India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-30

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૩૦: ભારત છોડો (૧)

૧૯૪૨ની સાતમી ઑગસ્ટે મુંબઈના ગોવાલિયા ટેંક મેદાનમાં AICCની ઐતિહાસિક મીટિંગ શરૂ થઈ. એના અઢીસો સભ્યો ઉપરાંત દસ હજાર શ્રોતાઓ પણ હાજર હતા. વંદે માતરમ્‍ સાથે કાર્યવાહીની શરૂઆત થઈ, તે પછી કોંગ્રેસ પ્રમુખ મૌલાના અબુલ કલામ આઝાદે કમિટી સમક્ષ જે ઠરાવ રજૂ થવાનો હતો તેનું મહત્ત્વ સમજાવતાં કહ્યું કે આ ઠરાવ ટૂંકમાં એમ કહે છે કે આપણે વચનો પર ભરોસો રાખવા નથી માગતા, તરત ભારતને આઝાદ કરવાની જાહેરાત કરો. ભારત આઝાદ થયા પછી આપણું પહેલું કામ સંયુક્ત રાષ્ટ્રસંઘ સાથે સમજૂતી કરવાનું હશે અને આ યુદ્ધ જીતવા માટે જે કંઈ પણ કરવું પડે તેના માટે આપણે તૈયાર રહેશું. આમાંથી અંધાધૂંધી અને અરાજકતા ફેલાશે એવી બીક દેખાડવાની જરૂર નથી. બ્રિટિશ સરકાર ભારતની આઝાદી આપવા હૃદયપૂર્વક તૈયાર હોય તો એ હમણાં જ આઝાદી આપી શકે છે. થોડા મહિના પહેલાં જાપાની આક્રમણનો ભય દૂર હતો પણ હવે તો ખરેખર આક્રમણ થાય એવું લાગે છે. ભારતનો દરેક યુવાન આ ખતરા સામે ઊભો રહે એવું કોંગ્રેસ ઇચ્છે છે પણ સરકાર લોકોને નિરાશામાં જ ડુબાડી રાખવા માગતી હોય એમ લાગે છે.

એમણે કહ્યું કે ‘ભારત છોડો’નો અર્થ એ નથી કે બધા બ્રિટિશરોએ દેશમાંથી ભાગવું પડશે. ગાંધીજીએ આ શબ્દો વાપર્યા તે પછી આઝાદ અને નહેરુ સાથે ગાંધીજીને મળ્યા હતા. એ વખતે ગાંધીજીએ ખુલાસો કર્યો કે ‘ભારત છોડો’ એટલે સત્તા પરિવર્તન; બ્રિટિશરોની વ્યક્તિગત હકાલપટ્ટી નહીં.

“હું ૧૯૨૦માં હતો તે જ છું” – ગાંધીજી

૧૯૨૦માં ચોરીચૌરાની ઘટના પછી ગાંધીજીએ દેશવ્યાપી નાગરિક અસહકાર આંદોલન પાછું ખેંચી લીધું હતું એ સંદર્ભમાં શંકા વ્યક્ત કરાતી હતી કે ગાંધીજી ‘ભારત છોડો’ આંદોલન પણ અધવચ્ચેથી પાછું ખેંચી લેશે. ગાંધીજી કોંગ્રેસ પ્રમુખ મૌલાના આઝાદ પછી બોલ્યા ત્યારે એનો જવાબ આપતાં એમણે કહ્યું કે મને ઘણા લોકો પૂછે છે કે હું ૧૯૨૦માં હતો તે જ છું કે મારામાં કંઈ ફેરફાર થયો છે? ગાંધીજીએ પોતે જ જવાબ આપ્યો કે હું ૧૯૨૦માં હતો તે જ છું, માત્ર અમુક બાબતોમાં હું વધારે મજબૂત બન્યો છું. આ વાત સમજાવતાં એમને કહ્યું કે જેમ શિયાળામાં આપને ઘણાં કપડાં પહેરીને બહાર નીકળીએ અને ઉનાળામાં ઓછાં ક્પડાં પહેરતા હોઈએ છીએ પણ આપણે પોતે બદલાઈ જતા નથી. એટલે હું આજે પણ અહિંસાના સિદ્ધાંત પર અડગ છું. એ સાંભળીને તમારા કાન પાકી ગયા હોય તો તમારે મારી પાસે ન આવવું જોઈએ.

ગાંધીજીએ કહ્યું કે આ ઠરાવને મંજૂરી આપવાનું જરૂરી નથી. તમને સ્વરાજ અને સ્વતંત્રતા જોઈતાં હોય, અને હું અહીં જે રજૂ કરું છું તે સારી અને સાચી વસ્તુ છે એમ લાગતું હોય તો જ તમારે ઠરાવને મંજૂરી આપવી જોઈએ. તે પછી મને તમારો સંપૂર્ણ ટેકો જોઈશે. એમને કહ્યું કે દેશમાં ૬૦૦ જેટલા રાજાઓ છે. એમને તો શાસક સત્તાએ જ પેદા કર્યા છે કે જેથી હિન્દુસ્તાની હિન્દુસ્તાન અને બ્રિટિશ ઇંડિયા વચ્ચે અળગાપણું સર્જી શકાય. પણ રજવાડાંના લોકો કહે છે કે આવો કોઈ ભેદ નથી. રાજાઓને જે ઠીક લાગે તે કહે પણ રૈયત આપણે જે માગીએ છીએ તે જ માગે છે.

ગાંધીજીએ એવી પણ આશા વ્યક્ત કરી કે જિન્ના પણ કદાચ આંદોલનને ટેકો આપવા તૈયાર થઈ જાય. એમના ભાષણ પછી સાતમી તારીખે બેઠક મુલતવી રહી અને આઠમીએ ફરી શરૂ થઈ.

નહેરુ ઠરાવ રજૂ કરે છે

જવાહરલાલ નહેરુએ ‘ભારત છોડો’ ઠરાવ રજૂ કર્યો અને એનું હાર્દ સમજાવતાં કહ્યું કે આ ઠરાવની પાછળ સંકુચિત રાષ્ટ્રવાદની ભાવના નથી; એની આંતરરાષ્ટ્રીય પશ્ચાદ્‌ભૂમિકા છે. ઠરાવ દ્વારા કોઈને પડકાર ફેંકાયો નથી, ઉલ્ટું બ્રિટન એનો સ્વીકાર કરશે તો દેશમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સ્થિતિમાં સુધારો થશે.

કોંગ્રેસની સ્વતંત્રતા માટેની માગણી વિશે બ્રિટન અને અમેરિકામાં બૌદ્ધિક લોકોમાં પણ ગેરસમજણ હતી તેનો ઉલ્લેખ કરીને જવાહરલાલે કહ્યું કે કોંગ્રેસનું વલણ એમને કેમ સમજાતું નથી એ નવાઈની વાત છે, સિવાય કે એમણે ગેરસમજણ કરવાની એમણે સમજીવિચારીને ગાંઠ વાળી લીધી હોય. નહેરુએ કહ્યું કે કેટલાંક અખબારો કોંગ્રેસની સ્વતંત્રતાની માગણીને બ્લૅકમેઇલિંગ તરીકે ઓળખાવે છે. એનો અર્થ એ કે આપણે અંગ્રેજી બરાબર સમજતા નથી. પણ બ્રિટનને જે કરવું હોય તે કરે, આપણે સ્વતંત્રતાની માગણીમાં પીછેહઠ નહીં કરીએ.

એમણે કહ્યું કે બ્રિટન કે અમેરિકામાં કોઈ સાચું બોલતા નથી. બ્રિટન કે જર્મનીના રેડિયો સાંભળો તો જણાઈ આવશે કે બધે ઠેકાણે જૂઠાણાં જ છે. ઇંગ્લેંડનું વલણ અડિયલ ન હોત તો એણે બે વર્ષ પહેલાં કોંગ્રેસની વાત માની લીધી હોત. પરંતુ આજે તો બ્રિટન અને અમેરિકા કોંગ્રેસને દુશ્મન નં. ૧ માને છે. બ્રિટિશ સરકાર હિન્દુસ્તાનીઓ સાથે આ જ રીતે વર્તવાની હોય તો શું કરવું તે આપણે જાણીએ છીએ. જે નૅશનલ વૉર ફ્રંટ તરીકે ઓળખાય છે તેમાં નથી ‘નૅશનલ’, નથી ‘વૉર’ કે નથી ‘ફ્રંટ’. એનું કામ માત્ર કોંગ્રેસનો વિરોધ કરવાનું છે. બાકી આખું તંત્ર રેઢિયાળ છે. એ પોતાની કાર્યક્ષમતા માત્ર એક જ પ્રસંગે દેખાડે છેઃ જ્યારે કોંગ્રેસના નેતાઓને રાત વચ્ચે પકડી લેવાના હોય ત્યારે એ બહુ કાર્યક્ષમ બની જાય છે. અને આવી કાર્યક્ષમતા જોવા મળે એવા આ દિવસો છે.

સરદાર ઠરાવને ટેકો આપે છે

તે પછી વલ્લભભાઈએ ઠરાવને ટેકો આપ્યો. એમણે કહ્યું કે વર્કિંગ કમિટીએ ઠરાવ તૈયાર કર્યો તે પછી બહારની દુનિયાને ભારતમાં વધારે રસ પડવા લાગ્યો છે. આટલી પ્રસિદ્ધિ તો આપણે પૈસા ખર્ચ્યા હોત તો પણ ન મળી હોત. હવે મફતની સલાહો પણ મળવા માંડી છે. કોઈ સલાહ આપે છે, તો કોઈક ધમકી. સરદારે કહ્યું કે અમેરિકા અને ઇંગ્લેંડ એમ માનતાં હોય કે ભારતની જનતાના સાથ સહકાર વિના જ તેઓ ભારતમાંથી યુદ્ધ લડી શકશે તો એ બન્ને મૂર્ખ છે. લોકોને એવું લાગવું જોઈએ કે આ લોકોનું યુદ્ધ છે. બ્રિટન ભારતની રક્ષા કરવા માગે છે તેનો હેતુ માત્ર એક જ છે – ભારતને કેમ ભવિષ્યના બ્રિટિશ નાગરિકોના લાભ માટે અકબંધ રાખવું. એ સાથે જ વલ્લભભાઈએ ઉમેર્યું કે આપણે જાપાનનો પણ ભરોસો ન કરી શકીએ, ભલે ને, એ કહેતું રહે કે ભારત માટે એનો ઇરાદો શુદ્ધ છે.

એમણે લોકોને ચેતવ્યા કે આ વખતની લડાઈ વધારે કઠિન હશે. એમ નહીં કે જેલમાં વરસ-બે વરસ બેઠા રહ્યાઅ અને બહાર શું થાય છે તે ભૂલી ગયા. આ ચળવળ માત્ર કોંગ્રેસ પૂરતી મર્યાદિત નહીં રહે, જે લોકો પોતાને હિન્દુસ્તાની કહેતા હોય તે સૌની ચળવળ હશે. આ વખતે આપણો ઉદ્દેશ જાપાન ભારત પર ધસી આવે તે પહેલાં ભારતને સ્વતંત્રતા અપાવવાનો છે અને જરૂર પડે તો જાપાન સામે લડવાનો છે.

ઠરાવ પર સુધારા

ઠરાવમાં સુધારાની ઘણી દરખાસ્તો રજૂ થઈ. કોઈ સુધારામાં આંદોલન મોકૂફ રાખવાનું સુચન હતું, તો એકાદ સભ્યે હિન્દુ-મુસ્લિમ એકતા પર પહેલાં ધ્યાન આપવાનું કહીને મુસ્લિમ લીગ સાથે સમાધાન કરવાનું સૂચવ્યું. ઠરાવમાં વિશ્વ સ્તરે કોઈ સંસ્થા બને તેને ટેકો આપવાની બાંયધરી અપાઈ હતી, તેની સામે એવો સુધારો રજૂ થયો કે હમણાંથી આવું વચન આપવાનું યોગ્ય નથી કારણ કે આજના દુશ્મનો આવતીકાલે મિત્ર પણ બની શકે છે.

ત્રણ સામ્યવાદી પ્રતિનિધિઓ, કે. એમ અશરફ, સજ્જાદ ઝહીર અને એસ. જી. સરદેસાઈએ પણ સુધારા રજૂ કર્યા. અશરફે કહ્યું કે કોંગ્રેસે ભવિષ્યના ઇંડિયન ફેડરેશનમાંથી જે છૂટા પડવા માગતા હોય અને વત્તે ઓછે અંશે અમુક અંશે સમાન વ્યવહાર હોય એવા લોકોને ફેડરેશન છોડવાનો હક આપવો જોઈએ. આમ એમના સુધારામાં મુસ્લિમ લીગની માગણીનો પડઘો પડતો હતો. પરંતુ એમણે બીજું મહત્ત્વનું સુચન કર્યું કે કોંગ્રેસ સૌથી મોટી રાજકીય સંસ્થા હોવાથી દેશને શિસ્તબદ્ધ રાષ્ટ્રમાં ફેરવી નાખવાની એની જવાબદારી છે. કોંગ્રેસ આને જનતાનું યુદ્ધ નહોતી માનતી પણ કમ્યુનિસ્ટોનું કહેવું હતું કે આ જનતાનું યુદ્ધ હતું. કમ્યુનિસ્ટો રાષ્ટૄય સરકાર બનાવવા અને મુસલમાનોનો ટેકો મેળવવા માટે કોંગ્રેસને મુસ્લિમ લીગ સાથે સમજૂતી કરવાનું કહેતા હતા.

રામ મનોહર લોહિયા, અચ્યુત પટવર્ધન, આચાર્ય નરેન્દ્ર દેવ જેવા સમાજવાદીઓએ ઠરાવને ટેકો આપ્યો. અચ્યુત પટવર્ધને પણ કમ્યુનિસ્ટોના દાવાને પડકાર્યો કે મુસ્લિમ લીગ સાથે સમજૂતી કરીને કોંગ્રેસે રાષ્ટ્રીય મોરચો બનાવવો જોઈએ. એમણે કહ્યું કે લાખો મુસલમાનો લીગને ટેકો નથી આપતા. અને કમ્યુનિસ્ટો માત્ર કોંગ્રેસને સલાહ આપે છે, મુસ્લિમ લીગને કેમ કહેતા નથી કે કોંગ્રેસ સાથે સમજૂતી કરે?

મૌલાના નૂરુદ્દીન બિહારીએ ઠરાવના ટેકામાં બોલતાં કહ્યું કે હિનુસ્તાનની આઝાદી માટેની લડાઈના સૈનિક તરીકે એમને જનરલે નક્કી કરેલા વ્યૂહ સામે સવાલો ઊભા કરવાનો અધિકાર નથી. મૌલાનાએ કહ્યું કે કમ્યુનિસ્ટો સમજતા નથી કે ભારતની આઝાદી અને હિન્દુ-મુસ્લિમ એકતા – આ બે અલગ મુદ્દા છે.

અંતે નહેરુએ ચર્ચાઓનું સમાપન કર્યું અને ગાંધીજી ફરી બોલ્યા. એમણે કહ્યું –

…એને અંતરાત્માનો અવાજ કહો કે જે તમને યોગ્ય લાગે તે કહો, તમે એને શું નામ આપો છો તેની સાથે મને નિસ્બત નથી… પણ અંદર કંઈક છે. હું સાયકોલૉજી ભણ્યો છું અને બરાબર જાણું છું કે એ શું છે, ભલે, હું નું વર્ણન ન કરી શકું. એ અવાજ મને કહે છે કે મારે આખી દુનિયા સામે લડવું પડશે અને એકલા જ રહેવું પડશે. એ અવાજ મને એ પણ કહે છે કે જ્યાં સુધી તું દુનિયાની આંખમાં આંખ મેળવીને બોલીશ ત્યાં સુધી તું સહીસલામત છે, કદાચ દુનિયાની આંખોમાં લોહી ઊભરાઈ આવે પણ દુનિયાનો ડર છોડી દે અને આગળ વધ. ડર એકલા ભગવાનનો જ રાખ.

હું નહી રહ્યો હોઉં ત્યારે દુનિયા સ્વતંત્ર થઈ ગઈ હશે. હિન્દુસ્તાન આઝાદ થશે અને આખી દુનિયા આઝાદ થશે, હું નથી માનતો કે અમેરિકનો આઝાદ છે કે ઇંગ્લેંડ આઝાદ છે…દરેક હિન્દુસ્તાનીએ પોતાને આઝાદ માનવાનો છે. એણે આઝાદી મેળવવા અથવા ખપી જવાની તૈયારી રાખવાની છે. હવે માત્ર જેલમાં જવું પૂરતું નહીં ગણાય. હવે કોઈ બાંધછોડ નહીં, કોઈ પદ સંભાળવાનું નથી, ‘આઝાદી” શબ્દ તમારો મંત્ર બની જવો જોઈએ.

એ જ રાતે ગાંધીજી અને બીજા નેતાઓને સરકારે પકડી લીધા. આમ છતાં નવમી ઑગસ્ટે, બીજા દિવસની સવારે જ દેશના જણેજણની જીભે “ભારત છોડો”નો મંત્ર રમતો થઈ ગયો.

૦૦૦

સંદર્ભઃ

1. The Indian Annual register July-December 1942 Vol. II

2. CWMG Vol. 76

%d bloggers like this: