ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ
ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭
પ્રકરણ ૫૪ : કૅબિનેટ મિશન(૨)
લૉર્ડ પૅથિક લૉરેન્સના પત્ર પછી એમના સેક્રેટરીએ બીજો પત્ર મોકલીને ‘કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સમજૂતી માટે સૂચિત મુદ્દા’ મોકલ્યા જે આ પ્રમાણે હતાઃ
૧. એક અખિલ ભારતીય સંઘ સરકાર અને લેજિસ્લેટિવ ઍસેમ્બ્લી હોય જે વિદેશી બાબતો, સંરક્ષણ, સંદેશવ્યવહાર, મૂળભૂત અધિકારો જેવા મુદ્દા સંભાળે અને એના માટે જરૂરી નાણાં ઊભાં કરવાની પણ એને સત્તા હોય.
૨. તે સિવાયની બધી સત્તાઓ પ્રાંતોને અપાય.
૩. પ્રાંતોનાં ગ્રુપ બનાવાય અને એ ગ્રુપ પ્રાંતના મુદ્દાઓમાંથી એને જે એકસમાન લાગતા હોય તે સંભાળે.
૪. ગ્રુપની પોતાની કારોબારી અને ઍસેમ્બ્લી હોય.
૫. સંઘની લેજિસ્લેટિવ ઍસેમ્બ્લીમાં બધા પ્રાંતોના પ્રતિનિધિઓ અને રાજ્યના પ્રતિનિધિઓ હોય. મુસ્લિમ બહુમતીવાળા અને હિન્દુ બહુમતીવાળા પ્રાંતોના પ્રતિનિધિઓની સંખ્યા એકસરખી હોય. કોઈ પ્રાંતે ગ્રુપનું સભ્યપદ ન લીધું હોય તો પણ સંઘ સરકારની લેજિસ્લેટિવ ઍસેમ્બ્લીમાં એને પ્રતિનિધિત્વ મળવું જોઈએ.
૬. સંઘ સરકારની રચનામાં પણ ઍસેમ્બ્લીમાં પ્રતિનિધિત્વનું જે પ્રમાણ હોય તે જ માન્ય ગણવું.
૭. સંઘ અને ગ્રુપ (કોઈ હોય તો)નાં બંધારણોમાં એવી જોગવાઈ કરવી કે એના પર દર દસ વર્ષ પછી પુનર્વિચાર કરવાનો પ્રાંતોને અધિકાર મળે.
૮. ઉપર દર્શાવેલા આધારે બંધારણ બનાવવા માટેની બંધારણ સભાનું સ્વરૂપ નીચે જણાવ્યા પ્રમાણે હશેઃ
ક. દરેક પ્રાંતિક ઍસેમ્બ્લીમાંથી દરેક પાર્ટીના સભ્યોના પ્રમાણમાં પ્રતિનિધિ લેવાશે. દરેક પાર્ટીના દસ સભ્ય પર એક પ્રતિનિધિ હશે.
ખ. દેશી રાજ્યોમાંથી પણ એમની વસ્તીને આધારે બ્રિટિશ ઇંડિયામાં એટલી વસ્તી માટે જેટલા પ્રતિનિધિ લીધા હોય તેટલા લેવાશે.
ગ. આ રીતે બનેલી બંધારણસભા વહેલી તકે દિલ્હીમાં મળશે.
ઘ. પહેલી બેઠકમાં કામની વ્યવસ્થા પર વિચાર કરાશે અને એના ત્રણ ભાગ પાડવામાં આવશે; એક ભાગ હિન્દુ બહુમતીવાળા પ્રાંતોનો, બીજો, મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતોનો અને ત્રીજો રજવાડાંઓનો હશે.
ચ. પહેલા બે ભાગ અલગ અલગ મળશે અને એમના ગ્રુપનાં પ્રાંતિક બંધારણો બનાવશે; અને એમની મરજી હોય તો, ગ્રુપનું બંધારણ પણ બનાવશે.
છ. આટલું થયા પછી કોઈ પણ પ્રાંતને પોતાના મૂળ ગ્રુપમાંથી હટી જઈને કોઈ બીજા ગ્રુપમાં જોડાવાની અથવા સૌથી અલગરહેવાની છૂટ મળશે.
જ. તે પછી ત્રણેય ભાગો એકઠા મળશે અને ફકરા ૧-૭માં જણાવ્યા પ્રમાણે સંઘનું બમ્ધારણ બનાવશે.
૯. વાઇસરૉય આ બંધારણ સભાની તરત બેઠક બોલાવશે જે ફકરા-૮ની જોગવાઈ પ્રમાણે કામ કરશે
જિન્નાનો જવાબ
જિન્નાને આ પત્ર મળ્યો કે તરત એમણે જવાબ મોકલી આપ્યો. એમાં કોંગ્રેસ વિરુદ્ધ ખોટી રજુઆત કરતાં પણ ન અચકાયા. એમણે લખ્યું કે ૨૭મી ઍપ્રિલના પત્રમાં તમે જે ફૉર્મ્યુલા સૂચવી હતી તે આ પ્રમાણે હતીઃ સંઘની સરકાર હસ્તક ત્રણ વિષયો રહેશે –વિદેશી બાબતો, સંરક્ષણ અને સંદેશશવ્યવહાર. પ્રાંતોનાં બે ગ્રુપ હશે; એકમાં હિન્દુ બહુમતીવાળા પ્રાંતો અને બીજામાં મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતો હશે. ગ્રુપ હસ્તક એ જ વિષયો રહેશે કે જેના વિશે ગ્રુપના ઘટક પ્રાંતો એવું નક્કી કરે કે આના પર સમાન ધોરણે કામ થવું જોઈએ. બાકીના બધા વિષયો પ્રાંતિક સરકારને હસ્તક રહેશે.
આના પર સિમલામાં ચર્ચા થવાની હતી અને એટલે મારા ૨૮મીના પત્રમાં જણાવેલી શરતે અમે સામેલ થયા. પાંચમી અને છઠ્ઠીએ કલાકોની ચર્ચા પછી કોંગ્રેસે સંઘ સરકાર હસ્તક માત્ર ત્રણ વિષય રાખવાનું સૂચન સ્પષ્ટ અને અંતિમ સ્વરૂપે નકારી કાઢ્યું હતું.
એમણે આગળ કહ્યું કે તમારી ફૉર્મ્યુલામાં એ ધારણા છે કે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે ગ્રુપિંગ વિશે સમજૂતી થશે અને તેના અનુસાર હિન્દુ પ્રાંતોનું ગ્રુપ અને મુસ્લિમ પ્રાંતોનું ગ્રુપ, એમ બે ગ્રુપ હશે અને બે ગ્રુપોમાં લેવાયેલા પ્રાંતોનાં બે ફેડરેશન બનાવાશે અને બે બંધારણ સભાઓ હશે. એના જ આધારે કોઈક સ્વરૂપના યુનિયનની રચના કરવાની હતી. તમારી ફૉર્મ્યુલામાં માત્ર ત્રણ મુદ્દા હતા અને એ હાડપિંજરમાં અમારે લોહી અને માંસ ભરવાનાં હતાં. કોંગ્રેસે આ દરખાસ્ત પણ સાવ જ નકારી કાઢી અને મીટિંગ મુલતવી રાખવી પડી.
હવે આ નવો દસ્તાવેજ આવ્યો છે. એના મથાળામાં જ ‘સૂચિત મુદ્દા’ શબ્દો છે, પણ કોણે સૂચિત કર્યા છે? આ નવા મુદ્દા મૂળ ફૉર્મ્યુલાથી તદ્દન જુદા પડે છે.
હવે સંઘ સરકારના વિષયોમાં નવો ‘મૂળભૂત અધિકારો”નો મુદ્દો ઉમેરાયો છે અને અમારે એની પણ ચર્ચા કરવાની છે. ગ્રુપિંગનો મુદ્દો પણ કોંગ્રેસના પ્રતિનિધિ કહે છે તે રીતે હવે રજૂ કરાયો છે, જે તમારી મૂળ ફૉર્મ્યુલા કરતાં જુદો છે.
પૅથિક લૉરેન્સનો વળતો જવાબ
લૉર્ડ પૅથિક લૉરેન્સે પણ તરત જવાબ આપ્યો. જિન્નાના એ વિધાન કે કોંગ્રેસે માત્ર ત્રણ વિષયોવાળી સંઘ સરકારને નકારી કાઢી છે, તેનો જવાબ આપતાં એમણે કહ્યું કે બે દિવસની ચર્ચા દરમિયાન મારા પર એવી છાપ પડી તે સાથે તમારો દાવો બંધબેસતો નથી. ફેડરેશન વિશેની જિન્નાની ધારણાનો પણ એમણે અસ્વીકાર કર્યો. મૂળ ફૉર્મ્યુલા કરતાં આ દસ્તાવેજમાં ફેડરેશનનો ખ્યાલ અલગ પડતો હોવાની વાત સાથે પણ હું સંમત નથી થતો. આ દસ્તાવેજમાં તો માત્ર એનો જ વિસ્તાર કર્યો છે. અમે એવી આશા રાખીએ છીએ કે આવી વિસ્તૃત દરખાસ્તથી સમજૂતી સહેલી બની શકે. બંધારણ સભાની રચના વિશેની જિન્નાની ટિપ્પણીનો પણ એમણે જવાબ આપ્યો અને કહ્યું કે ચર્ચાઓમાં તમે પોતે જ કહ્યું હતું કે જુદી જુદી બંધારણ સભાઓએ સંઘનું બંધારણ બનાવવા માટે સાથે બેસવું પડશે! અમે પણ એ જ કહ્યું છે.
અમે કોંગ્રેસ અને મુસ્લિમ લીગને આમંત્રણ આપ્યાં ત્યારે પણ અમારી ફૉર્મ્યુલા આખરી છે એમ નહોતું માન્યું.
મૌલાના આઝાદનો પત્ર
નવમી તારીખે મૌલાના આઝાદે પણ પત્ર લખીને લૉર્ડ પૅથિક લૉરેન્સના પત્રના બધા મુદ્દા સામે વાંધા લીધા.
– આ સૂચનો બંધારણ સભાની ચર્ચાઓને એક મર્યાદામાં બાંધવા માટે બન્યાં હોય એવાં છે.
– કોંગ્રેસ મજબૂત કેન્દ્રમાં માને છે, પેટા ફેડરેશનો બનાવવાની વિરુદ્ધ છે, પણ પ્રાંતો પોતાની મરજીથી એકબીજા સાથે સહયોગ કરે તે બરાબર છે
– ૮(ઘ, ચ, છ, જ)માંથી એવું દેખાય છે કે બે કે ત્રણ જુદાં જુદાં બંધારણો બનશે. આ ગ્રુપો ભેગાં થઈને પછી એમની ઉપરની કોઈ આછીપાતળી વ્યવસ્થાનું બંધારણ બનાવશે કે જે આ ત્રણ, એકબીજા સાથે સંબંધ ન હોય તેવાં ગ્રુપોની દયા પર હશે. ગ્રુપો પણ પ્રાંતોને સામેલ કરીને બનાવ્યાં હશે, પણ એમને પહેલાં કોઈ ગ્રુપમાં જોડાવું જ પડે એ કોંગ્રેસને મંજૂર નથી. દાખલા તરીકે, વાયવ્ય સરહદ પ્રાંતમાં કોંગ્રેસનું વર્ચસ્વ છે. એને જે ગ્રુપમાં જોડાવું ન હોય તેમાં જ જોડાવાની ફરજ પાડવી તે યોગ્ય નથી.
કોંગ્રેસ પ્રમુખે તે પછી દરેક સૂચનની અલગ છણાવટ કરી.
નં. ૧. એ સ્પષ્ટ કરવું જોઈએ કે સંઘને નાણાકીય જરૂરિયાત માટે કાયદા બનાવવાનો અધિકાર રહેશે. ચલણ અને કસ્ટમ વગેરે માત્ર સંઘ હસ્તક રહેશે. એ જ રીતે આયોજન પણ કેન્દ્ર હસ્તક રહેશે અને પ્રાંતો એનો અમલ કરશે. બંધારણ પડી ભાંગવા જેવી સ્થિતિ હોય ત્યારે જરૂરી પગલાં લેવાનો અધિકાર કેન્દ્ર પાસે જ રહેશે.
નં ૫ અને ૬. આમાં કારોબારી અને ધારાકીય સત્તાઓમાં બધાને સમાન ગણવાનો અમે વિરોધ કરીએ છીએ. આ સૂચનમાં ઝઘડાનાં બીજ રહેલાં છે. આ બાબતમાં સમજૂતી ન થાય તો અમે મધ્યસ્થી પર આ મુદ્દો છોડવા તૈયાર છીએ.
નં. ૭. દસ વર્ષે ગ્રુપમાં રહેવું કે નહીં તે વિશે પુનર્વિચાર કરવાની પ્રાંતને છૂટ આપવાનું સૂચન અમને મંજૂર છે. આમ પણ, બંધારણમાં કોઈ પણ સુધારો કરવાની જોગવાઈ હશે જ.
નં. ૮-ખ. આ કલમ સ્પષ્ટ નથી. હમણાં અમે એની વિગતોમાં નહીં ઊતરીએ.
નં. ૮-ઘ, ચ, છ, જ. આના વિશે ઉપર લખ્યું છે. અમે માનીએ છીએ કે ગ્રુપોની રચના અને એના માટે સૂચવેલી કાર્યપદ્ધતિ, બન્ને ખોટાં છે. પ્રાંતો ગ્રુપ બનાવતા હોય તો ભલે, પરંતુ આ વિષય બંધારણ સભાના નિર્ણય માટે છોડી દેવો જોઈએ.
નં. ૮-ઝ. આજની સ્થિતિમાં અમે મધ્યસ્થી જેવી કોઈ કલમ સ્વીકારવા તૈયાર છીએ.
એકંદરે, આ સૂચનો બંધનકર્તા હોય તો, લીગ સાથે સમજૂતી કરવા અમે આતુર છીએ તો પણ, એનો સ્વીકાર કરવા અમે અસમર્થ છીએ.
અમ્પાયર રાખવાનું કોંગ્રેસનું સૂચન
જવાહરલાલ નહેરુએ મુસ્લિમ લીગના પ્રમુખ જિન્નાને ૧૦મી તારીખે પત્ર લખીને જણાવ્યું કે અમ્પાયર રાખવાની વાત સાથે કોંગ્રેસ સંમત છે. એમણે કહ્યું કે ગઈકાલની ચર્ચા પછી આપણે વાઇસરીગલ લૉજમાં આ બાબતમાં વાત કરી અને પછી મારા સાથીઓએ એના પર ઊંડો વિચાર કર્યો. અમને લાગે છે કે અમ્પાયર તરીકે કોઈ અંગ્રેજ, હિન્દુ, મુસલમાન કે શીખ ન હોવો જોઈએ. આમ પસંદગી મર્યાદિત થઈ જાય છે, પણ તોય અમે સારીએવી લાંબી સૂચી બનાવી છે. મને આશા છે કે તમે પણ તમારી કારોબારી સાથે ચર્ચા કરીને આવી સૂચી બનાવી હશે. આ બન્ને સૂચીઓ પર આપણે – તમે અને હું –વિચાર કરીએ તે તમે પસંદ કરશો? તમે તૈયાર હો તો આપણે મીટિંગ રાખીએ. તે પછી આપણે ભલામણ કરીએ અને તેના પર કોંગ્રેસના ચાર અને મુસ્લિમ લીગના ચાર પ્રતિનિધિઓ ભેગા મળીને વિચાર કરે.
જિન્નાનો જવાબ
જિન્નાએ એ જ દિવસે જવાબ આપ્યો કે મને તમારો પત્ર સાંજે છ વાગ્યે મળ્યો. વાઇસરીગલ લૉજમાં આપણી મીટિંગમાં આપણે અમ્પાયર વિશે અને બીજા કેટલાક મુદ્દાઓ પર વાતચીત કરી. ટૂંકી વાતચીત પછી આપણે એવા નિર્ણય પર પહોંચ્યા કે તમે કોન્ફરન્સમાં રજૂ કરેલી આ દરખાસ્ત વિશે આપણે વધુ ચર્ચા કરશું અને તમે અને હું આપણા સાથીઓ સાથે એની અસરો અંગે ચર્ચા કરશું. હું તમને સવારે દસ વાગ્યે વાઇસરીગલ લૉજમાં મળવા તૈયાર છું.
ફરી નહેરુ
તમારો પત્ર મને રાતે દસ વાગ્યે મળ્યો. આપણી વાતચીત પછી મારી એવી છાપ હતી કે અમ્પાયર રાખવાની દરખાસ્ત સૌને મંજૂર છે અને હવે તમે માત્ર નામો સૂચવશો. કૉન્ફરન્સમાં આવી સંમતિ થયા પછી જ આપણે વાત કરી હતી. મારા સાથીઓ તો એમ જ માનીને આગળ વધ્યા અને યોગ્ય નામોની સૂચી તૈયાર કરી. આજે કૉન્ફરન્સ આપણી પાસે આશા રાખશે કે આપણે નામો આપીએ. મુખ્ય મુદ્દો એ છે કે અમ્પાયરનો નિર્ણય અંતિમ માનવાનો હોય. આપણે એ બાબતમાં સંમત છીએ. અમારું સૂચન છે કે આપણે એનાથી શરૂઆત કરીએ અને આજે કૉન્ફરન્સમાં નામો રજૂ કરીએ. તમે કહો છો તેમ હું વધારે વાતચીત માટે તમારા નિવાસસ્થાને સવારે સાડાદસે આવીશ.
જિન્નાની એ જ વાત!
જિન્નાએ જવાબમાં એ જ વાત ફરી કહી – તમારા અને મારા વચ્ચે પંદર કે વીસ મિનિટ વાત થઈ તેમાં તમારી દરખાસ્તનાં કેટલાંક પરિણામોની વાત કરી. આપણે એના પર થોડી ચર્ચા કરી પણ કોઈ સંમતિ નહોતી થઈ, બસ, એટલું જ કે તમે તમારા સાથીઓ સાથે અને હું મારા સાથીઓ સાથે એના વિશે ચર્ચા કરું. મને ખુશી છે કે આજે સવારે સાડાદસે તમે મારે ત્યાં આવશો.
આ પત્રવ્યવહાર આટલો જ ટૂંકો છે પણ એમાંથી જિન્નાની સ્ટાઇલની ખબર પડે છે. સમજૂતી થતી હોવાની છાપ આપવી અને પછી પોતે જે કહ્યું હોય તેનું જુદું અર્થઘટન કરવું. કૉન્ફરન્સમાં એમણે પોતે અમ્પાયર રાખવાનું સૂચન સ્વીકારતા હોવાની છાપ આપી, તે પછી નહેરુ એમને બહાર મળ્યા ત્યારે નામો પર વિચાર કરવા સિવાય શું કરવાનું હતું? અને નહેરુએ માત્ર પોતે અને જિન્ના સંમત થાય એવી છેલ્લી સૂચી બન્નેના ચાર-ચાર સાથીઓ સમક્ષ રજૂ કરીને એમની સંમતિ લીધા પછી કૉન્ફરન્સમાં મૂકવાની વાત કરી. આવી સૂચી બનાવવા માટે જિન્ના પોતે જ પોતાના સાથીઓ સાથે ચર્ચા કરી શકતા હતા. અંતે આ દરખાસ્ત હવામાં ઊડી ગઈ!
કૅબિનેટ મિશન, કોંગ્રેસ અને મુસ્લિમ લીગની ત્રિપક્ષી મંત્રણાઓની ભૂમિકા આ બે પ્રકરણોમાં આપણે બાંધી. હવે એના નિર્ણાયક તબક્કે પહોંચવાનું છે. એ આવતા અઠવાડિયે જોઈશું.
૦૦૦
સંદર્ભઃ
The Indian Annual Register – Jan-June1946 Vol. I