India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-71

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૭૧ – 3 જૂનઃ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ ભાગલાનો સ્વીકાર કરે છે.

આ બધાં વચ્ચે વાઇસરૉયે જવાહરલાલ નહેરુ, મહંમદ અલી જિન્ના, સરદાર વલ્લભભાઈ પટેલ, લિયાકત અલી ખાન અને સરદાર બલદેવ સિંઘને મેની ૧૭મી તારીખે બ્રિટિશ સરકારે તૈયાર કરેલી ભાગલાની યોજના સમજવા અને એની ચર્ચા કરવા નોતર્યા. પરંતુ લંડનમાં પાર્લામેન્ટમાં રીસેસ હતી એટલે તરત જ વાઇસરૉયે નવી તારીખ સાથે આમંત્રણ મોકલ્યું. હવે નેતાઓની બેઠક જૂનની બીજીએ મળવાની હતી.

દરમિયાન વાઇસરૉયે લંડન જઈને ત્યાં સરકારના નેતાઓ અને વિરોધ પક્ષના નેતા ચર્ચિલ સાથે ભારતને આઝાદી આપવાની યોજનાની ચર્ચા કરી. ચર્ચિલ ભારતને આઝાદી આપવાથી વિરુદ્ધ હતો અને મુસ્લિમ લીગનો મિત્ર હતો, એ તો આપને હવે જાણીએ છીએ પરંતુ, માઉંટબેટન માટે એને અંગત રીતે માન હતું. બ્રિટન સરકારે પણ ચર્ચિલની સંમતિ મેળવવાનું કામ પણ માઉંટબૅટનને જ સોંપ્યું. ચર્ચિલને સખત સળેખમ હોવાથી માઉંટબૅટન એને મળવા સીધા બેડરૂમમાં જ પહોંચ્યા. એમને જોઈને ચર્ચિલે દીવાલ તરફ મોઢું ફેરવી લીધું. માઉંટબૅટન બોલતા રહ્યા. જ્યારે એમણે કહ્યું કે બે સ્વતંત્ર રાજ્યોને ડોમિનિયન સ્ટેટસ અપાશે, ત્યારે, છેવટે ચર્ચિલ એમના તરફ ફર્યો અને સળેખમથી ભારે થઈ ગયેલા અવાજમાં કહ્યું કે કંઈ નહીં તો, એમને કૉમનવેલ્થમાં તો રાખો અને સરહદી પ્રાંતોનું ધ્યાન રાખો. એનો અર્થ એ કે ચર્ચિલે સ્વીકારી લીધું હતું કે હવે ભારતને આઝાદી આપવાનું ટાળી શકાય તેમ નથી. એ કૉમનવેલ્થમાં રહે તોય ઘણું. બ્રિટન હસ્તકનાં અર્ધ-સ્વતંત્ર, ડોમિનિયન રાજ્યો માટે જ કૉમનવેલ્થ હતું. ભારત સંપૂર્ણ આઝાદી પછી પણ કૉમનવેલ્થમાં રહ્યું, પણ સમોવડિયા મિત્ર તરીકે ચર્ચિલનો જવાબ સાંભળીને માઉંટબૅટનને શાંતિ થઈ. ચર્ચિલે મંજૂરી આપી દીધી હતી! હવે ભારત આવીને અહીંના નેતાઓ સાથે વાત કરવાની હતી.

પણ માઉંટબેટન દિલ્હી પાછા આવ્યા ત્યારે જિન્ના બંગાળના ભાગલાની વિરુદ્ધ જોરશોરથી પ્રચાર કરતા હતા. એમને ઠંડા કરવા માટે માઉંટબૅટને એમને મળવા બોલાવ્યા. વાતવાતમાં એમણે જિન્નાને ચર્ચિલની સંમતિનો પત્ર દેખાડ્યો. જિન્નાનો છેલ્લો આશરો પણ પડી ભાંગ્યો અને એમણે બંગાળના ભાગલા સ્વીકારી લીધા.

વાઇસરૉય સાથે નેતાઓની બેઠક

બીજી જૂન, સોમવારે વાઇસરૉયના નિવાસ સ્થાને કોંગ્રેસ અને લીગના ત્રણ-ત્રણ પ્રતિનિધિઓ મળ્યા. માઉંટબૅટને એમને બ્રિટિશ સરકારની યોજના દેખાડી. મીટિંગ બે કલાક ચાલી તે પછી બીજા દિવસે ત્રીજી તારીખે મળવાનું નક્કી થયું. તે પછી અખબારજોગી યાદીમાં વાઇસરૉયની ઑફિસે જાણ કરી કે પરિષદ પછી જિન્ના વાઇસરૉય સાથે વીસ મિનિટ વાત કરતા રહ્યા. સાડાબારે ગાંધીજી વાઇસરૉયને મળ્યા. બીજા દિવસે ત્રીજીએ સાંજે વાઇસરૉય ચાર વાગ્યે રાજાઓને મળવાના હતા. અખબારી યાદીમાં જણાવ્યું હતું કે સાંજે સાત વાગ્યે વાઇસરૉયનું સંબોધન ઑલ ઇંડિયા રેડિયોનાં બધાં સ્ટેશનો પરથી પ્રસારિત થશે અને તે પછી નહેરુ, જિન્ના અને સરદાર બલદેવ સિંઘ પણ દેશની જનતાને રેડિયો દ્વારા સંબોધન કરશે. ચોથી જૂને વાઇસરૉય સવારે દસ વાગ્યે પ્રેસ કૉન્ફરન્સમાં બોલશે.

બીજી જ તારીખે રાતે કોંગ્રેસ અને લીગે પોતપોતાની વર્કિંગ કમિટીઓની તાકીદની બેઠકો બોલાવી. કોંગ્રેસે મધ્ય જૂનમાં AICCની મીટિંગ બોલાવવાનો નિર્ણય કર્યો અને લીગની કાઉંસિલની બેઠક નવમી જૂને બોલાવવાનું નક્કી થયું.

મંગળવાર, ત્રીજી જૂને દસ વાગ્યે નેતાઓ ફરી વાઇસરૉયના નિવાસ સ્થાને એકઠા થયા અને બે કલાક ચર્ચા કરી. કોંગ્રેસ વતી નહેરુ અને, શીખો વતી સરદાર બલદેવ સિંઘે ભાગલાની યોજનાનો સ્વીકાર કર્યો. જિન્નાએ પણ સ્વીકાર કર્યો પણ મોઢેથી બોલીને નહીં, એમણે માત્ર હકારમાં માથું હલાવ્યું.

વાઇસરૉયનું સંબોધન

એ સાંજે વાઇસરૉયે સત્તાના હસ્તાંતરણની યોજના રેડિયો દ્વારા જાહેર કરી. યોજના આ પ્રમાણે હતીઃ બે લેજિસ્લેટિવ ઍસેમ્બ્લીઓની રચના, બંગાળ અને પંજાબના ભાગલા અને વાયવ્ય સરહદ પ્રાંતમાં લોકમત દ્વારા નિર્ણય. બ્રિટન સરકારે એ પણ જાહેર કર્યું કે ભાગલાની યોજના હોવા છતાં બન્ને કોમો સંયુક્ત ભારત માટે મંત્રણાઓ કરવા માગતી હોય તો એમને રોકવામાં નહીં આવે.

વાઇસરૉયે પોતાના ભાષણમાં કહ્યું કે ભારતના નેતાઓ સાથેની વાટાઘાટોમાં મારો પ્રયત્ન એ રહ્યો કે બધા ભારતીયો એક સાથે જ રહે. કેબિનેટ મિશનની ૧૬મી મેની યોજનામાં આ જ ભાવના હતી. પરંતુ મને અફસોસ છે કે કેબિનેટ મિશનની યોજના જ નહીં ભારત સંયુક્ત રહે તેવી બીજી કોઈ પણ દરખાસ્ત વિશે બધા એકમત થઈ શક્યા નથી. પરંતુ કોઈ મોટી કોમની એક પ્રદેશમાં ભારે સંખ્યા હોય પરંતુ બહુમતી ન હોય તેમ છતાં, પરાણે બીજી કોમની બહુમતીવાળી સરકાર હેઠળ રાખવાનો સવાલ જ નહોતો.

જિન્નાએ ભારતના ભાગલાની માગણી કરી ત્યારે કોંગ્રેસ એમની જ દલીલનો ઉપયોગ કરીને અમુક પ્રાંતોના વસ્તીના આધારે ભાગલા કરવાની માગણી કરી, અને આ દલીલને નકારી શકાય તેમ નહોતું. માઉંટબૅટને શીખોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે એમણે પોતે જ ભાગલાનો સ્વીકાર કર્યો છે, પરંતુ એ પંજાબમાં બધી જગ્યાએ વીખરાયેલા છે એટલે કોમનું પણ વિભાજન થશે.

જવાહરલાલ નહેરુ

માઉંટબૅટન પછી નહેરુ બોલ્યા. એમણે નવ મહિનાની પોતાની વચગાળાની સરકારનાં કામોનો ઉલ્લેખ કર્યો અને એ વખતે પણ ધ્યેય તો સરકાર બનાવવાનું નહોતું પણ સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનું હતું. દેશની કરોડોની જનતાની ગરીબાઈની ચર્ચા કર્યા પછી એમણે કહ્યું કે આજે એક ઐતિહાસિક ઘડી આવી પહોંચી છે. હું દેશની આઝાદી માટેની યોજનાનો સ્વીકાર કરવા કહું છું તે કંઈ ખુશીથી નહીં, પરંતુ એટલા માટે, કે મને લાગે છે કે એ જ એક માત્ર સાચો માર્ગ છે. આપણે સંયુક્ત ભારતની વાત કરતા હતા તેમાઅં કોઈ જાતનું દબાણ કે ફરજિયાત કરવાનું નહોતું; એવું ભારત જોઈએ કે એમાં દરેક જણ પોતાની મુક્ત ઇચ્છાથી જોડાય. એમણે ગાંધીજીના આશીર્વાદ માગ્યા અને લૉર્ડ માઉંટબૅટને પદ સંભાળવાની સાથે હૃદયપૂર્વક પ્રયાસો કર્યા તેની પ્રશંસા કરી.

મહંમદ અલી જિન્ના

જિન્ના રેડિયો પરથી પહેલી વાર બોલતા હતા. એમણે એ વાતનો ખાસ ઉલ્લેખ કર્યો અને આશા દર્શાવી કે બિનસરકારી વ્યક્તિઓને ભવિષ્યમાં આવા વધારે મોકા મળતા રહેશે. જિન્નાએ કહ્યું કે સ્વતંત્રતાની યોજના પર આપણે જવાબદારીની ભાવનાથી ગંભીર વિચાર કરવો પડશે. આ યોજનામાં આપણા દૃષ્ટિકોણથી ઘણી ખામી છે પરંતુ એને બાંધછોડ તરીકે સ્વીકારવી કે સમાધાન તરીકે, એ આપણે વિચારવાનું છે.

સરદાર બલદેવ સિંઘ

શીખોના પ્રતિનિધિ સરદાર બલદેવ સિંઘે કહ્યું કે આ બાંધછોડ નથી, સમાધાન છે. એ ભલે કોઈને પણ સંપૂર્ણ રીતે સંતોષ નહીં આપી શકે, અને શીખ કોમનું પણ વિભાજન થશે. પરંતુ કંઈ હાંસલ થયું છે, અને આપણે આ યોજના એ જ ભાવનાથી જ સ્વીકારવી જોઈએ.

બીજા પ્રત્યાઘાતો

એ જ રાતે માસ્ટર તારા સિંઘે નિવેદન બહાર પાડીને કહ્યું કે બ્રિટિશ સરકારની યોજના નિરાશાજનક છે. પંજાબના ભાગલાનો વાઇસરૉયે સ્વીકાર કર્યો તેની એમણે પ્રશંસા કરી, પરંતુ ઉમેર્યું કે હવે ભાગલા કઈ રીતે થાય છે તેના પર બધો આધાર છે. માસ્ટર તારા સિંઘે કહ્યું કે બાઉંડરી કમિશનનો રિપોર્ટ આવી ગયા પછી જ નક્કી થઈ શકશે કે શીખો આ યોજનાઅનો સ્વીકાર કરે છે કે નહીં.

હિન્દુ મહાસભાએ કહ્યું કે દેશનું વિભાજન નહીં થાય એવું કોંગ્રેસે હિન્દુઓને વચન આપ્યું હતું પણ હવે ભાગલાનો સ્વીકાર કરીને દેશને દગો દીધો છે. હિન્દુ મહાસભાએ હિન્દુઓને ચેતવ્યા કે જો તેઓ સમર્થ હિન્દુ રાષ્ટ્રની રચના નહીં કરે તો જે કંઈ બચ્યું છે તે પણ ખોવાનો વારો આવશે.

સોશ્યલિસ્ટ પાર્ટીની નૅશનલ ઍક્ઝીક્યૂટિવે દસમી જૂનની એક મીટિંગમાં ઠરાવ પસાર કરીને ભાગલાની યોજનાનો વિરોધ કર્યો અને કહ્યું કે આવો મોટો નિર્ણય લેવાયો હોવા છતાં લોકોમાં આશ્ચર્ય કે આઘાતની લાગણી નથી, ધીમે ધીમે એવાં પગલાં લેવાતાં ગયાં કે ભાગલા અનિવાર્ય બની ગયા. લોકોએ એનો અનિવાર્ય પરિણામ જેમ સ્વીકાર કરી લીધો છે. કોંગ્રેસના નેતાઓ કોઈ મક્કમ વલણ લેવામાં ઢચુપચુ રહ્યા અને શરણે થતા રહ્યા. પક્ષે કહ્યું કે હજી પણ ભાગલા ન થાય એવા પ્રયાસો ચાલુ રાખવા જોઈએ.

નવમી જૂને મુસ્લિમ લીગે અને ચૌદમી જૂને કોંગ્રેસે ભાગલાની યોજનાને મંજૂરી આપી દીધી. આ બેઠકોની અને વાયવ્ય સરહદ પ્રાંતના લોકમતને લગતી વિગતો આવતા અઠવાડિયે… અને આપણા રાજાઓની વાત પણ કરવાની છે. હજી તો આઝાદી દોઢ મહિનો દૂર છે!

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register Jan-June 1947 Vol I

The Shadow of the Great Game: The untold story of India’s partition. Narender Singh Sarila (Lord Mountbatten’s Aide-de-camp)

%d bloggers like this: