india-slavery-and-struggle-for-freedom-part-4-chapter-61

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૬૧ : વચગાળાની સરકારમાં કોંગ્રેસ

મુસ્લિમ લીગના ‘ડાયરેક્ટ ઍક્શન’થી પહેલાં ૧૨મી ઑગસ્ટે વાઇસરૉય હાઉસે એક નિવેદન બહાર પાડ્યું કે વાઇસરૉયે નામદાર રાજાની સરકારની સંમતિથી કોંગ્રેસ પ્રમુખ જવાહરલાલ નહેરુને વચગાળાની સરકાર રચવાની દરખાસ્ત રજૂ કરવા આમંત્રણ આપ્યું છે, જેનો કોંગ્રે પ્રમુખે સ્વીકાર કર્યો છે. નહેરુ થોડા દિવસોમાં આ અંગે વાઇસરૉય સાથે ચર્ચા કરવા દિલ્હી આવશે.

કોંગ્રેસે ઓચિંતા જ પોતાનો નિર્ણય ફેરવીને માત્ર બંધારણસભામાં નહીં પણ સરકારમાં જોડાવાનીયે હા પાડી દીધી! જિન્ના માટે આ અણધાર્યું હતું. પહેલાં એ એમ ધારતા હતા કે કોંગ્રેસે ના પાડી છે, એટલે સરકારે માત્ર મુસ્લિમ લીગને જ સરકાર રચવાનું આમંત્રણ આપવું જોઈએ. પરંતુ એમની આશા ફળી નહીં. ડાયરેક્ટ ઍક્શન એ નિરાશાનું જ પરિણામ હતું. પરંતુ એની ભયંકરતાનું કારણ એ કે ડાયરેક્ટ ઍક્શનને ટાંકણે જ વાઇસરૉય અને કોંગ્રેસે ઘા ઉપર મીઠું ભભરાવ્યું. વાઇસરૉયે મુસ્લિમ લીગને જ કોરાણે મૂકી દીધી અને એકલી કોંગ્રેસને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું!

વાઇસરૉયનું આમંત્રણ મળ્યાના બીજા જ દિવસે નહેરુએ જિન્નાને પત્ર લખીને સરકાર બનાવવામાં એમનો સહકાર માગ્યો.

નહેરુ– જિન્ના પત્રવ્યવહાર

નહેરુએ જિન્નાને લખ્યું કે વાઇસરૉયે કોંગ્રેસ પ્રમુખ તરીકે મને આમંત્રણ આપ્યું છે. સ્વાભાવિક રીતે જ અમારી ઇચ્છા સૌનું પ્રતિનિધિત્વ કરતી હોય તેવી સરકારની રચના કરવાની છે. અને આ સ્થિતિમાં મારે તમારી સાથે વાતચીત કરવી જોઈએ. મને તમારા સહકારની જરૂર પડશે. આના માટે હું તમને મુંબઈમાં કે બીજે ક્યાંય પણ મળવા માગું છું. હું ૧૪મીએ વર્ધાથી રવાના થઈને ૧૫મીએ મુંબઈ પહોંચીશ. કદાચ ૧૭મીએ દિલ્હી માટે મુંબઈથી નીકળી જઈશ.

જિન્નાએ ૧૫મીએ જવાબ આપ્યો કે તમારા ને વાઇસરૉય વચ્ચે શી વાતચીત થઈ તે હું જાણતો નથી, પણ આનો અર્થ એ હોય કે વાઇસરૉયે તમને એમની એક્ઝીક્યુટિવ કાઉંસિલ બનાવવાનું કામ સોંપ્યું હોય અને તમારી સલાહ પ્રમાણે કરવા સંમત થયા હોય તો આ સ્થિતિ સ્વીકારવાનું મારા માટે શક્ય નથી. આમ છતાં તમે કોંગ્રેસ વતી હિન્દુ-મુસ્લિમ સમસ્યાનો ઉકેલ શોધવા માટે મળવા માગતા હો તો આજે સાંજે છ વાગ્યે મારે ત્યાં ખુશીથી આવો.

જિન્ના અહીં ‘વચગાળાની સરકાર’ને બદલે ‘વાઇસરૉયની એક્ઝીક્યુટિવ કાઉંસિલ’ નામ આપે છે. નહેરુએ એમને તરત લખ્યું કે મારા અને વાઇસરૉય વચ્ચે કંઈ વાત નથી થઈ. એમણે થોડા શબ્દોમાં ઑફર કરી છે અને અમે સ્વીકારી છે, તે સિવાય બીજું કંઈ બન્યું નથી. વાઇસરૉયે ‘વચગાળાની સરકાર’ બનાવવાનું આમંત્રણ આપ્યું છે, એમણે ‘ઍક્ઝીક્યુટિવ કાઉંસિલ’, એવા શબ્દો નથી વાપર્યા. વચગાળાની સરકારને વહીવટમાં શક્ય તેટલી વધુમાં વધુ છૂટ હશે એમ માનીએ છીએ. અમે આમંત્રણ સ્વીકાર્યું તે પછી વાઇસરૉય સાથે કંઈ વાત નથી થઈ, હવે દિલ્હી જઈને વાત કરું ત્યારે બધી વાતનો ફોડ પડે. તમે લખ્યું છે કે તમે જે રીતે સ્થિતિને સમજો છો તે રીતે સ્વીકારી શકતા નથી તેનો મને અફસોસ છે. કદાચ બધી વાતો સ્પષ્ટ થાય તો તમે કદાચ સંમત થશો અને તમારા નિર્ણયની ફેરવિચારણા કરશો તો અમને આનંદ થશે. હિન્દુ-મુસ્લિમ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અમે હંમેશાં તૈયાર છીએ પરંતુ હું કોઈ નવો મુદ્દો રાખી શકું તેમ નથી, કદાચ તમારી પાસે કોઈ સૂચન હોય, તો હું આજ સાંજે તમને મળવા તૈયાર છું પણ કાલે મળીએ તો વધારે સારું. હું ૧૭મીની સવારે દિલ્હી માટે નીકળીશ.

અંતે બન્ને ૧૫મીએ મળ્યા. તે પછી નહેરુએ પત્રકાર પરિષદમાં જાણ કરી કે જિન્નાએ ઑફર નથી સ્વીકારી, હવે કોંગ્રેસ એકલે હાથે સરકાર બનાવશે. એમણે સ્પષ્ટતા કરી કે કોંગ્રેસ તદ્દન સ્વતંત્રતાથી સરકાર બનાવશે. ટેકનિકલ દૃષ્ટિએ જોતાં, વાઇસરૉયનું સ્થાન જેમનું તેમ રહે છે પણ મને વિશ્વાસ છે કે એ સ્થાન બંધારણીય વડા જેવું રહેશે. વાઇસરૉયને વીટોની સત્તા હશે જ પણ જો એનો ઉપયોગ કરશે તો એનાં ભારે પરિણામ આવશે.

નહેરુએ કોંગ્રેસની સંમતિ વિશે કહ્યું કે આવું કોઈ કરે તે એવી તો આશા રાખે જ, કે એને બધાનો સહકાર મળશે, અને બધા પક્ષો સહકાર આપવા તૈયાર છે, સિવાય કે મુસ્લિમ લીગ. પરંતુ આજના સંજોગોમાં મુસ્લિમ લીગ સહકાર નથી આપતી એટલે અમે અટકી જઈએ એવું ચાલે તેમ નથી.

જિન્નાએ પંડિત નહેરુ પર જ હુમલો કર્યો કે મુસ્લિમ લીગે ઑફર ન સ્વીકારી એમ કહેવાને બદલે જો એમણે એમ કહ્યું હોત કે મુસ્લિમ લીગે શરણાગતી ન સ્વીકારી, તો એ સત્યની વધારે નજીક હોત.

નવી વચગાળાની સરકાર

નહેરુ અને જિન્ના વચ્ચે સામસામાં નિવેદનો થતાં રહ્યાં પણ દિલ્હીમાં વાઇસરૉયને મળ્યા તે પછી, ૨૪મીએ, વાઇસરૉયે વચગાળાની સરકારનાં નામો જાહેર કર્યાં:

પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, આસફ અલી, ચક્રવર્તી રાજગોપાલાચારી, શરત ચંદ્ર બોઝ, ડૉ. જ્‍હોન મથાઈ, સર શફકત અહેમદ ખાન, જગજીવન રામ, સૈયદ અલી ઝહીર, કોવરજી હોરમસજી ભાભા, નહેરુએ તે પછી બીજા બે મુસ્લિમોને પણ લીધા.

વાઇસરૉયે રેડિયો પરથી બોલતાં વચગાળાની સરકારની જાહેરાત કરી અને મુસ્લિમ લીગને પણ ફરી આમંત્રણ આપ્યું કે લીગ પોતાના પાંચ પ્રતિનિધિઓનાં નામ આપશે તો એમને કૅબિનેટમાં લેવામાં આવશે.

જિન્નાની ટીપ્પણી

વાઇસરૉયના બ્રોડકાસ્ટ પર ટિપ્પણી કરતાં જિન્નાએ એમના અને વાઇસરૉય વચ્ચે ૨૨મી જુલાઈ અને ૮મી ઑગસ્ટ વચ્ચે થયેલો પત્રવ્યવહાર બહાર પાડ્યો. જિન્ના એવું દેખાડવા માગતા હતા કે વાઇસરૉયે પાંચ નામો ફરી માગ્યાં તે ગેરરસ્તે દોરનારું કથન છે. વાઇસરૉયે ૨૨મી જુલાઈએ જિન્નાને પત્ર લખીને ચાર મુદ્દા સ્પષ્ટ કર્યા હતા –

1. વચગાળાની સરકારમાં ૧૪ સભ્યો હશે,

2. કોંગ્રેસ ૬ સભ્યોની નીમણૂક કરશે, તેમાંથી એક શિડ્યૂલ કાસ્ટનો પ્રતિનિધિ એણે નીમવાનો રહેશે.

3. મુસ્લિમ લીગ પાંચ સભ્યોને નીમી શકશે.

4. કોઈ પણ પક્ષ બીજા પક્ષે નીમેલા સભ્ય સામે વાંધો નહીં લઈ શકે.

છેલ્લો મુદ્દો એટલા માટે છે કે લીગનો દાવો હતો કે કોંગ્રેસ મુસલમાનની નીમણૂક ન કરી શકે. પરંતુ વાઇસરૉયે એનો અસ્વીકાર કરીને કોંગ્રેસને મુસલમાનની નીમણૂક કરવાની છૂટ આપી.

જિન્નાએ વચગાળાની સરકારમાં મહાત ખાધી એટલે બધો રોષ વાઇસરૉય પર ઠાલવ્યો. એમણે જવાબમાં લખ્યું કે સીટોની ફાળવણીની મૂળ ફૉર્મ્યુલા ૫ (કોંગ્રેસ), ૫ (લીગ) અને ૨ (અન્ય,) એવી હતી. એમાંથી ૫-૫-૩ થઈ અને પછી ૫-૫-૪ થઈ હવે તમે ૬-૫-૩ પર આવ્યા છો. આમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સમાન ફાળવણી કરવાની હતી તે તો રહ્યું જ નહીં. એટલું જ નહીં પણ તમે શિડ્યૂલ કાસ્ટને પણ અન્યાય કરો છો. એ કોંગ્રેસનો પ્રતિનિધિ હશે, શિડ્યૂલ કાસ્ટનો ખરો પ્રતિનિધિ નહીં, લઘુમતીના ત્રણ સભ્યોની નીમણૂક વાઇસરૉય કરશે. એમાં તમને મુસ્લિમ લીગ સાથે વાતચીત કરવાનું જરૂરી નથી લાગતું.

ટૂંકમાં, જિન્નાને લાગતું હતું કે વાઇસરૉય અને કોંગ્રેસ વચ્ચે સાંઠગાંઠ થયા પછી એમણે મુસ્લિમ લીગને પડતી મૂકી દીધી. નહેરુ સાથે એમણે મુંબઈમાં વાતચીત કરી, તેના વિશે પણ જિન્નાએ કહ્યું કે નહેરુ માત્ર ઔપચારિકતા નિભાવવા આવ્યા હતા.

છેવટે આઠમી ઑગસ્ટે વૅવલે જિન્નાને લખી નાખ્યું કે હવે એ એકલી કોંગ્રેસને વચગાળાની સરકાર બનાવવાનું આમંત્રણ મોકલશે.

નવી સરકાર

સપ્ટેમ્બરની બીજીએ નહેરુની આગેવાની હેઠળ નવી સરકારે સત્તાનાં સૂત્રો સંભાળી લીધાં. ખાતાંઓની ફાળવણી –

વિદેશી બાબતો અને કૉમનવેલ્થ( જવાહરલાલ નહેરુ), સંરક્ષણ ( સરદાર બલદેવ સિંઘ), ગૃહ, માહિતી અને પ્રસારણ સહિત (વલ્લભભાઈ પટેલ), નાણાં (જ્‍હોન મથાઈ), સંપર્ક વ્યવહાર, યુદ્ધ માટેના ટ્રાન્સપોર્ટ અને રેલવે સહિત (આસફ અલી), કૃષિ અને અન્ન (ડૉ. રાજેન્દ્ર પ્રસાદ), શ્રમ (જગજીવન રામ), આરોગ્ય, શિક્ષણ અને કલાઓ (સર શફકત અહેમદ), ધારાકીય બાબતો, પોસ્ટ અને હવાઈ સેવા (સૈયદ અલી ઝહીર), ઉદ્યોગ અને પુરવઠો (રાજગોપાલાચારી), વર્ક્સ, ખાણો અને વીજળી ( શરત ચંદ્ર બોઝ) અને કમિટીઓ ( કે. એચ. ભાભા).

તે પછી પત્રકાર પરિષદમાં નહેરુએ બધા પક્ષોનો સહકાર માગ્યો.

(વધુ આવતા અંકે)

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register Vol. II, July-Dec 1946

%d bloggers like this: