દક્ષિણના વિદ્રોહી પોલીગારોઃ કટ્ટબોમન
દક્ષિણ ભારતમાં વિજયનગરના સામ્રાજ્યના સ્થાપક કૃષ્ણદેવ રાય દીર્ઘદૃષ્ટિવાળા રાજવી હતા. કાબેલ વહીવટકર્તા તરીકે એમણે વિજયનગર સામ્રાજ્યને બસ્સો ભાગમાં વહેંચીને દરેકમાં એક નાયકની નીમણૂક કરી હતી. રાજાને લડાઈ વખતે સાધન-સરંજામ અને સૈનિકો પૂરા પાડવાની જવાબદારી નાયકોની રહેતી. નાયકો પણ થોડાં ગામોને એકઠાં કરીને એના ઉપર એક પળયક્કરાર (પોલીગાર) નીમતા. પોલીગાર મુખ્યત્વે ગામોમાં નિયમો પ્રમાણ કામ ચાલે તે જોતા. નિયમો એટલે પરંપરાઓ. આ પરંપરાઓ નાયક કે રાજા અથવા ગામનો કોઈ માણસ તોડતો હોય તો પોલીગાર એનો સામનો કરતા. રાજ્યના અધિકારીઓ સાથેના વિવાદમાં એ હિંમતથી લોકોની તરફેણ કરતા. કોઈ સ્થળે તો એવા પોલીગાર હતા કે જે રાજ્યને આપવાનું હોય તેટલું જ મહેસૂલ વસૂલ કરતા અને પોતાનો જીવનનિર્વાહ પોતાની જમીનની ઉપજમાંથી કરતા. આમ ઉત્તર ભારતના જાગીરદારો કરતાં એ જુદા પડતા હતા.
ઇ. સ ૧૭૦૦ના ઉત્તરાર્ધમાં અંગ્રેજોની દરમિયાનગીરી વધવા લાગી હતી. એમને પોલીગાર પદ્ધતિ આંખના કણાની જેમ ખૂંચતી હતી, એટલે એમણે સૌથી પહેલાં તો પોલીગારોને દબાવવાનાં પગલાં લીધાં. આમ તો, ઇ. સ. ૧૭૫૧થી જ એમણે પોલીગારો સામે લડવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ પોલીગારો પણ ગાંજ્યા જાય તેમ નહોતા. એમણે પોતપોતાના સંઘ બનાવીને અંગ્રેજોનો મુકાબલો કરવાનું શરૂ કર્યું.
પંજલમકુરિચિ અને ઍટ્ટાયાપુરમના પોલીગારો અંગ્રેજોના પહેલા હુમલામાં સફળ રહ્યા અને અંગ્રેજોએ ભાગવું પડ્યું પણ તે પછી અંગ્રેજોનાં ચડિયાતાં શસ્ત્રો અને સંખ્યા સામે એ હાર્યા. એ જ રીતે, તિરુનેલવેલીનો પોલીગાર પુલી તેવર એની બહાદુરી માટે જાણીતો હતો. અંગ્રેજોએ એના પર હુમલો કર્યો ત્યારે એની નાની સેનાએ એવો મરણિયો હુમલો કર્યો કે અંગ્રેજી ફોજ પોતાની શિસ્ત ભૂલી ગઈ અને ભાગી નીકળી. અંગ્રેજી ફોજ તિરુચિરાપલ્લી પહોંચી ત્યારે કલ્લણોએ રહ્યુંસહ્યું પુરું કરી દીધું.
પોલીગારોના સંગ્રામને પહેલો સ્વતંત્રતા સંગ્રામ કહે છે તે વ્યૂહ, સંગઠન શક્તિ અને કુનેહની નજરે જોઈએ તો ખોટું નથી. પોલીગારો અઠંગ લડવૈયા હતા. સામ, દામ, દંડ અને ભેદ – બધું લાગુ કરતાં એ અચકાતા નહીં. સૌના સમાન દુશ્મન સામે એ એકઠા થતા, અંગ્રેજોના પક્ષે જેમને ફોડી શકાય એમને લાંચ પણ આપતા, લડાઈમાં ઢીલા પડે તો સમજૂતી કરી લેતા અને પાછા જઈને સમજૂતીઓને ઠોકરે ચડાવતા. પરંતુ આ તો ઇ. સ. ૧૭૫૬ સુધીની વાત. ઇ. સ. ૧૭૯૯માં પોલીગારો ટીપુની સાથે હતા પણ ટીપુના મૃત્યુ સાથે અંગ્રેજોને છૂટો દોર મળી ગયો.
આની સામે પંજલમકુરિચિના પોલીગાર વીર પાંડ્ય કટ્ટબોમ્મને સક્રિય બનીને સંગઠન ઊભું કર્યું. ઇ. સ. ૧૭૯૮ના સપ્ટેમ્બરમાં ક્ટ્ટબોમ્મન તરફથી રકમ ઓછી આવી. કલેક્ટર જૅક્સને રેવેન્યુ બોર્ડને પત્ર લખીને આવા કટ્ટબોમ્મન અને એના જેવા બીજા પોલીગારોને સખત સજા કરવાનો અધિકાર માગ્યો. બોર્ડે એના પર વિચાર કરીને મંજૂરી ન આપી. જૅક્સને બીજી વાર ફરિયાદ કરી કે વીર પાંડ્ય એની સત્તાને કંઈ સમજતો નથી. તે પછી બોર્ડે કટ્ટબોમ્મનને બોલાવવાની છૂટ આપી. જેક્સને કટ્ટબોમ્મનને ૧૫ દિવસમાં પોતાની ઑફિસે આવવાનો હુકમ મોકલ્યો. કટ્ટબોમન રામનાડમાં કલેક્ટરની ઑફિસે પહોંચ્યો પણ કલેક્ટર જેક્સન એને નીચું દેખાડવા માગતો હતો એટલે તિરુનેલવેલી જિલ્લાના પ્રવાસે નીકળી ગયો હતો. વીર પાંડ્ય જ્યાં કલેક્ટર હોય તે ગામે પહોંચતો પણ જૅક્સન એને બીજા ગામે આવવાનું કહી દે. આમ કરતાં છેલ્લે રામનાડમાં જ મળવા કહ્યું. કટ્ટબોમ્મન ઑફિસે આવે તો એને કેદ કરી લેવાની જૅક્સનની મુરાદ હતી. કટ્ટબોમ્મન પોતાના વકીલ સાથે કલેક્ટરને મળવા આવ્યો ત્યારે એણે બન્નેને બેસવાની છૂટ ન આપી. ત્રણ કલાક ઊભા રહીને એને કેસ સમજાવ્યો ત્યારે નક્કી થયું કે ખંડણીની રકમ બહુ બાકી નથી. પરંતુ જૅક્સને એને કિલ્લો ન છોડવાનો હુકમ કર્યો. કટ્ટબોમ્મનનો એક મૂંગોબહેરો ભાઈ દૂરથી આ બધું જોતો હતો. એ સમજી ગયો કે કટ્ટબોમ્મન જોખમમાં છે. એણે ઈશારા કરીને લોકોને એકઠા કરી લીધા. બન્ને પક્ષો વચ્ચે ઝપાઝપી થઈ તેમાં કટ્ટબોમ્મન તો બહાર આવી ગયો પણ એનો એક સાથી ઘાયલ થયો હતો તે પકડાઈ ગયો. કંપનીનો એક લેફ્ટેનન્ટ પણ માર્યો ગયો.
આ ઘટનાથી ગવર્નર કલેક્ટર જૅક્સન પર ગુસ્સે થયો અને એને સસ્પેંડ કર્યો, કટ્ટબોમ્મનના સાથીને પણ કેદમાંથી મુક્ત કર્યો. આ દરમિયાન કટ્ટબોમ્મને બીજા પાંચ પોલીગારો સાથે મળીને સંઘ બનાવી લીધો હતો. હવે એમણે શિવગિરિ (કેરળ) પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પંજાલમકુરિચિ ખુલ્લા મેદાનમાં હતું અને શિવગિરિ પર્વતની તળેટીમાં હતું એટલે અહીં અંગ્રેજો હુમલો કરે તો મુકાબલો કરવાનું વધારે અનુકૂળ થાય એમ હતું.
ઇ. સ. ૧૭૯૯ના મે મહિનામાં અંગ્રેજી ફોજે ચારે બાજુથી હુમલો કર્યો. ઇ. સ. ૧૭૯૯ની ૧ સપ્ટેમ્બરે કંપનીના મેજરે કટ્ટબોમ્મનને સંદેશો મોકલીને હાજર થવાનું કહ્યું પણ કટ્ટબોમ્મને પરવા ન કરી. પાંચમી તારીખે અંગ્રેજી ફોજે કિલ્લાને ઘેરી લીધો. અંગ્રેજી ફોજના સરદાર મૅજર બૅનરમેને થોડા હથિયારધારીઓ સાથે એના વફાદાર રામલિંગમ મુદલિયારને કિલ્લામાં મોકલ્યો. એણે ત્યાં જઈને પોલીગારોને તાબે થઈ જવા કહ્યું પણ પોલીગારોએ ઘસીને ના પાડી દીધી. પરંતુ મુદલિયારે એમની એક નબળી કડી જોઈ લીધી. કિલ્લાના મુખ્ય દરવાજાની અંદરના બીજા દરવાજા પર વિદ્રોહીઓએ સંરક્ષણની કોઈ વ્યવસ્થા ગોઠવી નહોતી. વળી કિલ્લામાં માત્ર હજાર-બારસોથી વધારે માણસ નહોતા. એણે બૅનરમેનને આ સમાચાર આપ્યા. એણે લડાઈનો વ્યૂહ ગોઠવી દીધો. એક નાકું તોપથી ઉડાવી દીધું અને સૈનિકો અંદર ઘૂસી ગયા. પણ વિદ્રોહીઓએ એવો મરણિયો સામનો કર્યો કે અંગ્રેજી ફોજને પીછેહઠ કરવાની ફરજ પડી. એમણે બીજો પ્રયત્ન કર્યો પણ તેમાંય માર ખાધી. હવે એમણે વધારે કુમક મંગાવી. વિદ્રોહીઓએ કિલ્લો તૂટવાની અણીએ હતો એટલે ત્યાંથી નીકળી ગયા. આગળ જતાં કોલારપટ્ટી પાસે અંગ્રેજી ફોજ એમને સામે મળી. કેટલાયે વિદ્રોહીઓ માર્યા ગયા. વીર પાંડ્યનો નજીકનો સાથી શિવનારાયણ પિળ્ળૈ પકડાઈ ગયો પણ કટ્ટબોમ્મન અને બીજાઓ નાસી છૂટ્યા અને કાલાપુરના જંગલમાં ભરાઈ ગયા.
પરંતુ અંગ્રેજોના મિત્ર પુદુકોટ્ટૈના રાજા તોંડૈમને ચારે બાજુ પોતાના માણસો વિદ્રોહીઓને પકડવા ગોઠવી દીધા હતા. એમણે વીર પાંડ્યને પકડી લીધો અને એને અંગ્રેજોને હવાલે કરી દીધો.
મુકદમાનું ફારસ ભજવાયું અને બધાને મોતની સજા કરવામાં આવી. કટ્ટબોમ્મને પોતાનો ‘અપરાધ’ કબૂલ કર્યો અને કહ્યું કે એણે જ અંગ્રેજો વિરુદ્ધ લોકોને તૈયાર કર્યા હતા. અંગ્રેજોએ શિવનારાયણ પિળ્ળૈનું માથું કાપીને ગઢના કાંગરે લટકાવી દીધું. વીર પાંડ્યને બીજી એકાંત જગ્યાએ લઈ ગયા. કહે છે કે એને જ્યાં લટકાવવાના હતા તે ઝાડ નીચે એણે પોતાના મૂંગા-બહેરા ભાઈની ચિંતા દેખાડી અને એક જ અફસોસ કર્યો કે કિલ્લો છોડ્યો એ ભૂલ હતી; કિલ્લામાં લડતાં લડતાં મોત આવ્યું હોત તો સારું થયું હોત. તે પછી એ શાંતિથી ગાળિયામાં ઝૂલી ગયો.
એનાં બધાં કુટુંબીજનો જીવનભર જેલમાં જ સબડતાં રહ્યાં. એમની સંપત્તિ અંગ્રેજોના વફાદાર પોલીગારોએ અંદરોઅંદર વહેંચી લીધી. આમાં પુદુકોટૈના રાજા તોંડૈમન અને રામલિંગમ મુદલિયારની દગાબાજીને પણ ભૂલી ન શકાય.
કટ્ટબોમન, શિવ નારાયણ પિળ્ળૈ અને એમના વીર સાથીઓને નમન.
0-0-0-૦