A Tribute to a forgotten Freedom fighter of Gujarat

એક સ્વાતંત્રવીરની કથા ઉમાકાન્ત મહેતાની કલમે

-દીપક ધોળકિયા

આજે મારી બારીના મહેમાન લેખક છે વડીલ શ્રી ઉમાકાન્ત મહેતા. એમનો ખરો પરિચય તો ‘ક્વિટ ઇંડિયા’ વિશેના મારા લેખ પરની એમની કૉમેન્ટમાંથી મળશે – અહીં ક્લિક કરવાથી મળશે, પણ સ્થૂળ પરિચય એ કે મૂળ અમદાવાદના – અને તેમાંયે ખાડિયાના. ૧૯૩૦માં એમનો જન્મ. એમ. જી. સાયન્સ ઇન્સ્ટીટ્યૂટમાંથી ગ્રેજ્યૂએટ થયા અને પછી વલસાડમાં અતુલમાં નોકરી કરી. છેલ્લાં કેટલાંક વર્ષથી પુત્રપુત્રી સાથે અમેરિકામાં રહે છે. પણ હજી હૈયે આઝાદીની આગ ભડકે બળે છે. એમણે ૧૯૪૨ના સમયના એક સ્વતંત્રતા સેનાનીને યાદ કર્યા છે. એ વીરને આપણે ભૂલી ગયા છીએ. ઉમાકાન્તભાઈ એમને ફરી આપણી સમક્ષ લાવે છે અને ‘મારી બારી’ને એમાં નિમિત્ત બનવા મળ્યું છે તેથી ગૌરવની લાગણી થાય છે. તો આવો, ઓળખીએ એ ગુમનામ સ્વાતંત્ર્યવીરને…

મંત્રી ….શ્રી અકુમ

ભારતની આઝાદીના ઓછા જાણીતા અનામ લડવૈયા.

दिन ख़ू के यारों हमारे भूल जाना

આલેખકઃ ઉમાકાન્ત મહેતા

અકુમ…આ નામ જરા વિચિત્ર લાગે છે.કોઈક વાર આ શબ્દ કાને અથડાયો છે.તેના પડઘા હજી કાનમાં ગુંજે છે. કઈ ભાષાનો આ શબ્દ હશે? એનો અર્થ શું ?

અરે ભાઈ! આ આપણી માતૃભાષા ગુજરાતીનો જ શબ્દ છે.તે તમને નન્હાકોશ કે ગુજરાતી શબ્દકોશમાં નહીં જડે. અરે ! ભગવદ્મંડલના મહાન ગ્રંથકોશના પાના ઉપર શોધવા પ્રયાસ કરશો તો પણ નહીં જડે. પેલી જાહેરાતમાં કહ્યું છે તેમ”ઢુંઢતે રહ જાઓગે !” માટે મિથ્યા પ્રયાસ કરશો નહીં.

L to R:- શ્રી સુદર્શનભાઈ જોષી ( સાહિત્યકાર  સ્વ.શ્રી શીવકુમાર જોષીના લઘુ બંધુ)મંત્રી શ્રી અકુમ, અને લેખક શ્રી ઉમાકાન્ત વિ મહેતા. (૦૧-૦૩-૧૯૮૬)

અકુમ એટલે અરવિંદકુમાર મહેતા.આપણા રાષ્ટ્રિય વિદ્યાર્થી મંડળ (રા વિ મંડળ)ના કાર્યાલય મંત્રી તેમના નામના પ્રથમાક્ષરો એ તેમની સહી.

૧૯૪૨નું ઐતિહાસિક વર્ષ.ભારત છોડો આંદોલન,દેશભક્તિનો પ્રચંડ જુવાળ. ‘ કરેંગે યા મરેંગે ‘ની હાકલ. કોઈ પણ ભોગે આઝાદી તો હાંસલ કરવી જ છે અને અંગ્રેજોને ભગાડવા જ છે.

રાષ્ટ્રીય કોંગ્રેસમાં બે પક્ષો પડી ગયા હતા. જહાલ અને મવાળ. સુભાષચંદ્ર બોઝ તો ૧૯૨૩ની હરિપુરા કોંગ્રેસ અધિવેશનથી જ છુટા પડી ગયા હતા.પૂ. ગાંધીજી અહિંસામાં અને વાટાઘાટો,, બાંધછોડની નીતિમાં માને. ભલે થોડો સમય જાય પણ રક્તહીન સ્વતંત્રતા પ્રાપ્ત કરવામાં માને. બીજી બાજુ, યુવાન વર્ગની ધીરજ ખૂટી ગઈ. અંગ્રેજોએ ૩૦૦ વર્ષ રાજ્ય કરી આપણું લોહી પીધું છે. હવે ધીરજ ક્યાં સુધી? તેઓ ફ્રાન્સ અને રશિયન ક્રાન્તિની વાતો કરવા લાગ્યા. પૂ. બાપુએ ઘણા સમજાવ્યા કે આટલી મોટી વિશ્વ સત્તા સામે હથિયાર ઊઠાવી લડવું સલાહભર્યું નથી. જાનહાનિ તથા રક્તપાતની આઝાદી મને ન ખપે. યુવા વર્ગને સલાહ ગળે ન ઊતરી.આખરે ૯મી ઑગસ્ટ,૧૯૪૨નો એ દિવસ આવ્યો. “હિન્દ છોડો”નો ઐતિહાસિક ઠરાવ કૉગ્રેસ કારોબારીએ પસાર કર્યો અને “કરેંગે યા મરેંગે”નું સુત્ર આપ્યું.બ્રિટિશ સરકાર હચમચી ઊઠી.સઘળા ટોચના નેતાઓ પૂ.બાપુજી, પંડિત જવાહરલાલ નહેરુ,સરદાર પટેલ વગેરેને પકડી જેલ ભેગા કર્યા.

યુવા વર્ગનું લોહી ઊકળી ઊઠ્યું. કોઈ યોગ્ય રાહબર ન મળ્યો. ઉદ્દામવાદીઓ સ્વ.રામમનોહર લોહિયા, ચંદ્રશેખર સાથે ગુજરાતમાંથી શ્રી બી.કે.મજમુદાર, સ્વ.મન્મથ મહેતા.પ્રોફેસર પ્રફુલ્લ ત્રિવેદી, સ્વ.શ્રી જયંતિ દલાલ, સ્વ.શ્રી જયંતિ ઠાકોર વગેરે ભૂગર્ભમાં ચાલ્યા ગયા. ભૂગર્ભમાં રહી ગોરીલા પદ્ધતિએ સરકારને હંફાવતા રહ્યા.

રાષ્ટ્રીય નેતા પૂ. ગાંધીજી તથા કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોરના વિચારભેદ બહાર આવ્યા. કવિવર ટાગોરનું માનવું હતું કે વિશ્વ પ્રગતિને પંથે આગળ વધી રહ્યું છે અને જ્ઞાનની વિશાળ ક્ષિતિજો ઊઘડી રહી છે ત્યારે વિદ્યાર્થી વર્ગને શાંતિથી ભણવા દો, તેમને જ્ઞાન પ્રાપ્ત કરવા દો.તેઓ જ્ઞાનપ્રાપ્તિ દ્વારા ક્રાન્તિ કરશે. તેઓ જ ભારતને સ્વતંત્ર કરશે.

પુ. બાપુજીની વિચારધારા આનાથી તદ્દન વિરૂદ્ધ. તેમના મત મુજબ આઝાદીનો જંગ એ એક રાષ્ટ્રીય મહાયજ્ઞ છે. તેમાં આબાલ-વૃદ્ધ, સ્ત્રી-પુરૂષ, વિદ્યાર્થી-મજદુર સૌ કોઇ જોડાય, જેથી ભવિષ્યમાં કોઇ એક વર્ગ એમ કહી માથું ન ઊંચકે કે “ભારતને અમે જ આઝાદી અપાવી છે.” માટે સમાજના દરેક વર્ગે આમાં પોતાનો યથાયોગ્ય ફાળો આપવો જ જોઇએ.

શાળા -કૉલેજો, મિલો, કારખાના વગેરે બંધ થયાં. સૌ કોઇ આઝાદીના જંગમાં જોડાયા. વિદ્યાર્થીઓએ એકઠા થઈ વિદ્યાર્થીમંડળો તથા મજુરોએ મજૂર સંગઠનો રચ્યાં. યુવા વિદ્યાર્થીઓ સ્વ.શ્રી બ્રહ્મકુમાર ભટ્ટ,સ્વ. શ્રી પ્રબોધ રાવળ, સ્વ.શ્રી અરવિંદકુમાર મહેતા, પ્રૉ. પ્રફુલ્લ ત્રિવેદી, શ્રી રામુ પંડિત,શ્રી અબ્દુલ હમીદ કુરેશી, શ્રી જયંતિ પટેલ ‘રંગલો,’ સ્વ.શ્રી અરૂણ ઠાકોર, સ્વ.શ્રી પિનાકિન ઠાકોર, વગેરેએ રાષ્ટ્રીય વિદ્યાર્થી મંડળની રચના કરી.

વિદેશી વસ્તુઓ છોડો એ રાષ્ટ્રીય હાકલ હતી, સ્વ.શ્રી અરવિંદકુમાર મહેતાએ અંગ્રેજી ભાષાનો મહદ અંશે ત્યાગ કર્યો.પોતાના નામના ગુજરાતી પ્રથમાક્ષરો અ કુ મ લઈ પોતાની ટૂંકાક્ષરી-ટૂંકી સહી અકુમ કરી. ત્યારથી તેઓ અકુમ નામે જ જાણીતા થયા. રાષ્ટ્રીય વિદ્યાર્થી મંડળની કારોબારીમાં તે ચૂંટાયા અને કાર્યાલય મંત્રી-ઑફિસ સેક્રેટરી બન્યા. આ મંત્રીપદ તેમણે સુપેરે શોભાવ્યું. મંત્રીપદેથી નિવૃત્ત થયા છતાં મિત્રો અકુમનો ઉલ્લેખ આવે ત્યારે તેમને મંત્રી તરીકે આજે પણ સંબોધતા રહે છે. એમના અવસાન પછી પણ તેઓ તેમના મિત્રવર્તુળમાં મંત્રી તરીકે જ જાણીતા છે.

રાષ્ટ્રીય વિદ્યાર્થી મંડળના કાર્યાલય મંત્રી તરીકે કાર્યાલયની કામગીરી ઉપરાંત અન્ય ભૂગર્ભ કાર્યકર મિત્રોને સહાયક થવાનું પણ સાથે ચાલુ રાખ્યું. વિદ્યાર્થી પત્રિકા (VP.) તથા કોંગ્રેસ પત્રિકા (CP.) છાપી (સાયક્લોસ્ટાઇલ કરી) અને પોળે પોળે છૂપી રીતે પહોંચાડવી, પોલીસ પ્રવૃત્તિઓના ફોટોગ્રાફ લઈ ભૂગર્ભ કાર્યકર્તાઓને રજેરજ માહિતી પૂરી પાડવી વગેરે કામગીરી દ્વારા સહાય રૂપ થતા. કૅમેરામાં ફોટા પાડી કોઈ સ્ટુડિયોમાં ધોવા કે ડેવલપ કરવા માટે આપવામાં જોખમ હતું. સ્ટુડિયોવાળા પોલીસને ગુપ્ત માહિતી પહોંચાડે તો આખું ભૂગર્ભ તંત્ર જોખમમાં આવી પડે.આથી બાલાહનુમાન પાસે આવેલ પરીખ સ્ટુડિયોમાં જઈ, ફોટોગ્રાફીક પ્રોસેસિંગ– ડેવલપિંગ, પ્રિન્ટિંગ વગેરે કામ શીખી આવ્યા. ઘરે જ ડાર્કરૂમ બનાવી બધાં સાધન તથા કૅમિકલ લાવી કૅમેરાના રોલ જાતે જ ડેવલપ કરતા અને તેની પ્રિન્ટ કાઢીને ભૂગર્ભ કાર્યકર્તાઓને છૂપી રીતે પહોંચતી કરતા.

સભા-સરઘસનું આયોજન એ મંત્રી શ્રી અકુમની વિશિષ્ટ આવડત હતી.અમદાવાદ શહેરની પોળોનો ઇતિહાસ અને તેની રચના પણ જાણવા જેવી છે.પોળનાં કેટલાંક મકાનોને બે બારણાં હોય. આગળનું બારણું એક પોળમાં હોય તો પાછળનું બારણું બીજી પોળમાં પડતું હોય. મંત્રી શ્રી અકુમ આ બધાથી સારા માહિતગાર. મકાનમાલિક પણ દેશદાઝવાળા હોવાથી સરઘસના છોકરાઓ પાછળ પોલીસ પડી હોય ત્યારે છોકરાઓને બેરોકટોક ઘરમાંથી આવવા જવા દે. છોકરાઓ ઘરમાં પેસી પાછળને બારણેથી બીજી પોળમા નીકળી જાય.વપોલીસ તેમની પાછળ દોડતી આવે એટલે આગળ રસ્તો દેખાય નહીં (Road’s dead end.) પોલીસે છોકરાઓને ઘરમાં અંદર જતા જોયા હોય પણ તેઓ પ્રાઇવેટ ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરતાં અચકાય. જબરજસ્તીથી ઘરમાં જવા માટે પ્રયાસ કરે એટલે મકાનમાલિક તેમને ઘરમાં જતાં અટકાવે. આમ પોલીસ અને મકાનમાલિકની રકઝકમાં સરઘસ ક્યાંય આગળ નીકળી ગયું હોય અને પોલીસ હાથ ઘસતી પાછી ફરે.

આ અરસામાં સંદેશા વ્યવહારનાં સાધનો, ટેલીફોન ઝાઝા નહીં, અને મૉબાઈલ, સેલફોનનો તો જન્મ જ થયો નહોતો. તેથી સભા-સરઘસની માહિતી કેવી રીતે પહોંચાડવી? લેખિત રીતે પહોંચાડવાનું જોખમ હતું. મંત્રીશ્રી એ બુદ્ધિ દોડાવી.

ભારતની આઝાદીમાં મનુષ્યોની સાથોસાથ મૂંગાં પશુઓએ પણ તેમનો નોંધનીય ફાળો આપ્યો છે, અને તેથી તેમની પણ કદર થવી જોઈએ. શહેરની રખડતી ગાયો અને ગર્દભો તથા કઈંક અંશે કૂતરાઓએ અગત્યનો ફાળો નોંધાવ્યો છે. અને તેથી આજે અમદાવાદની પોળોમાં તથા શહેરના રાજમાર્ગ ઉપર તેમને સ્વૈરવિહાર કરવાનો પૂરેપુરો અધિકાર છે !  ગાય અને ગર્દભના સફેદ શરીર પર લાલ રંગની પીંછી વડે સાંકેતિક શબ્દોમાં સંદેશો લખી ગાય તથા ગર્દભના પૂંછડા ઉપર ખાલી પતરાનો ડબ્બો બાંધે અથવા તેના પૂંછડા ઉપર ફટાકડાની લૂમ બાંધી સળગાવે. તેથી ગાય અને ગર્દભ ગભરાટભરી દોડાદોડ કરી એક પોળમાંથી બીજી પોળમાં નાસભાગ કરે અને લોકો સંદેશો વાંચી લે. સાંકેતિક શબ્દોમાં લખાણ હોય “આઠ વાગે સભા. માણેકચૉક” અને સહી કરે M.M.સભા અને ટાઈમ બરોબર પણ સ્થળ માણેકચોકને બદલે M.M.  એટલે કે “મુક્તિ મેદાન” જે મણિનગરમાં હોય તેથી “સમજને વાલે સમજ ગયે, ના સમજે વો અનાડી હૈ.” માફક સમજુ લોકો મણિનગર સભામાં જાય અને અનાડી પોલીસ માણેકચોકમાં ફાંફાં મારતી હોય. આમ વિના મૂલ્યે અને વિના તકલીફે સંદેશો પહોંચી જતો.

વિદ્યાર્થી પ્રવૃત્તિઓ સાથે યુવકોમાં પણ જાગૄતિ આવી. યુવક પ્રવૃતિઓ વિકસી. પોળે પોળે યુવક મંડળો રચાયાં, ખાડિયાની જાણીતી પોળો, સેવકાની વાડી, દેસાઈની પોળ, લાખિયાની પોળ, ભાઉની પોળ વગેરે પર પોલીસની લાલ આંખ.

મંત્રીશ્રી સેવકાની વાડીના રહીશ. ત્યાં પણ યુવક મંડળ બન્યું. આઝાદીની લડતને લઈને પોલીસની ધાક જબરી. બધા પોલીસથી ડરે અને ગભરાય. મંત્રી થઈ  ‘હોળીનું નારિયેળ’’ બનવા કોઈ રાજી નહીં. મંત્રી શ્રી અકુમનો જન્મજાત સ્વભાવ લીડરશિપનો. તેમણે સામી છાતીએ પડકાર ઝીલી લીધો.અને પોતાના યુવકમંડળના પણ મંત્રી બન્યા.

તે વખતે યુવકમંડળની પ્રવૃતિઓમાં શેરીની સફાઈ, ગાંધીજયંતીની ઊજવણી, કાંતણ-હરીફાઈ,  નાટકો,  દેશભક્તિનાં ગીતો ગાવાની સ્પર્ધા, મુશાયરા, ડાયરો, પ્રાથમિક સારવારના વર્ગો, આગળપડતા જાણીતા વક્તાઓને આમંત્રી તેમનાં પ્રવચનો વગેરે કાર્યક્રમો યોજાતા.

આવા એક શેરી કાર્યક્રમમાં જાણીતા કાર્ટૂનિસ્ટ શ્રી બંસીલાલ વર્મા ‘ચકોર’ સેવકાની વાડીમાં પધારેલા. જાણીતી વ્યક્તિઓ અને દેશનેતાઓના કાર્ટૂન્સ દોરી મનોરંજન પીરસ્યું. છેલ્લે સમાપન કરતાં મોગલ શહેનશાહ શાહજહાંનું ચિત્ર , પઠાણી લેંઘો, ઉપર લાંબું પહેરણ, માથે મુઘલાઈ પાઘડી, ભરાવદાર દાઢી અને હાથમાં ગુલાબનું ફુલ. સૌ વિચારમાં પડી ગયાં કે આ વળી કોનું કાર્ટૂન ? શ્રોતાઓમાં ગણગણાટ શરૂ થયો, ત્યારે ‘ચકોરે’ કાર્ટૂનને મથાળે લખ્યું; ‘ મંત્રી શ્રી અકુમ” આવી હતી તેમની પર્સનાલિટી. તે વખતે સરહદના ગાંધી શ્રી અબ્દુલ ગફારખાનનું સારું માન હતું.તેમને જોઈને યુવાનોમાં પઠાણી પહેરવેશ અને દાઢી વધારવાનો ‘ ક્રેઝ’-પેદા થયો હતો.. આ પઠાણી પહેરવેશ મંત્રીશ્રીને ખરેખર શોભતો પણ હતો.

અકુમનો સ્વભાવ પહેલેથી જ સેવાભાવી અને પરગજુ.પોળની કોઈ વ્યક્તિ માંદી સાજી હોય ત્યાં અવશ્ય તેમની હાજરી હોય જ. કોઈને દવા કે ઍમ્બુલન્સ, હૉસ્પિટલની જરૂર પડે તો તેમની ઇમરજન્સી સર્વિસ ચોવીસ કલાક અને સાતેય દિવસ હાજર.પોળવાસીઓની સેવા કાજે માંદગીની સારવારના સાધનો, બેડપૅન, યુરિન પોટ,સ્ટ્રેચર, થર્મૉમિટર, હૉટવોટર બૅગ, આઈસ બૅગ, ફર્સ્ટ એઈડ બૉક્સ વગેરે વસાવી, વિના મૂલ્યે પોળવાસીઓને વાપરવા આપતા. તેમના સ્વભાવનું બીજું પાસું તે સ્વમાન અને સિદ્ધાંતના ભોગે, પ્રાણાન્તે પણ બાંધછોડ નહીં.

સ્વતંત્રતાનો જંગ પૂરો થયો. ભારત આઝાદ થયું, સૌ પોતપોતાના અભ્યાસ-ધંધા-રોજગારમાં લાગી ગયા.સ્વાર્થ-લોલુપ નેતાઓ આઝાદીનાં મીઠાં ફળ ખાઈ ગયા. સિદ્ધાંતનિષ્ઠ મંત્રી શ્રી અકુમને નસીબે ગોટલા અને છોડિયાં જ આવ્યાં;પરન્તુ તેમણે તેનો રંજ કદાપિ અને કોઈ પણ વ્યક્તિ સમક્ષ દર્શાવ્યો નહીં. કવિશ્રી એ કહ્યું છે તેમ, “ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.” કહી સહર્ષ સ્વીકાર્યું.

જીવનની કટુ વાસ્તવિકતા સામે આવી. દેશદાઝ કાજે અભ્યાસ અધૂરો છોડ્યો હતો, તેથી સારી નોકરી મળવાની શક્યતા નહોતી. કુટુંબીજનોએ કૃષ્ણ-સુદામાની દોસ્તીદાવે તેમના ઉચ્ચ સિંહાસને બીરાજેલા મિત્રો પાસે નોકરી માટે જવા સૂચન કર્યું. તેમણે કુટુંબીજનો તથા સ્નેહી-સંબંધીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું “મેં મારી જિંદગીનું બલિદાન આઝાદીની લડત કાજે આપ્યું છે. આ ઉમદા બલિદાનનો એક મામૂલી નોકરી દ્વારા બદલો લઉં? હરગીઝ નહિ. ફરીથી આવી સ્વાર્થયુક્ત વાત મારી સમક્ષ કરશો નહિ.”

તે અરસામાં શહેરની બસ-સર્વિસનો વહીવટ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને સંભાળ્યો હતો.તેમાં તેઓ બસ કંટ્રોલરની નોકરીમાં વગર લાગવગે જોડાઈ ગયા. અહીં તેઓ તેમના સિદ્ધાંત અને ધ્યેયનિષ્ઠાને ચુસ્ત રીતે વળગી રહ્યા. ધીરે ધીરે પ્રગતિનાં સોપાન સર કરી સબ-ઈન્સ્પેક્ટર અને ફ્લાઈંગ સ્ક્વૉડ ઈન્સ્પેક્ટરનો ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરી નિવૃત થયા.

સ્વમાની સ્વભાવનો તેમના અંગત જીવનનો બીજો એક પ્રસંગઃ

આઝાદી તો મળી; પણ યુવાનોને યોગ્ય દોરવણી ન મળી. કોમવાદ, જાતિવાદ, જ્ઞાતિવાદ નાબૂદીના પૂ, બાપુજીના વિચારો કાચી ઉંમરના યુવાનો સમજી ન શક્યા. ક્યાંથી સમજી શકે ? પૂ. બાપુજીના વિચારો એટલે કાચો પારો ! યોગ્ય અનુપાન વગર તે પચે નહિ. પૂ બાપુજી તથા સરદાર વલ્લભભાઈની વિદાયથી યુવાધન નિરંકુશ બન્યું. પૂ. બાપુજીના સિદ્ધાંતોનું મનઘડંત અર્થ અનુસાર અનુસરણ કરવામાં આવ્યું, સ્વતંત્રતા સ્વચ્છંદતા તરફ ઢળી.

આઝાદીની લડત દરમ્યાન સામાજિક બંધનો ઢીલાં થયાં. પેઢી દર પેઢીથી ચાલ્યો આવતો વડીલો પ્રત્યેનો આદર ભાવ, આમન્યા તૂટ્યાં. વડીલો સામે વાદવિવાદ અને દલીલો થવા લાગ્યાં. આઝાદીનું આ માઠું ફળ પણ સમાજને ચાખવા મળ્યું.

યુવક-યુવતીઓ એકબીજાંને છૂટથી હળતાં મળતાં હતાં કુસુમાકર ( વસંતૠતુ) પૂર બહારમાં ખીલી હોય ત્યારે યુવા હૈયાં ઓછાં ઝાલ્યાં રહે? મંત્રી શ્રી અકુમ કુસુમધન્વાની બાણવર્ષાનો ભોગ બન્યા, અને તેમણે સ્નેહ લગ્ન કર્યાં.

પત્ની શ્રીમતિ પ્રફુલ્લવદના તથા મંત્રી શ્રી અકુમજૂની અને નવી પેઢી. માતા અને પુત્ર, આમને-સામને આવી ગયાં. રૂઢીચુસ્ત માતાએ તેમનાં સ્નેહ-લગ્ન અંગે નાપસંદગી જાહેર કરી. શ્રી અકુમને ગૃહપ્રવેશબંધી ફરમાવી. અપૂર્ણ કેળવણી પામેલા અને કાચી ઉમરના અર્ધદગ્ધ યુવાનોએ પૂ. બાપુજીની નાતજાત નાબૂદીની દલીલ કરી તેમનું સ્નેહલગ્ન વાજબી ઠરાવવા કોશીશ કરી.

માતાએ શાન્તિથી જવાબ આપ્યો; “જ્ઞાતિ જાતિનો મને વાંધો નથી. કોઇ છોકરીને સમજાવી પટાવી, છાનીછપની રીતે, મા-બાપની સંમતિ વગર,તેમની તથા સમાજની ગેરહાજરીમાં, ફક્ત ચાર ફેરા ફરવાથી લગ્ન થયાં કહેવાય નહીં. લગ્ન એ હિન્દુ સંસ્કૃતિના સોળ સંસ્કારમાંનો એક પવિત્ર સંસ્કાર છે. આ લગ્ન એ સંસ્કાર નહિ, સ્વેચ્છાચાર છે. તું ભલે તેને સ્નેહલગ્નનું રૂડું રૂપાળું નામ આપે. હું તો તેને ભાગેડુ લગ્ન જ કહીશ. કુટુંબના અન્ય સભ્યો ઉપર આની ખરાબ અસર પડે. તેથી મારા ઘરમાં તારો પગ નહીં જોઈએ.” બીજી બાજુ મંત્રીશ્રી અકુમ પણ અક્કડ અને મક્કમ. તેમણે પણ ગૃહત્યાગ સ્વીકાર્યો પણ નમતું તો ના જ જોખ્યું.

બંન્ને પક્ષ મક્કમ. કોઈ મમત છોડવા રાજી નહીં. સમય પસાર થતો ગયો. નિયતિએ તેનું કામ કર્યું. પ્રથમ સંતાનના ઍંધાણ વર્તાયાં. મંત્રી શ્રી અકુમના મોટાં બહેન વચ્ચે પડ્યાં. તેમણે માતાને સમજાવ્યાં;પુત્રવધૂ મા વગરની દીકરી છે. એકલી એકલી મુંઝાતી હશે.તે એકલી શું કરશે ? ” कुपुत्रो जायते क्वचिदपि , माता कुमाता न भवति…” છોરુ કછોરુ થાય પણ માતા કુમાતા ન થાય.”

આખરે માતાના હ્રદયમાં કુણી લાગણી ઊભરાઇ. કારણ કે આખરે તો તે એક”મા” હતીને ! પુત્ર-પુત્રવધૂને પ્રેમપૂર્વક આવકાર આપી સત્કાર્યાં.

મંત્રીશ્રી અકુમની  મૃત્યુથી થોડા સમય પહેલાંની તસવીરઘેર પારણું બંધાયું. કુટુંબનો પહેલો પુત્ર હોવાથી ઘરમાં આનંદઉલ્લાસનું વાતાવરણ છવાયું. રંગે શ્યામ હોવાથી દાદીમાનો લાડકો કૃષ્ણ કનૈયા જેવું હેત અને વહાલ પામ્યો. ટૂંકમાં મંત્રીશ્રી અકુમે પોતાના અંગત જીવનમાં પણ સિદ્ધાંતને ભોગે ક્યારેય બાંધછોડ કરી નથી કે હળવી નીતિ અપનાવી નથી.

પહેલેથી જ કામગરો જીવ. નવરા બેસી રહેવું ગમે જ નહીં. કોઈ ને કોઈ પ્રવૃત્તિ હાથમાં હોવી જ જોઈએ. નોકરીમાંથી નિવૃત થયા તો ચિન્મય મિશનની પ્રવૃતિ હાથ ધરી. પ્રાણાંત સુધી ત્યાં પ્રવૃત્તિશીલ રહ્યા.

શ્વેત વસ્ત્ર કોઇ પણ રંગ ઝડપથી ધારણ કરી લે છે.તેમના નિર્મળ, સ્વચ્છ જીવનને અધ્યાત્મનો રંગ સ્પર્શી ગયો. જીવનના પાછલાં વર્ષો ધ્યાત્મ માર્ગે અને ચિન્મય મિશનની પ્રવૃત્તિઓમાં વ્યતીત કર્યાં. આ પુણ્યાત્મા ૧૪મી ઑક્ટોબર,૨૦૦૨ સોમવાર, આસો સુદ નોમ વિક્રમ સંવત ૨૦૫૮ નવરાત્રીની નોમના પવિત્ર દિવસે મહાજ્યોતિમાં વિલીન થઈ ગયો.

(પ્રકાશિત:.   “અખંડ આનંદ માસિક સપ્ટેમ્બર. ૨૦૧૧.)


ઉમાકાન્ત વિ. મહેતા.

૨૦, મીડો ડ્રાઈવ, ટૉટૉવા.

એન જે. ૦૭૫૧૨.યુએસએ.

ફોનઃ  (૧) ++ ૯૭૩ ૯૪૨ ૧૧૫૨.                                                                                                  (૨) ++ ૯૭૩ ૩૪૧ ૯૯૭૯.

ઈ-મેઇલ: mehtaumakant@yahoo.com

%d bloggers like this: