આપણી તકલાદી સાદી સમજ અને અહિંસાનું દર્શન (૧): ડૉ. દિલીપ સિમ્યન
આ નિબંધના લેખક ડૉ. દિલીપ સિમ્યન શ્રમ અને શ્રમિક સંબંધોના ઇતિહાસવિદ્ છે. ૧૯૬૬માં દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં નક્સલવાદ પ્રત્યે આકર્ષાયા અને સક્રિયપણે જોડાયા. જંગલોમાં ભટકતાં ક્રાન્તિનાં સપનાં સેવ્યા પછી ૧૯૭૧માં બાંગ્લાદેશની રચના થઈ ત્યારે પાર્ટીના દૃષ્ટિકોણ સાથે અસંમત થઈને પાછા ફર્યા અને અભ્યાસ પૂરો કરીને ૧૯૭૪માં દિલ્હીની રામજસ કૉલેજના ઇતિહાસ વિભાગમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. એક પ્રભાવશાળી વક્તા તરીકે દિલીપ વિદ્યાર્થીઓમાં બહુ લોકપ્રિય બન્યા. નિબંધમાં દર્શાવ્યા પ્રમાણે એ મહાત્મા ગાંધી તરફ વળ્યા અને ગાંધીના બની રહ્યા.
૧૯૮૪માં દિલ્હીમાં શીખ વિરોધી કત્લેઆમ વખતે એમણે કેટલાક સાથીઓ સાથે મળીને સાંપ્રદાયિકતા વિરોધી આંદોલન (SVA)ની સ્થાપના કરી. હાલમાં ડૉ. સિમ્યન ‘પીપલ્સ ઍલાયન્સ ફૉર ડેમોક્રેસી ઍન્ડ સેક્યૂલરિઝમ’ (PADS)ના એક અગ્રગણ્ય સભ્ય છે. તેઓ સૂરત યુનિવર્સિટી ઉપરાંત સસેક્સ, શિકાગો અને પ્રિન્સટન યુનિવર્સિટીના વિઝિટિંગ પ્રોફેસર છે. એમના અસંખ્ય લેખો પ્રકાશિત થયા છે. એમના બ્લૉગhttp://dilipsimeon.blogspot.in/ આધુનિક રાજકીય ઇતિહાસના જિજ્ઞાસુઓ માટે એક અખૂટ ખજાનો છે. એમની પહેલી નવલકથા ‘Revolution Highway’ અંગ્રેજી અને હિન્દીમાં ઉપલબ્ધ છે. એમનો સંપર્કdilipsimeon@gmail.com પર કરી શકાશે.
આ નિબંધ ૧૯૯૭માં લખાયેલો છે એટલે એ વખતની કેટલીયે ઘટનાઓનાં સમયાંક્નો બદલ્યાં નથી, કારણ કે મૂળ વિષયવસ્તુ એનાથી સ્વતંત્ર રહ્યું છે.
ડૉ. દિલીપ સિમ્યને અહિંસાની જે મીમાંસા કરી છે તેની ભૂમિકા રૂપે અહીં એક અવતરણ આપીએ છીએઃ
“બિરાદર, હું તારી હત્યા કરવા નહોતો માગતો….પણ પહેલાં તું મારા માટે એક વિચાર માત્ર હતો, એક અમૂર્ત વિચાર જે મારા મનમાં રહેતો હતો અને યોગ્ય પ્રતિક્રિયા આપવા મને પડકારતો હતો… હું તારી હૅન્ડ-ગ્રેન્ડ, બેયોનેટ, તારી રાઇફલનું જ વિચારતો હતો; હવે જોઉં છું કે તારી એક પત્ની છે, તારો એક ચહેરો છે, તારા મિત્રો છે. મને માફ કર, બિરાદર. આપણે હંમેશાં બહુ મોડેથી જ જોઈ શકીએ છીએ. એ લોકો આપણને કહેતા કેમ નથી કે તમે લોકો પણ અમારા જેવા જ જુવાનિયા છો અને અમારી માતાઓ અમારા માટે ચિંતા કરે છે એટલી જ ચિંતા તમારી માતાઓ તમારા માટે પણ કરતી હોય છે. અમને પણ મોતનો એ જ ભય સતાવે છે, એ જ રીતે મરવાનું છે, એ જ પીડા ભોગવવાની છે – માફ કર બિરાદર, તું મારો દુશ્મન શી રીતે હોઈ શકે?”
– જર્મન લેખક એરિખ મર્ઈયા રીમાર્કની નવલકથા All Quiet on the Western Frontમાંથી
૦-૦-૦
હું એક વાર અહિંસા વિશેની એક ડૉક્યુમેન્ટરી ફિલ્મ માટે સલાહકાર બન્યો. મારા એક અતિ માનનીય ભૂતપૂર્વ અધ્યાપકને આની ખબર પડી તો એમણે વ્યંગમાં કહ્યું: “પોથીમાંનાં રીંગણાં!”. વાત તો બરાબર હતી કારણ કે, વિદ્યાર્થી અવસ્થામાં હું માનતો કે કોઈ પણ સાચું સામાજિક કે રાજકીય પરિવર્તન માત્ર ક્રાન્તિકારી હિંસાથી જ આવી શકે. આ ક્રાન્તિમાં હું ૧૯૭૦માં સક્રિયપણે જોડાયો. એ દિવસોમાં એને “અંતિમવાદ’ કહેતા. એનો પહેલો તબક્કો પૂરો થતાં આ પ્રશ્નને બાજુએ હડસેલી દીધો કે એના પર દાર્શનિક કે સૈદ્ધાંતિક દૃષ્ટિએ બહુ લમણાઝીંક કરવાની જરૂર નથી. પરંતુ વર્ષો પછી, જે કૉલેજમાં હું કામ કરતો હતો ત્યાં ભ્રષ્ટાચાર સામેના સંઘર્ષમાં મારા પર ગંભીર શારીરિક હુમલો થયો ત્યારે મને એ સમજાયું કે આ પ્રશ્ન કેટલો બધો મહત્ત્વનો છે. કંઈ નહીં તો, આટલી સમજ માટે તો હું એ હુમલાખોરોનો ઋણી છું.
હિંસાની વ્યાપકતા
રાજીવ ગાંધીની હત્યા થઈ એમાં ખાસ વાત એ નહોતી કે એક યુવાન સ્ત્રીએ પોતાને બોમ્બથી ઉડાવી દીધી. મુખ્ય વાત તો એ હતી કે આ આખો બનાવ એક માણસ શાંતિથી જોયા કરતો હતો, એને ખબર હતી કે આ બધું કૅમેરામાં ઝડપાય છે. આજે દુનિયામાં એવાં ઘણાં યુવક-યુવતીઓ છે, જેમને માટે માણસના માંસના લોંદા અને લોહી જોવાનો અનુભવ સામાન્ય છે. હું પોતે અધ્યાપક હતો ત્યારે ઘણા વિદ્યાર્થીઓએ ૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણ વખતે માણસોને જીવતા સળગાવી દેતાં જાતે જોયા હતા અને કેટલાકે તો આવાં કૃત્યોમાં ભાગ પણ લીધો હતો. આ જાણીને હું કાંપી ઊઠ્યો હતો, પણ મને નવાઈ લાગવી જોઈતી હતી? કેમ વળી, કોલંબિયાની ખૂની ગૅંગોમાં કેટલાય સભ્યો એવા છે કે જેમણે હજી કિશોરાવસ્થા પણ જોઈ ન હોય. અને ઇરાને ઈરાક સામેની લડાઈમાં બાળ-મુજાહિદોને મોકલ્યા જ હતા. પૅલેસ્ટાઇની નિર્વાસિતોનાં બાળકોનાં ઇઝરાઇલી જેટ વિમાનોના હુમલામાં મોત થાય કે સામસામે લડતાં બે મિલિશિયા જૂથોની લડાઈમાં બાળકોનો ભોગ લેવાય, એ તો રોજિંદી ઘટના છે. બીજી બાજુ ઇઝરાઇલમાં સ્કૂલે જતાં બાળકો પણ સતત ટેન્શનનું જીવન જીવે છે અને એમાં વેરતરસ્યા પૅલેસ્ટાઇનીઓની જેટલી જવાબદારી છે તેટલી જ જવાબદારી ઇઝરાઇલ સરકારની પણ છે. દક્ષિણ આફ્રિકામાં કેટલીયે પેઢીનાં શ્યામવર્ણી બાળકોએ આખી જિંદગી હિંસાચાર જ જોયો છે. માનવીની પશુતાનાં દૃશ્યો અને આપણા વચ્ચે જે અંતર હતું તેને ટેલિવિઝન અને વીડિયોગ્રાફીએ શૂન્ય બનાવી નાખ્યું છે. આજે હિંસા આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગઈ છે.`
વ્યવસ્થામાં વણાયેલી હિંસા બધા દમનકારી સામાજિક સંબંધો માટે ઊંઝણનું કામ કરે છે. આવા સંબંધોમાં તર્ક, સમાનતા અને માનવજાત માટે આદરને સ્થાન નથી હોતું. મજૂરો અને સ્ત્રીઓ અને બાળકો પર ગુજારાતી હિંસા પિતૃસત્તાક અને શોષક સમાજનું અભિન્ન અંગ છે. ઍપ્રિલ અને મે ૧૯૯૭માં ઉત્તર ભારતમાં એક જાતિની પંચાયતે બે સ્ત્રીઓને મોતને ઘાટે ઉતારી દીધી હોવાના રિપોર્ટ મળ્યા. બન્નેએ હજી કિશોર વયનો ઊંબરો પણ પાર નહોતો કર્યો. એમનો ‘ગુનો’ એ જ હતો કે એમણે કોઈ સાથે પ્રેમ કર્યો અને પોતાનો જીવનસાથી જાતે પસંદ કરવાનું નક્કી કર્યું. બેઉ છોકરીઓ પછાત વર્ગની હતી એટલે કશો ઉહાપોહ પણ ન થયો. પછાત વર્ગોના રાજકીય પ્રતિનિધિઓએ પણ કંઈ કાગારોળ ન મચાવી, તે દેખાડે છે કે જે લોકો પોતાને રાજકીય રીતે પ્રગતિશીલ તરીકે ખપાવે છે તેમને પણ, સ્ત્રીઓની વ્યક્તિગત સ્વતંત્રતા કે એમના માનવ અધિકાર બાબતમાં બહુ આગ્રહ નથી. લાગે છે કે સ્ત્રી હિંસાનો ભોગ બનતી હોય ત્યારે “ઘર”ની અંદર થતી હિંસાને‘સામાન્ય’ માનવામાં આવે છે. પોતાની વાતને સારી પેઠે રજૂ કરવામાં પાવરધો મધ્યમ વર્ગ પણ જેટલો નાણાકીય મુદ્દાઓ પર ઊકળી ઊઠે છે એટલો માનવજીવનના અંત કે નબળા અને લાચાર નાગરિકોની માનહાનિની વાત આવે ત્યારે એટલો તમતમી નથી ઊઠતો.
હિંસાને આધારે વિકસેલા સામાજિક સંબંધો આપણા રાજ્યતંત્રના સમગ્ર માળખાનો પાયો છે. ઘરની અંદર થતી હિંસાના વ્યાપ અને સામાજિક મૂલ્યોના હ્રાસને કારણે લોકો શારીરિક દબામણીથી ટેવાવા લાગ્યા છે. આ જાતની ‘ટ્રેનિંગ’ લોકોને ભવિષ્યમાં થનારા હિંસક અનુભવો માટે મનોવૈજ્ઞાનિક રીતે તૈયાર કરે છે; પછી આવા બનાવો પૅરામિલિટરી સેવાઓમાં બને કે અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરતી વખતે બને, આપણે સૌ ટેવાઈ ગયા છીએ. આખી દુનિયામાં સશસ્ત્ર દળોએ સત્તા માટે કોઈને મારી નાખવા કે તાબામાં લેવામાં સારોએવો મહાવરો હાંસલ કર્યો છે. કહેવું કે સાંભળવું કદાચ વિચિત્ર લાગશે, પણ ઔદ્યોગિક ક્રાન્તિ જેવી લાભકારી ઘટનાઓ અને લોકશાહીવાદી રાજકારણે હિંસામૂલક વલણોને વધારે દૃઢ બનાવ્યાં છે. હવે આખા ને આખા સમાજોને યુદ્ધ માટે સંગઠિત કરવામાં આવે છે. પહેલા વિશ્વયુદ્ધે બે કરોડનો ભોગ લીધો અને બીજા વિશ્વયુદ્ધે સાડાપાંચ કરોડનો (આમાંથી બે કરોડ કરતાં વધારે તો રશિયનો હતા). આજે પ્રથમ પંક્તિના મૂડીવાદી દેશો લશ્કરો પર વરસેદહાડે ૫૦૦ અબજ ડૉલર ખર્ચે છે, જેમાંથી ત્રીજા ભાગની રકમ તો શસ્ત્રોની ખરીદી અને નવાં શસ્ત્રો વિકસાવવામાં ખર્ચાય છે. દુનિયાના ૬૯ દેશોમાં દસ કરોડ સુરંગો બિછાવેલી પડી છે જે દર અઠવાડિયે ૫૦૦ જણનો – એક વર્ષમાં ૨૬,૦૦૦નો – કાં તો ભોગ લે છે, કાં તો એમને પંગુ બનાવી દે છે. (એક સુરંગ બનાવવામાં તો થોડા ડૉલર ખર્ચાય છે પણ એમને નિષ્ક્રિય બનાવવામાં ૨૦૦થી ૧૦૦૦ ડૉલરનો ખર્ચ થાય છે). યુદ્ધની તૈયારીમાં ગંજાવર રકમ રોકાય છે. તુલનાત્મક અભ્યાસો જણાવે છે કે મિલિટરી બજેટમાં માત્ર ૨૦ ટકાનો ઘટાડો થાય તો ૧૮ કરોડ ૯૦ લાખ બાળકોને નિશાળના ભણતરનો લાભ આપી શકાશે. એક ‘સી-વૂલ્ફ’ પરમાણુ સબમરીનનો ખર્ચ અઢી અબજ ડૉલર છે. આમાંથી દુનિયાનાં બધાં બાળકોને રોગો સામે રક્ષણ આપવાની રસી મૂકી શકાય. એક સ્ટીલ્ધ બોમ્બર વિમાનના ખર્ચમાંથી વિકાસશીલ દેશોની ૧૨ કરોડ સ્ત્રીઓને કુટુંબ નિયોજન સેવાઓ આપી શકાય. શીતયુદ્ધનો જમાનો વીતવાની સાથે શસ્ત્રોના વેપારમાં ઓટ આવી છે, તેમ છતાં, દુનિયાની સરકારો પર શસ્ત્રોના સોદાગરો અને મિલિટરી ઇંડસ્ટ્રીની જબરદસ્ત વગ ચાલે છે. આજે આપણે કહી શકીએ કે સામાજિક પ્રાથમિકતાઓ પાટા પરથી ઊતરી ગઈ છે.
હિંસા એટલે વાતચીતનો અંત. તે સાથે હિંસા ક્યારે થઈ, કોણે કરી, તેનાં કારણો શું હતાં, પરિણામ શું આવ્યાં, એવા બધા સવાલો વિશે આપણી સભાનતા ધૂંધળી બની જાય છે. અને હિંસા પોતાના જ બળે ફાલતી જાય છે. મુક્તિના સાધન તરીકે સામાન્ય રીતે હિંસા ભ્રામક બની રહે છે, કારણ કે દમિત લોકો પોતે જ દમનની ભાષા બોલતા થઈ જાય છે. એ એક એવું વિષચક્ર બનાવે છે જે પશુતાને વાજબી ઠરાવવાનું કામ કરે છે અને હિંસાખોરો પોતાને ‘વિક્ટિમ’ ઠરાવે છે. ૧૯૮૪માં શીખ નાગરિકોને મોતની આગમાં હોમી દેનારાઓને મન એ ‘નિર્દોષ’ નહોતા; ઇંદિરા ગાંધીની હત્યા અને ભિંડરાંવાલેએ છેડેલા હિંસાચારમાં ભાગીદાર હતા. સામે પક્ષે પંજાબના ત્રાસવાદીઓએ જાતે જ નક્કી કરી લીધું કે ભારતીય રાજસત્તા એમના પ્રત્યે કિન્નાખોરી રાખે છે તેનો જ તેઓ જવાબ આપે છે. હિંસાની એક અનોખી ખાસિયત પણ છેઃ એ પોતાને પાછલી તારીખથી વાજબી ઠરાવે છે. કહેનારા કહે છે કે ૧૯૮૦ના દાયકાના અંતિમ ચરણમાં પંજાબમાં હિંસાચાર થયો તેને જ કારણે દિલ્હીમાં ૧૯૮૪માં શીખો હિંસાખોરીનું નિશાન બન્યા.( હજી સુધી એ લોહીનીંગળતા ૭૨ કલાકમાં હજારો નિર્દોષોને કાળના મુખમાં ઓરી દેવાયા તે માટે ખેદ દર્શાવતો પ્રસ્તાવ લોકસભામાં આવ્યો નથી). એ જ રીતે, અમુક રાજકીય વિચારસરણી દ્વારા ભારતીય મુસ્લિમો વિરુદ્ધ ઝેર ઓકવામાં આવે છે. જિન્નાનો દ્વિરાષ્ટ્રવાદ જાણે એ જ કારણે વાજબી હતો એમ કહેવાય છે. બીજી બાજુ, મુસ્લિમો પ્રત્યેના દ્વેષભાવને વાજબી ઠરાવાય છે કે એમના ‘અલગતાવાદ’ ને જ કારણે ૧૯૪૭માં હિન્દુઓ અને શીખોને યાતનાઓ સહન કરવી પડી. તો દોષ કોનો છે? આ સવાલનો સ્પષ્ટ જવાબ નથી, પણ જે લોકોને કોમવાદી વિચારધારાએ ઝકડી લીધા છે એમને માટે જવાબ સહેલો છેઃ “એ લોકોનો !”.
હવે આપણે આ વિક્ટિમી માનસનો ખ્યાલ કેટલો ફેલાયેલો છે તેનો વિચાર કરીએ. સામૂહિક શત્રુતાનાં ઉદાહરણો જોઈશું, તો જોવા મળશે કે કોઈ વ્યક્તિ હિંસા આચરવાનું કારણ સમજાવે છે ત્યારે પોતાના સમુદાયને તો વિક્ટિમ તરીકે જ ચીતરે છે. નાઝીઓએ ‘ફાઇનલ સોલ્યુશન’ (એટલે કે યહૂદીઓનો સામૂહિક સંહાર) શોધ્યું ત્યારે દાવો કર્યો કે કહેવાતી યહૂદી કાવતરાખોરીને કારણે જર્મન પ્રજાને બહુ વેઠવું પડ્યું છે.
અલબત, સામાજિક દમનનો સવાલ અત્યંત આળો રાજકીય મુદ્દો છે. આથી, સામાન્ય રીતે સૌ કબૂલ કરતા હોય છે કે કહેવાતા નીચલા વરણ બ્રાહ્મણવાદી સામાજિક વ્યવસ્થાના વિક્ટિમ છે. પરંતુ હવે રાજ્યની નીતિમાં નીચલા વરણે હકારાત્મક પગલાંનો હક પ્રાપ્ત કરી લીધો તો સવર્ણો પોતાને જ વિક્ટિમ માનવા લાગ્યા છે. અંગત વાતચીતમાં ઘણી વાર સાંભળવા મળશે કે “આપણા દેશમાં આ ‘બીસી’ઓને સૌથી વધારે હક મળ્યા છે.” આવા અંગત વાતચીતના અભિપ્રાયો ૧૯૯૦માં મંડલ વિરોધી આંદોલન થયું જેવા કિસ્સાઓમાં સાર્વજનિક અભિપ્રાય બની જાય છે.
હિન્દુ-મુસ્લિમ સંબંધો તો એના કરતાં પણ જટિલ છે. આનું એક કારણ એ કે હિન્દુઓમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે ઇસ્લામ દેશમાં આવ્યો તે વખતથી જ એની એવી ભાવના રહી છે કે મુસલમાન ન હોય તેમને સાંખી જ ન લેવા. આવી માન્યતાઓનો આધાર અમુક અંશે વાસ્તવિક છે. પરંતુ એમાં સરલીકરણ પણ છે અને સામાન્ય વલણ આ સરલીકરણ કરતાં વિપરીત, એટલે કે સારી સ્મૃતિને કે ઘટનાઓને કોરાણે મૂકી દેવાનું હોય છે. આપણે એને હવે તે રીતે જોઈએ તો પણ સો વાતની એક વાત એ કે લોકોમાં આવી માન્યતા પ્રચલિત છે. મુસલમાનોની વાત કરતાં, ખાનદાની મુસલમાનોએ રાષ્ટ્રીય આંદોલનના વિકાસમાં લોકશાહીનો ક્રમશઃ વિકાસ ન જોયો, એમને લાગ્યું કે આમાંથી હિન્દુ-બહુલતાવાદીઓનું જોર વધશે અને વખત જતાં મુસલમાનોનું છોતરુંય નહીં મળે. આમ, દરેક કોમ પોતાને બીજી કોમની જોહુકમીની વિક્ટિમ માનવા લાગી અને એમના નેતાઓ પોતાની વાતને સાચી ઠરાવવા પોટલાં ભરીને દલીલો ખોળી લાવ્યા. આ તર્કનું ચકરડું ગોળગોળ ફરતું પરસ્પર દ્વેષથી ભરેલી બે કોમો વચ્ચે સંવાદની શક્યતાને વાઢતું રહે છે.
આપણે સૌ સામાજિક પરિવર્તન માટે વિચારતા હોઈએ તો હિંસાનાં પિતૃસત્તાક અને પ્રતિગામી લક્ષણો વિશે ગંભીરતાથી વિચારવું પડશે. દાખલા તરીકે, ઉદ્દામવાદી રાષ્ટ્રભક્ત ભગત સિંહે એમના છેલ્લા દિવસોમાં એમ કેમ લખ્યું કે જન-આંદોલન માટે અહિંસા જ અનિવાર્ય છે? કદાચ એ આંતરસૂઝથી જ સમજ્યા કે આતંકનું રાજકારણ તો માત્ર (અને મુખ્યત્વે) જુવાનિયાઓના સંગઠન માટે છે, પણ પ્રજાતાંત્રિક આંદોલનમાં તો લાખોકરોડો લોકો, આબાલવૃદ્ધ સૌ, સામેલ થાય એ જરૂરી છે, એમાંથી મોટા ભાગના એવા હશે કે જે પોતાના ઉચ્ચ આદર્શો માટે જાનફેસાની કરવા કરતાં ઉજ્જ્વળ ભવિષ્યની આશામાં જીવતા રહેવાનું પસંદ કરશે. પરંતુ અહિંસા કંઈ યુક્તિ નથી. એ તો, સત્તાની પ્રકૃતિ અને આપણે ઇચ્છીએ તેવી મુક્તિના પ્રકાર જેવા મૂળભૂત સવાલો સાથે સંકળાયેલી છે.
થવા દો…ભગવાન આપણો ભેરુ છે…
હિંસાથી શારીરિક જફા તો પહોંચે જ છે પણ એનાથી વધારે તો એ વિરોધીનું નીચાજોણું થાય અને એની ગરિમા ખંડિત થાય એવી ઇચ્છાનું રૂપ છે. આ લાગણીનો પ્રાણઘાતક અને અસમર્થ બનાવી નાખે એવો પ્રભાવ છે. સમાજના કોઈ પણ વર્ગનું નીચાજોણું થશે તો સમાજ એની કિંમત ચૂકવ્યા વિના નહીં રહે – ભલે ને આ અસર દેખાતાં સદીઓ નીકળી જાય. અમેરિકનો અને તુર્કો, આફ્રિકન-અમેરિકનો અને શ્વેત અમેરિકનો, દક્ષિણ આફ્રિકામાં શ્યામ અને શ્વેત પ્રજાઓ, આયરિશ અને ઇંગ્લિશ – આ સંબંધોનાં મૂળ જોશો તો એમાં સદીઓ જૂની કડવાશ દેખાશે.
પરંતુ કોઈ પણ સમાજ માત્ર બાવડાના જોરે એક રહી ન શકે. એનું એકમાત્ર પરિણામ એ હશે કે એમાંથી સંપૂર્ણ સામાજિક વિઘટન પેદા થશે. શાસક ગમે તેટલો શક્તિશાળી હોય, એને પણ શાંતિની જરૂર હોય છે, તે સિવાય એ પોતાની સત્તાને માણી શકે નહીં. આ કારણે બુદ્ધિનાં બધાં સંતાનો – વિવેકશક્તિ, તત્ત્વજ્ઞાન, ધર્મ અને કલાના વિકાસનાં વલણો રાજ્યની જરૂરિયાત મુજબ ઘડાતાં હોય છે. વળી, હિંસાત્મક કૃત્યોને પણ હંમેશાં નૈતિક સમર્થનની જરૂર પડી છે. આડકતરી રીતે તો, આ “ખોટું છે” એનો એ સ્વીકાર જ છે. આથી જ, હિંસા હંમેશાં નૈતિક મુદ્દાઓ સાથે સંકળાયેલી જોવા મળે છે. સંગઠિત હિંસાને વૈચારિક વ્યવસ્થા તરીકે વિકસાવવા માટે નૈતિક સંવેદનશીલતામાં પરિવર્તન જરૂરી છે, એટલે જ ‘ધર્મયુદ્ધ’ ’જેવા ખ્યાલો જરૂરી બન્યા.
હિંસા-પ્રતિહિંસાનો દોર કેમ ચાલ્યા જ કરે છે તે દેખાડવા માટે હું ઇતિહાસમાંથી એક જ ઉદાહરણ લઈશ. નવ સદી પહેલાંની આ ઘટના છે. હું મધ્યકાલીન ખ્રિસ્તીઓએ શરુ કરેલાં ધર્મયુદ્ધો એટલે કે ક્રુઝેડોની વાત કરં છું. ક્રુઝેડો જેરુસલેમને સેલ્જૂકવંશી તુર્ક શાસકોના હાથમાંથી છોડાવવા માટે ખેલાયાં. અગિયારમી સદીના મધ્યમાં સેલ્જૂકોએ પૅલેસ્ટાઇન જીતી લીધું હતું. એવા ઐતિહાસિક પુરાવા છે કે આ ક્રુઝેડની યોજના પોપની હતી. પોપ અર્બન બીજો બાઇઝેન્ટાઇનને દબાવી દેવા માગતો હતો. આજે આપણે ઇસ્તન્બુલના નામે જાણીએ છીએ તેનું નામ કોન્સ્ટન્ટિનોપલ હતું, એ જ પ્રાચીન સમયનું બાયઝેન્ટાઇન. એ ઈસ્ટર્ન ઑર્થોડોક્સ ચર્ચનું ધીકતું કેન્દ્ર હતું. પોપે એની સામે પહેલું ક્રુઝેડ (૧૦૯૬-૯૯)માં શરુ કર્યું ત્યારે એનું સૂત્ર હતું “ઈશ્વર ઇચ્છે છે”. પશ્ચિમી રાજાઓને એક કરવાની અને કોઈ ધર્મગુરુને હિંસા સામે વાંધો હોય તો એને બાજુએ મૂકવાની એક રીત હતી. નૈતિક અધિકાર મેળવીને ક્રુઝેડરોએ પોતાની જાતને મનાવી લીધી કે તુર્કોનું નિકંદન કાઢી નાખવાની જરૂર છે. પાંચ અઠવાડિયાંના ઘેરા પછી એમણે જેરુસલેમ પર કબજો જમાવ્યો ત્યારે એમની રક્તપિપાસાનો નગ્ન નાચ જોવા મળ્યો. વર્ષોની જહેમત પછી ૧૫મી જુલાઈ ૧૦૯૯ના વિજય મળતાં ઉન્મત્ત બનેલા ક્રુઝેડરો ઘરો અને મસ્જિદો પર ત્રાટક્યા અને પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને ભાજીમૂળાની જેમ રહેંસી નાખ્યાં. યહૂદીઓએ મુસલમાનોને મદદ કરી હતી, એમ કહીને ક્રુઝેડરોએ સિનેગોગમાં ઘૂસીને યહૂદીઓને જીવતા બાળી મૂક્યા. પશ્ચિમી સ્રોતો જણાવે છે કે લગભગ એક લાખ આરબો હતા તેમાંથી દસ હજાર મોતને હવાલે થયા. આના પછી આરબોએ પશ્ચિમીઓને (ફ્રેન્ચોને) ‘ક્રિશ્ચિયન ડૉગ’ કહેવાનું શરૂ કર્યું. એક ઇતિહાસકાર આ પ્રકારે વિવરણ આપે છેઃ
“જેરુસલેમની કત્લેઆમથી આખી દુનિયા દિગ્મૂઢબનીગઈ…(અને) આખા જેરુસલેમમાં એક પણ મુસલમાન કે યહૂદી ન બચ્યો. ઘણા ખ્રિસ્તીઓ પણ જે આચરવામાં આવ્યું તેનાથી કાંપી ઊઠ્યા હતા. મુસલમાનોમાં ઘણા એવા હતા કે જે ફ્રાન્સને સ્વીકારવા તૈયાર હતા. આના પછી એક સ્પષ્ટસંકલ્પ દેખાવા લાગ્યો કે એમને તો હાંકી કાઢવા જ પડશે. ખ્રિસ્તીઓના લોહી તરસ્યા ઝનૂનના જવાબમાં મુસ્લિમ ઝનૂનનો જન્મ થયો. પાછળથી પૂર્વના સમજદાર લેટિનોએ મુસ્લિમો અને ખ્રિસ્તીઓ, સાથે મળીને કામ કરી શકે એવો આધાર તૈયાર કરવાની કોશિશ કરી, પરંતુ કત્લેઆમની સ્મૃતિ હંમેશાં આડે આવતી રહી”.
૧૧૯૧માં ત્રીજા ક્રુઝેડ વખતે ‘સિંહહૃદય’ રાજા રિચર્ડે છૂપું સોનું શોધવા માટે હજ્જારો કેદીઓને મારીને એમની લાશો બાળી નાખવાનો હુકમ કર્યો. “આ અત્યાચારથી ભયચકિત મુસ્લિમ સમાજ પશ્ચિમ પ્રત્યે શંકાની નજરે જોવા લાગ્યો.” એ જમાનાના આરબ કવિ મોસાફિર અલ્લાહ વર્દીસે વેદનામાં કલમ બોળીને લખ્યું છેઃ
એ જમાનાના આરબ કવિ મોસાફિર અલ્લાહ વર્દીસે વેદનામાં કલમ બોળીને લખ્યું છેઃ
મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાંઓ થયાં એક.
છે કોઈ માઈનો લાલ આ ધરા પર, જુલમગારને ખાળે?
શસ્ત્રો પર બેસીને આંખો અમારી કરે વલોપાત
તલવારોમાંથી ઝરે સર્વભક્ષી તિખારા ભેંકારમાં
ત્યારે અમારે તો રોવાનું જ રહ્યું.
ઓહ, લોહી તો વહ્યું એવું બેફામ કે
કોઈ નથી, અમારી મા–બેનોનાં શીયળ સાચવે
સાચવી શકશે એમના જ ખાલી હાથ?
અથડાતી તલવારોના તણખા
અને ખડીંગખડાંગ
અમારાં બાળકોના ચહેરા બની જાય
ધોળી પૂણી.
ડૉ. દિલીપ સિમ્યન –
બ્લૉગ http://dilipsimeon.blogspot.in/
ઈ-મેલઃ:dilipsimeon@gmail.com
આ નિબંધનો આગળનો ભાગ આવતીકાલે
વેબગુર્જરી પરઃ
http://webgurjari.in/2015/06/15/our-simplified-fickle-understanding-and-non-violence_1/