી પેદા થાય છે. ૧ એમબીના ઇ-મેઇલથી ૧૯ ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બને છે અને તમે દસ જણને ‘સીસી’ કરીને મોકલો ત્યારે એની અસર ૭૩ ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ જેટલી હોય છે. લેખક કહે છે કે “આ વાંચીને મને આશ્ચર્ય થયું, કારણ કે હું માનતો હતો કે લોકો સાથેના પત્રવ્યવહાર માટે ટપાલને બદલે મારૂં કમ્પ્યૂટર વાપરીને હું આપણા ગ્રહની સેવા કરૂં છું!” સાચી વાત છે. દિવાળીના અને એવા જ તહેવારો કે પ્રસંગોએ તો ઢગલાબંધ ઇ-મેઇલની આપ-લે થયા કરતી હોય છે!

લેખક ‘ધી ઍટલાન્ટિક’ મૅગેઝિનના ૧૨ ઑગસ્ટ ૨૦૧૦ના અંકમાંથી કીરા બટલરને ટાંકે છેઃ “ધારો કે, તમે ૨૦ જણને એક પિક્ચર મોકલો છો. એ દરેક ડાઉનલોડ કરશે. એના માટે કમ્પ્યૂટર, સર્વર, સ્ટોરેજ સેન્ટરોનો ઉપયોગ થશે, કદાચ કોઈ પ્રિંટર પણ વાપરે. આ બધાંમાં ઊર્જા વપરાશે અને એમાં કાર્બન ડાયોકસાઇડ ઉત્પન્ન થશે.” ફેસબુક પર દર સેકંડે એક હજાર ફોટા મુકાતા હોવાનો અંદાજ છે. હિસાબ કરીએ તો ખબર પડે કે કેટલી ઊર્જા વપરાઇ.

મૅથ્યૂ યેગરના શબ્દો ટાંકીને શ્રી બાલસુબ્રામનિયન કહે છે કે, આજે દુનિયામાં ૧.૨ ઝિટાબાઇટ (ZB) જેટલો ડૅટાનો સંગ્રહ થાય છે. એક ઝિટાબાઇટ એટલે ૧ પછી ૨૧ મીંડાં. આટલી સામગ્રી સાચવવા માટે મૅનહટન ટાપુનો પાંચમો ભાગ જેટલી જગ્યા રોકાય. અમેરિકાની બધી શૈક્ષણિક લાયબ્રેરીઓનાં પુસ્તકોને પાંચ લાખથી ગુણો એ્ટલી બધી સામગ્રી હોવા છતાં આપણે કઈં વિચારતા જ નથી. ૨૦૨૦ સુધીમાં ડૅટા સ્ટોરેજ ૩૫ ZB સુધી પહોંચી જવાની ધારણા છે.

બાઇટનું માપ દર વખતે હજારગણું વધતું જાય છે. મેગા એટલે દસ લાખ, ગિગા એટલે એક અબજ, ટેરા એટલે ૧ પાછળ ૧૨ મીંડાં,, પેટા એટલે ૧ પાછળ ૧૫ મીંડાં, એક્ઝા ૧ પાછળ ૧૮ મીંડાં, ઝિટા એટલે ૧ પાછળ ૨૧ મીંડાં અને યોટા એટલે ૧ પાછળ ૨૩ મીંડાં. આમ આંકડો કુદકે ને ભૂસકે આગળ વધતો જ જાય.

આમ, ઇ-મેઇલને નિર્દોષ ન કહી શકાય. એમાં પૂંછડું પણ જોડ્યું હોય તો તો એ ગજબનો અપરાધી બની જાય છે. યેગર જણાવે છે કે એક ૧૦૦ કર્મચારીવાળી કંપનીમાં દરેક કર્મચારી દરરોજ સરેરાશ ૩૩ મેઇલ મોકલે છે અને ૫૮ મેઇલ મેળવે છે. આ કંપની વરસેદહાડે ઇ-મેઇલને કારણે જે ગ્રીનહાઉસ વાયુઓ ઉત્પન્ન કરશે તેનું પ્રમાણ ૧૩.૬ ટન કાર્બન ડાયોક્સાઇડ જેટલું હશે. ફ્રાન્સની પર્યાવરણ એજન્સીનો અંદાજ છે કે એકસો કર્મચારીઓવાળી આ કંપનીઓ વરસમાં ઇ-મેઇલના પ્રમાણમાં માત્ર દસ ટકાનો કાપ મૂકે તો પણ કઈં નહીં તો એક પેરિસ-ન્યૂ યૉર્ક-પેરિસ વિમાની સફરને કારણે પર્યાવરણને થતા નુકસાનને સરભર કરી શકાય.

લેખક અહીં પોતાનો જાત-અનુભવ લખે છેઃ એમણે જ્હોન હૉપકિન્સના ડૉ. જેરિમી નૅથન્સને એક વ્યાખ્યાન આપવા હૈદરાબાદ આવવા આમંત્રણ આપ્યું. નૅથન્સે ઇ-મેઇલથી જવાબ આપ્યો કે બાલ્ટીમોરથી આવવા અને પાછા જવામાં, પર્યાવરણને નુકસાન થાય તેના માટે તેઓ તૈયાર નથી. તે પછી એમનું લાઇવ વીડિયો વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યું. લેખક કહે છે કે હવે આમ કરીને એમણે કેટલો કાર્બન ડાયોક્સાઇડ બચાવ્યો એનો મારે અંદાજ કાઢવો પડશે! ઇલેક્ટ્રોનિક કમ્યૂનિકેશનમાં કેટલી ઊર્જા વપરાય છે તે જાણવા માટે શ્રી બાલસુબ્રામનિયને http://whatsthisgottodowithstoragefiles.wordpress.com/2010/08/wired-uk-july-2009-internet-electricity.pdfની મુલાકાત લેવાની ભલામણ કરી છે. આ વેબસાઇટ જણાવે છે કે દર વર્ષે ૧૨૩ અબજ કિલોવૉટ/કલાક વીજળી માત્ર ઇંટરનેટના સર્વર ચાલુ રાખવા માટે વપરાય છે.

લેખક સમાપન કરતાં પૂછે છે કે આપણે શું કરી શકીએ? એમણે પોતે જ કેટલાંક સૂચનો કર્યાં છેઃ
૧). કમ્પ્યૂટરની મેમરી સ્પેસ ખાલી કરી નાખો. અવારનવાર ઇન અને આઉટ મેઇલ ડિલીટ કરતા રહો. નહીંતર સ્ટોરેજની જરૂર વધી જશે અને એના માટે વધારે વીજળીની જરૂર પડશે.
૨). તમારા તરફથી ઇ-મેઇલ મેળવનારની સંખ્યા મર્યાદિત કરી નાખો.
૩). ઍટેચમેન્ટની સાઇઝ ઘટાડી નાખો.
૪). સર્ચ એન્જિનનો ઉપયોગ કરવાને બદલે URL ઍડ્રેસ સીધું જ ઍન્ટર કરો. બહુ જરૂરી ન હોય ત્યાં સુધી ગૂગલ કે યાહૂ સર્ચ ન કરો.
૫). કમ્પૂટર કે ઍક્સેસરીઓને આખી રાત કામ વિના ચાલુ ન રાખો. ‘સ્લીપ મોડ’માં પણ વીજળી વપરાય છે, જેને તો આપણે અવશ્ય બચાવી શકીએ.
૬). લૅપટૉપ ૧૫-૬૦ વૉટ વીજળી વાપરે છે, જ્યારે ડેસ્કટૉપ કમ્પ્યૂટર ૨૫૦ વૉટ વીજળી ખાઇ જાય છે. બને ત્યાં સુધી ‘ઑફલાઇન’ કામ કરો.

તો, આમ છે. પરંતુ, આ લેખની લિંક તો આજ સુધી જેની સાથે સંપર્ક ન થયો હોય તેને પણ મોકલાવશો. સારૂં કરવા માટે એક વાર નાનું ખોટું સભાનપણે કરવામાં કઈં ખોટું નહીં! આવજો.

%d bloggers like this: