Introducing ‘Vivek-Vallabh

વિવેક-વલ્લભ :

રમણ પાઠક ‘વાચસ્પતિ’ના ચિંતનાત્મક લેખો

– પુસ્તક પરિચય

 
દક્ષિણ ગુજરાતની ભૂમિમાં એવું કંઈક લાગે છે કે સમગ્ર ગુજરાતના સાહિત્ય અને સામાજિક ક્ષેત્રમાં નવી દિશાઓ ખોલનારા મોટા ભાગના વિદ્વાનો અને સુધારકો એ ભૂમિમાં પેદા થયા.

રૅશનાલિસ્ટો આ વાંચીને નારાજ થઈ જશે કે આ માણસ કેવી તર્કહીન વાત લખે છે ! ગુજરાતના પ્રખર રૅશનાલિસ્ટ શ્રી રમણભાઈ પાઠકના લેખોના પુસ્તકનો પરિચય આપવાની શરૂઆતમાં જ આવી વિવેકબુદ્ધિહીન વાત કરી તો નાખી, પણ હવે જરા આવું કેમ બન્યું તેનાં કંઈક કારણો શોધવાની કોશિશ કરું.

ઈતિહાસ જોઈએ તો છેક પંદરમી સદીની શરૂઆતમાં જ સુરતમાં પોર્ચૂગીઝ આવ્યા. તે પછી ઈસ્ટ ઇંડિયા કંપનીએ સુરતને પોતાના વેપારનો અડ્ડો બનાવ્યું. પારસીઓ આવ્યા તે પણ દક્ષિણ ગુજરાતમાં વસ્યા. આમ્, આખા ગુજરાતમાં, દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરતમાં બહારની હવા સૌ પહેલાં આવી. સમાજ સુધારાની વાત હોય, સાહિત્યની વાત હોય, તર્કની વાત હોય, અન્ય પ્રભાવોની વાત હોય – સુરત, ભરૂચ, સંજાણ, ઉદવાડા, નવસારી, વલસાડ અને છેક ગાયકવાડી સ્ટેટ વડોદરા સુધી આ આધુનિક અસર સૌ પહેલાં ફેલાઈ.

બે સંસ્કૃતિઓ કે બે વિચારો સંપર્કમાં આવે ત્યારે એમની વચ્ચે સંઘર્ષ તો થાય જ; એની અસર નીચે બન્નેમાં કંઈક ફેરફાર થાય છે. અમુક ફેરફારો સારા ભવિષ્યની દિશામાં લઈ જાય છે. ખરું પૂછો તો માત્ર વિચારોના સંપર્કથી પણ કંઈ થતું નથી. ભૌતિક પરિસ્થિતિ બદલાય તે નવા વિચારો અને નવી દિશાઓને જન્મ આપે છે. દક્ષિણ ગુજરાત – અને સુરત –માં ભૌતિક પરિસ્થિતિ સૌ પહેલાં બદલાઈ હતી.

ટૂંકમાં શ્રી રમણભાઈ પાઠક એ લાંબા સંસર્ગ અને સંપર્કની એકસોમા વર્ષની નજીક પહોંચતી કડી છે.

શ્રી સુનીલ શાહ દ્વારા સંપાદિત નાનું પુસ્તક ‘વિવેક વલ્લભ’ એમના વિચારજગતને આપણી સમક્ષ છતું કરે છે.

RATIONALIST.SOCIETY વેબસાઈટના આરંભ નિમિત્તે લખેલા લેખમાં શ્રી રમણભાઈ રૅશનાલિઝમની વ્યાખ્યા આપે છેઃ

“…રૅશનાલિઝમની વ્યાખ્યા જ એવી છે કે, એમાં તર્કવિવેક (રીઝન)ની સર્વોપરિતાનો બિનશરતી સ્વીકાર અને એ જ પ્રમાણેનાં નીતિ–આચાર મુજબનું જીવન, અર્થાત વૈજ્ઞાનિક જીવનાભિગમ. આમ, રૅશનાલિઝમ એ કોઈ વિચાર કે વાદ માત્ર નથી; જીવન પદ્ધતિ છે, જીવનકલા છે. .. રૅશનાલિઝમ એ સત્ય પામવાની વિચાર–તર્કયુક્ત પદ્ધતિ તો છે જ, ઉપરાંત એ તો સત્ય જીવવાની પણ ઉત્તમ વ્યવસ્થા છે અને શાસ્ત્રો પણ કહે છે કે સત્યની સાધના જીવનનાં અને સમાજનાં સર્વ અનિષ્ટોને હણી નાખે છે…”

લેખ-૭ (પ્રુષ્ઠ ૪૪)માં શ્રી રમણભાઈ રૅશનાલિસ્ટો ‘તર્કાંધ’ હોવાના આક્ષેપનો જવાબ આપે છેઃ “સત્ય પામવા માટે પ્રથમ કોઈ પણ માન્યતા કે માની લીધેલ સત્ય પરત્વે તર્કપૂત ચિંતન કરવું ઘટે, એ પછી જે તારણ નીકળે તેનો વાસ્તવિકતા સાથે તંતોતંત મેળ બેસવો જોઈએ અને ત્યાર બાદ પ્રયોગાદિથી એ જ પ્રમાણે સિદ્ધ થવું જોઈએ. આટલો શ્રમ કરી સત્યની નિરંતર ખોજ કરતા માનવીને ‘તર્કાંધ’ કહી જ કેમ શકાય ?”

માની લેવું એટલું બધું સહેલું છે કે આપણે મોટા ભાગે એ જ માર્ગ લઈએ છીએ. મગજને કસરત આપ્યા વિના તૈયાર મળતું હોય તેને ‘મેળવ્યું’ એમ માની લેતા હોઈએ છીએ. જીવન કેટલી બધી માન્યતાઓના આધારે ચાલે છે એનો કદી વિચાર કરવા જેવો છે. આવી બધી માન્યતાઓમાંથી આપણે ખરેખર મુક્ત થઈ શકીએ? રસ્તો એક છે કે આપણે માન્યતાઓની આધારહીનતા તો પહેલાં સમજી લેવી જોઈએ.

જોકે, શ્રી રમણભાઈએ જે જવાબ આપ્યો છે તેના વિશે કંઈક કહેવા જેવું લાગે છે. “સત્ય પરત્વે તર્કપૂત ચિંતન” તો કરવું જ જોઈએ, પરંતુ “જે તારણ નીકળે તેનો વાસ્તવિકતા સાથે તંતોતંત મેળ” હંમેશાં ન પણ બેસતો હોય. “વાસ્તવિકતા” શું છે ? અહીં કેટલાંક ઉદાહરણ જોઈએ કે જેથી એમને ‘વાસ્તવિકતા’ માની શકાય કે કેમ તે નક્કી થઈ શકેઃ (૧) આજે મંદિરો અને મસ્જિદોમાં પહેલાં કરતાં અનેકગણા લોકો જાય છે. (૨) ધર્મોના આધારે કોમો અને પેટાકોમો બની છે અને એમનો પ્રભાવ વધતો જાય છે. (૩) ધન ઓછા ને ઓછા લોકોના હાથમાં એકત્ર થવા લાગ્યું છે. (૪) ટૅકનૉલૉજીનો સારો વિકાસ થયો છે અને એનો લાભ સામાન્ય જનને પણ મળ્યો છે.

આ ચાર ‘વાસ્તવિકતાઓ’ના સંદર્ભમાં કઈ ‘માન્યતા’ઓનું “તર્કપૂત ચિંતન” કરવાનું હોઈ શકે ? મને તો લાગે છે કે સ્થિતિ બદલાય તે પછી પણ ‘માન્યતા’ જૂની સ્થિતિઓને વળગી રહે અને ‘ટેવ’ બની જાય એ ખરી સમસ્યા છે. આથી માન્યતાઓનો અને ‘વાસ્તવિકતા’નો ‘તંતોતંત મેળ’ કદી બેસવાનો નથી. ત્રીજી વાત એ કે વાસ્તવિકતા પોતે જ જીવન છે. તેના પછી કયા પ્રયોગ કરવાના બાકી રહે છે ? પ્રયોગ તરીકે જ જોઈએઃ ધારો કે ધર્મ વાસ્તવિક નથી. તો એના આધારે બનેલી કોમો કેમ વાસ્તવિક હોય ? આમ છતાં આપણા જ દેશમાં બે એવા નેતા થયા છે કે જેમનું રાજકારણ કોમના આધારે ચાલ્યું, અને બન્ને રૅશનાલિસ્ટ અથવા ધર્મનિરપેક્ષ હતા. પરંતુ, શ્રી રમણભાઈ મેં જણાવેલી વાસ્તવિકતા-૧ની ચર્ચા લેખ-૧૫ (પૃષ્ઠ ૮૮)માં કરે જ છે. એને વાસ્તવિકતા-૩ સાથે સાંકળવામાં પણ સફળ રહ્યા છે. સવાલ એ છે કે સાચું પૃથક્કરણ બહુ જરૂરી હોવા છતાં માત્ર એટલાથી જ કામ થઈ જાય ? પરિસ્થિતિ બદલવાના પ્રયાસ ન કરીએ તો ચાલે ?

શ્રી રમણભાઈ જાણે છે કે અંધશ્રદ્ધાનો અંધાધૂંધ પાક કેમ લેવાય છે. એમણે લેખ-૧૭માં સરૂપ ધ્રુવ (પૃષ્ઠ ૯૯)ના શબ્દો ટાંક્યા જ છે, પરંતુ આવો આ પ્રખર ચિંતક ‘ઍક્શન’ માટે કંઈ જ કહેતો નથી ! जानामि धर्मं न च मे प्रवॄत्ति જેવું કંઈક બનતું હોવાનું લાગે છે.

વિચાર પરિસ્થિતિની પેદાશ છે કે એનાથી ઊલટું, પરિસ્થિતિ વિચારની પેદાશ છે ? આ સવાલનો જવાબ નક્કી કરશે કે આપણે ખરેખર આદર્શવાદી છીએ કે યથાર્થવાદી !

લેખ-૧૩ ‘વૈજ્ઞાનિક સત્ય અને ભાવનાત્મક સત્ય’ (પૃષ્ઠ ૭૬) પણ કંઈક અંશે આવા જ સવાલોના જવાબ શોધવાની દિશામાં જાય છે, કારણ કે અહીં એમણે ‘માન્યતા’ને બદલે ‘ભાવનાત્મક સત્ય’ અને એમના અસ્થાયીત્વની વાત કરી છે. ગુજરાતના રૅશનાલિસ્ટો આ બધા મુદ્દાઓની ચર્ચાઓ કરતા જ હશે. કારણ કે લેખ-૨૫માં (પૃષ્ઠ ૧૪૩) શ્રી રમણભાઈ સ્વયં કહે છેઃ “…મિત્રો કશું જ વાંચતા નથી અને…ચર્ચામાં કૂદી પડે છે.” આ વાક્યાંશનો પ્રયોગ એમણે તો વ્યંગ્યાત્મક રીતે ‘મિત્રો’ માટે કર્યો છે, પણ હું એનો ઉપયોગ એમના મિત્રો અને પ્રશંસકો માટે કરું છું. સંદર્ભની બહાર લાગે તો માફ કરશો. પરંતુ લેખ-૫ તો માત્ર રૅશનાલિઝમના વિરોધીઓ વાંચતા નથી એવો આક્ષેપ કરે છે એટલે સવાલ ઊભો થયો છે. આવો આક્ષેપ હંમેશાં Reasonની કસોટીએ પસાર થાય કે કેમ એમાં મને શંકા છે. વળી રૅશાનાલિસ્ટો જ વાંચે છે એવો સંકેત શું નથી મળતો?

આ નાના પુસ્તકનું સંપાદન કરીને શ્રી સુનીલભાઈ શાહે લેખિત કે મૌખિક ચર્ચાઓ માટે દિવસો ઓછા પડે તેટલી સામગ્રી આપી છે, જે અહીં શક્ય નથી; એટલે એક છેલ્લી વાત કરીને સમાપન કરું. સંદર્ભ લેખ-૧૦માં છે. એક રૅશનાલિસ્ટ શ્રી….ભાઈ, એક આધ્યાત્મિક ગુરુ શ્રી …ભાઈએ કરેલી ટિપ્પણીથી દુઃખી થયા. શ્રી રમણભાઈ એમને સલાહ આપે છે (પૃષ્ઠ ૬૪): “…ભાઈ, રૅશનાલિસ્ટ થવું એ રમતવાત નથી…અનેકાનેક ગ્રંથિઓ, અંતરાયો ને મનનાં જટાજૂટ જાળાં ઉલ્લંઘવાં પડે છે. કોઈ પણ વ્યક્તિ એ ભેદી, જરૂર રૅશનાલિસ્ટ બની શકે.”

અહીં શ્રી રમણભાઈ જેવા વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ સાથે અસંમત થતાં હું અચકાયો નથી, પરંતુ એનો અર્થ એ પણ નથી કે એમના કરતાં વધારે જાણવાનો મારો દાવો છે. મહાભારતમાં અર્જુને ભીષ્મ પિતામહ સાથે યુદ્ધ શરૂ કર્યું ત્યારે પહેલું બાણ એમનાં ચરણોમાં છોડીને પ્રણામ કર્યાં. આશા છે કે શ્રી રમણભાઈ પોતે, સંપાદક સુનીલ શાહ અને એમના સાથીઓ મારાં બાણને પણ અર્જુને પિતામહનાં ચરણોમાં છોડેલાં બાણ સમજશે.

૦-૦-૦

મારે નોંધ લેવી જોઈએ કે આ પુસ્તક મારા માટે ‘મીઠું મોં’ છે. મને શ્રીમતી મણીબહેન અને શ્રી ગોવિંદભાઈ મારુએ એમના ગૃહપ્રવેશ નિમિત્તે આ પુસ્તક દિલ્હી સ્ટેશને ભેટ આપ્યું હતું. એમના સ્નેહ બદલ આભાર માનવો એ ‘ભાવનાત્મક સત્ય’નો નિરાદર ગણાશે.

(http://webgurjari.in/2014/12/11/maari-baari_30/)
 

()()()()()()()()

%d bloggers like this: