Part 2 of ‘Futility of Common Sense’ an Article by Dilip Simeon in Gujarati

–  દિલીપ સિમ્યન

– નિબંધનું ગુજરાતી રૂપાંતરણઃ દીપક ધોળકિયા

તા. ૧૫-૬-૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ ભાગ ૧(‘Futility of Common Sense’ an Article by Dilip Simeon in Gujarati)થી આગળ

Dr. Dilip Simeon

એક બાજુ તલવાર જાણે આશીર્વાદનું વાહન હોય તેમ માનતો કૅથૉલિક પોપ હતો તો બીજી બાજુ હતું ઈસ્ટર્ન ચર્ચ, જે એમ માનતું કે ધર્મનો પ્રચાર માત્ર આધ્યાત્મિક સાધનો દ્વારા જ થઈ શકે. જો કે તુર્કોએ ઇસ્તન્બુલના ખ્રિસ્તીઓ માટે એવી સ્થિતિ ઊભી કરી હતી કે એમને લૅટિનો સાથે સમાધાન કર્યા વિના ચાલે જ નહીં; તેમ છતાં, ક્રુઝેડી સૈન્યોની પૅલેસ્ટાઇન તરફની કૂચ દરમિયાન જે વર્તણૂક રહી તેનાથી બન્ને સંપ્રદાયો વચ્ચે ખાઈ બની ગઈ. ૧૨૦૪માં ચોથા ક્રુઝેડ વખતે ઇસ્તન્બુલમાં એમણે જે લૂંટફાટ મચાવી તે સાથે નવો વળાંક આવ્યો. પહેલાં એમણે ઇસ્તન્બુલને વચન આપ્યું હતું કે તેઓ તુર્કો સામે એમનું રક્ષણ કરશે, એ જ લોકોની નવી પેઢીએ એમના પર કાળો કેર વર્તાવ્યો. ઇસ્તન્બુલના ખ્રિસ્તીઓ ક્રુઝેડરોને ‘ફ્રૅન્કિશ બાર્બેરિયન્સ’ તરીકે ઓળખતા. ફારસીના ‘ફિરંગી’ શબ્દનો મૂળ અર્થ છેઃ ફ્રાન્સનો, અથવા ઈટલીનો અથવા યુરોપનો. એના મૂળમાં અરબી શબ્દ ‘ફ્રાન્જ’ છે. એ શબ્દ ક્રુઝેડોના સમયની અમાનુષી જંગાલિયત માટે વપરાતો અને અહીં આપેલા વિવરણને ધ્યાનમાં લેતાં એમાં નવાઈ પણ નથી. આમ આપણો પોતાનો હિન્દુસ્તાની શબ્દ ‘ફિરંગી’ જેરુસલેમના જન સંહાર માટે જવાબદાર જુલમગારો પ્રત્યેની ઘૄણામાંથી જન્મ્યો છે.

આ બધી કિંવદન્તિઓ છે અને એની અસર આજે પૅલેસ્ટાઇનીઓ અને ઇઝરાએલ વચ્ચે, આરબો અને પશ્ચિમી જગત તેમ જ મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વચ્ચે જે જાતના સંબંધો છે તેના પર પડી છે કે નહીં તેનો નિર્ણય હું વાચકો પર છોડું છું. પરંતુ એ પણ ખરું કે દુનિયાના એક ભાગમાં – મધ્યપૂર્વ અને એની બહાર પણ – હજી પણ એની હિંસક અસરો દેખાય છે.

જો કે સામાન્ય ખ્રિસ્તી જનતામાં એક વ્યવહારુ વલણ હતું. ક્રુઝેડ પછી એમણે શાંતિ આંદોલનોને ટેકો આપવાનું શરુ કર્યું. એક દાખલો લઈએ. ફ્રાન્સના કવિ રિત્બફે પવિત્ર યુદ્ધો અને પવિત્ર ધર્મસ્થાનો વિશે બહુ શાણપણભરી વાત કરી છેઃ

પત્નીબાળકોને છોડીને, બધું સુખચેન છોડીને
જવાનું છે મારે કોઈ વિદેશી ભૂમિને જીતવા?
બદલામાં શું આપશે ભૂમિ મને?
અરે, પ્રભુની પૂજા જેરુસલેમ જઈને કાં કરું?
પેરિસમાં કેમ નહીં?.

સ્વર્ગમાં જવા માટે મંદર પાર જવું પડે?
ધરતી પરના બધા ખજાના હડપ કરી લીધા છે
ધનકુબેરો અને પુરોહિતોએ.

હશે એમને જરૂર કદાચ યુદ્ધે ચડવાની.

હું તો મારા પાડોશી સાથે શાંતિથી રહું છું….

હજી મને એમનાથી કંટાળો નથી આવતો
એટલે
(સુલતાન મને પરાણે ધકેલે તો)
મારે કોઈ યુદ્ધ શોધવા નીકળવું પડે તેમ નથી.

હું એના માટે
મારા મગજને તસ્દી નહીં આપું.
તમે સૌપ્રોમિસ્ડ લૅન્ડમાં જાઓ છો અને ત્યાં
વધારે પવિત્ર થઈ જતા હશો,
પરંતુ પાછા ફરો છો

ત્યારે તો
વધારે અઠંગ ડાકુ બની ગયા હો છો …..

ઈશ્વરનો વાસ સર્વત્ર છે,
તમારે મન
ઈશ્વર માત્ર જેરુસલેમમાં હશે
પણ મારે મન તો
ફ્રાન્સમાં પણ છે.

સાત સદી પહેલાં એક ફ્રેન્ચ કવિનું લખેલું આજના ભારતમાં પણ કેમ પડઘો પાડે છે? શું એ કારણે કે, હજી તો માત્ર સાડાચાર વર્ષ પહેલાં એક મસ્જિદને તોડી પાડવા લાખો ભારતીયો બદલાની ભાવનાથી તત્પર થયા હતા? ૧૬મી સદીમાં થયેલી તોડફોડનો બદલો લેવા એક મસ્જિદને ધ્વસ્ત કરી દેવાનું એમને શું ખરેખર વાજબી લાગતું હતું? શું એ કારણ છે કે અયોધ્યા નામની નગરીમાં હવે મુસલમાનો વસતા જ નથી? સમયના લાંબા બોગદામાં ઊભો હોય તેને વિચાર આવે જ કે વેરની પ્યાસ કદી બુઝાતી નથી. અને વિક્ટિમોની નવી પેઢીઓ આવતી જાય છે અને સદીઓ સુધી એકબીજાને વિક્ટિમ બનાવતી રહે છે.

ગાંધીનું સત્ય

અહિંસાની વાત કરતા હોઈએ ત્યારે એના પ્રખર હિમાયતીના અભિગમને ધ્યાનમાં ન લઈએ એ તો બની જ ન શકે. જુવાનીમાં ગાંધીજીના શાંતિવાદી વિચારો માટે મને સૂગ હતી. યુવાનો સામાન્ય રીતે હિંસાને પૌરુષ અને અહિંસાને નબળાઈ માની લેતા હોય છે. અહિંસા ખરેખર જ હિંમત માગી લે છે, એ વિચાર જ મને ગળે ઊતરતો નહોતો. અમારું આંદોલન ગાંધીવાદી પરંપરાને ક્રાન્તિમાં અવરોધ માનતું હતું. રાષ્ટ્રીય આંદોલનના એમના નેતૃત્વને જબ્બરદસ્ત નિષ્ફળતા મળી હતી એમ અમે માનતા. મેં શરુઆતમાં જ હિંસાનો અંગત દાખલો આપ્યો છે તે ઉપરાંત ક્રાન્તિકારી આંદોલનોની નિષ્ફળતા અને કોમી નફરતમાં થયેલા વધારાને કારણે મને સમજાયું કે ગાંધીજીનું જીવન અને જે રીતે એમની આ દુનિયામાંથી વિદાય થઈ તે આજે પણ અર્થસભર છે. મને યાદ છે કે હિન્દીના એક ડાબેરી લેખકે ગાંધીજી વિશે એક લેખ લખીને અંતે એમના હત્યારા નાથુરામ ગોડસેનાં ફાટ્યે મોંએ વખાણ કર્યાં ત્યારે હું વ્યથિત થઈ ગયો હતો. એના પછી મારી આંખ ખૂલી કે હિંસક રાજકીય પરિવર્તનના ચાહનારાઓમાં એક જાતની ધ્રુજાવી દે એવી સમાનતા હોય છે. ભારતમાં ડાબેરીવાદના મુખ્ય પ્રવાહો હજી પણ ગાંધીનો સ્વીકાર નથી કરી શક્યા. એમની આ ત્રુટિનો જોટો માત્ર હિંસાના સિદ્ધાંતને સમજવાની એમની નિષ્ફળતામાં મળે છે. પરંતુ કોમવાદ છેલ્લાં પંદર વર્ષમાં જે રીતે ફૂલ્યોફાલ્યો છે તેથી હવે ડાબેરીઓ ગાંધીની નિષ્ઠા અને કોમી સુમેળ માટે એમણે આપેલા બલિદાન પ્રત્યે જાગૃત થયા છે. એમના આ કેવળ જ્ઞાનના પરિણામે જ જાન્યુઆરી ૧૯૯૩માં ગાંધીજીના શહીદી દિને દિલ્હીમાં એમણે એક ડેમન્સ્ટ્રેશનનું આયોજન કર્યું હતું.

ગાંધીજીના વિચારો બાબત ઘણી વાર થાપ ખાઈ જવાય છે. એનું કારણ એ કે એમણે ધર્મ અને રાજકારણને વેગળાં રાખવાનો સતત ઇનકાર કર્યો. ‘ધર્મ’ને બદલે ‘નૈતિકતા’ શબ્દ વાપરો અને ‘રાજકારણ’ને બદલે ‘સત્તા’ શબ્દ વાપરો, એટલે આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આપણામાંથી કોઈ એવું છે કે જે એમ માનતું હોય કે સત્તાનો ઉપયોગ નૈતિક ખ્યાલોને અભેરાઈએ ચડાવીને જ થવો જોઈએ? ગાંધીજી પોતાને કર્મયોગી માનતા હતા. આત્મ પ્રતીતિ અને સામુદાયિક મુક્તિ માટે નિઃસ્વાર્થ સાંસારિક કાર્ય કરવું તેને એ પોતાનું આધ્યાત્મિક કર્તવ્ય માનતા હતા. રાજકીય પ્રવૃત્તિ એમની નજરે સામાજિક કાર્ય માટેનું સર્વોત્તમ ક્ષેત્ર હતું, પરંતુ એમનો એ આગ્રહ પણ હતો કે આ કાર્ય અહિંસા અને આભડછેટની નાબૂદી જેવાં નૈતિક મૂલ્યોથી સિંચિત હોવું જોઈએ. પરંપરાગત હિન્દુ ‘ત્યાગી’નું ખાસ લક્ષણ આત્મરતિ છે અને ગાંધીજીએ એવાં સ્વાર્થપ્રેરિત લક્ષ્યોનો ત્યાગ કર્યો. એમને અંગત હેતુઓ માટે સત્તા નહીં, ભારતની જનતા માટે સાર્વભૌમત્વ જોઈતું હતું. એ જ કારણે એમનો જબ્બરદસ્ત નૈતિક પ્રભાવ રહ્યો. એમની નજરે, મોક્ષ અને આત્મસાક્ષાત્કાર સહિત આધ્યાત્મિકતાનાં બધાં સર્વશ્રેષ્ઠ ધ્યેયોની અભિવ્યક્તિ માટે એક જ શબ્દ પૂરતો હતો – સત્ય. એ જ એક શબ્દ ન્યાય અને નિષ્ઠા જેવાં મૂલ્યો માટે પણ પૂરતો હતો. એમના સત્યમાં અહિંસા અંતર્નિહિત હતી.. સત્ય પોતે પોતાની સાબીતી છે અને અહિંસા એનું સર્વોત્તમ ફળ છે”.એમના ઉદ્દેશ એકીસાથે આધ્યાત્મિક અને રાજકીય હતા અને સાધન અને સાધ્યનું સાયુજ્ય સાધીને એમણે આ ઉદ્દેશોની વ્યાખ્યાનો ભેદ ભૂંસી નાખ્યો. એમનો ધર્મ રાજકીય સત્તાની પ્રાપ્તિ માટેનું વ્યૂહાત્મક હથિયાર નહોતો, ઉલટું, એમનો વિચાર હતો કે નક્કર ધ્યેયો સિદ્ધ કરવા માટે રાજકીય ક્રિયાકલાપોને જ નૈતિકતાના રંગે રંગીને પારદર્શક બનાવવાની જરૂર છે.

ગાંધી ભલે ને રૂઢિવાદી દેખાય પણ એ તો સ્પષ્ટ છે કે એમણે પરંપરાઓ અને તત્કાલીન આધ્યાત્મિક ગુરુઓને પણ અંતરાત્માની કસોટીએ ચડાવ્યાં. તુલસીદાસ પત્નીને મારતા એ સાચું હોય તો પણ ગાંધી કહે છે કે રામાયણ પુરુષોપત્નીને મારતા હોય તેને વાજબી ઠરાવવા નથી લખાયું.” અને મહાભારતમાં હિંસાચારનું નિરૂપણ હોવા છતાં ગાંધી કહે છે કે વ્યાસે આ મહાકાવ્ય યુદ્ધની નિઃસારતા દેખાડવા માટે લખ્યું; મહાભારતમાં વર્ણવેલી લડાઈ તો બધા મનુષ્યોની અંદર ચાલતા શુભ અને અશુભ વચ્ચેના દ્વન્દ્વનું રૂપક છે. કર્મનું શુદ્ધતમ રૂપ પારિતોષિકની ઇચ્છા વિનાનું હોય તો હિંસા અને અસત્ય માટે તો બારણાં બંધ જ છે; એ બન્નેમાં સ્વાર્થ વસે છે. ગાંધીજી કહે છે કે સદીઓ વીતતાં ભાષા અને અર્થ બદલાય અને વિસ્તરે છે. અને કોઈ સુંદર કાવ્યકૃતિની ખૂબી હોય છે કે એના સર્જક કરતાં પણ મોટી હોય છે.” ગીતામાં પણ યુદ્ધનું નિરૂપણ હોવા છતાં ગાંધીજી આગ્રહપૂર્વક કહે છે કે મારા જીવનનાં ચાળીસ વર્ષ સુધી મેં ગીતાનો ઉપદેશ જીવનમાં ઉતારવાના અથક પ્રયાસ કર્યા પણ મારે નમ્રતાપૂર્વક કહેવું જોઈએ કે મારા ખ્યાલ પ્રમાણે દરેક પ્રકારે અહિંસાનુંઆચરણ કર્યા સિવાય સંપૂર્ણ અનાસક્તિ સિદ્ધ થઈ શકે.” એમનો અંતરાત્મા એમને માનવીય સમાનતા અને રાજકીય તથા સામાજિક સંઘર્ષોનું શાંતિપૂર્ણ સમાધાન શોધવા માટે ધકેલતો રહ્યો. જ્ઞાતિ પ્રથામાં રહેલી દમનકારી હિંસાને – અને હિંસાને વાજબી ઠરાવવા માટે જુદા જુદા ધર્મગ્રંથોમાં અને પરંપરાઓમાં રજૂ થયેલી દલીલોને – એમણે નકારી કાઢી. ધર્મના ક્ષેત્રમાં ગાંધીજીને સર્જકતાની નિશાની જ એ છે કે એમણે ભાષા તો પરંપરાગત વાપરી પણ સલાહ આપી, એ પરંપરાઓને સમૂળગી નકારી કાઢવાની.

સૌથી વધારે નોંધવા લાયક વાત એ છે કે એમના અહિંસાના સંદેશનો સૌથી વધારે ઊંડો પ્રભાવ ભારતમાં લડાયક મનાતી બે કોમો પર પડ્યો – શીખો અને પઠાણો. આજે બહુ થોડા લોકોને યાદ હશે કે અકાલી દળનો જન્મ જ ગુરુદ્વારાઓને અંગ્રેજોના ટટ્ટુ જેવા ભ્રષ્ટ મહંતના કબજામાંથી છોડાવવા માટે ચાલેલા અહિંસક આંદોલનમાંથી થયો છે. ૧૯૨૨નું ગુરુ-કા-બાગ આંદોલન એક સીમાચિહ્ન છે. ધાર્મિક હેતુ માટે લાકડાં કાપવા સામેના પ્રતિબંધનું અકાલી જથ્થાઓએ અહિંસક અને શાંતિપૂર્ણ માર્ગે ઉલ્લંઘન કર્યું. આ જથ્થાઓમાં કેટલાયે તો નિવૃત્ત સૈનિકો હતા અને પહેલા વિશ્વયુદ્ધમાં અંગ્રેજી સામ્રાજ્ય માટે લડ્યા પણ હતા. અંગ્રેજ પોલીસ અફસરો અને એમના હિન્દી સિપાઈઓએ નિર્દયતાથી ડંડા વરસાવ્યા. દેશને હલાવી દેનારા આ આંદોલનમાં ૧૫૦૦ ઘાયલ થયા અને પાંચ હજારને જેલ ભોગવવી પડી. ગાંધીજીના સાથી ચાર્લ્સ ઍન્ડ્રૂઝે આ પરમ નૈતિક સ્પર્ધા જાતે જોઈ અને લખ્યું કે આવી અમાનવીયતા કોઈ “અંગ્રેજના માન્યામાં ન આવે”. એમણે લખ્યુંદરેક પ્રહારને જુસ્સાથી સહન કરી લઈને એમણે એને વિજયમાં ફેરવી નાખ્યો.”

એ જ રીતે, લાલ ખમીસધારી ખુદ્દાઈ ખિદમતગારોએ વાયવ્ય સરહદ પ્રાંતમાં ચલાવેલું આંદોલન ૧૯૪૭ પહેલાના હિન્દુસ્તાનમાં રાષ્ટ્રીય સ્વાધીનતા અને સામાજિક ઉત્થાન માટેનું એક સૌથી ચુસ્ત ગાંધીવાદી આંદોલન હતું. ખુદાઈ ખિદમતગારના નેતા ખાન અબ્દુલ ગફ્ફાર ખાનને એના પછી જ ‘સરહદી ગાંધી’ એવું બિરુદ મળ્યું. એમણે શાંતિ, સહિષ્ણુતા અને આત્મસંયમ પર ભાર મૂકતા ઇસ્લામનો ઉપદેશ આપ્યો. ખુદાઈ ખિદમતગારોએ ૧૯૩૧માં નાગરિક અસહકાર આંદોલનમાં પણ આગળપડતો ભાગ લીધો. એમણે પેશાવરનો કબજો લઈ લીધો અને થોડા દિવસ શહેરનો વહીવટ પણ ચલાવ્યો. એમને દબાવી દેવા સરકારે ગઢવાલ રાઇફલ્સની રેજિમેન્ટ મોકલી. એમાં બધા હિન્દુઓ જ હતા પણ એમણે પઠાણ સત્યાગ્રહીઓ પર ગોળી ચલાવવાની સાફ ના સુણાવી દીધી. ૧૯૩૦ના દાયકામાં એક તુર્કી વિદુષીએ ફ્રંટિયર પ્રદેશની મુલાકાત લીધા પછી લખ્યું કે પઠાણોએ ‘તાકાત’નું નવું અર્થઘટન કર્યું છે. એમના શબ્દોમાં, દૃઢ અને નીડર માણસોએ દેખાડી આપ્યું છે કે અહિંસા માત્ર એક એવી તાકાત છે કે જેની સમાજ પર ચિરંજીવી અસર પડેછે ઘટના અભ્યાસ કરવા યોગ્ય છે.”

ગાંધીજીની હિંસાની સમજ એમની આધ્યાત્મિક આસ્થાઓમાંથી નીપજી છે. મહાભારતમાં દુષ્ટોની સાથે ભીષ્મ અને દ્રોણ જેવા સજ્જનો પણ હતા તેના પરથી ગાંધીજીએ તારણ કાઢ્યું કે દુનિયામાં અનિષ્ટ પોતાની મેળે ફાવે નહીં. માત્ર ઈષ્ટસાથે જોડાઈને પાંગરી શકે.” એમણે છેક ૧૯૨૬માં આ લખ્યું અને એ વિચાર પર ઠેઠ સુધી દૃઢ રહ્યા. ૧૯૪૦માં એમણે કહ્યું, ગુંડાઓ આકાશમાંથી ટપકતા નથી કે ભુતાવળની જેમ ધરતીમાંથી ફૂટી નીકળતા નથી. ગુંડાઓ સામાજિકછિન્નભિન્નતાની પેદાશ છે એટલે સમાજ એમના અસ્તિત્વ માટે જવાબદાર છેઆપણું સમગ્ર રાજતંત્ર કેટલું ભ્રષ્ટ છે તેનું પ્રતીક છે.” ૧૯૪૬નાં રમખાણો વખતે એમણે કહ્યું, બધો દોષ ગુંડાઓ પર નાખીને આપણા પોતાના માટે નૈતિક બહાનુંશોધી લેવાની ટેવની હું સખત ટીકા કરું છું. એમની પેદાશ અને એમને ઉત્તેજન આપવા માટે આપણે જવાબદાર છીએ.” ૧૯૪૭માં હિંસા ચરમ સીમાએ હતી ત્યારે પણ એમણે એ જ લખ્યું, શાંતિપ્રેમી વ્યક્તિઓ આગળ આવીને પોતાની વાતકહે અને ગુંડાઓને એકલા પાડી દે એવો સમયનો તકાજો છે. અહિંસક અસહકાર બધી જગ્યાએ અકસીર રહે એવો ઇલાજછે. ‘શુભસ્વતંત્રપણે અસ્તિત્વ ટકાવી શકે છે, પણઅશુભનહીં. શુભની અંદર અને એની આસપાસ પરોપજીવીતરીકે ટકે છે. શુભ એને ટેકો આપવાનું બંધ કરશે ત્યારે આપોઆપ ખરી પડશે…”

આઝાદી પૂર્વેના હિન્દુસ્તાનમાં નોઆખલી અને કલકત્તા જેવા શહેરમાં એમણે જે અધમાધમ પ્રકારની હિંસા જોઈ તેને ખાળવાના એમના પ્રયાસોની ફળશ્રુતિ રૂપે એમનું આ દર્શન પ્રગટ થયું છે. એ વખતે નજરે જોનારને માટે એ તો સાવ જ જાદુ હતો કે હિન્દુઓ અને મુસલમાનો હજારોની સંખ્યામાં ગાંધીજીની પ્રાર્થના સભાઓમાં જોડાતા અને ૧૯૪૭ના ઑગસ્ટમાં એમણે સાથે મળીને ઈદ ઊજવી. વાઇસરૉય માઉંટબૅટને એમને આ તાર મોકલ્યોઃ મારા વહાલા ગાંધીજી, પંજાબમાંઆપણે ૫૫ હજાર સૈનિકો મોકલ્યા છે, તેમ છતાં રમખાણો કાબુમાં નથી આવતાં. બંગાળમાં આપણું એક વ્યક્તિનું સૈન્ય છેઅને તો પણ રમખાણો નથી થતાંએક સેવારત અધિકારી તરીકે હું આપણાવન મૅન બાઉંડરી ફોર્સને માનાંજલિઆપવાની પરવાનગી માગું છું…” દિલ્હી ઍસેમ્બલીમાં મુસ્લિમ લીગે ઠરાવ કરીને કલકત્તામાં બે કોમો વચ્ચે શાંતિ અનેશુભેચ્છાનું વાતાવરણ સ્થાપવામાં શ્રી ગાંધીએ જે ભાગ ભજવ્યોતે બદલ એમનો હૃદયપૂર્વક આભાર માન્યો. એક જ મહિનાની અંદર, કલકત્તામાં ફરી રમખાણો ફાટી નીકળ્યાં અને ગાંધી એ ઉપવાસ આદર્યા ત્યારે એમની સાથે યુરોપીયનોના નિયંત્રણ હેઠળના આખા પોલીસ દળે પણ એક દિવસ ઉપવાસ રાખ્યો અને લોહીતરસ્યા ગુંડાઓ આવી આવીને પોતાનાં હથિયારો એમના ચરણે નાખવા લાગ્યા. કોંગ્રેસના કટ્ટર વિરોધી, અખબાર ધી સ્ટેટ્સમૅનના અંગ્રેજ તંત્રીએ જાહેર કર્યું કે હવેથી ‘શ્રી ગાંધી’નો ઉલ્લેખ એમની કૉલમમાં ‘મહાત્મા’ તરીકે થશે. ૧૯૪૭ની સ્થિતિનું બયાન કરવા માટે ગાંધીજીએ જે તર્ક વાપર્યો છે તેનો ઉપયોગ કરીને આપણે કહી શકીએ કે હિંસા અને અહિંસા વચ્ચેનો સંઘર્ષ, ગુંડાઓ હોય કે સભ્ય સમાજ, પ્રત્યેક હૃદયમાં ચાલતો હતો.

ઘણા માને છે તેમ, ગાંધી નામનો આ જણ જડસૂ આદર્શવાદી નહોતો. એમણે માન્યું જ છે કે સંપૂર્ણ અહિંસા એટલે બધી જ પ્રવૃત્તિઓ સંપૂર્ણ બંધ કરી દેવી, જે સામાન્ય લોકોની જરૂરિયાતો સાથે સુસંગત નથી. એમણે દમનકારીઓની હિંસા અને પીડિતોની હિંસા – સ્વબચાવની હિંસા – માં પણ ભેદ કર્યો. ગાંધીજી માનતા કે આત્મરક્ષણ માટેની હિંસા આક્રામક હિંસા કરતાં નૈતિક રીતે વધારે સારી છે. ગાંધીની વ્યાખ્યા પ્રમાણે સ્વાર્થસિદ્ધિ માટે કે માત્ર આચરવા ખાતર કરાયેલી હિંસા એ જ ખરી હિંસા છે. ગાંધીજીએ સ્વહિત અને સ્વાર્થ વચ્ચે પણ અંતર દેખાડ્યું. સ્વહિત એટલે ગરિમાપૂર્ણ માનવીય જીવન જીવી શકાય એવી પરિસ્થિતિઓ ઊભી કરવી; જ્યારે સ્વાર્થ એટલે પોતાનાં હિતોને સૌનાં હિતોની ઉપર મૂકવાં અને બીજાના ભોગે પોતાનું હિત સાધવું. હિંસક વિચારો જોખમી છે કેમ કે એ જ હિંસક આચારને જન્મ આપવાની સ્થિતિઓ સર્જે છે. બીજાને ઉતારી પાડવા એ પણ હિંસા જ છે. ગાંધીજીનું મૂલ્યાંક્ન એ હતું કે રાજસત્તા હિંસાનું સંસ્થાકીય અને સંકેન્દ્રિત રૂપ છે અને એમનો પાકો મત હતો કે રાજસત્તાના આવા સ્વરૂપનું કારણ એ કે તે સિવાય એક અન્યાયી અને શોષક સમાજવ્યવસ્થાને ટકાવી ન શકાય. એમણે ભાર દઈને કહ્યું કે આત્યંતિક સ્થિતિમાં કાયરતા કરતાં હિંસા વધારે સારી છે. અન્યાય અને દુષ્કૃત્યો સામે નિષ્ક્રિયતાને વાજબી ઠરાવવા માટે અહિંસાનું નામ વાપરવું તેનો એ વિરોધ કરતા. એમની સલાહ હતી કે સ્ત્રી જો બળાત્કારી સામે અહિંસક રીતે ન વર્તી શકે તો એણે પૂરી શક્તિથી એનો સામનો કરવો જોઈએ.

છેવટે તો, ભીખુ પારેખ કહે છે તેમ ગાંધીને એ વાત ગળે ઊતરી ગઈ હતી કે હિંસાના શાસનનો અંત હિંસામાં ઉમેરોકરવાથી આવે”. હિંસાને વાજબી ઠરાવવા માટે જે વાહિયાત દલીલો આગળ ધરવામાં આવે છે એમાં ભારે જોખમ છે; જેમ કે “માણસના સ્વહિત માટે પ્રકૃતિનો ભોગ લઈ શકાય”, અથવા “રાજ્ય એક દમનકારી મશીન હોય તો પણ એને ટકાવી રાખવાની જરૂર છે” કે પછી, “દમનનો વિરોધ ક્રાન્તિકારી હિંસાથી જ થાય” ગાંધીજી, પારેખના શબ્દો વાપરીએ તોમાનવીય જીવનમાં મર્યાદિત હિંસાની સહ્ય સ્વીકૃતિને જેટલી સહેલાઈથી વ્યાપક સ્વીકૃતિ બનાવી દેવાય છે તેનાથી ભારેચિંતિત હતા. આ રીતે માણસ હિંસાને અપવાદમાંથી નિયમમાં ફેરવી નાખે છે. એક વાર એવું થાય તે પછી માણસોઅપવાદોનો લાભ લેતા રહેશે અને વિકલ્પ શોધવાનો પ્રયત્ન પણ નહીં કરે.” એમની દૃષ્ટિએ સામાજિક અને રાજકીય કાર્યકરો અહિંસાની તાલીમ લે એનું મુખ્ય કારણ જ એ હતું, કારણ કે એમની વ્યાખ્યા પ્રમાણે અહિંસા એટલે માત્ર હિંસાનો અભાવ નથી, પરંતુ એમાં કરુણાનું વિધાયક મૂલ્ય છે. અહિંસાને નૈતિક આદર્શનું સ્થાન આપવામાં એમને આશા હતી કે સામાજિક અને રાજકીય પરિવર્તનોમાં જરૂરી બનતી હિંસાને નગણ્ય સ્તર સુધી ઘટાડી શકાશે. સંપૂર્ણ અહિંસા કદાચ કદી પણ સિદ્ધ ન થઈ શકે, તો પણ એ ‘યુટોપિયા’ તરીકે તો કામ કરશે જ; એના વગર તો માનવ સમાજ પાસે પોતાનાં કાર્યોને માપવાનો પરિપૂર્ણ માપદંડ જ નહીં હોય.

(ત્રીજો અને અંતિમ ભાગ  ૧૭.૬.૨૦૧૫ના આવતીકાલે)


ડૉ. દિલીપ સિમ્યન –

બ્લૉગ http://dilipsimeon.blogspot.in/
ઈ-મેલઃ:dilipsimeon@gmail.com

‘Futility of Common Sense’ an Article by Dilip Simeon in Gujarati

આપણી તકલાદી સાદી સમજ અને અહિંસાનું દર્શન (૧): ડૉ. દિલીપ સિમ્યન

      unnamed

આ નિબંધના લેખક ડૉ. દિલીપ સિમ્યન શ્રમ અને શ્રમિક સંબંધોના ઇતિહાસવિદ્‍ છે. ૧૯૬૬માં દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં નક્સલવાદ પ્રત્યે આકર્ષાયા અને સક્રિયપણે જોડાયા. જંગલોમાં ભટકતાં ક્રાન્તિનાં સપનાં સેવ્યા પછી ૧૯૭૧માં બાંગ્લાદેશની રચના થઈ ત્યારે પાર્ટીના દૃષ્ટિકોણ સાથે અસંમત થઈને પાછા ફર્યા અને અભ્યાસ પૂરો કરીને ૧૯૭૪માં દિલ્હીની રામજસ કૉલેજના ઇતિહાસ વિભાગમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. એક પ્રભાવશાળી વક્તા તરીકે દિલીપ વિદ્યાર્થીઓમાં બહુ લોકપ્રિય બન્યા. નિબંધમાં દર્શાવ્યા પ્રમાણે એ મહાત્મા ગાંધી તરફ વળ્યા અને ગાંધીના બની રહ્યા.

૧૯૮૪માં દિલ્હીમાં શીખ વિરોધી કત્લેઆમ વખતે એમણે કેટલાક સાથીઓ સાથે મળીને સાંપ્રદાયિકતા વિરોધી આંદોલન (SVA)ની સ્થાપના કરી. હાલમાં ડૉ. સિમ્યન ‘પીપલ્સ ઍલાયન્સ ફૉર ડેમોક્રેસી ઍન્ડ સેક્યૂલરિઝમ’ (PADS)ના એક અગ્રગણ્ય સભ્ય છે. તેઓ સૂરત યુનિવર્સિટી ઉપરાંત સસેક્સ, શિકાગો અને પ્રિન્સટન યુનિવર્સિટીના વિઝિટિંગ પ્રોફેસર છે. એમના અસંખ્ય લેખો પ્રકાશિત થયા છે. એમના બ્લૉગhttp://dilipsimeon.blogspot.in/ આધુનિક રાજકીય ઇતિહાસના જિજ્ઞાસુઓ માટે એક અખૂટ ખજાનો છે. એમની પહેલી નવલકથા ‘Revolution Highway’ અંગ્રેજી અને હિન્દીમાં ઉપલબ્ધ છે. એમનો સંપર્કdilipsimeon@gmail.com પર કરી શકાશે.

આ નિબંધ ૧૯૯૭માં લખાયેલો છે એટલે એ વખતની કેટલીયે ઘટનાઓનાં સમયાંક્નો બદલ્યાં નથી, કારણ કે મૂળ વિષયવસ્તુ એનાથી સ્વતંત્ર રહ્યું છે.

ડૉ. દિલીપ સિમ્યને અહિંસાની જે મીમાંસા કરી છે તેની ભૂમિકા રૂપે અહીં એક અવતરણ આપીએ છીએઃ

“બિરાદર, હું તારી હત્યા કરવા નહોતો માગતો….પણ પહેલાં તું મારા માટે એક વિચાર માત્ર હતો, એક અમૂર્ત વિચાર જે મારા મનમાં રહેતો હતો અને યોગ્ય પ્રતિક્રિયા આપવા મને પડકારતો હતો… હું તારી હૅન્ડ-ગ્રેન્ડ, બેયોનેટ, તારી રાઇફલનું જ વિચારતો હતો; હવે જોઉં છું કે તારી એક પત્ની છે, તારો એક ચહેરો છે, તારા મિત્રો છે. મને માફ કર, બિરાદર. આપણે હંમેશાં બહુ મોડેથી જ જોઈ શકીએ છીએ. એ લોકો આપણને કહેતા કેમ નથી કે તમે લોકો પણ અમારા જેવા જ જુવાનિયા છો અને અમારી માતાઓ અમારા માટે ચિંતા કરે છે એટલી જ ચિંતા તમારી માતાઓ તમારા માટે પણ કરતી હોય છે. અમને પણ મોતનો એ જ ભય સતાવે છે, એ જ રીતે મરવાનું છે, એ જ પીડા ભોગવવાની છે – માફ કર બિરાદર, તું મારો દુશ્મન શી રીતે હોઈ શકે?”

– જર્મન લેખક એરિખ મર્‍ઈયા રીમાર્કની નવલકથા All Quiet on the Western Frontમાંથી

૦-૦-૦

હું એક વાર અહિંસા વિશેની એક ડૉક્યુમેન્ટરી ફિલ્મ માટે સલાહકાર બન્યો. મારા એક અતિ માનનીય ભૂતપૂર્વ અધ્યાપકને આની ખબર પડી તો એમણે વ્યંગમાં કહ્યું: “પોથીમાંનાં રીંગણાં!”. વાત તો બરાબર હતી કારણ કે, વિદ્યાર્થી અવસ્થામાં હું માનતો કે કોઈ પણ સાચું સામાજિક કે રાજકીય પરિવર્તન માત્ર ક્રાન્તિકારી હિંસાથી જ આવી શકે. આ ક્રાન્તિમાં હું ૧૯૭૦માં સક્રિયપણે જોડાયો. એ દિવસોમાં એને “અંતિમવાદ’ કહેતા. એનો પહેલો તબક્કો પૂરો થતાં આ પ્રશ્નને બાજુએ હડસેલી દીધો કે એના પર દાર્શનિક કે સૈદ્ધાંતિક દૃષ્ટિએ બહુ લમણાઝીંક કરવાની જરૂર નથી. પરંતુ વર્ષો પછી, જે કૉલેજમાં હું કામ કરતો હતો ત્યાં ભ્રષ્ટાચાર સામેના સંઘર્ષમાં મારા પર ગંભીર શારીરિક હુમલો થયો ત્યારે મને એ સમજાયું કે આ પ્રશ્ન કેટલો બધો મહત્ત્વનો છે. કંઈ નહીં તો, આટલી સમજ માટે તો હું એ હુમલાખોરોનો ઋણી છું.

હિંસાની વ્યાપકતા

રાજીવ ગાંધીની હત્યા થઈ એમાં ખાસ વાત એ નહોતી કે એક યુવાન સ્ત્રીએ પોતાને બોમ્બથી ઉડાવી દીધી. મુખ્ય વાત તો એ હતી કે આ આખો બનાવ એક માણસ શાંતિથી જોયા કરતો હતો, એને ખબર હતી કે આ બધું કૅમેરામાં ઝડપાય છે. આજે દુનિયામાં એવાં ઘણાં યુવક-યુવતીઓ છે, જેમને માટે માણસના માંસના લોંદા અને લોહી જોવાનો અનુભવ સામાન્ય છે. હું પોતે અધ્યાપક હતો ત્યારે ઘણા વિદ્યાર્થીઓએ ૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણ વખતે માણસોને જીવતા સળગાવી દેતાં જાતે જોયા હતા અને કેટલાકે તો આવાં કૃત્યોમાં ભાગ પણ લીધો હતો. આ જાણીને હું કાંપી ઊઠ્યો હતો, પણ મને નવાઈ લાગવી જોઈતી હતી? કેમ વળી, કોલંબિયાની ખૂની ગૅંગોમાં કેટલાય સભ્યો એવા છે કે જેમણે હજી કિશોરાવસ્થા પણ જોઈ ન હોય. અને ઇરાને ઈરાક સામેની લડાઈમાં બાળ-મુજાહિદોને મોકલ્યા જ હતા. પૅલેસ્ટાઇની નિર્વાસિતોનાં બાળકોનાં ઇઝરાઇલી જેટ વિમાનોના હુમલામાં મોત થાય કે સામસામે લડતાં બે મિલિશિયા જૂથોની લડાઈમાં બાળકોનો ભોગ લેવાય, એ તો રોજિંદી ઘટના છે. બીજી બાજુ ઇઝરાઇલમાં સ્કૂલે જતાં બાળકો પણ સતત ટેન્શનનું જીવન જીવે છે અને એમાં વેરતરસ્યા પૅલેસ્ટાઇનીઓની જેટલી જવાબદારી છે તેટલી જ જવાબદારી ઇઝરાઇલ સરકારની પણ છે. દક્ષિણ આફ્રિકામાં કેટલીયે પેઢીનાં શ્યામવર્ણી બાળકોએ આખી જિંદગી હિંસાચાર જ જોયો છે. માનવીની પશુતાનાં દૃશ્યો અને આપણા વચ્ચે જે અંતર હતું તેને ટેલિવિઝન અને વીડિયોગ્રાફીએ શૂન્ય બનાવી નાખ્યું છે. આજે હિંસા આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગઈ છે.`

વ્યવસ્થામાં વણાયેલી હિંસા બધા દમનકારી સામાજિક સંબંધો માટે ઊંઝણનું કામ કરે છે. આવા સંબંધોમાં તર્ક, સમાનતા અને માનવજાત માટે આદરને સ્થાન નથી હોતું. મજૂરો અને સ્ત્રીઓ અને બાળકો પર ગુજારાતી હિંસા પિતૃસત્તાક અને શોષક સમાજનું અભિન્ન અંગ છે. ઍપ્રિલ અને મે ૧૯૯૭માં ઉત્તર ભારતમાં એક જાતિની પંચાયતે બે સ્ત્રીઓને મોતને ઘાટે ઉતારી દીધી હોવાના રિપોર્ટ મળ્યા. બન્નેએ હજી કિશોર વયનો ઊંબરો પણ પાર નહોતો કર્યો. એમનો ‘ગુનો’ એ જ હતો કે એમણે કોઈ સાથે પ્રેમ કર્યો અને પોતાનો જીવનસાથી જાતે પસંદ કરવાનું નક્કી કર્યું. બેઉ છોકરીઓ પછાત વર્ગની હતી એટલે કશો ઉહાપોહ પણ ન થયો. પછાત વર્ગોના રાજકીય પ્રતિનિધિઓએ પણ કંઈ કાગારોળ ન મચાવી, તે દેખાડે છે કે જે લોકો પોતાને રાજકીય રીતે પ્રગતિશીલ તરીકે ખપાવે છે તેમને પણ, સ્ત્રીઓની વ્યક્તિગત સ્વતંત્રતા કે એમના માનવ અધિકાર બાબતમાં બહુ આગ્રહ નથી. લાગે છે કે સ્ત્રી હિંસાનો ભોગ બનતી હોય ત્યારે “ઘર”ની અંદર થતી હિંસાનેસામાન્યમાનવામાં આવે છે. પોતાની વાતને સારી પેઠે રજૂ કરવામાં પાવરધો મધ્યમ વર્ગ પણ જેટલો નાણાકીય મુદ્દાઓ પર ઊકળી ઊઠે છે એટલો માનવજીવનના અંત કે નબળા અને લાચાર નાગરિકોની માનહાનિની વાત આવે ત્યારે એટલો તમતમી નથી ઊઠતો.

હિંસાને આધારે વિકસેલા સામાજિક સંબંધો આપણા રાજ્યતંત્રના સમગ્ર માળખાનો પાયો છે. ઘરની અંદર થતી હિંસાના વ્યાપ અને સામાજિક મૂલ્યોના હ્રાસને કારણે લોકો શારીરિક દબામણીથી ટેવાવા લાગ્યા છે. આ જાતની ‘ટ્રેનિંગ’ લોકોને ભવિષ્યમાં થનારા હિંસક અનુભવો માટે મનોવૈજ્ઞાનિક રીતે તૈયાર કરે છે; પછી આવા બનાવો પૅરામિલિટરી સેવાઓમાં બને કે અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરતી વખતે બને, આપણે સૌ ટેવાઈ ગયા છીએ. આખી દુનિયામાં સશસ્ત્ર દળોએ સત્તા માટે કોઈને મારી નાખવા કે તાબામાં લેવામાં સારોએવો મહાવરો હાંસલ કર્યો છે. કહેવું કે સાંભળવું કદાચ વિચિત્ર લાગશે, પણ ઔદ્યોગિક ક્રાન્તિ જેવી લાભકારી ઘટનાઓ અને લોકશાહીવાદી રાજકારણે હિંસામૂલક વલણોને વધારે દૃઢ બનાવ્યાં છે. હવે આખા ને આખા સમાજોને યુદ્ધ માટે સંગઠિત કરવામાં આવે છે. પહેલા વિશ્વયુદ્ધે બે કરોડનો ભોગ લીધો અને બીજા વિશ્વયુદ્ધે સાડાપાંચ કરોડનો (આમાંથી બે કરોડ કરતાં વધારે તો રશિયનો હતા). આજે પ્રથમ પંક્તિના મૂડીવાદી દેશો લશ્કરો પર વરસેદહાડે ૫૦૦ અબજ ડૉલર ખર્ચે છે, જેમાંથી ત્રીજા ભાગની રકમ તો શસ્ત્રોની ખરીદી અને નવાં શસ્ત્રો વિકસાવવામાં ખર્ચાય છે. દુનિયાના ૬૯ દેશોમાં દસ કરોડ સુરંગો બિછાવેલી પડી છે જે દર અઠવાડિયે ૫૦૦ જણનો – એક વર્ષમાં ૨૬,૦૦૦નો – કાં તો ભોગ લે છે, કાં તો એમને પંગુ બનાવી દે છે. (એક સુરંગ બનાવવામાં તો થોડા ડૉલર ખર્ચાય છે પણ એમને નિષ્ક્રિય બનાવવામાં ૨૦૦થી ૧૦૦૦ ડૉલરનો ખર્ચ થાય છે). યુદ્ધની તૈયારીમાં ગંજાવર રકમ રોકાય છે. તુલનાત્મક અભ્યાસો જણાવે છે કે મિલિટરી બજેટમાં માત્ર ૨૦ ટકાનો ઘટાડો થાય તો ૧૮ કરોડ ૯૦ લાખ બાળકોને નિશાળના ભણતરનો લાભ આપી શકાશે. એક ‘સી-વૂલ્ફ’ પરમાણુ સબમરીનનો ખર્ચ અઢી અબજ ડૉલર છે. આમાંથી દુનિયાનાં બધાં બાળકોને રોગો સામે રક્ષણ આપવાની રસી મૂકી શકાય. એક સ્ટીલ્ધ બોમ્બર વિમાનના ખર્ચમાંથી વિકાસશીલ દેશોની ૧૨ કરોડ સ્ત્રીઓને કુટુંબ નિયોજન સેવાઓ આપી શકાય. શીતયુદ્ધનો જમાનો વીતવાની સાથે શસ્ત્રોના વેપારમાં ઓટ આવી છે, તેમ છતાં, દુનિયાની સરકારો પર શસ્ત્રોના સોદાગરો અને મિલિટરી ઇંડસ્ટ્રીની જબરદસ્ત વગ ચાલે છે. આજે આપણે કહી શકીએ કે સામાજિક પ્રાથમિકતાઓ પાટા પરથી ઊતરી ગઈ છે.

હિંસા એટલે વાતચીતનો અંત. તે સાથે હિંસા ક્યારે થઈ, કોણે કરી, તેનાં કારણો શું હતાં, પરિણામ શું આવ્યાં, એવા બધા સવાલો વિશે આપણી સભાનતા ધૂંધળી બની જાય છે. અને હિંસા પોતાના જ બળે ફાલતી જાય છે. મુક્તિના સાધન તરીકે સામાન્ય રીતે હિંસા ભ્રામક બની રહે છે, કારણ કે દમિત લોકો પોતે જ દમનની ભાષા બોલતા થઈ જાય છે. એ એક એવું વિષચક્ર બનાવે છે જે પશુતાને વાજબી ઠરાવવાનું કામ કરે છે અને હિંસાખોરો પોતાને ‘વિક્ટિમ’ ઠરાવે છે. ૧૯૮૪માં શીખ નાગરિકોને મોતની આગમાં હોમી દેનારાઓને મન એ ‘નિર્દોષ’ નહોતા; ઇંદિરા ગાંધીની હત્યા અને ભિંડરાંવાલેએ છેડેલા હિંસાચારમાં ભાગીદાર હતા. સામે પક્ષે પંજાબના ત્રાસવાદીઓએ જાતે જ નક્કી કરી લીધું કે ભારતીય રાજસત્તા એમના પ્રત્યે કિન્નાખોરી રાખે છે તેનો જ તેઓ જવાબ આપે છે. હિંસાની એક અનોખી ખાસિયત પણ છેઃ એ પોતાને પાછલી તારીખથી વાજબી ઠરાવે છે. કહેનારા કહે છે કે ૧૯૮૦ના દાયકાના અંતિમ ચરણમાં પંજાબમાં હિંસાચાર થયો તેને જ કારણે દિલ્હીમાં ૧૯૮૪માં શીખો હિંસાખોરીનું નિશાન બન્યા.( હજી સુધી એ લોહીનીંગળતા ૭૨ કલાકમાં હજારો નિર્દોષોને કાળના મુખમાં ઓરી દેવાયા તે માટે ખેદ દર્શાવતો પ્રસ્તાવ લોકસભામાં આવ્યો નથી). એ જ રીતે, અમુક રાજકીય વિચારસરણી દ્વારા ભારતીય મુસ્લિમો વિરુદ્ધ ઝેર ઓકવામાં આવે છે. જિન્નાનો દ્વિરાષ્ટ્રવાદ જાણે એ જ કારણે વાજબી હતો એમ કહેવાય છે. બીજી બાજુ, મુસ્લિમો પ્રત્યેના દ્વેષભાવને વાજબી ઠરાવાય છે કે એમના ‘અલગતાવાદ’ ને જ કારણે ૧૯૪૭માં હિન્દુઓ અને શીખોને યાતનાઓ સહન કરવી પડી. તો દોષ કોનો છે? આ સવાલનો સ્પષ્ટ જવાબ નથી, પણ જે લોકોને કોમવાદી વિચારધારાએ ઝકડી લીધા છે એમને માટે જવાબ સહેલો છેઃ “ લોકોનો !”.

હવે આપણે આ વિક્ટિમી માનસનો ખ્યાલ કેટલો ફેલાયેલો છે તેનો વિચાર કરીએ. સામૂહિક શત્રુતાનાં ઉદાહરણો જોઈશું, તો જોવા મળશે કે કોઈ વ્યક્તિ હિંસા આચરવાનું કારણ સમજાવે છે ત્યારે પોતાના સમુદાયને તો વિક્ટિમ તરીકે જ ચીતરે છે. નાઝીઓએ ‘ફાઇનલ સોલ્યુશન’ (એટલે કે યહૂદીઓનો સામૂહિક સંહાર) શોધ્યું ત્યારે દાવો કર્યો કે કહેવાતી યહૂદી કાવતરાખોરીને કારણે જર્મન પ્રજાને બહુ વેઠવું પડ્યું છે.

અલબત, સામાજિક દમનનો સવાલ અત્યંત આળો રાજકીય મુદ્દો છે. આથી, સામાન્ય રીતે સૌ કબૂલ કરતા હોય છે કે કહેવાતા નીચલા વરણ બ્રાહ્મણવાદી સામાજિક વ્યવસ્થાના વિક્ટિમ છે. પરંતુ હવે રાજ્યની નીતિમાં નીચલા વરણે હકારાત્મક પગલાંનો હક પ્રાપ્ત કરી લીધો તો સવર્ણો પોતાને જ વિક્ટિમ માનવા લાગ્યા છે. અંગત વાતચીતમાં ઘણી વાર સાંભળવા મળશે કે “આપણા દેશમાં આ ‘બીસી’ઓને સૌથી વધારે હક મળ્યા છે.” આવા અંગત વાતચીતના અભિપ્રાયો ૧૯૯૦માં મંડલ વિરોધી આંદોલન થયું જેવા કિસ્સાઓમાં સાર્વજનિક અભિપ્રાય બની જાય છે.

હિન્દુ-મુસ્લિમ સંબંધો તો એના કરતાં પણ જટિલ છે. આનું એક કારણ એ કે હિન્દુઓમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે ઇસ્લામ દેશમાં આવ્યો તે વખતથી જ એની એવી ભાવના રહી છે કે મુસલમાન ન હોય તેમને સાંખી જ ન લેવા. આવી માન્યતાઓનો આધાર અમુક અંશે વાસ્તવિક છે. પરંતુ એમાં સરલીકરણ પણ છે અને સામાન્ય વલણ આ સરલીકરણ કરતાં વિપરીત, એટલે કે સારી સ્મૃતિને કે ઘટનાઓને કોરાણે મૂકી દેવાનું હોય છે. આપણે એને હવે તે રીતે જોઈએ તો પણ સો વાતની એક વાત એ કે લોકોમાં આવી માન્યતા પ્રચલિત છે. મુસલમાનોની વાત કરતાં, ખાનદાની મુસલમાનોએ રાષ્ટ્રીય આંદોલનના વિકાસમાં લોકશાહીનો ક્રમશઃ વિકાસ ન જોયો, એમને લાગ્યું કે આમાંથી હિન્દુ-બહુલતાવાદીઓનું જોર વધશે અને વખત જતાં મુસલમાનોનું છોતરુંય નહીં મળે. આમ, દરેક કોમ પોતાને બીજી કોમની જોહુકમીની વિક્ટિમ માનવા લાગી અને એમના નેતાઓ પોતાની વાતને સાચી ઠરાવવા પોટલાં ભરીને દલીલો ખોળી લાવ્યા. આ તર્કનું ચકરડું ગોળગોળ ફરતું પરસ્પર દ્વેષથી ભરેલી બે કોમો વચ્ચે સંવાદની શક્યતાને વાઢતું રહે છે.

આપણે સૌ સામાજિક પરિવર્તન માટે વિચારતા હોઈએ તો હિંસાનાં પિતૃસત્તાક અને પ્રતિગામી લક્ષણો વિશે ગંભીરતાથી વિચારવું પડશે. દાખલા તરીકે, ઉદ્દામવાદી રાષ્ટ્રભક્ત ભગત સિંહે એમના છેલ્લા દિવસોમાં એમ કેમ લખ્યું કે જન-આંદોલન માટે અહિંસા જ અનિવાર્ય છે? કદાચ એ આંતરસૂઝથી જ સમજ્યા કે આતંકનું રાજકારણ તો માત્ર (અને મુખ્યત્વે) જુવાનિયાઓના સંગઠન માટે છે, પણ પ્રજાતાંત્રિક આંદોલનમાં તો લાખોકરોડો લોકો, આબાલવૃદ્ધ સૌ, સામેલ થાય એ જરૂરી છે, એમાંથી મોટા ભાગના એવા હશે કે જે પોતાના ઉચ્ચ આદર્શો માટે જાનફેસાની કરવા કરતાં ઉજ્જ્વળ ભવિષ્યની આશામાં જીવતા રહેવાનું પસંદ કરશે. પરંતુ અહિંસા કંઈ યુક્તિ નથી. એ તો, સત્તાની પ્રકૃતિ અને આપણે ઇચ્છીએ તેવી મુક્તિના પ્રકાર જેવા મૂળભૂત સવાલો સાથે સંકળાયેલી છે.

થવા દો…ભગવાન આપણો ભેરુ છે…

હિંસાથી શારીરિક જફા તો પહોંચે જ છે પણ એનાથી વધારે તો એ વિરોધીનું નીચાજોણું થાય અને એની ગરિમા ખંડિત થાય એવી ઇચ્છાનું રૂપ છે. આ લાગણીનો પ્રાણઘાતક અને અસમર્થ બનાવી નાખે એવો પ્રભાવ છે. સમાજના કોઈ પણ વર્ગનું નીચાજોણું થશે તો સમાજ એની કિંમત ચૂકવ્યા વિના નહીં રહે – ભલે ને આ અસર દેખાતાં સદીઓ નીકળી જાય. અમેરિકનો અને તુર્કો, આફ્રિકન-અમેરિકનો અને શ્વેત અમેરિકનો, દક્ષિણ આફ્રિકામાં શ્યામ અને શ્વેત પ્રજાઓ, આયરિશ અને ઇંગ્લિશ – આ સંબંધોનાં મૂળ જોશો તો એમાં સદીઓ જૂની કડવાશ દેખાશે.

પરંતુ કોઈ પણ સમાજ માત્ર બાવડાના જોરે એક રહી ન શકે. એનું એકમાત્ર પરિણામ એ હશે કે એમાંથી સંપૂર્ણ સામાજિક વિઘટન પેદા થશે. શાસક ગમે તેટલો શક્તિશાળી હોય, એને પણ શાંતિની જરૂર હોય છે, તે સિવાય એ પોતાની સત્તાને માણી શકે નહીં. આ કારણે બુદ્ધિનાં બધાં સંતાનો – વિવેકશક્તિ, તત્ત્વજ્ઞાન, ધર્મ અને કલાના વિકાસનાં વલણો રાજ્યની જરૂરિયાત મુજબ ઘડાતાં હોય છે. વળી, હિંસાત્મક કૃત્યોને પણ હંમેશાં નૈતિક સમર્થનની જરૂર પડી છે. આડકતરી રીતે તો, આ “ખોટું છે એનો એ સ્વીકાર જ છે. આથી જ, હિંસા હંમેશાં નૈતિક મુદ્દાઓ સાથે સંકળાયેલી જોવા મળે છે. સંગઠિત હિંસાને વૈચારિક વ્યવસ્થા તરીકે વિકસાવવા માટે નૈતિક સંવેદનશીલતામાં પરિવર્તન જરૂરી છે, એટલે જ ‘ધર્મયુદ્ધ’ ’જેવા ખ્યાલો જરૂરી બન્યા.

હિંસા-પ્રતિહિંસાનો દોર કેમ ચાલ્યા જ કરે છે તે દેખાડવા માટે હું ઇતિહાસમાંથી એક જ ઉદાહરણ લઈશ. નવ સદી પહેલાંની આ ઘટના છે. હું મધ્યકાલીન ખ્રિસ્તીઓએ શરુ કરેલાં ધર્મયુદ્ધો એટલે કે ક્રુઝેડોની વાત કરં છું. ક્રુઝેડો જેરુસલેમને સેલ્જૂકવંશી તુર્ક શાસકોના હાથમાંથી છોડાવવા માટે ખેલાયાં. અગિયારમી સદીના મધ્યમાં સેલ્જૂકોએ પૅલેસ્ટાઇન જીતી લીધું હતું. એવા ઐતિહાસિક પુરાવા છે કે આ ક્રુઝેડની યોજના પોપની હતી. પોપ અર્બન બીજો બાઇઝેન્ટાઇનને દબાવી દેવા માગતો હતો. આજે આપણે ઇસ્તન્બુલના નામે જાણીએ છીએ તેનું નામ કોન્સ્ટન્ટિનોપલ હતું, એ જ પ્રાચીન સમયનું બાયઝેન્ટાઇન. એ ઈસ્ટર્ન ઑર્થોડોક્સ ચર્ચનું ધીકતું કેન્દ્ર હતું. પોપે એની સામે પહેલું ક્રુઝેડ (૧૦૯૬-૯૯)માં શરુ કર્યું ત્યારે એનું સૂત્ર હતું “ઈશ્વર ઇચ્છે છે”. પશ્ચિમી રાજાઓને એક કરવાની અને કોઈ ધર્મગુરુને હિંસા સામે વાંધો હોય તો એને બાજુએ મૂકવાની એક રીત હતી. નૈતિક અધિકાર મેળવીને ક્રુઝેડરોએ પોતાની જાતને મનાવી લીધી કે તુર્કોનું નિકંદન કાઢી નાખવાની જરૂર છે. પાંચ અઠવાડિયાંના ઘેરા પછી એમણે જેરુસલેમ પર કબજો જમાવ્યો ત્યારે એમની રક્તપિપાસાનો નગ્ન નાચ જોવા મળ્યો. વર્ષોની જહેમત પછી ૧૫મી જુલાઈ ૧૦૯૯ના વિજય મળતાં ઉન્મત્ત બનેલા ક્રુઝેડરો ઘરો અને મસ્જિદો પર ત્રાટક્યા અને પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને ભાજીમૂળાની જેમ રહેંસી નાખ્યાં. યહૂદીઓએ મુસલમાનોને મદદ કરી હતી, એમ કહીને ક્રુઝેડરોએ સિનેગોગમાં ઘૂસીને યહૂદીઓને જીવતા બાળી મૂક્યા. પશ્ચિમી સ્રોતો જણાવે છે કે લગભગ એક લાખ આરબો હતા તેમાંથી દસ હજાર મોતને હવાલે થયા. આના પછી આરબોએ પશ્ચિમીઓને (ફ્રેન્ચોને) ‘ક્રિશ્ચિયન ડૉગ’ કહેવાનું શરૂ કર્યું. એક ઇતિહાસકાર આ પ્રકારે વિવરણ આપે છેઃ 

જેરુસલેમની કત્લેઆમથી આખી દુનિયા દિગ્મૂઢબનીગઈ…(અને) આખા જેરુસલેમમાં એક પણ મુસલમાન કે યહૂદી  બચ્યો. ઘણા ખ્રિસ્તીઓ પણ જે આચરવામાં આવ્યું તેનાથી કાંપી ઊઠ્યા હતા. મુસલમાનોમાં ઘણા એવા હતા કે જે ફ્રાન્સને સ્વીકારવા તૈયાર હતા. આના પછી એક સ્પષ્ટસંકલ્પ દેખાવા લાગ્યો કે એમને તો હાંકી કાઢવા  પડશે. ખ્રિસ્તીઓના લોહી તરસ્યા ઝનૂનના જવાબમાં મુસ્લિમ ઝનૂનનો જન્મ થયો. પાછળથી પૂર્વના સમજદાર લેટિનોએ મુસ્લિમો અને ખ્રિસ્તીઓ, સાથે મળીને કામ કરી શકે એવો આધાર તૈયાર કરવાની કોશિશ કરી, પરંતુ કત્લેઆમની સ્મૃતિ હંમેશાં આડે આવતી રહી.

૧૧૯૧માં ત્રીજા ક્રુઝેડ વખતે ‘સિંહહૃદય’ રાજા રિચર્ડે છૂપું સોનું શોધવા માટે હજ્જારો કેદીઓને મારીને એમની લાશો બાળી નાખવાનો હુકમ કર્યો.  અત્યાચારથી ભયચકિત મુસ્લિમ સમાજ પશ્ચિમ પ્રત્યે શંકાની નજરે જોવા લાગ્યો.” એ જમાનાના આરબ કવિ મોસાફિર અલ્લાહ વર્દીસે વેદનામાં કલમ બોળીને લખ્યું છેઃ 

એ જમાનાના આરબ કવિ મોસાફિર અલ્લાહ વર્દીસે વેદનામાં કલમ બોળીને લખ્યું છેઃ 

મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાંઓ થયાં એક.
છે કોઈ માઈનો લાલ  ધરા પર, જુલમગારને ખાળે? 
શસ્ત્રો પર બેસીને આંખો અમારી કરે વલોપાત 
તલવારોમાંથી ઝરે સર્વભક્ષી તિખારા ભેંકારમાં 
ત્યારે અમારે તો રોવાનું  રહ્યું.

ઓહ, લોહી તો વહ્યું એવું બેફામ કે 
કોઈ નથી, અમારી માબેનોનાં શીયળ સાચવે 
સાચવી શકશે એમના  ખાલી હાથ?

અથડાતી તલવારોના તણખા 
અને ખડીંગખડાંગ 
અમારાં બાળકોના ચહેરા બની જાય 
ધોળી પૂણી.

ડૉ. દિલીપ સિમ્યન –

બ્લૉગ http://dilipsimeon.blogspot.in/

ઈ-મેલઃ:dilipsimeon@gmail.com

આ નિબંધનો આગળનો ભાગ આવતીકાલે

વેબગુર્જરી પરઃ 

http://webgurjari.in/2015/06/15/our-simplified-fickle-understanding-and-non-violence_1/

%d bloggers like this: