India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-41

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ :૪૧: જિન્ના: ૧૯૪૧થી ૧૯૪૪ (૨)

૨૪મી ઍપ્રિલ ૧૯૪૩ના રોજ દિલ્હીમાં મુસ્લિમ લીગનું ખુલ્લું અધિવેશન મળ્યું. પ્રમુખપદેથી જિન્નાએ ઘણી નવી વાતો કરી. કેટલીક વાતોમાંથી એમની અહંમન્યતા પ્રગટ થતી હતી, જેને પછી ઠોકર લાગી. આ વખતે જિન્નાનું નિશાન હિન્દુઓ પર હતું પણ વાત નવી હતી.

હિન્દુ-મુસ્લિમ એક થાઓ!

પહેલાં તો એમણે આક્ષેપ કર્યો કે ગાંધીજી અને કોંગ્રેસ દેશમાં હિન્દુ રાજ સ્થાપવા માગે છે. પણ પછી કહ્યું:

“આવો, એ પ્રકરણ બંધ કરીએ,” કારણ કે દુનિયામાં એકબીજાના લાખો લોકોને મારી નાખનારાં રાષ્ટ્રો વચ્ચે પણ દોસ્તી થઈ જાય છે અને આપણે તો હજી એવું કંઈ કર્યું નથી. આજના દુશ્મનો આવતી કાલે મિત્રો બની જાય. એ જ રાજકારણ છે. “હિન્દુ જનતાને આ મારી અપીલ છે.” તમારા નેતાઓ જો આ રસ્તે (એકબીજાનાં ગળાં કાપવાને રસ્તે) જતા હોય તો તમારે એમને કહેવું જોઈએ કે “બંધ કરો આ અંદરોઅંદરની લડાઈ”. આવો, આપણે બન્ને સમાનતાના ધોરણે બેસીને સમાધાનનો રસ્તો કાઢીએ. તમે કહો છો કે બ્રિટિશરો લડાવે છે પણ આપણે પોતે પણ લડવાની ઘણી આગવી રીતો જાણીએ છીએ જે બ્રિટિશ સરકારની રીતો કરતાં ઉચ્ચ પ્રકારની છે! દેશ એમ શા માટે ન કહે કે “એક થાઓ અને બ્રિટિશરોને હાંકી કાઢો?”

દાદાભાઈ નવરોજી, ગોખલે અને ગાંધીજી

જિન્નાએ કહ્યું કે હું દાદાભાઈ નવરોજી અને ગોખલે જેવાઓના ચરણો પાસે બેસીને શીખ્યો છું. આ નેતાઓએ મુસલમાનોમાં વાજબી અને ન્યાયપૂર્ણ સમાધાનની આશાનો સંચાર કર્યો. પણ મિ.ગાંધી હિન્દુ રાજ સ્થાપવા માગે છે. એમણે કહ્યું કે મિ. ગાંધી પોતાને પાકા હિન્દુ તરીકે ઓળખાવે છે. જિન્નાએ આના ટેકામાં ગાંધીજીનાં લખાણોના વિસ્તારપૂર્વક હવાલા આપ્યા. એમણે કહ્યું કે આ લોકો હવે મુસ્લિમ લીગને કોમવાદી કહે છે. એમનો ઉદ્દેશ બે કોમો વચ્ચે મનમેળ ન થવા દેવાનો છે. આ રાષ્ટ્રવાદ અને લોકશાહી છે?

પછી જિન્નાએ ઇસ્લામની વાત કરી – આપણે (મુસલમાનો) તો ૧૩૦૦ વર્ષ પહેલાં લોકશાહીના પાઠ શીખ્યા. એ આપણા લોહીમાં છે અને એ વખતે આપણે હિન્દુ સમાજથી બહુ દૂર હતા. માણસ-માણસની સમાનતાના પાઠ તો આપણે શીખ્યા છીએ. તમારામાં તો એક જાત બીજી જાતવાળાના પ્યાલામાં પાણી પણ ન પીએ એવી અસમાનતા છે. અમે પણ લોકશાહી ઇચ્છીએ છીએ પણ એ તમારી કલ્પના જેવી લોકશાહી નથી. તમારી લોકશાહી આવશે તો આખો દેશ ગાંધી આશ્રમ બની જશે. તમારાથી બની શકે તો લઈ લો, તમારું હિન્દુસ્તાન. મારી શુભેચ્છાઓ છે. પણ જ્યાં સુધી એક પણ મુસલમાનમાં શ્વાસ બચ્યા હશે ત્યાં સુધી અમે તમારી લોકશાહીને નહીં સ્વીકારીએ. હું મિ. ગાંધીને કહીશ કે “મારા પર તમારી સત્તાને સાંખી નહીં લઉં”.

જિન્નાને વડા પ્રધાન બનાવવાના ગાંધીજીના સૂચન પર ટિપ્પણી

લિન્લિથગો સાથેના પત્રવ્યવહારમાં ગાંધીજીએ જિન્નાના હાથમાં સત્તા સોંપવાનું સૂચવ્યું હતું તેના વિશે એમનો જવાબ હતો કે એનો અર્થ એ કે આપણે એ વાત માની લઈએ તો લિન્લિથગો તરત જ – એમને હાંકી ન કાઢે તો – બંધારણીય ગવર્નર જનરલ બની જશે. ભારત માટેનો પ્રધાન બ્રિટિશ સરકારમાં નહીં રહે, ઇંડિયા ઑફિસ બંધ થઈ જશે, નામદાર સમ્રાટની સરકાર નાબૂદ થશે. પરંતુ આ બધું હમણાંનું બંધારણ રદ કર્યા વિના ન થાય. આપણે જો આ સ્વીકારી લઈને રાષ્ટ્રીય સરકારમાં જોડાઈએ તો એનો અર્થ એ થાય કે પાકિસ્તાનની માગણી તો તરત જ પડી ભાંગે.

વાતચીત માટે ગાંધીજી પત્ર લખીને આમંત્રણ આપે!

જિન્નાએ હવે અજોડ કહી શકાય એવી વાત કરી. એમણે કહ્યું કે મિ. ગાંધી ખરેખર મુસ્લિમ લીગ સાથે સમજૂતી કરવા માગતા હોય તો સૌથી વધારે રાજી તો હું થઈશ; અને એ દિવસ, હિન્દુઓ અને મુસલમાનો, બન્ને માટે બહુ મોટો દિવસ બની જશે. મિ. ગાંધી એમ ઇચ્છતા હોય તો એમને મને લખતાં કોણ રોકે છે? મને સીધો જ પત્ર લખતાં એમને રોકનાર છે કોઈ? એના માટે વાઇસરૉય પાસે જવાની શી જરૂર? આ સરકાર ગમે તેટલી તાકાતવાળી હોય પણ આવો પત્ર મને મોકલ્યો હોય તો એને રોકવાની હિંમત સરકાર નહીં કરે. આવો પત્ર સરકાર રોકી લેશે તો બહુ ગંભીર વાત ગણાશે. જિન્નાએ આગળ કહ્યું કે મિ. ગાંધીને બધા સમાચાર મળે છે અને શું ચાલે છે તે તેઓ બરાબર જાણે છે. એમનું હૃદય પરિવર્તન થયું હોય તો એમણે, બસ, મને બે-ચાર લાઇનો લખવાની છે. પહેલાં ગમે તેટલા વિવાદ રહ્યા હોય, પણ મુસ્લિમ લીગ એનો પડઘો પાડવામાં નિષ્ફળ નહીં જાય.

પત્રનું શું થયું?

જિન્નાના શબ્દોમાંથી દર્પ ઝળકે છે. એમના પર લખાયેલો પત્ર રોકવાની સરકાર હિંમત જ ન કરે! વાતચીત માટે પોતે તૈયાર છે, પણ એના માટે વિનંતિ ગાંધીજીએ કરવાની! તો આ પત્રનું શું થયું?

બે જ દિવસમાં, ૨૬મી ઍપ્રિલે ગાંધીજીએ પત્ર લખ્યો! કોંગ્રેસના જેલમાં પુરાયેલા કેદીઓને માત્ર કુટુંબીજનો સાથે જ અંગત પ્રકારના પત્રવ્યવહારની છૂટ હતી. આ પત્ર રાજકીય સ્વરૂપનો હતો અને એના પર સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. જિન્નાનો દાવો હતો કે સરકાર એના પોતાના નિયમોને નેવે મૂકીને પત્ર પહોંચાડશે. જિન્ના ધારતા હતા તેનાથી ઉલટું થયું. સરકારે પત્ર જિન્ના સુધી પહોંચાડવાની ના પાડી દીધી અને ગાંધીજી પાસે એ પત્ર પાછો આવી ગયો. સરકારે કહ્યું કે ‘ભારત છોડો’ આંદોલન દ્વારા બનેલા હિંસક બનાવોની જવાબદારી કોંગ્રેસ ન સ્વીકારે ત્યાં સુધી એની રાજકીય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે એટલે આ પત્ર ન મોકલી શકાય! જિન્નાની બડાશની હવા નીકળી ગઈ અને એમણે સરકારની આ હિંમત, જેને એમણે પડકારી હતી, તેની વિરુદ્ધ કંઈ ન કર્યું. એમણે માત્ર બહાનું આપ્યું કે પત્ર લખીને ગાંધીજી જલદી જેલની બહાર આવવા માગતા હતા અને મુસ્લિમ લીગને બ્રિટિશ સરકાર સાથે અથડાવી દેવાનો એમનો ઇરાદો હતો. એમનો પત્ર રોકીને સરકારે યોગ્ય જ કર્યું છે!

રાજગોપાલાચારીએ ટીકા કરી કે જિન્ના, જે પત્ર એમની પાસે કદી ન પહોંચ્યો તેનો જવાબ આપે છે!

પરંતુ સૌથી તીખી ટીકા લિબરલ પાર્ટીના કુંવર સર જગદીશ પ્રસાદની હતી. (૧૯૩૯માં વાઇસરૉયની કાઉંસિલમાં આરોગ્ય અને શિક્ષણ માટેના સભ્ય, કેન્દ્રીય શિક્ષણ સલાહકાર બોર્ડના ચેરમેન, અને આઈ સી એસ હતા, જેમાંથી એમણે રાજીનામું આપ્યું. કોમી સમસ્યા વિશેની સપ્રુ કમિટીના પણ એ સભ્ય હતા). એમણે ૧લી જૂને દિલ્હીમાં એક નિવેદન બહાર પાડીને કહ્યું કે

“સરકારે ગાંધીજીને ના પાડી તેના કરતાં “સરકારની ના” પર જિન્નાનો પ્રત્યાઘાત વધારે ટિપ્પણીને લાયક છે. જિન્નાની બણગાં ફૂંકવાની ટેવ એમને ઘણી વાર કફોડી હાલતમાં મૂકી દે છે. એમણે એવી છાપ ઊભી કરવા પ્રયત્ન કર્યો હતો કે હવે પોતે એટલા શક્તિશાળી બની ગયા છે કે બ્રિટિશ સરકાર એમને નાખુશ કરવાનું જોખમ નહીં વહોરી લે. એમણે ગાંધીજીને આમંત્રણ આપ્યું કે મને સીધો જ પત્ર લખો અને કંઈક નવાબી રુઆબથી કહ્યું કે ભારત સરકાર એમનો પત્ર રોકવાની હિંમત નહીં કરે. પત્ર લખાયો અને રોકી દેવાયો. હવે જિન્ના ખેલંદાની ચપળતાથી આ ગૂંચમાંથી બહાર નીકળવા માટે પત્રલેખક પર હુમલો કરવાની સસ્તી ચાલ ચાલ્યા છે. એમને ખબર છે કે તેઓ બેધડક આવું કરી શકે છે, કારણ કે ગાંધીજીને જવાબ આપવાની છૂટ નહીં મળે.”

પાકિસ્તાનમાં લઘુમતીઓ

પરંતુ પાકિસ્તાનમાં લઘુમતીઓનું શું થશે? જિન્નાએ પોતાના ભાષણમાં કહ્યું કે ઇસ્લામના ઇતિહાસમાં જ્યાં મુસ્લિમ શાસકો હતા ત્યાં લઘુમતીઓના ધર્મોને રક્ષણ મળ્યું છે અને પાકિસ્તાનમાં પણ મળશે. જિન્ના અહીં પોતાના દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતનો જ છેદ ઉડાડતા હતા. મુસલમાનોને માત્ર એમના સાંસ્કૃતિક અધિકારો પૂરતા નહોતા લાગતા અને એમને પોતાનો અલગ પ્રદેશ જોઈતો હતો, પણ જ્યાં મુસલમાનોની બહુમતી હોય ત્યાં અલગ પ્રદેશની વાત નથી કરતા. માત્ર સાંસ્કૃતિક રક્ષણ આપવાની વાત કરે છે. એમના આત્મનિર્ણયના અધિકારની તો વાત જ ઊડી જાય છે.

ઑલ ઇંડિયા મોમીન કૉન્ફરન્સ

મુસ્લિમ લીગનું અધિવેશન ૨૫મી એપ્રિલે પૂરું થયું અને ૨૬મીએ દિલ્હીમાં જ ઑલ ઇંડિયા મોમીન કૉન્ફરન્સનું અધિવેશન શરૂ થયું. મોમીન કૉન્ફરન્સે મુસ્લિમ લીગનો બધા મુસલમાનોના પ્રતિનિધિ હોવાના દાવાને નકારી કાઢ્યો અને કહ્યું કે સાડાચાર કરોડ મોમીનો પાકિસ્તાનની માગનીને ટેકો નથી આપતા. પાકિસ્તાન બની જશે તો પાછળ રહી જનારા મુસલમાનોની હાલત બહુ ખરાબ થઈ જશે અને પાકિસ્તાન એમને મદદ નહીં કરે. મોમીન કૉન્ફરન્સે ગાંધીજીને મુક્ત કરવાની પણ માગણી કરી.

હજી આપણે જિન્નાની પ્રવૃત્તિઓ વિશે વધારે ચર્ચા કરશું.

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register Vol. 1 Jan-June 1943


%d bloggers like this: