India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-43

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ :૪૩: ગાંધીજીની બિનશરતી મુક્તિ અને રાજાજીની ફૉર્મ્યુલા

જિન્ના ૨૭મી ઍપ્રિલે ખિઝર હયાત ખાનના હાથમાંથી યુનિયનિસ્ટ પાર્ટીને ઝુંટવી લેવાની મહેનત કરતા હતા ત્યારે દેશને સમાચાર મળ્યા કે ગાંધીજી આગાખાન મહેલની જેલમાં મૅલેરિયામાં પટકાયા છે. મુંબઈ પ્રાંતની સરકારે નિયમિત બુલેટિનો આપવાનું શરૂ કરી દીધું હતું. આ સ્થિતિમાં ગાંધીજીને છોડવાની માંગ પ્રબળ બનવા લાગી. અંતે ૬ઠ્ઠી મેના રોજ સરકારે ગાંધીજીને તબિયતને કારણે વિના શરતે છોડી મૂક્યા.

એ દરમિયાન ખાકસાર નેતા અલ્લમા મશરીકીએ ગાંધીજીને પત્ર લખીને જિન્નાને મળવાનો એમને આગ્રહ કર્યો. ગાંધીજીએ કહ્યું કે મેં કાયદે આઝમને મળવાની ઑફર કરી હતી તે હજી ઊભી જ છે અને મને સારું થઈ જશે તે પછી હું એમને જેમ બને તેમ જલદી મળવા તૈયાર છું. એમણે જિન્નાને જેલમાંથી લખેલો પત્ર પણ જાહેર જનતા માટે પ્રકાશિત કર્યો. ગાંધીજીએ પત્રમાં લખ્યું હતું કે તમે અને હું શા માટે સાથે મળીને કોમી એકતાના યક્ષ પ્રશ્નનું સૌને કામ આવે એવું સમાધાન શોધવાના દૃઢ સંકલ્પવાળી બે વ્યક્તિ તરીકે પ્રયત્ન કેમ ન કરી શકીએ?

ગાંધીજીને છોડ્યા પછી બીજા કોંગ્રેસ આગેવાનોનું શું? બ્રિટનની આમસભામાં આ સવાલનો લૉર્ડ ઍમરીએ એવો જવાબ આપ્યો કે ગાંધીજીને માત્ર તબીયતના કારણે સરકારે છોડ્યા છે એટલે બીજા કોંગ્રેસ આગેવાનોને છોડાશે નહીં. કોંગ્રેસ અને એના નેતાઓ સામે સરકારે હિંસા માટે જવાબદાર હોવાના આક્ષેપ કર્યા હતા તે ચાલુ રહ્યા.

રાજાજીની ફૉર્મ્યુલા

પરંતુ, રાજગોપાલાચારી તો કોંગ્રેસથી અલગ પડી ગયા હતા અને જિન્નાની મુસલમાનોના આત્મનિર્ણયના હકની માગણીને માની લીધી હતી. એમણે તો જેલમાં ગાંધીજી બીમાર પડ્યા તે પહેલાં જ, આઠમી ઍપ્રિલે જિન્નાને પત્ર લખીને પોતાની ફૉર્મ્યુલા મોકલી આપી હતી. ગાંધીજીએ પણ આ ફૉર્મ્યુલા જિન્નાને મોકલવાની છૂટ આપી દીધી હતી. એમની ફૉર્મ્યુલા આ હતીઃ

ગાંધીજી અને જિન્ના સંમત થાય તે રીતે કોંગ્રેસ અને લીગ વચ્ચે સમાધાનની શરતો નક્કી કરવી અને તેઓ બન્ને, કોંગ્રેસ અને લીગને એનો સ્વીકાર કરવા સમજાવે.

. સ્વાધીન ભારતનું બંધારણ બનાવવાની કોંગ્રેસની માંગને મુસ્લિમ લીગ ટેકો આપે અને વચગાળાની સરકાર બનાવવામાં કોંગ્રેસને સહકાર આપે. (એના નિયમો પણ એમણે નીચે પ્રમાણે દર્શાવ્યા).

. યુદ્ધ સમાપ્ત થાય તે પછી એક કમિશન નીમવું જે ઉત્તર-પશ્ચિમ અને પૂર્વ ભારતમાં સ્પષ્ટ મુસ્લિમ બહુમતીવાળા જિલ્લાઓ અંકિત કરે અને ત્યાં લોકમત લેવાય જેમાં ત્યાંના બધા લોકો પુખ્ત મતાધિકારને ધોરણે લોકમતમાં મતદાન કરે અને હિન્દુસ્તાનથી અલગ થવું કે નહીં તે નક્કી કરે બહુમતી અલગ સાર્વભૌમ રાજ્ય બનાવવાની તરફેણ કરે તો એ નિર્ણય લાગુ કરવો પણ એને અડકીને આવેલા જિલ્લાઓને પણ એ અધિકાર મળવો જોઈએ કે એ સાર્વભૌમ રાજ્યમાં જોડાવું કે નહીં.

. લોકમત લેતાં પહેલાં બધા પક્ષોને પોતાના વિચારો લોકો સમક્ષ મૂકવાની અને પ્રચાર કરવાની છૂટ આપવી.

. અલગ થવાનું હોય તો સંરક્ષણ, વ્યાપાર અને સંદેશવ્યવહાર વગેરે માટે પરસ્પર સમજૂતીઓ કરવી.

. વસ્તીની હેરફેર સંપૂર્ણપણે સ્વૈચ્છિક હોવી જોઈએ.

. બ્રિટન બધી સત્તાઓ અને જવાબદારીઓ સોંપવા તૈયાર હોય તો જ આ શરતોને બંધનકર્તા ગણવી.

જિન્નાએ આઠમી તારીખના આ પત્રના જવાબમાં રાજાજીની દરખાસ્તોનો અસ્વીકાર કર્યો. રાજાજીએ એમને ૧૭મી ઍપ્રિલે ફરી પત્ર મોકલીને જિન્નાના ઇનકાર માટે નિરાશા વ્યક્ત કરી અને ખાતરી આપી કે ગાંધીજી હજી પણ એને ટેકો આપે છે. રાજાજીએ ૩૦મી જૂને તાર મોકલ્યો. જિન્નાએ ૨ જુલાઈએ વળતો તાર મોકલીને કહ્યું કે મેં તમારી યોજનાનો સ્વીકાર નથી કર્યો એવું તમારું અર્થઘટન ખોટું અને અન્યાયી છે. હું એને મુસ્લિમ લીગની વર્કિંગ કમિટી સમક્ષ મૂકવા માગતો હતો પણ તમે મને એમ કરવા ન દીધું. હું અંગત રીતે તમારી યોજનાનો સ્વીકાર કે અસ્વીકાર કરું તે ન ચાલે. મારું વલણ આજે પણ એ જ છે. મિ. ગાંધી આજે પણ પોતાની દરખાસ્તો સીધી મને મોકલશે તો હું એ વર્કિંગ કમિટી સમક્ષ મૂકવા તૈયાર છું.

રાજાજીએ ૪ જુલાઈએ તારથી જવાબ આપ્યો કે મેં એમ માન્યું કે તમે ના પાડી. ગાંધીજી આ દરખાસ્તને ટેકો આપે છે, જો કે એમને એવો અધિકાર નથી મળ્યો પણ એમનું વજન કોંગ્રેસને સમજાવવામાં કામ આવશે. તમે લીગની કાઉંસિલ સમક્ષ મૂકવા નહોતા માગતા અને તમારી પોતાની સંમતિ ન હોય તો આવી લાંબી પ્રક્રિયાનો કંઈ અર્થ નથી. જિન્નાએ પણ તારથી જવાબ આપ્યો કે એમનું વલણ ૨ જુલાઈના તારમાં છે તે જ રહે છે.

રાજાજીએ જવાબ આપ્યો કે હવે અંગત પત્રવ્યવહાર અહીં પૂરો થાય છે અને હું તમારી સાથે પાંચમી તારીખ સુધી થયેલો પત્રવ્યવહાર જાહેરમાં મૂકું છું.

ગાંધીજી અને રાજાજી પર ટીકાની ઝડીઓ

પત્રવ્યવહાર લોકો સમક્ષ આવતાં જ રાજાજી પર ટીકાની ઝડીઓ વરસી, એટલું જ નહીં, ગાંધીજી પણ એનાથી ખરડાયા. લોકોનું કહેવું હતું કે રાજાજીએ પાકિસ્તાનની માગણી માની લીધી છે, તે પછી તો હાંસિયા પરના મુદ્દાઓની ચર્ચા કરવા માટે એમણે આ યોજના રજૂ કરી છે. ગાંધીજી આવી યોજના પર ચર્ચા કરવાની સંમતિ કેમ આપી શક્યા? ગાંધીજીના અનેક નિર્ણયો અથવા કાર્યપદ્ધતિ સાથે સંમત ન થાય તેવા ઘણા લોકો હતા પણ કોઈ એમ ન કહેતા કે ગાંધીજીએ શરણાગતી સ્વીકારી લીધી. હવે તો રાજાજી જિન્નાને ખાતરી આપતા હતા કે ગાંધીજી પોતે આ સ્વીકારે છે અને કોંગ્રેસને પણ મનાવી લેશે!

શ્રીનિવાસ શાસ્ત્રીની ટીકા

રાજાજીએ પહેલી વાર જ્યારે કોંગ્રેસમાં મુસ્લિમ લીગની માંગ માની લેવાની ફૉર્મ્યુલા મૂકી ત્યારે ગાંધીજીએ એનો સખત વિરોધ કર્યો હતો. આમ છતાં રાજાજી એવું જ કહેતા રહ્યા કે હિન્દુ મહાસભા સિવાય એનો ક્યાંય વિરોધ નથી થતો. પણ એ સાચું નહોતું. શીખોએ એનો જોરદાર વિરોધ કર્યો. રાજાજી પંજાબના ભાગલા કરવા જોઈએ એવી જિન્નાની વાત માની ગયા હતા અને શીખો પર એની સૌથી વધારે અસર થાય એમ હતું. કોંગ્રેસ પછી લિબરલ પાર્ટી જ એવી હતી કે જે કોમવાદી નજરે વિચાર નહોતી કરતી. લિબરલ પાર્ટીના નેતા અને ગાંધીજીના મિત્ર વી. એસ. શ્રીનિવાસ શાસ્ત્રીએ રાજાજીની ફૉર્મ્યુલાના એક એક વાક્યનું વિશ્લેષણ કરીને એનાં ચીંથરાં કરી નાખ્યાં. શ્રીનિવાસ શાસ્ત્રીએ કેટલાક મહત્ત્વના મુદ્દા રજૂ કર્યાઃ

– લાહોર ઠરાવમાં એક ‘પાકિસ્તાન’ની વાત નથી; એમાં મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતોનું ‘રાજ્ય’ નહીં, ‘રાજ્યો’ બનાવવાની વાત છે. એટલે બે રાજ્યો તો બનશે જ પણ મુસ્લિમ બહુમતીવાળા જિલ્લા બહુ નજીક નહીં હોય તો કોરિડોર પણ આપવો પડશે. એટલે સ્પષ્ટ શબ્દોમાં ન કહ્યું હોય તો પણ ત્રીજું કે ચોથું રાજ્ય પણ બની શકે એવો લાહોર ઠરાવનો ગર્ભિતાર્થ છે.

– લોકમત તો જ્યાં મુસલમાનોની સ્પષ્ટ બહુમતી છે ત્યાં જ લેવાનો હોય તો એનું પરિણામ તો લોકમત પહેલાં જ નક્કી થઈ જશે.

– હમણાં સુધી કોંગ્રેસ મુસ્લિમ લીગને મુસલમાનોની એકમાત્ર પ્રતિનિધિ નહોતી માનતી પણ હવે મહાત્માજી અને રાજાજીએ માની લીધું છે કે મુસ્લિમ લીગ જ મુસલમાનોની એકમાત્ર પ્રતિનિધિ છે.

– હવે જિન્ના અને ગાંધીજી આના આધારે સંમત થાય – અને લીગ અને કોંગ્રેસને પણ મનાવી લે – તો કોંગ્રેસે લોકો પાસે જવું પડશે. સરકાર પણ એમની ફૉર્મ્યુલા સ્વીકારી લે તોય એ વખતે હિન્દુ મહાસભા અને શીખો એનો વિરોધ કરશે. પરંતુ જે ફૉર્મ્યુલા સ્વીકારી હોય તે લાગુ કરવા માટે વિરોધને દબાવી દેવો પડે. એનો અર્થ એ કે આ બન્ને મહાન નેતાઓ હિન્દુ મહાસભા અને શીખોને કચડી નાખવામાં સરકારને મદદ કરશે.

– લોકમત લેતાં પહેલાં મુસ્લિમ લીગના નેતાઓ ત્યાં પ્રચાર માટે જશે. બીજી બાજુ, ત્યાંના હિન્દ્દુઓ પાકિસ્તાનનો વિરોધ કરશે. એ વખતે કોંગ્રેસે ભાગલા સ્વીકારી લીધા હોવાથી ત્યાં જઈને શું કહેશે?

આવા કેટલાક મુદ્દા શ્રીનિવાસ શાસ્ત્રીએ ઊભા કર્યા. એમણે એ પણ કહ્યું કે બ્રિટિશ તાજ સાથેની સમજૂતી પ્રમાણે રજવાડાંઓને રક્ષણ મળે છે. અલગ રાજ્યો બન્યા પછી એ કયા રાજ્ય પાસે રક્ષણ માગશે? એમને તો ભાગલા ન થાય તેમાં જ રસ હશે કે જેથી બ્રિટિશ તાજ સાથે થયેલી સમજૂતી નવી સત્તાને વારસા તરીકે મળે.

બીજા કેટલાક નેતાઓ એવી ટીકા કરતા હતા કે રાજાજી પંજાબથી બહુ દૂર છે. એમને પંજાબ વિશે કંઈ પણ દરખાસ્ત મૂકવાનો અધિકાર શું? હિન્દુ સંગઠનો, શીખ સંગઠનો, બ્રિટિશ રાજકારણીઓ વગેરે સૌ કોઈ રાજાજીની ફૉર્મ્યુલાની ટીકા કરતા હતા અને ગાંધીજી પર પણ પસ્તાળ પડતી હતી.

રાજાજીનો જવાબ

રાજાજીએ આ ટીકાઓનો જવાબ આપ્યો તે ટૂંકમાં આ પ્રમાણે છેઃ

બ્રિટન અને અમેરિકામાં એ ચિંતા હતી કે આઝાદ ભારત યુદ્ધમાં શું કરશે? ગાંધીજીને એક સવાલ પુછાયો કે ભારતની આઝાદી માગો છો તેના પરથી એમ સમજવું કે આઝાદ ભારત તરત જ જાપાન સામે લડાઈમાં ઝંપલાવશે? ગાંધીજીનો જવાબ એક શબ્દમાં હતોઃ Yes!

એ જ રીતે ન્યૂ સ્ટેટ્સમૅન અખબારે લખ્યું કે ગાંધીજીએ મુસ્લિમ લીગની મધ્યવર્તી માગણી સ્વીકારી લીધી છે અને યુદ્ધમાં બ્રિટન સાથે સહકાર કરવાની સલાહ આપી છે.

ગાંધીજીએ જે દરખાસ્તોને ટેકો આપ્યો છે તેમાં મુસ્લિમ લીગના લાહોર ઠરાવની બધી મુખ્ય બાબતો આવી જાય છે. હવે એ આડશ નથી, સિવાય કે આડશો ઊભી કરવાના હેતુથી કોઈ આડશો ઊભી કરે તો એ જુદી વાત છે પણ મુસ્લિમ લીગ પાસે એને નકારવાનાં કોઈ કારણ નથી.

રાજાજીએ કહ્યું કે સાવરકરે હિન્દુ સંગઠનવાદીઓને મારી ફૉર્મ્યુલાનો વિરોધ કરવા હાકલ કરી છે. સાવરકર હિન્દુ સંગઠનવાદીઓ પર એવી ફરજ નાખી શકે છે પણ હિન્દુસ્તાની સંગઠનવાદીઓની ફરજ શું છે? અમે આઝાદ થવા માગીએ છીએ, માત્ર મુસલમાનો વિરુદ્ધ સંગઠિત થવું એ અમારું લક્ષ્ય નથી.

કહેવાય છે કે હું પંજાબ અને બંગાળથી બહુ દૂર છું, એટલે એના વિશે શું કરવું તે ત્યાંના લોકો પર જ છોડી દેવું જોઈએ. રાજાજીએ કહ્યું કે એમની ફૉર્મ્યુલામાં એ નિર્ણય ત્યાંના લોકો પર જ છોડ્યો છે અને લોકમત લેવાની માંગ કરી છે. હું દૂર છું તો શું ગાંધીજી પણ દૂર છે? અને શું બ્રિટન નજીક છે? તમારે આધાર તો બ્રિટન પર રાખવાનો છે કે એ શું કરશે? અત્યારે પણ પાકિસ્તાનને નામે ત્યાં જે થાય છે તે જોતાં આ સમસ્યા ઉકેલવી ન જોઈએ?

રજવાડાંઓ ભારતમાં એક જ કેન્દ્રીય સત્તાને પસંદ કરશે એવી ટીકાનો રાજાજી આકરો જવાબ આપ્યો. એમણે કહ્યું કે આ રાજાઓએ કરેલાં નિવેદનો આપણે સૌએ વાંચ્યાં છે. એમાં બહુ જ સર્વસામાન્ય વાતો સિવાય કંઈ નથી. એમણે બ્રિટનની સર્વોપરિતાને બદલે ભારતીય લોકશાહીને સર્વોપરિ માનવાનો સંકેત પણ નથી આપ્યો. રાજાઓના પ્રતિનિધિઓ ક્રિપ્સ મિશનને મળ્યા ત્યારે પણ એમણી બ્રિટન સાથેની સંધિઓ પ્રમાણે રાજાઓને મળેલા અધિકારોના ઉપયોગની વાત કરી. પણ એ લોકો આ અધિકારોનો ઉપયોગ રાષ્ટ્રીય ભાવનાઓને પ્રોત્સાહન આપવા માટે નહોતા કરવા માગતા, દેશી રાજ્યોમાં લોકો દ્વારા ચાલતાં લોકશાહી આંદોલનો ને કચડી નાખવા માટે એમને આ અધિકારોનો ઉપયોગ કરવો હતો! અને સંધિઓની વાત કરો તો એમાં બ્રિટનની એકતરફી શરણાગતી સિવાય બીજું શું છે?

લઘુમતીઓની વાત કરતાં રાજાજીએ કહ્યું કે મુસ્લિમ અને હિન્દુ એ બે સિવાય બીજી કોમો પણ છે; એમને પ્રદેશ નથી જોઈતો. માત્ર સમાન રાજકીય અને નાગરિક અધિકારો જોઈએ છે. લઘુમતીઓ સાથે ન્યાયી વર્તનની વાત નવી નથી. બંધારણ બનાવવાના દરેક તબક્કે આ વાત આવી છે અને એ હલ કરી લેવાઈ છે. એટલે જેટલો અવિશ્વાસ છે તેને ચગાવીને વધારે ઘેરો બનાવવાની જરૂર નથી, એનાથી તો એ જ લોકોને ખુશી થશે જે આપણને સ્વતંત્રતા આપવા નથી માગતા.

ગાંધી-જિન્ના મંત્રણા

ગાંધીજીએ આ ફૉર્મ્યુલાને મંજૂર રાખી હતી એટલે ટીકાનું નિશાન બનતાં બચી જાય એ શક્ય નહોતું. અને એમણે જિન્ના સાથે રાજાજીની ફૉર્મ્યુલાને મુખ્ય મુદ્દો બનાવીને વાત કરી!

આગામી પ્રકરણમાં આપણે ગાંધી-જિન્ના મંત્રણા, એમનો પત્રવ્યવહાર, રાજાજીની ફૉર્મ્યુલાનો આધાર ગાંધીજીએ કેમ બદલી નાખ્યો એના વિશે વાત કરશું.

૦૦૦

સંદર્ભઃ

The Annual Indian Register July-Dec1943 Vol.II


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: