India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-46

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ : ૪૬: સિમલા કૉન્ફરન્સ

૧૯૪૫ના માર્ચમાં લૉર્ડ વેવલ બ્રિટિશ સરકાર સાથે મસલત માટે લંડન ગયો. ૧૪મી જૂને ભારત માટેના પ્રધાન લૉર્ડ ઍમરીએ આમસભામાં નિવેદન કર્યું કે લૉર્ડ વેવલની હાલની મુલાકાત દરમિયાન ભારતની રાજકીય સ્થિતિની ચર્ચા થઈ. બ્રિટન સરકાર ભારતીયો પોતાનું બંધારણ જાતે જ ઘડી શકે તેમાં મદદ કરવા માટે સરકાર બધું કરી છૂટશે, પરંતુ ભારત ઇચ્છતું ન હોય તેવી સ્વશાસન સંસ્થાઓ એના પર ઠોકી બેસાડવી એ કહેણી એક અને કરણી બીજી, એના જેવું થશે. આપણે બ્રિટિશ ઇંડિયાના શાસનમાંથી ધીમે ધીમે હટવા લાગ્યા છીએ ત્યારે આવું કરી ન શકાય અને આપણે બહારથી કંઈ લાદવાની જવાબદારી લેવા તૈયાર નથી. ભારતની મુખ્ય કોમોની ઇચ્છાને અનુકૂળ ન હોય તેવો ફેરફાર કરવાનો પણ સરકારનો ઇરાદો નથી. પરંતુ ભારતની મુખ્ય પાર્ટીઓ કોઈ સમજૂતી કરે અને જાપાન સામેના યુદ્ધને સફળ બનાવવા માટે અને ભારતના પુનર્નિર્માણમાં સહકાર આપવા તૈયાર થાય તો યુદ્ધ પછી આપણે આગળ વધવા તૈયાર છીએ.

ખાસ નોંધવા જેવી વાત એ છે કે બ્રિટન સરકાર બે કોમોની સંમતિ માટે આગ્રહ રાખતી હતી! મુસ્લિમ લીગની પાકિસ્તાનની માગણીથી એ અજાણ નહોતી. ગાંધી-જિન્ના મંત્રણાઓમાં બન્ને વચ્ચેનું “આભજમીનનું અંતર” પણ છતું થયું હતું. આમ છતાં શાંતિને નામે બ્રિટન બન્ને કોમો વચ્ચે સમજૂતીની વાત કરતું હતું. આ વાતો જિન્નાની તરફેણમાં જતી હતી. બ્રિટન સરકાર કોંગ્રેસની વિરુદ્ધ મુસ્લિમ લીગનો ઉપયોગ કરતી હતી.

એ જ દિવસે વાઇસરૉય વેવલે ભારતમાં એક રેડિયો બ્રોડકાસ્ટમાં કહ્યું: મને નામદાર સમ્રાટની સરકારે હિન્દુસ્તાની નેતાઓ સમક્ષ રાજકીય સ્થિતિને હળવી બનાવવા અને પૂર્ણ સ્વશાસનના ધ્યેય તરફ અગળ વધવા માટે યોગ્ય દરખાસ્તો રજૂ કરવાનો અખત્યાર આપ્યો છે.” વાઇસરૉયે રાજકીય અભિપ્રાયવાળા પ્રતિનિધિઓને લઈને પોતાની નવી એક્ઝીક્યુટિવ કાઉંસિલ બનાવવાની તૈયારી દેખાડી. કાઉંસિલમાં માત્ર વાઇસરૉય અને કમાંડર-ઇન-ચીફ સિવાય બધા સભ્યો ભારતીય હશે. કાઉંસિલમાં પ્રતિનિધિત્વ કઈ રીતે હોવું જોઈએ તેની ચર્ચા સિમલા કૉન્ફરન્સમાં કરવાની હતી. વેવલે સૂચવ્યું કે એને પોતાની કાઉંસિલ પસંદ કરવાનો હક છે પણ હવે એના માટે રાજકીય નેતાઓની સલાહ લેવાનો એનો વિચાર છે. એમાં સવર્ણ હિન્દુઓ અને મુસલમાનોને એકસરખું પ્રતિનિધિત્વ અપાશે. વાઇસરૉયે કહ્યું કે બંધારણ વિશે સમાધાન શોધવાનો કે લાદવાનો આ પ્રયાસ નથી. સમ્રાટની સરકારને વિશ્વાસ છે કે ભારતના પક્ષોના નેતાઓ કોમી સમસ્યાના સમાધાન માટે પરસ્પર સમજૂતી સાધી શકશે. ભારતને સ્વશાસન આપવામાં એ જ આડે આવે છે. ભારત સામે બહુ મોટી તકો પડેલી છે, તે સાથે જ બહુ મોટી સમસ્યાઓ પણ છે, જેનો ઉકેલ સહિયારા પ્રયાસોથી જ આવી શકે. વેવલે કહ્યું કે પહેલી જ વાર વિદેશ ખાતું પણ ભારતીય પ્રતિનિધિને સોંપાશે. આ કાઉંસિલ અત્યારના બંધારણ પ્રમાણે બનશે અને એમાં ગવર્નર જનરલને સંપૂર્ણ નિયંત્રણની સત્તા મળી છે તે છોડવાનો સવાલ જ નથી પણ એ સત્તાનો ઉપયોગ ગેરવાજબી રીતે નહીં કરાય.

વાઇસરૉયે એ પણ સ્પષ્ટ કર્યું કે આ વ્યવસ્થાની અસર ભવિષ્યની યોજનાઓ પર નહીં પડે. નવી એક્ઝીક્યુટિવ કાઉંસિલનું કામ સૌ પહેલાં તો જાપાનને સંપૂર્ણ શિકસ્ત આપવા માટે તમામ શક્તિ કામે લગાડવાનું રહેશે. બીજું, કાયમી બંધારણ અમલમાં આવે ત્યાં સુધી યુદ્ધ પછીના વિકાસ માટેનાં કાર્યો કરવાનાં રહેશે. ત્રીજું, નેતાઓ એ પણ વિચારશે કે સમાધાન કઈ રીતે કરવું, અને આ ત્રીજું કામ સૌથી મહત્ત્વનું છે.

વેવલે પાર્ટીઓના જે નેતાઓને આમંત્રણ આપવાનાં હતાં તેમનાં નામ પણ જાહેર કર્યાં અને કોંગ્રેસના નેતાઓને છોડી મૂકવાની પણ જાહેરાત કરી. એણે પ્રાંતિક સરકારોના પ્રીમિયરો, અથવા જે પ્રાંતોમાં પ્રધાનમંડળો રાજીનામાં આપી ચૂક્યાં હતાં અને પ્રાંતમાં ગવર્નરનું શાસન હોય ત્યાંના ભૂતપૂર્વ પ્રીમિયરો, સેંટ્રલ ઍસેમ્બ્લીમાં કૉગ્રેસના નેતા અને મુસ્લિમ લીગના ઉપનેતા. કાઉંસિલ ઑફ સ્ટેટમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓ અને ઍસેમ્બ્લીમાં નૅશનાલિસ્ટ પાર્ટીના નેતાઓને આમંત્રણ આપ્યું. તે ઉપરાંત ગાંધીજી અને જિન્નાને માન્ય નેતાઓ તરીકે ખાસ આમંત્ર્યા. શિડ્યૂલ્ડ ક્લાસિસના પ્રતિનિધિ તરીકે રાવ બહાદુર એન. શિવ રાજ અને શીખોના પ્રતિનિધિ તરીકે માસ્ટર તારા સિંઘને આમંત્રણ અપાયાં. હિન્દુ મહાસભાને વેવલે આમંત્રણ ન આપ્યું; એ જ રીતે ડૉ. આંબેડકરને પણ બાકાત રખાયા. વેવલે આમંત્રણ માટે જે માપદંડ લાગુ કર્યો તેમાં તો નહેરુ પણ ગોઠવાતા નહોતા, એટલું જ નહીં પણ કોંગ્રેસ પ્રમુખ મૌલાના આઝાદને પણ એ કારણે આમંત્રણ નહોતું મોકલ્યું.

બીજા જ દિવસે ૧૫મી જૂને જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, આચાર્ય નરેન્દ્ર દેવ અને કોંગ્રેસ પ્રમુખ મૌલાના અબુલ કલામ આઝાદને છોડી મુકાયા. લગભગ ત્રણ વર્ષ જેલમાં ગાળીને કોંગ્રેસ નેતાઓ બહાર આવ્યા હતા ગાંધીજી એ વખતે પંચગનીમાં હવાફેર માટે રોકાયા હતા. વાઇસરૉયના રેડિયો સંદેશ પછી તરત એમને એ વાંચવા મળ્યો. એમણે તરત વાઇસરૉયના સેક્રેટરીને તાર મોકલીને કહ્યું કે પોતે કોંગ્રેસના સભ્ય નથી એટલે કોંગ્રેસનું પ્રતિનિધિત્વ ન કરી શકે. એ કામ કોંગ્રેસ પ્રમુખનું અથવા તો એ જેમને નીમે તેનું છે. બીજા દિવસે એમણે વાઇસરૉયને પણ તાર મોકલ્યો. તેમાં એમણે વાઇસરૉયે સવર્ણ હિન્દુઓનો ઉલ્લેખ કર્યો હતો તેની ચર્ચા કરતાં કહ્યું કે સવર્ણ કે અવર્ણ હિન્દુઓ જેવા કોઈ ભાગ નથી. હિન્દુ મહાસભા, કે જે હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરતી હોવાનું કહે છે, તે પણ એમ નહીં માને કે એ માત્ર સવર્ણ હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરે છે. ગાંધીજીએ બીજો વાંધો એ લીધો કે બ્રોડકાસ્ટમાં મહામહેનતે ‘સ્વતંત્રતા’ શબ્દને આવવા નથી દેવાયો. આટલું કહીને એમણે આટલા ફેરફારની માગણી કરી.

વાઇસરૉયે જવાબ આપ્યો કે તમારી ‘ટેકનિક્લ’ સ્થિતિ જે હોય તે, તમારી મદદ મને બહુ કામની છે. કોંગ્રેસના પ્રતિનિધિત્વ અંગે તમે સલાહ મસલત કરીને મને જાણ કરશો તો સારું. વાઇસરૉયે બ્રોડકાસ્ટ પછી તરત ગાંધીજીને તાર મોકલીને કૉન્ફરન્સથી એક દિવસ પહેલાં ૨૪મીએ બપોરે ત્રણ વાગ્યે સિમલામાં મળવાનું આમંત્રણ પણ આપ્યું. વેવલે કહ્યું કે તમારો ઉતારા માટે ‘એમ્સ્બેલ’ નામનો બંગલો મેં ભાડી લીધો છે.

બીજા એક તાર દ્વારા વેવલે ગાંધીજીને વિનંતિ કરી કે મૌલાના આઝાદને પણ બેઠકમાં હાજર રહેવાનું આમંત્રણ તેઓ પહોંચાડી દે. ૧૮મી જૂને વેવલે બીજા તાર દ્વારા ગાંધીજીને જાણ કરી કે મૌલાનાને આમંત્રણ મળી ગયું હોવું જોઈએ અને એના માટે તાર પણ કરી દીધો છે. એક તારમાં વેવલે સ્પષ્ટતા કરી કે ‘સવર્ણ હિન્દુ’ શબ્દો આક્ષેપની ભાષામાં નહોતા વાપર્યા. એનો અર્થ એ છે કે શિડ્યૂલ્ડ કાસ્ટના પ્રતિનિધિઓને છોડીને બાકીના હિન્દુઓ અને મુસલમાનોનું પ્રતિનિધિત્વ સરખું હોવું જોઈએ. ‘સ્વતંત્રતા’ શબ્દ ન હોવા વિશે વેવલનો જવાબ હતો કે લૉર્ડ ઍમરીએ ૧૪મી જૂને આમસભામાં પોતાના નિવેદનમાં કહ્યું છે કે માર્ચ ૧૯૪૨ની ઑફર હજી ઊભી છે. ઑફરના પાયામાં બે સિદ્ધાંતો છેઃ એક તો, કૉમનવેલ્થના સ્વાધીન સાથી તરીકે અથવા કૉમનવેલ્થની બહાર પોતાનું ભાવિ નક્કી નક્કી કરવાની સ્વતંત્રતા પર કોઈ નિયંત્રણ નથી. બીજું, ભારતીયો પક્ષકાર બનીને જાતે બંધારણ કે બંધારણો બનાવે તો (પહેલો સિદ્ધાંત) શક્ય બને.

બ્રોડકાસ્ટમાં ફેરફાર કરવાનું વ્યવહારુ નથી અને એ તો માત્ર સમાધાન શોધવાની મારી ભાવનાનું સાદું નિવેદન છે. કૉન્ફરન્સ પહેલાં આવી ચર્ચાઓ કરવાનું સલાહભર્યું નથી. ગાંધીજીના કહેવા પ્રમાણે વાઇસરૉયે એમના વચ્ચે તારોની આપ-લે થઈ હતી તે બધા છાપાંજોગ પ્રકાશિત કર્યા.

સિમલા કૉન્ફરન્સ

૨૫મી જૂન, સોમવારની સવારે બેઠક શરૂ થઈ. વાઇસરૉયે પોતાના ટૂંકા ભાષણમાં બધા પક્ષોને પોતાનાં વેરઝેર ભૂલી જઈને સમજૂતી સાધવા અપીલ કરી. તે પછી મૌલાના આઝાદે કોંગ્રેસના દૃષ્ટિકોણની સ્પષ્ટતા કરી. એમણે કહ્યું કે આ વ્યવસ્થા તદ્દન હંગામી અને વચગાળાની હશે એવી ખબર છે અને આ વ્યવસ્થાને ભવિષ્યની વ્યવસ્થા માટેના દાખલા તરીકે નહીં ગણાય એમ માનીએ છીએ પરંતુ કોંગ્રેસ એક રાષ્ટ્રીય સંસ્થા છે અને એને કોમવાદી ચીતરવાનો કોઈ પણ પ્રયાસ અમને મંજૂર નથી. અમે આવા કોઈ પણ પ્રયાસમાં સામેલ નહીં થઈએ. આ વચગાળાની વ્યવસ્થા ભારતની સ્વતંત્રતાના લક્ષ્ય તરફનું ડગલું છે એવી જાહેરાતને હું બહુ જ મહત્ત્વની ગણું છું. કોંગ્રેસ વર્કિંગ કમિટી જે કંઈ નિર્ણય લેશે તેને AICCએ મંજૂરી આપવાની રહેશે પણ હજી એના પર પ્રતિબંધ છે અને અમારા ઘણા સાથીઓ જેલમાં છે. આ અમારા માર્ગમાં બહુ મોટો અવરોધ છે.

તે પછી બેઠક ત્રીજા દિવસે, ૨૭મી બુધવારે મળી. મંગળવારે નેતાઓ અનૌપચારિક વાતચીતો કરવા માગતા હતા.

ફરી એક દિવસનો ખાડો પડ્યો. ૨૯મીએ બે કલાક માટે બેઠક મળી તેમાં બધા પક્ષોએ એક્ઝીક્યુટિવ કાઉંસિલ માટે પોતાનાં નામો આપવાનાં હતાં પણ કોંગ્રેસ અને મુસ્લિમ લીગને નામો નક્કી કરવા માટે બે અઠવાડિયાનો સમય આપીને કૉન્ફરન્સ મોકૂફ રાખી દેવાઈ.

કોંગ્રેસ પ્રમુખે નામો નક્કી કરવા માટે સિમલામાં જ વર્કિંગ કમિટીની મીટિંગ બોલાવી.

સિમલા કૉન્ફરન્સ નિષ્ફળઃ જિન્ના જવાબદાર

૧૪મી જુલાઈએ બધા ફરી એકઠા થયા ત્યારે વાઇસરૉયે કૉન્ફરન્સ નિષ્ફળ ગઈ હોવાનું જાહેર કર્યું અને કહ્યું કે જિન્નાએ ઍક્ઝીક્યુટિવ કાઉંસિલ માટે લીગના પ્રતિનિધિઓનાં નામ ન આપ્યાં તેથી આખી કાઉંસિલની રચના કરવાનું શક્ય ન બન્યું. વાઇસરૉય લૉર્ડ વેવલનું નિવેદન ટૂંકમાં જોઈએઃ

“મને બધા પક્ષો તરફથી નામો મળી ગયાં, માત્ર યુરોપિયન જૂથ અને મુસ્લિમ લીગ તરફથી નામો ન મળ્યાં. યુરોપિયન જૂથે તો નામો ન આપવાનું નક્કી કર્યું એટલે ન આપ્યાં, પરંતુ મુસ્લિમ લીગ તરફથી નામ ન મળતાં મેં પોતે જ લીગના પ્રતિનિધિઓનાં નામ જાતે જ નક્કી કરીને તૈયાર રાખ્યાં. મને ખાતરી છે કે આ નામોને અહીં મંજૂરી મળી હોત તો નામદાર સમ્રાટની સરકાર પણ એનો સ્વીકાર કરી લેત. જો કે, બધા પક્ષોના બધા દાવા પૂરેપૂરા સ્વીકારવાનું શક્ય નહોતું. મેં મારો ઉકેલ જિન્ના સમક્ષ મૂક્યો ત્યારે એમણે કહ્યું કે મુસ્લિમ લીગને એ સ્વીકાર્ય નથી અને એ એટલા મક્કમ હતા કે મને લાગ્યું કે ચર્ચા ચાલુ રાખવાનું ઉપયોગી નહીં થાય. એ સંયોગોમાં મેં એમને મારી સૂચી ન દેખાડી.

વાઇસરૉય પછી બોલતાં મૌલાના આઝાદે વાઇસરૉયના પ્રયાસની પ્રશંસા કરી અને કહ્યું કે એમણે કૉન્ફરન્સની નિષ્ફળતાની જવાબદારી લીધી છે તે હિંમતનું કામ છે પણ ખરી જવાબદારી એમની નહીં, બીજાઓની હતી.

બધા પક્ષો મુસ્લિમ લીગ સાથે સમાધાન કરી શકે તે માટે લૉર્ડ વેવલે મીટિંગ મુલતવી રાખી તે સારું જ કર્યું. પણ મુસ્લિમ લીગનો દાવો હતો કે બીજા કોઈ પણ મુસ્લિમ પ્રતિનિધિનું નામ ન આપી શકે, માત્ર મુસ્લિમ લીગને જ એ અધિકાર મળવો જોઈએ. હું પોતે મુસલમાન છું અને કોંગ્રેસ માત્ર હિન્દુઓની સંસ્થા બની રહે તે મને મંજૂર નથી. મુસલમાનોના ભલા માટે કામ કરવાનો કોંગ્રેસને અધિકાર છે. એટલે એ દેખીતું છે કે કૉન્ફરન્સની નિષ્ફળતા માટે કોણ જવાબદાર છે.

મૌલાનાએ વાઇસરૉયને પણ સંભળાવી દીધું. આજે દેશમાં જે કોમવાદ ફેલાયો છે તેની જવાબદારીમાંથી બ્રિટિશ સરકાર બચી ન શકે. જ્યાં સુધી ત્રીજો પક્ષ દેશમાં રહેશે ત્યાં સુધી સ્થિતિ સુધરવાની નથી. વાઇસરૉયનું વલણ ઢીલું રહ્યું. આવી ઢચુપચુ રીત સાચી પણ નથી અને ઉપયોગી પણ નથી. ખંચકાટ અને નબળાઈથી ઉકેલ ન જડે.

નિષ્ફળતા વિશે જિન્ના

૧૪મી જુલાઈએ જ જિન્નાએ પત્રકાર પરિષદની નિષ્ફળતા માટે બધો દોષ, ગાંધીજી, કોંગ્રેસ અને પંજાબના પ્રીમિયર ખિઝર હયાત ખાન અને ગવર્નર ગ્લૅન્સી પર નાખ્યો. એમણે લૉર્ડ ઍમરીનું નામ લીધા વગર જ એમની ભારતની ભૌગોલિક અખંડતાની દલીલની પણ ટીકા કરી. જિન્નાએ કહ્યું કે વેવલ પ્લાન પાકિસ્તાનની માંગને દબાવી દેવા માટે હતો. ગાંધીજીના નેતૃત્વ હેઠળની હિન્દુ કોંગ્રેસ એમાં વાઇસરૉયના સગરિત તરીકે કામ કરતી હતી. પંજાબના પ્રીમિયર ખિઝર પર એમને એટલા માટે રોષ હતો કે એમની યુનિયનિસ્ટ પાર્ટી જિન્નાનો દ્વિરાષ્ટ્ર સિદ્ધાંત નહોતી માનતી. પંજાબમાં એના જ ખભે ચડીને મુસ્લિમ લીગ આગળ વધી હતી. પંજાબનો ગવર્નર ગ્લૅન્સી પણ જોઈ શકતો હતો કે પંજાબમાં કોમી ઝેર નહોતું ફેલાયું. એનો એવો પણ આગ્રહ હતો કે વેવલ પોતાની ઍક્ઝીક્યુટિવ કાઉંસિલમાં યુનિયનિસ્ટ પાર્ટીના પ્રતિનિધિનો પણ સમાવેશ કરે. એનો અર્થ એ કે કોંગ્રેસ કોઈ મુસલમાનનું નામ આપે તો પોતે એકલા જ મુસલમાનોના પ્રતિનિધિ હોવાનો દાવો ખોટો પડે. યુનિયનિસ્ટ પાર્ટીને સ્થાન મળે તો પંજાબમાં મુસ્લિમ લીગનું શું થાય?

(જિન્ના અને ખિઝર હયાત ખાન વચ્ચેની તકરાર માટે પ્રકરણ-૪૨/૧૦.૬.૨૦૨૧ જૂઓ).

જિન્ના પોતાને મુસ્લિમોના એકમાત્ર પ્રતિનિધિ તરીકે સ્થાપિત કરવા માગતા હતા. મૌલાના આઝાદે કોંગ્રેસને સૌની રાષ્ટ્રીય સંસ્થા ગણાવીને મુસલમાન તરીકે કહ્યું કે કોંગ્રેસ માત્ર હિન્દુઓની સંસ્થા નથી. જિન્નાની મહેચ્છાઓમાં આ બધું આડે આવતું હતું. જિન્ના આવો બચાવ કરીને આડકતરી રીતે વેવલનો આક્ષેપ સ્વીકારતા હતા કે સિમલા કૉન્ફરન્સની નિષ્ફળતા માટે એ પોતે જ જવાબદાર હતા!

૦૦૦

સંદર્ભઃ

The Annual Indian Register Jan-Jun 1947 Vol. I

Collected Works of Mahatma Gandhi Vol. 80

http://pu.edu.pk/images/journal/studies/PDF-FILES/Artical-1-Vol-12-1-2011.pdf


%d bloggers like this: