Budhan + Budhan

આજે વેબગુર્જરી પર આ પોસ્ટ મૂકી છે. જરૂર વાંચશો.

http://webgurjari.in/2014/10/07/maari-baari_26/

– દીપક ધોળકિયા

મારા મિત્ર અને વેબગુર્જરીના સાથી શ્રી બીરેન કોઠારીનો ચોથી તારીખે પ્રકાશિત થયેલો લેખ ‘કથા બુધનની, કહાણી સહુની’ વાંચીને દસ-બાર વર્ષ પહેલાં વાંચેલી ‘છોરા કોલ્હાટી કા’ યાદ આવી ગઈ. મૂળ મરાઠીની રચના ‘कोल्हाट्याचं पोर’નો આ હિન્દી અનુવાદ છે. લેખક કિશોર શાંતાબાઈ કાળે કોલ્હાટી સમાજમાં જન્મ્યા અને ઊછર્યા અને  ડોક્ટર બન્યા. એમની આ જીવનકથા રુંવાડાં ઊભાં કરી દે તેવી છે. એ નોંધવા જેવું છે કે એમણે પિતાના નામને બદલે માતાનું નામ રાખ્યું.

imageimage

“मेरी माँ शांताबाई एक नाचने वाली औरत थी”….. કથાનું આ પહેલું વાક્ય છે; અને અંતિમ વાક્ય છે, “ मैंने 1994 में एम. बी. बी. एस. कर लिया”. આ બે વાક્યોની વચ્ચે ભર્યો છે, એક દારુણ સંઘર્ષ, જેનું દરેક વાક્ય મનને હચમચાવી દે છે. પ્રામાણિકતાથી કહું તો આ ૧૫૮ પાનાંમાં તરફડતી આવી જિંદગી મેં કે તમે જોઈ નથી, અનુભવનો તો સવાલ જ ઊભો નથી થતો.

કોલ્હાટી કોમની સ્ત્રીઓ નાચ મંડળીઓ બનાવીને કુટુંબનું ભરણપોષણ કરે છે. સ્ત્રીઓ કમાવાનું સાધન માત્ર છે, પુરુષો કશું જ કામ કર્યા વિના સ્ત્રીઓની કમાણી પર મઝા કરે છે. સ્ત્રીઓનું આ આર્થિક મૂલ્ય હોવાથી એમને પરણાવવાનો સવાલ પેદા થતો નથી. એમના પર પિતા અને ભાઈઓની જવાબદારી હોય છે, છોકરી છ-સાત વર્ષની થાય એટલે એને નાચગાન શીખવવા માટે કોઈને કોઈ નાચ પાર્ટીમાં મોકલી અપાય અને ૩૫ની ઉંમરે પહોંચતાં વગર લગ્ને માતા બની ગયેલી સ્ત્રીઓ કુટુંબનો બોજ બની રહે. યુવાન છોકરીને કોઈ પુરુષ ‘ચિરા’ના રિવાજ પ્રમાણે પોતાની સાથે નવી ‘લગભગ ધર્મપત્ની’ને લઈ જાય. પોતાની સાથે રાખે થવા છોકરી માબાપની સાથે જ રહે. પુરુષ ત્યાં મળવા આવે, એની આગતાસ્વાગતા થાય. સ્ત્રી ગર્ભવતી પણ બની જાય અને પછી અચાનક જ એક દિવસ પેલો પુરુષ આવતો બંધ થઈ જાય. માતાએ ફરી સ્ટેજ પર ચડવું પડે. એનું બાળક દૂધ વિના તરફડતું રહે, માતાએ નાચ કરવાનો જ હોય, એના વિના કુટુંબનું ગુજરાન ન ચાલે. અને એક દિવસ બીજો કોઈ પ્રુરુષ સ્ત્રી સાથે ચિરા કરે, એના માટે જે પૈસા આપવા પડે તે એનાં માબાપ લઈ લે. એ બાળક્ને માબાપને હવાલે કરીને ચાલી જાય. બાળક મામાઓના ભોગવિલાસની વચ્ચે ઘરના નોકર જેમ ઉપેક્ષિત જીવન જીવ્યા કરે.

લેખકની માતા શાંતાબાઈ સુંદર હતી. એ કોઈ ધારાસભ્યના સંપર્કમાં આવી અને એને ગર્ભ રહ્યો. તે પછી એ ધારાસભ્યે કદી મોઢું જ ન દેખાડ્યું. લેખકનો જન્મ થાય છે. સ્ટેજ પર માતા નાચે છે, નેપથ્યમાં બાળક કિશોર ભૂખને કારણે ટળવળે છે, પણ હૉલમાં લોકો પૈસા ફેંકીને ‘વન્સ મોર’ કર્યા કરે છે, માતાએ એક એક રુપિયો દર્શકના હાથમાંથી પગ વડે ઉપાડી લેવાનો છે. એની પાસે બાળક કિશોર પાસે જવાનો સમય નથી. એવામાં એક જણ માતા શાંતાબાઈને મળે છે. એ પરિણીત છે, બે પુત્રીઓનો પિતા છે, પરંતુ શાંતાબાઈને લઈ જાય છે. કિશોર મામાઓનો ત્રાસ ઝીલવા માટે નાનાનાનીને ઘરે રહી જાય છે. અહીં નાના એને ઢોર માર મારે છે. મા પૈસા મોકલે તો એને સ્કૂલમાં દાખલ કરાય. દરમિયાન માસીઓ પણ એ જ કામમાં લાગી ગઈ છે. દરેકને કોઈ ને કોઈ ચિરા કરનારો મળી જાય છે અને દરેક અંતે તરછોડાયેલી હાલતમાં ફરી ફરી સ્ટેજ પર નાચતી રહે છે.

અહીં શાંતાબાઇને બીજું સંતાન પણ થઈ જાય છે. મા પણ કિશોરને ભૂલી ગઈ છે. સાત-સાત વર્ષથી એ કોઈની સાથે રહે છે. નાચવાનું બંધ છે. ઘરે આવતી નથી. બાળક કિશોર માતાને ઝંખ્યા કરે છે. બીજી બાજુ શાંતાબાઈનાં માબાપની આવક બંધ થઈ ગઈ છે. દીકરીએ નાચવાનું બંધ કરી દીધું છે. થોડાઘણા પૈસા એ કિશોરના ખર્ચ માટે મોકલ્યા કરે છે પણ એ પૈસા સીધા નાનાના હાથમાં અને ત્યાંથી દારુના પીઠામાં પહોંચી જાય છે. ઘરમાં મરઘાં માછલાં રંધાય છે, પણ પાંચ-છ વર્ષના કિશોરને તો એ કંઈ મળતું નથી.

મામાનાં લગ્ન થવાનાં છે. નાનાનાની દીકરીને બોલાવવા માગે છે અને એ એના નવા પુરુષને ઘરે પહોંચી જાય છે. ત્યાં ભારે હોબાળો કરીને એના બીજા પુત્ર દીપકને લઈ આવે છે કે કદાચ દબાણમાં આવીને શાંતા ઘરે આવે. બે વર્ષનો દીપક માતા વિના ઝૂરે છે. બધા કહે છે કે મામાના લગનને હવે બે દિવસ રહ્યા, તારી મા જરૂર આવશે. લેખક કહે છેઃ

“હું ખુશીથી નાચી ઊઠતો….નેરલાથી બે કિલોમીટર દૂર વરકૂટે ગામ છે ત્યાંથી માને લઈ આવવા કાર મોકલી હતી, દૂરથી મેં એ કાર આવતી જોઈ. મારા આનંદનો પાર નહોતો. “બાઇ આવી…બાઈ આવી…” હું એકલો જ બૂમો પાડતો હતો. મા સામે સ્વચ્છ દેખાવા માટે મેં મોઢું લૂછ્યું, કપડાં વ્યવસ્થિત કર્યાં…”

બાળક કિશોર કાર તરફ દોડે છે. કાર ધીમી પડે છે. કારમાં બેઠેલી સ્ત્રીઓ એને અંદર લઈ લે છે. બાળકની આંખોમાં આંસુ ઊભરાયાં છે. એને ચોખ્ખું દેખાતું નથી. મા જેવી દેખાતી સ્ત્રીના ખોળામાં એ કૂદી પડે છે… “બાઇ…બાઈ…” બીજી સ્ત્રીઓ કહે છે, બેટા, તારી મા નથી આવી, આ તો બદામમાસી છે…” બાળકને આંચકો લાગે છે. રુદન ગળાની અંદર જ ગૂંગળાઈ જાય છે. માત્ર મૌન ડૂસકાં – રુંધાયેલાં ડૂસકાં – છાતી અને માથાને ઝટકા આપતાં બહાર નીકળે છે….

એક સારા, માયાળુ શિક્ષકની મદદથી કિશોર જેમતેમ સાતમું પાસ કરીને માની પાસે રહેવા જાય છે. અહીં માનો ‘માલિક’ એટલો સારો છે કે એને સ્કૂલમાં દાખલ કરાવે છે, શહેરી છોકરાઓ વચ્ચે, અંગ્રેજી ન જાણનારો, બાપના નામ વિનાનો કિશોર ગમે તેમ કરીને ભણવા માગે છે. પૈસાની અપરંપાર તંગી, ‘માલિક’નો અવિશ્વાસ અને દગાખોરી, મા દ્વારા બે દીકરાઓ વચ્ચે ભેદભાવ, જાતને કારણે દર બે-ત્રણ મહિને બદલવી પડતી રહેવાની કોટડી…બધું વેઠીને કિશોર મૅડિકલમાં પહોંચે છે. આ તબક્કે એક ભલા ધારાસભ્યની માયાળુ પત્નીનો આશરો એને મળે છે. પણ માસીઓ ગામમાં નાચ પાર્ટીઓ લઈને આવે છે, તેને મળવા જતાં મિત્રો સમક્ષ એનો ભેદ ખૂલી જાય છે. સૌ એને છોડીને ચાલતા થાય છે. બીજી બાજુ માસીઓને મદદ કરવાની ઇચ્છા અને માની બીમારીને કારણે સાડાચાર હજાર રુપિયાની સ્કૉલરશિપ થોડા જ દિવસમાં વપરાઈ જાય છે. માને હૉસ્પિટલમાંથી ઘરે પાછા લાવીને કિશોર પાછો મુંબઈ આવે છે ત્યારે પરીક્ષા પૂરી થઈ ગઈ છે, પણ એનો સંકલ્પ પાકો છે, પરિણામે, આપણે ઉપર આપેલું છેલ્લું વાક્ય વાંચવા સમર્થ બનીએ છીએ.

છેલ્લા વાક્ય સુધી પહોંચતાં જીભ તાળવે ચોંટેલી રહી હતી. સોફાને અઢેલીને બેસવાનું ભુલાઈ ગયું હતું. ગળામાં થોર ઊગી આવ્યો હતો. કારણ કે આ સાહિત્ય નથી, લેખકની કલ્પનાઓ નથી, આંસુ આવે તે માટે ગોઠવાયેલા પ્રસંગો નથી.

આ વાતો પ્રાચીન કાળની નથી. લેખકનો જન્મ ૧૯૬૯માં થયો છે. આઝાદીના પછીનાં એકવીસ વર્ષમાં આ કથા શરૂ થાય છે અને ૧૯૯૪માં આઝાદીના ૪૬મા વર્ષે પૂરી થાય છે. ના. મને ખબર નથી કે કથા પૂરી થઈ છે, બસ એટલું જ કહું કે, આ પુસ્તક માત્ર એ સમયગાળા સુધી લખાયેલું છે.

0-0-0

કિશોર શાંતાબાઈ કાળે. ધરતીની ધૂળમાં પડેલો એક હીરો પોતાની તાકાતથી આકાશનો તારો બનીને ચમક્યો – અને અફસોસ, ખરી પડ્યો. ૨૧મી ફેબ્રુઆરી ૨૦૦૭ના રોજ માત્ર ૩૭ વર્ષની ઉંમરે એક અક્સ્માતમાં એમનું મૃત્યુ થઈ ગયું. કિશોરભાઇ, આજે તમે નથી પણ સૌ વાચકો વતી હું તમારી સમક્ષ નતમસ્તક છું. તમારી સંઘર્ષકથા ભૂલવા માગીએ તો પણ ભુલાય તેમ નથી. આ લખીને મેં માત્ર મારી ફરજ મારાથી શક્ય હતું તે રીતે અદા કરી છે. તમારી સરખામણી હું મહાભારતના જાતિને કારણે ઉપેક્ષિત મહારથી કર્ણ સાથે કરું છું – કર્ણનો પરિચય પૂછ્યો તો એણે જવાબ આપ્યો હતો –

सूतो वा सूतपुत्रो वा यो वा को वा भवाम्यहम् |
दैवायत्तं कुले जन्म मदायत्तं तु पौरुषम् ||“હું પોતે સારથિ હોઉં કે સારથિપુત્ર, અથવા કંઈ પણ હોઉં
ભાગ્યે નક્કી કરેલા કુળમાં મારો જન્મ થયો, પણ મારી કાબેલિયત મેં પોતે જ સિદ્ધ કરી છે.”

તમે પણ એ જ કરી દેખાડ્યું ને!

-૦-૦

image_thumb.png

આ પુસ્તકનો અંગ્રેજીમાં પણ Against All Odds સ્વરૂપે અનુવાદ થયો છે.

%d bloggers like this: