India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-25

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૨૫: સુભાષચન્દ્ર બોઝ જર્મનીમાં

૧૯૪૧ના ઍપ્રિલની ત્રીજી તારીખે ઈટલીનો કુરિયર ઑર્લાન્ડો માઝોટા બર્લિનમાં જર્મન વિદેશ મંત્રાલયના દરવાજે પહોંચ્યો. આપણે હવે એને ઓળખીએ છીએ. ઑર્લાન્ડો માઝોટાને આપણે પ્રકરણ ૨૩ના છેક અંતમાં મળ્યા છીએ. અફઘાનિસ્તાનમાં ઈટલીની મદદથી રશિયાની સરહદમાં ઘૂસી જતી વખતે સુભાષબાબુએ એ નામના ઈટલીના કૂરિયરનો પાસપોર્ટ ઉપયોગમાં લીધો હતો.

સુભાષબાબુ બ્રિટનને હરાવવા માટે જર્મનીની મદદની આશાથી ભારતમાંથી પલાયન કરી ગયા હતા. એ રશિયામાં રહેવા માગતા હતા કે જર્મની જવા ઇચ્છતા હતા તે વિશે હજી પણ વિદ્વાનોમાં એકમતી નથી. ઐતિહાસિક તથ્ય એ છે કે રશિયા અને જર્મની વચ્ચે મિત્રતાની સંધિ થયેલી હતી અને રશિયા હજી તેલ અને તેલની ધાર જોતું હતું. એ બ્રિટનને પણ નારાજ કરવા નહોતું માગતું. આ કારણે સુભાષબાબુ પોતાના નામથી રશિયામાં આવે અને રહે તે એને પસંદ નહોતું. એટલે સુભાષબાબુ બર્લિન પહોંચ્યા ત્યાં સુધી ઑર્લાન્ડો માઝોટા જ રહ્યા. જર્મનીના વિદેશ મંત્રાલયના અમુક જ ઑફિસરોને એમના વિશે જાણ હતી. એમણે હૉટેલ એક્સેલ્સિયરમાં રહેવાની વ્યવસ્થા કરી આપી. ત્યાં જ એમણે પોતાની ઑફિસ બનાવી.

એક જ અઠવાડિયામાં, નવમી તારીખે, સુભાષબાબુએ જર્મનીના વિદેશ મંત્રાલયને વિગતવાર નિવેદન આપીને પોતાની યોજના બધા ખુલાસા અને તર્ક સાથે સમજાવી. એમણે એ પણ સમજાવ્યું કે જાપાન દૂર-પૂર્વમાં (અગ્નિ એશિયામાં) યોગ્ય નીતિ અપનાવે તો ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યાનો અંત આવી જશે. એમણે એ પણ કહ્યું કે સિંગાપુરમાં બ્રિટન પરાજિત થાય તે બહુ જરૂરી છે. અંતે સુભાષબાબુ ધારતા હતા તેમ જ યુદ્ધે વળાંક લીધો.

ત્રણ જ અઠવાડિયાંમાં જર્મન વિદેશ મંત્રી રિબેનટ્રોપ અને સુભાષબાબુ વિયેનાની ઇમ્પીરિયલ હૉટેલમાં મળ્યા. રિબેનટ્રોપે નિવેદન વિશે જર્મન સરકારનો અભિપ્રાય જણાવ્યો કે સુભાષબાબુની યોજનાને અમલમાં મૂકવાનો સમય હજી પાક્યો નથી. સુભાષબાબુએ સૂચવ્યું કે જર્મનીએ બ્રિટિશ સેનાના અસંખ્ય હિન્દુસ્તાની સૈનિકોને યુદ્ધ કેદી બનાવ્યા છે; એમનો ઉપયોગ લડાયક સૈન્ય તરીકે બ્રિટનની વિરુદ્ધ કરી શકાય. પરંતુ રિબેનટ્રોપે એ સૂચન પણ ન સ્વીકાર્યું. એણે ભારતની સ્વતંત્રતાને જાહેરમાં ટેકો આપવાની પણ ના પાડી દીધી. સુભાષબાબુએ કહ્યું કે બ્રિટન કદાચ યુરોપમાં પોતાની હાર કબૂલી લેશે પણ ભારતને પોતાના સકંજામાં જ ઝકડી રાખશે, રિબેનટ્રોપે એના જવાબમાં એટલું જ કહ્યું કે જર્મનીએ બ્રિટન સાથે સંધિ કરવાની દરખાસ્ત મૂકી હતી, પણ બ્રિટને એ ફગાવી દીધી. હવે એનું ભાવિ એવું છે કે એના સામ્રાજ્યનો તો આપમેળે અંત આવી જશે. આમ રિબેનટ્રોપે દેખાડ્યું કે ભારત બ્રિટનના કબજામાંથી છૂટે કે ન છૂટે, જર્મનીને એમાં રસ નથી.

ત્રણ જ દિવસમાં સુભાષબાબુએ બીજું નિવેદન મોકલ્યું. આ વખતે એમણે જર્મની ભારતની સ્વતંત્રતાને ટેકો આપવાની જાહેરાત કરે એ વાત પર ભાર મૂક્યો. સુભાષબાબુ ત્યાં સરકાર બનાવી શક્યા નહોતા અને જર્મનીમાં બહુ ઓછા ભારતીયો એવા હતા કે જેમને સરકારમાં સાથી તરીકે સામેલ કરી શકાય. આ સ્થિતિમાં જર્મનીમાં રહેવા માટે એમનો દરજ્જો શું? એટલે એમણે બર્લિનમાં સ્વાધીન ભારતની સરકાર બનાવવામાં અને રેડિયો સ્ટેશન શરૂ કરવામાં જર્મનીની મદદ માગી.

એમણે ભારતની સ્વતંત્રતાની ઘોષણાનો મુસદ્દો પણ બનાવ્યો અને જર્મની અને ઈટલીના નેતાઓને આપ્યો. પરંતુ બન્ને તરફથી સાનુકૂળ જવાબ ન મળ્યો. જર્મની અને રશિયા વચ્ચે શાંતિ અને મૈત્રીની સંધિ હતી અને જર્મની ભારતને રશિયાની વગ હેઠળનો પ્રદેશ માનતું હતું એટલે ભારતની સ્વતંત્રતાની ઘોષણા કરીને રશિયાને નારાજ કરવાનો એમનો ઇરાદો નહોતો.

ભારત અને આરબ દેશો બ્રિટનના તાબામાં હતા એટલે એમની સ્વતંત્રતાને ટેકો આપીને હિટલર બ્રિટનને કફોડી સ્થિતિમાં મૂકી શકે તેમ હતો, એટલે એણે સુભાષબાબુના નિવેદનનો સ્વીકાર કર્યો પણ એના પર નક્કર નિર્ણય લેવાનું ટાળી દીધું, અંતે હિટલરે વિદેશ મંત્રાલયને આ યોજના અભેરાઈએ ચડાવી દેવાનો આદેશ આપ્યો.

હિટલરની સરકારે આઝાદ હિન્દુસ્તાનની સરકાર બનાવવાની મંજૂરી તો ન આપી, માત્ર ‘Free India Centre’ અથવા ભારતીય સ્વતંત્રતા સમિતિની છૂટ આપી. સુભાષબાબુએ એ સ્વીકારી લીધું અને એમના કહેવાથી વિદેશ મંત્રાલયમાં ભારત માટેનું ‘વર્કિંગ ગ્રુપ’ પણ કામ કરતું થઈ ગયું. આ વર્કિંગ ગ્રુપ છેવટે ભારત માટેના ખાસ વિભાગમાં પરિવર્તિત થયું, એની જવાબદારી સુભાષબાબુને બધી રીતે મદદ કરવાની હતી.

૧૯૪૧ના મે મહિનામાં સુભાષબાબુ રોમ ગયા અને મુસોલિનીને મળ્યા. આમ તો એ સુભાષબાબુને મળવા નહોતો માગતો પણ મળ્યા પછી એને લાગ્યું કે ભારતની આઝાદીને ટેકો આપવાનું નિવેદન બહાર પાડવું જોઈએ. એણે જર્મનીને પણ ભારતની આઝાદીના સમર્થનમાં નિવેદન બહાર પાડવા કહ્યું પણ જર્મન સરકાર એના માટે તૈયાર નહોતી. એ ફ્રાન્સ પણ ગયા. આમ તો પૅરિસ પર હિટલરે કબજો કરી લીધો હતો પણ એના બીજા આઝાદ પ્રદેશમાં સુભાષબાબુની મુલાકાત એક હિન્દુસ્તાની પત્રકાર એ. સી. એન. નામ્બિયાર સાથે થઈ. નામ્બિયાર તે પછી સુભાષબાબુની યોજનાઓનું અભિન્ન અંગ બની રહ્યા. એ પહેલાં પણ નામ્બિયારે રાજા મહેન્દ્ર પ્રતાપ, બરકતુલ્લાહ, એમ. એન. રૉય, વીરેન્દ્ર ચટ્ટોપાધ્યાય જેવા ક્રાન્તિકારીઓ સાથે કામ કર્યું હતું.

હજી સુધી સુભાષબાબુ ભારતીય રાષ્ટ્રવાદની નજરે આખા યુદ્ધને જોતા હતા એટલે યુદ્ધ જર્મની અને ઇંગ્લૅન્ડ વચ્ચે જ સીમિત રહી શકે એ ધારણાથી કામ કરતા હતા. હિટલરે પોતાના કબજામાં આવેલા દેશોમાં જે અત્યાચાર કર્યા હતા તેના તરફ પણ એમણે આંખો બંધ રાખી હતી, પરંતુ જર્મનીએ રશિયા સાથેની સંધિ તોડીને હુમલો કરતાં એમના ઘણા ખ્યાલો ધૂળમાં મળી ગયા. હિટલર યુરોપમાં પૂર્વ તરફ આગળ વધવા માગતો હતો. આમ છતાં, વિદેશ મંત્રાલયે એમને આઝાદ હિન્દુસ્તાન કેન્દ્રનો વિકાસ કરવામાં ઘણી મદદ કરી. રેડિયો સ્ટેશન ઊભું કરવાની સગવડ પણ આપી, એટલું જ નહીં, એના માટે જર્મન રેડિયોથી અલગ ફ્રિક્વન્સી આપી હતી કે જેથી આઝાદ હિન્દુસ્તાન કેન્દ્ર જર્મનીથી અલગ રહીને પોતાનો દૃષ્ટિકોણ રજૂ કરી શકે. કેન્દ્રનું કામ બરાબર શરૂ થઈ ગયું હતું. સુભાષબાબુએ કોંગ્રેસના તિરંગાને જ કેન્દ્રનો ઝંડો બનાવ્યો. માત્ર એમણે ચરખાને બદલે ટીપુ સુલતાનના ઝંડાનો છલાંગ મારતો વાઘ એમાં મૂક્યો. જો કે અગ્નિ એશિયામાં ચરખો ઝંડામાં પાછો આવ્યો. રવીન્દ્રનાથ ટાગોરનું “જન ગણ મન…” કેન્દ્રનું રાષ્ટ્રગીત બન્યું, એમણે બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયનું ‘વંદે માતરમ’ ન લીધું કારણ કે એની સામે મુસલમાન સૈનિકો ધાર્મિક કારણસર વાંધો લે એવું હતું. એમણે ઈકબાલનું “સારે જહાં સે અચ્છા…” રોજ ગાવાનાં ગીતોમાં લીધું અને ‘જય હિન્દ’નું નવું સૂત્ર એકબીજાના સ્વાગત માટે આપ્યું. સુભાષબાબુનું જોર નાતજાત અને ધર્મના વાડા ભૂંસીને એક હિન્દુસ્તાનીની ઓળખ વિકસાવવા પર રહ્યું.

દરમિયાન. જર્મનીના વિદેશ મંત્રી રિબેનટ્રોપે પોતે જ હિન્દુસ્તાની યુદ્ધકેદીઓનો જુદી રીતે ઉપયોગ કરવાનો વિચાર રજૂ કર્યો. એની યોજના હતી કે આ યુદ્ધકેદીઓમાંથી માત્ર હિન્દુસ્તાનીઓની બટાલિયન ઊભી કરવી. જો કે એના માટે જુદા જુદા દેશમાંથી હિન્દુસ્તાની યુદ્ધ કેદીઓને જર્મનીમાં લાવવાની જરૂર હતી. આમાં મુસોલિનીએ બહુ રસ ન લીધો અને હિન્દુસ્તાની યુદ્ધકેદીઓને જર્મનીના હાથમાં સોંપવામાં બહુ વાર લગાડી.

બીજી બાજુ, હિન્દુસ્તાની સૈનિકોમાં જાતિવાદ ફેલાયેલો હતો એટલે જર્મન અધિકારીઓને યુદ્ધકેદીઓની ફરિયાદો મળતી તેમાં બધા કેદીઓને એક લાકડીએ હાંકવા વિશે પણ ફરિયાદ મળતી. બીજું. એ જર્મની સામે શા માટે લડતા હતા એવા સવાલનો એમનો જવાબ એક જ હતો કે એમના માલિકોએ એમને જર્મની સામે લડવાનો હુકમ આપ્યો હતો. આમ હિન્દુસ્તાનીઓનું વલણ તદ્દન ભાડૂતી ફોજ જેવું હતું. તે ઉપરાંત બીજી પણ એક સમસ્યા હતી કે એમાં નૉન-કમિશન્ડ લશ્કરી સૈનિકો સીધી રીતે બ્રિટનને વફાદાર હતા. એ સામાન્ય સૈનિકોના કાન ભંભેરતા એટલે ડિસેમ્બરમાં સુભાષબાબુ આન્નાબર્ગની યુદ્ધકેદીઓની છવણીમાં એમને મળવા ગયા ત્યારે એમને સખત વિરોધનો સામનો કરવો પડ્યો. આમ છતાં એમણે બીજા જ દિવસથી વ્યક્તિગત રીતે યુદ્ધકેદીઓને મળવાનું શરૂ કરી દીધું અને અંતે પંદર હજારમાંથી ચાર હજાર યુદ્ધકેદીઓ ખાસ હિન્દુસ્તાની બટાલિયનમાં જોડાવા તૈયાર થઈ ગયા.

સુભાષબાબુને જર્મનીમાં એ. સી. એન. નામ્બિયાર ઉપરાંત એન. જી. ગણપૂલે, ગોવિંદ તલવલકર, ગિરિજા કુમાર મૂકરજી, એમ. આર. વ્યાસ, હબીબુર રહેમાન, એન જી. સ્વામી, આબિદ હસન જેવા મહત્ત્વના સાથીઓ પણ મળ્યા.

સુભાષબાબુ ૧૯૪૧ના ઍપ્રિલમાં બર્લિન આવ્યા ત્યારે ઑર્લાન્ડો માઝોટા તરીકે આવ્યા હતા પણ હવે એમને એ નામની જરૂર નહોતી, કારણ કે વિદેશ મંત્રાલય એમને મદદ આપતું હતું એટલે હવે એમણે આ નામ છોડી દીધું. રશિયા પર જર્મનીએ આક્રમણ કર્યું તે પછી એમને જર્મની પાસેથી બહુ આશા નહોતી રહી. આ બાજુ ડિસેમ્બરમાં જાપાન પણ યુદ્ધમાં કૂદી પડ્યું હતું અને ચીન, સિંગાપુર, મલાયા વગેરે પર એનો ઝંડો ફરકતો હતો.

આથી સુભાષબાબુ હવે પૂર્વ એશિયામાં જવા માગતા હતા. ભારતની સરહદ ત્યાંથી નજીક પડે અને સ્વતંત્ર રીતે લશ્કરી કાર્યવાહી કરવી હોય તો ભારતની નજીક રહેવાનું એમને જરૂરી લાગવા માંડ્યું હતું. પરંતુ જર્મન અધિકારીઓ એમને સલામતીનાં કારણોસર રોકી રાખતા હતા.

સુભાષબાબુને જર્મનીમાં એક વર્ષ પુરું થઈ ગયું હતું પણ એમની મુલાકાત હિટલર સાથે થઈ શકી નહોતી. છેવટે ૧૯૪૨માં મે મહિનાની ૨૯મીએ સુભાષબાબુ હિટલરને મળ્યા. એમણે હિટલર સમક્ષ એશિયા જવાની ઇચ્છા વ્યક્ત કરી. હિટલરે વિમાનમાર્ગે જવાનાં જોખમો બતાવ્યાં અને એમને સબમરીનમાં પહોંચાડવાની તૈયારી દેખાડી.

હિટલરને ભારત પર બ્રિટનનું રાજ રહે તેમાં વાંધો નહોતો. એ હિન્દુસ્તાનીઓને ‘ઊતરતી’ કોમ માનતો હતો અને એને ગોરી ચામડી માટે પક્ષપાત હતો. એણે Mein Campfમાં આ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. સુભાષબાબુએ હિટલરને આ દૃષ્ટિકોણ બદલવા કહ્યું, જો કે હિટલર એનો જવાબ ટાળી ગયો. હિટલરે ભારતની સ્વતંત્રતાને ટેકો આપવા બાબતમાં કહ્યું કે ખરેખર વિજય ન મળે તો આવું જાહેર કરવાનો કંઈ અર્થ નથી રહેતો. અને જર્મની માટે ભારત “અનંત દૂર” છે.

હિટલરે સબમરીન માટે વચન આપ્યા પછી આઠ મહિને ૮મી ફેબ્રુઆરી ૧૯૪૩ના એમણે જર્મની છોડ્યું. પણ પૂર્વ એશિયાની લડાઈમાં એવું તે શું હતું કે સુભાષબાબુ ત્યાં જવા માટે જવા આતુર હતા?

૦૦૦

સંદર્ભઃ http://dspace.pondiuni.edu.in/jspui/bitstream/1/1698/1/Subhas%20Chandra%20Bose.pdf

%d bloggers like this: