દક્ષિણના વિદ્રોહી પોલીગારોઃ મરુદુ ભાઈઓ અને સિંઘમ ચેટ્ટી
૧૭૯૫ અને ૧૭૯૯ વચ્ચે શિવગંગા, રામનાડ અને મદુરૈના નેતાઓએ અંગ્રેજવિરોધી સંગઠન ઊભાં કરવામાં આગળપડતો ભાગ ભજવ્યો. આમાં શિવગંગાના મરુદુ પાંડ્યન ભાઈઓનો ઉલ્લેખ ખાસ જરૂરી છે. બન્ને ભાઈઓ ‘શેરોગાર’ (લશ્કરી અથવા મંત્રી) તરીકે ઓળખાતા. બન્ને પડછંદ, ભરાવદાર અને હિંમતવાન હતા. અંગ્ર્રેજોના એ ખાસ દુશ્મન હતા, ૧૭૭૨માં શિવગંગા પર કંપનીએ કબજો કરી લીધો તે પછી આ ભાઈઓએ લોકોને સંગઠિત કર્યા અને અંગ્રેજો તેમ જ કર્ણાટકના નવાબની સંયુક્ત ફોજને હરાવીને શિવગંગા પાછું લઈ લીધું. તે પછી શિવગંગામાં એમણે રાણીને બહુ મદદ કરી.

વેળ્ળ (મોટા) મરુદુને રાજકાજ કરતાં શિકારમાં વધારે રસ હતો. એણે રાજકાજ ચિન્ન્ન (નાના) મરુદુ પર છોડી દીધું હતું. અંગ્રેજો એને છંછેડવા નહોતા માગતા અને એની પાસેથી મહેસૂલની રકમ પણ માત્ર આવકના ત્રીજા ભાગ જેટલી જ વસૂલ કરતા. આમ છતાં ચિન્ન મરુદુએ જનતાના સંગઠનની આગેવાની લીધી. એણે સ્થિતિની સમીક્ષા કરી કે દેશના અધઃ પતન અને અંગ્રેજોની ચડતીનાં ચાર કારણો હતાં
શાસકોની અંદરોઅંદરની લડાઈઓ,
અંગ્રેજોની મદદ લઈને હરીફને હંફાવવાની વૃત્તિ,
અંગ્રેજોની દગાબાજી, અને
આપણા લોકોની શાસકો સામે અહોભાવથી નમી પડવાની ટેવ.
ચિન્ન મરુદુએ કેટલાંય ગામોના પટેલોને સંદેશ મોકલ્યા અને અંગ્રેજો સામે લડવા માટે તૈયાર થવાનું એલાન કર્યું. રામનાડના મેલપ્પન, સિંઘમ ચેટ્ટી, મુત્તુ કરુપા તેવર અને તંજાવ્વુરના જ્ઞાનમુત્તુ ‘શેરોગાર’ મરુદુની આગેવાની હેઠળ સંગઠિત થયા. મદુરૈના સામાન્ય લોકો અને ખાસ કરીને કલ્લણો તો સક્રિય વિદ્રોહી બની ગયા. આમ ચિન્ન મરુદુની આગેવાની હેઠળ એક સંઘ બની ગયો.
મરુદુના સાથીઓમાંથી મેલપ્પન પહેલાં એક અર્ધ લશ્કરી દળમાં હતો. એના રાજા સેતુપતિની હાર થતાં એણે અંગ્રેજોની સામે લોકોને તૈયાર કર્યા. અંગ્રેજોને એની હિલચાલની ખબર પડી જતાં એને જેલમાં નાખ્યો પણ એ ત્યાંથી ભાગી છૂટીને મરુદુના આશ્રયમાં શિવગંગા પહોંચી ગયો હતો. એણે તાડપત્ર પર લોકોને કરવેરા ન ચુકવવાના સંદેશ મોકલ્યા. તે પછી લોકોએ કર ભરવાનું બંધ કરી દીધું, એટલું જ નહીં, કેટલીયે જગ્યાએ તો કર વસૂલવા આવેલા કંપનીના માણસોને પણ એમણે તગેડી મૂક્યા.
પરંતુ અંગ્રેજોની સૈન્યશક્તિ સામે એમની સંખ્યા બહુ ઓછી હતી. ૧૭૯૯ના ઍપ્રિલમાં અંગ્રેજી લશ્કરી ટૂકડીએ કોમેરી પાસે વિદ્રોહીઓની છાવણી પર ઓચિંતો છાપો માર્યો, એમાં ઘણા વિદ્રોહી માર્યા ગયા. પાલામંચેરી પાસેની લડાઈમાં વિદ્રોહીઓનો એક નેતા સિંઘમ ચેટ્ટી માર્યો ગયો. એનું માથું કાપીને એમણે કોમેરીમાં જાહેર સ્થળે થાંભલે લટકાવી દીધું.
0x0x0