ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ
ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭
પ્રકરણ ૨૮: ક્રિપ્સ મિશન (૨)
સપ્રુ-જયકર નિવેદન
નોંધવા જેવી વાત એ છે કે ઘણી વ્યક્તિઓ અને સંસ્થાઓનું વલણ પણ કોંગ્રેસ જેવું જ હતું. કોંગ્રેસ સાથે સહકારથી કામ કરનારા, પણ કોંગ્રેસથી અલગ રહેલા નેતાઓ તેજ બહાદુર સપ્રુ અને એમ. આર. જયકરે પોતાના તરફથી ક્રિપ્સ મિશનની દરખાસ્તો પર અલગ પ્રતિસાદ આપ્યો. એમણે કહ્યું કે વાઇસરૉયની એક્ઝીક્યુટિવ કાઉંસિલમાં એક ભારતીયને સંરક્ષણ માટેના સભ્ય તરીકે લેવાની બહુ જ જરૂર છે. યુદ્ધ જેવી સ્થિતિમાં નીતિ અને કાર્ય વચ્ચે એકતા હોવી જરૂરી છે, એ સાચી વાત છે તેમ છતાં એક અનુભવી, જાણકાર ભારતીયને સંરક્ષણની જવાબદારી સોંપવામાં નીતિ અને કાર્યોમાં વિવાદ કેમ ઊભો થાય? એમણે કહ્યું કે અત્યારે ભારતીય જનમાનસ સંપૂર્ણ સ્વતંત્રતા ઇચ્છે છે, અને એટલે જ, અમે એ વાત પર ભાર મૂકીએ છીએ કે કશા પણ અપવાદ વિના સરકારની બધી જવાબદારી ભારતીયોના હાથમાં મૂકવી જોઈએ. અમે ઇચ્છીએ છીએ કે ભારતની જનતા યુદ્ધ સંબંધી કાર્યોમાં સરકારને સંપૂર્ણ ટેકો આપે. સંરક્ષણ પ્રધાન ભારતીય હશે તો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ ભારતીય જનતામાં એના સાનુકૂળ પડઘા પડશે.
હિન્દુ મહાસભા
હિન્દુ મહાસભાની વર્કિંગ કમિટીએ કહ્યું કે બ્રિટિશ સરકારે સૂચવેલી યોજનામાં કેટલાક મુદ્દા વત્તેઓછે અંશે સંતોષજનક છે પણ સર સ્ટેફર્ડ ક્રિપ્સે ભારત આવીને જે નિવેદન કર્યું તેના પ્રમાણે કાં તો આ યોજના આખી જ સ્વીકારવાની છે અથવા આખી જ નકારવાની છે. આ સંયોગોમાં એને નકાર્યા સિવાય બીજો વિકલ્પ નથી. હિન્દુ મહાસભાએ પ્રાંતોને અલગ રહેવાની છૂટ આપવાની જોગવાઈનો વિરોધ કરતાં કહ્યું કે એ દેશના ભાગલા પાડવા બરાબર છે. હિન્દુ મહાસભાનો આધારભૂત સિદ્ધાંત એ છે કે હિન્દુઓ સદીઓથી ભારતની મૂળભૂત એકતામાં માનતા આવ્યા છે અને અંગ્રેજી શાસને પણ ભારતની એકતાનો સ્વીકાર કર્યો છે, એટલું જ નહીં પણ બ્રિટન પોતે જ આ એકતા માટે યશ લે છે. ભારતીય સંઘમાંથી બહાર રહેવાનો અધિકાર આપવાથી પાકિસ્તાની ફેડરેશન બનશે અને એ પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બીજા મુસ્લિમ દેશો સાથે હાથ મિલાવીને ભારતની સલામતી માટે ખતરારૂપ બની જશે.
હિન્દુ મહાસભાએ કહ્યું કે આત્મનિર્ણયના અધિકારને નામે પ્રાંતોને વિચ્છેદનો અધિકાર ન આપી શકાય અને કોઈ બહારની સત્તા એ ઠોકી બેસાડે તે પણ ન ચાલે. એક સંઘમાં સ્વતંત્ર રાષ્ટ્રો જોડાતાં હોય એવા દાખલા અહીં બંધબેસતા નથી કારણ કે ભારત એકતંત્રી રાજ્ય છે, પ્રાંતો માત્ર વહીવટી એકમો તરીકે બનાવેલા છે.
ઑલ ઇંડિયા મોમીન કૉન્ફરન્સ
મોમીન કૉન્ફરન્સ મુસ્લિમ લીગથી વિરુદ્ધ હતી અને મોટી સંખ્યામાં મુસલમાનો એની સાથે હતા. એ મુસલમાનોના હકદાવાની ચિંતા કરતી હતી પણ કોંગ્રેસની તરફદાર હતી. એનો અભિપ્રાય એવો હતો કે હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે અવિશ્વાસ છે એટલે ક્રિપ્સની યોજના મુસલમાનોને સંપૂર્ણ સંતોષ આપી શકે તેમ નથી. પરંતુ બ્રિટન ભારતને આઝાદી આપશે તો આ અવિશ્વાસ પણ દૂર થઈ જશે. એણે પ્રાંતોને ભારત સંઘમાં ન જોડાવાનો અધિકાર આપવાની વ્યવસ્થાનો વિરોધ કરતાં કહ્યું કે એનાથી ભારતની અંદર જ અનેક ટુકડા થઈ જશે. મોમીન કૉન્ફરન્સે પણ ભારતની સંરક્ષણ વ્યવસ્થા ભારતીયને સોંપવાની હિમાયત કરી.
લિબરલ ફેડરેશન
લિબરલ ફેડરેશન ઑફ ઇંડિયાના પ્રમુખ સર બિજૉય પ્રસાદ સિંઘ રોય અને મહામંત્રીઓ સર ચીમનલાલ સેતલવાડ અને નૌશીર ભરૂચા સ્ટેફર્ડ ક્રિપ્સને મળ્યા અને ભારતને ડોમિનિયન સ્ટેટ બનાવવાની ઑફરને આવકાર આપ્યો પણ સંઘમાં ન જોડાવાની પ્રાંતોને છૂટ આપવાનાં જોખમો દેખાડ્યાં. ભારતમાં એક કરતાં વધારે ફેડરેશનો બનાવાય તો એ દરેકનાં સૈન્યો જુદાં જુદાં હશે, વેપારમાં પણ કસ્ટમ લાગુ પડશે. રેલવે, બંદરોની માલિકી વગેરે ઘણા ગુંચવાડા ઊભા થશે. લિબરલ ફેડરેશને પણ ભારતના સંરક્ષણ માટે ભારતીયને જવાબદારી સોંપવાની માગણી કરી.
દેશી રાજ્યોની પ્રજાકીય પરિષદોની માગણી
દેશી રાજ્યોની પ્રજાકીય પરિષદોના દેશવ્યાપી સંગઠન સ્ટેટ્સ પીપલ્સ કૉન્ફરન્સે ક્રિપ્સને પોતાનું નિવેદન આપ્યું તેમાં કહ્યું કે આ દરખાસ્તો બ્રિટિશ ઇંડિયા માટે હોવા છતાં દેશી રજવાડાંઓની પ્રજા પર એની સીધી કે આડકતરી અસર પડ્યા વગર નહીં રહે. વૉર કેબિનેટ એમ માનતી હોવાનું જણાય છે કે આવા મહત્ત્વના મુદાઓનો ઉકેલ આણવા માટે બ્રિટિશ સરકાર અને દેશી રાજાઓ પૂરતા છે. રજવાડાંની નવ કરોડની પ્રજાનો તો ક્યાંય ઉલ્લેખ પણ નથી. આજના સંકટકાળમાં અને નવી દુનિયાનું સર્જન કરવાની વાતો વચ્ચે આ દેખાડે છે કે બ્રિટન સરકાર કઈ રીતે વિચારે છે. બ્રિટિશ સરકાર અને રાજાઓ વચ્ચે કોઈ સમજૂતી થઈ હોવાને બહાને ભારતનું રાજકીય વિઘટન કરવું એ આજની દુનિયામાં ન ચાલે. આ સંધિઓ એક જમાનામાં થઈ હતી પણ તે વખતની સ્થિતિ આજે નથી રહી. એ યાદ રાખવું જોઈએ કે માત્ર ૩૦ કે ૪૦ રાજાઓએ સંધિઓ કરી હતી અને એ સંધિઓમાં રાજ્યોની પ્રજાઓનો કંઈ પણ ફાળો નહોતો. આ જરીપુરાણી સંધિઓ આજે લોકોના રાજકીય અને આર્થિક વિકાસમાં આડે આવે એ હવે સહન થાય તેમ નથી. સ્ટેટ્સ પીપલ્સ કૉન્ફરન્સે કોંગ્રેસની પૂર્ણ સ્વરાજની માગણી દોહરાવી.
ડિપ્રેસ્ડ ક્લાસિસ અને નરમપંથી શીખો
ડિપ્રેસ્ડ ક્લાસિસના નેતા એમ. સી. રાજાએ બંધારણ સભાની રચનાનો વિરોધ કર્યો. એમણે કહ્યું કે જાતિઓ અને પંથોમાં વહેંચાયેલા આ સમાજમાં ડિપ્રેસ્ડ ક્લાસિસને ચૂંટણી દ્વારા કંઈ પ્રતિનિધિત્વ મળે એવી કોઈ શક્યતા નથી. દેશની ૯૦ ટકા ઊપજ ખેતીમાંથી મળે છે અને ખેતીકામમાં લાગેલા ૯૦ ટકા મજૂરો ડિપ્રેસ્ડ શ્રેણીના છે. એમણે ભારતીય સંરક્ષણ પ્રધાન નીમવાનો પણ વિરોધ કર્યો. એમણે કહ્યું કે કોંગ્રેસના હાથમાં આ પદ આવશે તો ડિપ્રેસ્ડ ક્લાસિસના લોકોને ગળે ટૂંપો દેવાની એને સત્તા મળી જશે.
મુસ્લિમ લીગ
મુસ્લિમ લીગની વર્કિંગ કમિટી ૧૧મી એપ્રિલે મળી અને ક્રિપ્સની દરખાસ્તોને, જેવી હતી તેવી જ સ્વીકારી લેવાનો ઇનકાર કરી દીધો. જો કે, વર્કિંગ કમિટીએ એનાં અમુક પાસાંની પ્રશંસા કરી, જેમ કે, પ્રાંતો માટે ભારતીય સંઘમાં જોડાવાનું મરજિયાત રાખ્યું તેમાં એને પાકિસ્તાનની શક્યતા દેખાઈ. લીગે કહ્યું કે છેલ્લાં પચીસ વર્ષથી એણે દેશની બે મુખ્ય કોમો, હિન્દુ અને મુસલમાન, શાંતિથી રહી શકે તેવા પ્રયાસ કર્યા પણ એનું કંઈ પરિણામ ન આવ્યું. આ કડવા અનુભવ પછી લીગ એવા તારણ પર પહોંચી છે કે બન્ને કોમોને એક જ યુનિયનમાં રાખવામાં ન્યાય પણ નથી અને એ શક્ય પણ નથી.
પ્રાંતોની ઍસેમ્બ્લીઓ એક આખા મતદાર મંડળ તરીકે બંધારણસભાને ચૂંટે એવી વ્યવસ્થાને પણ લીગે વખોડી કાઢી. એનું કહેવું હતું કે મુસલમાનો અલગ મતદાર મંડળ દ્વારા ચુંટાયા છે, પણ બંધારણસભાની પસંદગી વખતે એમનો આ અધિકાર ઝુંટવી લેવાય છે.
સંઘમાંથી છૂટા પડવાનો અધિકાર મુસલમાનોની ભાગલા માટેની માગણીને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે. પણ આ અધિકાર હમણાં જે પ્રાંતો છે તેમને આપવામાં આવ્યો છે. આ પ્રાંતો વહીવટી કારણસર બન્યા છે અને એમની પાછળ કોઈ તર્ક નથી. આ બાબતમાં મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભાની દલીલો વચ્ચે સમાનતા છે કે આ પ્રાંતો વહીવટી કારણોસર બન્યા છે. પરંતુ મુસ્લિમ લીગ એવો પણ સંકેત આપે છે કે પ્રાંતોની પુનર્રચના કરવી જોઈએ, કે જેથી મુસલમાનોનાં હિતો સચવાય. સંઘમાં જોડાવું કે નહીં તે વિશે ઍસેમ્બ્લીમાં સ્પષ્ટ નિર્ણય ન થઈ શકે તો લોકમતની દરખાસ્ત હતી તેનો પણ લીગે વિરોધ કર્યો કારણ કે આમાં લોકમત સમગ્ર પુખ્ત વસ્તીને આધારે લેવાનો હતો; મુસલમાનોને અલગ ગણવાના નહોતા.લીગનું કહેવું હતું કે એ રીતે મુસલમાનોના આત્મનિર્ણયના અધિકારની ઉપેક્ષા થશે.
મુસ્લિમ લીગની વર્કિંગ કમિટીએ કહ્યું કે ૧૯૪૦નો પાકિસ્તાન વિશેનો લાહોર ઠરાવ પૂરો ન સ્વીકારાયેલો હોય તેવી કોઈ પણ વ્યવસ્થા લીગને મંજૂર નથી.
આમ ક્રિપ્સ મિશન નિષ્ફળ રહ્યું.
રાજાજી ક્રિપ્સ મિશનને ટેકો આપે છે!
સ્ટેફર્ડ ક્રિપ્સની વિદાય પછી એ. આઈ. સી. સી.ની બેઠક ૨૯મી ઍપ્રિલે વર્ધામાં મળી. પ્રમુખસ્થાનેથી મૌલાના અબુલ કલામ આઝાદે ક્રિપ્સ મિશનની યોજના પ્રત્યે કોંગ્રેસે લીધેલા વલણના વિગતવાર ખુલાસા કર્યા. સંરક્ષણ સીધું જ વાઇસરૉય હસ્તક રહે તેનો કોંગ્રેસે વિરોધ કર્યો, કારણ કે યુદ્ધના સમયમાં સંરક્ષણ જ સૌથી મહત્ત્વનો એકમાત્ર મુદ્દો બની રહે છે. એના ખર્ચ અને વહીવટની અસર બધા વિભાગો પર પડે.
વ્યક્તિગત ઠરાવો
કે. સંતાનમે જે ઠરાવ રજૂ કર્યો તે ક્રિપ્સ મિશનની દરખાસ્તોને નકારી કાઢવાના કોંગ્રેસના સત્તાવાર વલણની વિરુદ્ધ હતો. ચક્રવર્તી રાજગોપાલાચારી આ ઠરાવના પ્રેરક હતા. આથી કોંગ્રેસ પ્રમુખે એમને ઠરાવ રજૂ કરવાની પરવાનગી આપી; સંતાનમે ઠરાવને ટેકો આપ્યો. એના પર મતદાન થયું. ૧૨૦ સભ્યોએ ઠરાવની વિરુદ્ધ મત આપ્યો અને એના ટેકામાં માત્ર ૧૫ મત પડ્યા. આમ રાજાજીનો ઠરાવ ઊડી ગયો.
ઠરાવમાં કહ્યું હતું કે રાષ્ટ્રીય સરકાર બનાવવામાં નડતા બધા અવરોધો કોંગ્રેસે દૂર કરવા જોઈએ. ઠરાવમાં કહ્યું હતું કે દેશની એકતાના અસ્પષ્ટ લાભના નામે વિવાદ ચાલુ રાખવો અને રાષ્ટ્રીય સરકાર ન બનવા દેવી એમાં શાણપણ નથી, એટલે મુસ્લિમ લીગ અલગ થવાનો અધિકાર માગે છે તે માન્ય રાખવો અને એને સામેલ થવાનું આમંત્રણ આપીને રાષ્ટ્રીય સરકાર બનાવવા સંમત થવું જોઈએ.
રાજાજીના ઠરાવનો અર્થ
દેશના ભાગલાનો સ્વીકાર કરવામાં રાજાજી સૌ પહેલા હતા. એમનો મત હતો કે મુસ્લિમ લીગ પોતાની માંગ છોડવાની જ ન હોય તો કોંગ્રેસે ભારતીય સંઘમાંથી છૂટા પડવાનો એનો અધિકાર કબૂલ કરી લેવો જોઈએ. આ મતભેદોનો લાભ અંગ્રેજોને મળે છે. બ્રિટન કોમી સમસ્યાને બહાને સ્વતંત્રતાને પાછળ ઠેલતું રહ્યું છે, પણ મુસ્લિમ લીગની વાત માની લેવાથી બ્રિટન પાસે આ બહાનું નહીં રહે. આના પછી રાજાજીએ કોંગ્રેસ છોડી દીધી.
૦૦૦
સંદર્ભઃ The Indian Annual register Jan-June 1942 Vol. I