India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-20

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૨૦ : ગાંધીજીની વ્યૂહરચના

વાઇસરૉયે કોંગ્રેસની માગણી ફગાવી દીધી તે પછી કોંગ્રેસ પાસે આંદોલન સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. મહાત્મા ગાંધીના હાથમાં બધાં સૂત્રો સોંપી દેવાનું કારણ પણ એ જ હતું કે લોકોની નાડી પર એમનો હાથ હતો. ગાંધીજી જાણતા હતા કે ક્યારે આંદોલન કરવું જોઈએ. દેશમાં ઠેરઠેર સત્યાગ્રહો તો ચાલતા જ હતા અને હજારો લોકો વારંવાર જેલ જતા હતા. જો કે, ગાંધીજી છેક ૧૯૩૮-૩૯થી જ કહેતા રહ્યા હતા કે દેશ હજી સત્યાગ્રહ માટે તૈયાર નથી. આથી પૂનામાં AICCએ એમના હાથમાં લગામ મૂકી ત્યારે ગાંધીજીએ પોતાના મનના વિચારો પ્રગટ કર્યા.

એમણે કહ્યું કે મારી સ્થિતિ જહાજના કેપ્ટન જેવી છે. મને મારા બધા સાથીઓનો સંપૂર્ણ ટેકો મળવો જોઈએ. નહીંતર જહાજ ડૂબી જશે અને એની સાથે આખો દેશ ડૂબી જશે. ગાંધીજીએ કહ્યું કે આ વખતે જેલમાં જવાની મને તાલાવેલી નથી, જો કે, સરકાર મને ગમે ત્યારે પકડી શકે છે પરંતુ હાલ ઘડી કાયદો તોડવાનો મારો કોઈ વિચાર નથી.

હું એ પણ સ્પષ્ટ કરી દેવા માગું છું કે આપણે બ્રિટનનું બૂરું નથી ઇચ્છતા. એ હારી જાય એવું પણ આપણે નથી ઇચ્છતા, પણ આ લડાઈમાં એ કોંગ્રેસના ટેકાની આશા ન રાખી શકે. કોંગ્રેસ આ દેશમાં નાગરિક સ્વાતંત્ર્ય ઇચ્છે છે, એટલે યુદ્ધ વિશે આપણે શું માનીએ છીએ તે કહેવાનો આપણને અધિકાર હોવો જોઈએ. બ્રિટન એમ કેમ કહી શકે કે ભારત એની સાથે છે? ભારત એમની સાથે છે, એમ જાહેર કરીને એમણે મોટામાં મોટી ભૂલ કરી છે. એમણે આ જાહેરાત કરી તે સાથે જ એ દેખાઈ ગયું કે પ્રાંતોને આપેલી સ્વાયત્તતા કેટલી બોદી હતી. આજે ૩૦ કરોડની વસ્તી એક વાઇસરૉયના તાબામાં છે. આવું કોણ સહન કરી શકે? મને વાઇસરૉય સામે અંગત કંઈ વાંધો નથી. એ મારા મિત્ર છે, પણ એક માણસના હાથમાં આટલી આપખુદ સત્તા શા માટે? મારે સાફ કહેવું જોઈએ કે મને તો જર્મની, જાપાન કે ઈટલીની બીક નથી લાગતી. સત્યાગ્રહી કોઈથી બીતો નથી હોતો. હું જો એટલી હદે નપુંસક હોઉં કે અંગ્રેજોના જવા સાથે જ મારી જાતનું રક્ષણ ન કરી શકું તો આઝાદ થવાની ઇચ્છા રાખવાનો પણ મને અધિકાર નથી.

હવે ગાંધીજી વિરોધ અને સહકારનો સમન્વય કરે છે. એમણે ચર્ચાઓને નવી જ દિશા આપી દેતાં કહ્યું કે આપણી માગણી વાણી સ્વાતંત્ર્યની છે. સરકાર એમ કહે કે કોંગ્રેસને યુદ્ધનો વિરોધ કરવાનો અધિકાર છે અને એ અપરાધ નથી, તો હું એના પર સવિનય કાનૂન ભંગ કે નાગરિક અસહકાર ઠોકી બેસાડવા માગતો નથી. આપણે લડીને કે સમાધાન દ્વારા વાણી સ્વાતંત્ર્ય મેળવી લેવું જોઈએ. એક મુક્ત સમાજમાં વ્યક્તિને હિંસા સિવાય કોઈ પણ જાતનો પ્રચાર કરવાની છૂટ છે. આપણે કહીએ કે અમારી લડાઈ આઝાદી માટે છે, તેનો કંઈ અર્થ નથી, લડાઈ કોઈ સ્પષ્ટ મુદ્દા માટે હોવી જોઈએ, એટલે આપણે જે કહેવા માગતા હોઈએ, તે કહેવાના અધિકાર માટે આપણી લડાઈ છે. શરૂઆતમાં મને લાગતું હતું કે આ બહુ નાની વાત છે, પણ જેમ જેમ વિચારતો ગયો તેમ હું એવા તારણ પર પહોંચ્યો કે આ મુદ્દો બહુ જ અગત્યનો છે. મને બોલવાનો અધિકાર મળે તો મારા હાથમાં સ્વરાજની ચાવી આવી જશે.

ગાંધીજીએ વાઇસરૉયને મળવાનો ઇરાદો વ્યક્ત કર્યો. એમણે કહ્યું કે હું એમને કહીશ કે યુદ્ધની તૈયારી માટે તમે જે કંઈ કરો છો તેમાં અમે તમને કફોડી સ્થિતિમાં મૂકવા નથી માગતા. અમે અમારે રસ્તે, તમે તમારે રસ્તે. આપણા વચ્ચે અહિંસા એક કડી હશે. લોકોને યુદ્ધ માટેના પ્રયાસોમાં ન જોડાવાનું સમજાવવામાં અમે સફળ થઈશું તો યુદ્ધને લગતું કંઈ કામ અહીં નહીં થાય, પણ બીજી બાજુ, જો તમે નૈતિક દબાણ સિવાયનું કોઈ બળ વાપર્યા વિના લોકોનો ટેકો મેળવી શકો તો અમારે બડબડ કરવાનું કોઈ કારણ નથી રહેતું. તમને રાજાઓ, જમીનદારો, નાનામોટા, જેનો પણ ટેકો મળી શકે તે ભલે લો, પણ અમારો અવાજ પણ લોકો સુધી પહોંચવા દો. લોકોને કોઈની પણ વાત માનવા કે ન માનવાની તક આપો.

વ્યક્તિગત સત્યાગ્રહ

વાઇસરૉયને મળ્યા પછી પહેલી-બીજી ઑક્ટોબરે ગાંધીજીએ એક નિવેદન બહાર પાડ્યું. એમાં એમણે સત્યાગ્રહીઓને આદેશ જ આપ્યો કે મને અધીરા થઈને પૂછજો નહીં કે તમે વાઇસરૉયને મળી આવ્યા તે પછી હવે શું કરવાનું છે. વાઇસરૉય પાસેથી હું જે માગતો હતો તે નથી મળ્યું પણ આ નિષ્ફળતાથી હું વધારે મજબૂત બન્યો છું. નબળી સફળતા કરતાં મજબૂત નિષ્ફળતા સારી. મૌલાના સાહેબે ૧૧મીએ મીટિંગ બોલાવી છે, એમાં હું કદાચ સત્યાગ્રહની કોઈ યોજના રજૂ કરી શકીશ. દરમિયાન સૌએ યાદ રાખવાનું છે કે હું યોજના રજૂ ન કરું ત્યાં સુધી કોઈ જાતનો સીધો કે આડકતરો નાગરિક અસહકાર નથી કરવાનો. આનો ભંગ કરવાથી આપણો ઉદ્દેશ નબળો પડશે. તમારો સેનાપતિ અશિસ્તથી બહુ ગભરાઈ જાય છે. આમ પોતાની મરજીથી સત્યાગ્રહ કરનારાને એમણે શિસ્તની ચેતવણી આપી દીધી.

કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક પછી ગાંધીજીએ એક નિવેદનમાં સત્યાગ્રહની પોતાની યોજના જાહેર કરીઃ

‘ડાયરેક્ટ ઍક્શન’ની શરૂઆત વિનોબા ભાવે કરશે અને હાલ પૂરતું તો આ પગલું એમના સુધી જ મર્યાદિત રહેશે. આ વ્યક્તિગત નાગરિક અસહકાર છે એટલે વિનોબા એવો કાર્યક્રમ કરશે કે જેમાં બીજા કોઈ સીધી કે આડકતરી રીતે સંકળાયેલા ન હોય.

પરંતુ આ પગલું વાણી સ્વાતંત્ર્યના અધિકારનો ઉપયોગ કરવા સંબંધી હશે એટલે લોકો અમુક હદે તો સામેલ થશે જ. વિનોબાનું ભાષણ સાંભળવું કે નહીં તે લોકો જાતે નક્કી કરશે. પણ આનો ઘણોખરો આધાર તો સરકાર પર જ રહેશે. નાગરિક અસહકારને વ્યક્તિગત જ રાખવાના બધા જ પ્રયાસ કરાશે પણ સરકાર જો આવું કોઈ ભાષણ સાંભળવું કે સત્યાગ્રહી વ્યક્તિએ કંઈ લખ્યું હોય તે વાંચવું, એને પણ ગુનો બનાવી દેશે તો સંકટ વધારે ઘેરાશે. પરંતુ હું માનું છું કે સરકાર કોઈ પણ ગરબડને પહોંચી વળવા તૈયાર રહેશે તેમ છતાં જાતે કોઈ ઉપાધિને આમંત્રણ નહીં આપે. મેં વિનોબાજી સાથે જુદી જુદી રીતોની ચર્ચા કરી છે કે જેથી અકારણ ઘર્ષણ કે જોખમને ટાળી શકાય.

આમ ગાંધીજીએ આડકતરી રીતે શ્રોતાઓને પણ સત્યાગ્રહ માતે પ્રોત્સાહિત કર્યા, તો બીજી બાજુ સરકારનેય ચેતવણી આપી દીધી કે આ જે વ્યક્તિગત સત્યાગ્રહ દેખાય છે તેમાં શ્રોતાઓને પણ જો સરકાર ગુનેગાર માનશે તો એ બધું મળીને સામુદાયિક સત્યાગ્રહ જ થઈ જશે!

૧૯૪૦ની ૧૭મી ઑક્ટોબરે પવનાર આશ્રમમાં વિનોબાજીએ યુદ્ધ વિરુદ્ધ પહેલવહેલું ભાષણ કર્યું અને તે પછી એમણે પાંચ જગ્યાએ ભાષણો કર્યાં. એમને સાંભળવા માટે ભીડ એકઠી થતી. વિનોબાજી લોકોને કહી દેતા કે ભાષણ સાંભળવું એ અપરાધ નથી પણ સરકારનું ભલું પૂછવું. એટલે જેમને જવું હોય તે ચાલ્યા જાય. જે સાંભળવા રહે તેમણે પણ એમ સમજીને સભામાં રહેવું કે સરકાર એમની સામે પણ કાર્યવાહી કરી શકે છે. છેલ્લે સરકારને વિનોબાજીની ધરપકડ કરી લેવાની ફરજ પડી!

સાતમી નવેમ્બરે જવાહરલાલ નહેરુ સત્યાગ્રહ કરવાના હતા. એમણે સત્તાવાળાઓને જાણ કરી દીધી હતી એટલે એમને પહેલાં જ પકડી લઈને ચાર વર્ષની સજા કરવામાં આવી. ૧૭મી નવેમ્બરે સરદાર પટેલને કશા પણ આરોપ વિના પકડી લીધા અને લાંબા વખત સુધી અટકાયતમાં રાખ્યા. કોંગ્રેસ પ્રમુખ મૌલાના આઝાદે અલાહાબાદમાં સત્યાગ્રહ કર્યો અને જેલભેગા થઈ ગયા. ત્રીજી ડિસેમ્બરે રાજાજીએ સત્યાગ્રહ કરીને જેલવાસ વહોરી લીધો.

જિલ્લાઓની કોંગ્રેસ કમિટીઓને સત્યાગ્રહીઓની યાદી બનાવવાનું કામ સોંપાયું હતું. બધાં નામો ગાંધીજી પાસે જતાં. ગાંધીજી જેમની પસંદગી કરે તેને જ સત્યાગ્રહની છૂટ મળતી. લગભગ એકાદ વર્ષ વ્યક્તિગત સત્યાગ્રહ ચાલ્યો તેમાં આખા દેશમાંથી પચીસ હજાર કરતાં વધારે કોંગ્રેસ કાર્યકર્તાઓ ડિફેન્સ ઑફ ઇંડિયા રૂલ હેઠળ જેલોમાં ગયા. દરેકને ત્રણ મહિનાથી માંડીને ચાર-પાંચ વર્ષની સખત કેદની સજા કરવામાં આવતી.

અનેક સ્ત્રીઓએ પણ સત્યાગ્રહ કર્યો જેમાં સુચેતા કૃપલાની, ભાગ દેવી, પ્રિયંવદા દેવી, મહાદેવી કેજરીવાલ, સરદારકુમારી, પ્રિમ્બા દેવી, પ્રેમાબેન કંટક વગેરે મહિલાઓ મુખ્ય સત્યાગ્રહી હતી. આખા દેશમાંથી, અને ખાસ કરીને બિહારમાં ઘણા મુસલમાનો પણ વ્યક્તિગત સત્યાગ્રહ કરીને જેલમાં ગયા. બક્સર જિલ્લાના રાજપુરમાં બે મુસલમાન ભાઈઓએ નવું સૂત્ર બનાવ્યું હતું – ‘ના એક ભાઈ, ના એક પાઈ’. એટલે કે યુદ્ધમાં લડવા માટે અમારો ભાઈ તમને નહીં સોંપીએ અને લશ્કરના ખર્ચ માટે એક પાઈ (એ વખતનું સૌથી નાનું ચલણ) પણ નહીં આપીએ. સરકારની દૃષ્ટિએ આ નારો દેશના સંરક્ષણ માટે જોખમભર્યો લાગ્યો એટલે એમને જેલમાં પુરી દેવાયા.

ગાંધીજીએ ડિસેમ્બર ૧૯૪૦માં વ્યક્તિગત સત્યાગ્રહ રોકી દીધો. એ સાથે એનો પહેલો તબક્કો પૂરો થયો. તે પછી નવા વર્ષના જાન્યુઆરીમાં ફરી સત્યાગ્રહ શરૂ થયો, જેમાં બીજા વીસ હજાર લોકો જેલમાં ગયા.

ઘણાની નજરે વ્યક્તિગત સત્યાગ્રહ માટે લોકોમાં જોશ નહોતું એટલે બંધ રાખવો પડ્યો. પરંતુ ગાંધીજીએ એનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો. ૧૯૪૨ની ક્વિટ ઇંડિયા ચળવળ સુધીમાં એમણે વ્યક્તિગત સત્યાગ્રહ દ્વારા સુસ્ત અને સુષુપ્ત લોકોને આઝાદીની લડાઈ માટે તૈયાર કરી લીધા. ગાંધીજીને ‘માસ્ટર સ્ટ્રૅટેજિસ્ટ’નું બિરુદ અકારણ નથી મળ્યું.

૦૦૦

સંદર્ભઃ

1. The Indian Annual Register July-Dec 1940 Vol.II

2. https://www.jstor.org/stable/44158434?read-now=1&seq=1#page_scan_tab_contents

3. https://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/14211/12/12_chapter%205.pdf

4. https://en.wikipedia.org/wiki/August_Offer

%d bloggers like this: