India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-24

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૨૪: ઍમરીનું વક્તવ્યઃ બ્રિટનની ચાલ

૧૯૩૫ના કાયદા પ્રમાણે પ્રાંતની સરકાર બંધારણીય કાયદા પ્રમાણે કામ નથી કરી શકતી તો એ બધી સત્તા હાથમાં લઈ શકે એવી વ્યવસ્થા હતી. સાત પ્રાંતોમાં કોંગ્રેસી પ્રધાનમંડળો રાજીનામાં આપી ચૂક્યાં હતાં અને ગવર્નરોના હાથમાં બધી સત્તાઓ કેન્દ્રિત થઈ ગઈ હતી. આની મુદત વધુ એક વર્ષ લંબાવવાનો ઠરાવ ૧૯૪૧ના ઍપ્રિલ મહિનામાં બ્રિટિશ સરકારના ભારત માટેના પ્રધાન એલ. એસ. ઍમરીએ આમસભામાં રજૂ કર્યો. એ વખતે એમણે ભારતની રાજકીય પરિસ્થિતિ વિશે કેટલાંક વિધાનો કર્યાં.

ઍમરીએ કહ્યું કે ૧૯૩૫ના કાયદામાં સૂચવેલી ફેડરલ સત્તા માટેની વ્યવસ્થાનો પણ કોંગ્રેસ વિરોધ કરે છે, કારણ કે એને બધી સત્તા હાથમાં લેવી છે. પણ કોંગ્રેસે એ જોખમ તરફ આંખો બંધ કરી દીધી છે કે જિન્નાની પાકિસ્તાનની માંગને કારણે કોંગ્રેસના હાથમાં બધી સત્તા આવે અને આખા ભારતમાં એનો પ્રભાવ સ્થાપિત થાય એવું બીજું બંધારણ બનવાના સંયોગો નથી. બીજી બાજુ, જિન્નાની માગણી માનીએ તે ભારતની એકતાને તોડી પાડવા જેવું થશે. બ્રિટનની સૌથી મોટી સિદ્ધિ જ એ છે કે એના હેઠળ ભારતમાં એકતા અને શાંતિ સ્થાપિત થઈ છે એટલે પાકિસ્તાનની માગણી સ્વીકારી ન શકાય.

ઍમરીએ તેજ બહાદુર સપ્રુએ યોજેલી ‘બોમ્બે કૉન્ફરન્સ’ની પણ ટીકા કરી. કૉન્ફરન્સે વાઇસરૉયની કાઉંસિલનું વિસ્તરણ કરીને માત્ર બિનસરકારી ભારતીયોનો એમાં સમાવેશ કરવાનું સૂચવ્યું હતું, તેજ બહાદુર સપ્રુ વગેરે નેતાઓએ એક ઠરાવ દ્વારા કહ્યું કે યુદ્ધ ચાલે ત્યાં સુધી આ કાઉંસિલ વાઇસરૉયને ટેકો આપશે. ઍમરીએ તેનો પણ અસ્વીકાર કર્યો. એમણે કહ્યું કે તેજ બહાદુર સપ્રુ અને એમના મિત્રોની આ ભલામણ અર્થ વગરની છે, કારણ કે બે મુખ્ય પક્ષો – કોંગ્રેસ અને મુસ્લિમ લીગ – ની સંમતિ મેળવ્યા વગર જ એમણે આ સૂચન કર્યું છે.

આમ ઍમરીએ એક કાંકરે ત્રણ પક્ષી માર્યાં: કોંગ્રેસ માત્ર બોલવાની આઝાદી – યુદ્ધનો વિરોધ કરવાના અધિકારની – માગણી કરતી હતી અને એનો સત્યાગ્રહ એના માટે હતો. કોંગ્રેસ કહેતી હતી કે ભારતને સ્વાધીનતા આપ્યા વગર જ બ્રિટને એને યુદ્ધમાં ઘસડ્યું છે. આ માગણીને ફેડરેશન સામેના વાંધા સાથે કશી લેવાદેવા નહોતી. પરંતુ ઍમરીએ એવું ઠસાવવાનો પ્રયાસ કર્યો કે કોંગ્રેસને બધી સત્તા પોતાના હાથમાં જોઈએ છે. આટલું કહ્યા પછી એમણે પાકિસ્તાનની માગણીને પણ ઠોકર મારી દીધી! આ માગણી ખોટી હોય તો એનું નિરાકરણ પણ બ્રિટને જ કરવાનું હતું, એ વાત તો એ ગળી ગયા. તો પણ કોંગ્રેસની માગણીને દબાવી દેવા માટે એનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો.

તેજ બહાદુર સપ્રુની માગણી એ કારણસર નકારી કે કોંગ્રેસ અને મુસ્લિમ લીગને પૂછ્યા વિના જ બોમ્બે કૉન્ફરન્સે આ સૂચન કર્યું છે. હકીકત એ હતી કે કાઉંસિલનો વિસ્તાર કરીને એમાં વધારે ભારતીયોને લેવાનો બ્રિટનનો ઇરાદો જ નહોતો. ઍમરીએ કહ્યું કે જિન્ના બોમ્બે કૉન્ફરન્સના ઠરાવને નકારી ચૂક્યા છે અને કહે છે કે કોંગ્રેસે આ ઠરાવ પરદા પાછળ રહીને કરાવ્યો છે. નોંધવા જેવું એ છે કે એમણે હિન્દુ મહાસભાનો પણ હથિયાર તરીકે ઉપયોગ કરી લીધો અને કહ્યું કે હિન્દુ બહુમતીનું પ્રતિબિંબ ન પડતું હોય એવી કોઈ વ્યવસ્થામાં એ નહીં જોડાય. ટૂંકમાં, ઍમરીનું કહેવું હતું કે હિન્દુસ્તાનના બધા પક્ષો સંમત ન થાય ત્યાં સુધી સમાધાન ન થઈ શકે. એ બે મોઢે બોલતા હતા. જે દલીલને પોતે નહોતા માનતા તે બધી દલીલોને સામસામે કાપવા માટે વાપરતા હતા. એમણે બ્રિટનની જવાબદારીઓમાંથી હાથ ખંખેરી નાખ્યા પણ લેબર અને લિબરલ પાર્ટીઓના સભ્યોએ ઍમરીની આ બે મોઢાની વાતને ખુલ્લી પાડી અને બ્રિટનને પોતાની જવાબદારી સમજીને ભારતીયોને વધારે સામેલ કરવાની હિમાયત કરી.

ગાંધીજીનું નિવેદન

એમરીના નિવેદન પર ગાંધીજીએ આકરી ટિપ્પણી કરી. આવી આકરી અને તીખી ભાષા ગાંધીજીએ ભાગ્યે જ કદી વાપરી હશે. એમણે ઍમરી પર નામજોગ પ્રહાર કર્યા એટલે એ નિવેદન જરા વિસ્તારથી જોઈએ.

ગાંધીજીએ કહ્યું કે મુસીબતના વખતમાં માણસનું મન નરમ થઈ જતું હોય છે પણ બ્રિટનની હાલની મુસીબતો જરાય ઍમરીના હૈયા સુધી પહોંચી હોય તેમ નથી લાગતું. ઍમરી દાવો કરે છે કે અંગ્રેજી હકુમતે ભારતમાં શાંતિ સ્થાપી છે. પણ ઢાકા અને અમદાવાદમાં શું થાય છે તે એમને દેખાતું નથી? હું આશા રાખું છું કે તેઓ મારા મોઢા પર એવી દલીલ નહીં ફેંકે કે બંગાળમાં તો હિન્દીઓની પોતાની સરકાર છે. તેઓ બરાબર જાણે છે કે આ સરકાર શું છે. પ્રધાન કોંગ્રેસનો હોય લીગનો હોય કે કોઈ બીજા પક્ષનો, એના હાથમાં કેટલી નજીવી સત્તા છે તે ઍમરી જાણે છે. હું એક જ સવાલ પૂછવા માગું છું કે બ્રિટિશ શાસન આટલા લાંબા વખતથી છે તેમાં માણસો આટલા નિર્માલ્ય શા માટે બની ગયા છે કે થોડા ગુંડાઓની બીકથી હજારો લોકો ભાગી છૂટે છે. ‘સરકાર’ નામને યોગ્ય હોય તેવી કોઈ પણ સરકારનું પહેલું કામ તો લોકોને સ્વબચાવની રીતો શીખવવાનું છે. બ્રિટનની સરકારને લોકોની ચિંતા નથી એટલે જ એણે લોકોની શસ્ત્રો વાપરવાની શક્તિ હણી લીધી છે.

ગાંધીજીએ આક્ષેપ કર્યો કે ઍમરી ઊબકા આવે એટલી વાર એક જ વાત કહ્યા કરે છે કે ભારતના બધા રાજકીય પક્ષોએ અંદરોઅંદર સંમત થવું જોઈએ અને ગ્રેટ બ્રિટન સંગઠિત ભારતના અભિપ્રાય પર મંજૂરીની મહોર મારશે. આમ કહીને એમણે ભારતવાસીઓની બુદ્ધિપ્રતિભાનું અપમાન કર્યું છે. મેં કેટલીયે વાર કહ્યું છે કે બધા પક્ષો એક ન થાય એ બ્રિટનની વર્ષો જૂની નીતિ રહી છે. આ ‘ભાગલા પાડો અને રાજ કરો’ની છીછરી નીતિ માટે બ્રિટન ગર્વ લે છે. પણ જ્યાં સુધી બ્રિટનની તલવાર માથા પર લટકતી હશે ત્યાં સુધી બધા પક્ષો એક નથી થવાના.

એમણે સ્વીકાર્યું કે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે ન પુરાય એવી ખાઈ છે. પરંતુ છેવટે તો આ અમારો ઘરઆંગણાનો સવાલ છે. બ્રિટન ભારત છોડી દે, બસ, કોંગ્રેસ, મુસ્લિમ લીગ અને બધા પક્ષો જાતે જ સાથે રહેવાનો કોઈક રસ્તો શોધી જ લેશે. આજે જે સમસ્યા લાગે છે તે એક પખવાડિયામાં હલ થઈ જશે અને આજે જેમ યુરોપમાં થાય છે તેમ ભારતમાં માથાં વઢાતાં હોય એવો એક દિવસ પણ નહીં હોય. કારણ કે બ્રિટિશ સરકારની મહેરબાનીથી આપણે બધા નિઃશસ્ત્ર છીએ.

ગાંધીજીએ આગળ કહ્યું કે ઍમરી સત્ય પર પરદો નાખીને એમના અજ્ઞાન શ્રોતાઓને કહે છે કે કોંગ્રેસને “કાં તો બધું, કાં તો કંઈ નહીં” જોઈએ છે. પણ મેં ઘણી વાર કહ્યું કે અત્યારે જે સ્થિતિ છે તેમાં બ્રિટન આઝાદી આપી શકે તેમ નથી એટલે આપણે માત્ર લખવા-બોલવાની સ્વતંત્રતા માગીએ. આને “કાં તો બધું, કાં તો કંઈ નહીં” કહેવાય? બ્રિટન પોતાના અસ્તિત્વની લડાઈ લડે છે તે જોઈને કોંગ્રેસે પોતાનું વલણ નરમ બનાવ્યું, પણ ઍમરીની માનસિક સ્થિતિ જોતાં તેઓ આ વાત કબૂલવા જેટલું પ્રાથમિક સૌજન્ય પણ દેખાડે એવી આશા રાખવી એ વધારેપડતું છે. એમનામાં આટલુંય સૌજન્ય નથી એટલે જ એમણે કોંગ્રેસના નરમ વલણનો ઉપયોગ કોંગ્રેસની સામે જ કર્યો છે અને દાવો કર્યો છે કે સવિનય કાનૂનભંગ નિષ્ફળ રહ્યો છે.

ગાંધીજીએ બ્રિટિશ શાસન હેઠળ વધતી જતી ગરીબાઈનો ઉલ્લેખ કરીને કહ્યું કે “ભારતની સમૃદ્ધિ વિશે એમનાં વિધાનો વાંચીને મારો શ્વાસ અટકી ગયો. મારા અનુભવ પરથી હું કહું છું કે એ હવે દંતકથા બની ગઈ છે. આજે ભારતમાં કરોડો લોકો સતત દરિદ્રતામાં ધકેલાતા જાય છે. એમની પાસે પૂરતું ખાવાનું કે ઓઢવા-પહેરવાનું નથી, કારણ કે આ મુલક એક માણસના શાસન હેઠળ છે. એ માણસ કરોડોનું બજેટ બનાવી શકે છે પણ હું છાતી ઠોકીને કહું છું કે એ કરોડો દુખિયારાં જનોની સમૃદ્ધિનો પુરાવો નથી, એ માત્ર એ વાતનો પુરાવો છે કે ભારત બ્રિટનની એડી નીચે સતત ચંપાય છે. આજે ખેડૂતોની દશાથી વાકેફ હોય એવા દરેક હિન્દવાસીની આ આપખુદ હકુમત સામે બળવો પોકારવાની ફરજ છે. માનવજાતનાં સદ્‍ભાગ્યે આ બળવો શાંતિપૂર્ણ હશે અને એ રીતે ભારત એના સ્વાભાવિક લક્ષ્ય સુધી પહોંચી જશે.”

મુસ્લિમ લીગની મીટિંગો

આના પછી, મુસ્લિમ લીગની મીટિંગ મળી તેમાં ઍમરીની ‘India First’ની નીતિનો વિરોધ કરતાં વર્કિંગ કમિટીએ કહ્યું કે ભારતના મુસલમાનોને ભારતીય હોવાનો ગર્વ છે અને ‘ભારત ભારતીયો માટે’માં એમનો દૄઢ વિશ્વાસ છે; અને એ જ ભાવનાથી પ્રેરાઈને ભારતના મુસલમાનોને પાકી ખાતરી થઈ ગઈ છે કે ભારતની બંધારણીય સમસ્યાનો ઉકેલ માત્ર ‘પાકિસ્તાન’ દ્વારા જ આવી શકશે. પાકિસ્તાન વિશેના લાહોર ઠરાવનો ઉદ્દેશ પણ એ જ છે.

અહીં ‘પાકિસ્તાન’ એટલે શું તેનો ખુલાસો નથી કરવામાં આવ્યો. આ શબ્દ દ્વારા મુસલમાનોનું એક અલગ સાર્વભૌમ રાજ્ય એવું સમજાય છે, પણ હજી લાહોરના ઠરાવમાં વપરાયેલા ‘રાજ્યો’ (‘રાજ્ય’ નહીં)નો ઉપયોગ પણ લીગે છોડ્યો નથી. એ રાજ્યો ભારતમાં હોય તો સાર્વભૌમ ન હોઈ શકે, પણ જિન્ના આ બધું ધૂંધળું રાખવા માગતા હતા એટલે પાકિસ્તાનની વ્યાખ્યા કરવાનું હંમેશાં ટાળતા રહ્યા. એક જગ્યાએ જિન્નાએ ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વમાં મુસ્લિમ બહુમતીવાળા પ્રદેશોનાં રાજ્યોને સંયુક્ત રીતે ‘પાકિસ્તાન’ તરીકે પણ ઓળખાવ્યાં. પરંતુ આખું વર્ષ state અને statesનો ગોટાળો ચાલુ રહ્યો.

પરંતુ કોંગ્રેસ કે ગાંધીજી સામે બખાળા કાઢ્યા વિના પણ લીગને ચાલે એમ નહોતું. વર્કિંગ કમિટિએ કહ્યું કે ગાંધીજીનું ‘બોલવાની આઝાદી’ માટેનું આંદોલન ખરેખર તો કોંગ્રેસની માગણી મનાવવા માટેનું આંદોલન હતું. ઍમરીએ પાકિસ્તાનની માગણીને નકારી એટલું જ નહીં, એ પણ ઉમેર્યું કે બધા પક્ષો સંમત ન થાય ત્યાં સુધી કશું ન થઈ શકે. જિન્ના સાબિત કરતા હતા કે બધા પક્ષો સંમત નથી થતા!

આ પહેલાં ફેબ્રુઆરીમાં વર્કિંગ કમિટીની બેઠક મળી હતી તેમાં દર વર્ષે ૨૩મી માર્ચે લાહોર ઠરાવના સિદ્ધાંતો સમજાવવાનો દિન મનાવવાનો નિર્ણય લેવાયો હતો. એક જુદા ઠરાવમાં લીગે એનાં પ્રાતિક એકમોને દર ત્રણ મહિને ‘મુસ્લિમ લીગ સપ્તાહ’ મનાવવાનો પણ આદેશ આપ્યો.

બોમ્બે કૉન્ફરન્સનો પ્રત્યાઘાત

ઍમરીએ કહ્યું હતું કે બોમ્બે કૉન્ફરન્સના નેતાઓએ મુસ્લિમ લીગ અને કોંગ્રેસની સંમતિ મેળવ્યા વિના સૂચનો કર્યાં છે. કૉન્ફરન્સના નેતા તેજબહાદુર સપ્રુ અને એની કમિટીએ જવાબમાં કહ્યું કે કોઈ પણ સ્વાભિમાની પોલિટિકલ પાર્ટી ઍમરીનું સૂચન ન માની શકે કે જિન્નાની મંજૂરી મળે તે પછી જ એણે કોઈ સૂચન રજૂ કરવું જોઈએ. ભારત માટેના પ્રધાને સલાહ આપી છે કે ભવિષ્યમાં કૉફરન્સના સભ્યોએ શું કરવું જોઈએ. એમની સલાહ છે કે અમારે બધી શક્તિ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે મેળ કરાવવામાં ખર્ચવી જોઈએ અને કોઈ અનિશ્ચિત તારીખે ડોમિનિયન સ્ટેટસ મળે એની રાહ જોતા રહેવું જોઈએ. કૉન્ફરન્સ એમની આ સલાહને નકારી કાઢે છે.

આમ રાજકીય વાતાવરણ ગરમ થતું જતું હતું.

૦૦૦

સંદર્ભઃ The Indian Annual Register Jan-July 1941 Vol I

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: