india-slavery-and-struggle-for-freedom-part-4-chapter-56

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૫: કૅબિનેટ મિશન(૪)

આજના પ્રકરણ સાથે ચેસની ભાષામાં કહીએ તો આપણે આ શ્રેણીના End Gameના તબક્કામાં પહોંચીએ છીએ.

૧૬મી તારીખે કૅબિનેટ મિશનના સભ્યો અને વાઇસરૉયે નિવેદન બહાર પાડ્યું. નિવેદન મોટા ભાગે લીગના અલગ રાષ્ટ્રના દાવાની વિરુદ્ધ જાય છે અને કોંગ્રેસની રજુઆત સાથે એનો મેળ બેસે છે. સવાલ એ છે કે બ્રિટન સરકારની કૅબિનેટના ઉચ્ચ સત્તાધારી મંત્રીઓનું મિશન આમ કહેતું હોય તો પણ અંતે ભાગલા કેમ પડ્યા? મિશને એવી તે કઈ બારી ખુલ્લી રાખી કે દેશના ભાગલા પડ્યા? પરંતુ આપણે અહીં એ સવાલનો જવાબ શોધવા કરતાં કૅબિનેટ મિશન અને વાઇસરૉયના નિવેદનના મુખ્ય અંશો જોઈએ કારણ કે જવાબ એમાં જ છે.

૦-૦

એમણે નિવેદનમાં એ વાતની નોંધ લીધી કે બન્ને પક્ષોએ પોતાના વિચારો સ્પષ્ટ રીતે રજૂ કર્યા અને શક્ય તેટલી બાંધછોડ કરવા પણ તૈયાર હતા. પરંતુ, સમજૂતી થઈ ન શકી એટલે મિશનની નજરે સારામાં સારો રસ્તો શું હોઈ શકે તે કહેવાનું એમને જરૂરી લાગ્યું. બ્રિટન સરકારની સંપૂર્ણ સહમતી સાથે એમણે આ નિવેદન બહાર પાડ્યું હોવાની પણ એમને સ્પષ્ટતા કરી. એનો અર્થ એ કે આ નિવેદન બ્રિટન સરકારના વિચારો જ ગણાય. આમ એક રીતે જોઈએ તો, કૅબિનેટ મિશને શરૂઆતમાં આ સૂચનો મૂક્યાં હોત તો એને ‘યોજના’ માનીને સત્તાવાર ચર્ચા થઈ હોત. હવે એમની ભલામણ મુદ્દાવાર, પણ સંક્ષેપમાં જોઈએ.

· આના અનુસંધાનમાં એમનો સૌ પહેલો નિર્ણય ભારતીયોની બનેલી વચગાળાની સરકારની રચના કરવાનો હતો. નવું બંધારણ પણ બનાવવાનું હતું, જેમાં સૌને ન્યાય મળે એવી વ્યવસ્થા હોય.

· મિશને કહ્યું કે એમની સમક્ષ ઢગલાબંધ પુરાવા રજૂ થયા છે, પણ એનું પૃથક્કરણ રજૂ ન કરતાં એમણે પોતાનું તારણ આપ્યું કે મુસ્લિમ લીગના ટેકેદારોને બાદ કરતાં બહુ જ મોટા વર્ગની ભાવના ભારતની એકતા ટકાવી રાખવાની છે.

· પરંતુ, મિશન કહે છે કે મુસ્લિમોની વાસ્તવિક અને તીવ્ર ચિંતાઓને ધ્યાનમાં લઈને એમણે ભાગલાની શક્યતાનો પણ વિચાર કર્યો. મુસ્લિમોની બીક એટલી બધી જામી ગઈ છે કે માત્ર કાગળ ઉપર અમુક ખાતરીઓ આપી દેવાથી કામ ચાલે તેમ નથી. ભારતને એક રાખવું હોય તો મુસ્લિમોને એમની ધાર્મિક, સાંસ્કૃતિક અને આર્થિક બાબતોમાં એમનું પોતાનું સ્વતંત્ર નિયંત્રણ આપવું જ પડે તેમ છે.

· મિશન કહે છે કે, આથી અમે સૌ પહેલાં મુસ્લિમ લીગની માગણી પ્રમાણે સ્વતંત્ર સાર્વભૌમ પાકિસ્તાન બનાવવા વિશે વિચાર કર્યો. આ પાકિસ્તાન બે ભાગમાં હશેઃ ભારતના ઉત્તર-પશ્ચિમે પંજાબ, સિંધ, વાયવ્ય સરહદ પ્રાંત અને બલુચિસ્તાન, અને ઉત્તર-પૂર્વમાં બંગાળ અને આસામના પ્રાંતો. લીગ વાતચીતોના પાછળના ભાગમાં સરહદો અંગે બાંધછોડ કરવા તૈયાર થઈ, પણ એનો આગ્રહ એ હતો કે સ્વતંત્ર, સાર્વભૌમ પાકિસ્તાનના સિદ્ધાંતનો સૌ પહેલાં સ્વીકાર કરવો જોઈએ. એમની બીજી માગણી એ હતી કે પાકિસ્તાન વહીવટી અને આર્થિક દૃષ્ટિએ ટકાઉ બની શકે તે માટે જ્યાં મુસ્લિમો લઘુમતીમાં હોય તેવા ઘણા પ્રદેશો પણ એમાં જોડવા.

· ઉપર જણાવેલા છએ છ પ્રાંતોમાં બિનમુસ્લિમ લઘુમતીઓની સંખ્યા બહુ મોટી છેઃ ૧૯૪૧ની વસ્તી ગનતરીના આંકડા લઈને મિશને દેખાડ્યું કે પંજાબમાં ૧ કરોડ ૬૨ લાખ મુસ્લમાનોની સામે ૧ કરોડ ૨૨ લાખ બિનમુસ્લિમો હતા, સિંધમાં ૩૨ લાખ મુસલમાનોની સામે ૧૩ લાખ ૨૬ હજાર બિનમુસ્લિમો હતા. (બલુચિસ્તાન અને વાયવ્ય સરહદ પ્રાંત મુખ્યત્વે મુસ્લિમ પ્રદેશો હતા, પણ વાયવ્ય સરહદ પ્રાંત પાકિસ્તાન સાથે જવા તૈયાર નહોતો એ આપણે વાંચ્યું છે). ઉત્તર પશ્ચિમે ૬૨ ટકા કરતાં થોડા વધારે મુસલમાનો હતા અને લગભગ ૩૩૮ ટકા હિન્દુઓ અને શીખો હતા. બીજી બાજુ ઉત્તર-પૂર્વમાં બંગાળ અને આસામમાં લગભગ ૩ કરોડ ૬૪ લાખ મુસલમાનો હતા તો લગભગ ૩ કરોડ ૪૧ બિનમુસ્લિમો હતા. એટલે કે મુસલમાનો ૫૧.૬૯ ટકા હતા અને હિન્દુઓ અને અન્ય ૪૮.૩૧ ટકા હતા.

· મિશન જણાવે છે કે આ આંકડા સૂચવે છે કે મુસ્લિમ લીગની વાત માનીએ તો પણ સ્વતંત્ર સાર્વભૌમ પાકિસ્તાન બનાવવાથી કોમી પ્રશ્નનો નિકાલ નહીં આવે. લીગની એ માગણી પણ ન સ્વીકારી શકાય કે મુસ્લિમો લઘુમતીમાં હોય તેવા પ્રદેશો પણ પાકિસ્તાનમાં સામેલ કરવા, કારણ કે જે દલીલ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોને પાકિસ્તાનમાં સમાવવા માટે વપરાય છે તે જ દલીલ પંજાબ, બંગાળ અને આસામના બિનમુસ્લિમોની બહુમતીવાળા વિસ્તારોને પાકિસ્તાનમાં ન જોડવા માટે વાપરી શકાય છે. લીગની આ માંગની બહુ મોટી અસર શીખો પર પડે તેમ છે.

· આથી અમે એ વિચાર્યું કે માત્ર મુસ્લિમ બહુમતીવાળા પ્રદેશો પૂરતું નાનું પાકિસ્તાન કદાચ બન્ને પક્ષો વચ્ચે સમાધાનનો આધાર બની શકે. મુસ્લિમ લીગને એ મંજૂર નથી કારણ કે એમાંથી આખું આસામ – સિલ્હટ જિલ્લા સિવાય – પાકિસ્તાનમાંથી નીકળી જાય. પશ્ચિમ બંગાળનો મોટો ભાગ પણ પાકિસ્તાનમાં ન જાય. કલકત્તામાં ૨૩.૬ ટકા વસ્તી મુસલમાનોની છે, એટલે એના પરનો લીગનો દાવો પણ નકારાઈ જાય. પંજાબમાં જલંધર અને અંબાલા માટે લીગની માગણી ન સ્વીકારી શકાય. અમે પોતે પણ માનીએ છીએ કે પંજાબ અને બંગાળના ભાગલા પાડવાથી આ પ્રાંતોની બહુ મોટી વસ્તીને અસર થશે. બંગાળ અને પંજાબની પોતાની અલગ ભાષાઓ અને પરંપરાઓ છે. પંજાબમાં તો શીખોની મોટી વસ્તી બન્ને બાજુ વસે છે. ભાગલાથી શીખોના ભાગલા થશે. આથી અમે એવા તારણ પર પહોંચ્યા છીએ કે, પાકિસ્તાન, નાનું કે મોટું, કોમી સમસ્યાનો ઉપાય નહીં બની શકે.

· તે ઉપરાંત પણ, કેટલીયે વહીવટી. આર્થિક અને લશ્કરી દલીલો પણ છે, જે બહુ વજનદાર છે. દાખલા તરીકે દેશનો વાહન વ્યવહાર (રેલ્વે), તાર-ટપાલ સેવા સંયુક્ત ભારતના આધારે વિકસ્યાં છે. એને ખંડિત કરવાની બહુ જ ખરાબ અસર ભારતના બન્ને ભાગો પર પડશે. ભારતનાં સશસ્ત્ર દળો પણ અવિભાજિત ભારતનાં છે. એમને બે ભાગમાં વહેંચી નાખવાથી એક લાંબી પરંપરા પર ફટકો પડશે અને ભારતીય સેનાની ઉચ્ચ સ્તરની કાર્યક્ષમતા સામે મોટું જોખમ ઊભું થશે. નૌકાદળ અને હવાઈદળની અસરકારકતા પણ ઘટશે. વળી પાકિસ્તાનના પણ બે ભાગ છે, અને બન્ને ભાગ બહુ નાજુક સરહદો પર આવેલા છે. સફળ સંરક્ષણ માટે પાકિસ્તાનનો વિસ્તાર બહુ ટૂંકો પડશે.

· વળી દેશી રજવાડાં પણ વિભાજિત હિન્દુસ્તાન સાથે જોડાવામાં ભારે મુશ્કેલીનો સામનો કરશે.

· અને છેલ્લે, પાકિસ્તાનના બે ભાગ વચ્ચે સાતસો માઇલનું અંતર છે, બન્ને વચ્ચે સંપર્ક જાળવી રાખવા માટે યુદ્ધ કે શાંતિના કાળમાં હિન્દુસ્તાનની સદ્‍ભાવના પર પાકિસ્તાને આધાર રાખવો પડશે.

· આ કારણોસર અમે બ્રિટિશ સરકારને એવી સલાહ આપી શકવાની સ્થિતિમાં નથી કે અત્યારે બ્રિટીશ હકુમતના હાથમાં જે સત્તા છે તે બે સ્વતંત્ર સાર્વભૌમ દેશોને સોંપી દેવી જોઈએ.

· આમ છતાં, અમે મુસલમાનોને ખરેખર દહેશત છે તેના તરફ આંખ મીંચતા નથી. એમની સાંસ્કૃતિક, સામાજિક અને રાજકીય અસ્મિતા સંપૂર્ણ એકતંત્રી હિન્દુસ્તાનમાં લુપ્ત થઈ જવાની એમની બીક વાજબી છે કારણ કે હિન્દુઓની જબ્બરદસ્ત બહુમતી છે. આના ઉપાય તરીકે, કોંગ્રેસે એક યોજના રજૂ કરી છે, તેમાં કેન્દ્ર હસ્તકના વિદેશી બાબતો, સંરક્ષણ અને સંદેશવ્યવહાર જેવા અમુક વિષયોને બાદ કરતાં બધા વિષયોમાં પ્રાંતોને સંપૂર્ણ સ્વતંત્રતા આપવાનું સૂચન છે.

· આ યોજના અનુસાર પ્રાંતો મોટા સ્તરે આર્થિક અને વહીવટી આયોજનમાં ભાગ લેવા ઇચ્છતા હોય તો ઉપર જણાવેલા ફરજિયાત વિષયો ઉપરાંત પોતાને અધીન હોય તેવા અમુક વિષયો પોતાની મરજીથી કેન્દ્રને સોંપી શકે છે.

· પરંતુ અમને લાગે છે કે આ વ્યવસ્થામાં કેટલાક લાભ છે તો કેટલીક વિસંગતિઓ પણ છે. અમુક પ્રધાનો ફરજિયાત વિષયો પર કામ કરતા હોય અને અમુક પ્રધાનો વૈકલ્પિક વિષયો પર કામ કરતા હોય એ જાતની સરકાર કે ધારાસભા ચલાવવાનું બહુ કઠિન છે. અમુક પ્રાંતો વૈકલ્પિક વિષયો કેન્દ્રને સોંપી દે, આને કેટલાક ન સોંપે. આ સંજોગોમાં એવું થાય કે ફરજિયાત વિષયો પર કામ કરનારા પ્રધાનો આખા ભારતને જવાબદાર મનાશે, પણ વૈકલ્પિક વિષયો પર કામ કરનારા પ્રધાનો માત્ર એમને વિષયો સોંપનારા પ્રાંતોને જ જવાબદાર મનાશે. આવું કરીએ તો કેન્દ્રીય ધારાસભામાં તો વધારે મુશ્કેલી પડશે, કારણ કે એમાં જે પ્રાંતોએ કેન્દ્રને વિષયો ન સોંપ્યા હોય તેના પ્રતિનિધિઓ પણ હશે અને એમને સંબંધ ન હોય તેવા વિષય પર બોલતાં રોકવા પડશે.

· પરંતુ આ ઉપરાંત બીજો પણ મહત્ત્વનો મુદ્દો છે. બ્રિટિશ ઇંડિયા આઝાદ થાય, તે પછી એ કૉમનવેલ્થમાં રહે કે ન રહે, દેશી રજવાડાંઓને આજે બ્રિટન સાથે જે પ્રકારના સંબંધો છે તેનો પણ અંત આવશે. બ્રિટિશ ઇંડિયા આઝાદ થાય તે પછી રજવાડાંઓ પર બ્રિટિશ તાજ પોતાની સર્વોપરિતા ટકાવી ન શકે, અને નવી સરકારને સોંપી પણ ન શકે. રાજાઓ નવી સ્વાધીન સરકારને સહકાર આપવા તૈયાર છે, પણ એ કઈ રીતે થાય એ મંત્રણઓનો વિષય છે, એટલે અમે અહીં માત્ર બ્રિટિશ ઇંડિયા માટે જ નીચે જણાવેલી યોજના રજૂ કરીએ છીએઃ

Ø ભારતનો સંઘ બનાવાશે જેમાં બ્રિટિશ ઇંડિયા અને દેશી રાજ્યો હશે. વિદેશી બાબતો, સંરક્ષણ, સંદેશવ્યવહાર અને આ માટે જરૂરી નાણાં ઊભાં કરવાની સત્તા કેન્દ્રની સરકારના હાથમાં રહેશે.

Ø સંઘની સરકાર અને ધારાસભા હશે જેમાં બ્રિટિશ ઇંડિયા અને દેશી રાજ્યોના પ્રતિનિધિઓ હશે.

Ø કોઈ પણ કોમી પ્રશ્ન પર બન્ને કોમના હાજર અને મતદાન કરનારા પ્રતિનિધિઓની બહુમતી જરૂરી રહેશે જે આખા ગૃહની પણ બહુમતી હોવી જોઈએ.

Ø સંઘ સરકારના વિષયોને બાદ કરતાં, બીજા બધા વિષયો અને સત્તઓ પ્રાંતોના હાથમાં રહેશે.

Ø પ્રાંતો ઇચ્છે તો સાથે મળીને ગ્રુપ બનાવી શકે છે, એ ગ્રુપની પણ સરકાર અને ધારાસભા હશે અને પ્રાંતો નક્કી કરે તે ગ્રુપની સરકારના વિષય રહેશે.

Ø પહેલાં દસ વર્ષ પછી, અને તે પ્છી દર દસ વર્ષે કોઈ પણ પ્રાંત પોતાની ધારાસભામાં બહુમતીના નિર્ણય પ્રમાણે સંઘ અને ગ્રુપના બંધારણની ફેરવિચારણા કરવાની માંગ કરી શકશે.

Ø બંધારણસભા બનાવવા વિશે ભલામણ કરતાં શક્ય હોય ત્યાં સુધી દેશની સમગ્ર પ્રજાને પ્રતિનિધિત્વ મળે તે માટે અમે સૂચવીએ છીએ કે પુખ્ત મતાધિકાર સૌથી સારો રસ્તો છે. પરંતુ હમણાં જ એ લાગુ કરવામાં ઘણો વખત બગડશે. આથી વ્યવહારરુ રસ્તો હમણાં જ ચુંટાયેલી પ્રાંતિક ઍસેમ્બ્લીઓને ક મતદાન કરનારી સંસ્થાઓ માની લેવાનો છે.

Ø આમાં એક મુશ્કેલી એ આવે છે કે દરેક પ્રાંતમાં વસ્તીના પ્રમાણમાં ઍસેમ્બ્લીમાં સભ્ય સંખ્યા એકસરખી નથી. દાખલા તરીકે આસામમાં એક કરોડની વસ્તી માટે ૧૦૮ સભ્યો છે, તો બંગાળમાં ૬ કરોડની વસ્તી માટે ૨૫૦ પ્રતિનિધિઓ છે. આમ બંગાળમાં ૫૫ ટકા વસ્તી મુસ્લમાનોની હોવા છતાં એમના માટે ૪૮ ટકા સીટો છે. આથી અમે નીચે પ્રમાણે સૂચવીએ છીએઃ

§ દરેક પ્રાંતને એની વસ્તીના પ્રમાણમાં સીટ ફાળવવી. દસ લાખની વસ્તીએ એક સીટ આપીએ.

§ બન્ને મુખ્ય કોમોની વસ્તી પ્રમાણે આ સીટોની ફાળવણી કરવી.

§ જે તે કોમના પ્રતિનિધિની ચૂંટણી ધારાસભાના એ જ કોમના સભ્યો કરશે.

§ મતદાર ત્રણ પ્રકારના હશેઃ ‘સામાન્ય’ મુસ્લિમ અને શીખ. ‘સામાન્ય’માં મુસ્લિમ કે શીખ ન હોય તે બધા જ ગણાઈ જશે.

§ આ રીતે નીચે પ્રમાણે પ્રતિનિધિઓ ચુંટાશેઃ

વિભાગ ૧ (૧૬૭ સામાન્ય, ૨૦ મુસ્લિમ, કુલ ૧૮૭. પ્રાંતવાર નીચે આપ્યા પ્રમાણે)

– મદ્રાસ પ્રાંત…૪૫ સામાન્ય, ૪ મુસ્લિમ, કુલ ૪૯

– મુંબઈ પ્રાંત…૧૯ સામાન્ય, ૨ મુસ્લિમ, કુલ ૨૧

– યુક્ત પ્રાંત…૪૭ સામાન્ય, ૮ મુસ્લિમ, કુલ ૫૫

– બિહાર પ્રાંત…૩૧ સામાન્ય, ૫ મુસ્લિમ, કુલ ૩૬

– મધ્ય પ્રાંત…૧૬ સામાન્ય, ૧ મુસ્લિમ, કુલ ૧૭

– ઓરિસ્સા પ્રાંત…૯ સામાન્ય, ૦ મુસ્લિમ, કુલ ૯

વિભાગ ૨ (૯ સામાન્ય, ૨૨ મુસ્લિમ, ૪ શીખ, કુલ ૩૫. પ્રાંતવાર નીચે આપ્યા પ્રમાણે)

– પંજાબ પ્રાંત… ૮ સામાન્ય, ૧૬ મુસ્લિમ, ૪ શીખ, કુલ ૨૮

– વાયવ્ય સરહદ પ્રાંત…૦ સામાન્ય, ૩ મુસ્લિમ, ૦ શીખ, કુલ ૩

– સિંધ પ્રાંત… ૧ સામાન્ય, ૩ મુસ્લિમ, ૦ શીખ, કુલ ૪.

વિભાગ ૩ ( ૩૪ સામાન્ય, ૩૬ મુસ્લિમ, કુલ ૭૦. પ્રાંતવાર નીચે આપ્યા પ્રમાણે)

– બંગાળ પ્રાંત… ૨૭ સામાન્ય, ૩૩ મુસ્લિમ કુલ ૬૦

– આસામ પ્રાંત… ૭ સામાન્ય ૩ મુસ્લિમ, કુલ ૧૦.

બ્રિટિશ ઇંડિયામાંથી ૨૯૨, દેશી રાજ્યોમાંથી ૯૩ (વધારેમાં વધારે). કુલઃ ૩૮૫.

આ સાથે જ કૅબિનેટ મિશને પ્રાંતો, ગ્રુપો અને સંઘ માટેનાં બંધારણો બનાવવાની વ્યવસ્થા પણ સૂચવી, એટલું જ નહીં, માત્ર ભારતીયોની બનેલી વચગાળાની સરકાર બનાવવાની પણ જાહેરાત કરી.

કૅબિનેટ મિશનની આ યોજના પર કોંગ્રેસ અને મુસ્લિમ લીગના પ્રત્યાઘાત શું હતા? આવતા અઠવાડિયે એની વાત કરશું.

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register – Jan-June 1946 Vol. I

%d bloggers like this: