60th Anniversary of Russell-Einstein Manifesto

વિશ્વશાંતિની પહેલને ૬૦ વર્ષઃ રસેલ-આઇન્સ્ટાઇન મેનીફેસ્ટો

Einstein-Russel-Manifesto

આજે નવમી જુલાઇએ રસેલ-આઇન્સ્ટાઇન મેનીફેસ્ટોની ૬૦મી વર્ષગાંઠ છે. ૧૯૫૫ના જુલાઈની નવમી તારીખે આઇન્સ્ટાઇન સહિત દુનિયાના દસ મહાન વૈજ્ઞાનિકો અને ફિલોસોફર બર્ટ્રાંડ રસેલે દુનિયાને યુદ્ધ સામે ચેતવણી આપતું જાહેરનામું બહાર પાડ્યું: “કાં તો યુદ્ધ કાં તો સર્વનાશ, વિશ્વશાંતિ અથવા સર્વવ્યાપક મૃત્યુ!”  આ જાહેરનામું રસેલ-આઇન્સ્ટાઇન મેનીફેસ્ટો તરીકે ઓળખાય છે. એના પર રસેલ અને આઇન્સ્ટાઇન ઉપરાંત મૅક્સ બ્રોન, પર્સી બ્રિજમૅન, લિઓપોલ્ડ ઇન્ફેલ્ડ, ફ્રેડરિક જૉલિઓ ક્યૂરી, હર્મન મ્યૂલર, સેસિલ પૉવેલ અને જોસેફ રૉટબ્લાટ જેવા ભૌતિક શાસ્ત્ર અને રસાયણશાસ્ત્રના વૈજ્ઞાનિકોએ સહીઓ કરી. એમાં ઇન્ફેલ્ડ સિવાયના બધા જ નોબેલ પારિતોષિકથી સન્માનિત વૈજ્ઞાનિકો હતા.દુનિયામાં બે યુદ્ધ છાવણીઓ બની ગઈ હતીઃ એકનું નેતૃત્વ અમેરિકા કરતું હતું અને એની સામે હતું સોવિયેત સંઘનું સામ્યવાદી શાસન. પરંતુ બીજા વિશ્વયુદ્ધના જખમો હજી તાજા હતા એટલે ત્રીજા વિશ્વયુદ્ધ માટે કોઈની માનસિક તૈયારી નહોતી, પણ યુદ્ધની તૈયારીઓ જોરશોરથી ચાલતી હતી. એ શીતયુદ્ધનો જમાનો હતો. સોવિયેત સંઘ અને અમેરિકા પરમાણુ શસ્ત્રોનો ખડકલો કરતાં જતાં હતાં. બન્ને પક્ષો પોતાના બચાવ માટે, અને સામા પક્ષને હુમલો કરવાની હિંમત ન થાય એટલાં શસ્ત્રો એકત્ર કરવા માગતા હતા પણ એમણે જે શસ્ત્ર ભંડાર એકઠો કર્યો હતો તેનાથી દુનિયાનો એકસો વાર નાશ થઈ જાય તો પણ શસ્ત્રો ખૂટે નહીં એ સ્થિતિ હતી. સામુદાયિક સંહારનાં શસ્ત્રોનો ગંજ જોઈને દુનિયાના એક મહાન ચિંતક બર્ટ્રાન્ડ રસેલ બહુ ચિંતિત હતા અને એમણે નક્કી કર્યું કે જો વૈજ્ઞાનિકો આગળ આવીને બોલે તો જ પરમાણુયુદ્ધના સર્વભક્ષી ખતરાને ટાળી શકાય.

આ વિચાર સાથે એમણે મહાન ભૌતિકવિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇનને પત્ર લખ્યો. પરંતુ આઇન્સ્ટાઇન એ વખતે એમના જીવનના અંતિમ દિવસોમાં હતા. એમની આ સ્થિતિમાં રસેલે એમને ૧૧મી ફેબ્રુઆરી ૧૯૫૫ના પત્ર લખ્યો. એમણે લખ્યું કે હાઇડ્રોજન બોમ્બનો ઉપયોગ ન કરવાની સમજૂતી કરાવવાનો અર્થ નથી કારણ કે યુદ્ધ શરૂ થઈ જાય તે પછી આવી સમજૂતીને કોઈ માને નહીં. વળી પરમાણુ શક્તિના શાંતિમય ઉપયોગની વાત પણ યુદ્ધની સ્થિતિમાં નકામી નીવડશે. શીતયુદ્ધમાં સામેલ બન્ને કૅમ્પો સિવાય  તટસ્થ દેશો છે તેમને ભવિષ્યનું યુદ્ધ રોકવા અપીલ કરવી જોઈએ.

આઇન્સ્ટાઇને માત્ર પાંચ જ દિવસમાં ૧૬મી ફેબ્રુઆરીએ પત્રનો જવાબ આપ્યો અને પોતાની તબીયતને કારને લાચારી દેખાડી પણ અમુક નામો સૂચવ્યાં.

૨૫મી ફેબ્રુઆરીએ રસેલે જવાબ આપ્યો તે દુનિયામાં શાંતિ પ્રયાસો માટે ભારતની ભૂમિકાનું મહત્ત્વ દર્શાવે છે. રસેલ આઇન્સ્ટાઇનનો આભાર માનતાં લખે છે કે હું નહેરુના સંપર્કમાં છું અને એમને મેં સામસામી વાતમાં એક સૂચન કર્યું છે, જે સાથેના મુસદ્દામાં વધારે સ્પષ્ટ કર્યું છે. મુસદ્દા પર (બ્રિટિશ) પાર્લામેન્ટના કેટલાયે સભ્યો સહી કરશે તે પછી શ્રીમતી (વિજયાલક્ષ્મી) પંડિતને અપાશે. નહેરુએ પોતે સૂચનોની તરફેણમાં હોવાનું કહ્યું છે. અત્યારની ઘડીએ નિવેદન અંગત સ્વરૂપનું રહે છે અને ભારત સરકાર શું કરે છે તે બાબતમાં કંઈ કહેવું જોઈએ, પરંતુ મને લાગે છે કે એનું પરિણામ આવે તે આપણને પસંદ આવે તેવું હશે એમ માનવાને ઘણાં કારણ છે.” (કૌંસમાં મૂકેલા શબ્દો સ્પષ્ટતા માટે મૂળ પાઠના અનુવાદમાં ઉમેરેલા છે).

આઇન્સ્ટાઇને પરમાણુની આંતરિક સંરચના સમજાવનારા પહેલા વૈજ્ઞાનિક નીલ્સ બોહ્‍રનું નામ સૂચવ્યું. રસેલે આઇન્સ્ટાઇનને જ પત્ર લખવાની જવાબદારી સોંપી. આઇન્સ્ટાઇનને નીલ્સ બોહ્‍રને પત્ર લખ્યો તેની શરૂઆત જ ટીખળથી કરી. આમાંથી આઇન્સ્ટાઇન કેવા હળવા મિજાજના હતા તે દેખાય છે. માર્ચની બીજી તારીખે એમણે લખ્યું, પ્રિય નીલ્સ બોહ્, આમ ભૃકુટિ તાણો! પત્ર આપણા જૂના ફિઝિક્સના વિવાદ વિશે નથી, પણ એક એવી બાબત વિશે છે જેમાં આપણે બન્ને પૂરા સંમત છીએ.

અંતે રસેલે અંતિમ મુસદ્દો તૈયાર કર્યો તેનો ૧૧મી એપ્રિલે જવાબ આપતાં આઇન્સ્ટાઇને લખ્યું કે પોતે એના પર સહી કરવા તૈયાર છે.  અને એક જ અઠવાડિયા પછી રસેલને એમનો પત્ર મળ્યો તે જ દિવસે આઇન્સ્ટાઇનનું અવસાન થઈ ગયું.

હવે રસેલ બીજા વૈજ્ઞાનિકોની સહીઓ લેવામાં લાગ્યા તેમાં જોસેફ રૉટબ્લાટે સંપૂર્ણ ઉત્સાહથી ભાગ લીધો. એમણે પત્રકાર પરિષદમાં ‘નોટિસ’ જાહેર કરવાનો નિર્ણય લીધો. આના માટે પત્રકારોને આમંત્રણ આપતાં માત્ર એટલું જ કહ્યું કે રસેલ એક અગત્યની જાહેરાત કરશે.  એમને પોતાને પણ શંકા હતી કે કોઈ આવશે નહીં એટલે કદાચ કોઈ રડ્યોખડ્યો ખબરપત્રી આવે તો ખર્ચો માથે પડે એટલે એક નાનો હૉલ જ ભાડે લીધો. પણ પત્રકારોને આમંત્રણ પહોંચતાં જવાબો સારા મળતાં લાગ્યું કે આ હૉલ નહીં ચાલે. ફરી એનાથી મોટો હૉલ ભાડે લીધો. પણ છેલ્લા બે દિવસમાં તો લાગ્યું કે ખબરપત્રીઓની ભીડ થઈ જશે. વળી એના કરતાં પણ મોટો હૉલ લીધો. ખરેખર પત્રકાર પરિષદ મળી અને રસેલ બોલવા ઊભા થયા ત્યારે હૉલમાં એક પણ સીટ ખાલી નહોતી, ચારે બાજુ બધા ઊભા હતા અને તેમ છતાં ટાંકણી પડે તોય સંભળાય એવી શાંતિ હતી!  તેમાંય આઇન્સ્ટાઇને પણ એના પર સહી કરી છે એવી જાહેરાત થતાં તો હૉલમાં સનસનાટી ફેલાઈ ગઈ. રસેલનું ભાષણ (અહીં ) સાંભળી શકશો.

દુનિયા બે આખલાઓની સાઠમારી લાચાર બનીને જોતી હતી તેમાં એક નવો ત્રીજો અવાજ  બુલંદ થયો હતો, હવે દુનિયા પહેલાં જેવી નહોતી રહેવાની. રસેલે જાહેરાત કરી કે વૈજ્ઞાનિકોની પરિષદ મળશે. હવે આ પરિષદ ક્યાં યોજવી તે માટે સ્થળની જરૂર હતી. જવાહરલાલ નહેરુ તરત તૈયાર થઈ ગયા અને દિલ્હીમાં પરિષદ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ, પણ એ જ વખતે ઈજિપ્તના નેતા કર્નલ જમાલ અબ્દુલ નાસરે સુએઝ નહેરનું રાષ્ટ્રીયકરણ કરતાં બ્રિટન છેડાઈ પડ્યું. સુએઝ બંધ થતાં ભારત પહોંચવાનો સવાલ ન રહ્યો, આથી એક સખાવતી ઉદ્યોગપતિએ સ્કેન્ડીનેવિયામાં પોતાના વતન ‘પગવૉશ’માં પરિષદ યોજવા આમંત્રણ આપ્યું તે પછી એ પરિષદ પોતે જ ‘પગવૉશ કૉન્ફરન્સ’ તરીકે સ્થાપિત થઈ.

આ સંગઠન અને નહેરુ-નાસર-ટીટોની નેતાગીરીમાં બનેલા બિનજોડાણવાદ્દી (Non-alligned) સંગઠને સતત પરમાણૂ શસ્ત્ર નબૂદીના પ્રયાસ ચાલુ રાખ્યા. આજે દુનિયા વધારે સુરક્ષિત હોય તો રસેલ-આઇન્સ્ટાઇન મેનીફેસ્ટોએ ઊભી કરેલી હવા અને તે પછી અમેરિકા કે રશિયાની છાવણી બહારના દેશોમાં નહેરુ જેવા વિશાળ વિશ્વદર્શન ધરાવતા નેતાઓને કારણે આવેલી સંસ્થાકીય એકતાને એનો યશ મળે છે.

આજે સોવિયેત સંઘનો વિલય થઈ ગયો છે. દુનિયા એકધ્રૂવી બની ગઈ છે. ઠંડું યુદ્ધ નથી ચાલતું પરંતુ હજી સામુદાયિક સંહારનાં શસ્ત્રોનો અંબાર છે. બીજી બાજુ, વિશ્વશાંતિ માટે પહેલ કરનાર ભારત પોતે પણ આજે અણુસત્તા બની ગયું છે અને અણુ અપ્રસાર સંધિ (NPT) પર સહી નથી કરી. આમાં ભારતના સાથી છે, પાકિસ્તાન અને ઇઝરાએલ.

બીજી બાજુ, NPT પર સહી કરનાર દેશોએ પોતાની સંસદો પાસેથી મંજૂરીની મહોર મેળવવાની હોય છે. ક્લિંટન વહીવટીતંત્ર દરમિયાન અમેરિકાએ NPTમાં બહુ રસ લીધો હતો પણ અમેરિકી કોંગ્રેસની મંજૂરી મેળવવાની વાત આવી ત્યારે ત્યાં નવી ચૂંટણી થઈ ચૂકી હતી અને રિપબ્લિકન પાર્ટીના જ્યૉર્જ બુશ જૂનિયર નવા રાષ્ટ્રપતિ બન્યા હતા. એમણે NPTને કોંગ્રેસ સમક્ષ રજૂ કરવાનો જ ઇન્કાર કર્યો અને અમેરિકાને પોતાનાં શસ્ત્રો અકબંધ રાખવાનો અધિકાર છે એવું જાહેર કર્યું. આમ NPT આજે માત્ર કાગળનો દસ્તાવેજ છે.

૦-૦-૦

વેબગુર્જરી પરઃ

 http://webgurjari.in/2015/07/09/maari-baari_45-einstein-russell-manifesto-1955/

%d bloggers like this: