india-slavery-and-struggle-for-freedom-part-4-chapter-33

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૩૩: ભારત છોડો (૪)

ગયા અઠવાડિયે આપણે ગાંધીજી અને વાઇસરૉય લિન્લિથગો વચ્ચેનો પત્રવ્યવહાર જોયો. ગાંધીજીએ છેલ્લે ઉપવાસની જાહેરાત કરી દીધી, એ આપણે જોઈ લીધું. આજે, ૧૯૪૨ની નવમી ઑગસ્ટે ‘ભારત છોડો’ આંદોલન શરૂ થયું તે પછી ભારતની બહાર કેવા પડઘા પડ્યા, તે જોઈએ. આ આંદોલનની ચર્ચા બ્રિટનની આમસભામાં ન થાય એવું તો બને જ નહીં.

ચર્ચિલનું નિવેદન અને ચર્ચા

દસમી સપ્ટેમ્બરે વડા પ્રધાન ચર્ચિલે આમસભામાં નિવેદન કર્યું કે કોંગ્રેસ આખા દેશ વતી નહોતી બોલતી. શક્ય છે કે કોંગ્રેસની હાલની હિલચાલોને કારણે જાપાનના પાંચમી કતારિયા એનો લાભ લઈને સરકાર વિરુદ્ધ કામ કરતા હોય. આટલી અશાંતિ દેખાય છે પણ આવડા મોટા દેશમાં છેલ્લા એક મહિનામાં માત્ર પાંચસોનાં મોત થયાં છે. ગાંધી અને એમના સાથીઓને જ્યાં સુધી શાંતિ નહીં થાય ત્યાં સુધી દૂર જ રાખવા પડશે. ચર્ચિલે ક્રિપ્સ મિશનની દરખાસ્તોનો ઉલ્લેખ કરીને કહ્યું કે એને બ્રિટિશ તાજ અને સંસદની સ્થાપિત નીતિ માનવી જોઈએ. એમાં કંઈ પણ વધઘટ નહીં થઈ શકે. કોંગ્રેસ આખા ભારતનું પ્રતિનિધિત્વ નથી કરતી (ગૃહમાં તાળીઓ પડી). કોંગ્રેસ ભારતની બહુમતી જનતાનું પણ પ્રતિનિધિત્વ નથી કરતી (વધારે તાળીઓ પડી). કોંગ્રેસ હિન્દુઓનું પ્રતિનિધિત્વ પણ નથી કરતી (ગૃહ ફરી તાળીઓથી ગાજી ઊઠ્યું). કોંગ્રેસ એક રાજકીય સંગઠન છે અને પક્ષના માળખાની આસપાસ અમુક મૅન્યુફેક્ચરિંગ અને નાણાકીય ઉદ્યોગો એને ટકાવી બેઠા છે (હવે સભ્યોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું).

કોંગ્રેસનો વિરોધ નવ કરોડ મુસલમાનો, પાંચ કરોડ ડિપ્રેસ્ડ ક્લાસના લોકો કરે છે, અને રજવાડાંઓની સાડાનવ કરોડની રૈયત કોંગ્રેસની સાથે નથી. ઓગણચાળીસ કરોડ હિન્દુસ્તાનીઓમાંથી સાડાત્રેવીસ કરોડ કોંગ્રેસની વિરુદ્ધ છે. કરોડો લોકો આંતરિક વિખવાદથી થાક્યા હશે, ગાંધીની વિચિત્ર માનસિક ઉથલપાથલોથી કંટાળ્યા હશે અની નવી નેતાગીરી માટે ઝંખતા હશે. ચર્ચિલે કહ્યું કે શ્વેતપત્રની ભલામણો (ક્રિપ્સ મિશનની દરખાસ્તો) હજી ઊભી જ છે અને નાગરિક અસહકાર પાછો ખેંચી લેવાય તો એના વિશે ચર્ચા થઈ શકે છે.

ચર્ચિલના નિવેદનને ક્રિપ્સની સાથે ભારત આવેલા રૂઢિચુસ્ત પાર્ટીના સભ્ય જેરલ્ડ પાલ્મરે ટેકો આપ્યો પણ લિબરલ પાર્ટીના વિલ્ફ્રેડ રૉબર્ટ્સે કહ્યું કે ગાંધી શાંતિવાદી (pascifist) છે અને શાંતિવાદીઓને યુદ્ધ સામે વાંધો હોય છે. ગાંધી અને જવાહરલાલ નહેરુને જેલમાં રાખવા પડ્યા છે તે જરૂરી હોય તો પણ નિંદનીય છે, એમનામાં પશ્ચિમી લોકશાહીનાં બીજ આપણે વાવ્યાં છે, હવે એ લોકો અમેરિકનો, રશિયનો અને ચીનીઓ પાસેથી પણ શીખે છે. તો એ ત્રણેય પક્ષોને પણ આપણે સામેલ કરવા જોઈએ. આપણે કોઈ ત્રીજા પક્ષને આમાંથી રસ્તો કાઢવાનું સોંપી દઈએ તો હિન્દુસ્તાનીઓને એમાં વિશ્વાસ બેસશે અને બ્રિટનની પ્રતિષ્ઠા પણ વધશે.

ઇંડીપેન્ડન્ટ લેબર પાર્ટીના સભ્ય જેમ્સ મૅક્સ્ટને કહ્યું કે કોંગ્રેસ બધાનું પ્રતિનિધિત્વ નથી કરતી એમ કહેવું ખોટું છે. સરકારે ભારતમાં પ્રાંતિક સરકારો બનાવવાનો અધિકાર આપ્યો ત્યારે લોકોએ કોંગ્રેસને જબ્બર બહુમતી આપી. એમને મળેલું લોક સમર્થન અહીં ચર્ચિલ અને એમના રૂઢિચુસ્ત પક્ષને મળેલા લોક સમર્થનની બરાબર છે. લેબર પાર્ટીના ત્રણ સભ્યોએ ચર્ચિલના નિવેદનને દુઃસાહસી, ઉદ્દંડ અને બેજવાબદાર ગણાવ્યું.

ભારત માટેના પ્રધાન લૉર્ડ ઍમરીનું ભાષણ

લૉર્ડ એમરીએ ચર્ચાનો જવાબ આપતાં કહ્યું કે ચર્ચિલના નિવેદનને સંપૂર્ણ વાજબી ગણાવ્યું અને કહ્યું કે ૧૯૪૧ના વસ્તીગણતરીના આંકડાઓ પરથી પણ પુરવાર થાય છે કે કોંગ્રેસ બધા હિન્દુસ્તાનીઓની પ્રતિનિધિ નથી, આ તબક્કે લેબર પાર્ટીના સભ્ય ડેવિસે દરમિયાનગીરી કરીને પૂછ્યું કે આ આંકડા કોણે તૈયાર કર્યા? ઍમરીએ જવાબ આપ્યો કે વસ્તીગણતરી ખાતાએ તો કોઈ ઉશ્કેરણીના હેતુથી આ આંકડા તૈયાર નથી કર્યા. વડા પ્રધાને આ આંકડાઓનો ઉપયોગ ભારતમાં કેટલી કોમો છે તે દેખાડવા કર્યો છે, પણ એય તદ્દન સાચું છે કે છ વર્ષ પહેલાં ચૂંટણી થઈ ત્યારે મુસલમાનોએ મોટી સંખ્યામાં કોંગ્રેસને મત આપ્યા હતા, પણ તે પછી સ્થિતિ બદલાઈ ગઈ છે. આજે કોંગ્રેસ સાથે જેટલા મુસલમાનો અને ડિપ્રેસ્ડ ક્લાસના લોકો છે તેના કરતાં બહુ ઘણા હિન્દુઓ મહાસભા સાથે છે. ઍમરીએ કહ્યું કે સ્ટેફર્ડ ક્રિપ્સ ભારતથી પાછા આવ્યા તે પછી તરત એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ ભારતની સરકાર સામે સીધો પડકાર ફેંકવા તૈયાર થવા લાગી હતી. આપણે પહેલાં પણ આંદોલનો જોયાં છે, પણ આ વખતે તો જુલાઈમાં જ ગાંધીએ કહી દીધું હતું કે આ લડાઈ એમના જીવનની આકરામાં આકરી લડાઈ હશે. એમના જ શબ્દો છેઃ “મારું વલણ બદલાઈ ગયું છે. હું રાહ જોઈ શકું એમ નથી, દેખાઈ આવે એવાં જોખમો છતાં મારે લોકોને ગુલામીનો સામનો કરવા કહેવું પડશે.” ગાંધીએ કહ્યું કે દેશની આઝાદી માટે લોકોએ બોંબ, બંદુકો અને તોપોનો પણ સામનો કરવો પડશે – ઍમરીએ આ સાથે સવાલ પૂછ્યો કે આને અહિંસક આંદોલન કહી શકાય? દસમી જુલાઈએ કોંગ્રેસે ઠરાવ પસાર કર્યો તે પછી ગાંધીએ કહ્યું કે “અહિંસા ઉત્તમ છે પણ જ્યાં એ સ્વાભાવિક રીતે ન આવે – અને લોકોમાં સ્વાભાવિક રીતે અહિંસા નથી પ્રગટતી – ત્યાં હિંસાનો રસ્તો જરૂરી અને માનભર્યો છે, કંઈ ન કરવું તે કાયરતા છે.”

લેબર પાર્ટીના સભ્યોએ ઍમરીનાં વિધાનો સામે વાંધા લીધા અને કોંગ્રેસના નેતાઓની ધરપકડ વિશે સવાલો કર્યા. ઍમરીએ જવાબમાં જિન્નાનું કથન ટાંક્યું કે “સરકાર પર હુમલો થાય તે પહેલાં સરકારે જ હુમલો કરી દીધો.”

ગાંધીને વાઇસરૉય બનાવો!

લૉર્ડ ઍમરીએ પોતાના ભાષણમાં ગાંધીજીને ‘ક્રાન્તિકારી’ ગણાવ્યા અને કહ્યું કે ગાંધીના આપખુદ સ્વભાવનો પ્રભાવ કોંગ્રેસ પર પડ્યો છે. થોડા જ દાયકા પહેલાં કોંગ્રેસ બંધારણીય માર્ગે રાજકીય સુધારા માગનારી સંસ્થા હતી તે ગાંધીના પ્રવેશ સાથે ઉદ્દામ બની ગઈ છે. એમનાં બધાં અહિંસક આંદોલનો અંતે હિંસક નીવડ્યાં છે, એ વાત સ્વયં ગાંધી જાણે છે અને આ આંદોલનમાં પહેલેથી જ હિંસાનું આયોજન હતું એટલે એમને જેલમાં પૂરી દેવાનું વાઇસરૉયનું પગલું સાચું હતું. એક સભ્યે કહ્યું કે હિંસા કોંગ્રેસના નેતાઓની ધરપકડ પછી શરૂ થઈ, પહેલાં નહીં. અને સરકાર પાસે એવા પુરાવા હોય કે ગાંધીની હિંસાની યોજના હતી તો શા માટે પુરાવા જાહેર નથી કર્યા?

દરમિયાન એક વાત સ્પષ્ટ થતી હતી કે લેબર પાર્ટી ક્રિપ્સ મિશન મારફતે બ્રિટિશ સરકારે રજૂ કરેલી દરખાસ્તોને પોકળ માનતી હતી. એક સભ્યે તો ગાંધીજીને વાઇસરૉય બનાવવાની સલાહ આપી! એક સભ્યે કહ્યું કે સરકાર શા માટે બંધારણ બનાવી આપવા માગે છે? બ્રિટનનું પોતાનું બંધારણ પણ સમયની સાથે વિકસ્યું છે, બનાવેલું નથી તો ભારતમાં અનેક સમસ્યાઓ હોય તો પણ બંધારણ બનાવવું એ હિન્દુસ્તાનીઓનું કામ છે, અને એમના પર છોડવું જોઈએ.

એક નોંધવા જેવી વાત એ છે કે બ્રિટનમાં યુદ્ધ પછી ચૂંટણી થઈ તેમાં ચર્ચિલની આગેવાની હેઠળના રૂઢિચુસ્ત પક્ષનો પરાજય થયો અને ઍટલીની નેતાગીરી હેઠળ લેબર સરકાર બની. ઍટલીને કારણે ભારત આઝાદ થયું એવી માન્યતા છે પણ ‘ભારત છોડો’ આંદોલનની ચર્ચામાં બોલતાં ઍટલીએ તદ્દન સામ્રાજ્યવાદી વલણ દેખાડ્યું અને કહ્યું કે ક્રિપ્સ મિશનની દરખાસ્તો બહુ સારી હોવા છતાં કોંગ્રેસ અને બીજા પક્ષોએ એને ફગાવી દીધી હતી. ક્રિપ્સની દરખાસ્તોમાં પ્રાંતોને સ્વતંત્ર થવાની છૂટ આપવાનું સૂચન હતું જે કોંગ્રેસની નજરે પાકિસ્તાન માટે બારણાં ખોલવા બરાબર હતું. કોંગ્રેસે એ કારણે ક્રિપ્સ મિશનની દરખાસ્તોને નકારી કાઢી હતી. બીજી બાજુ, જિન્નાને એમાં ‘કપાયેલું’ પાકિસ્તાન દેખાતું હતું વળી શરત એ હતી કે, કાં તો ક્રિપ્સની આખી યોજના સ્વીકારો અથવા આખી યોજના નકારો. આમાં ચર્ચાને અવકાશ નહોતો પણ ઍટલીને એમાં કંઈ ખોટું નહોતું દેખાયું.

અમેરિકામાં અસર

બ્રિટનને ખરી ચિંતા અમેરિકામાં ‘ભારત છોડો’ આંદોલનના જે પડઘા પડ્યા તેના વિશે હતી. અમેરિકાની સરકાર અને પ્રજામાં આમ તો હંમેશાં ભારત માટે સહાનુભૂતિ હતી પરંતુ બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટન અને અમેરિકા એક સાથે હતાં એટલે સરકારનો દૃષ્ટિકોણ બદલાયેલો હતો, લૉર્ડ ઍમરી અને બીજાઓને લાગતું હતું કે અમેરિકી સરકારને જ નહીં, સામાન્ય અમેરિકી નાગરિકને પણ સંતોષ આપવાનું જરૂરી હતું. ભારતની ભૂમિ પર અમેરિકાની મોટી ફોજ હતી. અમેરિકી સરકાર માટે આ સુવિધા બહુ જરૂરી હતી. કોંગ્રેસની માગણી મુજબ જો ભારત સ્વતંત્ર થાય તો યુદ્ધ બાબતમાં સ્વતંત્ર ભારતની સરકાર શું વલણ લે તે બાબતમાં અમેરિકી સરકારમાં શંકાઓ હતી. બીજી બાજુ, અખબારો પણ એકમત નહોતાં. અહીં ભારતમાં ગાંધીજી સહિતના બધા નેતાઓને અમેરિકામાં ભારતના હિમાયતીઓમાં જે ઢીલાશ દેખાતી હતી તે વિશે અજંપો હતો.

અમેરિકા અને બ્રિટન કહેતાં હતાં કે આ યુદ્ધ ચીન અને રશિયાની સ્વાધીનતાને બચાવી રાખવા માટે જરૂરી હતું. પરંતુ ગાંધીજીનો સવાલ જ એ હતો કે એક દેશને પરાધીન રાખીને, એની ભૂમિ પરથી, કોઈ બીજા દેશની સ્વાધીનતાને બચાવવા માટે લડાઈ કરવી એમાં કંઈ નીતિમત્તા નહોતી.

અમેરિકી પત્રકાર અર્નેસ્ટ લિંડલેનો લેખ

અમેરિકાની દ્વિધાનો પડઘો વ્હાઇટ હાઉસના બિનસત્તાવાર પ્રવક્તા જેવા મનાતા પત્રકાર અર્નેસ્ટ લિંડલેએ વૉશિંગ્ટન પોસ્ટમાં લખેલા એક લેખમાં મળે છે; એમણે અમેરિકા ત્રીજા પક્ષ તરીકે મધ્યસ્થી કરે એવો સંકેત આપ્યો છેઃ

“ભારતમાંથી નિયમિત માર્ગે ખાસ સમાચાર મળતા નથી, એનો અર્થ એ નથી કે ત્યાં બધું સારું ચાલે છે. એનો અર્થ એ છે કે ત્યાં બહુ આકરી સેંસરશિપ છે અને બ્રિટિશ સરકારે વિરોધને દબાવી દેવાનો માર્ગ લીધો છે. ભારતની આંતરિક રાજકીય સમસ્યાનો વાતચીત દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ થતો હોય એવાં એંધાણ નથી. બ્રિટિશ સતાવાળાઓને વિશ્વાસ હોય એમ લાગે છે કે શ્રી ગાંધીના આંદોલનને બળથી કચડી શકાશે. કોંગ્રેસના નેતાઓ બણગાં ફૂંકે છે કે બે મહિનામાં તેઓ સરકારી તંત્રને ખોરવી નાખશે પણ કોઈ આ દાવાને ગંભીરતાથી લેતું નથી.

“અમેરિકી સરકાર માટે આ એક બહુ નાજુક સમસ્યા છે. ક્રિપ્સ મિશનની યોજનાને બધા પક્ષોએ ફગાવી દીધી તે પછી, અમેરિકામાં સરકારી અને અંગત અભિપ્રાય કોંગ્રેસની વિરુદ્ધ ગયો છે…કોંગ્રેસના નેતાઓનું વલણ તદ્દન થકવી દે તેવું છે અને એ માત્ર બ્રિટન કે યુનાઇટેડ સ્ટેટ્સ નહીં , ખુદ ભારતનાં હિતોની વિરુદ્ધ છે…જો દમન એક જ રસ્તો હોય તો બ્રિટન સામે, આજના સંજોગોમાં સવાલ ખડો કરી શકાય તેમ નથી, પરંતુ બ્રિટન અને કોંગ્રેસ વાટાઘાટો દ્વારા આ સમસ્યા ઉકેલી શકે એમાં જાણકારોને શંકા છે. કદાચ અમેરિકા અને ચીન મિત્ર તરીકે વચ્ચે આવે તો ઉપયોગી થાય.”

ચીન શું માનતું હતું?

બ્રિટન જેની સ્વાધીનતાના બચાવના ‘ઉદાત્ત’ ધ્યેય માટે લડાઈમાં ઊતર્યું હતું તેના પ્રખ્યાત લેખક અને વિદ્વાન લિન યુતાંગે ભારતની સ્વતંત્રતાની તરફેણ કરતો એક જોરદાર લેખ Free worldમાં લખ્યો. એ લેખના કેટલાક અંશ જોઈએઃ

“આપણે હિન્દુવિરોધી પ્રચારના આધારે વાતો કરીએ છીએ. આપણા મનને મનાવવા માટે માની લઈએ કે કોંગ્રેસ આખા ભારતનું પ્રતિનિધિત્વ નથી કરતી; કોંગ્રેસમાં મુસલમાનો નથી; જિન્ના બહુ મહત્ત્વના છે; હિન્દુસ્તાનીઓને અંગ્રેજો માટે પ્રેમ છે અને બધું બરાબર ચાલે છે.

આવી ભ્રમણાઓમાં રાચવાનો સમય વીતી ચૂક્યો છે અને હવે એની કીંમત ચુકવવી પડશે…અમેરિકામાં ભારત વિરુદ્ધ ઝેર ફેલાવવામાં આવે છે પરંતુ શાણા નાગરિકો સમજે છે કે બ્રિટનના સેંસર અધિકારીઓની આંખે ભારતનો કેસ અમેરિકી જનતા સુધી કદીયે બરાબર પહોંચ્યો નથી… માનવ સ્વભાવનો એ નિયમ છે કે આપણે જેને ઈજા પહોંચાડવા માગતા હોઈએ તેને પહેલાં ભાંડીએ કે જેથી સાબિત કરી શકીએ કે ઈજા કરવાનું આપણું કૃત્ય ઈજા પામનારના ભલા માટે છે. એટલે આપણે બોલતા રહેવું જોઈએ કે “ગાંધી ખુશામતખોર છે, ગાંધી આપખુદ અને ખંધા રાજકારણી છે, ગાંધીને વાસ્તવિકતાની સમજ નથી, ગાંધી માત્ર બ્રિટનને પાયમાલ કરવા માગે છે.”

સવાલ એ છે કે ગાંધી શા માટે આટલા મૂર્ખ છે? નહેરુ જેવા માણસો અને કોંગ્રેસના બીજા નેતાઓ શા માટે આટલા મૂર્ખ છે? એમનાથી ગેરરસ્તે દોરવાઈ જાય એટલી હદે હિન્દુસ્તાનીઓ શા માટે મૂર્ખ છે?…હિન્દુઓ વિશે અમેરિકનો ન સમજી શકે એવું કંઈક છે. ગાંધી એટલા માટે મૂર્ખ છે કે એ પણ, જેના માટે જ્યૉર્જ વૉશિંગ્ટન લડતા હતા તે, ઇંગ્લેંડની પરાધીનતામાંથી મુક્તિ માટે લડે છે. ગાંધી અને નહેરુ વૉશિંગ્ટન જેટલા જ જેટલા જ હઠીલા છે. નહેરુ એટલા માટે મૂર્ખ છે કે એમને પણ વૉશિંગ્ટન કે થોમસ પેઇનને ‘લિબર્ટી’ જેવા નાનાઅમથા શબ્દ માટે જેટલો પ્રેમ હતો એટલો જ પ્રેમ છે. ભારતને આજે જે અન્યાય થાય છે તે અમેરિકાની કૉલોનીઓમાં કે આયર્લેંડમાં પહેલાં થતો હતો, બરાબર એના જેવો જ છે. આજે અમેરિકનોને ‘લિબર્ટી” મળી ચૂકી છે ત્યારે આ નાનાઅમથા શબ્દનો અર્થ ભૂલી ગયા છે… ગાંધી અને નહેરુએ જે શક્તિને વૉશિંગ્ટને વહેતી કરી હતી તેને જ વહેતી કરી છે….આપણે રાષ્ટ્રોની મુક્તિ માટે યુદ્ધ કરીએ છીએ ત્યારે એ મહાન પ્રજા પોતાના રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય માટે પોકારે છે… હાલમાં જ સેક્રેટરી હલ કહેતા હતા કે બધા દેશોએ મુક્તિ માટે લડવું જોઈએ; ભારતીયો એમના જ શબ્દોને અનુસરે છે. હવે હલ ભારતીયોને ન કહી શકે કે તમારે મુક્તિ માટે લડવાનું નથી… આપણે ગ્રીસ, યુગોસ્લાવિયા કે ફ્રાન્સની મુક્તિ માટે તલપાપડ છીએ પણ દુનિયાના સૌથી મોટા દેશ ભારતના મુક્તિ સંગ્રામ તરફ આપણે આંખો બંધ કરીને બેઠા છીએ.. ભારતને સ્વાધીનતા જોઈએ છે. એ સ્વાધીન દેશ તરીકે આપણી સાથે રહીને લડવા માગે છે. સાથી રાષ્ટ્રોનાં સૈન્ય ભારતની ભૂમિ પર રહે તેમાં એને વાંધો નથી, એમ કોંગ્રેસનો ઠરાવ સ્પષ્ટ દેખાડે છે…ભારતને સ્વતંત્રતા જોઈએ અને એના ભવ્ય નેતાઓએ ભારતને સ્વતંત્રતાને લાયક બનાવ્યું છે. સ્વતંત્ર ભારત ધરી રાષ્ટ્રો સામેની લડાઈમાં વધારે જોશથી જોડાશે પણ હું ચેતવણી આપું છું કે એને પોતાની સ્વાધીનતા નહીં મળે ત્યાં સુધી એ છોડશે નહીં…”

૦૦૦

સંદર્ભઃ The Indian Annual Register, Vol ii, July-December1942.


%d bloggers like this: