india-slavery-and-struggle-for-freedom-part-4-chapter-69

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૬૯ – માઉંટબૅટનનું આગમન

૧૯૪૭ની ૨૨મી માર્ચે લૉર્ડ માઉંટબૅટન દિલ્હી આવતાં એમનું ભવ્ય સ્વાગત થયું. એ વાઇસરૉય બન્યા તે પહેલાં જ સંજોગો એવા ઊભા થયા હતા કે ૧૯૪૬માં જ એ નહેરુને મળી ચૂક્યા હતા અને બન્ને વચ્ચે મિત્ર બની ગયા હતા. ૧૯૪૬માં નહેરુ બર્મા અને મલાયાની મુલાકાતે જવા માગતા હતા. હજી એ વચગાળાના વડા પ્રધાન નહોતા બન્યા. વેવલે નહેરુને મુલાકાતની મંજૂરી આપવા બર્માની નવી સરકારને લખ્યું પણ એણે વૅવલની વિનંતિ ઠુકરાવી દીધી. તે પછી વૅવલે માઉંટબૅટનની મદદ માગી. માઉંટબૅટને એ વખત સુધીમાં બર્માના સ્થાનિક નેતાની સત્તા સોંપી દીધી હતી એટલે એમણે જવાબ આપ્યો કે નહેરુ સિંગાપુર અને મલાયા આવે તો વ્યવસ્થા થઈ શકે. સિંગાપુરમાં પણ સરકારે કડકાઈ દેખાડી અન હિન્દુસ્તાની ફોજીઓને નહેરુ સિંગાપુરમાં હોય ત્યાં સુધી બહાર ન નીકળવાનો હુકમ આપ્યો અને વાહન આપવાનો પણ ઇનકાર કર્યો. માઉંટબૅટન એ વખતે ફ્રેન્ચ હિન્દીચીનમાં બ્રિટિશ લશ્કરી ટુકડીઓની સ્થિતિ જોવા ગયા હતા. એમણે પાછા આવીને સ્થાનિક સત્તાવાળાઓની પરવા કર્યા વિના હિન્દુસ્તાની ફોજને નહેરુને જોવા માટે રસ્તા પર એકઠા થવાની છૂટ આપી, એટલું જ નહીં મિલિટરી વાહનની સુવિધા પણ આપી.

સિંગાપુરમાં એ વખતે હિન્દુસ્તાની સૈનિકો માટેનું વેલ્ફેર સેંટર ચાલતું હતું અને માઉંટબૅટનનાં પત્ની ઍડવિના ત્યાં કામ કરતાં હતાં. નહેરુ અને માઉંટબૅટન જ્યારે ખુલ્લા વાહનમાં બેસીને સેંટર પર પહોંચ્યા ત્યારે નહેરુને જોવા માટે પડાપડી થવા લાગી અને લોકોનો જાણે સમુદ્ર ઊછળતો હતો. ભારે ગિરદી વચ્ચે એડવિના ફસાઈ ગયાં અને ધક્કામુક્કીમાં પડી ગયાં. તરત આગળ નહેરુ અને પાછળ માઉંટબૅટન, બન્ને ભાગ્યા અને પડતાઆખડતા માણસો વચ્ચેથી ઍડવિનાને હેમખેમ બહાર કાઢ્યાં. આ ઘટનાને કારણે માઉંટબૅટન નહેરુની હિંમતથી બહુ પ્રભાવિત થઈ ગયા અને બન્ને મિત્ર બની ગયા.

આમ, માઉંટબૅટન અમુક માનસિક તૈયારી સાથે આવ્યા હતા. માઉંટબૅટન બ્રિટનના રાજાને મળ્યા અને પોતાની રૅંક જળવાઈ રહેશે એવી ખાતરી મળ્યા પછી એમણે ઍટલીને કહ્યું કે હું ભારતમાં જે કંઈ નિર્ણય લેવા પડે તે બ્રિટિશ સરકારની આગોતરી મંજૂરી વિના લઈશ. ઍટલી તૈયાર થઈ ગયા. આમ માઉંટબૅટન બ્રિટિશ સરકારના તાબેદાર નોકર તરીકે નહીં પણ સમોવડિયા તરીકે ભારત આવ્યા. એમણે પોતાની પસંદગીના લશ્કરી અને નાગરિક અધિકારીઓને જ લીધા. ભારત આવ્યા પછી વી. પી. મેનનના કામથી પ્રભાવિત થઈને એમને પણ પોતાના અંગત સ્ટાફમાં સમાવી લીધા. મેનન ત્યાંથી આગળ વધ્યા અને માઉંટબૅટનના સ્ટાફમાં રિફૉર્મ કમિશનરના પદ સુધી પહોંચ્યા. દેશમાં વચગાળાની સરકાર બની તે પછી મેનનની પ્રતિષ્ઠા લંડનમાં સરકારી વર્તુળોમાં સ્થાપિત થઈ ગઈ હતી. આગળ જતાં, આઝાદી પછી સરદાર પટેલ ગૃહ પ્રધાન બન્યા ત્યારે એમણે પણ મેનનને લીધા. દેશી રાજ્યોના વિલીનીકરણમાં મેનનની ભૂમિકા નાની નથી.

દિલ્હી પહોંચીને માઉંટબૅટન વૅવલને મળ્યા અને બીજા દિવસે પદના સોગંદ લીધા; તે સાથે જ એમણે કામ શરૂ કરી દીધું. સૌથી પહેલું કામ વિચિત્ર હતું. એક કેદીએ ફાંસીની સજા માફ કરવાની અરજી આપી હતી તેનો નિકાલ કરવાનો હતો. એમણે એ અરજી નકારી કાઢી અને ફાંસીની સજા મંજૂર રાખી!

હવે માઉંટબૅટને ભારતના નેતાઓને મળવાનું શરૂ કર્યું. એમણે પહેલાં તો મહાત્મા ગાંધી અને જિન્નાને મળવાનું આઅમંત્રણ આપ્યું. ગાંધીજી વખતે બિહારના રમખાણગ્રસ્ત વિસ્તારોમાં ફરતા હતા. ત્યાંથી એ દિલ્હી પાછા ફર્યા. ૩૧મી માર્ચે ગાંધીજી અને માઉંટબેટન મળ્યા. એ દિવસે સોમવાર, ગાંધીજીનો મૌનવાર હતો! માઉંટબૅટન આ મુલાકાત વિશે લખે છેઃ “ગાંધી, અલબત્ત, ભાગલા અને એના પરિણામે બે કોમોની એકતામાં પડનારા ગાબડાના વિચારથી ભાંગી પડ્યા હતા અને કેબિનેટ મિશનની યોજનાની વિરુદ્ધ ઉપદેશ આપતા હતા; એક વર્ષ પહેલાં એમણે પોતે પણ આ યોજનાને નકારી કાઢી હતી. મેં એમને આ બાબતમાં સ્પષ્ટતા કરવા માટે મને જલદી મળવા કહ્યું. એ મારા સ્ટડી રૂમમાં આવ્યા ત્યારે મારા સુખદ આશ્ચર્યની કલ્પના કરો. એ આવ્યા, એમની આંગળી હોઠો પર હતી, એ સંકેત હતો કે એમનો મૌનવાર હતો. એટલે બોલવાનું બધું કામ મેં કર્યું અને બધા પક્ષો સાથે થયેલી સમજૂતીને તોડી ન પાડવા મને સમજાવ્યા. એમણે જવાબમાં વપરાયેલાં કવરોની પાછળ થોડા દોસ્તીભર્યા જવાબો આપ્યા”.

જો કે ગાંધીજી બીજા જ દિવસે ફરી માઉંટબૅટનને મળવા ગયા અને ચોથી ઍપ્રિલ સુધીમાં પાંચ વાર મળ્યા. તે પછી પાંચમી તારીખથી માઉંટબૅટન અને જિન્ના વચ્ચે મંત્રણાની બેઠકો શરૂ થઈ. પાંચમીથી દસમી તારીખ સુધીમાં જિન્ના અને માઉંટબૅટન છ વાર મળ્યા.

જિન્નાને સત્તા સોંપો

ગાંધીજી માઉંટબૅટનને બીજી વાર પહેલી તારીખે મળ્યા ત્યારે સૂચવ્યું કે જિન્ના નવી વચગાળાની સરકાર બનાવે અને વાઇસ્સરૉય છેવટે બધી સત્તા એમના હાથમાં સોંપી દે તો જ હિન્દુસ્તાનની સમસ્યાનો ઉકેલ આવે તેમ છે.નવી કૅબિનેટમાં જિન્નાને યોગ્ય લાગે તેને લે, બધા જ મુસ્લિમ લીગના સભ્યો હોય તો પણ ચાલશે. ઍસેમ્બ્લીમાં કોંગ્રેસની બહુમતી છે તે એમને ખરા હૃદયથી સહકાર આપશે. જિન્નાને આ મંજૂર ન હોય તો કોંગ્રેસને સરકાર બનાવવા કહેવું.

માઉંટબૅટને આ વાત ગંભીરતાથી ન લીધી. એમણે જવાબ આપ્યો કે ગાંધીજી કોંગ્રેસને પણ આ દરખાસ્ત સમજાવે અને એ તૈયાર થાય તો જ આવું થઈ શકે. ગાંધીજીએ કોંગ્રેસમાં પણ વાત કરી પણ એમની વાત માનવા કોંગ્રેસ તૈયાર નહોતી. અંતે એમણે ૧૧મી ઍપ્રિલે વાઇસરૉયને લખી નાખ્યું કે કોંગ્રેસની સંમતિ મેળવવામાં પોતે નિષ્ફળ ગયા છે.

જિન્ના સાથેની મંત્રણાઓ

આપણે બાલ્કનાઇઝેશન તે સમજવા માટે જિન્ના અને માઉંટબૅટનની વાતચીતો જોવાની રહે છે.

દક્ષિણ-પૂર્વ યુરોપમાં બાલ્કન પર્વતનો વિસ્તાર આ નામથી ઓળખાય છે. એના પર તુર્કીના ઑટોમન કે ઉસ્માની સામ્રાજ્યનું વર્ચસ્વ હતું, પણ એ સામ્રાજ્ય તૂટી પડ્યું તે પછી બાલ્કન વિસ્તારના જુદા જુદા પ્રદેશોમાં જાતિગત ભેદભાવોને કારણે નાનાં નાનાં અલગ રાજ્યો બન્યાં. ચર્ચિલ ભારતમાં આ જ સ્થિતિ ઇચ્છતો હતો અને ચર્ચિલના મિત્ર જિન્ના એ જ એજંડા પર બોલતા હતા.

જિન્નાએ માઉંટબૅટનને સૂચવ્યું કે પ્રાંતોને એક-એક કરીને સત્તા સોંપવી, તે પછી આ પ્રાંતોમાંથી મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતો નવા પાકિસ્તાન રાજ્યનું નિર્માણ કરે. ભારતને અખંડિત રાખવાના કોઈ પણ પ્રયાસનો મુસ્લિમ લીગ શસ્ત્રોથી સામનો કરશે. જિન્નાને એમાં વાંધો નહોતો કે દરેક પ્રાંત સ્વતંત્ર થાય અને દેશના ઘણા ટુકડા થઈ જાય.

માઉંટબૅટને વળતો જવાબ આપ્યો કે એ જ તર્ક પંજાબ અને બંગાળને લાગુ પાડીને ભાગલા કરવા પડશે, કારણ કે ત્યાંની લગભગ અડધી વસ્તી બિનમુસ્લિમોની છે. જિન્ના આ માનવા તૈયાર નહોતા, કારણ કે એમને આસામ અને ક્લકત્તા જોઈતાં હતાં. આખું બંગાળ ભલે ન મળે, પણ કલકત્તા બંદરની સમૃદ્ધિ વિના એમને બાકીના ગરીબ મુસલમાનોની વસ્તીવાળા પૂર્વ બંગાળમાં રસ નહોતો. આખરે એમની વાતચીતના છેલ્લા દિવસે એમણે માઉંટબૅટનની વાત માની લીધી. જિન્નાને સમજાયું હશે કે એ બ્રિટિશરો સાથે બંધાયેલા હતા. એમનું પાકિસ્તાન માટેનું આંદોલન પણ બ્રિટિશ મહેરબાનીથી ચાલી શક્યું હતું અને એમણે બ્રિટનનાં હિતોની સીમા ઓળંગવાની નહોતી. બ્રિટનને અફઘાનિસ્તાન સાથેની સરહદના ભારતીય ભૂભાગમાં રસ હતો, કલકત્તા પાકિસ્તાનને આપવામાં કે હિન્દુ મુસ્લિમોને પોતાનાં વતન છોડવાની હાલાકીમાંથી બચાવવી પડે તેમાં નહીં.

જિન્નાએ વાઇસરૉયને કહ્યું કે મને એમાં રસ નથી કે તમે મને થોડું આપો છો કે ઘણું, બસ જે આપો તે પૂરું આપજો(એટલે કે સંપૂર્ણ આઝાદ, પ્રદેશ ભલે નાનો હોય). એ જ મુલાકાતમાં જિન્નાએ વાઇસરૉયને કહ્યું કે લીગ પાકિસ્તાન માટે ડોમિનિયન સ્ટેટસની માગણી કરશે. જિન્નાએ રશિયાના ખતરાની વાત તો અવારનવાર કરી હતી અને બ્રિટનની ચિંતાઅ પણ એ જ હતી. આમ જિન્નાએ ત્રણ વાત માની લીધી – પાકિસ્તાન એમની માંગ પ્રમાણે નહીં, પણ નાનું મળે તોય ચાલશે, કૉમનવેલ્થના સભ્ય તરીકે પાકિસ્તાન ચાલુ રહેશે(એટલે કે નવોદિત ભૂતપૂર્વ બ્રિટિશ સંસ્થાન ). માઉંટબૅટન માટે એ સારું હતું), અને આ વૈશ્વિક મહા-ખેલમાં પાકિસ્તાન બ્રિટનનું કહ્યું માનશે.

જો કે, આના પછી પણ જિન્ના નવી નવી માગણીઓ કરતા રહ્યા, જેમ કે, કલકત્તા પર સંયુક્ત નિયંત્રણ હોય, પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન વચ્ચે આવવા-જવા માટે કૉરિડોર (રસ્તો) હોવો જોઈએ, કે જે ‘હિન્દુસ્તાન’માંથી પસાર થતો હોય. કોંગ્રેસે કોરિડોરની એમની માગણીનો જોરદાર વિરોધ કર્યો. કોઈ પણ દેશ બીજા દેશને આવી સગવડ ન આપી શકે કે જેમાં સગવડ માગનાર સાર્વભૌમ અધિકારો ભોગવે અને પોતાનું સૈન્ય પણ ગોઠવી શકે. એમ થાય તો એ કૉરિડોર પોતે જ પાકિસ્તાન બની જાય અને જિન્નાની મૂળ માગણી કરતાં પણ મોટો પ્રદેશ મળે. જિન્નાની આ વાત પર ગંભીરતાથી વિચાર કરવા માટે ભારતના બ્રિટિશ સત્તાવાળાઓ પણ તૈયાર નહોતા.

000

સંદર્ભઃ

૧. Reflections on the Transfer of Power and Jawaharlal Nehru વિષય પર માઉંટબૅટનનું ભાષણ –

Admiral of the Fleet – The Earl Mountbatten of Burma, Trinity College, University of Cambridge – 14th November 1968.

૨. The Shadow of the Great Game by Narendra Singh Sarila (લૉર્ડ માઉંટબૅટનના એ. ડી. સી. અને ભારતીય વિદેશ સેવાના અધિકારી)

૨. માઉંટબૅટનના ૮૦મા જન્મદિને બ્રિટિશ સરકારના ભૂતપૂર્વ પ્રધાન અર્લ ઑફ લિસ્ટોવેલનું ભાષણઃ The British Partner in the Transfer of Power Ninth Lecture – by the Earl of Listowel 24 June 1980.

૩. The Indian Annual Register Vol. I Jan-June 1947.

%d bloggers like this: