India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-42

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ : ૪૨: જિન્ના: ૧૯૪૧થી ૧૯૪૪ (૩)

૧૯૪૪ના માર્ચમાં મહંમદ અલી જિન્નાએ પંજાબ મુસ્લિમ સ્ટૂડન્ટ્સ ફેડરેશનના ખુલ્લા અધિવેશનનું ઉદ્‌ઘાટન કર્યું. એમના ભાષણમાં ફરી કેટલી નવી વાતો, અથવા જૂની વાતો નવી રીતે રજૂ થઈ. એમણે વિદ્યાર્થીઓને દેશની બધી કોમો વચ્ચે સદ્‌ભાવ વધે તે માટે કામ કરવા અપીલ કરી. જિન્નાએ કહ્યું કે મુસલમાનો કોઈનું બૂરું નથી ઇચ્છતા, એ લોકો સુધી પહોંચવું જોઈએ. તે ઉપરાંત, બીજા દેશોના મુસલમાનો સાથે ભાઈચારો કેળવવાની ફરજ તો પયગંબરે જ નક્કી કરી છે. એમણે કહ્યું કે કોઈ પણ મુસ્સ્લિમ દેશ સંકટમાં હશે તો હિન્દુસ્તાનના મુસલમાનો એમની પડખે ઊભા રહેશે અને બદલામાં એ દેશો હિન્દુસ્તાની મુસલમાનોની મદદે આવશે.

આ માગણીને બૃહદ-ઇસ્લામવાદ કહેવાય છે તે અંગે પણ એમણે દુઃખ વ્યક્ત કર્યું. એમના શબ્દો હતાઃ “આપણો બચાવ, આપણી મુક્તિ અને આપણું ભવિષ્ય પાકિસ્તાનમાં છે અને એ જ ઇસ્લામના ભવ્ય ભૂતકાળને પુનર્જીવિત કરશે.” આ વાતમાંથી દુનિયાના મુસ્લિમ દેશોની નેતાગીરી સંભાળવાની જિન્નાની આકાંક્ષા દેખાય છે. તે ઉપરાંત જે લોકો પાકિસ્તાનમાં ‘નવું મદીના’ જોતા હતા એમના માટે પણ એ જરૂરી હતું. સ્થિતિ એ હતી કે મુસ્લિમ દેશોમાં પાકિસ્તાનની અવધારણા પ્રત્યે ઉત્સાહ નહોતો. જિન્નાએ આ બાબત તરફ ધ્યાન દોર્યું અને ઉમેર્યું કે હવે કેટલાક દેશો પાકિસ્તાનની માગણી સમજવા લાગ્યા છે.

જિન્નાએ પંજાબ સ્ટૂડન્ટ્સ ફેડરેશનની કૉન્ફરન્સનું સમાપન પણ કર્યું. એમાં વળી એમણે નવો મુદ્દો રજૂ કર્યો. વાત એમ હતી કે એ અરસામાં પંજાબમાં હિન્દુ જાટો અને મુસલમાન જાટો ‘જાટ એકતા’ માટે સંગઠિત થવા લાગ્યા હતા. આની પહેલ એક જાટ નેતા- સર છોટુરામે કરી હતી. (સર છોટુરામ આજના હરિયાણાના મોટા જમીનદાર હતા. યુનિયનિસ્ટ પાર્ટીના એગ્રિકલ્ચર મિનિસ્ટર તરીકે એમણે કરેલા ખેતીલક્ષી સુધારા આજે પણ ઉદાહરણરૂપ મનાય છે). જિન્નાએ જાટ સંગઠન બનાવવાના પ્રયાસો માટે સખત નારાજી દર્શાવી. ફેડરેશને આ બાબતમાં ઠરાવ કરીને સર છોટુરામને મુસ્લિમ જાટોના મત મેળવવાનો પડકાર કર્યો. ધર્મના નામે લોકોને સંગઠિત કરવાના પ્રયત્નો કરનારાને ભારતની જાતિ વ્યવસ્થા આડે આવતી હોય છે. બીજા સુધારાવાદીઓ જેમ કોમવાદીઓ પણ પોતાના આગવા હેતુથી જાતિ વ્યવસ્થાનો વિરોધ કરતા હોય છે. જિન્ના સામે પણ આ સમસ્યા હંમેશાં આવતી રહી.

જિન્નાએ કોંગ્રેસે ૧૯૪૨માં ‘ભારત છોડો’નો ઠરાવ કર્યો તેની પણ ટીકા કરી. એમણે કહ્યું કે આ ઠરાવમાં કોંગ્રેસે મુસલમાનો અને લીગની સરિયામ અવગણના કરી છે. જો આ ઠરાવ લાગુ કરાવવામાં કોંગ્રેસ સફળ થઈ હોત અથવા બ્રિટિશ સરકાર ઢીલી પડી હોત તો પાકિસ્તાનનો ખ્યાલ મરી પરવાર્યો હોત એટલું જ નહીં, દસ કરોડ મુસલમાનોને હિન્દુ સામ્રાજ્યવાદીઓના રાજમાં અને અખંડ હિન્દુસ્તાનમાં રહેવું પડત.

કેટલાક ઇતિહાસકારો એવું દેખાડે છે કે જિન્ના ખરેખર પાકિસ્તાનનો સ્વતંત્ર દેશ નહોતા માગતા માત્ર સોદો કરવા માટેનું એ ઓજાર હતું. પરંતુ ૧૯૪૧ અને ખાસ કરીને ૧૯૪૩ પછીનાં જિન્નાનાં બધાં ભાષણોમાંથી અલગ રાષ્ટ્રનો જ સૂર પ્રગટતો હતો. ‘ભારત છોડો’ આંદોલનમાં મુસલમાનો ન જોડાયા તેનું પણ જિન્નાએ કારણ આપ્યું – બ્રિટિશરો સત્તા છોડવા નહોતા માગતા અને હિન્દુઓ પણ નહોતા ઇચ્છતા કે બ્રિટિશરો જાય કારણ કે હજી મુસલમાનોને પૂરેપૂરા કચડી શકાયા નથી. એમણે ઉમેર્યું કે બ્રિટિશરો, જે ‘ગોરા બનિયા’(વેપારી) છે અને હિન્દુ બનિયા સમજૂતી કરી લેશે અને એ બન્ને એકસંપ થઈ જશે તો આપણે ક્યાંયના નહીં રહીએ. આની સામે આપણે પોતાનો બચાવ કરવાનો હતો.

ખાકસારો સાથે જિન્નાની ટક્કર

જિન્નાએ પોતાના ભાષણમાં દાવો કર્યો કે ૯૯ ટકા મુસલમાનો લીગની સાથે છે. આ દાવાને ખોટો ઠરાવતા હોય તેમ ખાકસારોના નેતા અલ્લમા મશરીકીએ જિન્નાને પત્ર લખીને કહ્યું કે છેલ્લા કેટલાક મહિનાની ઘટનાઓને કારણે તમે લીગ અને ખાકસારો વચ્ચે તડાં પડાવ્યાં છે (લીગે એક ઠરાવ દ્વારા લીગના સભ્યોને ખાકસારોના સંગઠનમાં ન જોડાવા આદેશ આપ્યો હતો તેના સંદર્ભમાં આ વાત કહેલી છે). આનો વાંક મારા માથે આવશે કે કેમ તેની મને હજી ખબર નથી, પણ આજની સંકટની ઘડીએ પાકિસ્તાનની માંગ માટે અને હિન્દુસ્તાનની આઝાદી માટે હિન્દુઓ અને મુસલમાનોએ સમજૂતી કરવી જ પડશે.

જિન્નાએ જવાબમાં મશરીકીના આક્ષેપને રદ કર્યો અને કહ્યું કે મશરીકી પોતાની વાત લિયાકત અલી ખાન સમક્ષ મૂકી શકે છે, કારણ કે મુસ્લિમ લીગને વ્યવસ્થિતપણે સંગઠિત કરવાની જવાબદારી એમને સોંપાઈ છે. અલ્લમા મશરીકીએ પણ તરત જવાબ આપ્યો કે તમે એટલું તો કબૂલ કરો છો કે મુસ્લિમ લીગ સંગઠિત નથી. તમે જેમને મળવાનું કહેશો તેને હું મળીશ પણ તમે હિન્દુ-મુસ્લિમ સમાધાન વિશે કે મુસલમાન- મુસલમાન વચ્ચે વાતચીત માટે કે પાકિસ્તાન વિશે તદ્દન નિષ્ક્રિય છો. એમાં સક્રિય થઈ જશો તે પછી હું તમારો નગણ્ય સૈનિક બનીને રહેવા તૈયાર છું.

આ પત્રવ્યવહાર દેખાડે છે કે જિન્ના પોતાના અહંભાવમાં કોઈને ગણકારતા નહોતા અને મુસલમાનોમાં પણ, કંઈ નહીં તો, ૧૯૪૪ સુધી મતભેદ હતા. આઝાદ મુસ્લિમ કૉન્ફરન્સ વિશે આપણે વાંચી લીધું છે. એમના નેતા, સિંધના અલ્લાહબખ્શનું ૧૯૪૩માં જ ખૂન થઈ ગયું હતું અને મુસ્લિમ લીગના ગુંડાઓએ એમને મારી નાખ્યા હોવાના જાહેરમાં આક્ષેપ થતા હતા.

પાકિસ્તાન વિશે મુસલમાનોને ખોટી માહિતી દ્વારા ભરમાવવાના પ્રયાસો પણ થતા હતા. ગયામાં ‘પાકિસ્તાન કૉન્ફરન્સ’માં બંગાળના લીગી પ્રીમિયર ખ્વાજા નઝીમુદ્દીને કહ્યું કે પાકિસ્તાનની માગણીનો બ્રિટિશ કૅબિનેટે સ્વીકાર કરી લીધો છે. હવે પાકિસ્તાન વિશેના મુખ્ય વાંધા ત્રણ મુદ્દા પર હતાઃ (૧). આર્થિક અને નાણાકીય સધ્ધરતા, (૨) પ્રાદેશિક અખંડતા, અને (૩) સંરક્ષણ.

બ્રિટિશ કૅબિનેટે પાકિસ્તાનનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો જ નહોતો!

પંજાબમાં જિન્ના અને યુનિયનિસ્ટ પાર્ટીના મતભેદ

જિન્નાના રાજકારણને સમજવા માટે યુનિયનિસ્ટ પાર્ટી સાથેના એમના મતભેદો સમજવાનું બહુ જ મહત્ત્વનું છે. આપણે એ પણ જાણી શકીશું કે જિન્ના કેટલા ચકોર અને ચાલાક રાજકારણી હતા.

ન્યૂ યૉર્ક ટાઇમ્સે ૧૯૪૨ની ૮મી સપ્ટેમ્બરના અંકમાં લખ્યું કે જ્યાં કોંગ્રેસ સત્તામાં છે તે પ્રાંતોની મુસ્લિમ લઘુમતી પાકિસ્તાનની માગણીને જોરદાર ટેકો આપે છે પણ જ્યાં મુસ્લિમો બહુમતીમાં છે તે બંગાળ અને પંજાબમાં પાકિસ્તાનને ભારે ટેકો નથી મળતો.જિન્નાને મુખ્યત્વે યુક્ત પ્રાંત (આગરા અને અવધ અથવા આજનું ઉત્તર પ્રદેશ)માંથી ટેકો મળતો હતો; તે એટલે સુધી કે બરેલીના અનીસુદ્દીન અહમદ રિઝવી નામના એક વિવેચકે બે નહીં પણ ત્રણ સ્વતંત્ર મુસ્લિમ રાજ્યો બનાવવાની હિમાયત કરી. એમના કહેવા મુજબ મેરઠથી લઈને આગરા અને રોહિલખંડ(બરેલી, રામપુર, મોરાદાબાદ વગેરે આજના ઉત્તર પ્રદેશના જિલ્લા)ને પણ ઉત્તર-પશ્ચિમના પાકિસ્તાનમાં (પશ્ચિમી પંજાબ, બલુચિસ્તાન, પખ્તુનિસ્તાન)) જોડી દેવા જોઈએ. એમણે ત્રીજું મુસ્લિમ રાજ્ય હૈદરાબાદ અને કર્ણાટકના અમુક પ્રદેશોમાં સ્થાપવાનું સૂચવ્યું.

જ્યાં સુધી પંજાબ અને બંગાળમાં પાકિસ્તાન માટેનો અવાજ બુલંદ ન થાય ત્યાં સુધી પાકિસ્તાન બની ન શકે. પંજાબમાં યુનિયનિસ્ટ પાર્ટી અને બંગાળમાં ફઝલુલ હકની કૃષક પ્રજા પાર્ટીને પાકિસ્તાનમાં રસ નહોતો. સ્વતંત્ર સાર્વભૌમ દરજ્જો મળે તે એમની પ્રથમ પસંદગી હતી પણ ભારતના ફેડરેશનમાં પણ કેન્દ્રની દખલગીરી સહન કરવા એ તૈયાર નહોતા. એમને નબળું કેન્દ્ર અને મજબૂત એકમોમાં રસ હતો. જિન્નાએ પાકિસ્તાન ઠરાવમાં સ્વતંત્ર રાજ્યોની વાત કરી હતી, પણ એ વખત સુધી ભાગલાની માગણી નહોતી. કારણ કે જિન્ના પોતે મજબૂત કેન્દ્રના સિદ્ધાંતમાં માનતા હતા. પરંતુ સંજોગો જોઈને એમણે ફેડરેશનનો પણ વિરોધ કરવાનું શરૂ કર્યું હતું.

પંજાબમાં ખેડૂતોનો વર્ગ મોટો હતો પણ ખેતીને રાજવહીવટમાં મહત્ત્વ નહોતું મળતું. વેપાર અને ખેતી વચ્ચ વહીવટી ત્રાજવું વેપારી વર્ગ તરફ ઢળતું હતું. ૧૯૨૩માં ફઝલે હુસેને ખેડૂતોને ધર્મના ભેદભાવ વિના એકઠા કરીને યુનિયનિસ્ટ પાર્ટી બનાવી. તે પછી એમણે વેપારી વર્ગના ગરીબ વર્ગોને સામેલ કર્યા. આમ Haves અને Have-notes એવા બે વર્ગોમાંથી Have-nots માટે કામ શરૂ કર્યું. ૧૯૩૬માં જિન્ના લાહોર ગયા અને ફઝલે હુસેનને મુસ્લિમ લીગની ટિકિટ પર ચૂંટણી લડવા ખૂબ વીનવ્યા પણ ફાવ્યા નહીં. ફઝલે હુસેન રાષ્ટ્રીય સ્તરે મુસ્લિમ લીગને ટેકો આપવા સંમત થયા પણ પંજાબમાં મુસ્લિમ લીગની કોમવાદી નીતિઓ લાગુ કરવા તૈયાર નહોતા. એમનું કહેવું હતું કે પંજાબમાં મુસલમાનો કંગાળ છે અને યુનિયનિસ્ટ પાર્ટી ગરીબો માટે કામ કરે છે તેનો લાભ એમને મળશે જ. તે પછી જિન્નાએ મુસ્લિમ લીગના ઝંડા નીચે કેટલાક મુસલમાનોને ચૂંટણીમાં ઊભા રાખ્યા પણ માત્ર બે જ ચુંટાયા અને એમાંથી પણ એક તો તે પછી યુનિયનિસ્ટ પાર્ટીમાં જોડાઈ ગયો.

૧૯૩૫ની ચૂંટણીમાં માત્ર પંજાબ જ નહીં બીજે ક્યાંય પણ મુસ્લિમ લીગનો ગજ વાગ્યો નહીં. આને કારણે રાષ્ટ્રીય સ્તરની કોઈ પણ ચર્ચામાં જિન્નાનો મુસ્લિમોના એકમાત્ર પ્રવક્તા હોવાનો દાવો નબળો પડી જતો હતો. આથી જિન્નાએ ફરી પંજાબનું શરણ શોધ્યું. દરમિયાન ફઝલે હુસેનનું અવસાન થઈ ગયું હતું એટલે ૧૯૩૭માં જિન્ના અને પંજાબના પ્રીમિયર સર સિકંદર હયાત ખાન વચ્ચે સમજૂતી થઈ જે ‘ સિકંદર-જિન્ના સમજૂતી’ તરીકે ઓળખાય છે. જિન્નાની વિનંતિ પ્રમાણે સિકંદર હયાત ખાને પોતાની પાર્ટીની મીટિંગ બોલાવી અને બધા મુસ્લિમ સભ્યોને મુસ્લિમ લીગના સભ્ય બનીને એના સિદ્ધાંતને માન્ય રાખવા અપીલ કરી. બન્ને વચ્ચેની સમજૂતી પ્રમાણે પ્રાંતમાં તો યુનિયનિસ્ટ પાર્ટીની સરકાર જ કોમવાદી ભેદભાવ વિના ચાલતી રહી.

૧૯૪૩માં સર સિકંદરનું અવસાન થયું અને ખિઝર હયાત ખાન તિવાના પ્રીમિયર બન્યા. તે પછી મુસ્લિમ લીગના દિલ્હી અધિવેશનમાં જિન્નાના આગ્રહથી ખિઝરે મુસ્લિમ લેજિસ્લેટિવ ઍસેમ્બ્લી પાર્ટી પણ બનાવી આપી અને સિકંદર-જિન્ના કરારને બન્ને પક્ષે બંધનકર્તા કરાર તરીકે લીગે ફરી મંજૂરી આપી. લીગના નિયમો અને ધારાધોરણો ઘડાતાં હતાં તેમાં પણ એને સ્થાન અપાયું.

આટલો ઇતિહાસ જાણ્યા પછી આપણે ફરી જિન્ના અને પંજાબના પ્રીમિયર ખિઝર હયાત ખાન વચ્ચેના મતભેદો પર પાછા આવીએ. જિન્ના હવે સિકંદર-જિન્ના સમજૂતી તોડી નાખવા માગતા હતા. ખિઝર હયાત ખાન માટે આરબ અને ઊંટ જેવી હાલત ઊભી થઈ હતી. આરબે પોતાના તંબૂમાં ઊંટને માથું રાખવા દીધું તો અંતે ઊંટ આખો જ અંદર ઘૂસી આવ્યો અને આરબ ખસતાં ખસતાં તંબૂની બહાર નીકળી ગયો. જિન્ના હવે સિકંદર હયાત ખાન સાથેની સમજૂતીને તોડી નાખવા માગતા હતા. એ કહેતા હતા કે સરકારને યુનિયનિસ્ટ પાર્ટીની સરકાર તરીકે નહીં પણ મુસ્લિમ લીગની સરકાર તરીકે ઓળખવી જોઈએ. ખિઝર હયાત ખાન સિકંદર હયાત ખાન સાથેની સમજૂતીને વળગી રહેવા જિન્નાને કહેતા હતા. એમનું કહેવું હતું કે મારા બિનમુસ્લિમ સાથીઓ પ્રાંતમાં મુસ્લિમો સાથે સહકારથી રહેવા માગે છે એટલે જ એમણે યુનિયનિસ્ટ પાર્ટીના સભ્યો મુસ્લિમ લીગની રચના કરે તેની સામે વાંધો નહોતો લીધો. હવે મુસ્લિમ લીગની મિશ્ર સરકાર બનાવવી તે વચન ભંગ કહેવાય અને મહંમદ પયગંબરનો અનુયાયી વચનભંગ ન કરી શકે.

આ ઉદ્દેશથી ૨૭મી ઍપ્રિલે જિન્ના ખિઝરને મળ્યા અને એ જ વાત કરી કે સરકારને મુસ્લિમ લીગની સરકાર તરીકે ઓળખાવવી, યુનિયનિસ્ટ પાર્ટી હવે નથી રહી. ખિઝર હયાત ખાને એમના સાથીઓ સર છોટૂરામ અને સરદાર બલદેવ સિંઘ સાથે આ બાબતમાં ચર્ચા કરી કે નહીં તે જાણવા માગ્યું. જિન્નાએ પોતાની રીતે નિર્ણય લેવા માટે એ દિવસ, ૨૭મી ઍપ્રિલ છેલ્લા દિવસ તરીકે નક્કી કરી રાખી હતી. એમણે ખિઝર સાથે થયેલી વાતચીતની વિગતોનો પત્ર તરત જ પોતાના સેક્રેટરી પાસે લખાવડાવ્યો અને ખિઝરના હાથમાં મૂકી દીધો. જિન્નાએ કહ્યું કે હું બીજા દિવસે સવારે સ્યાલકોટ જવાનો છું એટલે મને રાતે નવ વાગ્યા સુધી આ પત્રનો જવાબ મોકલી દેજો.

ખિઝર ચાલ્યા ગયા પણ રાતે નવ વાગ્યા સુધી એમણે જવાબ ન મોકલ્યો. નવ ને વીસ મિનિટે જિન્નાએ એમને ફોન કર્યો ત્યારે ખિઝરે જવાબ આપ્યો કે એમણે તો પોતાની વાત પહેલાં જ કહી દીધી છે, નવો જવાબ કંઈ નથી.

સાડાનવે જિન્નાએ બીજો પત્ર લખીને ખિઝર પાસે ખાસ માણસને હાથે મોકલાવ્યો પણ ખિઝરે એની પહોંચ આપવાનો ઇનકાર કરી દીધો. જિન્ના અકળાયા અને એમણે લીગના બે નેતાઓ મામદોતના નવાબ અને મુમતાઝ દૌલતાનાને પત્ર સાથે મોકલ્યા. ખિઝરે ફરી પત્રની પહોંચ આપવાની ના પાડી. બન્ને પાછા આવ્યા અને જિન્નાને બધી વાત કરી. હવે જિન્નાએ એમને ફરી મોકલ્યા અને પહોંચને બદલે બન્ને પાસે લખાવી લીધું કે એમણે ખરેખર જ રાતે ૧૧ વાગ્યે ખિઝર હયાત ખાનને મળીને પત્ર આપ્યો છે! રાતના સાડા અગિયાર સુધી ખિઝરનો જવાબ ન આવતાં જિન્નાએ આગળ શું કરવું તે નક્કી કરવાનો નિર્ણય મુસ્લિમ લીગ પર છોડી દીધો. જિન્નાની હઠનું આ દૃશ્ય એમના પોતાના જ શબ્દોમાંથી લીધું છે.

ખિઝર જિન્નાની આ જોહુકમી સામે નમતું આપવા તૈયાર નહોતા પણ ઊંટ તંબૂમાં ઘૂસી ગયો હતો. ત્રણ જ દિવસ પછી ૩૦મી ઍપ્રિલે પંજાબ પ્રાંતની લીગની કૉન્ફરન્સ મળી તેમાં બે ઠરાવ પસાર કરવામાં આવ્યા. એક ઠરાવમાં એમની વર્તણૂકની ટીકા કરવામાં આવી અને બીજા ઠરાવ દ્વારા લીગમાં જોડાયેલા યુનિયનિસ્ટ પાર્ટીના બધા મુસ્લિમ સભ્યોને આદેશ આપવામાં આવ્યો કે તેઓ જાહેર કરે કે એમની નિષ્ઠા મુસ્લિમ લીગ સિવાય યુનિયનિસ્ટ પાર્ટી અથવા બીજી કોઈ પાર્ટીમાં નથી. સરકારની ઓળખ ‘યુનિયનિસ્ટ પાર્ટીની સરકારને બદલે ‘મુસ્લિમ લીગની સરકાર’ રાખવાનો નિર્ણય પણ લેવાયો.

જિન્નાએ યુનિયનિસ્ટ પાર્ટીનું અપહરણ કરી લીધું અને મુસલમાનોના રાષ્ટ્રીય નેતા તરીકે સ્થાપિત થયા. આ પહેલાં આવી જ રીતે એમણે બંગાળના ફઝલુલ હકને પણ વશમાં કરી લીધા હતા.

સિકંદર હયાત ખાન જિન્નાને બરાબર સમજી શક્યા હોત તો શું એમણે જિન્ના સાથે સમજૂતી કરી હોત? સમજૂતી ન કરી હોત તો ઇતિહાસે કઈ વાટ પકડી હોત?

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register Vol. I, Jan-June 1944

વેંકટ ધૂલિપાલાના પુસ્તક Creating a New Medinaના પ્રકરણ ૪ ના મથાળામાંથી.

ઉપરોક્ત પ્રકરણમાંથી


%d bloggers like this: