India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-31

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૩૧: ભારત છોડો (૨)

બ્રિટિશ કેબિનેટે આઠમી તારીખે જ ‘ભારત છોડો’ આંદોલનને દબાવી દેવા માટે વાઇસરૉય જલદ પગલાં લે તેની હિમાયત કરી હતી. કેબિનેટને ગાંધીજી ઉપવાસ કરે તેની ધાસ્તી પણ હતી પરંતુ એણે નક્કી કર્યું કે ઉપવાસની પરવા ન કરવી. ગાંધીજીને તરીપાર કરી દેવાની પણ બ્રિટિશ કેબિનેટે તરફેણ કરી અને વાઇસરૉય લિન્લિથગોને પણ એ નિર્ણય વાજબી લાગ્યો હતો પરંતુ વાઇસરૉયની કૅબિનિટ અને કેટલાય પ્રાંતોના ગવર્નરો – ખાસ કરીને મુંબઈ અને બિહારના ગવર્નરો – અને ઇંટેલિજન્સ બ્યૂરોના ડાયરેક્ટરનો મત હતો કે ગાંધીજી વિરુદ્ધ આવા કોઈ પણ પગલાના જનતામાં નકારાત્મક પ્રત્યાઘાત પડશે. તે પછી એ નિર્ણય ટાળી દેવાયો પરંતુ ગાંધીજી ઉપવાસ કરે તો એમને રોકવા માટે કંઈ ન કરવું એ બાબતમાં વાઇસરૉયનો નિર્ણય પાકો હતો.

નવમી ઑગસ્ટે ગોવાલિયા ટેંક મેદાનમાંથી ઐતિહાસિક સંગ્રામ શરૂ થવાનો હતો પણ સરકારે ‘ઑલ ઇંડિયા કોંગ્રેસ કમિટી (AICC) અને ‘કોંગ્રેસ વર્કિંગ કમિટી “તરીકે ઓળખાતાં સંગઠનો”ને ગેરકાનૂની સંગઠન જાહેર કરી દીધાં. તે ઉપરાંત મુંબઈ અને ગુજરાતની પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ, ગુજરાત કોંગ્રેસની સત્યાગ્રહ સમિતિ, મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ અને કર્ણાટકની કોંગ્રેસ સત્યાગ્રહ સમિતિને પણ ગેરકાનૂની જાહેર કરી. એમની મીટિંગો માટે જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી લેવાનું ફરજિયાત બનાવાયું. ગોવાલિયા ટેંક મેદાનમાં કોંગ્રેસે ઊભા કરેલા શમિયાણા સહિત કોંગ્રેસ હાઉસ, વિઠ્ઠલ સદન, સરોજિની કુટિર, દાદાભાઈ મંઝિલ, જિન્ના હૉલ વગેરે સ્થળો પર પોલીસે કબજો કરી લીધો.

ગાંધીજી સહિત બધા નેતાઓને ટ્રેનમાં બેસાડી દેવાયા. ચિંચવડ સ્ટેશને ગાંધીજી અને બીજા કેટલાકને યરવડા જેલમાં લઈ જવાના હતા તે ઊતર્યા. પોલીસના રિપોર્ટ પ્રમાણે પૂના સ્ટેશને ટ્રેન રોકાવાની નહોતી પણ રહસ્યભરી રીતે ત્યાં સિગ્નલ ન મળતાં ટ્રેન રોકાઈ. એ સાથે જ જવાહરલાલ અને શંકરરાવ દેવ ટ્રેનની બારીઓમાંથી અંદર ઘૂસી ગયા પણ પોલીસના DIGએ એમને અટકાવ્યા. નહેરુ અને દેવ બહુ ગુસ્સામાં હતા અને પોલીસ સાથે થોડી ધક્કામુક્કી પણ થઈ. સરવાળે, ટ્રેન વર્કિંગ કમિટીના બધા સભ્યો સાથે શાંતિથી અહમદનગર પહોંચી ગઈ.

આ બાજુ, સવાર પડતાં જ લોકોમાં કોંગ્રેસ નેતાઓની ધરપકડના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા. લોકો ગોવાલિયા ટેંક મેદાનમાં એકઠા થવા લાગ્યા હતા (પછી એનું નામ બદલીને ઑગસ્ટ ક્રાન્તિ મેદાન રાખવામાં આવ્યું). પરંતુ કોઈ નેતાઓ તો હતા નહીં એટલે કોંગ્રેસના યુવાનોએ આ જવાબદારી સંભાળી લીધી. ઉષાબેન મહેતા એ વખતે ૨૨ વર્ષનાં હતાં; એમણે ત્રિરંગો લહેરાવ્યો. ઠેરઠેર ઉશ્કેરાયેલાં ટોળાંઓ નીકળી પડ્યાં અને સરકારી બિલ્ડિંગો અને રેલવેની સંપત્તિને નુકસાનથી બચાવવા પોલીસને બે દિવસ સુધી તો કેટલાંયે ઠેકાણે લાઠીચાર્જ કરવો પડ્યો. દસમીએ પોલીસના ગોળીબારમાં છ જણ માર્યા ગયા. મદ્રાસ પ્રાંતમાં તેનાલી રેલવે સ્ટેશને ટોળાએ માલસામાનના શેડ લૂંટી લીધા, તાર-ટેલીફોન લાઇનો કાપી નાખી, બે ટ્રેનોને સળગાવી નાખી. લખનઉ, કાનપુર, મુંબઈ, નાગપુર, અમદાવાદ વગેરે ઔદ્યોગિક શહેરોમાં ભારે અશાંતિ હતી. ૧૫મી તારીખ સુધીના પહેલા અઠવાડિયા દરમિયાન કાનૂન અને વ્યવસ્થાની સ્થિતિ સરકારના કાબૂ બહાર રહી. આમ છતાં બિહારમાં શાંતિ નહોતી, પટનાના રેલવે સ્ટેશનની ભારે ખાનાખરાબી થઈ હતી. અલ્હાબાદ, બનારસ, કલકત્તા, ઢકા વગેરે શહેરોમાં ભારે ઊકળાટ હતો. ક્લકત્તા અને ઢાકામાં તો પોલીસે ગોળીબાર પણ કર્યો. સરકારનો દાવો હતો કે કોંગ્રેસ હવે સીધી રીતે વિદ્યાર્થીઓને ભાંગફોડ માટે ઉશ્કેરે છે. તોડફોડનું નિશાન સંદેશ સેવાઓ અને ટ્રેન સેવાઓ હતી.

૧૪મી ઑગસ્ટે ઉષાબેન અને એમના સાથીઓ વિઠ્ઠલભાઈ ઝવેરી. ચંદ્રકાન્ત ઝવેરી,અને બાબુભાઈ ઠક્કરે એક રેડિયો સ્ટેશન શરૂ કર્યું. શિકાગો રેડિયોના માલિક નાનકા મોટવાણીએ એના માટે ઉપકરણો આપ્યાં અને પોતાના ટેકનિશિયનોને રેડિયો સ્ટેશન ચલાવવાની જવાબદારી સોંપી. ૨૭મી ઑગસ્ટે ઉષાબેનના અવાજમાં કોંગ્રેસ રેડિયોનાં પ્રસારણો શરૂ થયાં. કોંગ્રેસના નેતાઓ રામ મનોહર લોહિયા, અચ્યુત પટવર્ધન, પુરુષોત્તમ ત્રિકમદાસ વગેરે પણ એમને મદદ કરતા. પોલીસથી બચવા રેડિયો સ્ટેશનને એક જગ્યાએથી બીજે લઈ જવું પડતું. અંતે નવેમ્બરમાં પોલીસે આ સ્ટેશન પકડી પાડ્યું. ઉષાબેન અને એમના સાથીઓને ચાર વર્ષની કેદની સજા થઈ.

વાઇસરૉય લિન્લિથગો દરરોજ હિંદ માટેના બ્રિટિશ પ્રધાન લૉર્ડ ઍમરીને રિપોર્ટ મોકલતો તેમાં બધે ઠેકાણે સ્થિતિ કાબૂમાં હોવાનું લખતો પણ તે સાથે નવાં સ્થળોએ તોફાન ફાટી નીકળવાના સમાચાર પણ આપવા પડતા હતા. પાંચમી સપ્ટેમ્બરના એના રિપોર્ટમાં માહિતી આપી છે કે આખા દેશમાં ૬૫ પોલીસ ચોકીઓ પર ભીડે હુમલા કર્યા તેમાં ૪૦ ચોકીઓ સદંતર નાશ પામી, ૩૪૦ના જાન ગયા અને ૬૦૦ ઘાયલ થયા.અને હજી આંદોલનને એક મહિનો પણ પૂરો નહોતો થયો. રિપોર્ટ કહે છે કે આ આંકડા હજી ઊંચે જશે. આ ઘટનાઓમાં ૨૮ પોલીસ કર્મચારીઓ પણ માર્યા ગયા.

સરકારે વિદ્રોહને દબાવી દેવા માટે ૫૭ લશ્કરી બટાલિયનો ઉતારી. જનતાને નાથવાની કોશિશમાં ૧૧ સૈનિકો અને બે હવાઈદળના કર્મચારીઓનાં મોત થયાં. ૨૮મી સપ્ટેમ્બરે ઓરિસ્સાના બાલાસોર જિલ્લાના એક ગામે પોલીસે ગોળીબાર કર્યો તેમાં ૨૯ જણ શહીદ થયા.

આઝાદીનો પવન ચારે બાજુ ફુંકાવા લાગ્યો હતો. ઑક્ટોબરના અંતમાં વાયવ્ય સરહદ પ્રાંતમાં તોફાનો ફાટી નીકળ્યાં અને ખાન અબ્દુલ ગફ્ફાર ખાનને કેદ કરી લેવાયા. ફેબ્રુઆરી ૧૯૪૩ સુધીમાં ૪૦,૦૦૦ વ્યક્તિઓ જુદા જુદા કાયદા હેઠળ જેલોમાં હતી અને ૧૫૭ બોંબ કેસો પણ પકડાયા. સરકારી રિપોર્ટ પ્રમાણે કોંગ્રેસ પ્રેરિત તોફાનોમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ કે મુસ્લિમ નેતાઓ નહોતા જોડાયા. પરંતુ હિન્દુ-મુસ્લિમ રમખાણ ન થયાં. મુસ્લિમ લીગે મુસલમાનોને આ આંદોલનથી દૂર રહેવા અપીલ કરી હતી. કમ્યુનિસ્ટો પણ આંદોલનમાં કોંગ્રેસ સાથે નહોતા અને એમણે મુંબઈમાં મિલો ફરી ચાલુ થાય તેમાં સરકારને મદદ કરી.

એક ગુપ્ત AICCની ઑફિસ પણ શરૂ થઈ, એણે ‘કરો યા મરો’ના ગાંધીજીના સ્લોગન સાથે ૧૨ મુદ્દાનો કાર્યક્ર્મ લોકોને આપ્યો. કોંગ્રેસનું લક્ષ્ય વહીવટીતંત્રને સંપૂર્ણ ખોરવી નાખવાનું હતું એટલે વિદ્યાર્થીઓ, વેપારીઓ, ખેડૂતો, મજૂરો, એમ બધા વર્ગો માટે ભૂગર્ભ AICCએ જુદી જુદી અપીલો બહાર પાડી.

જયપ્રકાશ નારાયણ

૧૯૪૨ની નવમી નવેમ્બરની રાતે લોકો દિવાળી ઉજવવામાં મગ્ન હતા ત્યારે બિહાર (હવે ઝારખંડ)ના હઝારીબાગની સેંટ્રલ જેલની દીવાલ કૂદીને જયપ્રકાશ નારાયણ ભાગી છૂટ્યા. ત્યાંથી એ વારાણસી થઈને યુરોપિયન વેશમાં મુંબઈ પહોંચ્યા અને ભૂગર્ભમાં રહીને ઑગસ્ટ ક્રાન્તિનું સંચાલન કરનારા કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોને મળ્યા. જે. પી. સમાજવાદી હતા અને ગાંધીજીના અત્યંત પ્રિય સાથીઓમાં હતા પણ અહિંસાની બાબતમાં એમના ગાંધીજી સાથે મતભેદ હતા. જે. પી. માનતા કે સામાજિક પરિવર્તન માટે મર્યાદિત હિંસા જરૂરી બની જતી હોય છે. એમણે “દેશમાં કોઈક સ્થળેથી” કેટલાંય નિવેદનો બહાર પાડ્યાં અને યુક્ત પ્રાંતમાં છૂપા વેશે ફરીને ‘ભારત છોડો’ આંદોલનને ફેલાવ્યું. સરકારે એમને પકડવા માટે પાંચ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું પણ જે. પી. વિશે બાતમી આપવા કોઈ આગળ ન આવતાં સરકારે ઇનામની રકમ દસ હજાર રૂપિયા કરી દીધી.

તે પછી એમણે બિહાર અને નેપાલની સરહદે ‘ફ્રીડમ બ્રિગેડ’ની રચના કરી પણ નેપાલી સત્તાએ એમને અને રામ મનોહર લોહિયાને ભીંસમાં લીધા. સામસામે ગોળીઓની રમઝટ ચાલી પણ જે. પી. અને લોહિયા ફરી એક વાર પોલીસને હાથતાળી દઈને ભાગી છૂટ્યા.

દરમિયાન ગાંધીજી અને લિન્લિથગો વચ્ચેનો પત્રવ્યવહાર પ્રકાશિત થઈ ગયો હતો. તે પછી હિંસા-અહિંસાનો વિવાદ શરૂ થઈ ગયો હતો. જે. પી.એ કહ્યું કે આ વિવાદનો અર્થ નથી કારણ કે દરેક વ્યક્તિ પોતાનો રસ્તો પસંદ કરી શકે છે. કેટલાક લોકો આ આંદોલનનો યશ કોંગ્રેસને ન મળે એવી વેતરણમાં પણ લાગ્યા હતા. એમનું કહેવું હતું કે આંદોલન શરૂ થયું તે પહેલાં જ ગાંધીજી અને બીજા કોંગ્રેસ નેતાઓ જેલભેગા થઈ ગયા હતા. નેતૃત્વ એમના હાથમાં તો હતું જ નહીં એટલે આ કોંગ્રેસનું આંદોલન ન ગણાય. જે. પી.નો જવાબ હતો કે જે કંઈ થાય છે તે કોંગ્રેસના નેતાઓની ધરપકડનો જ પ્રત્યાઘાત છે. એમણે કમ્યુનિસ્ટો પર કટાક્ષ કરતાં સવાલ કર્યો કે મુંબઈની AICCમાં ગરજનારા મહાન ક્રાન્તિકારીઓ ક્રાન્તિનો દોર સંભાળી લેવા માટે કેમ આગળ ન આવ્યા?

જનતા સરકારો

યુક્ત પ્રાંતમાં બલિયા, ગઢવાલ, બિહારમાં મૂંગેર, મધ્ય પ્રાંતમાં નાગપુર અને મુંબઈ પ્રાંતમાં સાતારામાં જનતા સરકારો બની પણ સરકારે સશસ્ત્ર પોલીસ દળો મોકલીને એમને ધ્વસ્ત કરી નાખી. એક માત્ર બંગાળના મિદનાપુર જિલ્લાની જનતા સરકાર માથાના દુખાવા જેવી નીવડી. લાખો લોકો એના સમર્થનમાં અડગ હતા એટલે સરકાર આર્મી કે પોલીસનો બહુ ઉપયોગ કરે તો એને પોતાને જ નુકસાન થાય તેમ હતું. જાપાન આ વિસ્તારમાં ત્રાટકશે એવી બીકમાં સરકારે ૧૯૪૨ના ઍપ્રિલથી જ ત્યાં દમનકારી પગલાં લેવાનું શરૂ કર્યું હતું. લોકોની સાઇકલો સહિત ઘરવખરી પણ જપ્ત કરી લેવાઈ હતી, ચોખાની આખી ઊપજની જિલ્લાની બહાર નિકાસ થઈ જતી હતી. લોકોના હાથમાં પૈસા નહોતા અને તેમ છતાં ભાવો ચડતા જતા હતા એટલે લોકોમાં સરકાર સામે ભારે રોષ હતો જ. ઑગસ્ટ ક્રાન્તિ શરૂ થયાના એક મહિના પછી. આઠમી સપ્ટેમ્બરે એક વેપારી ચોખાની નિકાસ કરવાની કોશિશ કરતો હતો ત્યારે એને રોકવા બે હજારની ભીડ ત્યાં એકઠી થઈ ગઈ. પોલીસે એને વીખેરવા ગોળીબાર કરતાં ત્રણ ગામવાસીઓ માર્યા ગયા. તે પછી પોલીસે છ ગામોમાં ઝડતી લીધી અને ૨૦૦ જણને પકડી લીધા.

બીજી બાજુ બંગાળ સરકારે જાપાની આક્રમણનો મુકાબલો કરવા સ્થાનિક લોકોમાંથી પાંચ હજારને પસંદ કરીને ‘વિદ્યુત વાહિની’ બનાવી હતી; હવે એના સભ્યો બ્રિટિશ સરકાર સામેની લડતમાં જોડાયા. એમણે અસંખ્ય પોલીસ ચોકીઓને બાળી નાખી, કેટલાયે સરકારી નોકરોને કેદ કરી લીધા અને એમની પાસેથી બ્રિટિશ સરકાર માટે કામ ન કરવાનાં વચનો લીધાં, તે પછી એમને ઘર સુધીની રેલવેની મુસાફરીનાં ભાડાં આપીને છોડ્યા.

૨૯મી સપ્ટેમ્બરે પોલીસે ગોળીબાર કરીને એક ભીડને સરઘસાકારે મિદનાપુર શહેર ભણી જતાં રોકી દીધી. એ જ દિવસે વિદ્યુત વાહિનીના વોલંટિયરો પચાસ હજારના સરઘસની આગેવાની લઈને સૂતાહાટા પોલિસ ચોકી પર ત્રાટક્યા.

૧૭મી ડિસેમ્બરે તામ્રલિપ્તમાં રાષ્ટ્રીય સરકારની રચના કરવામાં આવી. સતીશચંદ્ર સામંત એના પહેલા ‘સરમુખત્યાર’ બન્યા. તે પછીની ૨૬મી જાન્યુઆરીએ – કોંગ્રેસના સંકલ્પ દિને – સૂતાહાટા, નંદીગ્રામ, તામલૂક અને મહીષાદલમાં પણ રાષ્ટ્રીય સરકારો બની. તામ્રલિપ્ત સરકારે ડાકુઓ, ચોરો, દુકાળ. ચેપી રોગો, મુલ્કી અને ફોજદારી કેસો, નિશાળો, સૈનિકો, પોલીસ વગેરે અનેક વિષયો માટે ખાસ ખાતાં શરૂ કર્યાં. આ સરકાર બે વર્ષ સુધી કામ કરતી રહી. ત્યાં બ્રિટિશ હકુમતનું નામનિશાન પણ નહોતું રહ્યું.

પરંતુ ૧૯૪૨ના ઑક્ટોબરમાં મિદનાપુર જિલ્લો ભયંકર વાવાઝોડાનો શિકાર બન્યો. આનો લાભ લઈને બ્રિટિશ સરકારે ત્યાં મોટી સંખ્યામાં પોલિસો મોકલ્યા. તે પછી ત્યાં દિવસે પોલિસ રાજ અને રાતે સ્વરાજ જેવી સ્થિતિ રહી.

‘ભારત છોડો’ આંદોલનના શરૂઆતના દિવસોમાં જ સરકાર હાંફી ગઈ હતી. નેતાઓને પકડી લેવાથી જનતા દબાઈ નહીં અને ગાંધીજીએ આદેશ આપ્યો હતો તેમ પહેલાંના સત્યાગ્રહથી અલગ પ્રકારનું આંદોલન બની ગયું હતું. એક વ્યક્તિના શબ્દમાં કેટલી શક્તિ હતી તેનો પરચો વાઇસરૉયને મળી ગયો હતો.

xxx

આવતા અંકમાં આપણે ગાંધીજી અને લૉર્ડ લિન્લિથગો વચ્ચેનો પત્રવ્યવહાર અને બીજી વાતો જોઈશું.

000

સંદર્ભઃ

1. Centenary History of Indian National Congress Vol.III

2. ttps://www.mkgandhi.org/ushamehta.htm

3. https://en.wikipedia.org/wiki/Usha_Mehta

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: