India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-72

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૭૨ –  મુસ્લિમ લીગ અને કોંગ્રેસની સંમતિ

બીજી જૂનની સવારની મીટિંગમાં જ વાઇસરૉયે એ જ દિવસે મધરાત સુધીમાં પોતાના અભિપ્રાય જણાવી દેવા વિનંતિ કરી હતી. કોંગ્રેસ પ્રમુખ કૃપલાનીએ તો એ જ દિવસે પત્ર લખીને યોજનાનો સ્વીકાર કરી લીધો. પરંતુ જિન્નાએ કહ્યું હતું કે લીગના બંધારણ પ્રમાણે તેઓ પોતે કંઈ લખી ન શકે પરંતુ મૌખિક જવાબ આપી દેશે. એમણે પણ રાત પહેલાં જ મૌખિક સંમતિ આપી દીધી. પરંતુ આ પહેલાં નહેરુએ બ્રિટિશ યોજના વિશે એક મહત્ત્વનો સવાલ પૂછ્યો હતો: વાઇસરૉય શું ઇચ્છતા હતા- સંમતિ (Agreement) કે સ્વીકાર (Acceptance)? નહેરુએ કહ્યું કે સંમત થવું એ એક વાત છે અને સ્વીકાર કરવો તે બીજી વાત છે. તે પછી ત્રીજી તારીખે બધા નેતાઓએ રેડિયો પરથી બોલીને વાઇસરૉયની યોજનાનો સ્વીકાર કર્યો. આનો અર્થ એ હતો કે કોઈ પણ નેતા યોજના સાથે સંપૂર્ણ સંમત નહોતા પરંતુ સમાધાન તરીકે એનો સ્વીકાર કરતા હતા.

‘ભાગલા’નો અર્થ શો?

નહેરુએ કેટલાક મહત્ત્વના સૈદ્ધાંતિક સવાલ ઊભો કર્યા. નહેરુએ કહ્યું કે દેશના બે ભાગલા નથી થતા, માત્ર ઇંડિયામાંથી અમુક ભાગ કાપીને બીજી કોમને આપવામાં આવે છે. વાઇસરૉયે બ્રિટિશ સરકાર સમક્ષ આ સવાલ મૂક્યો એણે નહેરુનું અર્થઘટન સ્વીકારી લીધું. એનો અર્થ એ થયો કે જે ભાગને ‘હિન્દુસ્તાન’ તરીકે બ્રિટિશ સરકાર ઓળખતી હતી તે ભાગ બ્રિટિશ સરકારની અનુગામી સરકાર બની અને ‘ઇંડિયા’ નામ એની પાસે રહ્યું. ભારતની અંગ્રેજ હકુમતે કરેલી સંધિઓ પણ ભારતને વારસામાં મળી અને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પણ ભારતને સીધું જ સ્થાન મળ્યું.ભારતની આઝાદીની લડતનાં મૂલ્યોનો વારસો પણ ‘હિન્દુસ્તાન’ તરીકે ઓળખાતા ભાગને વારસામાં મળ્યો. ભારતમાંથી કપાયેલા ભાગની સરકાર બ્રિટિશ સરકારની અનુગામી ન હોવાથી ‘ઇંડિયા’ નામમાં એ ભાગીદાર ન બની શકી. જિન્નાનો મત હતો કે આ વિભાજન છે, એક ભાગ કપાઈને છૂટો નથી પડતો. જિન્ના આમ હિન્દુસ્તાન સાથે પાકિસ્તાનની બરાબરી માગતા હતા.માઉંટબૅટન માનતા હતા કે એને જે નામ આપો તે પ્રદેશો અને સંપત્તિનું તો વિભાજન કરવું જ પડશે. એમને લિયાકત અલી ખાન સાથે આ બાબતમાં ચર્ચા કરી. લિયાકત અલી ખાને ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે એમને નામમાં રસ નથી, કે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પણ તરત સ્થાન મળે એવી ઉતાવળ નથી. એમને સંપત્તિ અને સેનામાં બરાબર ભાગ પડે તેમાં જ રસ છે.

નહેરુએ એવી જ બીજી મહત્ત્વની માગણી કરી કે બ્રિટિશ સરકાર પાર્લામેન્ટમાં રજૂ કરવાનું બિલ તૈયાર કરે તે ભારતીય નેતાઓને પહેલાં વાંચવા મળવું જોઈએ. પણ બ્રિટનની સંસદીય પરંપરા અનુસાર એમ થઈ શકતું નહોતું. આમ છતાં, બ્રિટિશ કૅબિનેટે વિરોધ પક્ષની સંમતિથી બિલ વાંચવા આપવાનો નિર્ણય લીધો. તે પછી વાઇસરૉયના નિવાસસ્થાને કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓ ત્રણ દિવસ અને ત્રણ રાત બિલ વાંચતા રહ્યા. નહેરુની માગણી પરથી ગાંધીજીને પણ બિલ વાંચવાની છૂટ અપાઈ.

આના પછી પણ કલકત્તા પર બન્ને ડોમિનિયનોનું સહિયારું નિયંત્રણ રાખવું, પશ્ચિમ પાકિસ્તાનમાંથી પૂર્વ પાકિસ્તાનમાં જવા માટે કોરિડોર ફાળવવો, એવી માગણીઓ જિન્ના ઊભી કરતા રહ્યા પણ માત્ર કોંગ્રેસ નહીં, વાઇસરૉયે પણ એના પર ગંભીરતાથી ધ્યાન ન આપ્યું.

મુસ્લિમ લીગની સંમતિ

નવમી જૂને દિલ્હીમાં મુસ્લિમ લીગની કાઉંસિલે દિલ્હીમાં મીટિંગ કરીને બ્રિટિશ સરકારની યોજનાનો ‘બાંધછોડ’ (compromise) તરીકે સ્વીકાર કર્યો. પંજાબ અને બંગાળના ભાગલા પાડવાના નિર્ણયની લીગે ટીકા કરી. જિન્નાએ કહ્યું કે “મેં મારું કામ પૂરું કર્યું છે, હવે તમારે પાકિસ્તાન બનાવવાનું છે. યાદ રાખજો કે એ મુલ્કી સરકાર હશે, લશ્કરી નહીં, એટલે એમાં તમારે ખરા દિલથી પ્રયત્નો કરવાના છે.

જિન્નાના ટૂંકા ભાષણમાં મૌલાના હસરત મોહાનીએ વારંવાર વચ્ચે બોલીને ખલેલ પાડી. એમણે બ્રિટિશ યોજનાનો જિન્નાએ સ્વીકાર કરી લીધો તેની સખત શબ્દોમાં ટીકા કરી. તે પછી લિયાકત અલી ખાને યોજનાનો સ્વીકાર કરવાનો ઠરાવ રજૂ કર્યો તેના પર આઠ સભ્યો બોલ્યા. છ સભ્યોએ ઠરાવને ટેકો આપ્યો પણ બે સભ્યોએ એનો વિરોધ કર્યો. બંગાળના પ્રતિનિધિ અબ્દુર રહીમે બંગાળના ભાગલાનો વિરોધ કર્યો. એમણે કહ્યું કે કલકત્તા વિભાજનમાં જશે તો જ્યાં સુધી ચિત્તાગોંગ બંદરનો વિકાસ ન થાય ત્યાં સુધી પાકિસ્તાનને ભારે હાલાકી ભોગવવી પડશે.

યુક્ત પ્રાંતના ઝેડ. એચ. લારીએ ભાગલાની યોજનાનો સજ્જડ વિરોધ કર્યો. એમણે કહ્યું કે લીગે પહેલાં ૧૬મી મેના નિવેદનનો સ્વીકાર કર્યો અને પછી, “અમને આસામ જોઈએ” એમ કહીને એને ઠોકરે ચડાવ્યું. હવે આસામ તો આપણે ખોઈ જ દીધું, ઉલ્ટું, પંજાબ અને બંગાળનો મોટો ભાગ પણ ખોવા બેઠા છીએ ત્યારે મારા સાથીઓ આ નવી યોજનાને કેમ મંજૂર રાખી શકે છે તે મને સમજાતું નથી. લારીએ મુસ્લિમ લીગના પણ બે ભાગ કરવાની માગણી કરી કે હિન્દુઓની બહુમતીવાળા ભાગમાં મુસલમાનો માટે જુદી મુસ્લિમ લીગ જરૂરી છે.

બીજા દિવસે લીગે વાઇસરૉયને આ ઠરાવ મોકલી આપ્યો.

કોંગ્રેસની મંજૂરી

૧૪મી અને ૧૫મી જૂને દિલ્હીમાં AICCની મીટિંગ ત્રીજી જૂનની યોજનાની ચર્ચા કરવા માટે મળી. પંડિત ગોવિંદ વલ્લભ પંતે વર્કિંગ કમિટીએ મંજૂર કરેલો ઠરાવ રજૂ કર્યો અને મૌલાના અબૂલ કલામ આઝાદે એને અનુમોદન આપ્યું. ઠરાવ પર ૧૩ સુધારા રજૂ થયા હતા પરંતુ પ્રમુખ કૃપલાનીએ આઠ સુધારા તો એમ કહીને રદ કર્યા કે એ મૂળ ઠરાવથી તદ્દન ઉલ્ટા છે. ઠરાવમાં કોંગ્રેસે બ્રિટિશ યોજનાનો સ્વીકાર કર્યો અને કહ્યું કે મુસ્લિમ લીગે ૧૬મી મેની કૅબિનેટ મિશનની યોજના ન સ્વીકારી, એ ઍસેમ્બ્લીમાં કે બંધારણ સભામાં પણ ન આવી. લીગને અલગ જ થવું હતું. આ સંજોગોમાં કોઈને દબાવીને સાથે રાખી ન શકાય એટલે ત્રીજી જૂનની યોજનામાં લોકોનો અભિપ્રાય જાણવાની વ્યવસ્થા હોવાથી કોંગ્રેસે એનો સ્વીકાર કર્યો છે. આ યોજનાની કારણે અમુક પ્રદેશો અલગ થશે તે બદલ AICCએ અફસોસ જાહેર કર્યો.

દરમિયાન, ઘણાં દેશી રાજ્યોએ બંધારણસભામાં જોડાવાનો નિર્ણય લીધો હતો તેને કોંગ્રેસે આવકાર આપ્યો. એને લગતા ઠરાવમાં કોંગ્રેસે કહ્યું કે બ્રિટને પોતાની સર્વોપરિતાનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે તે સાથે એનું અર્થઘતન એવું કર્યું છે કે રાજ્યો સ્વતંત્ર થઈ ગયાં, પણ કોંગ્રેસને આ અર્થઘટન મંજૂર નથી કારણ કે સર્વોપરિતા હેઠળ બ્રિટને રાજ્યોની સુરક્ષાના અધિકારો પોતાના હાથમાં લઈ લીધા હતા અને આખા ભારતને એક એકમ ગણીને સુરક્ષાની વ્યવસ્થા કરી હતી. રાજ્યોના ભવિષ્ય અંગેની કોઈ પણ ચર્ચામાં આ પાસાની ઉપેક્ષા ન કરી શકાય.

કૃપલાનીનો સવાલઃ હું આજે ગાંધીજી સાથે શા માટે નથી?

કોંગ્રેસ પ્રમુખ આચાર્ય કૃપલાની ગાંધીજી સાથે છેક ૧૯૧૭માં ચંપારણ સત્યાગ્રહ વખતે જોડાયા. ગાંધીજી ભાગલાની વિરુદ્ધ હતા અને કોમી દાવાનળ હોલવવા મથતા હતા, તો કૃપલાની કોંગ્રેસ પ્રમુખ તરીકે ભાગલાના સમર્થક હતા. એમણે આ વાતનો ઉલ્લેખ કરતાં ગાંધીજીનાં કાર્ય અને પ્રભાવની સમીક્ષા કરી. એમણે કહ્યું કે મેં નોઆખલીમાં જોયું કે ગાંધીજીની અસરથી સ્થિતિ હળવી બની. એવું જ બિહારમાં થયું. આ બધા કરપીણ બનાવોની મારા પર અસર પડી છે અને હું માનતો થઈ ગયો છું કે ભાગલા જરૂરી છે. હું ગાંધીજી સાથે ઘણી વાર અસંમત થયો છું, પણ એ વખતે પણ મેં માન્યું છે કે એમની રાજકીય કોઠાસૂઝ મારા તર્કબદ્ધ વિચાર કરતાં વધારે સાચી હોય છે. એમનામાં અપ્રતિમ નિર્ભયતા છે, પરંતુ આજે હિંસા એ સ્તરે પહોંચી છે કે એક વાર જે પાશવી ઘટના બની હોય તે આગળ જતાં નવાં રમખાણોની સામાન્ય ઘટના બની જાય છે અને વધારે ને વધારે ગોઝારાં કૃત્યો થાય છે. ગાંધીજી કહે છે કે બિહારમાં રહીને તેઓ આખા હિન્દુસ્તાનની કોમી સમસ્યાનો ઉકેલ શોધે છે. પણ તે પછી પંજાબમાં આજે કોમી આગ લાગી છે, તેના પર કંઈ અસર દેખાતી નથી. આનું કારણ એ કે હજી ગાંધીજી સામુદાયિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ શોધી શક્યા નથી અને અંધારામાં અથડાય છે.

કૃપલાનીએ કહ્યું કે ભાગલાથી કોમવાદી હિંસા અટકશે નહીં એવું ઘણાને લાગે છે. આવો ભય સાચો પણ હોય, અને ખોટો પણ હોય. પરંતુ આજની હાલતમાં તો ભાગલા જ ઉપાય દેખાય છે.

ગાંધીજીનું સંબોધન

કોંગ્રેસે AICCની બેઠકમાં ગાંધીજીને ખાસ આમંત્ર્યા હતા. ગાંધીજીએ સભ્યોને વર્કિંગ કમિટીના ઠરાવને મંજૂર રાખવા અને એમાં સુધારા ન સુચવવા અપીલ કરી. એમણે કહ્યું કે ઠરાવને સ્વીકારવા કે નકારવાનો AICCને અધિકાર છે, પણ આ યોજના સાથે બીજા બે પક્ષો, મુસ્લિમ લીગ અને બ્રિટિશ સરકાર પણ છે. AICCને એમ લાગે કે યોજનાથી કોંગ્રેસના વલણને નુકસાન થાય તેમ છે તો આ ઠરાવ ઉડાડી દેવો જોઈએ, પણ એનો અર્થ એ થાય કે ઠરાવનો વિરોધ કરનારાઓએ નવા નેતાઓ શોધવા પડશે, જે તમે ધારો છો તેમ કરી શકે. ગાંધીજીએ રજવાડાંઓની વાત કરતાં કહ્યું કે કોંગ્રેસે સ્વતંત્રતાની વાત કરી છે ત્યારે માત્ર બ્રિટિશ ઇંડિયા માટે નહીં, આખા દેશની સ્વતંત્રતાની વાત કરી છે. દેશી રાજ્યોની પ્રજાઓ પણ એમાં આવી જાય છે અને રાજાઓએ સમજવું જોઈએ કે સ્વતંત્રતા આવે છે.

પંજાબ અને બંગાળની ઍસેમ્બ્લીઓમાં ભાગલાને મંજૂરી

બંગાળ ઍસેમ્બ્લીમાં કોંગ્રેસ સહિતના ૫૮ સભ્યોએ ભાગલાની તરફેણ કરી અને ૨૧ સભ્યો વિરોધમાં રહ્યા. કોંગ્રેસના સભ્યો ઉપરાંત ચાર ઍંગ્લો-ઇંડિયનો, બે કમ્યુનિસ્ટો અને એક ભારતીય ખ્રિસ્તી તેમ જ હિન્દુ મહાસભાના ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીએ કોંગ્રેસની સાથે મત આપ્યો. યુરોપિયન સભ્યો તટસ્થ રહ્યા. મુસ્લિમ સભ્યોએ બંગાળના ભાગલાની વિરુદ્ધ અને મુસ્લિમ બહુમતી પ્રાંત તરીકે આખા બંગાળને પાકિસ્તાનની બંધારણ સભામાં સામેલ કરવા માટે મત આપ્યો.

પંજાબ ઍસેમ્બ્લીમાં પશ્ચિમ અને પૂર્વ પંજાબના પ્રતિનિધિઓની સંયુક્ત બેઠક મળી. ૯૧ સભ્યોએ નવી બંધારણ સભા માટે અને ૭૭ સભ્યોએ હાલની બંધારણ સભા માટે મત આપ્યા. નવી બંધારણ સભા માટે મત આપનારામાં ૮૮ મુસ્લિમ સભ્યો, બે ઍમ્ગ્લો-ઇંડિયનો અને એક ભારતીય ખ્રિસ્તી હતા. હાલની બંધારણસભામાં પંજાબ પ્રાંતને રાખવાની તરફેણ કરનારામાં હિન્દુઓ, શીખો અને શિડ્યૂલ્ડ કાસ્ટના સભ્યો હતા.

આવતા અંકમાં વાયવ્ય સરહદ પ્રાંત અને બલુચિસ્તાનની વાત.

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register Jan-June 1947 Vol. 1

%d bloggers like this: