india-slavery-and-struggle-for-freedom-part-4-chapter-62

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૬૨ : વચગાળાની સરકારમાં મુસ્લિમ લીગનો પ્રવેશ

જિન્નાએ ડેઇલી મેઇલને પોતે આપેલા ઇંટરવ્યુની પ્રત દસમી સપ્ટેમ્બરે અખબારો માટે બહાર પાડી. એમાં એમણે કહ્યું કે બ્રિટિશ સરકાર નવેસરથી શરૂઆત કરવા માટે લંડનમાં બેઠક બોલાવશે તો તેઓ જવા તૈયાર હતા, પણ સામે ચાલીને પોતાનો કેસ રજૂ કરવા નહીં જાય. એમણે કહ્યું કે એમને ભવિષ્ય બહુ કાળું દેખાય છે. પછી એમણે યુદ્ધ દરમિયાન બ્રિટિશ સામ્રાજ્યની પોતે સેવા કરી તે યાદ આપતાં કહ્યું કે મુસલમાનોનો શું વાંક હતો કે વાઇસરૉયે એમને તરછોડ્યા છે? દુશ્મન ભારતના ઊંબરે ઊભો હતો ત્યારે ૧૯૪૨માં કોંગ્રેસે આંદોલન શરૂ કર્યું પણ મુસલમાનો એમાં ન જોડાયા. એ વખતે મેં ઘણાંય મુસ્લિમ ગામોની મુલાકાત લીધી તો જોયું કે મુસ્લિમ સ્ત્રીઓ લાશો દફનાવવા માટે કબરો ખોદતી હતી, કારણ કે મુસલમાન પુરુષો તો બ્રિટિશ આર્મીમાં દુશ્મન સામે લડતા હતા. એમણે ૧૬મી ઑગસ્ટે કલકત્તામાં ડાયરેક્ટ ઍક્શનના દિવસે હિંસા થઈ તેની વાત કરતાં કહ્યું કે અમે તો આ દિવસે શાંતિ રાખવા મુસલમાનોને અપીલ કરી હતી પણ હિન્દુ ગુંડાઓએ હુમલા કર્યા એમાંથી હિંસાચાર ફેલાયો.

ગૄહયુદ્ધની ચેતવણી

જિન્નાએ અમેરિકાની સમાચાર એજેન્સી એસોસિએટેડ પ્રેસને પણ એ જ દિવસે ઇંટરવ્યુ આપ્યો. એમણે કહ્યું કે કલકત્તા અને મુંબઈની હિંસા દેખાડે છે કે હિન્દુસ્તાને ગૃહયુદ્ધને આરે છે અને એનાં પરિણામોથી ચાળીસ કરોડની વસ્તી – હિન્દુઓ, મુસલમાનો, બીજી લઘુમતીઓ બચી નહીં શકે. ગૃહયુદ્ધ રોકવું હોય તો બધું એકડે એકથી શરૂ કરવાની જરૂર છે.

બ્રિટિશ રૂઢીચુસ્ત પાર્ટી મુસ્લિમ લીગની તરફેણમાં

સરકારની રચના થયા પછી તરત જ મુસ્લિમ લીગને મનાવી લેવાના પ્રયાસ શરૂ થઈ ગયા હતા. મુસ્લિમ લીગને બ્રિટનની રૂઢીચુસ્ત પાર્ટીનો સબળ ટેકો હતો. ૧૯૪૬ની ચોથી-પાંચમી ઑક્ટોબરે રૂઢીચુસ્ત પાર્ટીની કૉન્ફરન્સે વચગાળાની સરકાર રચવાના મજૂર પક્ષની સરકારના નિર્ણયની આકરી ટીકા કરી. અર્લ વિંટરટને બેઠકમાં ઠરાવ રજૂ કર્યો તેમાં કહ્યું હતું કે લઘુમતીઓના અને દેશી રાજ્યોના અધિકારો બરાબર સચવાવા જોઈએ. ભારતના ઇતિહાસમાં આખો દેશ એક થઈ ગયો હોય તેવો સમય માત્ર બ્રિટિશ શાસન હેઠળ જ આવ્યો. હવે એવું જોખમ ઊભું થયું છે કે દેશમાં કોમી અથડામણો થશે ત્યારે એને રોકવા માટે બ્રિટિશ સૈન્યનો ઉપયોગ જાણે એ ભાડૂતી સેના હોય તેમ થશે. એમણે કહ્યું કે એ જ કારણે જવાહરલાલ નહેરુએ બ્રિટિશ સૈન્યને હટાવવાની માગણી નથી કરી, કારણ કે નહેરુ મુસલમાનોને સેનાની મદદથી કચડી નાખવા માગે છે.

વિંટરટનના ઠરાવના વિરોધમાં એક માત્ર ડગ્લસ રીડ બોલ્યા. એ ૨૩ વર્ષ ભારતમાં રહ્યા હતા અને છેલ્લાં છ વર્ષ, ૧૯૪૬ની શરૂઆતના મહિનાઓ સુધી મદ્રાસ પ્રાંતની લેજિસ્લેટિવ ઍસેમ્બ્લીના સભ્ય હતા. એમણે કહ્યું કે મને ખબર છે કે હું અહીં જે કહીશ તે કોઈને પસંદ નહીં આવે પણ મારે એ કહેવું જ પડશે. રીડે કહ્યું કે આજે હિન્દુસ્તાનીઓ રૂઢીચુસ્ત પક્ષને નફરત કરે છે અને મજૂર પક્ષને ચાહે છે. તે પછી એમણે પોતાનું લખેલું ભાષણ પડતું મૂક્યું અને કહ્યું કે તૈયાર ભાષણથી કંઈ નહીં વળે, હું જ જાણું છું તે મારે કહેવું જોઈએ. કોંગ્રેસમાં કંઈ જ ખોટ નથી. કોંગ્રેસ મુક્તિ અને લોકશાહીમાં માને છે. આજે અહીં જે વાતો થઈ છે તેનાથી ભારતમાં સ્થિતિ પર કંઈ જ અસર નહીં પડે. તમે એમ કહો છો કે ભારત કૉમનવેલ્થમાં રહેશે, પણ તમારું વલણ એવું છે કે ભારતના નેતાઓ તમને કહી દેશે કે અમને જે ઠીક લાગે તે કરશું. એમણે ઉમેર્યું કે આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણા પર ભારતનું દસ અબજ પૌંડ જેટલું કરજ છે. ભારત આપણી લોકશાહી, આપણા કાયદાકાનૂન, આપણી શિક્ષણ પદ્ધતિ અને દવાઓને સ્વીકારે છે, એ વાત ભૂલવી ન જોઈએ. આજે હિન્દુસ્તાનની જનતાને ખાતરી આપવી જોઈએ કે આપણે એમને બધી રીતે મદદ આપવા તૈયાર છીએ.

બીજા દિવસે ચર્ચિલે ભાષણ કર્યું અને મજૂર સરકારની ભારત માટેની નીતિની સખત ટીકા કરી. એણે કહ્યું કે સમાજવાદી સરકારે “બિચારા હિન્દુસ્તાની”ને બ્રિટિશ તાજના રક્ષણમાંથી હટી જવાનો વિકલ્પ આપ્યો છે. એણે કહ્યું કે હવે ભારત આફતને કિનારે આવીને ઊભું છે. ભારત અલગ થઈ જશે અને બ્રિટન માટે એ બહુ મિત્રાચારી પણ નહીં રાખે, અને તે સાથે એની એકતા પણ તૂટી પડશે. કરોડો લોકો જે યાતનાઓ અને રક્તપાતમાં સપડાઈ જશે તેની કોઈ કલ્પના પણ કરી શકે તેમ નથી. “આ બધું દરરોજ અને દર કલાકે બને છે. એક મહા જહાજ ધીમે ધીમે સમુદ્રમાં ડૂબવા લાગ્યું છે. જેમની જવાબદારી જહાજને બચાવવાની હતી એમણે તો દરિયાનાં પાણી અંદર આવે એવા દરવાજા ખોલી નાખ્યા છે.

મુસ્લિમ લીગ સરકારમાં આવે છે.

દરમિયાન મુસ્લિમ લીગને મનાવવાના પ્રયાસો વાઇસરૉય અને કોંગ્રેસે ચાલુ રાખ્યા હતા. એક બાજુથી જિન્ના અને નહેરુ, અને બીજી બાજુથી જિન્ના અને વાઇસરૉય વચ્ચે પત્રવ્યવહાર ચાલુ હતો. તે પછી મુસ્લિમ લીગે નામોની યાદી સરકારને મોકલી.૧૫મી ઑક્ટોબરે વાઇસરૉય લૉજમાંથી અખબારી યાદી બહાર પાડવામાં આવી કે મુસ્લિમ લીગે સરકારના મંત્રીઓ તરીકે પાંચ નામ આપ્યાં છેઃ – લિયાકત અલી ખાન, આઈ. આઈ. ચુનરીગર, અબ્દુર રબ નિશ્તાર, ગઝનફર અલી ખાન અને જોગેન્દ્ર નાથ મંડલ.

એમને સમાવવા માટે શરત ચંદ્ર બોઝ, સર શફ્ફાત અહમદ ખાન અને સૈયદ અલી ઝહીરે રાજીનામાં આપ્યાં છે.

આ ચમત્કાર કેમ બન્યો?

આ ચમત્કાર નહોતો, કોંગ્રેસે લીગને મુસલમાનોના પ્રતિનિધિ તરીકે માન્યતા આપી દીધી એ મૂળ કારણ હતું. આની શરૂઆત ગાંધી-જિન્ના મંત્રણાઓથી થઈ. નામો જાહેર થયાં તે પછી બીજા જ દિવસે જિન્નાએ ગાંધીજી સાથેનો પત્રવ્યવહાર પ્રસિદ્ધ કર્યો તેમાંથી દેખાયું કે ગાંધીજી સ્વીકારી લીધું હતું કે,

“ભારતના મુસલમાનોની વિશાળ બહુમતીનું પ્રતિનિધિત્વ લીગ કરે છે તે સ્થિતિને કોંગ્રેસ પડકારતી નથી અને સ્વીકાર કરે છે. આજે લીગને જ ભારતના મુસલમાનોનું પ્રતિનિધિત્વ કરવાનો નિર્વિવાદ અધિકાર છે. પરંતુ કોંગ્રેસ પોતાનો પ્રતિનિધિ ચૂંટવાના એના અધિકાર પર કંઈ નિયંત્રણ સ્વીકારતી નથી અને એને જે યોગ્ય જણાય તેને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટવાનો અધિકાર છે”

ગાંધીજીના દૃષ્ટિકોણમાં એટલું મોટું પરિવર્તન હતું કે કોંગ્રેસમાં જ ઘણાને એ સ્વીકારવું મુશ્કેલ લાગ્યું. નહેરુએ ૬ઠ્ઠી ઑક્ટોબરના પોતાના પત્રમાં જિન્નાને લખ્યું કે અમને લાગે છે કે આ ફૉર્મ્યુલામાં યોગ્ય શબ્દો નથી વપરાયા. એમણે સુધારો કર્યો –

ચૂંટણીનાં પરિણામો પરથી અમે એ માનીએ છીએ કે મુસ્લિમ લીગ ભારતના મુસ્લિમોની વિશાળળ બહુમતીની અધિકૃત પ્રતિનિધિ છે, પણ એ જ રીતે, કોંગ્રેસ પણ બિનમુસ્લિમોની અને કોંગ્રેસમાં રહેવાનું પસંદ કરનાર મુસ્લિમોની અધિકૃત પ્રતિનિધિ છે. પરંતુ કોંગ્રેસ પોતાનો પ્રતિનિધિ ચૂંટવાના એના અધિકાર પર કંઈ નિયંત્રણ સ્વીકારતી નથી અને એને જે યોગ્ય જણાય તેને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટવાનો અધિકાર છે.”

ગાંધીજીને પણ લાગ્યું કે કાચું કપાયું છે અને એમણે એક પ્રાર્થના સભામાં ભૂલ સ્વીકારી કે એમણે બરાબર વાંચ્યા વિના જ સહી કરી દીધી હતી. દરમિયાન રાષ્ટ્રવાદી મુસ્લિમોને લાગ્યું કે કોંગ્રેસે એમના ત્યાગની કદર ન કરી. કોંગ્રેસ એમાંથી કોઈને પણ મુસ્લિમોના નેતા તરીકે આગળ ન લાવી શકી. જિન્નાની પરવા કર્યા વિના કોંગ્રેસે પોતાનો મુસ્લિમ નેતા તૈયાર કર્યો હોત તો મુસલમાનોએ એને સ્વીકારી લીધો હોત. જો કે, બ્રિટનની સરકારને જિન્નાને મુસ્લિમોના અધિકૃત પ્રવક્તા માનવાનું ફાવતું હતું એ વાત ભૂલી જવાય છે. કોમવાદના ધોરણે કોઈ આટલું અડિયલ વલણ લે તેમાં બ્રિટનને વાંધો નહોતો. રૂઢીચુસ્ત પક્ષની કૉન્ફરન્સ પણ એ જ વાતની સાબિતી છે કે કોંગ્રેસ મુસલમાનો સાથે ઓરમાયું વર્તન કરે છે એવું કહેવું એ પ્રચારનું મહત્ત્વનું હથિયાર હતું.

જિન્નાએ નહેરુ સમક્ષ કેટલીક શરતો મૂકી હતી તેમાં એક એ હતી કે બધાં મહત્વનાં ખાતાંની ફાળવણી કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સમાનપણે થવી જોઈએ. ૨૫મી ઑક્ટોબરે લીગના સભ્યો વચગાળાની સરકારમાં સામેલ થયા તે પછી એમને ખાતાંઓની ફાળવણી કરવામાં આવી જે જિન્નાએ વાઇસરૉયને સૂચવ્યા પ્રમાણે હતી. વાઇસરૉયે, જો કે, મુસ્લિમ લીગને ગૃહ ખાતું આપવાની ભલામણ કરી હતી પણ કોંગ્રેસમાં એના વિશે ચર્ચા થઈ તે વખતે ગૃહ પ્રધાન સરદાર પટેલ સંમત ન થયા. મૌલાના આઝાદનું કહેવું હતું કે ગૃહ ખાતું આપવું જોઈએ કારણ કે એ મુખ્યત્વે પ્રાંતોનો વિષય છે અને સેંટ્રલ કેબિનેટે કંઈ ખાસ કરવાનું નહીં રહે, પરંતુ સરદાર એ છોડવા તૈયાર નહોતા. એટલે નાણા ખાતું આપવાની વાત આવી ત્યારે સૌ તરત રાજી થઈ ગયા કારણ કે એમણે માન્યું કે એમાં ટેકનિક્લ કામ બહુ રહે અને મુસ્લિમ લીગમાં આ ખાતું સંભાળી શકે એવો કોઈ નહોતો. એટલે જ્યારે નાણા ખાતું સોંપવાની વાત આવી ત્યારે જિન્નાએ પણ વિચાર કરવા માટે એક દિવસનો સમય માગ્યો. પરંતુ નાણા ખાતામાંથી જ એક લીગતરફી અધિકારીએ એમને સલાહ આપી કે નાણા ખાતું બરાબર છે, કારણ કે એ રીતે દરેક ખાતામાં એની દરમિયાનગીરી રહેશે. કોંગ્રેસના આશ્ચર્ય વચ્ચે જિન્નાએ નાણા ખાતું સ્વીકારી લીધું. ખાતાંની ફાળવણી આ પ્રમાણે થઈ –

લિયાકત અલી ખાન (નાણા), આઈ. આઈ. ચુનરીગર (વ્યાપાર), અબ્દુર રબ નિશ્તાર (સંદેશ વ્યવહાર), ગઝનફર અલી ખાન (આરોગ્ય) અને જોગેન્દ્ર નાથ મંડલ (ધારાકીય). આને કારણે બીજા પ્રધાનોનાં ખાતાંઓમાં પણ ફેરફાર થયો.

તે પછી લીગના પ્રધાનોએ પત્રકાર પરિષદમાં જાહેર કર્યું કે એમણે હિન્દુસ્તાનના મુસ્લિમોના ભલા માટે સરકારમાં જોડાવાનો નિર્ણય લીધો હતો અને હવે તેઓ સરકારની અંદર જઈને પાકિસ્તાન માટે લડતા રહેશે.

લિયાકત અલી ખાને પોતાના નાણા ખાતા વિશે બોલતાં કહ્યું કે હું એવી રીતે કામ કરીશ કે ધનવાન વધારે ધનવાન ન બને અને બન્ને રાષ્ટ્રો (હિન્દુ અને મુસ્લિમ)ને પૂરી આઝાદી મળે. એમણે એક બહુ જ અગત્યની વાત કરી, જેમાંથી વચગાળાની સરકારનું શું થશે તેનો સંકેત મળતો હતો. લિયાકત અલી ખાને કહ્યું:

“આ સરકાર હમણાંના બંધારણ હેઠળ રચાઈ છે અને એ કારણે એમાં સંયુક્ત કે સામૂહિક જવાબદારી જેવું કંઈ નથી પરંતુ તે સાથે જ, સરકારના દરેક સભ્યને સામાન્ય લોકોના હિતમાં પરસ્પર સુમેળ અને સહકારથી કામ કરવાની ઇચ્છા અને સંકલ્પ હોવાં જોઈએ.”

બીજા શબ્દોમાં કહીએ તો, એમણે કહી દીધું કે નાણા ખાતું એ પોતાની મરજીથી ચલાવશે, કોઈની શેહ કે શરમ નહીં રાખે. એમણે નહેરુને નેતા માનવાનો પણ ઇનકાર કર્યો અને કહ્યું કે નહેરુ એક્ઝીક્યુટિવ કાઉંસિલના ઉપપ્રમુખ છે એટલે બધી મીટિંગોનું સંચાલન કરશે તે સિવાય મને કોઈ વિશેષાધિકાર નથી. મુસ્લિમ લીગ એમને કોંગ્રેસના – અને માત્ર કોંગ્રેસના – પ્રતિનિધિ માને છે.

જિન્ના કહેતા કે વચગાળાની સરકાર “કૅબિનેટ” નથી. એમાં દરેક સભ્ય વાઇસરૉયને જવાબદાર છે. એક પત્રકાર પરિષદમાં જિન્નાનું ધ્યાન દોરવામાં આવ્યું કે નહેરુ અને વાઇસરૉય એને કૅબિનેટ કહે છે. એમણે કહ્યું કે એ કૅબિનેટ નથી. નહેરુ એ શબ્દથી રાજી થતા હોય તો વાઇસરૉયને એમને ખુશ રાખવામાં વાંધો નથી. નાનું મન નાની વાતોથી રાજી થઈ જાય. પણ એથી હકીકત બદલાતી નથી. એક ગધેડાને હાથી કહો તેથી એ હાથી ન બની જાય, ગધેડો જ રહે!

તે પછી લિયાકત અલીએ નાણા ખાતું એવી રીતે ચલાવ્યું કે બીજા કોઈ ખાતાની ગ્રાંટની માગણી માને જ નહીં, અને ત્યાં સુધી કે ઑફિસ માટે પટાવાળો નીમવો હોય તો પણ નાણા ખાતાની મંજૂરી વિના નીમવાનું શક્ય નહોતું અને નાણા ખાતું એની મંજૂરી આપે જ નહીં!

તે પછી ફેબ્રુઆરી ૧૯૪૭માં વચગાળાની સરકારનું બજેટ રજૂ કરવાનું હતું ત્યારે લિયાકત અલી ખાને ઉપરછલ્લી રીતે જોતાં કોંગ્રેસની જાહેરાતોને અનુરૂપ બજેટ બનાવ્યું પણ એનો હેતુ જુદો હતો. દાખલા તરીકે, ધનવાનોને કાબૂમાં રાખવા માટે જે દરખાસ્તો બનાવી તે મુખ્યત્વે હિન્દુ ઉદ્યોગપતિઓને અસર કરતી હતી. અને એમની સંપત્તિ કે વ્યાવસાયિક તકોમાં કાપ મૂકીને બીજાને લાભ આપવાનો હોય તે અચૂકપણે મુસલમાન હોય. લિયાકત અલીએ એક પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે એ સમાનતામાં નથી માનતા, જે વર્ગ પછાત રહી ગયો હોય તેને વધારે ટેકો આપવામાં માને છે! રાજાજી અને સરદાર પટેલે લિયાકત અલી ખાનની દરખાસ્તોનો ખુલ્લો વિરોધ કર્યો.

કોંગ્રેસમાં હવે લાગવા માંડ્યું હતું કે નાણા ખાતું મુસ્લિમ લીગને આપીને એણે મોટી ભૂલ કરી છે.

 

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register Vol. II, July-Dec 1946

Muslims Against Partition. Shamsul Islam

India wins Freedom –Maulana Abul kalam Azad

%d bloggers like this: