India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-39

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ : ૩૯: બંગાળનો દુકાળ

૧૯૪૨નું વર્ષ સમાપ્ત થતું હતું ત્યારે બંગાળમાં ભયંકર દુકાળ પડવાના અણસાર દેખાવા લાગ્યા હતા. દેશના રાજકીય ઇતિહાસની વાત કરતા હોઈએ ત્યારે દુકાળની વાત કેટલી યોગ્ય ગણાય, એવો પ્રશ્ન થશે પરંતુ આ અંગ્રેજોએ ઊભો કરેલો રાજકારણ પ્રેરિત દુકાળ હતો. આજે દુનિયા માને છે કે ચર્ચિલની નીતિઓને કારણે આ દુકાળની કરુણતા સર્જાઈ.

એક લેખકે એ જ વખતે લખ્યું હતું કે શહેરોના માર્ગો પર ભીખ માગનારાઓની સંખ્યા વધેલી જણાય તે ગ્રામીણ પ્રદેશોમાં સંકટ હોવાની પહેલી નિશાની છે. એમણે ૧૧૭૦થી ૧૯૪૩ સુધીમાં બંગાળમાં આવેલા દુકાળોનું પૃથક્કરણ કરીને આ લક્ષણ પર પ્રકાશ પાડ્યો હતો. લેખકનું કહેવું હતું કે સરકાર ગામડાંઓમાં પૂરતી વ્યવસ્થા કરે તો લોકોને શહેરો ભણી ભાગવું ન પડે. પરંતુ સરકારે એવી કોઈ વ્યવસ્થા ન કરી, એટલું જ નહીં, કોઈ જાતની વ્યવસ્થા કરવાનો એનો વિચાર પણ નહોતો કે ભાવના પણ નહોતી.

બંગાળનો દુકાળ

બંગાળ પ્રાંતના પ્રીમિયર ફઝલુલ હકે ઍસેમ્બલીમાં આક્ષેપ કર્યો કે એમની સરકારે પ્રાંતમાં અનાજ કેટલું છે, તેની મોજણી કરવાની દરખાસ્ત ગવર્નરને મોકલી હતી પણ ગવર્નરે એ નકારી કાઢી. વાઇસરૉય લૉર્ડ લિન્લિથગોની સરકારે પણ ગવર્નરના રિપોર્ટને સાચો માન્યો અને ભારત માટેના બ્રિટનના પ્રધાન લૉર્ડ ઍમરીએ લિન્લિથગોની ક્રૂર બેદરકારીનો બચાવ કરતાં કહ્યું કે પ્રાંતના ગવર્નરનો રિપોર્ટ મળ્યા પછી હિન્દુસ્તાન સરકાર કંઈ ન કરી શકે.

એ રિપોર્ટ પણ હતા કે વધારે ને વધારે ખેડૂતો જમીન ગિરવી રાખતા હતા કે વેચી નાખતા હતા. આ એક જ વાત સાબીત કરતી હતી કે ગામડામાં ખેડૂત પાસે પણ કુટુંબ પૂરતું અનાજ નહોતું. અંતે સરકારે દુકાળ હોવાનું કબૂલ્યું. તે પહેલાં જ લોકોનાં ટોળેટોળાં ગામડાં છોડીને કલકત્તાના રસ્તાઓ અને અનાજની દુકાનોએ મુઠ્ઠી અનાજની આશાએ ટળવળતાં હતાં અને તેમાં સ્ત્રીઓ અને બાળકોની બહુ મોટી સંખ્યા હતી. જ્યાં કંઈ મળવાની આશા હોય ત્યાં લોકોની લાંબી કતારો રાહ જોતી રહેતી.

દરમિયાન, બંગાળમાં ફઝલુલ હકની સરકારનું પતન થઈ ગયું અને એની જગ્યા મુસ્લિમ લીગના સર ખ્વાજા નઝિમુદ્દીનની સરકારે લીધું. ગવર્નરની મહેરબાનીથી બનેલી આ સરકારે પણ ગામડાંઓમાં ઊભું થયેલું સંકટ ટાળવા માટે કશું ન કર્યું. ભારતની અંગ્રેજ સરકારે, જો કે, હિન્દુસ્તાનીઓની વિરુદ્ધ ખુલ્લું વલણ લીધું પણ લિન્લિથગો લંડનમાં સરકારને બંગાળના દુકાળની સાચી સ્થિતિની જાણ કરતો રહ્યો હતો. જાહેરમાં તો એનું વલણ પણ એમ દેખાડવાનું હતું કે હિન્દુસ્તાની નેતાઓ અને અફસરો વાત વધારીને કરે છે, ખરેખર એવડી મોટી સમસ્યા નથી.

પ્રીમિયર નઝિમુદ્દીનને સ્થાનિક પરિસ્થિતિની જાણ અને સમજણ હોવા છતાં એમણે એમની સરકારને સલાહ આપવા માટે જ્‍હોન હર્બર્ટ કમિશનનો સ્વીકાર કર્યો. કમિશને અનાજના ભંડાર પર ધ્યાન આપવાનું હતું અને કમિશનની રચના સાથે નઝિમુદ્દીનની સરકારે પોપટની જેમ અંગ્રેજ હકુમતના સૂરમાં સૂર મેળવીને બોલવાનું શરૂ કરી દીધું. તેમાં પણ નાગરિક પુરવઠા પ્રધાન સુહરાવર્દી તો જાતે જ અંગ્રેજોના પ્રવક્તા બની બેઠા અને કોઈ પણ રીતે સ્વીકારવા તૈયાર નહોતા થતા કે બંગાળમાં અનાજની ભયંકર તંગી છે. એમને આદેશ હતો કે અનાજ પૂરતું છે તે આંકડા સાથે સાબિત કરી દેવું.

બ્રિટનની સરકારનો મૂળ હેતુ લડાઈમાં જોતરાયેલા અંગ્રેજ અને અમેરિકન સૈનિકોને સતત અનાજનો પુરવઠો આપતા રહેવાનો હતો. આના માટે મોટા પાયે ખરીદીઓ કરાતી હતી. બીજી બાજુ, બંગાળમાં ખેતીની જમીન પર મુસલમાનોનું પ્રભુત્વ હતું. દુકાળને કારણે પાક ન થવાથી મુસ્લિમ જમીનદારો સંકટમાં સપડાઈ ગયા હતા. એમને ઉગારવા કેમ? લશ્કર માટે અનાજના પુરવઠો એકઠો કરવાનો વેપાર મુસ્લિમ લીગને ફાવ્યો. એના નેતાઓને મન આ નફો કરવા અને ફરી પગભર થવાની મોટી તક હતી. એટલે ઘણા સાધનસંપન્ન મુસલમાન અનાજ એકઠું કરીને લશ્કરને પહોંચાડવાના વેપારમાં પડ્યા. વેપારની શરૂઆતમાં ખોટ પણ જાય. એ સમયે નઝિમુદ્દીન સરકાર એમને મદદ કરતી. પણ વેપારમાં ધર્મ આડે નહોતો આવતો. કલકત્તાના રસ્તાઓ પર ચીંથરેહાલ ભૂખ્યા ગ્રામજનોનાં ટોળાં અને રસ્તે રઝળતાં શબો તરફ જોયા વગર જ એમની ટ્રકો અનાજ ભરીને અંગ્રેજોની છાવણીઓ તરફ નીકળી જતી.

મહાત્મા ગાંધી કેમ જીવે છે?

વડા પ્રધાન ચર્ચિલને જ્યારે કોઈએ કહ્યું કે ભારતમાં અનાજની તંગી છે તો એનો જવાબ હતો કે આવી કોઈ તંગી નથી. તંગી હોય તો મહાત્મા ગાંધી હજી કેમ જીવી શકે છે?

એણે માર્ચમાં જ કહ્યું હતું કે –

“વૉર ટ્રાન્સપોર્ટના પ્રધાને હિન્દી મહાસાગર એરિયામાંથી આવતી અનાજની માગણી બાબતમાં કડક વલણ લીધું છે તે જાણીને મને આનંદ થયો. એક દેશને છૂટ આપવાથી તરત બીજા દેશમાંથી પણ માગણી ઊઠશે… એમણે આપણે પોતાની સંભાળ જાતે લઈએ છીએ તેમ પોતાની સંભાળ લેતાં શીખવું પડશે. યુનાઇટેડ કિંગડમના આયાત કાર્યક્રમની સ્થિતિ ગંભીર છે અને યુદ્ધના પ્રયાસો માટે જોખમી બને તેમ છે. આ જોતાં, માત્ર સારો ઇરાદો દેખાડવા માટે આપણે જહાજો ન મોકલી શકીએ.”

બ્રિટનના યુદ્ધમાં ભારતનું ધન એટલું બધું ખર્ચાયું હતું કે બ્રિટનના નાણા પ્રધાન સર કિંગ્સ્લી વૂડે ચેતવણી આપી દીધી હતી કે ભારત સરકાર હંમેશાં બ્રિટનની દેવાદાર રહી છે પણ હવે બ્રિટનને નાણા ધીરનાર સૌથી મોટો દેશ ભારત છે. રોજના લાખો પૌંડનું ભારતનું દેવું બ્રિટન પર ચડે છે અને યુદ્ધ પછી એ તરત ચૂકવી આપવાનું થશે. બીજી બાજુ, યુદ્ધ પછી યુરોપ મુક્ત તો થઈ જશે પણ તારાજ થઈ ગયું હશે. એને ખવડાવવું પડશે, આખી દુનિયામાં અનાજની ખેંચ પડવાની છે. યુરોપને બેઠું કરવાનું થશે ત્યારે પણ ભૂખમરો ફેલાશે. એ સંયોગોમાં બ્રિટન પોતે જ દેવાળું ફૂંકવાની હાલતમાં હશે.

આપણે આ તો ૧૯૪૩ની વાત કરીએ છીએ પણ ભારત માટેના પ્રધાન લૉર્ડ ઍમરીએ સપ્ટેમ્બર ૧૯૪૨માં જ પોતાની ડાયરીમાં લખ્યું કે “વિન્સ્ટન અંતહીન અગડંબગડં બોલતા રહ્યા, જેનો સાર એટલો જ કે આપણે ભારતનું રક્ષણ કરીએ અને એ જાણે એનો હક હોય તેમ એના માટે એને લાખો પૌંડ પણ ચૂકવીએ એવી આશા રાખવી એ ક્રૂરતા છે.” આમ દુકાળનું સત્ય સ્વીકારવા ચર્ચિલ તૈયાર નથી અને નિષ્ઠુરતાથી ગાંધીજીના મરવાની વાત કરે છે, તો બીજી બાજુ, ભારતને યુદ્ધમાં ઘસડીને ખર્ચના ખાડામાં નાખ્યા પછી એ જાણે બ્રિટનનો વિશેષાધિકાર હોય તેમ દેવું ચુકવવા સામે પણ એને વાંધો છે! આઠ દિવસ પછી ઍમરીએ લખ્યું કે “વિન્સ્ટન જેવો માણસ, જે એકીસાથે આપખુદ, વાક્ચતુર અને ચક્કરભમ્મર મગજવાળો હોય તેની સાથે કામ કરવું બહુ તકલીફ આપે તેવું કામ છે. મને ખાતરી નથી કે હું એમને સમજાવી શક્યો હોઉં કે ભારત પોતાનો બચાવ પોતાના પૈસે કરે છે, એટલું જ નહીં ભારતમાં બ્રિટિશ ફોજ છે તેનો નિભાવ પણ કરે છે. બ્રિટન પર ભારતનું કરજ ઓછું કરવા માટે મને બે સિવાય ત્રીજો રસ્તો દેખાતો નથી – કાં તો ભારતમાંથી આયાત બંધ કરો અથવા ભારતના સૈનિકોને બીજા મોરચાઓ પર ગોઠવો.” આમ બધું એમ દેખાડે છે કે મૂળ તો ચર્ચિલ જ હતો કે જેનો અભિપ્રાય સૌની ઉપર ભારે પડતો હતો અને બીજા પછી એના જ રાગે પોપટપાઠનું પુનરાવર્તન કરતા હતા.

પરંતુ, બ્રિટન સરકારના વલણની અમેરિકામાં સખત ટીકા થતી હતી. ચર્ચિલ છંછેડાયો અને એણે એનું સૌથી વધારે બદનામ મંતવ્ય બંગાળના દુકાળ અને લોકોના ભૂખમરાના સંદર્ભમાં જ ઓકી દીધું. ૧૯૪૨ની ૧૧મી નવેમ્બરે એણે સંસદમાં કહ્યું: “આપણે જરાય મચક નહીં આપીએ… હું બ્રિટિશ સામ્રાજ્યનો અંત લાવવા માટે રાજાનો પ્રથમ પ્રધાન નથી બન્યો.” ઍમરીએ પોતાની ડાયરીમાં લખ્યું છે કે બીજા દિવસે, જર્મનોની હારમાં મુકાય તેવા અધમ જંગલીઓ એમને ભારતમાંથી હાંકી કાઢે એ ચર્ચિલને એ વિચારમાત્ર અપમાન જેવો લાગતો હતો. અને એ ઉન્માદી ઝનૂનની ચરમ સીમા પર પહોંચી ગયો હતો.

વિશ્વયુદ્ધ, ચર્ચિલની મહત્વાકાંક્ષા, નઝિમુદ્દીન સરકારની બેકાળજી અને જરઠતા, વેપારીઓની લાલચ અને મુસ્લિમ લીગની નિર્લજ્જતાએ ૩૦ લાખ લોકોના જાન લઈ લીધા. ભારતના ઇતિહાસનું આ દુઃખદ અને કાળું પ્રકરણ છે.

૦૦૦

સંદર્ભઃ

(૧) The Indian Annual Register Vol. II July-December 1943

(૨) https://scroll.in/article/873785/75-years-since-the-bengal-famine-how-much-was-churchills-bias-to-blame-for-the-death-of-millions (મધુશ્રી મુખરજીના પુસ્તક Churchill’s Secret Warમાંથી લીધેલો એક અંશ).

(3) https://www.theguardian.com/world/2019/mar/29/winston-churchill-policies-contributed-to-1943-bengal-famine-study (Michael Safi in Delhi @safimichael Fri 29 Mar 2019).


%d bloggers like this: