ભારતના પહેલા સ્વતંત્ર્ય સંગ્રામનો પ્રારંભ ૧૮૫૭ના મે મહિનાની ૧૦મી તારીખે થયો. આ ઘટનાને ૧૬૦ વર્ષ પૂરાં થાય છે. આ આખી ઘટનાનું રોમાંચક વર્ણન વેબગુર્જરી પર કૅપ્ટન નરેન્દ્ર ફણસેની નવલકથામાં મળે છે. વ્યાપક સમયફલક પર ચિત્રિત આ કથામાં આવતા વળાંક અત્યંત રસપ્રદ છે. આજે ભારતના ઇતિહાસની આ મહાન ઘટનાને યાદ કરવા માટે હું એમની નવલકથાના ભાગ-૨, પ્રકરણ ૮નું પુનઃ પ્રકાશન ‘મારી બારી’ રૂપે કરું છું. જો કે શરૂઆત ભાગ ૨- પ્રકરણ ૭નાં અંતિમ વાક્યોથી કરી છે.
– દીપક ધોળકિયા.
૦–૦-૦
૧૮૫૭ના વર્ષની શરૂઆત હતી. કેન્ટોનમેન્ટમાં શાંતિ હતી. અફસરમેસમાં પાર્ટીઓ ચાલતી હતી. જિમખાનામાં મેળાવડા અને મનોરંજનના કાર્યક્રમ ચાલતા હતા.
દેશમાં શાંતિ વર્તાતી હતી,પણ ઉકળતા ચરુ પરના ઠંડા દેખાતા ઢાંકણા જેવી. તેમાં ઉકળતો લાવા ક્યારે ચરુ ફાડીને બહાર નીકળશે, તેનો કોઈને ખ્યાલ નહોતો.
ભાગ ૨ – પ્રકરણ ૮
૧૮૫૭ – વિપ્લવના વાયરા
કલકત્તાની નજીક આવેલ દમદમ ગામમાં કંપની સરકારનો દારૂગોળાનો ભંડાર હતો. બંગાળની સેનામાં વપરાતી ‘બ્રાઉન બેસ’ (Brown Bess)રાઈફલનાં લાખો કારતૂસો અહીં સંઘરાય. અહીંથી બંગાળ, બિહાર અને અવધમાં કાર્યરત રિસાલા અને પાયદળના સૈનિકો માટે દારૂગોળો મોકલવામાં આવતો.
દમદમથી વીસેક માઈલ દૂર આવેલી ૩૪મી BNI માટે દારૂગોળો લેવા ગયેલા ભૂમિહાર ક્વાર્ટર માસ્ટર હવાલદારે ત્યાં કામ કરનાર એક મજૂરનું સ્પૃશ્યાસ્પૃશ્યતાના મુદ્દા પર અપમાન કર્યું.
“સાહેબ, મને અડકવાથી તમારો ધર્મ ભ્રષ્ટ થાય છે; પણ વર્ષોથી ગાય અને સૂવરની ચરબીવાળાં કારતૂસ મોંમાં નાખીને તમે કેવા પાવન છો, એ તો કહો?”
“તું કહેવા શું માગે છે?”
મજૂરે વાત કહી અને હવાલદાર કમકમી ગયો.
તે સમયે બ્રાઉન બેસ તથા નવીનવી દાખલ થયેલી P-53 રાયફલનાં કારતૂસ કાગળની બીડી જેવી ભૂંગળી આકારનાં હતાં. કાગળની આ ભૂંગળીમાં માપસરનો દારૂ અને એક ગોળી મુકાતી. દારૂને ભેજ ન લાગે તે માટે કાગળની બન્ને બાજુએ ગાય કે ડુક્કરની ચરબીનો લેપ લગાડવામાં આવતો. રાયફલમાં ગોળી ચઢાવવા માટે આ ભૂંગળીનો ઉપરના ભાગનો કાગળ દાંતથી ફાડી, તેમાં ભરેલ દારૂ અને ગોળીને રાયફલની નળીમાં ઠલવાય અને મોગરી જેવા સળિયા વડે તેને નળીમાં ધરબવામાં આવતાં. મોઢામાં રહેલ કાગળનો ટુકડો સિપાઈઓ થૂંકી નાખતા. કારતૂસના કાગળ પર નિષિદ્ધ માંસની ચરબીના લેપ લગાડવામાં આવે છે તેની માહિતી સૈનિકોને આપવામાં આવી નહોતી. હવે તે વાત ચારે તરફ વાયુવેગે ફેલાઈ ગઈ. ગામોમાં આ વાત ફેલાતાં સ્થાનિક પ્રજા આ વિરોધમાં સામેલ થઈ. ધર્મગુરુઓએ જાહેર કર્યું કે જે કોઈ આ કારતૂસનો ઉપયોગ કરશે, તેને ધર્મ બહાર કરવામાં આવશે. ૩૪મી BNIના સીઓ કર્નલ વ્હીલર પોતે ઉત્સાહી ધર્મપ્રચારક હતા અને જે કોઈ સિપાઈ ધર્માંતરણ માટે તૈયાર હોય તેને સ્વીકારવા તૈયાર હતા. લગભગ તે સમયે નજીકની ૫૬મી BNIના કૅપ્ટન હૅલીડેનાં પત્નીએ બાઈબલનું ઉર્દુ તથા દેવનાગરીમાં ભાષાંતર કરાવી આસપાસની બટાલિયનોમાં મફત વહેંચવાની શરૂઆત કરી.
આ વાતની જાણ થતાં સિપાઈઓ તથા સ્વારોએ નિષિદ્ધ કારતૂસ વાપરવાનો ઇન્કાર કરવાની શરૂઆત કરી, તેની પરિણતિ થઈ ૩૪મી BNI બટાલિયનના મંગલ પાંડેના ઇતિહાસમાં.
ઇતિહાસનો આ સમય એવો હતો કે સરકાર ત્યારે બંગાળની સેનાને શીખો સામે લડવા પંજાબ મોકલતી હતી. સેનાનાં કેટલાંક ઘટક તો અફઘાનિસ્તાન પણ રવાના કરવામાં આવ્યાં હતાં. આ પ્રદેશો કંપની સરકારની હદની બહાર હોવાથી ત્યાં જતા સૈનિકોને ખાસ ભથ્થું આપવામાં આવતું. ભારત છોડતાં પહેલાં લૉર્ડ ડલહૌસીએ આ ભથ્થું બંધ કર્યું, જેના કારણે દેશી સૈનિકો અત્યંત ક્ષુબ્ધ હતા. તેમાં ભ્રષ્ટ કારતૂસના ઉપયોગની વાતથી તથા ધર્માંતરણની અફવાથી બળતામાં ઘી હોમાયું. સૈનિકોમાં ભારે ઉહાપોહ થયો હતો અને હવે તેઓ કંપની સરકારનો ખુલ્લેથી વિરોધ કરતા થયા હતા.
***
રોજ સાંજે રીટ્રીટનું બ્યૂગલ વાગે તે પહેલાં રિસાલદાર પાંડે ગંગા કિનારે આવેલા મંદિરે જતા. આ એ જ મંદિર હતું, જ્યાં તેમને જગત પહેલી વાર મળ્યો હતો. કેટલીક વાર તેઓ જગતને તેમની સાથે મંદિર લઈ જતા. એક દિવસ તેમણે જગતને બોલાવ્યો. રેજિમેન્ટની ફાટકની બહાર નીકળતાં તેમણે જગતને આ બાબતમાં સવાલ પૂછ્યો.
“જી સાહેબ, કારતૂસની વાત BNIની ત્રણે બટાલિયનોમાં ફેલાઈ છે. ગઈકાલે જ મારા પાડોશી ૪૦મી BNIના હવાલદાર માનસિંહનો સંબંધી, જે બૅરેકપોરની એક BNIમાં કાર્યરત છે, રજા પર આવ્યો હતો. તેણે વાત કરી કે ત્યાંના સૈનિકો ખુલ્લી રીતે આ કારતૂસ વાપરવાનો ઇન્કાર કરી રહ્યા છે. ઘણા સૈનિકોને તેમના ધર્મ બહાર કરવામાં આવ્યા હતા. તેમને ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી એવું તે કહેતો હતો.”
“તમે જાતે આ બાબતમાં શું જાણો છો ?”
“થોડા દિવસ પહેલાં રવિવારે અમે પટણા ગયા હતા. ત્યાં ચોક અને રસ્તાઓની ચોકડીઓ પર અંગ્રેજ પાદરીઓ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતા હતા અને દેશી માણસો તેમના ભાષણનું ભાષાંતર કરતા હતા. તેમના ધર્મપુસ્તકોનાં હિંદી અને ઉર્દુ ભાષાંતરવાળાં પુસ્તકો તેઓ મફત વહેંચતા હતા.”
આ સાંભળી રિસાલદાર ઊંડા વિચારમાં પડી ગયા.
“જગતસિંહ, આ ચિહ્નો સારાં દેખાતાં નથી.”
બૅરેકપોરમાં ૩૪મી BNIમાં મંગલ પાંડે અને જમાદાર ઈશ્વરી પ્રસાદને અપાયેલ ફાંસીના તથા બટાલિયનને નિ:શસ્ત્ર કરી બરખાસ્ત કરવામાં આવી હતી તેના સમાચાર બંગાળની સેનામાં ફેલાઈ ગયા હતા.
મે મહિનાની દસ તારીખે મેરઠ અને લખનૌમાં બળવો ફાટી નીકળ્યો. નાના સાહેબ પેશ્વા અને લખનૌનાં બેગમ હઝરત મહલ જાહેર કરે કે તેઓ શહેનશાહ બહાદુરશાહ ઝફરના લીલા નેજા નીચે અંગ્રેજ સરકારને ભારતમાંથી કાઢી મૂકવા એકઠા થયા છે તે પહેલાં આ શહેરોમાં દેશી સૈનિકોએ બળવો પોકાર્યો.
કંપની સરકારની બિહાર તથા બંગાળસ્થિત સેનાના અધિકારીઓને ટેલિગ્રામ દ્વારા ‘સિચ્યુએશન રિપોર્ટ’ મળતા હતા, પણ તેમણે તેની જાણ દેશી અફસરોને થવા દીધી નહિ. તેમને ડર હતો કે આ વાત બહાર પડતાં તેમના સૈનિકો બળવામાં જોડાશે. પરંતુ મરઘાને ટોપલા નીચે સંતાડવાથી સૂરજ થોડો ઉગ્યા વગર રહેશે? બળવાના અધિકૃત સમાચાર તો સૈનિકોને ન મળ્યા, પણ અફવાઓ – જેને ફોજમાં ‘બઝાર ગપ’ કે ‘લંગર ગપ’ કહેવાય છે, ચારે તરફ ફેલાવા લાગી હતી.
એક નિ:શ્વાસ મૂકી પાંડે બોલ્યા, “ખુશીની વાત એ છે કે આપણો રિસાલો હજી સરકારને વફાદાર છે.”
જગત બુદ્ધિમાન યુવક હતો. તેને આંતર-યુદ્ધનાં એંધાણ નજર આવ્યાં. દાનાપુરમાં તેની શરન, નાની અને બાળકો સુરક્ષિત નહોતાં. ગંગા પાર આવેલ તેનું નાનકડું ગામ રુદ્રપુર શાંત અને સુરક્ષિત હતું. તેણે તેના પરિવારને ઘેર મોકલી આપ્યું. તેને પોતાને પણ રિસાલા પર અભિમાન હતું. તેને લાગ્યું કે સૈનિકોની વફાદારી જોઈ તેમને સૌને કોઈ સ્થળે વિપ્લવ ઠારવા મોકલવામાં આવશે.
તેનો અંદાજ સાચો ઠર્યો. થોડા દિવસ બાદ જગતના રિસાલાને ભાગલપુર મોકલવામાં આવ્યો.
તે સમયે બંગાળના કમાન્ડર-ઈન-ચીફ જનરલ એન્સન હતા. તેમના તાબા નીચે બંગાળ, બિહાર, અવધ, દિલ્હી અને પંજાબમાં ફેલાયેલી સેના હતી. લખનૌ, મેરઠ, કાનપુર, ઝાંસી, દિલ્હી અને બિહારમાં બાબુ કુંવરસિંહની સેનાએ વિપ્લવમાં ભાગ લીધો હતો. તેને ડામવા તેમણે પૂરી સેનાને સાબદી કરી કૂચ કરવાનો આદેશ આપ્યો. બળવાને ડામવા એન્સને દેશી સેનાનો ઉપયોગ કરવાને બદલે ઇંગ્લેન્ડથી અને બ્રહ્મદેશમાં તહેનાત કરાયેલી સ્કૉટિશ હાઈલેન્ડર, આયરિશ તથા અંગ્રેજ સેનાઓ મોકલી. સ્થાનિક પ્રજામાં ડર પેદા કરવા દેશી રિસાલાઓ અને BNIની બટાલિયનોને બિહારના શહેરી અને ગ્રામવિસ્તારોમાં મોકલી. ૧૦૫મા રિસાલાને આ વ્યૂહરચનાની હેઠળ ભાગલપુર મોકલવામાં આવ્યો.
વિપ્લવ હવે બિહારમાં પ્રસર્યો. જગદીશપુરના એંશી વર્ષના રાજાબાબુ કુંવરસિંહને પુત્ર નહોતો. તેમણે તેમના નાના ભાઈ અમરસિંહને દત્તક લીધો. કંપની સરકારે તે નામંજૂર કર્યું. કુંવરસિંહ પાસેથી મહેસુલની લેણી નીકળતી રકમની વસુલી માટે સરકારે તેમની રિયાસત પર જપ્તી આણી. બાબુ કુંવરસિંહ તેમની વણકેળવાયેલી સેના સાથે યુદ્ધે ચડ્યા. તેમને જનતાનો સાથ મળ્યો. જગદીશપુરની રિયાસતથી દાનાપુરની દેશી સિપાઈઓની બ્રિગેડ દૂર નહોતી. કુંવરસિંહે તેમને અંગ્રેજોની ધૂંસરી ત્યાગી તેમની સેનામાં જોડાવા કહેણ મોકલ્યું, પણ સિપાઈઓ તેમના અફસરોને વફાદાર હતા. કુંવરસિંહે એકલા જ યુદ્ધ ચાલુ રાખ્યું. હવે તો મેરઠ અને લખનૌના બળવાના સમાચાર બધે ફેલાઈ ગયા હતા. ૧૦૫મા રિસાલાને ભાગલપુર તથા તેની આસપાસના વિસ્તારમાં કંપની સરકારની દહેશત ફેલાવવાનું કામ સોંપવામાં આવ્યું. રોજ તેમના અસવારોની ટુકડીઓ પૂરા શસ્ત્રાસ્ત્ર સાથે પેટ્રોલિંગ પર નીકળવા લાગી.
***
એક દિવસ બપોરે રિસાલદાર પાંડેએ જગતને બોલાવ્યો.
“જગતસિંહ, અમારા એક અગત્યના અંગત કામમાં તમારી મદદ જોઈએ. તમે અમારું કામ કરી શકશો ?”
“આપ કેવી વાત કરો છો, સાહેબ ? આપ ફક્ત હુકમ કરો, કામ થઈ જશે.” જગતે જવાબ આપ્યો.
“અમારા જમાઈ પંડિત વિદ્યાપતિ ઝા આરા શહેરમાં રહે છે. જજ રૉબિન્સનની સિફારસથી સરકારે તેમની નિમણૂક કલકત્તાની સંસ્કૃત કૉલેજના કુલપતિ તરીકે કરી છે. વિદ્યાપતિ કલકત્તા જવા તૈયાર નથી. તેમને અમારી આગ્રહભરી સલાહ આપશો કે તે તત્કાળ આ નોકરી સ્વીકારીને સપરિવાર કલકત્તા ચાલ્યા જાય. આરા અને પટણા સુરક્ષિત નથી. ત્યાં રહેનારા હજારો નાગરિકો વિપ્લવનો ભોગ બનશે.”
“જી, રિસાલદાર સાહેબ. અમે કાલે વહેલી સવારે નીકળી જઈશું.”
“સાંજે રોલ કૉલ બાદ અમારી પાસેથી રજામંજૂરીનો હુકમ લઈ જજો.”
સાંજે જગત રિસાલદાર પાસે ગયો. તેમણે તેને રજામંજૂરીનો હુકમ આપ્યો અને કહ્યું, “તમે આ પહેલાં પાર્વતી કે પંડિતજીને મળ્યા નથી, તેથી તમારી વાત પર તેમને વિશ્વાસ ન થાય તે બનવાજોગ છે. તેમને અમારી પૂજામાંનું આ સુવર્ણપદક આપશો. અમારા અંતકાળ સિવાય આ સદીઓ જૂનું પવિત્ર પદક અન્ય કોઈ પાસે ન જાય તે અમારા પરિવારના સદસ્યો જાણે છે. પદક જોઈને તેઓ અમારા સંદેશને આજ્ઞા સમજી તેના પર અમલ કરશે. ”
૨૪મી જુલાઈ ૧૮૫૭ના રોજ જગત સાદા નાગરિકના પોશાકમાં ભાગલપુરના ઘાટથી દાનાપુર જવા રવાના થયો. ત્યાંથી તેને જમીન માર્ગે આરા જવાનું હતું.
બીજા દિવસે સવારે તે દાનાપુર ઉતર્યો. બિહારમાં રેલવે લાઈન બિછાવવા માટે સર્વેની શરૂઆત થઈ હતી. પહેલો તબક્કો પટણા અને આરા વચ્ચે હતો, તેથી આરામાં રેલવે અને મિલિટરીનું થાણું સ્થાપવામાં આવ્યું હતું. તેમને સાધનસામગ્રી અને રસદ પહોંચાડવા પટણા અને દાનાપુરથી ઊંટ અને બળદની વણજાર ચાલતી હતી. ઊંટના કાફલાના માલિક પૈસા લઈને મુસાફરોને માર્ગમાં પડતા શહેરે લઈ જતા. ૨૫મીના રોજ જગતને દાનાપુરથી આરા જતી ઊંટની વણજાર મળી ગઈ. રસ્તામાં ઊંટ-સવારોમાં એક જ વાત ચાલતી હતી : દાનાપુરમાં બળવો ફાટી નીકળવાની ઘડીઓ ગણાતી હતી.
દાનાપુર બ્રિગેડમાં ત્રણ દેશી બટાલિયનો હતી. ત્યાંની ગૅરીસનના કમાન્ડર મેજર જનરલ લૉઈડને દેશી સૈનિકોની બહાદુરી અને વફાદારી વિશે કોઈ શક નહોતો, પરંતુ કમાન્ડર-ઇન-ચીફે હુકમ મોકલ્યો હતો કે આ ત્રણે બટાલિયનોની રાઈફલો જપ્ત કરવી. આગળ શું કરવું તેનો હુકમ બાદમાં મોકલવામાં આવશે.
૨૫મી જુલાઈના રોજ જનરલ લૉઈડે રાઈફલ જપ્ત કરવાને બદલે રાઈફલમાંથી ગોળી છોડવા માટે જરૂરી તણખો પેટાવતી પરકશન કૅપનું બંડલ સોંપી દેવાનો હુકમ કર્યો. સૈનિકો સમજી ગયા. તેમના જનરલ હવે તેમને નિમકહરામ ગણવા લાગ્યા હતા. પરકશન કૅપ વગર રાઈફલ નકામી હોય તેથી રાઈફલ શરણે કરવી અને કૅપ જતી કરવી એક જ વાત હતી. તેમણે પરકશન કૅપ સોંપી દેવાનો ઇન્કાર કર્યો. કોઈ સૈનિક તેની કતારમાંથી બહાર ન નીકળ્યો. જનરલે તેમને કડક શબ્દોમાં કહ્યું કે તેમના હુકમનું પાલન ન કરનાર સૈનિકોને બળવાખોર જાહેર કરી તેમને ગોળીએ દેવાશે. જવાનો ટસના મસ ન થયા. અંતે જનરલના અફસરોએ દાનાપુરમાં હાજર અંગ્રેજોની 10th Foot અને 5th Fusiliersના સૈનિકોને બોલાવી. આ ત્રણેય દેશી બટાલિયનોને બળવાખોર જાહેર કરી, તેમના પર ગોળીબાર કરવાનો હુકમ કર્યો. અંગ્રેજોએ તરત તેનું પાલન કર્યું. ત્રણ હજારમાંના મોટા ભાગના દેશી જવાનો મૃત્યુ પામ્યા કે ઘાયલ થયા. જે બચી શક્યા તે પરેડ ગ્રાઉંડ પરથી પોતપોતાનાં હથિયાર લઈને આરા ભણી નાઠા. દાનાપુરથી આરા લગભગ ૩૫ માઈલ દૂર હતું. તેમને ખબર હતી કે બાબુ કુંવરસિંહ તેમની સેના સાથે આ વિસ્તારમાં હતા. તેમણે કુંવરસિંહની સેના સાથે મળી જવા પ્રયાણ કર્યું.
પ્રકરણ ૯નો એક અંશઃ
૨૫ જુલાઈ ૧૮૫૭ – જે રાતે જગતસિંહે આરામાં પ્રવેશ કર્યો તે વિપ્લવના ઇતિહાસમાં કાયમ માટે કંડારાઈ છે, પણ તે અન્ય કારણસર.
અંગ્રેજ ઇતિહાસકાર મૅલીસન અને સર જૉન કેએ લખ્યું છે કે તે રાતે કુંવરસિંહે આરા પર ઘાલેલા ચાર દિવસના ઘેરાનો કૅપ્ટન રૅટ્રેના પચાસ શીખ સિપાઈઓએ બહાદુરીપૂર્વક પ્રતિકાર કરી કુંવરસિંહના હુમલાને ખાળ્યો. મુઠ્ઠીભર સૈનિકોએ કુંવરસિંહની ૨૦૦૦ સૈનિકોની ફોજને શહેર પર કબજો કરવા દીધો નહિ. આ ઘેરાનો ખરો પ્રતિકાર કરનાર શીખ પ્લૅટુન કમાન્ડર હુકમ સિંહનું નામ ઇતિહાસનાં પાનાંઓમાં ભાગ્યે જ જોવા મળશે. જો કે બે સિવિલિયન અંગ્રેજોને વિક્ટોરિયા ક્રૉસ એનાયત થયા હતા !
જગતસિંહ ૨૮મીની સાંજે ભાગલપુર પહોંચ્યો અને પાંડેને પૂરી વાત કહી. દાનાપુરના બળવા અને દેશી સૈનિકોની હત્યાની અફવા રિસાલામાં પહોંચી હતી, પણ અધિકૃત સમાચાર કોઈ જાણતું નહોતું. અંગ્રેજ અફસરોને તેની પૂરી જાણકારી હોવા છતાં તેઓ તેમના દેશી સૈનિકોને સમાચાર આપતા નહોતા. રિસાલાના ઘણા સૈનિકોનાં કુટુંબીજન દાનાપુરની બ્રિગેડમાં નોકરી કરતાં હતાં. સૌને તેમની ચિંતા હતી અને તેમની ખુશહાલીના કોઈ સમાચાર ન હોવાથી વ્યથિત હતા. જગતસિંહે પાંડેને નજરે જોયેલી માહિતી આપી ત્યારે તેઓ ચોંકી ગયા. આ વાત રિસાલાના જવાનો સુધી પહોંચે તો તેની અસર ગંભીર પરિણામ લાવી શકે તેવું હતું.
“જગતસિંહ, આ વાત હાલ તમારા સુધી જ રાખશો.”
પાંડે તરત સીઓને મળવા ગયા અને તેમને પૂરી વાત કહી. શાણા અને અનુભવી અંગ્રેજ કમાન્ડરોએ બંગાળની ભારતીય સેનામાં દરબારની પ્રથા શરૂ કરી હતી. મહિનામાં એક વાર યોજાતા આ સૈનિક સંમેલનમાં બટાલિયનના બધા અફસર અને જવાન હાજર રહે. તેમાં સીઓ સૈનિકોનો હોંસલો વધારતી વાત કહેવા ઉપરાંત સૈનિકોને લગતા પ્રશ્નોના ઉકેલ લાવે. તેમને મળવા જોઈતા ભોજન, રહેઠાણ જેવા લાભ અને રજાઓ મળે છે કે નહિ, તેની ચોકસાઈ કરે. યુદ્ધની હાલતમાં જવાનોને તેમના કંપની કમાન્ડર દ્વારા યુદ્ધની બાબતમાં જરૂરી માહિતી આપે, જેથી સૈનિકો જાણી શકે કે તેમની આસપાસ તથા તેમના સાથી સૈન્યમાં શું થઈ રહ્યું છે.
૧૦૫મા રિસાલામાં છેલ્લા બે મહિનાથી દરબાર યોજાયો નહોતો. હવે સ્થિતિ વણસતી જતી હતી. પાંડેએ સીઓને વહેલી તકે દરબાર બોલાવી જવાનોનું હૈયાધારણ કરવા ઉત્તેજનાત્મક શબ્દો કહેવાની આવશ્યકતા સમજાવી.
દાનાપુરના હત્યાકાંડ વિશે રિસાલાના કામચલાઉ સીઓ મેજર નિકોલ્સને સિચ્યુએશન રિપોર્ટ (પ્રવર્તી રહેલ હાલતના અહેવાલ) દ્વારા પૂરી માહિતી મળી હતી, પણ તેમણે તે વિશે પાંડેને કશું કહ્યું નહિ. ફક્ત યોગ્ય સમયે દરબાર બોલાવીશું, એટલું કહ્યું.
સીઓને પાંડે મળ્યા બાદના ૨૪ કલાકમાં એક એવો પ્રસંગ બની ગયો, જેની હકીકત જાણી કેવળ બંગાળની સેના જ નહિ, ઈંગ્લંડની પ્રજા સુદ્ધાં કાંપી ગઈ.
કુંવરસિંહ યુદ્ધની રણનીતિમાં કુશળ હતા. તેમણે આરા શહેરને ઘેરો ઘાલી અંગ્રેજોને એવું ભાસવા દીધું કે તેઓ આરાની ટ્રેઝરી લૂંટવામાં મશગૂલ છે. અસલમાં તેમણે ચુનંદા સૈનિકો લઈ દાનાપુરથી નીકળેલી કૅપ્ટન ડન્બારની આધુનિક શસ્ત્રોથી સુસજ્જિત ૪૦૦ સૈનિકો અને છ અંગ્રેજ અફસરોની ફોજ પર છાપો મારવાની યોજના કરી હતી અને તેમની હિલચાલ પર સતત નજર રાખતા હતા. ૨૯મી જુલાઈ, ૧૮૫૭ની રાતે આરાથી દોઢ માઈલ દૂર આવેલા આંબાવાડિયામાં રાતવાસો કરી રહેલી કૅપ્ટન ડન્બારની થાકેલી સેના મધરાતે કુંવરસિંહે તેમના સૈનિકો સાથે અચાનક છાપો માર્યો. ચોંકેલા અફસરો અને તેમના સૈનિકો પ્રતિકાર કરે તે પહેલાં કુંવરસિંહના સૈનિકોએ તેમને વ્યૂહરચનાની જાળમાં એવી રીતે ફસાવ્યા કે કૅપ્ટન ડન્બાર, તેમના છ અફસરો અને ૧૮૦ સૈનિકો આ છાપામાં મૃત્યુ પામ્યા. બચેલા સૈનિકો નાસીને માંડ દાનાપુર પાછા પહોંચ્યા. આ સમાચાર સાંભળી ચારે તરફ હાહાકાર મચી ગયો. ૩૦મી જુલાઈએ દેશભરમાં ટેલિગ્રાફના વાયર ધણધણી ઊઠ્યા. કુંવરસિંહનો આ એક માત્ર વિજય નહોતો. ત્યાર બાદ તેમણે કૅપ્ટન લુગાર્ડ તથા ક્રાઈમિયાના યુદ્ધમાં પ્રખ્યાત થયેલા સેનાપતિ લૉર્ડ માર્ક કર જેવા યોદ્ધાઓને પરાજિત કર્યા.
કૅપ્ટન ડન્બાર ૧૦૫મા રિસાલાના સીઓના ખાસ મિત્ર હતા. તેમના મૃત્યુના સમાચાર સાંભળી તેઓ વ્યગ્ર થયા. સાથેસાથે ક્રોધમાં સળગી ઊઠ્યા. તેઓ ભૂલી ગયા કે કૅપ્ટન ડન્બાર બાબુ કુંવરસિંહનો અને તેમની સેનાનો સંહાર કરવા નીકળ્યો હતો. યુદ્ધમાં હારજીત થતી હોય છે અને પરાજયનો અંજામ મૃત્યુમાં થઈ શકે છે. યુદ્ધમાં પાસા પલટાય છે તે સીઓ જાણતા હતા, પણ આટલી હદ સુધી આવું કંઈ થશે તે તેઓ કલ્પી શક્યા નહોતા. તેમણે પાંડેને બોલાવી બીજા દિવસે સવારે દસ વાગે સૈનિકોનો દરબાર બોલાવવાની આજ્ઞા કરી.
૦-૦-૦
આગળ પ્રકરણ ૧૦ અને ૧૧ વાંચતાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે. અહીં આપેલી લિંક [‘પરિક્રમા’] પર ક્લિક કરવાથી કેપ્ટન સાહેબની આખી નવલકથાના બધા હપ્તા મળી જશે.
આજની ‘મારી બારી’ પસંદ આવે તો અભિનંદનના અધિકારી કૅપ્ટન સાહેબ છે એ કહેવાની જરૂર નથી જોતો.
Like this:
Like Loading...