india-slavery-and-struggle-for-freedom-part-4-chapter-58

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ ::

પ્રકરણ ૫૮: કૅબિનેટ મિશન (૬)

નવી સરકારની જાહેરાત

૧૬મી તારીખે કૅબિનેટ મિશનના સભ્યો અને વાઇસરૉયે હવે પોતાના તરફથી વચગાળાની સરકાર બનાવવાનો નિર્ણય લીધો અને છે નીચે જણાવેલા સભ્યોને એમાં જોડાવાનાં આમંત્રણ આપ્યાં –

સરદાર બલદેવ સિંઘ, સર નૌશીરવાન એન્જીનિયર, જગજીવન રામ, પંડિત જવાહરલાલ નહેરુ, એમ. એ. જિન્ના, નવાબઝાદા લિયાકત અલી ખાન, સી. રાજગોપાલાચારી, હરેકૃષ્ણ મહેતાબ, ડૉ. જ્‍હોન મથાઈ, નવાબ મહંમદ ઇસ્માઇલ ખાન, ખ્વાજા સર નઝીમુદ્દીન, સરદાર અબ્દુર રબ નિસ્તાર, સરદાર વલ્લભભાઈ પટેલ અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ.

એમાંથી કોઈ ના પાડે તો વાઇસરૉય એની જગ્યાએ બીજાની નીમણૂક કરવાની અને પ્રધાનોનાં ખાતાંની ફાળવણીની સત્તા વાઇસરૉયને આપવામાં આવી.

કોંગ્રેસ વર્કિંગ કમિટીએ આ જાહેરાતનો અભ્યાસ કર્યો અને એમાં જેમનાં નામ છે તેમની મરજી ન હોય તો એમની જગ્યાએ બીજાને લેવાના નિર્ણયની પ્રશંસા કરી, પણ ઉમેર્યું કે આના કારણે વચગાળાની સરકારની રચના સામે ગંભીર સંકટ ઊભું થયું છે. તે પછી ૧૮મી તારીખે મૌલાના આઝાદે ફરી વાઇસરૉયને પત્ર લખ્યો કે મેં આજે સાંજ સુધીમાં જવાબ આપવાનું વચન આપ્યું હતું પણ અમારી વર્કિંગ કમિટીની બેઠક મોડે સુધી ચાલી. વળી, અમારા સભ્ય ખાન અબ્દુલ ગફ્ફાર ખાન આવતીકાલે સવારે આવશે એટલે અમે આવતીકાલે ફરી મળીશું. તે પછી કંઈ નિર્ણય થશે તેની હું તમને તરત જાણ કરીશ.

આ વચ્ચે જિન્નાએ વાઇસરૉયને લખેલા પત્રની વિગતો છાપાંઓમાં આવી ગઈ. મૌલાના આઝાદે આના વિશે વાઇસરૉયને ફરી પત્ર લખીને સ્પષ્ટતા માગી. જવાબમાં વાઇસરૉયે જિન્નાના પત્રની વિગતો આપી. જિન્નાએ પૂછ્યું હતું કે આ નામો ફાઇનલ છે કે કેમ? સૂચીમાં ૧૪ સભ્યો છે, તેમાં વધઘટ થશે કે કેમ? ચાર લઘુમતીઓ – શિડ્યૂલ્ડ કાસ્ટ, શીખો, ભારતીય ખ્રિસ્તીઓ અને પારસીમાંથી કોઈ ના પાડશે તો વાઇસરૉય એમની જગ્યા કઈ રીતે ભરશે? આવા ઘણાયે સવાલો એમણે પૂછ્યા હોવાનું વેવલે મૌલાના આઝાદને જણાવ્યું.

કોંગ્રેસ બંધારણ સભામાં જોડાવા તૈયાર!

વાઇસરૉયની ઑફિસેથી કોંગ્રેસ પ્રમુખને ફોન પણ કરવામાં આવ્યો કે નામોને તરત મંજૂરી આપી દો. પણ મૌલાનાએ જવાબ આપ્યો કે અમારી વર્કિંગ કમિટીની બેઠક બપોરે મળશે તે પછી જવાબ આપી શકાશે. તે પછી એમણે પત્રમાં ઘણાંય કારણો આપીને સરકારમાં

જોડાવાની ના પાડી દીધી. પરંતુ ખરેખર ૨૬મીએ નિવેદન બહાર પાડ્યું તેમાં કૅબિનેટ મિશનની ૧૬મી જૂનની યોજનાનો નહીં પણ ૧૬મી મેની યોજનાનો સ્વીકાર કર્યો! કોંગ્રેસે કહ્યું કે કૅબિનેટ મિશનની ૧૬મી જૂનની યોજનામાં ઘણી ઉણપો છે તેમ છતાં બંધારણ બનાવવાના કામમાં વિલંબ ન થવો જોઈએ, એટલે કોંગ્રેસ ૧૬મી મેના સ્ટેટમેંટનો સ્વીકાર કરીને બંધારણ સભામાં જોડાશે, પરંતુ ૧૬મી જૂનના સ્ટેટમેંટમાં સૂચવ્યા પ્રમાણેની વચગાળાની સરકાર બનાવવામાં સહકાર આપી શકે તેમ નથી.

મુસ્લિમ લીગ સરકારમાં જોડાવા તૈયાર

દરમિયાન જિન્ના ૨૨મી મેના એમના નિવેદન પછી જૂનની ચોથી તારીખે વાઇસરૉયને બે વાર મળ્યા. એમનો સવાલ એ હતો કે બેમાંથી એક પક્ષ સરકારમાં જોડાવાની ના પાડશે તો શું થશે? વાઇસરૉયે એમને ખાતરી આપી કે એક જ પક્ષ મંજૂરી આપે તો પણ બ્રિટિશ હકુમત બને ત્યાં સુધી ૧૬મી જૂનના નિવેદનને લાગુ કરવાનો પ્રયાસ કરશે. પણ મને આશા છે કે બન્ને પક્ષો મંજૂરી આપશે.

હવે વાઇસરૉયે પોતે જાહેર કરેલાં નામો પાછાં ખેંચી લીધાં અને અધિકારીઓની રખેવાળ સરકાર બનાવવાનો નિર્ણય જાહેર કરી દીધો.

વાઇસરૉયે જિન્નાને એક પત્ર લખીને કહ્યું કે કોંગ્રેસ અને લીગ, બન્નેએ ૧૬મી મેનું સ્ટેટમેંટ સ્વીકાર્યું છે. પણ ૧૬મી જૂનનું નહીં; આથી સરકાર બનાવી શકાય એમ નથી. બીજી બાજુ, હવે જિન્ના સરકાર બનાવવાનો આગ્રહ કરતા હતા! ૨૮મીએ જિન્નાએ પત્ર લખીને કહ્યું કે વચગાળાની સરકાર બનાવવા મિશન વચનથી બંધાયેલું છે.

બીજા પક્ષોના અભિપ્રાયો

કૅબિનેટ મિશન સમક્ષ શીખોનાં જુદાં જુદાં સંગઠનો, રજવાડાંઓ, રજવાડાંઓની પ્રજાના નેતાઓ, જમીનદારોના સંગઠન અને હિન્દુ મહાસભા ઉપરાંત કમ્યુનિસ્ટ પાર્ટીએ પણ પોતાનાં મેમોરેન્ડમો રજૂ કર્યાં હતાં. શીખોએ તો પંજાબને મુસ્લિમ બહુમતી પ્રાંત ગણીને પાકિસ્તાન ઝોનમાં મૂકવાના સૂચનનો જોરદાર વિરોધ કર્યો. એમણે એ રીતે શીખોને થતા અન્યાય સામે સંગઠિત થઈને લડવાની તૈયારી કરી લીધી. રજવાડાંને એક જ ચિંતા હતી કે બ્રિટિશ આધિપત્ય હટી જાય તે પછી શું થશે. રજવાડાઓનાં પ્રજાકીય મંડળોના દેશવ્યાપી સંગઠન અને હિન્દુ મહાસભાએ લગભગ કોંગ્રેસની જ વાતનો પુનરુચ્ચાર કર્યો. રજવાડાંનાં પ્રજાકીય મંડળોને તો કોંગ્રેસ સતત ટેકો આપતી રહી હતી. એમની કૉન્ફરન્સને નહેરુ અને સરદારે સંબોધન પણ કર્યું. હિન્દુ મહાસભાએ પણ એક જ અવિભાજિત ભારતની કોંગ્રેસની માગણીને ટેકો આપ્યો પણ એનું કહેવું હતું કે કૉન્ફરન્સમાં ખરેખર હિન્દુઓના કોઈ પ્રતિનિધિ નહોતા. હિન્દુ મહાસભાએ ‘એક વ્યક્તિ, એક મત’ના સિદ્ધાંતનું સમર્થન કર્યું પરંતુ ઉમેર્યું કે કૅબિનેટના પ્રતિનિધિઓ મુસલમાનોને ખોટી રીતે અલગ રાષ્ટ્ર માનવા તૈયાર હોય તો હિન્દુઓને પણ એમના જેવું જ પ્રતિનિધિત્વ મળવું જોઈએ અને વાતચીતમાં હિન્દુ મહાસભાને પણ સામેલ કરવી જોઈતી હતી. કમ્યુનિસ્ટોએ બધાં એકમોનો આત્મનિર્ણયનો અધિકાર માન્ય રાખ્યો પણ બધાં એકમો સ્વેચ્છાએ સંઘ બનાવે એવું સૂચન કર્યું.

ગાંધીજીનો અભિપ્રાયઃ પ્રોમીસરી નોટ

ગાંધીજી આ મંત્રણાઓમાં ક્યાંય નહોતા. પરંતુ એમણે કેબિનેટ મિશનના ૨૨મી મેના નિવેદન પર ૨૬મીએ ‘હરિજન’માં ટિપ્પણી કરી. ગાંધીજી એમાં વ્યંગ્યાત્મક ભાષામાં બોલ્યા છે! એમનું પૃથક્કરણ આ પ્રમાણે હતું –

કૅબિનેટ મિશન અને વાઇસરૉયના નિવેદનની બારીક સમીક્ષા કરીને હું એવા મત પર પહોંચ્યો છું કે આજની સ્થિતિમાં બ્રિટિશ પ્રતિનિધિઓ આપી શકે, તેવો આ ઉત્તમ દસ્તાવેજ છે. જો આપણને દેખાય તો આ નિવેદન આપણી નબળાઈનું પ્રતિબિંબ છે. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ સંમત ન થયાં, અને સંમત થઈ શકે એવું હતું પણ નહીં. આપણે એવો સંતોષ લઈએ કે આપણા મતભેદો બ્રિટિશ કરામતની નીપજ છે, તો એ આપણી ગંભીર ભૂલ ગણાશે. મિશન અહીં એ મતભેદોનો લાભ લેવા નથી આવ્યું. બ્રિટિશ શાસનનો જલદી અને સહેલાઈથી અંત આવી જાય એવો રસ્તો શોધવા માટે પણ એ નથી આવ્યું. એમનું જાહેરનામું ખોટું સાબીત ન થાય ત્યાં સુધી એને સાચું માનીશું તો એ આપણી ખરેખર બહાદુરી જ હશે. પણ આ બહાદુરી ઠગની ઠગાઈ પર ટકી છે.

મેં બ્રિટિશ પ્રતિનિધિઓનાં વખાણ કર્યાં તેનો અર્થ એ નથી કે જે બ્રિટન માટે સારું હોય તે આપણા માટે પણ સારું જ હોય. દસ્તાવેજના લેખકોએ પોતે જે કહેવા માગે છે તે સાફ શબ્દોમાં લખ્યું છે. એમને લાગ્યું કે ઓછામાં ઓછી અમુક બાબતો પર બધા પક્ષો એક થઈ શકે છે, અને તે એમણે લખ્યું છે. એમનો એક ઉદ્દેશ બ્રિટિશ રાજનો જેમ બને તેમ જલદી અંત લાવવાનો છે. શક્ય હોય તો તેઓ ભારતને અવિભાજિત રહેવા દેશે અને એને કાપી નાખીને નાગરિક યુદ્ધમાં તરફડવા નહીં દે. સિમલામાં લીગ અને કોંગ્રેસને એમણે મંત્રણાના મેજ પર એકઠા કર્યા (એમાં કેટલી ધીરજ અને કુશળતાની જરૂર પડી, તે તો તો તેઓ પોતે જ કહી શકશે). એ વાતચીત તો પડી ભાંગી, પણ એ ડગ્યા નહીં. એ છેક અહીં હિન્દુસ્તાન આવ્યા અને બંધારણ સભા બનાવવાના હેતુથી એક યોગ્ય દસ્તાવેજ તૈયાર કર્યો. હવે બ્રિટિશ પ્રભાવ વિના બંધારણ બનાવવાનું છે. આ એક અપીલ અને સલાહ છે. આમ પ્રાંતિક ઍસેમ્બ્લીઓ ડેલીગેટોને ચૂંટે કે ન ચૂંટે. ડેલીગેટો ચુંટાયા પછી બંધારણ સભામાં ભાગ ન લે. બંધારણ સભા મળે અને આમાં છે તેના કરતાં જુદા નિયમો બનાવે. વ્યક્તિ કે પક્ષ માટે કંઈ પણ બંધનકર્તા હોય તો એ સ્થિતિના તકાજામાંથી પેદા થાય છે. અલગ મતદાન બન્ને માટે બંધનકર્તા છે, પણ તે માત્ર એટલા માટે કે બંધારણ સભાનું અસ્તિત્વ ટકી શકે. મેં આ લખતાં પહેલાં સ્ટેટમેંટમાં આપેલો દરેક નિયમ ધ્યાનથી વાંચ્યો છે અને હું કહી શકું છું કે આમાં કંઈ પણ બંધનકર્તા નથી. માત્ર સ્વાભિમાન અને આવશ્યકતા જ બંધનકર્તા છે.

આમાં બંધનકર્તા હોય તેવી એક જ વાત છે અને તે બ્રિટન સરકારને લાગુ પડે છે. બ્રિટિશ મિશનના ચાર સભ્યો સાવચેતી રાખીને બ્રિટન સરકારની પૂરી સંમતિ મેળવ્યા પછી આ સ્ટેટમેંટ બહાર પાડે તો તેનું ઊષ્માભર્યું સ્વાગત જ થઈ શકે. બદલામાં ભારતને છૂટ છે કે એ પોતાને ઠીક લાગે તેવો પ્રતિભાવ આપે. પણ આ દસ્તાવેજના લેખકોને ખાતરી છે કે ભારતના પક્ષો એટલા બધા સંગઠિત અને જવાબદાર છે કે મરજિયાતને પણ ફરજિયાત માનીને વર્તન કરશે, ભલે ને, ફરજિયાતમાં કરવું પડે એટલું જ કરે, તેનાથી આગળ ન વધે. જ્યારે બે હરીફો સાથે મળે ત્યારે એ એક જાતની સમજણ પર આવીને કામ કરે છે. અહીં એક જાતે બની બેઠેલો અમ્પાયર (પક્ષોએ પસંદ કરેલો અમ્પાયર નથી એટલે લેખકોએ માની લીધું કે પોતે જ અમ્પાયર છે) એવું વિચારે છે કે એ નિયમો બનાવશે અને અમુક ઓછામાં ઓછી બાબતો પક્ષોની સામે ધરશે, તે સાથે જ પક્ષો એની પાસે આવશે. હવે એ એમાં ઉમેરવા, ઘટાડવા કે તદ્દન બદલી નાખવાની છૂટ આપે છે…

તે પછી એમણે સ્ટેટમેંટમાં દર્શાવેલી યોજનાની છણાવટ કરી અને ખામીઓ દેખાડી.એમણે કહ્યું કે કોઈ આ દસ્તાવેજ ગંભીરતાથી વાંચશે તેને એમાં ઘણી ભૂલો દેખાશે પણ મારે મન આ એક પ્રોમીસરી નોટ તમને મળી છે.

ગાંધીજી આગળ કહે છેઃ

આ ઊલટસૂલટમાંથી નવી દુનિયા સર્જાવાની છે તેમાં ગુલામ ભારત બ્રિટિશ તાજનો ‘ઝળહળતો હીરો’ નહીં હોય, એ બ્રિટિશ તાજના માથા પર એક કાળી ટીલી હશે, અને એવી કાળી હશે કે એનું સ્થાન કચરાટોપલી સિવાય ક્યાંય નહીં હોય. એટલે હું વાચકને મારી સાથે આશા રાખવા અને પ્રાર્થના કરવા કહું છું કે બ્રિટિશ તાજ હવે બ્રિટન અને દુનિયાને વધારે કામનો છે. ઝળહળતો હીરો તો હવે રદબાતલ થઈ ગયો છે….(!).

ગાંધીજી સૂચવે છે કે આ યોજનામાં કંઈ નથી. એ પ્રોમીસરી નોટ છે કારણ કે બ્રિટન તમે જે કંઈ કરો તેને મંજૂર રાખવા માટે વચનથી બંધાય છે. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ જો એની શરતો વિશે ગંભીર થઈ જશે તો એ ભૂલ છે. એને પ્રોમીસરી નોટ માનો. એટલે કે પહેલાં બંધારણ સભા બનાવો અને પછી આ યોજનાનો ઉલાળિયો કરી દો, બ્રિટન તો તમે જે કરો તે માનવા જાતે જ બંધાયું છે, પણ તમે નથી બંધાતા!

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual register Jan-June 1946 Vol. I

%d bloggers like this: